Archive for November 2012

એનસીસી : અહીં થાય છે યુવા પ્રતિભાનું ઘડતર


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નવેમ્બર માસના ચોથા રવિવારે દર વર્ષે એનસીસી (નેશનલ કેડેટ કોર) દિવસ ઊજવાય છે. વધુ એક એનસીસી દિવસ આવ્યો અને ગયો. જે હેતુ માટે એનસીસીની સ્થાપના થઈ હતી તે હેતુ આજે વિસરાઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજકાળમાં જ યુવાનોનું સર્વાંગી ઘડતર થાય તે માટે શરૂ થયેલી આ સંસ્થામાં જોડાવવા માટે યુવાનો પહેલાં જેવો ઉમળકો હવે દાખવતા ન હોવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે

એકતા અને અનુશાસનના મૂળ મંત્ર સાથે ૧૯૪૮ના જુલાઈ માસની ૧પમી તારીખે એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, આમ તો આ સંસ્થાની શરૂઆત આના ત્રીસેક વર્ષ પહેલાં અંગ્રેજ શાસન દરમિયાન જ થઈ ગઈ હતી. ત્યારે દેશમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લશ્કરી ઢબની તાલીમ આપવામાં આવતી હતી. આ સંસ્થા ૧૯૨૦ આસપાસ યુટીસી (યુનિવર્સિટી ટ્રેઇનિંગ કોર)ના નામે ઓળખાતી હતી. એનસીસી એ જમાનામાં આર્મીમાં જોડાવવા માટેનું પ્રથમ પગથિયું ગણાતું હતું. એનસીસીમાં જોડાનારા મોટાભાગના સ્ટુડન્ટ્સ પછીથી આર્મીમાં ફરજ બજાવવાનું પસંદ કરતા હતા. ૧૯૪૨માં અંગ્રેજ સરકારે થોડા સમય માટે યુનિવર્સિટી ઓફિસર્સ ટ્રેનિંગ કોર (યુઓટીસી) નામ પણ આપ્યું હતું. ભારત આઝાદ થતાં જ આ સંસ્થાને યુવાનોના વિકાસ માટે સત્તાવાર કામ સોંપવામાં આવ્યું હતું.

એનસીસીનો શરૂઆતી દૌર
જુલાઈ ૧૯૪૮માં એનસીસીને ઈન્ડિયન ડિફેન્સ એક્ટમાં સમાવ્યા પછી તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ નવેમ્બર માસના છેલ્લા રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરીને એનસીસીનું સન્માન કર્યું હતું. ત્યાર પછીથી એનસીસી પ્રતિવર્ષ આ દિવસે એનસીસી દિવસ ઊજવે છે. પહેલાં એનસીસીમાં માત્ર આર્મીની જ તાલીમ આપવામાં આવતી હતી પછીથી ૧૯૫૦માં એરફોર્સનો સમાવેશ કરવામાં આવ્યો. અમુક શાળા-કોલેજોમાં આર્મીની સાથે એરફોર્સની તાલીમ શરૂ થઈ. એરફોર્સમાં યુવાનોનો ઉમળકો જોઈને એ જ વર્ષે નૌસેનાની ટ્રેનિંગ પણ એનસીસીના યુવાનોને આપવાનું શરૂ કરાયું. ત્રણેય પાંખની અલગ અલગ તાલીમ લેતા એનસીસી કેડેટ્સ તેના જુદા જુદા પોશાકથી ઓળખી શકાય છે. જેમ કે, આર્મીની તાલીમ લેતા કેડેટ્સ ખાખી ડ્રેસ પરિધાન કરે છે જ્યારે નેવીના તાલીમાર્થીઓ તેના શ્વેત વસ્ત્રોથી ઓળખાઈ જાય છે. એરફોર્સની તાલીમ મેળવતા કેડેટ્સ લાઇટ બ્લૂ ગ્રે કલરના યુનિફોર્મથી આર્મી અને નેવીથી અલગ પડી જાય છે. ત્રણેય પાંખોમાં કરિયર બનાવવા માંગતાં યુવાનો અને યુવતીઓ માટે એનસીસીની આ તાલીમ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.

યુવતીઓ પણ બની એનસીસીનો ભાગ
 ૧૯૪૮ સુધી માત્ર યુવાનો જ એનસીસીમાં જોડાઈ શકતા હતા, પણ આઝાદીની ચળવળમાં દેશની યુવતીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આગળ જતા અનુશાસન-એકતાનો મંત્ર યુવતીઓ પણ હસ્તગત કરે એ હેતુથી ૧૯૪૯માં યુવતીઓને એનસીસીની તાલીમ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. યુવાનો માટે જે રીતે શાળા-કોલેજોમાં બે વર્ષનો તાલીમ પિરિયડ નક્કી કરવામાં આવ્યો હતો એ જ માળખાથી કિશોરીઓ અને યુવતીઓ માટે બે વર્ષની તાલીમ શરૂ કરવામાં આવી હતી. યુવતીઓ તરફથી શરૂઆતી સમયમાં એટલો બધો ઉત્સાહ દાખવવામાં આવતો નહોતો, પણ ધીરે ધીરે એનસીસીની તાલીમ લેવાનો ઉમળકો યુવતીઓ પણ દાખવવા લાગી. જોકે, આજેય સ્થિતિ સમોવડી ગણી શકાય એવી તો નથી જ. યુવતીઓમાં યુવાનોની તુલનાએ એનસીસી જોઇન કરવાનું વલણ ઓછું તો જોવા મળે જ છે.

આજે ક્યાં છે એનસીસી?
આજે દેશમાં ૧૪ લાખ જેટલાં યુવક-યુવતીઓ એનસીસીની તાલીમ લઈ રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં કુલ વસ્તીના ૫૪ ટકા યુવાનો છે. આવડી મોટી સંખ્યામાં જ્યારે યુવા વસ્તી હોય અને અલગ અલગ પ્રવાહના અભ્યાસક્રમો ચાલતા હોય ત્યારે માત્ર ૧૪ લાખ જ યુવાધન એનસીસીમાં ભાગ લે એ સ્થિતિ એટલી સારી તો ન જ કહેવાય. એનસીસીની તાલીમનું પ્રમાણપત્ર જ્યારે જુદી-જુદી નોકરીઓ મેળવવામાં કામ લાગતું હોય અને ખાસ તો ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે એનસીસીનું ર્સિટફિકેટ ઉપયોગી બનતું હોય ત્યારે પણ એનસીસીના કેડેટ્સની સંખ્યા ઓછી રહેતી હોય તો યોગ્ય આયોજનનો અને માહોલનો અભાવ એ પાછળ કારણભૂત હોઈ શકે! વચ્ચે ૧૯૬૩થી ૧૯૬૮ સુધીનાં વર્ષોમાં પ્રયોગરૂપે યુનિવર્સિટીઓમાં એનસીસીની તાલીમ ફરજિયાત બનાવાઈ હતી, પણ પછીથી ફરીથી આ તાલીમ સ્વૈચ્છિક બનાવી દેવામાં આવી હતી. એનસીસીની ફરજિયાત તાલીમ આપવાનો વિકલ્પ યુવાનોને આ તરફ વાળવાનો યોગ્ય ઉપાય તો ન જ હોઈ શકે, પરંતુ એવું આયોજન તો કરવું જ રહ્યું કે જેથી યુવાધન એકતા અને અનુશાસનના પાઠ ભણે! આમ પણ આપણા આવડા વિશાળ દેશમાં આ બંને મૂળ મંત્રોની કદાચ સવિશેષ જરૂરિયાત પણ વર્તાય છે.

 આ મહાનુભાવો રહી ચૂક્યાં છે એનસીસીનાં કેડેટ

* ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વના નેતા ગણાતા નેતાજી સુભાષચંદ્ર બોઝ એનસીસી કેડેટ હતા. તેમણે એનસીસી પાસેથી એકતા અને અનુશાસનના સિદ્ધાંતો શીખ્યા હતા, જે તેમને પછીથી કોંગ્રેસ પ્રમુખ બનતી વખતે કોંગ્રેસને એક તાંતણે બાંધી રાખવામાં તેમજ આઝાદ હિંદ ફૌજના સૈનિકોને અનુશાસિત રાખવામાં કામે લાગ્યા હતા.


* પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ એનસીસીમાંથી અનુશાસનનો પાઠ ભણ્યો હતો જે પછીથી તેમણે એક દશકા સુધી મુખ્યમંત્રી પદે બેસતી વખતે પક્ષની એકસૂત્રતાની સાંકળ રચવામાં મદદરૂપ બન્યો હતો.


* ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી પણ એનસીસીનાં કેડેટ હતાં. કિરણ બેદી કેદીઓને હકારાત્મકતા તરફ વાળવાના કામ માટે જાણીતાં બન્યાં હતાં.



* ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને રાજયસભાને સાંસદ જયા બચ્ચન શાળામાં એનસીસીનાં કેડેટ હતાં. પછીથી તેમણે અનુશાસનમાં રહીને બોલીવૂડમાં અને સંસદમાં લાંબી ઇનિંગ ખેલી છે.





* લોકસભાના વિરોધ પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ એનસીસી કેડેટ રહી ચૂક્યાં છે તો ભારતનાં મહિલા શૂટર અંજલિ ભાગવત પણ એકતા-અનુશાસનનો બોધ એનસીસીમાંથી શીખ્યાં હતાં.





એનસીસી અને ગુજરાતઃ ઊલટી ગણતરીમાં આગળ!
બીજી ઘણી બધી બાબતોમાં અવ્વલ રહેતા ગુજરાતના યુવાનો એનસીસીની તાલીમ બાબતે સૌથી વધુ ઉદાસીન છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં થાય, કેમ કે આંકડાઓ કહી બતાવે છે કે આપણો નંબર છેક છેલ્લેથી બીજો છે! કુલ ૧૬ વિભાગમાં ચાલતી આ પ્રવૃત્તિમાં આપણા રાજ્યનો ક્રમાંક ૧૪મો છે. મહારાષ્ટ્ર આ યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સીનિયર અને જુનિયર એમ બંને કેટેગરી મળીને કુલ ૫૨ હજાર કેડેટ્સ છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ તમામ પાંખોનો સમાવેશ થઈ જાય છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ એમ ચાર ભાગ પાડવામાં આવ્યા છે.      
Wednesday, 28 November 2012
Posted by Harsh Meswania

સપાટ શબ્દોમાં ભાવ ભરવાનું કામ કરતા : ઇમોશનલ આઇકોન્સ


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજે આપણે વાતે વાતે સ્માઇલીનો ઉપયોગ કરીએ છીએ. કોઈ રમૂજી વાત પર તરત જીભ બહાર કાઢતાં સ્માઇલીની મદદથી મેસેજમાં આપણો રમૂજી મિજાજ છતો કરીએ છીએ, તો ક્યારેક કોઈકની વાતે ગુસ્સે થઈને નાક ચઢાવતા સ્માઇલીથી એન્ગ્રી ફિલિંગ વ્યક્ત કરીએ છીએ. મોબાઇલમાં થતી મેસેજ ચેટ હોય કે ફેસબુકની ઓનલાઇન ચેટ હોય, આ ઇમોટિકોન્સ આપણા ટેક્સ્ટ કોમ્યુનિકેશનનો અવિભાજ્ય હિસ્સો બન્યા છે, ત્યારે આ ઇમોટિકોન્સની દુનિયામાં મારીએ એક લટાર...

દિવાળી-નૂતનવર્ષે નવા વર્ષની શુભકામના પાઠવતા મેસેઝીસ કે ઈ-મેલના સંદેશાઓમાં સ્માઇલીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થયો. હસતો ચહેરો સૌને ગમતો એ ન્યાયે હવે શુભકામના પાઠવવા અથવા બર્થ ડે, મેરેજ એનિવર્સરી ડે વિશ કરતી વખતેના સંદેશાઓમાં કે પછી વાતચીતમાં અલગ અલગ ભાવ સ્પષ્ટ કરવા માટે આવા આઇકોન્સનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. તેને ઇમોટિકોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સપાટ મેસેઝીસમાં વાતનો ભાવ સ્પષ્ટ થતો હોતો નથી એટલે વાત કેવા મૂડમાં કહેવાઈ છે તે બતાવવા માટે આવા ઇમોટિકોન્સ સગવડતાભર્યા થઈ પડે છે. ઇમોટિકોન્સની દુનિયા ખરેખર વિશાળ અને મજેદાર થઈ છે. લાગણીઓ વ્યક્ત કરવા માટે હવે શબ્દો જાણે આવા ઇમોટિકોન્સ વિના ઠાલા લાગવા માંડયા છે. પ્રેમ, રમૂજ, ગુસ્સો, તિરસ્કાર સહિતની લાગણીઓ વ્યક્ત કરવામાં વિવિધ દેખાવના અને કલર્સના ઇમોટિકોન્સ કે જેને સામાન્ય રીતે સ્માઇલી કહીને ઓળખવામાં આવે છે તેની શોધને ૩૦ વર્ષ પૂરાં થયાં છે. જોકે, સત્તાવાર રીતે સૌપ્રથમ થયો હતો તેના વિશે એકમત નથી, મોટા ભાગે મેસેઝીસમાં ઇમોટિકોન્સને સૌપ્રથમ વખત વાપરવાનું સન્માન કાર્નેગી મેલન યુનિવર્સિટીના પ્રોફેસર સ્કોટ ઈ. ફોલમેન નામના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ખાટી જાય છે. તેમણે ૧૯૮૨માં ઇન્ટરનલ મેસેન્જરમાં આ પ્રકારના સ્માઇલીનો ઉપયોગ કર્યો હતો, અલબત્ત તેમાં કલર્સનો ઉપયોગ નહોતો થયો. બે ટપકાં, ડેશની આડી લીટી અને અર્ધકૌંસ વડે તેમણે :-) કમ્પ્યુટરના કી-બોર્ડની મદદથી હસતા ચહેરાનો આભાસ ઊભો કરીને સૌપ્રથમ સફળ પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. ત્યાર પછી તેમણે જ મેસેજમાં ઉદાસી બતાવવા માટે :-( આ ચિહ્ન શોધી કાઢયું હતું. ૩૦ વર્ષ પહેલાં તેમણે કરેલા આ પ્રયોગને પછીથી વ્યાપક પ્રતિસાદ મળ્યો. મોબાઇલ ફોનમાં શરૂઆતમાં આ સુવિધા દરેક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી ન હતી, પણ પછીથી ૧૯૯૫ આસપાસ મોટાભાગની મોબાઇલ ફોન પ્રોવાઇડર કંપનીઓએ 'ઇન્સર્ટ સ્માઇલી' જેવા નામથી મેસેજમાં ઇમોટિકોન્સનો ઉપયોગ કરી શકાય તેવી સવલત આપવા માંડી હતી. ધીરે ધીરે દેશ-વિદેશના ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે સ્માઇલી સાવ પોતીકો ઓપ્શન બની ગયો. મેસેજના ટેક્સ્ટ સાથે તાલ મિલાવીને સ્માઇલીનો ઉપયોગ કરનારા કદાચ ફોલમેન પ્રથમ હતા, પણ સ્માઇલીનો વપરાશ એ પહેલાં પણ થયો હતો અને ઘણી વખત થયો હતો.

ઇમોટિકોન્સની શરૂઆતી દુનિયા
પ્રોફેસર ફોલમેને સ્માઇલી ફેસને ડિજિટ ફોમ આપ્યું હતું, પણ ડિરેક્ટર ઇન્ગમર બર્ગમેને તેમની ફિલ્મ 'હામસ્ટેડ'માં ૧૯૪૮માં સૌ પહેલાં આ સ્માઇલી ઇમોટિકોનને બતાવ્યો હતો. ત્યાર પછીનાં વર્ષોમાં જોકે, સ્માઇલી ફેસ એટલો બધો લોકપ્રિય બન્યો નહોતો, પણ છૂટોછવાયો ઉપયોગ શરૂ થયો હતો. ૧૯૫૩માં આવેલી 'લીલી' ફિલ્મમાં ચાર્લી વોલ્ટર સ્માઇલી દેખાડયું હતું. પછી ૧૯૫૮માં દિગ્દર્શક વિન્સેન્ટ મિનેલીએ પણ સ્માઇલી ફેસને 'ગિગિ' ફિલ્મમાં બતાવ્યો હતો. આ સિવાય ૧૯૫૭માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફની ફેસ'માં ડિરેક્ટર સ્ટેન્લી ડેનિને ફિલ્મના પોસ્ટરમાં જ પીળા રંગના આવા ફની ફેસની આભા ઊભી કરી હતી. આ ફિલ્મોમાં સ્માઇલી ફેસનો ઉપયોગ વત્તાઓછા અંશે થયો હોવાથી લોકપ્રિયતાને વર્યા ન હતા, પણ શરૂઆત થઈ ગઈ હતી. સ્માઇલી ફેસની નોંધ લેવાનું શરૂ થયું ૧૯૬૩થી. ૧૯૬૩માં હાર્વે બોલ નામના અમેરિકન કોર્મિશયલ આર્ટિસ્ટે પીળા રંગનો સ્માઇલ ફેસ સ્ટેટ મ્યુચ્યુઅલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ઓફ વોર્સેસ્ટર (કે જે પછીથી હેનોવર ઇન્સ્યોરન્સના નામે જાણીતી બની હતી) ની એક જાહેરાત માટે ક્રિએટ કર્યો હતો. પીળા રંગમાં બનેલા આ સ્માઇલીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને એકાએક સ્માઇલીનો વપરાશ ટી-શર્ટ વગેરેમાં પણ થવા લાગ્યો. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને આ સ્માઇલી આજના પચ્ચીસ સો રૂપિયામાં પડયું હતું. યસ, આ સ્માઇલી માટે હાર્વે બોલને ૪૫ ડોલર આપવામાં આવ્યા હતા. આ જ અરસામાં ન્યૂયોર્કના WMCA રેડિયો સ્ટેશને એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થનારને રેડિયો સ્ટેશન વતી 'WMCA good guy’ લખેલું યલો ટી-શર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં હેપ્પી ફેસ બતાવવામાં આવ્યો હતો.

૧૯૭૨ના વર્ષમાં ફ્રેન્ક્લીન લોફ્રાનીએ યુરોપિયન ઓડિયન્સનો પરિચય સ્માઇલી સાથે કરાવ્યો હતો. ૧લી જાન્યુઆરીએ તેમણે 'ફ્રાન્સ સોઇર' નામના સાંધ્ય દૈનિક અખબાર માટે બનાવેલી એક જાહેરાતમાં હેપી ફેસ વાપર્યો હતો. આ અખબારે એટલા માટે જાહેરાતમાં સ્માઇલી ફેસનો ઉપયોગ કર્યો હતો કે તેમનાં છાપાંમાં ક્રાઇમના ન્યૂઝને બદલે હકારાત્મક સમાચારો અને લેખો આવશે તેવી વાત લોકોના ગળે ઉતારવી હતી. આ પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં નોવેલ્ટીનો વ્યાપાર કરતા બે ભાઈઓ બર્નાડ અને મૂરે સ્પેઇને પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે સ્માઇલીનો નવો નુસખો અખત્યાર કર્યો હતો. આમાં આ બંને વેપારીઓનો મેસેજ હતો કે અમારે ત્યાંથી ખરીદેલી વસ્તુઓમાં પૂરતો સંતોષ મળશે.

હવે તો જાતજાતના રંગોમાં સ્માઇલી અવેલેબલ છે, છતાં ખબર નહીં કેમ, પણ હાર્વે બોલ દ્વારા ડિઝાઇન કરાયેલા યલો સ્માઇલીને આજ સુધી લોકો સ્વીકારે છે. હાર્વેએ પ્રથમ આઇકોન ક્રિએટ કર્યાને ભલે ૫૦ વર્ષ વીત્યાં હોય છતાં સ્માઇલી અને પીળો રંગ એકબીજાના પર્યાય બની રહ્યા છે. એ જ રીતે કમ્પ્યુટરની ટાઇપોગ્રાફી આજ સુધી પ્રોફેસર સ્કોટ ફેલમાનની મેથડને ફોલો કરે છે. પછી તો ઘણા નવા નવા આઇકોન્સ એમાં ઉમેરાતા રહ્યા છે. આજની મોબાઇલ જનરેશન પ્રેમ, ગુસ્સો, તિરસ્કાર, ચુંબન, રુદન, ઠઠ્ઠા-મશ્કરી, પરેશાની, ઉદાસી જેવી અનેકાનેક લાગણી અભિવ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરવાને બદલે એના સિમ્બોલથી કામ ચલાવી લે છે. આ જાણે ચેટ જનરેશન માટે નવી બારાખડી છે કે જે ક્યાંય શીખ્યા વગર આપોઆપ હસ્તગત થઈ જાય છે! આમ પણ, જ્યાં અનહદ લાગણી હોય ત્યાં સરહદ બાંધી પણ કોણ શકે? લાગણી તો બસ વ્યક્ત થતી રહે છે, ક્યારેક શબ્દોથી તો ક્યારેક સિમ્બોલથી!

ચેટ શોર્ટ બારાખડી
મોબાઇલ ચેટ કે ઓનલાઇન ચેટિંગમાં સિમ્બોલ ઉપરાંત મહત્ત્વનો વપરાશ ટૂંકાક્ષરોનો થાય છે. વાત એકાદ બે અક્ષરોથી થઈ જતી હોય તો પછી લાંબાં લાંબાં વાક્યોની પળોજણમાં પડવાની અહીં નવરાશ પણ કોને છે? સીધી બાત નો બકવાસ!

ટૂંકાક્ષર- ટૂંકાક્ષરોનો અર્થ
2G4U - ટુ ગૂડ ફોર યુ

4E - ફોરેવર

911 - ઇમર્જન્સી કોલ મી

AML - ઓલ માય લવ

ATB - ઓલ ધ બેસ્ટ

BTW - બાય ધ વે

BOL - બેસ્ટ ઓફ લક

CUL- સી યુ લેટર

DUR?- ડોન્ટ યુ રિમેમ્બર?

EOD- એન્ડ ઓફ ડિસ્કશન

F2F- ફેસ ટુ ફેસ

GTSY- ગ્રેટ ટુ સી યુ

HAND- હેવ અ નાઇસ ડે

IWALU- આઇ વિલ ઓલ્વેઝ લવ યુ

KIT- કીપ ઇન ટચ

LYSM- લવ યુ સો મચ

MGB- મે ગોડ બ્લેસ યુ

OTO- આઉટ ઓફ ધી ઓફિસ

PCM- પ્લીઝ કોલ મી!

PXT- પ્લીઝ એક્સપ્લેઇન ધેટ

POV- પોઇન્ટ ઓફ વ્યૂ

SRY- સોરી

T+- થિંક પોઝિટિવ

THX- થેન્ક્સ!
Wednesday, 21 November 2012
Posted by Harsh Meswania

નૂતન વર્ષ : નવી આશા, નવા ઉમંગ અને નવાં સપનાંઓ સાથે નવા વર્ષનો પ્રારંભ



પર્વ વિશેષ - હર્ષ મેસવાણિયા

ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે

વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દિવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂરા કરવા માટે વડીલોની આશિષ મેળવવવામાં આવે છે.

હવે નવા વર્ષની ઉજવણીમાં પણ નવીનતા જોવા મળે છે. ટેક્નોલોજીનો આવિષ્કાર ઉજવણીને પ્રભાવિત કરે છે. શુભેચ્છા કાર્ડ્સનું સ્થાન હવે ઇ-મેલ અને એસએમએસે લઈ લીધું છે. સોશ્યલ સાઇટ્સનો પણ નૂતન વર્ષની ઉજવણીમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

નવું વર્ષ નવી આશાઓ, નવા વિચારો લઈને આવે છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરા કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દૃઢ સંકલ્પ કરે છે. ગત વર્ષની કડવાશ કે મનદુઃખ પર બેસતા વર્ષના દિવસે પૂણવિરામ મુકાઈ જાય છે. કોઈ બાબતે એકમેક સાથે થયેલું મનદુઃખ ભૂલીને બેસતા વર્ષે ઉમળકાથી ગળે મળીને સંબંધોની નવી શરૂઆત થાય છે. માત્ર સંબંધોમાં કે વિચારોમાં જ નવીનતા શા માટે? જૂનો હિસાબકિતાબ પતાવીને નવા વર્ષે નવી શરૂઆત કરવાનો પણ રિવાજ છે. સંબંધોમાં, સંકલ્પમાં કે સજાવટમાં જ નહીં, પણ પોશાકમાં પણ નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજા તહેવારોમાં નવાં કપડાં કદાચ ન ખરીદે તો ચાલે, પણ નવા વર્ષે નવો પોશાક પહેરવાનો જાણે વણલખ્યો નિયમ છે. વહેલી સવારથી નવાં કપડાંમાં સજ્જ થઈને વડીલોના આશીર્વાદ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજેય ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ, પણ તેનું ધાર્મિક માહાત્મ્ય પણ એટલું જ અગત્યનું છે. મંદિરોમાં પૂજા-પાઠ કરીને ભગવાનનાં ચરણોમાં શીશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું માહાત્મ્ય છે. ભગવાનને ૩૨ જાતનાં ભોજનનો થાળ ધરાવવામાં આવે છે. અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી ફસલ સૌ પ્રથમ વખત ભગવાનનાં ચરણોમાં ધરે છે. કોઈક શેરડીના સાંઠાઓ તો કોઈક મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે. ફસલની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે.

વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે. વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતા નથી.

આમ, સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે. નૂતન વર્ષ નવાં સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે. નવું વર્ષ કડવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવાં સપનાંઓ સજાવવાનું સામર્થ્ય આપે છે. ચુકાઈ ગયેલી તકને ફરીથી ઝડપી લેવાનું સંકલ્પબળ નૂતન વર્ષ આપે છે. વીતેલાં વર્ષોની નિષ્ફળતાને વિસારે પાડીને સફળતાનાં શિખરો સર કરવાનું બળ એટલે નૂતન વર્ષ. વીતેલાં વર્ષમાં કરાયેલા સંકલ્પો કે આશાઓની જેમ આ વર્ષના સંકલ્પો પણ માત્ર સંકલ્પો બનીને ન રહી જાય એ વાતની પ્રતીતિ કરાવતો દિવસ એટલે પણ નૂતન વર્ષ.

(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)   
Thursday, 8 November 2012
Posted by Harsh Meswania
Tag :

સોના કિતના સોણા હૈ...



મધ્યાંતર : હર્ષ મેસવાણિયા

સોનાના ચળકાટ તરફ સદીઓથી માનવજાતિનું આકર્ષણ અકબંધ રહ્યું છે. ક્યારેક સોનું રાજા-મહારાજાઓનાં મસ્તકનો મુકુટ કે સિંહાસન બનીને રહ્યું, તો ક્યારેક સામાજિક રીત-રિવાજો સાથે સહજ રીતે વણાઈ ગયું. ક્યારેક સિક્કાના સ્વરૂપે વ્યાપારમાં ચલણી બન્યું તો ક્યારેક બિસ્કિટ બનીને રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ બની ગયું. ક્યારેક રમતવીરોના ગળામાં મેડલ બનીને ઝૂલ્યું તો ક્યારેક મધ્યમવર્ગનું સોનેરી શમણું બનીને રહી ગયું. અલગ અલગ સ્વરૂપે સોનું સતત આપણી વચ્ચે ચળકતું રહ્યું છે

દીવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ દિવસોમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે ગોલ્ડનું બજાર સવિશેષ ધમધમતું રહેશે. છેલ્લા એક-બે દશકાઓમાં સોનાની જરૂરિયાત વધીને બમણી થઈ છે. સોના માટેનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જ્વેલરી બનાવવામાં ગોલ્ડનો વપરાશ મોટા પાયે થાય છે, પણ આ સિવાય અલગ અલગ જગ્યાએ ગોલ્ડ ઉપયોગી થતું રહ્યું છે. ગોલ્ડ પહેલાંના સમયમાં ભવ્યતા, પછી સામાજિક રીત-રિવાજ અને હવે ઈન્વેસ્ટમેન્ટનું માધ્યમ બની ગયું છે.

સોનાનો સોનેરી ઉપયોગ
ખનીજ રૂપે મળતાં કુલ સોનાના જથ્થામાંથી ૬૦ ટકા જથ્થો દાગીના બનાવવામાં વપરાય છે. સોનામાંથી બનતી વિવિધ જ્વેલરીનું વિશ્વભરમાં વિશાળ માર્કેટ છે. જ્વેલરીનું સૌથી મોટું બજાર ભારતમાં છે. ભારતમાં ૨૦૧૦ના વર્ષમાં ૭૪૭ ટન સોનાનો જથ્થો દાગીના બનાવવા પાછળ ઉપયોગમાં લેવાયો હતો. કુલ સોનાનો ૨૫ ટકા ભાગ ભારતીયો ખરીદે છે. (કોણ કહે છે ભારત ગરીબોનો દેશ છે!?) પછીના ક્રમે ચીન છે. ચીનમાં ૨૦૧૦માં ૪૫૦ ટન સોનામાંથી વિવિધ દાગીના બન્યા હતા. ભારત અને ચીન સોનું આયાત કરનારા દેશોની યાદીમાં પણ અવ્વલ સ્થાને વર્ષોથી રહેતા આવ્યા છે. બીજા દેશો માટે સોનું કદાચ ઈન્વેસ્ટમેન્ટની ધાતુ છે જ્યારે ભારતમાં સોનું સામાજિક રસમ છે. સગાઈથી લઈને લગ્ન સુધી કે પુત્ર-પુત્રીના જન્મ વેળાએ અપાતી ભેટથી લઈને મૃત્યુ પછીનાં દાન સુધીમાં સોના અને ચાંદીનો સમાવેશ આપણે ત્યાં એક રિવાજ છે. જોકે, લાખેણા સોનેરી દાગીના બનાવવા ઉપરાંત સોનાનો ઉપયોગ ફૂડ, મેડિસિન, ઈલેક્ટ્રોનિક્સ ચિપ્સ, રસાયણો બનાવવામાં કે કપડાંમાં વરખ તરીકે પણ બહોળા પ્રમાણમાં થાય છે.

અત્યાર સુધીમાં કેટલું સોનું આપણે વાપરી ચૂક્યાં છીએ?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં માનવજાતિ ૧,૭૧,૩૦૦ ટન ગોલ્ડ પૃથ્વીના પેટાળમાંથી કાઢીને વાપરી ચૂકી છે. એમાં પણ ૨૦૦૬ પછી આ આંકડો સતત વધી રહ્યો છે. ૨૦૦૭માં ૨,૪૭૮ ટન સોનું વિશ્વભરમાં વેચાયું હતું, તો ૨૦૦૮માં ૨,૪૧૪ ટન ગોલ્ડની ખપત થઈ હતી. ૨૦૦૯માં આ આંકડો ૨,૫૮૯ સુધી પહોંચી ગયો હતો. ૨૦૧૦ આવતાં આવતાં તો વધુ એક હજાર ટનનો આમાં ઉમેરો થઈ ગયો હતો. ભાવ ભલે સતત વધી રહ્યા હોવાની બૂમરાણ મચે, પણ લોકોની ખરીદશક્તિમાં ઓટ ન આવી હોવાનો પુરાવો આ આંકડા છે. પૃથ્વીના બધા જ ખંડોમાંથી વત્તા-ઓછા અંશે સોનું મળી આવે છે, પણ આફ્રિકા ખંડ આ મામલે સદીઓથી અગ્રેસર રહ્યો છે. ૧૯૦૫થી છેક ૨૦૦૭ સુધી સોનાના ઉત્પાદનમાં આફ્રિકા નંબર વન રહેતું આવ્યું હતું. ગોલ્ડના ટોટલ ઉત્પાદનમાં આફ્રિકાનો ૭૦ ટકા હિસ્સો રહેતો હોય છે.(સોનાના ઉત્પાદનમાં નંબર વન રહેતા આફ્રિકન દેશોમાં ગરીબોની સંખ્યા પણ ખાસ્સી મોટી છે, સોનાના ચળકાટ પાછળની કાળાશ!) આ સિવાય અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને પેરુ ગોલ્ડની નિકાસ કરનારા મહત્ત્વના દેશો છે.

સોના પર નભતા લોકો
સોના પર વિશ્વની ઈકોનોમીનો બહુ મોટો આધાર રહેલો છે. સોનાની ખાણોમાં કામ કરતા ખાણિયાથી લઈને સોનીબજારમાં જ્વેલરી બનાવતા કારીગરો સુધીના આશરે ૨૦ કરોડ લોકો સોના પર આજીવિકા મેળવે છે. સૌથી વધુ લોકો જ્વેલરી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એ પછીનો ક્રમ ખાણોમાંથી સોનું બહાર કાઢવાનું કામ કરતા મજૂરોનો આવે છે. આ સિવાય કેમિકલ ક્ષેત્રે કે દવાઓ અને ફૂડ સાથે સંકળાયેલા લોકો સોના સાથે વત્તા ઓછા અંશે કામ લે છે એની ગણતરી કરવામાં આવે તો આ આંકડો બહુ મોટો થઈ શકે છે.

સોનાની શરૂઆત...
એક માન્યતા પ્રમાણે પેટ્રોલિયમ પેદાશો જેમ પૃથ્વીના પેટાળમાં સમયાંતરે આપમેળે બને છે એવું સોનાની બાબતમાં બનતું નથી. એક થિયરી મુજબ કરોડો વર્ષો પહેલાં સુપરનોવા વખતે જ્યારે પૃથ્વીનું બંધારણ બની રહ્યું હતું અને સૌરમંડળમાં મોટા પાયે ઉથલપાથલ મચી રહી હતી ત્યારે અન્ય ધાતુઓની જેમ જ સોનાની ધાતુ અસ્તિત્વમાં આવી હતી. કરોડો વર્ષોની પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પેટાળમાં આંતરિક ગરમી, પ્રેશર, ભૂકંપ જેવાં પરિબળોથી વિવિધ પડ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને એમાંનું એક તત્ત્વ એટલે સૌથી લોકપ્રિય ધાતુ સોનું. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પૃથ્વી સિવાય મંગળ, બુધ અને શુક્રના ગ્રહો પર વિપુલ પ્રમાણમાં સોનું હોવાની શક્યતા છે.

ગોલ્ડ કેન બી નેવર ઓલ્ડ!
* ૮૦ ટકા ગોલ્ડનો ખજાનો હજુ પણ પૃથ્વીના પેટાળમાં પડયો હોવાનું નિષ્ણાતો માને છે.

* પૃથ્વીના પેટાળમાંથી અત્યાર સુધીમાં અલગ અલગ ૯૨ ધાતુઓ મળી આવી છે, જેમાં સોનાનો ૫૮મો નંબર છે.

* એશિયાની જ્વેલરી પશ્ચિમના દેશોના દાગીના કરતાં વધુ કીમતી એટલા માટે હોય છે કે આપણે ત્યાં દાગીના બનાવવા માટે વધુ શુદ્ધ સોનું વાપરવામાં આવે છે.

* મોટાભાગના પશ્ચિમી રાષ્ટ્રોનાં ચલણમાં ૧૯૬૦ સુધી ઓછાવત્તા અંશે ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

* કાળાં નાણાં બાબતે બદનામ દેશ સ્વિટ્ઝર્લેન્ડ સોનાને કરન્સીરૂપે વાપરનારો છેલ્લો દેશ છે. ૧૯૯૯ સુધી સ્વિટ્ઝર્લેન્ડના સિક્કાઓમાં સોના મિશ્રિત ધાતુનો ઉપયોગ કરાતો હતો.

* કીમિયાગરો આજેય માને છે કે સીસામાંથી સોનું બનાવી શકાય છે અને એ માટેના પ્રયાસો પણ તેઓ કરતા રહે છે.

* સોનું ક્યારેય ઝાંખું પડતું નથી, પણ તેના પર ખારાશ જેવાં તત્ત્વોનું પડ જામી જતું હોવાથી તે કાળાશ પડતું દેખાય છે. વળી, શુદ્ધ સોનું ક્યારેય ચામડી માટે હાનિકારક હોતું નથી.

* સોનું એકમાત્ર એવી ધાતુ છે, જેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે અને તેનાથી માણસના શરીરમાં કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આ કારણે જ દાંત તૂટી ગયો હોય તો બનાવટી દાંતમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો શોખથી પણ દાંત પર સોનાનું પડ ચડાવે છે.
Wednesday, 7 November 2012
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -