- Back to Home »
- Biographical »
- ભૌતિકશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને વિજ્ઞાની : ડૉ. યશપાલ
Posted by :
Harsh Meswania
Saturday, 20 July 2013
ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાની પ્રોફેસર ડો. યશપાલને 2013માં ભારતનું બીજા ક્રમાંકનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું. ડો. યશપાલ માત્ર એક વિજ્ઞાની જ નથી, પરંતુ તે ઉચ્ચ દરજ્જાના શિક્ષણશાસ્ત્રી પણ છે. અહીં દેશના આ પ્રથમ હરોળના વિજ્ઞાની વિશે થોડું જાણીએ...
* ૨૬ નવેમ્બર, ૧૯૨૬ના રોજ અખંડ ભારતના ઝાંગમાં (અત્યારે પાકિસ્તાન) ડો. યશપાલનો જન્મ થયો હતો.
* ૧૯૪૯માં પંજાબ યુનિર્વિસટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ભૌતિકશાસ્ત્ર વિષયમાં જ પીએચ.ડી.ની પદવી પણ મેળવી હતી.
* પ્રોફેસર યશપાલે અંતરીક્ષ કિરણોના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું છે. તેમના સંશોધનપત્રોને ભારતનાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાન સામયિકોમાં સ્થાન મળતું રહ્યું છે. તેમના આ કોસમિક કિરણોની શોધને કારણે વિશ્વભરમાં તેમને સન્માન મળ્યું છે.
* કોમ્યુનિકેશન અને સંદેશાવ્યવહારની બાબતમાં તેમનું કાર્ય વ્યાપક અને વિશાળ માનવામાં આવે છે. જે સમયે ભારત આ ક્ષેત્રે પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે પ્રોફેસર યશપાલનાં સંશોધનો અગત્યનાં સાબિત થયાં હતાં.
* આધુનિક પ્રોદ્યોગિકી વિજ્ઞાન ક્ષેત્રે તેઓનું પ્રદાન નોંધપાત્ર માનવામાં આવે છે. ભારતને આ ક્ષેત્રે તેમનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મળતું રહ્યું છે.
* તેઓ ૨૦૦૭થી ૨૦૧૨ના વર્ષ દરમિયાન નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના કુલપતિ પદે કાર્યરત રહ્યા હતા.
* તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ચેરમેન તરીકેનો હોદ્દો પણ શોભાવી ચૂક્યા છે.
* વિજ્ઞાન અને વિજ્ઞાનલક્ષી અભિગમ કેળવવાના તેમના સંગીન પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૧૯૭૬માં પદ્મભૂષણ અને ૨૦૧૩માં પદ્મવિભૂષણ જેવા નાગરિક સન્માન આપીને તેઓની સેવાની કદર કરી છે.
* 1980માં તેમણે અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી.
* વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના ઉમદા પ્રયાસો બદલ 2009માં યુનેસ્કોએ ડૉ. યશપાલનું કલિંગ પ્રાઈઝથી સન્માન કર્યું હતું.
* બાળકોનો ભણતરનો ભાર હળવો કરવાના હિમાયતી અને આજીવન સાયન્સના શિક્ષણ ઉપર ભાર મૂકનારા પ્રોફેસર યશપાલનું 24મી જુલાઈ 2017ના રોજ નોઈડામાં 90 વર્ષની વયે નિધન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)