- Back to Home »
- madhyantar »
- ગાંધી સ્મારકોની સફર
Posted by :
Harsh Meswania
Wednesday, 30 January 2013
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ - કર્મભૂમિ છે. આશરે ૩૮ વર્ષ તેઓ ગુજરાતમાં રહ્યા હતા. જ્યાં જ્યાં તેમની યાદો સચવાયેલી છે તેવાં સ્થળોનો ગાંધી નિર્વાણદિન નિમિત્તે અહીં શાબ્દિક પ્રવાસ ખેડી લઈએ...
અમદાવાદ
સાબરમતી આશ્રમઃ દેશ-વિદેશના લાખો પર્યટકો અહીં આવીને તસવીરોમાં, પ્રદર્શનોમાં કે પુસ્તકોમાં ગાંધીને ખોજે છે. આ આશ્રમની સ્થાપના ૧૯૧૭માં કરવામાં આવી હતી. ગાંધીજી અહીં ૧૯૩૦ સુધી રહ્યા હતા. તેમણે સ્વરાજની પ્રતિજ્ઞા પણ આ આશ્રમમાંથી જ લીધી હતી. એ સમયે સાબરમતી આશ્રમની પ્રવૃત્તિ દેશમાં કેન્દ્રસ્થાને હતી. ગાંધીજીના નિવાસસ્થાનને કાકાસાહેબે 'હૃદય કુંજ' નામ આપ્યું હતું.
કોચરબ આશ્રમઃ ભારતમાં આવીને સાદગીપૂર્ણ જીવન જીવવાની ખેવના સાથે 'હું ગુજરાતી છું એટલે ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ' એમ કહીને તેમણે ૨૫ મે, ૧૯૧૫ના રોજ કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરેલી.
ગુજરાત વિદ્યાપીઠ: રાષ્ટ્રીય શિક્ષણની પ્રવૃત્તિરૂપે અમદાવાદમાં ૧૫ નવેમ્બર,૧૯૨૦ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીએ આ પ્રસંગે કહ્યું હતું કે "જો વણિકપુત્ર કરી શકતો હોય તો મેં ઋષિનું કાર્ય કર્યું છે."
સર્કિટ હાઉસ: ૧૮ માર્ચ, ૧૯૨૨ના રોજ અમદાવાદના સર્કિટ હાઉસમાં જસ્ટિસ આર. એસ. બ્રુમફિલ્ડની કોર્ટમાં ગાંધી વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. જેમાં ગાંધીજીને છ વરસની સાદી કેદની સજા કરવામાં આવી હતી.
મજૂર મહાજન: અમદાવાદમાં ગાંધીજીએ મજૂરોના હિતમાં 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાયેલું આંદોલન કર્યું હતું. આ આંદોલન સાથે ૧૯૨૦માં 'મજૂર મહાજન સંઘ'ની સ્થાપના થઈ હતી.
નવજીવન પ્રકાશન મંદિરઃ નવજીવન પ્રકાશન મંદિર એટલે ગાંધીજીના પત્રકારત્વ અને પુસ્તકનું સરનામું. નવજીવન ટ્રસ્ટની સ્થાપના ૧૯૨૯માં થઈ હતી. ભારતમાં આવ્યા પછી ગાંધીજીનું પત્રકારત્વ અહીં પાંગર્યું હતું.
દાંડી
સૈફી વિલાઃ નવસારીથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા દાંડી ગામનું આઝાદીની ચળવળના સંદર્ભમાં ઐતિહાસિક મૂલ્ય છે. ગાંધીજી દાંડી આવ્યા ત્યારે એક મુસ્લિમ સજ્જન વાસીસાહેબે 'સૈફી વિલા' નામના બંગલામાં તેમની રહેવાની વ્યવસ્થા કરી હતી. આ બંગલો આજે આ ઐતિહાસિક ઘટનાની સાક્ષીરૂપે ઊભો છે.
રાજકોટ
કબા ગાંધીનો ડેલો: કરમચંદ ગાંધીની રાજકોટના દીવાન તરીકે નિમણૂંક થતાં ૧૮૭૬માં તેઓ પરિવાર સાથે રાજકોટ રહેવા આવ્યા હતા. કબા ગાંધીની સ્મૃતિ સમિતિના સેક્રેટરી ઉષાકાંતભાઈ માંકડના જણાવ્યા પ્રમાણે ગાંધીજીએ રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. રાજકોટમાં ૧૮૮૧માં કબા ગાંધીનો ડેલો બનાવાયો હતો અને એ રાજકોટના દીવાનનું મકાન હતું. આજે આ સ્થળને 'ગાંધી સ્મૃતિ' તરીકે રક્ષિત કરાયું છે.
રાષ્ટ્રીય શાળાઃ શિક્ષણ ક્ષેત્રે રચનાત્મક કામગીરીના ભાગરૂપે રાજકોટમાં ગાંધીજીની પ્રેરણાથી રાષ્ટ્રીય શાળાનો પાયો નંખાયો. ૧૯૨૧માં રાજકોટના રાજવી લાખાજીરાજે ગાંધીજીની શિક્ષણ ક્ષેત્રની આ પહેલમાં જમીન ફાળવી આપી અને એ રીતે ૧૯૨૪થી રાષ્ટ્રીય શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ થયો. આ શાળામાં ગાંધીજીએ ઉપવાસ આંદોલન કર્યું હતું અને એ દરમિયાન તે શાળામાં જ રહ્યા હતા.
આલ્ફ્રેડ હાઈસ્કૂલ: આલ્ફ્રેડ હાઈસ્કૂલ બ્રિટિશરાજના સૌરાષ્ટ્રમાં ઈંગ્લિશ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર શાળા હતી. આ શાળાને હવે ગાંધીજીની સ્મૃતિરૂપે 'મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ' એવું નામ આપવામાં આવ્યું છે.
પોરબંદર
કિર્તિ મંદિરઃ પોરબંદરની જે હવેલીમાં ગાંધીજીનો જન્મ થયો હતો તે આજે કિર્તિ મંદિર તરીકે જાણીતું છે. ઉત્તમચંદ ગાંધી એટલે કે ઓતા ગાંધીની હવેલીમાં ગાંધીજીએ બાળપણ વીતાવ્યું હતું. અહીં ગાંધીજી ૧૮૭૬ સુધી રહ્યા હતા.
કસ્તુરબા સ્મારકઃ પોરબંદરમાં ગાંધીજીના સ્મારકથી આશરે સો ફીટના અંતરે બીજું એક ઐતિહાસિક મકાન આવેલું છે, જે કસ્તુરબા ગાંધી સ્મારક તરીકે ઓળખાય છે.