- Back to Home »
- madhyantar »
- સોના કિતના સોણા હૈ...
Posted by :
Harsh Meswania
Wednesday, 7 November 2012
મધ્યાંતર : હર્ષ મેસવાણિયા
સોનાના ચળકાટ તરફ સદીઓથી માનવજાતિનું આકર્ષણ અકબંધ રહ્યું છે. ક્યારેક સોનું રાજા-મહારાજાઓનાં મસ્તકનો મુકુટ કે સિંહાસન બનીને રહ્યું, તો ક્યારેક સામાજિક રીત-રિવાજો સાથે સહજ રીતે વણાઈ ગયું. ક્યારેક સિક્કાના સ્વરૂપે વ્યાપારમાં ચલણી બન્યું તો ક્યારેક બિસ્કિટ બનીને રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ બની ગયું. ક્યારેક રમતવીરોના ગળામાં મેડલ બનીને ઝૂલ્યું તો ક્યારેક મધ્યમવર્ગનું સોનેરી શમણું બનીને રહી ગયું. અલગ અલગ સ્વરૂપે સોનું સતત આપણી વચ્ચે ચળકતું રહ્યું છે
દીવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ દિવસોમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે ગોલ્ડનું બજાર સવિશેષ ધમધમતું રહેશે. છેલ્લા એક-બે દશકાઓમાં સોનાની જરૂરિયાત વધીને બમણી થઈ છે. સોના માટેનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જ્વેલરી બનાવવામાં ગોલ્ડનો વપરાશ મોટા પાયે થાય છે, પણ આ સિવાય અલગ અલગ જગ્યાએ ગોલ્ડ ઉપયોગી થતું રહ્યું છે. ગોલ્ડ પહેલાંના સમયમાં ભવ્યતા, પછી સામાજિક રીત-રિવાજ અને હવે ઈન્વેસ્ટમેન્ટનું માધ્યમ બની ગયું છે.
સોનાનો સોનેરી ઉપયોગ
ખનીજ રૂપે મળતાં કુલ સોનાના જથ્થામાંથી ૬૦ ટકા જથ્થો દાગીના બનાવવામાં વપરાય છે. સોનામાંથી બનતી વિવિધ જ્વેલરીનું વિશ્વભરમાં વિશાળ માર્કેટ છે. જ્વેલરીનું સૌથી મોટું બજાર ભારતમાં છે. ભારતમાં ૨૦૧૦ના વર્ષમાં ૭૪૭ ટન સોનાનો જથ્થો દાગીના બનાવવા પાછળ ઉપયોગમાં લેવાયો હતો. કુલ સોનાનો ૨૫ ટકા ભાગ ભારતીયો ખરીદે છે. (કોણ કહે છે ભારત ગરીબોનો દેશ છે!?) પછીના ક્રમે ચીન છે. ચીનમાં ૨૦૧૦માં ૪૫૦ ટન સોનામાંથી વિવિધ દાગીના બન્યા હતા. ભારત અને ચીન સોનું આયાત કરનારા દેશોની યાદીમાં પણ અવ્વલ સ્થાને વર્ષોથી રહેતા આવ્યા છે. બીજા દેશો માટે સોનું કદાચ ઈન્વેસ્ટમેન્ટની ધાતુ છે જ્યારે ભારતમાં સોનું સામાજિક રસમ છે. સગાઈથી લઈને લગ્ન સુધી કે પુત્ર-પુત્રીના જન્મ વેળાએ અપાતી ભેટથી લઈને મૃત્યુ પછીનાં દાન સુધીમાં સોના અને ચાંદીનો સમાવેશ આપણે ત્યાં એક રિવાજ છે. જોકે, લાખેણા સોનેરી દાગીના બનાવવા ઉપરાંત સોનાનો ઉપયોગ ફૂડ, મેડિસિન, ઈલેક્ટ્રોનિક્સ ચિપ્સ, રસાયણો બનાવવામાં કે કપડાંમાં વરખ તરીકે પણ બહોળા પ્રમાણમાં થાય છે.
અત્યાર સુધીમાં કેટલું સોનું આપણે વાપરી ચૂક્યાં છીએ?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં માનવજાતિ ૧,૭૧,૩૦૦ ટન ગોલ્ડ પૃથ્વીના પેટાળમાંથી કાઢીને વાપરી ચૂકી છે. એમાં પણ ૨૦૦૬ પછી આ આંકડો સતત વધી રહ્યો છે. ૨૦૦૭માં ૨,૪૭૮ ટન સોનું વિશ્વભરમાં વેચાયું હતું, તો ૨૦૦૮માં ૨,૪૧૪ ટન ગોલ્ડની ખપત થઈ હતી. ૨૦૦૯માં આ આંકડો ૨,૫૮૯ સુધી પહોંચી ગયો હતો. ૨૦૧૦ આવતાં આવતાં તો વધુ એક હજાર ટનનો આમાં ઉમેરો થઈ ગયો હતો. ભાવ ભલે સતત વધી રહ્યા હોવાની બૂમરાણ મચે, પણ લોકોની ખરીદશક્તિમાં ઓટ ન આવી હોવાનો પુરાવો આ આંકડા છે. પૃથ્વીના બધા જ ખંડોમાંથી વત્તા-ઓછા અંશે સોનું મળી આવે છે, પણ આફ્રિકા ખંડ આ મામલે સદીઓથી અગ્રેસર રહ્યો છે. ૧૯૦૫થી છેક ૨૦૦૭ સુધી સોનાના ઉત્પાદનમાં આફ્રિકા નંબર વન રહેતું આવ્યું હતું. ગોલ્ડના ટોટલ ઉત્પાદનમાં આફ્રિકાનો ૭૦ ટકા હિસ્સો રહેતો હોય છે.(સોનાના ઉત્પાદનમાં નંબર વન રહેતા આફ્રિકન દેશોમાં ગરીબોની સંખ્યા પણ ખાસ્સી મોટી છે, સોનાના ચળકાટ પાછળની કાળાશ!) આ સિવાય અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને પેરુ ગોલ્ડની નિકાસ કરનારા મહત્ત્વના દેશો છે.
સોના પર નભતા લોકો
સોના પર વિશ્વની ઈકોનોમીનો બહુ મોટો આધાર રહેલો છે. સોનાની ખાણોમાં કામ કરતા ખાણિયાથી લઈને સોનીબજારમાં જ્વેલરી બનાવતા કારીગરો સુધીના આશરે ૨૦ કરોડ લોકો સોના પર આજીવિકા મેળવે છે. સૌથી વધુ લોકો જ્વેલરી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એ પછીનો ક્રમ ખાણોમાંથી સોનું બહાર કાઢવાનું કામ કરતા મજૂરોનો આવે છે. આ સિવાય કેમિકલ ક્ષેત્રે કે દવાઓ અને ફૂડ સાથે સંકળાયેલા લોકો સોના સાથે વત્તા ઓછા અંશે કામ લે છે એની ગણતરી કરવામાં આવે તો આ આંકડો બહુ મોટો થઈ શકે છે.
સોનાની શરૂઆત...
એક માન્યતા પ્રમાણે પેટ્રોલિયમ પેદાશો જેમ પૃથ્વીના પેટાળમાં સમયાંતરે આપમેળે બને છે એવું સોનાની બાબતમાં બનતું નથી. એક થિયરી મુજબ કરોડો વર્ષો પહેલાં સુપરનોવા વખતે જ્યારે પૃથ્વીનું બંધારણ બની રહ્યું હતું અને સૌરમંડળમાં મોટા પાયે ઉથલપાથલ મચી રહી હતી ત્યારે અન્ય ધાતુઓની જેમ જ સોનાની ધાતુ અસ્તિત્વમાં આવી હતી. કરોડો વર્ષોની પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પેટાળમાં આંતરિક ગરમી, પ્રેશર, ભૂકંપ જેવાં પરિબળોથી વિવિધ પડ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને એમાંનું એક તત્ત્વ એટલે સૌથી લોકપ્રિય ધાતુ સોનું. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે પૃથ્વી સિવાય મંગળ, બુધ અને શુક્રના ગ્રહો પર વિપુલ પ્રમાણમાં સોનું હોવાની શક્યતા છે.
ગોલ્ડ કેન બી નેવર ઓલ્ડ!
* ૮૦ ટકા ગોલ્ડનો ખજાનો હજુ પણ પૃથ્વીના પેટાળમાં પડયો હોવાનું નિષ્ણાતો માને છે.
* પૃથ્વીના પેટાળમાંથી અત્યાર સુધીમાં અલગ અલગ ૯૨ ધાતુઓ મળી આવી છે, જેમાં સોનાનો ૫૮મો નંબર છે.
* એશિયાની જ્વેલરી પશ્ચિમના દેશોના દાગીના કરતાં વધુ કીમતી એટલા માટે હોય છે કે આપણે ત્યાં દાગીના બનાવવા માટે વધુ શુદ્ધ સોનું વાપરવામાં આવે છે.
* મોટાભાગના પશ્ચિમી રાષ્ટ્રોનાં ચલણમાં ૧૯૬૦ સુધી ઓછાવત્તા અંશે ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.
* કાળાં નાણાં બાબતે બદનામ દેશ સ્વિટ્ઝર્લેન્ડ સોનાને કરન્સીરૂપે વાપરનારો છેલ્લો દેશ છે. ૧૯૯૯ સુધી સ્વિટ્ઝર્લેન્ડના સિક્કાઓમાં સોના મિશ્રિત ધાતુનો ઉપયોગ કરાતો હતો.
* કીમિયાગરો આજેય માને છે કે સીસામાંથી સોનું બનાવી શકાય છે અને એ માટેના પ્રયાસો પણ તેઓ કરતા રહે છે.
* સોનું ક્યારેય ઝાંખું પડતું નથી, પણ તેના પર ખારાશ જેવાં તત્ત્વોનું પડ જામી જતું હોવાથી તે કાળાશ પડતું દેખાય છે. વળી, શુદ્ધ સોનું ક્યારેય ચામડી માટે હાનિકારક હોતું નથી.
* સોનું એકમાત્ર એવી ધાતુ છે, જેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે અને તેનાથી માણસના શરીરમાં કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આ કારણે જ દાંત તૂટી ગયો હોય તો બનાવટી દાંતમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો શોખથી પણ દાંત પર સોનાનું પડ ચડાવે છે.