- Back to Home »
- madhyantar »
- રોઝ: યુનિવર્સલ લવ સિમ્બોલ
Posted by :
Harsh Meswania
Wednesday, 13 February 2013
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
વેલેન્ટાઇન્સ ડે પર ગર્લફ્રેન્ડને કે બોયફ્રેન્ડને આપેલી મોંઘી ગિફ્ટ સાથે જો ગુલાબનું ફૂલ ન હોય તો પ્રેમનો એકરાર અધૂરો રહી જાય છે. પ્રેમનો એકરાર કરવાનો હોય ત્યારે બીજુ કશું આપ્યા વગર માત્ર એક તાજુ ગુલાબ આપી દેવામાં આવે તો અડધો જંગ જીતી શકાતો હોય છે. આધુનિક સમયમાં રોઝ યુનિવર્સલ લવ સિમ્બોલ બની ગયું છે! કોલેજમાં ઊજવાતા વિવિધ ડેઝ હોય કે બર્થ ડે, ક્રિસમસ-ન્યૂ યર હોય કે વેલેન્ટાઈન્સ ડે રોઝ વગર જાણે સેલિબ્રેશન ફિક્કું પડી જાય છે. પણ રોઝ વિશે એવી તો ઘણી બાબતો છે જેની આપણને ભાગ્યે જ ખબર હોય છે.
ગુલાબ સાથે માણસનો નાતો બહુ પુરાણો છે
પ્રાચીન ઈજિપ્તમાં મમીના અવશેષોમાં ગુલાબ મૂકવામાં આવ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. ઈજિપ્તના પ્રાચિન અવશેષોમાંથી રોઝના પેઇન્ટિંગ્સ પણ મળ્યાં હતા. પ્રાચિન રોમમાં લોકો પોતાના સ્નાન કરવાના પાણીમાં ગુલાબ ઝબોળતા હતા, એટલે સુધી કે આ લોકો ગુલાબમાંથી સુગંધીદાર દ્રવ્ય બનાવીને તેનો વાર-તહેવારે ઉપયોગ કરતા હતા. રાજા નેરો ગુલાબની પાંખડીઓ પાણીમાં નાખેલી હોય એવા પાણીથી જ સ્નાન કરવાનો આગ્રહ રાખતા હતા.
ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની પ્રથમ પત્ની જોસેફાઇનને વિશ્વનો સૌપ્રથમ રોઝ ગાર્ડન બનાવવાનું શ્રેય મળે છે. જોસેફાઇને ૧૭૯૮માં પેરિસની બહાર એક મોટું રોઝ ગાર્ડન બનાવ્યું હતું જેમાં ૨૫૦ પ્રકારનાં ગુલાબ હતાં. અમેરિકાના ૪૦મા પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનનું ફેવરિટ ફૂલ ગુલાબ હતું. તેમણે અમેરિકામાં ગુલાબની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ૧૯૮૬માં રોઝને રાષ્ટ્રીય ફૂલનો દરજ્જો આપ્યો હતો. બ્રિટન પછી અમેરિકા બીજો એવો મહત્ત્વનો દેશ છે જ્યાં ગુલાબ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ફૂલનું સન્માન મેળવે છે.
ગુલાબ પર ગુજરાતીથી લઈ અંગ્રેજી સહિતની ભાષાઓમાં અઢળક લખાયું છે. શેક્સપિયરે તેમના સાહિત્ય સર્જનમાં ૫૦ વખત રોઝનો ઉલ્લેખ કર્યો છે. તો વળી જર્મનીના હિલ્ડેશિમ કેથરોલમાં આવેલો ગુલાબનો છોડ વિશ્વનો સૌથી જૂનો છોડ છે એમ કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ છોડ ક્ષતિગ્રસ્ત થયો હતો છતાં તેનો ચમત્કારીક બચાવ થયો હતો અને આજે એક હજાર વર્ષથી આ છોડ અડિખમ ઉભો છે. એટલે કે આજના સોશ્યલ મીડિયાના જમાનામાં ઠેર ઠેર રોઝ-રોઝ થાય એટલે જ ગુલાબી વાતાવરણ નથી થયું, પણ ગુલાબનું મહત્ત્વ વર્ષોથી સ્વીકારાયું છે.
ભારત અને ગુલાબઃ બાત નિકલી હૈ તો દૂર તલક જાયેગી!
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એક વાર ગુલાબ વિશે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, "ગુલાબને અધ્યાત્મ સાથે શા માટે જોડવું જોઈએ, એનું મૂલ્ય તો એની સુગંધથી કરવું જોઈએ." પૌરાણિક કથામાં વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે રસપ્રદ દલીલો આવે છે. જેમાં બ્રહ્માજી કમળનાં ગુણગાન ગાય છે અને ભગવાન વિષ્ણુએ ગુલાબની પ્રશંસા કરી છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ આસપાસ કશ્યપ નામના રાજા પોતાના રાજ્યમાં ગુલાબને ખાસ સ્થાન આપતા હતા એમ કહેવાય છે. ધ ગ્રેટ એલેકઝાન્ડર કે જેને આપણે સિકંદર કહીએ છીએ તે જ્યારે ભારત સર કરવા આવ્યો ત્યારે તેણે ગુલાબની અલગ અલગ વરાઇટી જોઈ હતી અને ભેટરૂપે થોડાં ફૂલો એરિસ્ટોટલને મોકલ્યાં હતાં. ૧૩મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ પ્રવાસી રશિદ ઉલ દ્દીને ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને તેણે તેમની નોંધમાં લખ્યું હતું કે "અહીંના લોકો ખૂબ ખુશહાલ જીવન જીવે છે અને આ પ્રદેશમાં ૭૦ પ્રકારનાં સુંદર ગુલાબ જોવા મળે છે." પોર્ટુગલના બે પ્રવાસીઓ ડોમિંગ્નો પેસ અને ફેર્નાઓ નૂન્ઝ ૧૫૩૭ આસપાસ ભારતમાં આવ્યા ત્યારે તેમની નોંધ પ્રમાણે વિજયનગરમાં જુદા જુદા પ્રકારના ગુલાબના રોપાઓ વાવવામાં આવતા હતા. ૧૪મી સદીની મધ્યમાં ભારત આવેલા પર્સિયાના પ્રવાસી અબ્દુલ રઝાકે લખ્યું હતું કે, "અહીં ઠેર ઠેર સુંદર ગુલાબ જોઈ શકાય છે. અહીંના લોકો ગુલાબનો ઉપયોગ ખોરાકમાં પણ કરે છે." મુઘલ સુલતાનોને ગુલાબ ખૂબ જ વ્હાલાં હતાં. બાબરે તેની દીકરીઓનાં નામ ગુલાબ પરથી પાડયાં હતાં. બાબરની દીકરીઓનાં નામ ગુલચિહરા, ગુલરૂખ, ગુલબદન અને ગુલરંગ રાખ્યાં હતાં. બાબર ભારતમાંથી અસંખ્ય ગુલાબો ઊંટ પર મૂકીને પર્સિયા રવાના કરતા હતા તો બાબરના પૌત્ર અકબર પણ તેના ખંડિયા રાજાઓને અને પડોશી રાજ્યના રાજાઓને શુભેચ્છારૂપે ઊંટની સાથે ગુલાબ મોકલવાનું પસંદ કરતા હતા.
ભારતમાં ગુલાબ અંગ્રેજો થકી આવ્યાં એ વાત એટલી સાચી નથી, પણ હા, ગુલાબને પોપ્યુલર કરવામાં અંગ્રેજોનો ફાળો વિશેષ રહ્યો છે એમ કહી શકાય. આપણે જ્યારે આ વિદેશી તહેવારને પોતીકો માની લીધો છે ત્યારે છેલ્લા એક વીકથી અલગ અલગ પ્રકારનાં રોઝની આપ-લે શરૂ થઈ છે. હજુ એક બે દિવસ દુનિયા રોઝમય રહેવાની છે ત્યારે વેલેન્ટાઇન્સ ડેની સાથોસાથ ગુલાબનાં ફૂલોની સુગંધ મુબારક!