- Back to Home »
- Cartoon Character »
- ઓગીઃ કોક્રોચ સામે ક્યારેક હારતો અને ક્યારેક જીતતો બિલાડો
Posted by :
Harsh Meswania
Saturday, 19 May 2012
'ઓગી એન્ડ ધ કોક્રોચીસ' નામની ફ્રાન્સની એનિમલ કોમેડી શ્રેણીની ખૂબ જ લોકપ્રિય કોમેડી શોમાં ગણના થાય છે. મુખ્ય કેરેક્ટર ઓગી નામનો બિલાડો સામાન્ય રીતે ઘરમાં કામ કરતો રહે છે અને નવરાશના સમયમાં ટીવી જૂએ છે. તેને રસોઈનો પણ બહુ શોખ હોય છે. ધીરે ધીરે તેની કોક્રોચ સાથે મીઠી લડાઈ શરૃ થાય છે અને પછી તો ત્રણ કોક્રોચ તેના જીવનનો અભિન્ન અંગ જેવા બની જાય છે.
ત્રણેય કોક્રોચ ઓગીને સતત પરેશાન કરતા હોય છે. ઓગીના કેરેક્ટરને દરેક વખતે જીતતું જ બતાવાતું નથી. ક્યારેક પેલા ત્રણેય કોક્રોચ બાજી મારી જાય છે, તો કોઈક એપિસોડના અંતે ઓગી ત્રણેય પર પોતાની અવનવી કરતબોના કારણે ભારે પડે છે.
થોડા આળસુ પ્રકારના ઓગીને જૂઈ, ડીડી અને માર્કી સાથે ખટપટ કરતો બતાવાયો છે. અન્ય કાર્ટૂન કેરેક્ટરથી ઓગી અલગ એ રીતે પડે છે કે તે સ્માર્ટ હોવા છતાં દરેક એપિસોડના અંતે અન્ય કાર્ટૂન શ્રેણીઓના મુખ્ય કેરેક્ટરની જેમ હેપી એન્ડ નથી આવતો. ક્યારેક ઓગી બાજી મારી જાય છે તો ક્યારેક પેલા ત્રણ કોક્રોચ ઓગી પર ભારે પડી જાય છે.
જોકે, લડાઈ ઝઘડા છતાં ઓગીને આ કોક્રોચ ગમે છે. જ્યારે તે ઘરમાં એકલો હોય ત્યારે જો આ ત્રણેય હાજર ન હોય તો ઓગી પરેશાન થઈ જાય છે. ત્રણેય કોક્રોચનો અવાજ સ્માર્ટ ઓગી રેકોર્ડ કરી લેતો હોય છે. ક્યારેક ત્રણેયની ગેરહાજરીમાં ઓગી રેકોર્ડ થયેલો કોક્રોચનો અવાજ સાંભળતો હોય છે.
જ્યારે ઓગીને પરેશાન કરતા આ ત્રણેય હાજર હોતા નથી ત્યારે જ ઓગીને એવો અહેસાસ થાય છે કે કોક્રોચ વિના અધૂરું છે. ઓગીને એકલા રહેવા કરતા કોક્રોચ સાથે સતત ફાઇટ કરીને રહેવાનો વધુ આનંદ આવે છે. ઓગી સ્માર્ટ હોવા છતાં ભોળો છે અને આ જ તેની મુખ્ય ખાસિયત છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)