Archive for June 2019

શતાયુ યોગ ટીચર: તાઓ પોર્ચન અને વી. નનમ્મલ


50 વર્ષ પછી યોગ ટીચર બનેલાં વી. નનમ્મલ આજે 100 વર્ષે ય દરરોજ 100 કરતાં વધુ વિદ્યાર્થીઓને યોગાસનો કરાવે છે
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

યોગ દિવસની ઉજવણી હજુ તાજી છે ત્યારે યાદ કરીએ 100 વર્ષના પડાવે પણ અસંખ્ય લોકોને યોગનું પ્રશિક્ષણ આપતાં બે વ્યક્તિત્વો - તાઓ પોર્ચન અને વી. નનમ્મલને.

દેશ-વિદેશમાં યોગનું મહત્વ વધતું જાય છે. બદલાતી જીવનશૈલી વચ્ચે યોગથી લોકોને નિરાંત મળી રહી છે. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની બહાર પહોંચેલા યોગે આજે અમેરિકા-યુરોપમાં વાવટા ફરકાવી દીધા છે. યોગનું પ્રયોજન માત્ર સાધના માટે યોગીઓ કરતા હતા, પણ તેને જીવનશૈલી સાથે જોડીને ૨૦મી સદીની શરૂઆતમાં વિવિધ આસનો ભારતીય યોગીઓએ વિકસાવ્યાં.
તે પહેલાં સામાન્ય લોકો યોગાસનો કરતા હોય એવું નહોતું બનતું. ૨૦મી સદીના શરૂઆતી દશકાઓમાં રોગની સારવાર માટે યોગાસનો પ્રયોજાવા લાગ્યાં. કાળક્રમે પંડિતોની પોથીઓ પૂરતી સીમિત બની ગયેલી યોગવિદ્યાને ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીના આરંભે ભારતીય યોગીઓએ લોકોપયોગી બનાવી.
તિરૂમલાઈ કૃષ્ણમાચાર્ય, સ્વામી શિવાનંદ, સ્વામી પ્રભાવનંદ જેવા યોગીઓએ પરંપરાગત યોગાસનોમાં ફેરફાર કરીને લોકોપયોગી નવાં આસનો વિકસાવ્યાં. ટી. કૃષ્ણમાચાર્યની પાઠશાળામાંથી તો બી.કે.એસ. આયંગર, ઈન્દ્રા દેવી, પટ્ટાભી જોઈસ, એ.જી. મોહન જેવા વિશ્વવિખ્યાત યોગગુરુઓ વિશ્વને મળ્યા.
મહર્ષિ મહેશ યોગી સહિતના ભારતના યોગગુરુઓએ વિશ્વમાં યોગને શિખરો સર કરાવ્યાં. ઈન્દ્રા દેવી જેવાં રશિયન યોગિનીએ સેલિબ્રિટીના ફિટનેસ ફંડામાં યોગને માનભર્યું સ્થાન અપાવ્યું. ઈન્દ્રા દેવી પછી એવું જ કામ ભારતમાં જન્મેલાં અમેરિકન નાગરિક તાઓ પોર્ચને કર્યું. હજુ ૧૦૧ વર્ષે ય તાઓ એ કામ કરી રહ્યાં છે.
                                                                 ******
તાઓ પોર્ચનનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. આઠ વર્ષની વયે યોગના પરિચયમાં આવેલાં તાઓ 100 વર્ષે ય નિયમિત વિદ્યાર્થીઓને યોગ શીખવે છે.
ફ્રેન્ચ પિતા અને ભારતીય માતાનાં સંતાન તાઓ પોર્ચનનો જન્મ ૧૯૧૮માં ભારતમાં થયો હતો. આઠ માસનાં હતા ત્યાં જ માતાનું અવસાન થયું. પુડુચેરીમાં રહેતા માતાના પરિવારે તેમનો ઉછેર કર્યો. આઠ વર્ષની વયે તેમણે એક દિવસ દરિયાકાંઠે કેટલાંક યુવાનોને યોગાસનો કરતા જોયા.
તેમને આ નવતર કસરતમાં રસ પડયો. ઘરે જઈને નવા પ્રકારના કરતબોની વાત કરી. ઘરેથી કહેવામાં આવ્યું કે તેને યોગ કહેવાય અને તે મોટાભાગે છોકરાઓ જ કરે છે. થોડા દિવસ તાઓએ દરિયાકાંઠે નિયમિત યોગાસનો જોયાં. તેમને આ પ્રકારની કસરતોમાં બહુ જ રસ પડયો. થોડાંક દિવસ પછી ઘરમાં યોગાસનો શીખવાની હઠ પકડી અને એમ આઠેક વર્ષની વયે તેમણે યોગાભ્યાસ શરૂ કર્યો.
પછી તો મહર્ષિ અરવિંદ પાસેથી પણ યોગાસનો આત્મસાત કરવાની તક મળી. તેમણે બી.કે.એસ આયંગર, પટ્ટાભી જોઈસ, મહેશ યોગી જેવાં યોગીઓ સાથે યોગાભ્યાસ કરીને કુશળતા મેળવી હતી.
યોગાભ્યાસ કર્યા પછી તેમણે અન્યને તાલીમ આપવાનું તો ઘણાં વર્ષો સુધી શરૂ કર્યું ન હતું. તંદુરસ્ત રહેવા માટે દરરોજ યોગની પ્રેક્ટિસ કરતા ખરા, પણ યુવાવસ્થામાં તેમણે ફેશન-અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. મોડલિંગ માટે જગતભરમાં પ્રવાસો કર્યા. બીજાં વિશ્વયુદ્ધ પછી બોલરૂમ ડાન્સિંગમાં કાબેલ બનીને સ્ટેજ શો કર્યા. ૧૯૫૦-૬૦ના થોડાંક વર્ષો બ્રિટનમાં રહ્યાં અને પછી અમેરિકામાં સ્થાઈ થયાં. અમેરિકામાં આવીને ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવી. મોડલિંગ-એક્ટિંગ-ડાન્સિંગમાં સફળ થયા પછી પણ તેમને યોગનું ખેંચાણ થયા કરતું હતું.
એ તક તેમને લગ્ન પછી મળી. લગ્ન પછી તેમણે યોગને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. પહેલાં ફિટનેસ માટે અને નિજાનંદ માટે યોગાભ્યાસ કરતા હતા, પણ હવે તેમણે અન્યોને યોગ શીખવવાના ઈરાદાથી થોડાંક વધુ આસનો શીખ્યાં. બી.કે. એસ આયંગર પાસેથી વધુ તાલીમ લઈને તેમણે લગભગ ૪૫ વર્ષની વયે પ્રોફેશનલ ધોરણે યોગની તાલીમ આપવાનું શરૂ કર્યું.
ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી એટલે ફિલ્મજગતના મોટા ગણાતા નામ સાથે અંગત પરિચય હતો. એમાંથી ઘણી અભિનેત્રીઓ તો તાઓને યોગ શીખવવાનું અગાઉ પણ કહી ચૂકી હતી. તાઓએ સેલિબ્રિટીઝના યોગગુરુ તરીકે કરિઅર શરૂ કરી અને સાથે સાથે ક્લાસિસમાં સામાન્ય લોકોને પણ યોગાસનો શીખવ્યાં.
૧૯૬૪-૬૫થી યોગ ટીચર તરીકે શરૂ કરેલું કાર્ય આજે ૫૫ વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. સૌથી મોટી વયે યોગાભ્યાસ કરાવાનો રેકોર્ડ પણ ગિનેસ બુકમાં તેમના નામે દર્જ થયો છે. ૨૦મી સદીના અંતમાં અમેરિકામાં યોગાસનોને લોકપ્રિય બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા જોતાં આ વર્ષે ભારત સરકારે પદ્મશ્રી આપીને તેમનું સન્માન કર્યું.
૧૦૧ વર્ષના પડાવે પહોંચેલા તાઓ પોર્ચન ન્યૂયોર્કમાં રહે છે અને હજુ ય સપ્તાહમાં ઓછામાં ઓછા આઠ ક્લાસમાં વિદ્યાર્થીઓને યોગ શીખવે છે. જગતભરમાં થતાં યોગાભ્યાસને લગતા વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બને છે. યોગ ટીચર ઉપરાંત બોલરૂમ ડાન્સર તરીકે તેમની ખ્યાતિ છે અને એ સિવાય યોગ પ્રશિક્ષણને લગતાં તેમના પુસ્તકો બેસ્ટ સેલર બની ચૂક્યા છે.
યોગ ટીચર, બોલરૂમ ડાન્સર અને લેખક તરીકે જાણીતા તાઓ યોગશક્તિ વિશે કહે છે: 'યોગાભ્યાસ કરુ છું એટલે તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષની થઈ છું. યોગાસનોથી જે મનની શાંતિ મળે તેને હું મારા પુસ્તકમાં પણ વ્યક્ત કરી શકી નથી. યોગ કરું છું એ જ પળે હું હિમાલયની ગોદમાં હોઉં એવી શાંતિ અનુભવું છું. મારી પાસે યોગાસનો શીખવા આવનારાઓને હું એક જ મંત્ર આપું છું કે આજે જિંદગીનો સર્વશ્રેષ્ઠ દિવસ છે એમ માનીને યોગથી દિવસની શરૂઆત કરશો તો ૨૧મી સદીના તણાવભર્યા વાતાવરણમાં ય તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષ જીવશો'.
                                                                       ******
ભારતનાં સૌથી મોટી વયના યોગ ટીચર વી. નનમ્મલ છે. ૧૯૧૯માં તમિલનાડુમાં જન્મેલા નનમ્મલને યોગનો વારસો પિતા-દાદા પાસેથી મળ્યો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલાં નનમ્મલે આઠ-નવ વર્ષે પિતા પાસેથી યોગાસનો શીખ્યાં હતા. તેમના પરિવારમાં પરંપરા હતી કે બધા જ બાળકોએ યોગાસનો ફરજિયાત શીખવાના, પરંતુ તેમાંથી કોઈ જાહેરમાં તેની પ્રક્ટિસ કરતા ન હતા. નનમ્મલે પણ ન કરી. એ સમયની પરંપરા પ્રમાણે ૧૬-૧૭ વર્ષની વયે નનમ્મલના લગ્ન થયાં.
સાસરે જઈને તેમણે યોગાભ્યાસ શરૂ રાખ્યો, પણ માત્ર પોતાના પૂરતો. અન્યને શીખવવાનો વિચાર સુદ્ધાં તેમણે કર્યો ન હતો. તેમના જીવનમાં ૭૦ના દશકામાં વળાંક આવ્યો. એક દિવસ ખેતરમાં કંઈક કામ કરતી વખતે તેમના સાસુની પગની નસ ખેંચાઈ ગઈ. ડૉક્ટરને બતાવ્યાં પછી ય કોઈ ફરક ન પડયો.
નનમ્મલને વિચાર આવ્યો કે તેમનાં સાસુ યોગાસનો કરે તો કદાચ તેમને ઘણી રાહત થઈ જશે. તેમણે સાસુને યોગાસનો શીખવ્યા. થોડાંક દિવસમાં ચમત્કારિક ફેરફાર થયાં અને પગ સાજો થઈ ગયો. તેમનાં સાસુને આ ઘટનાથી એવું સમજાયું કે જો નનમ્મલ મોટી વયની મહિલાઓને આવા સરળ આસનો શીખવે તો એ મહિલાઓને દર્દમાંથી રાહત મળે.
તેમનાં સાસુએ જ નનમ્મલને યોગ ટીચર બનાવવાનું પ્રોત્સાહન આપ્યું. નનમ્મલે બાળકોને યોગાસાનો શીખવીને સત્તાવાર રીતે યોગ ટીચર તરીકે નવી ઈનિંગ શરૂ કરી ત્યારે તેમની વય ૫૦ કરતા વધુ હતી. તેમણે પાડોશીઓને યોગાભ્યાસ કરાવ્યો. ધીમે-ધીમે સંખ્યા વધતી ગઈ. મહિલાઓને યોગાસનો શીખવવા તરફ તેમણે વધુ ધ્યાન આપ્યું. ગર્ભવતી મહિલાઓને સરળ યોગાસનો શીખવવા માટે તેમણે અમુક નવા આસનો પણ વિકસાવ્યાં.
છેલ્લાં ૪૫ વર્ષથી સક્રિય યોગ ટીચર તરીકે કાર્યરત રહીને તેમણે ૧૦ લાખ કરતા વધુ લોકોને યોગાસનો શીખવ્યાં છે. દરરોજ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓને નનમ્મલ જાતે યોગાભ્યાસ કરાવે છે. તેમના ૭૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ તો અત્યારે ભારત ઉપરાંત વિદેશમાં પણ યોગ શિક્ષક તરીકે કાર્યરત છે.
યોગ શિક્ષક તરીકેની આ નવી ઈનિંગે તેમને છેલ્લાં ૪૦-૪૫ વર્ષમાં અનેક સન્માનો અપાવ્યાં છે. રાષ્ટ્રીય નારી શક્તિ પુરસ્કારથી લઈને ૨૦૧૮માં મળેલાં પદ્મશ્રી સુધીના પુરસ્કારોનો એમાં સમાવેશ થાય છે. ૧૦૦ વર્ષના આ દાદીમાને પૌત્રો અને પ્રપૌત્રો સાથે સહજ રીતે યોગાસનો કરતા જોઈનો જોનારાઓ દંગ રહી જાય છે. પ્રેગનેન્સી દરમિયાન અને લગ્ન પછી મહિલાઓને અનેકાનેક શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. યોગાસનો એ સમસ્યામાંથી છૂટકારો અપાવે છે, તે બાબતે વિશેષ જાગૃતિ આવે એ દિશામાં આ ૧૦૦ વર્ષના દાદીમા છેલ્લાં થોડાંક વર્ષથી કાર્યરત છે.
યોગનું મહત્વ સમજાવતા નનમ્મલ કહેતાં હોય છે: 'ભારતીય જીવનશૈલી એવી છે કે એમાં યોગાસનો જરૂરી છે. આપણાં ખોરાકમાં મસાલેદાર અને ગળપણનું વધુ પડતું મિશ્રણ હોવાથી ૩૦-૪૦ વર્ષે જ શરીર સ્થૂળ બની જાય છે. એમાંથી છૂટકારો મેળવવો હોય અને હોસ્પિટલના ધક્કા ખાવામાંથી બચવું હોય તો નિયમિત ૪૫ મિનિટ યોગાસનો કરવા જોઈએ. યોગ માત્ર આસનો નથી, એક ઉપચાર પદ્ધતિ પણ છે'.
                                                                        ******
બંને શતાયુ યોગ ટીચરમાં કોમન બાબત એ છે કે બંને જીવનના બીજા પડાવમાં યોગ ટીચર તરીકે કાર્યરત થયાં હતાં અને બંનેએ બહુ જ નાની વયે યોગનું શિક્ષણ લીધું હતું. યોગની પ્રેક્ટિસથી તેમનું જીવન લાંબું અને નિરોગી છે અને જે ઉંમરે માણસ પથારીવશ થઈ જાય એ ઉંમરે આ બંને યોગિનીઓ દરરોજ તેમનાં વિદ્યાર્થીઓનો યોગ શીખવે છે.
બાળપણમાં શીખેલી કે બાળપણથી જેની ખ્વાહિશ હોય એવી કોઈ કળા-વિદ્યામાં ધાર કાઢીને મોટી ઉંમરે ન ધારેલી સફળતા મેળવી શકાય છે એનું જીવંત ઉદાહરણ આપવાનું હોય ત્યારે વિશ્વના સૌથી વયસ્ક યોગ ટીચર તાઓ પોર્ચન અને ભારતના સૌથી વયસ્ક યોગ ટીચર વી. નનમ્મલના નામનો ઉલ્લેખ થાય તો જવાબ ૧૦૦ ટકા સાચો માનવો જોઈએ! શું કહો છો?
Sunday, 23 June 2019
Posted by Harsh Meswania
Tag :

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ: ઈન્ટરનેટ સાથે કનેક્ટ લાઈફસ્ટાઈલનાં 20 વર્ષ

'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ'ની વ્યાખ્યા આપનારા સંશોધક કેવિન એશટોન

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' સૂત્રનું સર્જન ૧૯૯૯માં થયું હતું. કેવિન એશટોન નામના બ્રિટિશ સંશોધકે એ વાક્ય પ્રચલિત કરીને દુનિયાની 'દુનિયા' બદલી નાખી હતી.

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ.
૨૧મી સદી આ એક શબ્દપ્રયોગ આસપાસ ઘૂમી લઈ રહી છે. આપણને ઉપયોગી બધી જ ચીજવસ્તુઓનું ઈન્ટરનેટ સાથે જોડાણ થાય તેને 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' (આઈઓટી) કહેવાય છે. એકથી વધુ ડિવાઈસનું આંતરિક ઓટોમેટિક જોડાણ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. એક રીતે ડિવાઈસનું નેટવર્કિંગ એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ.
એનાથી આપણી રોજિંદી જિંદગી વધુ સરળ બને છે. ૨૦મી સદીના અંત સુધી માણસ મશીનને કમાન્ડ આપે ત્યારે ઓટોમેટિક કામ થતું હતું, પરંતુ દુનિયા હવે એટલી બદલાઈ ચૂકી છે કે એક મશીન જ મશીનને કમાન્ડ આપીને કામ કરાવે છે અને એમાં ઈન્ટરનેટની મદદ મળે છે.
ઈન્ટરનેટની કનેક્ટિવિટીથી જેટલી બાબતોને જોડી શકાય એ તમામ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. ધારો કે ફ્રિજમાં ફળ-શાકભાજીનો નિયત જથ્થો રાખ્યો છે. સેટિંગ્સ જ એવું કર્યું છે કે એટલો જથ્થો ઓછામાં ઓછો મેઈન્ટેન થાય. જેવો નિયત થયેલો જથ્થો ઓછો થાય કે તરત ફ્રિજ જાતે જ ફળો-શાકભાજીનો ઓર્ડર કરી નાખે તો એ 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' એક્ટ થઈ કહેવાય!
બીજું એક ઉદાહરણ જોઈએ, ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાનો ભય હતો એ વખતે આપણે કાર લઈને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર તરફ જઈએ ત્યારે કારનો વીમો આપનારી કંપનીના સેન્સર્સ ઓટોમેટિક આપણી કારને એ વિસ્તારમાં ન જવાનો સંકેત આપે તે ઈન્ટરનેટ ઓફ થિંગ્સના કારણે થયું કહેવાય.
કોઈ અવાવરું જગ્યાએ વાહનને અકસ્માત નડે ત્યારે ઈજાગ્રસ્ત બેહોશ હોય અને તેને કોઈની મદદ મળી શકે તેમ ન હોય, પણ વાહનમાં લગાવેલા વિશેષ સેન્સર્સથી નજીકના પોલીસ સ્ટેશનના કંટ્રોલરૂમને જાણ થાય અને એમ્બ્યુલન્સને ય લોકેશનની જાણકારી મળે; થોડાંક સમયમાં ડિવાઈસના આંતરિક કનેક્શનના કારણે મદદ મળી જાય અને માણસનો જીવ બચી જાય. આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી શક્ય બન્યું કહેવાય. આવા તો અનેકાનેક પરિવર્તનો આવ્યા છે, આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય જેવા કેટલાય ક્ષેત્રોમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વરદાન બનશે. તેનાથી માણસની સુખાકારીમાં ન ધારેલી ઝડપે પરિવર્તન આવશે.
સ્માર્ટ વિલેજનો કે સ્માર્ટ સિટીનો જે વિચાર છે તે પણ આમ તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે જોડાયેલો છે. ઈન્ટરનેટની મદદથી ઓટોમેટિક પદ્ધતિથી બધું જ થતું રહે તેને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. આપણે ત્યાં તો હજુ સ્માર્ટસિટીની વાતો થઈ રહી છે, પણ ખરા અર્થમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી ચાલતા શહેરનું ઉદાહરણ આપવાનું હોય તો મસદર શહેરનો ઉલ્લેખ કરવો પડે.
અબુ ધાબીથી ૧૭ કિલોમીટર દૂર આવેલું મસદર શહેર ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી સાકાર થઈ રહ્યું છે. ઝીરો કાર્બનના સંકલ્પ સાથે શહેરમાં વિવિધ સુવિધા મળશે. રણમાંથી આવતી ગરમ હવાને ઠંડી હવામાં પરિવર્તિત કરવા માટે ઊંચા વિંડ ટાવર્સ બનાવાયા છે. એના કારણે આપમેળે ઠંડક થતી રહે છે. છ-સાત બિલ્ડિંગ્સનું મોડેલ તૈયાર થઈ ચૂક્યું છે અને શહેરમાં લગભગ બધું જ સ્વયં સંચાલિત છે. એ માટે સીધી કે આડકતરી રીતે ઈન્ટરનેટની મદદ લેવાઈ છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા બહુ વિશાળ છે. અત્યારે ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું જેટલું અસ્તિત્વ છે એનાથી અનેકગણું આવનારા વર્ષોમાં હશે. તેની મદદથી અનેક ક્ષેત્રોમાં ન કલ્પેલી ક્રાંતિ થશે. ટેકનો-એક્સપર્ટ્સ માને છે કે આજે જે દુનિયા દેખાય છે તે આવનારા સમયમાં સદંતર બદલાઈ જશે. કૃષિ, ઔદ્યોગિક, માહિતી પછી ઈન્ટરનેટ ઓફ થિંગ્સને ચોથીક્રાંતિ ગણવામાં આવે છે. ઔદ્યોગિકક્રાંતિમાં પણ વળી પાંચમી ક્રાંતિ ઈન્ટરનેટ ઓફ થિંગ્સના કારણે થશે.
એક માણસ બીજા માણસ સાથે અલગ અલગ માધ્યમોથી કોમ્યુનિકેશન કરતો હતો. કોમ્યુનિકેશનના કેટલાય મીડિયમ બદલાયા પછી આખરે માણસ મશીન સાથે કોમ્યુનિકેશન કરતો થયો. હવે એક મશીન બીજા મશીન સાથે કોમ્યુનિકેશન કરીને માણસને મદદરૂપ થાય. આ સ્થિતિને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહે છે અને તે સૂત્રના સર્જનનું નામ છે - કેવિન એશટોન.
                                                                     ******
 સ્માર્ટ ઉપકરણોને જોડી શકાય તેવો પહેલો વહેલો વિચાર માણસને ૧૯૮૨માં આવ્યો હતો. એ વર્ષે ઈન્ટરનેટથી કનેક્ટ થયેલું કોલ્ડડ્રિંક્સનું વેન્ડિંગ મશીન કાર્નેગી મેલન યુનિવર્સિટીના કેમ્પસમાં મૂકાયું હતું. મશીનમાં મૂકાયેલું ડ્રિંક્સ ઠંડું છે કે નથી તેનો અહેવાલ ઈન્ટરનેટની મદદથી મળતો હતો.
એક ડિવાઈસથી બીજા ડિવાઈસને જોડવામાં ઈન્ટરનેટની મદદ લેવાઈ હતી એટલે તેને ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો સૌપ્રથમ સફળ પ્રયોગ કહેવાય છે. પરંતુ એ વખતે હજુ ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા અસ્તિત્વમાં ન હતી એટલે તેને યૂનિક કમ્પ્યુટરિંગ એવું નામ અપાયું હતું.
૧૯૯૧માં અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્ક વેઈઝરે યૂબિક્વિટ્સ કમ્પ્યુટરિંગ નામે ડિવાઈસથી ડિવાઈસને જોડયા પછી અસ્તિત્વમાં આવનારી સ્થિતિનો આછો-પાતળો ખ્યાલ સંશોધનપત્રમાં આપ્યો હતો. યૂબિક્વિટ્સ એટલે સર્વવ્યાપક હોય એવું. યૂબિક્વિટ્સ કમ્પ્યુટરિંગ એટલે બધે જ ઉપલબ્ધ હોય એવી કમ્પ્યુટર સિસ્ટમ. '૨૧મી સદીમાં કમ્પ્યુટરનો વિકાસ' એવાં વિષયના સંદર્ભમાં રજૂ થયેલી આ વ્યાખ્યાએ ખૂબ ચર્ચા જગાવી હતી.
માર્કના સંશોધનપત્ર પછી એ દિશામાં સંશોધન પણ થવા લાગ્યા હતા. થોડાંક વર્ષો પછી અમેરિકી કમ્પ્યુટર એન્જિનિયર બિલ જોયે ડિવાઈસ-ટુ-ડિવાઈસની કલ્પના રજૂ કરી હતી અને તેમાં સાયન્સ ફિક્શન લેખકોની કલ્પના જેવી શક્યતા વ્યક્ત કરી હતી.
૧૯૯૯માં બ્રિટિશ ટેકનો-એક્સપર્ટ કેવિન એશટોને આ બધા જ શબ્દપ્રયોગોનો નિચોડ રજૂ કરીને, તેમાં જરૂરી ફેરફાર સૂચવીને નવો જ વિચાર રજૂ કર્યો હતો અને તેને નામ આપ્યું હતું - ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઓટો-આઈડી સેન્ટરના સહસ્થાપક કેવિને આ શબ્દપ્રયોગ પ્રચલિત કરવાની સાથે સેન્સરિંગ ટેકનોલોજીના સંશોધનનો પણ પાયો નાખ્યો.
રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશનને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટે અનિવાર્ય ગણાવીને કેવિને કહ્યું હતું કે ડિવાઈસથી ડિવાઈસને જોડવા માટે મજબૂત વાયરલેસ ટેકનોલોજી વિકસાવવી પડશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સને કોઈન કરવા ઉપરાંત કેવિનનું મહત્વનું પ્રદાન એ છે કે તેણે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશનના ગ્લોબલ માપદંડો ઘડયાં.
રેડિયો ફ્રિકવન્સી વગર ઈન્ટરનેટ ઓફ થિંગ્સ વ્યાપક બની શકશે નહીં એવું શરૂઆતથી જ પારખી ગયેલા કેવિને ૧૯૮૯-૯૦માં શોધાયેલી બ્લૂટૂથ ટેકનોલોજીના વ્યાપમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. એટલે જ ૫૧ વર્ષના આ સંશોધકને માત્ર 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ' સૂત્રના સર્જક તરીકે જ નહીં, પરંતુ આ વિચારને નવી દિશા આપનારા સંશોધક તરીકે ય જગતમાં માન-સન્માન મળે છે. હવે તો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માત્ર બ્લૂટૂથ પૂરતી મર્યાદિત બાબત પણ નથી. તેનો વ્યાપ ઘણો વધારે છે.
બે દશકા પહેલાં જેની માત્ર કલ્પના રજૂ થઈ હતી એ વ્યાખ્યાએ આજે દુનિયા બદલી નાખી છે. કેવિને વિચાર આપ્યો હતો. વિચારનો વિસ્તાર કર્યો હતો અને વિચાર સાકાર કરવામાં પણ ભૂમિકા ભજવી હતી.
                                                                       ******
વર્ષો પછી એ જ દિશામાં સંશોધનો આગળ વધ્યા અને આજે બે ડિવાઈસ જોડવા માટે વાયરલેસ કનેક્શન કોમન થિંગ છે. આજે અમેરિકા-યુરોપમાં ૪૭ ટકા હોમ ડિવાઈસનું સ્માર્ટફોન સાથે જોડાણ છે. વિશ્વના ૨૦ ટકા લોકો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે એક નહીં તો બીજી રીતે જોડાઈ ચૂક્યા છે. વિવિધ સેન્સર્સ ઈન્ટરનેટ ઓફ થિંગ્સના વાહક બની ગયા છે.
સરેરાશ સ્માર્ટફોનધારક સ્માર્ટફોન સાથે અન્ય ડિવાઈસ જોડીને ઈન્ટરનેટ ઓફ થિંગ્સના અસ્તિત્વને આગળ વધારે છે. સર્વેક્ષણમાં એવો ય દાવો થવા લાગ્યો છે કે આગામી પાંચ વર્ષમાં ૫૦ ટકા ઈન્ટરનેટ યુઝર્સ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો હિસ્સો બની જશે.
ઈન્ટરનેટની શોધથી જે સિલસિલો શરૂ થયો હતો તે ડબલ્યુડબલ્યુડબલ્યુની શોધથી વિસ્તર્યો હતો અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સની વ્યાખ્યા પછી સર્વવ્યાપક-સર્વત્ર બન્યો છે. ૨૧મી સદી આ શબ્દપ્રયોગની પરિક્રમા કરશે તે નક્કી છે!
માનસમાં તુલસીદાસજીએ ઈશ્વરના અસ્તિત્વના સંદર્ભમાં કહ્યું હતું:
હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના
એમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) માટે ય કહેવું જોઈએ,
આઈઓટી વ્યાપક સર્વત્ર સમાના, સેન્સર્સ સે પ્રગટ હોહિ મૈં જાના!

************************

ઈન્ટરનેટ ઓફ થિંગ્સ: હેકર્સની પહેલી પસંદ

ઈન્ટરનેટ ઓફ થિંગ્સની સુવિધા વરદાનરૂપ છે એમાં બે મત નથી, પરંતુ તેનાથી પ્રાઈવસીની મુશ્કેલી પણ વધવા માંડી છે. એક જ ડિવાઈસ સાથે અનેક બાબતો જોડાયેલી હોવાથી હેકર્સ સરળતાથી આપણો ડેટા મેળવી શકે છે. ભવિષ્યમાં જેમ જેમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો વ્યાપ વધશે તેમ તેમ હેકર્સનો ખતરો પણ વધશે.
સામાન્ય રીતે અન્ય ડિવાઈસને આપણે ઈન્ટરનેટથી જોડી રાખવા માટે સ્માર્ટફોન સાથે જોડીએ છીએ. તેના કારણે હેકર્સનું કામ વધુ સરળ બની જાય છે. તેને માત્ર એક ડિવાઈસ જ હેક કરવાનો રહે છે. એ સાથે જ સ્માર્ટફોનથી જોડાયેલા બધા ડિવાઈસ-સેન્સર્સનો ડેટા હેકર્સના હાથમાં પહોંચી જશે.
જરૂરી નથી કે દરેક વખતે આ હેકિંગનો ઉપયોગ બ્લેકમેઈલિંગ માટે જ થાય, માર્કેટિંગ માટે ય થઈ શકે! ધારો કે સ્માર્ટફોન સાથે જોડાયેલા એસી-ફ્રિજની જાણકારી હેકર્સને મળે અને એનો ડેટા કંપનીઓ સુધી પહોંચે તો કંપનીઓના એસી-ફ્રિજ એક્સચેન્જના મેઈલ-મેસેજ-કોલ શરૂ થઈ શકે.
આવું તો ઘણું થઈ શકે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માણસની સુખાકારીમાં વધારો કરે છે એનો અર્થ એ કે તેનું જોડાણ સીધું ઘર-પરિવાર સાથે હોવાનું, એ જ બાબતનો ગેરલાભ હેકર્સ ઉઠાવી શકે છે. એટલે જ દુનિયાભરના ટેકનો-એક્સપર્ટ્સ અત્યારથી જ ઈન્ટરનેટ ઓફ થિંગ્સને હેકર્સથી પ્રોટેક્ટ કરવા ઉપર વધુ ભાર આપી રહ્યા છે.
Sunday, 16 June 2019
Posted by Harsh Meswania
Tag :

BJP-TMCનું પોસ્ટકાર્ડ વૉર દેશને રૂ. 3.49 કરોડમાં પડશે!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બીજેપી-ટીએમસી વચ્ચે એક-બીજાને જથ્થાબંધ પોસ્ટકાર્ડ મોકલવાની લડાઈ શરૂ થઈ છે. આ વૉર પોસ્ટવિભાગ માટે કેવું પરિણામ લાવશે? સરવાળે તેનાથી ફાયદો થશે કે નુકસાન?

ચૂંટણી પૂરી થઈ જાય પછી પણ ભારતમાં રાજકારણ પૂરું થતું નથી! ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજુય એવું જ રાજકારણ ચાલું છે. તેના ભાગરૂપે બંને પક્ષોના કાર્યકરો એકબીજાના નેતાને પોસ્ટકાર્ડ મોકલીને રાજકીય વૉર આગળ વધારી રહ્યા છે.
પશ્વિમ બંગાળના ભાજપ યુનિટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને 'જય શ્રીરામ' લખેલા ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ પણ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને 'જય હિંદ, વંદે માતરમ્, જય બાંગ્લા' લખેલાં ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની ઘોષણા કરી. દસેક હજાર જેટલાં પોસ્ટકાર્ડ્સનો પહેલો જથ્થો તો નેતાઓને ડિલિવર પણ થઈ ચૂક્યો છે!


જો આમને આમ ચાલ્યું તો ભાજપ-ટીએમસી વચ્ચે ૩૦ લાખ પોસ્ટકાર્ડની આપ-લે થશે. કદાચ વધારે પણ થાય. બાબુલ સુપ્રિયો જેવા ભાજપના અન્ય નેતાઓએ પણ મમતા બેનર્જીને 'ગેટ વેલ સૂન' લખેલા પોસ્ટકાર્ડ્સ મોકલવાની જાહેરાત કરી હતી. એ રીતે જો અલગ અલગ સ્થળેથી ભાજપના નેતાઓ કેમ્પેઈન ચલાવે તો પોસ્ટકાર્ડ્સની સંખ્યા વધી શકે છે. સામે તૃણમૂલ કોંગ્રેસ પણ વળતો જવાબ આપશે જ એટલે પોસ્ટકાર્ડ્સની આપ-લેમાં બીજાં થોડાંક લાખ ઉમેરાઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!
આ પોસ્ટકાર્ડ વૉરથી કોને કેટલો ફાયદો થશે અને કોને કેટલું નુકસાન થશે એ તો સમય કહેશે, પરંતુ એનાથી ભારતને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે એ અત્યારથી જ નક્કી છે!
                                                                         ******
૧,૫૪,૯૬૫ પોસ્ટ ઓફિસ સાથે ભારતીય ટપાલ વિભાગ દુનિયાનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવે છે. ભારત જેવા વિશાળ દેશમાં સરેરાશ ૨૧ કિલોમીટરે એક પોસ્ટ ઓફિસ છે. દેશમાં પોસ્ટકાર્ડની સર્વિસ શરૂ થઈ તેને જુલાઈ-૨૦૧૯માં ૧૪૦ વર્ષ થશે. શરૂઆતમાં પોસ્ટવિભાગ કમાણી કરી આપતો વિભાગ હતો. કોમ્યુનિકેશનના માધ્યમો મર્યાદિત હતા ત્યારે ટપાલનું મહત્વ હતું એટલે તેમાંથી સરકારને ઠીક-ઠીક આવક પણ થતી. પછી આવક ઓછી થઈ છતાં થોડાંક વર્ષ નુકસાન થાય એવી સ્થિતિ સર્જાઈ ન હતી.


પરંતુ હવે દર વર્ષે પોસ્ટકાર્ડમાં સરકારને કરોડોનું નુકસાન થાય છે. પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ખૂબ ઊંચી છે, સામે આવક અતિશય ઓછી છે. ટપાલ વિભાગના છેલ્લાં અહેવાલ પ્રમાણે સરકાર એક સાદા પોસ્ટકાર્ડ પાછળ રૂ. ૧૨.૧૫નો ખર્ચ કરે છે. તેની બજાર કિંમત ૫૦ પૈસા છે. પ્રોડક્શન કોસ્ટની તુલનાએ આવક માત્ર ચાર ટકા છે. એક પોસ્ટકાર્ડ પાછળ સરકાર રૂ. ૧૧.૬૫ની ખોટ કરે છે.
સરકારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું એ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં પોસ્ટકાર્ડના પ્રોડક્શન ખર્ચમાં રૂપિયા ૪.૬૬નો વધારો થયો છે. ૨૦૧૦-૧૧ના વર્ષમાં સાદા પોસ્ટકાર્ડના ઉત્પાદન પાછળ રૂપિયા ૭.૪૯નો ખર્ચ થતો હતો. તે વધીને ૧૨.૧૫ રૂપિયા થયો છે. બીજી તરફ વેંચાણ કિંમત તો ત્યારે ય ૫૦ પૈસા હતી અને આજેય ૫૦ પૈસા જ છે.
૨૦૦૩-૦૪ના વર્ષમાં સાદા પોસ્ટકાર્ડનો પ્રોડક્શન ખર્ચ રૂ. ૬.૮૯ હતો અને ત્યારે ય સાદું પોસ્ટકાર્ડ ૫૦ પૈસામાં મળતું હતું. છેલ્લાં દોઢ દશકામાં પોસ્ટકાર્ડના પ્રોડક્શન ખર્ચમાં ૭૬ ટકાનો વધારો થયો છે, પરંતુ વેંચાણ કિંમતમાં એક પૈસાનો પણ વધારો થયો નથી. કદાચ ભારતની આ એકમાત્ર એવી સરકારી પ્રોડક્ટ છે, જેની કિંમત દાયકાઓથી જરાય વધી નથી.
૨૦૧૬-૧૭ના અહેવાલનો જ આધાર લઈએ તો પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ પાછળ ૧૧.૭૪ રૂપિયાનો ખર્ચ થાય છે. તેના એક વર્ષ પહેલાં એક પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૯.૨૭ રૂપિયામાં તૈયાર થતું હતું. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે છતાં તેનું વેંચાણ મૂલ્ય વધારાયું નથી.
ખોટ તો એમાં ય આવે જ છે, છતાં ય સાદા પોસ્ટકાર્ડમાં સરકારની તિજોરી ઉપર જેટલો બોજ આવે છે એટલો બોજ પ્રિન્ટેડ પોસ્ટકાર્ડથી આવતો નથી. કારણ કે તેની વેંચાણ કિંમત ૬ રૂપિયા છે. એક સાદું પોસ્ટકાર્ડ ૯૬ ટકા ખોટ કરે છે, જ્યારે પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૪૯ ટકા ખોટ કરે છે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડનું આશ્વાસન એટલું છે કે તે ૫૧ ટકા ખર્ચ રિકવર કરે છે!
અંતર્દેશીય પત્રની હાલત પણ આમ તો એવી જ છે. ૧૨.૦૭ રૂપિયાના ખર્ચ પછી તે ૨.૫૦ રૂપિયા પાછા લાવે છે. ૨૦૧૫-૧૬માં અંતર્દેશીય પાછળ સરકારને ૯.૬૮ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખર્ચમાં અઢી રૂપિયા જેટલો વધારો થયો હતો, પરંતુ તેની વેંચાણ કિંમત યથાવત રાખવામાં આવી હતી.
પ્રતિયોગિતા (કૉમ્પિટિશન પોસ્ટકાર્ડ) પત્ર અને સાધારણ પત્ર એ બે પ્રોડક્ટ એવી છે કે જેમાં ૯૦ ટકા સુધીની રકમ પાછી આવે છે. પ્રતિયોગિતા પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ૧૧.૭૫ રૂપિયા છે અને તેની વેંચાણ કિંમત ૧૦ રૂપિયા છે. લેટર પાછળ ૧૩.૩૦ રૂપિયાનો ખર્ચ થાય છે અને તેનું મૂલ્ય ૧૨.૯૧ રખાયું છે. પરંતુ આ બંને પ્રોડક્ટની ખાસ ડિમાન્ડ રહેતી નથી. ઈનશોર્ટ, ભારતીય ટપાલ વિભાગની ઉપરોક્ત એકેય પ્રોડક્ટમાંથી નફો થતો નથી.
                                                                  ******
વેલ, અહીં કદાચ એવો ય સવાલ થાય કે હવે પોસ્ટકાર્ડ કોણ ખરીદતું હશે? ઈ-મેઈલ, મેસેજ, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાના જમાનામાં વધી વધીને કેટલાં પોસ્ટકાર્ડ વેંચાતા હોય? અમુક હજાર? કદાચ અમુક લાખ? પોસ્ટકાર્ડ્સ વેંચાતા નહીં હોય એટલે તેના ભાવ વધ્યા નહીં હોય. પોસ્ટકાર્ડ્સ વેંચાતા નહીં હોય તો ટપાલ વિભાગને ઝાઝી ખોટ થવાનો ય પ્રશ્ન નથી.
પણ ના. એવું બિલકુલ નથી. છેલ્લા રીપોર્ટ પ્રમાણે ૨૦૧૬-૧૭માં ૯૯.૮૯ કરોડ પોસ્ટકાર્ડ્સ વેંચાયા હતા. જી હા. ઓલમોસ્ટ ૧૦૦ કરોડ પોસ્ટકાર્ડ્સ હજુ ય એક વર્ષમાં વેંચાય છે. તેના આગલા વર્ષે ૧૦૪ કરોડ પોસ્ટકાર્ડ્સનો ઉપયોગ થયો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં પોસ્ટકાર્ડનો ઉપયોગ ઘટયો છે એ વાત સાચી છે છતાં એટલો મોટો ઘટાડો ય નથી આવ્યો.
૨૦૦૯-૧૦ના અહેવાલ પ્રમાણે ૧૧૯ કરોડ પોસ્ટકાર્ડ્સ વેંચાયા હતા. તેનો અર્થ એ કે ૨૦૧૦થી ૨૦૧૭ સુધીમાં પોસ્ટકાર્ડ્સના વેંચાણમાં ૧૬ ટકા જેવો ઘટાડો થયો હતો છતાં ય માતબર સંખ્યામાં પોસ્ટકાર્ડ્સનો વપરાશ થાય છે.
વર્ષે વેંચાતા ૧૦૦ કરોડ પોસ્ટકાર્ડ્સ પાછળ ટપાલ વિભાગ અંદાજે ૧૨૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચે છે અને વળતર માંડ ૫૦-૭૦ કરોડ હશે. કદાચ આ જ કારણ છે કે પોસ્ટ વિભાગ ભારતની ખોટ કરતી સરકારી કંપનીના લિસ્ટમાં પહેલી હરોળમાં છે. ચાલુ વર્ષના અંતે ટપાલ વિભાગની ખોટ ૧૫,૦૦૦ કરોડે પહોંચી જાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.
                                                                ******
ધારો કે બીજેપી-ટીએમસી ખરેખર એકબીજાને ૩૦ લાખ પોસ્ટકાર્ડ્સ મોકલશે તો કદાચ પોસ્ટકાર્ડ્સના વેંચાણમાં નોંધપાત્ર વધારો થશે. તે સાથે જ પોસ્ટ વિભાગની ખોટમાં ય વધારો થશે! જો બંને પક્ષ સાદા પોસ્ટકાર્ડ્સ ઉપર પસંદગી ઉતારે તો ૩૦ લાખ પોસ્ટકાર્ડ્સ ખરીદવા માટે બંને પક્ષે મળીને ૧૫ લાખ રૂપિયા ખર્ચ કરવાનો થાય.
સાદા પોસ્ટકાર્ડની પ્રોડક્શન કોસ્ટ ૧૨.૧૫ રૂપિયા છે. તે હિસાબે ટપાલ વિભાગને આ પોસ્ટકાર્ડ્સ પાછળ ૩,૬૪,૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે. તેનો સાદો અર્થ એ પણ થયો કે બીજેપી-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર દેશને ૩.૬૪ કરોડ રૂપિયામાં પડશે! પડતર કિંમતમાંથી ૧૫ લાખ ઘટાડીએ તો ય તો ય સાડા ત્રણ કરોડની ખોટ તો નક્કી જ છે.
માનો કે આ બંને પાર્ટી પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ઉપર પસંદગી ઉતારે તો નુકસાન થોડુંક ઘટે. ભાજપ ૧૦ લાખ પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ્સ ખરીદે તો એ પાછળ ૬૦ લાખ રૂપિયા પાર્ટીએ ખર્ચવા પડે. તૃણમૂલ કોંગ્રેસ ૨૦ લાખ પોસ્ટકાર્ડ્સ ખરીદે તો એ માટે ૧.૨૦ કરોડ ખર્ચવાના થાય. થોડાંક પોસ્ટકાર્ડ્સની આપ-લે વધે અને બંને પાર્ટી પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ પાછળ બે કરોડ ખર્ચે તો પણ પોસ્ટવિભાગને ફાયદો તો નથી જ થવાનો. પણ હા નુકસાન ઓછું થશે. પ્રિન્ટેડ પોસ્ટકાર્ડ ૧૧.૭૪માં તૈયાર થાય છે, પરંતુ તેનો ભાવ ૬ રૂપિયા હોવાથી ખોટની ટકાવારી ઘટશે.
                                                                    ******
ચલો, આને જરાક જુદી રીતે વિચારીએ! ભાજપ-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર ધારો કે સોશિયલ મીડિયામાં છેડાય. બંને પક્ષોના કાર્યકરો એકબીજાના નેતાને ટેગ કરીને ભલે 'જય શ્રી રામ', 'જય બાંગ્લા', 'જય હિંદ', 'વંદે માતરમ્'ના સૂત્રો લખે. આમેય ટ્વીટર ઉપર ટેગ કરવામાં કોઈ પાબંદી નથી. ૩૦ લાખ પોસ્ટકાર્ડની જાહેરાત થઈ છે એને બદલે કદાચ દરરોજ કે દર અઠવાડિયે સામ-સામી ૩૦-૩૦ લાખ ટ્વીટ કરીને નારા લખી શકે અને એનો વળી કોઈ ખર્ચ નથી, સિવાય કે સમય અને ડેટા!
જો આવું થાય તો પેલા પ્રિન્ટેડ પોસ્ટકાર્ડની ખરીદી પાછળ બંને પાર્ટીએ ખર્ચવાના થતાં અંદાજિત બે કરોડ રૂપિયાનું શું? દેશમાં હકારાત્મક રાજનીતિ થતી હોત તો આ બે કરોડ રૂપિયાથી કાચા મકાનમાં કે ઝુંપડામાં રહેતા ઘણાં પરિવારો પાકા ઘરમાં રહેવા માંડે.
હા. જરૂરતમંદ પરિવારોને બે લાખની સહાય થાય અને સરકાર જમીન આપે (બંને પક્ષ સત્તામાં છે, ભાજપ શાસિત કેન્દ્ર સરકાર તેમના અધિકારક્ષેત્રમાં અને ટીએમસી પશ્વિમ બંગાળમાં તેમના અધિકારક્ષેત્રમાં જમીન આપી શકવા સક્ષમ છે) તો ૧૦૦ પરિવારો ઉપર છત બની શકે. ટપાલ વિભાગની ૩૦ લાખ ટપાલોમાં થતી ખોટ બચી જાય એ નફામાં, ને હડિયાપટ્ટી કરવામાંથી ઘણાં પોસ્ટમેનને મુક્તિ મળે તે વળી ટપાલવિભાગ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ!
પરંતુ આપણે ત્યાં આવું થતું નથી. આમાં ય નહીં થાય. મતોના ગણિતથી રાજકારણ થતું હોય ત્યાં મતિના ગણિત માંડીને રાજકારણ થશે એવી અપેક્ષા ય રાખી શકાય તેમ નથી.
વેલ, અત્યારે તો બીજેપી-ટીએમસીનું પોસ્ટકાર્ડ વૉર જુઓ. આખરે આ તમાશો દેશના ટેક્સપેયર્સની મનીમાંથી જ તો થશે. પોસ્ટવિભાગની વર્ષોવર્ષની ખોટ બીજે તો ક્યાંથી ભરપાઈ થશે?
Sunday, 9 June 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -