- Back to Home »
- Cartoon Character »
- સ્પીડનો પર્યાય : સ્પીડી ગોન્ઝેલ્સ
Posted by :
Harsh Meswania
Saturday, 26 May 2012
'ધ લુની ટયૂન્સ'નું સ્પીડી ગોન્ઝેલ્સ એક આગવા અંદાજ સાથેનું કાર્ટૂન કેરેક્ટર છે. આ ઉંદરને મોટાભાગે સ્પીડીના નામે જ ઓળખવામાં આવે છે. તેની ખાસિયત ઝડપ છે. મેક્સિકોના ફાસ્ટેસ્ટ માઉસના કાર્ટૂનમાં તેની ગણના થાય છે.
સ્પીડીનો પહેરવેશ પણ તેને અન્યથી અલગ પાડી દે છે. યેલ્લો કેપ, વ્હાઈટ શર્ટ અને રેડ હાથરૃમાલ સાથે જ હંમેશાં જોવા મળતા આ મેક્સિકન કાર્ટૂને વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી છે. કાર્ટૂન સિરિઝમાં સ્પીડી ઉંદરનું કામ પોતાના મિત્રો માટે ખોરાક મેળવી આપવાનું હોય છે.
બિલાડીની નિગરાનીમાં રહેલો ખોરાક તે તેની કુશળતા વાપરીને લઈ આવે છે. મેક્સિકન ઉચ્ચારણોથી હાસ્યનું સર્જન કરવાની તેની કળા પણ રમૂજી છે. તેની કામ કરવાની સ્ટાઇલ ખરેખર તેને મૂર્ખ સાબિત કરતી રહે છે, પણ કામનું પરિણામ હકારાત્મક હોવાના કારણે તે સ્માર્ટ તરીકે ઊભરી આવે છે.
આ કાર્ટૂનનો જન્મ આમ તો છેક ૧૯૫૩માં થયો હતો. 'કેટ ટેઈલ્સ ફોર ટુ' ના નામે રોબર્ટ મીકીમ્સનના દિગ્દર્શન તળે સૌપ્રથમ વખત સ્પીડી ગોન્ઝેલ્સ નામના કાર્ટૂન કેરેક્ટરનો જન્મ થયો હતો. ત્યાર પછી તો દુનિયાભરમાં ટેલિવિઝન શ્રેણીઓમાં સ્પીડીને સ્થાન મળ્યું છે. અલગ અલગ ભાષાઓમાં તેને સ્પીડીના મુખ્ય ગુણોને ધ્યાનમાં રાખીને બાળકો માટેની સીરિઝ બની છે.
ત્યાર બાદ વોર્નર બ્રધર્સે લુની ટયૂન્સ કાર્ટૂન પરથી ૨૦૧૦માં ફિલ્મ બનાવી. હવે તો આ સિરિઝ અને તેના દરેક કાર્ટૂન કેરેક્ટર્સ પોતપોતાની આગવી ઓળખ સાથે લોકપ્રિય છે અને તેમાં સ્પીડીની સ્પીડ તો બધાંથી નિરાળી છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)