- Back to Home »
- madhyantar »
- તમને જેટલું ખાવા નથી મળતું એટલું તો અમે થાળીમાં છોડી દઈએ છીએ!
Posted by :
Harsh Meswania
Wednesday, 17 October 2012
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
પ્રતિવર્ષે ૧૬મી ઓક્ટોબરને યુએનની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) વિશ્વ ખોરાક દિન તરીકે ઊજવે છે. વિશ્વમાં અસંખ્ય ભૂખ્યા લોકોને બે ટંકનું પૂરતુ ભોજન મળી જાય તે માટેના પ્રયાસો છેલ્લા ચારેક દશકાથી એફએઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે તો બીજી તરફ અમુક દેશોમાં ખોરાકનો વિપુલ જથ્થો મિસમેનેજમેન્ટના કારણે વેડફાઈ જાય છે. આ બે છેડાને જોડવા સતત મથામણ કરવામાં આવી રહી છે
વિશ્વ અત્યારે અમીરો અને ગરીબોના બે ભાગમાં એવી રીતે વહેંચાઈ ગયું છે કે તેના વચ્ચે વ્યવસ્થિત સેતુ બાંધવામાં આવે તો મોટાભાગની સમસ્યા હલ થઈ શકે છે. અલ્પાહાર અને અત્યાહાર વચ્ચે પણ આવી જ મોટી ખાઈને પૂરવાના પ્રયાસો વર્ષોથી કરવામાં આવી રહ્યા છે, પણ આ સામસામાના ધ્રુવને ભેગા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ વિશ્વમાં કરોડો લોકો એવા છે જેની થાળીમાં એક દાણો અન્ન નથી, તો એનાથી પણ વધુ લોકો એવા છે જેની થાળીમાં બમણો ખોરાક છે અને જરૂરિયાત ન હોવા છતાં આ ખાઉધરા લોકો એ ખોરાક આરોગી શકાય એટલો આરોગે છે બાકીનો પડતો મૂકી દે છે જે કચરામાં ભળી જાય છે.
કુપોષણ અને અલ્પાહારથી પીડાતા કરોડો લોકો
વિશ્વમાં ૧૦૦ કરોડ જેટલા લોકોને પૂરતું ભોજન મળતું નથી. જેમાંથી ૫૭ કરોડ લોકો તો ભારત સહિતના એશિયન દેશોમાં રહે છે. આ સિવાય સાડા પાંચ કરોડ લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં વસવાટ કરે છે. ૨૭ કરોડ લોકો આફ્રિકન દેશોમાં રહે છે અને બાકીના વિકસિત દેશોના ૨ કરોડ લોકોને પૂરતો ખોરાક મળતો નથી. ૨૧મી સદીમાં જો વિશ્વની કુલ વસ્તીને પૂરતો ખોરાક ન મળી શકતો હોય તો એ સૌથી મોટી કમનસીબી કહેવાય, પણ એથીય મોટી કમનસીબી એ છે કે એક તરફ આવા ગરીબ લોકો છે કે જે કુપોષણનો ભોગ બની રહ્યા છે, તો એક તરફ એવો મોટો વર્ગ છે જે જરૂરિયાત કરતાં વધારે ખોરાક આરોગીને મોતને નોતરે છે. આ ઉપરાંત એવા લોકોની પણ કમી નથી કે જે પોતાની જરૂરિયાત કરતાં વધુ ખોરાક મેળવી લે છે અને પછી આ વાસી ખોરાક કશા જ કામનો રહેતો નથી. ખોરાકનો બગાડ તો થાય છે, ઉપરથી પ્રદૂષણ પણ વધે જ છે.
વિશ્વમાં કેટલો ખોરાક વેડફાય છે?
વિશ્વમાં કરોડો લોકો કુપોષણથી પીડાય છે. સામે ૪ કરોડ ટન ખોરાક દર વર્ષે વેડફાઈ જાય છે. એમાં પણ દોઢ કરોડ ટન ખોરાકનો વ્યય થાળીમાં જ થાય છે. એટલે કે પીરસેલું ધાન થાળીમાંથી સીધું કચરાટોપલીને નસીબ થાય છે. જો કે આ કશા જ કામમાં ન આવતા ખોરાકનો બગાડ રોકવામાં આવે તો કુપોષણની મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. અમેરિકા અને યુરોપિયન દેશો ખોરાકના વેડફાટના મામલે હંમેશાંથી અવ્વલ રહેતા આવ્યા છે. યુરોપિયન દેશો તેની જરૂરિયાત કરતાં ત્રણ ગણો ખોરાક બનાવે છે જ્યારે અમેરિકનો તેમના જોઈતા ખોરાક કરતાં ચાર ગણો વધુ ખોરાક બનાવે છે. જરૂરિયાત કરતાં વધુ તો આરોગે જ છે, પણ પછી વધેલો ખોરાક વાસી થયો હોવાથી કચરામાં પધરાવી દેવામાં આવે છે. બ્રિટનમાં ૪૦ ટકા ફળો બજારમાં પહોંચતા પહેલાં જ ખાવાલાયક રહેતાં નથી, કેમ કે સુપર માર્કેટનાં ગુણવત્તાનાં ધોરણો એટલાં ઊંચાં રાખવામાં આવે છે કે અમુક ફળો આ ગુણવત્તાના માપદંડોમાં ઉણા ઊતરે છે. એટલે આ તમામ ફળોને વાસી જાહેર કરીને કચરાટોપલીઓમાં પધરાવી દેવાય છે.
અન્નના બગાડથી પર્યાવરણ પર પડતી વિપરીત અસર
ખોરાકના બગાડથી અમુક ગરીબ લોકો ભૂખ્યા તો રહે જ છે પણ આ ઉપરાંતની અસર પર્યાવરણ પર પડે છે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાનાં વિવિધ કારણોમાં એક કારણ વાસી ખોરાક છે. જેને આપણે એંઠવાડ કહીએ છીએ એ વધેલો વાસી ખોરાક પર્યાવરણમાં ૧૦ ટકા પ્રદૂષણ ફેલાવે છે. જમીન પ્રદૂષિત કરવાની સાથોસાથ હવાનું પ્રદૂષણ પણ વાસી ખોરાકના કારણે વધી રહ્યું છે. ધુમાડાને કારણે સૌથી વધુ હવા પ્રદૂષિત થાય છે જ્યારે હવા પ્રદૂષણમાં ૧૫ ટકા હિસ્સો વાસી ખોરાકનો હોય છે! આ સિવાય વાસી ખોરાકનો અમુક હિસ્સો પાણીમાં વહાવી દેવાય છે એટલે પાણી પ્રદૂષિત થાય એ અલગ!
અત્યાહારથી પીડિત લોકો!
અલ્પાહારથી પીડિત લોકોની સંખ્યા જેમ ખૂબ વધુ છે તેમ અત્યાહારથી પીડિત લોકોની સંખ્યા પણ એટલી જ મોટી છે. વિશ્વમાં ૧૫ કરોડ બાળકો પર્યાપ્ત ખોરાકના અભાવે પર્યાપ્ત વજન ધરાવતાં નથી જ્યારે બીજી તરફ ૪ કરોડ બાળકો ઓવરવેઇટથી પરેશાન છે. જોવાની વાત એ છે કે જેમ ૧૦૦ કરોડ જેટલા લોકો કુપોષણથી પીડાય છે એ જ રીતે આશરે ૧૩૦ કરોડ લોકો મોટાપાની મુશ્કેલી ધરાવે છે. મોટાપાને કારણે વર્ષે ૩ લાખ લોકો મોતને ભેટે છે. એટલે કે વધુ ખોરાક ખાવાથી થતી બીમારીઓના કારણે વિશ્વમાં પ્રતિદિન ૯૦૦ લોકો કાળનો કોળિયો બની જાય છે.
શું હોય શકે આ સમસ્યાનો ઉકેલ?
ખોરાકનો સૌથી વધુ બગાડ વિકસિત દેશોમાં થાય છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશો આ બાબતે મોખરે છે. આ દેશોમાં બિનજરૂરી ખોરાક રાંધવામાં કે ખરીદવામાં આવે છે તેમાં થોડું નિયંત્રણ લાવવામાં સફળતા મળે તો એશિયન અને આફ્રિકન દેશોના ભૂખ્યા લોકોને પેટ ભરાય એટલો ખોરાક તો ચોક્કસ મળી જાય. પૂરતો ખોરાક બંને પક્ષે લેવામાં નથી આવતો. થોડા લોકો અપૂરતો ખોરાક લે છે તો બીજા કેટલાંક અતિશય વધુ પડતો ખોરાક આરોગે છે. વધારે ખોરાક લઈને મોતને નોતરતા લોકો પોતાનો ભાગ કુપોષિતોને આપે તો બંનેની જિંદગી ખુશહાલ રહી શકે તેમ છે.
જેવો અમારો દેખાવ એવું જ અમારું કામ!
અમુક ફળોના દેખાવ ઉપરથી તે તેના જેવા દેખાતા શરીરના કયા અંગ માટે ફાયદાકારક થઈ શકે છે તે નક્કી કરી શકાય છે. ફૂડ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે કે જે ફ્રૂટ કે વનસ્પતિ માનવશરીરના જે અંગ જેવી દેખાય છે તેના પોષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
* અખરોટને બ્રેઇન ફૂડ કહેવામાં આવે છે. અખરોટનો દેખાવ મનુષ્યના મસ્તિષ્કને મળતો આવે છે.
* આદું અને જઠરનો દેખાવ ઘણા ખરા અંશે સરખો જણાશે. આદુંનું સેવન ઉદર માટે ફાયદાકારક છે.
* હાર્ટને સુરક્ષિત રાખવા માટે ટામેટાંનો આહાર લેવાથી ફાયદો થતો હોવાનું ફૂડ નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું છે. ટામેટાંને સમાર્યા પછી તેના અને હાર્ટના આકારમાં કંઈ સામ્યતા ન જણાઈ આવે તો જ નવાઈ!
* ગાજર અને આંખ વચ્ચે દેખાવનું અજબ સામ્ય છે. ગાજરને સમાર્યા પછી તેનો દેખાવ આંખની કીકીને મળતો આવે છે. ગાજરમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ હોવાથી આંખને સતેજ રાખવ માટે ગાજરનું સેવન હિતાવહ છે.