- Back to Home »
- madhyantar »
- જીવતાં પ્રાણીઓની દાણચોરીનો ખતરનાક કાળો કારોબાર
Posted by :
Harsh Meswania
Thursday, 19 September 2013
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
કોલકાતાના એરપોર્ટ પરથી દસ હજાર કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર જતાં ચેન્નાઈના બે નાગરિકોને કસ્ટમ અધિકારીઓએ પકડી પાડયા હતા. વિશ્વમાં સજીવોની ગેરકાયદે હેરાફેરીનો કાળો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે તેની એક ઝલક
ચેન્નાઈમાં રહેતા મનિમાલન રામસ્વામી અને શીલામુથુ રામસ્વામી ચીનમાંથી આશરે ૬૦ લાખ રૂપિયાની કિંમતના દસ હજાર ઉપરાંતના કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર લઈ જતા હતા ત્યારે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની સૂટકેસની તપાસ કરવામાં આવી હતી. સૂટકેસમાં આટલા બધા કાચબા જોઈને કસ્ટમ અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. સૂટકેસમાં કાચબા લઈ જવાનો આ થોડો નવતર પ્રયોગ હતો. વિશ્વમાં સજીવોની દાણચોરી ક્ષેત્રે પ્રવૃત્ત લોકો આવા અવનવા અખતરા કરતા રહેતા હોય છે. માની ન શકાય એવી જગ્યાએ સજીવોને છુપાવીને એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદે હેરફેર કરવાના આવા તો કેટલાય પ્રયાસોને વિશ્વભરના કસ્ટમ અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યા છે. આવા થોડા જોખમી અને રમૂજી પ્રયાસો તરફ નજર કરતા પહેલાં સજીવોની દાણચોરીની દુનિયામાં ડોકિયું કરવા જેવું છે.
ડ્રગ્સ પછીનો સૌથી મોટો કાળો કારોબાર
વાઇલ્ડ લાઇફ સ્મગલિંગની બાબતમાં એશિયન અને આફ્રિકન દેશો વધુ બદનામ રહ્યા છે. આ બે નંબરી પ્રવૃત્તિનો વ્યાપ એશિયા અને આફ્રિકામાં હોવાનું એક કારણ તેની વાઇલ્ડ લાઇફ સમૃદ્ધિ પણ છે. જોકે, એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝ ઉપરાંત પણ આ કાળો કારોબાર વિશ્વભરમાં ઓછા-વત્તા અંશે થાય જ છે. એક અંદાજ પ્રમાણે ડ્રગ્સની દાણચોરી પછીના ક્રમે સજીવોની હેરાફેરીને મૂકવામાં આવે છે અને એ પછી શસ્ત્રોની દાણચોરીને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. એ પરથી જ સજીવોના સ્મગલિંગનું આ દલદલ કેટલું વ્યાપ્ત છે તેનો અંદાજ લગાવી શકાય છે. સજીવોની દાણચોરીનું વાર્ષિક ટર્નઓવર એક અબજ રૂપિયા સુધીનું હોવાનું કહેવાય છે. દુર્લભ પ્રજાતિની વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિને વેગ મળી રહે છે. પશુ-પક્ષીઓને લઈને લોકોમાં ઘણી બધી ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે અને સજીવોની દાણચોરીના મૂળમાં એ ભ્રામક માન્યતા પણ કંઈક અંશે જવાબદાર ઠરે છે. અમુક સજીવો આરોગવાથી અમુક ચોક્કસ રોગ મટી જશે (ગુપ્ત રોગોની બાબતમાં સવિશેષ ભ્રમણાઓ ફેલાયેલી છે) એવી માન્યતાના બળે ગેરકાયદે સજીવોની આપ-લે થાય છે અને તેને લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. જેમ કે, ચીનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વાઘનું માંસ ખાવાથી લાંબું આયુષ્ય ભોગવી શકાય છે અને શારીરિક-જાતીય ક્ષમતામાં પણ વધારો થાય છે. ક્યાંક માંસની માંગ છે, તો ક્યાંક ચામડીની ડિમાન્ડ છે. વળી કોઈક તંત્રવિદ્યા માટે સજીવોને પ્રયોજે છે. આ બધાં કારણો સજીવોની દાણચોરી માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સજીવોની દાણચોરીમાં પક્ષી કે પશુઓને મોટાભાગે જીવતાં જ વેચવામાં આવતાં હોય છે અને એટલે તેને જીવિત હાલતમાં જે તે જગ્યાએ પહોંચાડવા માટે અવનવા નુસખા અખત્યાર કરવામાં આવે છે. છતાં કોઈ વાર મોટી સંખ્યામાં સજીવો ગૂંગળાઈને મરી જતાં હોય છે.આ આખું તંત્ર કસ્ટમ અધિકારીઓના સહકાર વગર શક્ય ન બની શકે એટલે જરૂર પડયે કસ્ટમ ઓફિસર્સ પૂરતો સહકાર આપે એવી ગોઠવણ કરવામાં આવતી હોય છે! આ સિવાય સજીવોની હેરાફેરી વખતે કોઈને ખબર ન પડી જાય એ માટે તેને છુપાવવાની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ તો એરપોર્ટ પરથી હેમખેમ નીકળી જવા જાતજાતના તુક્કા લગાવાય છે. તુક્કામાં ક્યારેક સફળતા મળી જાય છે, તો ક્યારેય કોઈ કસ્ટમ અધિકારીની કે સાથી પ્રવાસીઓની નજરથી બચી શકવું મુશ્કેલ બની જાય છે.
સજીવસૃષ્ટિ પર મંડરાતો અસ્તિત્વનો ખતરો
લાંબી મુસાફરી દરમિયાન સજીવોને અપૂરતી હવા અને જગ્યાને કારણે ગૂંગળાઈ મરવાનો વખત આવે છે. એટલે કેટલાંક તો તેના મુકામ સુધી પહોંચે એ પહેલાં જ હરિને પ્યારા થઈ જતા હોય છે, તો કેટલાક બીજા રાઉન્ડમાં સરનામે પહોંચ્યા પછી અંતિમ શ્વાસ લે છે. 'પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ' એટલે કે 'પેટા'ના ટૂંકા નામની ઓળખાતી અને વિશ્વભરમાં સજીવસૃષ્ટિ માટે કામ કરતી સંસ્થાની એક અમેરિકન અંડરગ્રાઉન્ડ ટીમે વર્ષો પહેલાં સજીવોની દાણચોરી બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનાં તારણો ચોંકાવનારાં હતાં. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે સજીવોને એવી ગંભીર હાલતમાં હેરફેર કરવામાં આવે છે કે અડધા તો ખરાબ વાતાવરણથી જ મૃત્યુ પામે છે અથવા તો ઠાંસી ઠાંસીને એકસામટા ભર્યા હોવાથી પણ થોડાનું કચુંબર થઈ જાય છે. વળી દાણચોરોને કે તેનો ગેરકાયદે વેપાર કરતા લોકોને સજીવોની સંભાળ રાખતા નથી આવડતું હોતું એટલે અમુક સજીવો મોતને ભેટે છે. વળી એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવાતા સજીવોને જે તે દેશનું વાતાવરણ-તાપમાન માફક ન આવે એટલે પણ દમ તોડી દેતા હોય છે. દાણચોરીના પ્રતાપે જ ઇગ્વાના નામનું અમેરિકામાં વૃક્ષ પરથી મળી આવતું ગરોળી જેવું સજીવ હવે દુર્લભ થતું જાય છે. એક સમયે આ ઇગ્વાના દાણચોરોનું ફેવરિટ સજીવ હતું. આવા તો કેટલાંય પશુ-પક્ષીઓ છે જે દાણચોરોના પ્રતાપે પૃથ્વી પરથી લુપ્ત થવાના આરે છે.
સજીવોની દાણચોરી માટે કેટલાક જોખમી અને ભેજાગેપ પ્રયાસો
વિશ્વભરમાં દાણચોરો સજીવોને લઈને એક દેશમાંથી બીજા દેશમાં ઉડાઉડ કરતા હોય છે. એમાં ક્યારેક એના જોખમી પ્રયાસથી રમૂજી સીન પણ ક્રિએટ થાય છે. અહીં એવા થોડા જોખમી છતાં રમૂજી તુક્કાઓની વાત કરીએ.મારા ટ્રાઉઝરમાં કોબ્રા છે : આ વાક્ય કોઈ બોલે ત્યારે તેના ચહેરાના ભાવ કેવા હશે એ કલ્પી શકવું અઘરું નથી! સ્વિડનના એક માણસની તલાશી જ્યારે ઓસ્ટ્રેલિયન કસ્ટમ અધિકારીઓએ લીધી ત્યારે તેને આ વાક્યથી ભારોભાર આશ્ચર્ય થયું હતું. એ. સ્મિથ નામના આ માણસે ટ્રાઉઝરમાં ૮ સાપ છુપાવી રાખ્યા હતા, જેમાંથી ૪ તો કિંગકોબ્રા હતા. તેના સદ્નસીબે કિંગકોબ્રા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા!
કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી : અમેરિકન નાગરિક જેરોમ જેમ્સે તેના એક કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી સંતાડી રાખી હતી. અધિકારીઓને શંકા જતાં લોસ એન્જલસના એરપોર્ટ પર તેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તેના નકલી પગમાંથી ગરોળીઓ જપ્ત કરીને તેને જેલહવાલે કરાયો હતો.
મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે : ઓસ્ટ્રેલિયામાં સિડનીના એરપોર્ટ પરના કસ્ટમ અધિકારીઓ જ્હોન એડોલ્ફન નામના માણસને તપાસી રહ્યા હતા ત્યારે તેણે અધિકારીઓને કહ્યું હતું કે મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે. તેના વાક્યથી અધિકારીઓ ચોંકી ગયા હતા. ખરેખર જ તેના જિન્સમાંથી વાંદરાનાં બચ્ચાં મળી આવ્યાં હતાં.
મારા અંતઃવસ્ત્રમાં સાપ છે : સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં એક મહિલાની ઝડતી લેવાઈ રહી હતી ત્યારે તેણે કબૂલ્યું કે મારા અંતઃવસ્ત્રમાં સાપ છે. અધિકારીઓને પહેલાં તો તેની વાતમાં વિશ્વાસ ન બેઠો, પણ તલાશી લેતાં ખરેખર તેના અંતઃવસ્ત્રમાંથી થોડા સાપ મળ્યા હતા.
મારી સૂટકેસમાં ટાઇગર છે : થાઇલેન્ડના કસ્ટમ અધિકારીઓ એક મહિલાના સામાનની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે એક કર્મચારીએ જેવી સૂટકેસ ખોલવાની કોશિશ કરી કે તરત એ મહિલાએ ઉપરોક્ત વાક્ય ઉચ્ચાર્યું હતું. પહેલાં તો અધિકારીઓને લાગ્યું કે તે મજાક કરી રહી છે, પણ પછી ખરેખર જ તેની મોટી સૂટકેસમાંથી એક ટાઇગર મળી આવ્યો હતો.