Archive for February 2014

અસલને આંટે એવી નકલની હાટ



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

અમેરિકાએ નકલી ચીજ-વસ્તુઓના વેંચાણમાં અગ્રેસર હોય એવા માર્કેટની એક યાદી જાહેર કરી છે, જેમાં ભારતના દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદના છ કાળા બજાર પણ સામેલ છે. અસલી પ્રોડક્ટ સામે કસોકસ સ્પર્ધા આપતી ભારતીય પાઇરસી બજારમાં શું વેંચાય છે?

બારસેલોના ફૂટબોલ ક્લબના ઓરિજિનલ ટ્રેક સુટની કીંમત આમ તો આઠેક હજાર રૃપિયા જેવી થવા જાય છે, પણ એ જ ટ્રેક સુટ ભારતના આ માર્કેટમાં માત્ર બસ્સો-પાંચસો રૃપિયામાં મળી જાય છે. એપલ આઇફોન ૫-સી ખરીદવા પાછળ ઓછામાં ઓછા ૩૫ હજાર ખર્ચવા પડે, પરંતુ આ માર્કેટમાં એ ફોન માત્ર સાડા ચાર કે પાંચ હજારમાં મેળવી શકાય છે. તો ૨૩ હજાર રૃપિયામાં પડતો સેમસંગ ગેલેક્સી એસ-૩ ત્રણ હજારમાં મળી જાય એવી પણ વ્યવસ્થા છે. પાંચેક હજારમાં મળતી કોઈક પરદેશી બ્રાન્ડની લેપટોપ બેગની કીંમત માત્ર પાંચસો રૃપિયા છે. આવી તો કેટલી બધી બ્રાન્ડ ટેગ ધરાવતી વસ્તુઓ કપડા, જૂતા, સૌંદર્ય પ્રસાધનોની ભિન્ન ભિન્ન પ્રોડક્ટ વગેરે સાવ બ્રાન્ડ ન્યુ હોવા છતાં ધારણા બહારની ઓછી પ્રાઇસમાં ખરીદી શકાય છે. પ્રથમ નજરે ઓળખી ન શકાય, પણ ખરેખર જો જાણકારની નજરે આ પ્રોડક્ટ ચડે તો એ ઓળખી શકે કે આ બધી જ વસ્તુઓ નકલી છે, ઓરિજિનલ વસ્તુઓની બેઠી કાર્બન કોપી છે, મોટાભાગની પ્રોડક્ટ મેઇડ ઇન ચાઇના છે. આ વાત છેઃ દિલ્હીના ગફાર માર્કેટની. અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે બહાર પાડેલી વિશ્વની ૩૦ પાઇરસી બજારની યાદીમાં ગફાર માર્કેટનો પણ સમાવેશ થયો છે. રિપોર્ટમાં ભારત છ માર્કેટ સાથે પ્રથમ ક્રમ શોભાવે છે! ભારતીય યાદીમાં ગફાર માર્કેટનો બીજો નંબર છે. પ્રથમ ક્રમાંકે છે દિલ્હીનું નહેરુ પ્લેસ માર્કેટ.

નહેરુ પ્લેસ નકલી ચીજ-વસ્તુઓના વેંચાણમાં વર્ષોથી કુખ્યાત છે. તેનો વ્યાપ માત્ર પાટનગર દિલ્હી પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં વેંચાતા નકલી સોફ્ટવેર-પ્રોગ્રામ્સ અને ફિલ્મ સીડી-ડીવીડી પાછળ નહેરુ પ્લેસ જવાબદાર છે અને ભારતમાં અમેરિકન સોફ્ટવેર તેમજ મ્યુઝિક-ફિલ્મની ઓરિજિનલ સીડી-ડીવીડીના વેંચાણમાં મોટો ફટકો પડયો હોવાનું એક કારણ નહેરુ પ્લેસ છે એવું યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એજન્સી બહુ દ્રઢપણે માને છે. અમેરિકન એજન્સીની વાત ઘણે ખરે અંશે સાચી ય છે. પાઇરેટેડ સોફ્ટવેર સાવ નજીવા દરે નહેરુ પ્લેસમાંથી હાથવગા કરી શકાય છે. સો-બસ્સો કે ત્રણસો રૃપિયામાં જે અંગ્રેજી ફિલ્મોની અસલી ડી-વીડી બજારમાં મળતી હોય છે એ અહીં માત્ર ૧૦ રૃપિયામાં પણ મળે છે. હાર્ડ ડિસ્કથી માંડીને પ્રિન્ટર, સ્કેનર અને લેપટોપ સુધીની બ્રાન્ડેડ સામગ્રી ધારણા કરતા કિફાયતી કીંમતે મળે છે. ઘણા બધા દુકાનદારો જાલી પ્રોડક્ટ વેંચતી વખતે પણ છ માસનો વોરન્ટી પીરિયડ આપે છે એટલે માર્કેટની વિશ્વસનિયતા પણ જળવાઈ રહી છે. કદાચ એટલે જ ગ્રાહકો જાણતા હોવા છતાં નકલી હાર્ડવેર-સોફ્ટવેર નહેરુ પ્લેસમાંથી ખરીદવાનું પસંદ કરે છે. જોકે, નહેરુ પ્લેસને અમેરિકન એજન્સી જેટલું બદનામ કરી રહ્યું છે એટલું બધું ખરેખર બદનામ પણ નથી. ભારતની ઘણી બધી ખ્યાતનામ આઈટી કંપનીઓની હેડ ઓફિસનું કાયમી સરનામુ નહેરુ પ્લેસ બન્યું છે. તો ફેબ્રિક્સ અને ટેક્સટાઇલ માટે પણ નહેરુ પ્લેસની પાટનગરમાં આગવી ઓળખ છે.
દિલ્હીની જેમ જ ભારતના આર્થિક પાટનગર સમા મુંબઈના પણ બે માર્કેટ પાઇરસી માટે જગ કુખ્યાત છે. મનિષ માર્કેટ અને લેમિંગ્ટન રોડ. આ બજારો થોડા વધુ ઓર્ગેનાઇઝ્ડ છે. જ્યારે પોલીસ રેઇડ પડે ત્યારે સામાનનો જથ્થો ક્યાં ગૂમ થઈ જાય છે તેનું હજુ સુધી કોઈ જ પગેરુ નથી મળ્યું. પોલીસ જાય કે તરત ક્યાંકથી પાછો બધો જ જથ્થો બજારમાં ઠલવાઈ જાય છે. નહેરુ પ્લેસની જેમ આ બંને બજારો ય સોફ્ટવેર અને નકલી સીડી-ડીવીડીનું વિશાળ વેંચાણ ધરાવે છે. મનિષ માર્કેટ ચાઇના પ્રોડક્ટના વેંચાણ માટે પણ એટલું જ કુખ્યાત છે. એમપી-થ્રી પ્લેયર, એલસીડી સ્ક્રીન, ફેન્સી લાઇટિંગ્સ, કેમેરા જેવી અઢળક વસ્તુઓ મનિષ માર્કેટમાંથી ગ્રાહકોને વિશાળ રેન્જમાં મળી રહે છે. વળી, હેન્ડફ્રી, બ્લુટૂથ, મેમરી કાર્ડ, સ્માર્ટફોનના સ્ક્રીન ગાર્ડ જેવી પ્રમાણમાં ઓછી કીંમતની ચીજ-વસ્તુઓની ડિમાન્ડ ખૂબ રહે છે અને મનિષ માર્કેટ ગ્રાહકોની આ ડિમાન્ડને બરાબર પોષે છે.
હૈદરાબાદના ચીનોય ટ્રેડ સેન્ટર અને હોંગકોંગ બજાર પણ અમેરિકાની કાળી યાદીમાં સામેલ છે. કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરના વેંચાણ માટે વિખ્યાત આ માર્કેટમાં પાઇરેટેડ હાર્ડવેર-સોફ્ટવેરનું મોટાપાયે વેંચાણ થાય છે. દિલ્હીના નહેરુ પ્લેસની જેમ જ ચીનોય ટ્રેડ સેન્ટર અને હોંગકોંગ બજારમાં ઘણા દુકાનદારો પોતાની નકલી પ્રોડક્ટમાં કસ્ટમરને છ માસથી લઈને એક વર્ષ સુધીનો વોરન્ટી પીરિયડ આપે છે એટલે એ રીતે ગ્રાહકો લોભાઈ જાય છે. જોકે, ચીનોય ટ્રેડ સેન્ટર કે હોંગકોંગ બજારમાં જાલી ચીજ-વસ્તુઓ વેંચતા વેપારીઓ ગ્રાહકોને વોરન્ટી કાર્ડ આપવાને બદલે કાચી ચીઠ્ઠી આપી દેતા હોય છે.
ભારત પછી ચીન પોતાના પાંચ નકલી માર્કેટ સાથે આ યાદીમાં બીજા ક્રમાંકે છે. ઈન્ડોનેસિયામાં પણ સોફ્ટવેર અને હાર્ડવેરનું મોટું નકલી માર્કેટ ધ્યાનમાં આવ્યું છે. આમ તો આખા વિશ્વમાં અલગ અલગ ચીજ-વસ્તુઓનું ફરેબી માર્કેટ ઉપલબ્ધ છે, પણ એશિયામાં ભયનજક રીતે વધતા પાઇરેટેડ માર્કેટ સામે અમેરિકા વિશ્વ વ્યાપાર સંઘમાં ઉગ્ર રજૂઆત કરવાના મૂડમાં જણાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભારતીય સરકાર આ નકલી માર્કેટ સામે લાલ આંખ કરે છે કે કેમ?
Sunday, 23 February 2014
Posted by Harsh Meswania
Tag :

૧૯૮૬: રૃકી રૃકી સી જિંદગી


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
બાળકોને ગેજેટ્સના આદી બનતા કેમ અટકાવવા? એ સવાલનો જવાબ શોધવા એક માતા-પિતા જાણે આજે પણ૧૯૮૬નું વર્ષ ચાલતુ હોય એ રીતે જ જીવન જીવે છે. તેમની જીવનશૈલી ત્યાં જ રોકાઈ ગઈ છે

'બેટા હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું, તારે સાથે આવવું છે?' એક પિતા તેના પાંચ વર્ષના બાળકને ખૂબ પ્રેમ પૂર્વક પૂછે છે.
'ના, મને ઘરની બહાર જવાની જરાય ઈચ્છા નથી' બાળકે પિતા સામે જોયા વગર જ ઉત્તર આપ્યો.
'પણ બેટા હું જ્યાં જઈ રહ્યો છું એ જગ્યા ખૂબ જ સુંદર છે, તેં એવી જગ્યા ક્યારેય નહીં જોઈ હોય' પિતા તેના પુત્રને સાથે લઈ જવા માટે મનાવવાની પૂરી કોશિશ કરતા હોય એવી રીતે કહે છે.
'ઓકેય ડેડ, પણ મેં કહ્યુંને કે મારે ઘરની બહાર ફરવા જવામાં ટાઇમપાસ નથી કરવો' પુત્રએ થોડા અણગમા સાથે પિતા સામે જોઈને કહ્યું.
'ફાઇન પણ તો અહીં શું કરીશ? એના કરતા મારી સાથે ચાલ તને યાદગાર પ્રવાસનો અનુભવ થશે, ત્યાં કેટલાં બધા પ્રાણી-પક્ષીઓ સાથે તને ગમ્મત કરવા મળશે' પિતાએ ફરી વખત લાગણીસહ પુત્રને સાથે લઈ જવાની વાતને દોહરાવી.
'હું અહીં મારા આઇપેડ સાથે સમય પસાર કરીશ' પુત્રએ પિતાની સાથે ન જવાનું મજબૂત કારણ રજૂ કરી દીધું.
 સામાન્ય રીતે જ્યારે નાનકડા પુત્ર સાથે પિતાને આવો વાર્તાલાપ થાય ત્યારે આટલેથી વાત પૂરી થઈ જતી હોય છે, પરંતુ અહીં આ વાત પિતાના મનમાં અંદર સુધી ખટકી ગઈ. પિતાને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. પિતા બહાર જતા હોય અને તેને સાથે ન લઈ જાય ત્યારે જે રીતે જીદ પકડીને ગમે તેમ કરીને સાથે જતો એ દિવસો સ્મૃતિપટ પર તાજા થઈ ગયા. તેને લાગ્યું કે આજની આ ટેકનોલોજી બાળકોને ઘરની બહારની સુંદર દુનિયા સાથે તાદામ્ય સાધવામાં બાધારૃપ બની રહી છે. પણ તો એનું કરવું શું? એ બરાબર વિચારે ચડયો. આ વાત તેણે તેની પત્નીને પણ કરી. પતિ-પત્ની બંને એક વાતે સહમત થયા કે આ અત્યાધૂનિક ગેજેટ્સ આપણા બાળકોનું બાળપણ ઝૂંટવી રહ્યાં છે. એના માટે કશુંક કરવું જોઈએ. વિચારતા વિચારતા બંનેને ઉકેલ મળી ગયો. ઉકેલ કંઈક એવો હતો કે બાળકોને આધૂનિક ઉપકરણોનું વળગણ ન થાય એની ખાસ તકેદારી રાખવી. ઘરમાં નવા ગેજેટ્સ ન ખરીદવા. બંને પતિ-પત્નીએ બાળકો સાથે સમય પસાર કરવો. પ્રકૃતિ સાથે બાળકોનો પરિચય કરાવવો. સૌથી મહત્ત્વની વાતઃ પોતે જે પરિસ્થિતિમાં મોટા થયા હતા એ જ સમયગાળામાં જઈને બાળકોને કેળવવા. એ પણ ટાઇમ મશીનની મદદ વગર!
* * *
સ્થળ: કેનેડાના ગુએલ્ફ નામના ટાઉનમાં આવેલું એક નાનકડું પણ સુઘડ ઘર
સમય: ફેબુ્રઆરી, ૨૦૧૪
ઘરમાં થઈ રહેલી પ્રવૃત્તિ: એક પાંચેક વર્ષનો છોકરો, બે વર્ષની છોકરી અને તેના માતા-પિતા ઘરમાં બેસીને કશીક રમૂજ કર્યા પછી હસી રહ્યાં છે. ચારેયના હસવાના અવાજના ઘરમાં પડઘા પડી રહ્યાં છે.
ઘરનો માહોલ: ઘરમાં જૂના મોડેલનું ટેલિવિઝન છે, છતાં કેબલની સવલત નથી. વીડિયો જોઈ શકાય એવી પ્રાથમિક સુવિધા છે ખરી, પરંતુ ઘરમાં ડીવીડીનો અવશેષ પણ જોવા નથી મળતો. બાળકો માટે વીડિયો ગેઇમ્સ છે, પણ એક્સબોક્સીસ નથી. ઘરના એક ખૂણામાં ટેબલ પર લેન્ડલાઇન ફોન છે, પણ ક્યાંય સ્માર્ટફોન નથી દેખાતો. કમ્પ્યુટર રાખવાના એક ટેબલ પર ફેક્સ મશીન ગોઠવેલું પડયું છે. બાળકોના મનોરંજન માટે અલગ અલગ ચિત્રવાર્તાઓનો ખજાનો તૈનાત કરાયો છે. એની બરાબર પાસે પુસ્તકોનો કબાટ રખાયો છે. એ કબાટમાં સ્થાન પામનારા પુસ્તકોની લાયકાત એ હતી કે એ તમામ ૨૭ વર્ષ પહેલા કે એનાથી પણ જૂના સમયમાં પ્રકાશિત થયેલા હતા. 

પરિવારના એકેય સભ્યને ઈન્ટરનેટ સાથે દૂર સુધી કોઈ કનેક્શન હોય એવું જરાય નથી લાગતું. ફેસબૂક-ટ્વિટરની તો કલ્પના પણ વધુ પડતી છે. ઘરમાં કોઈ મહેમાન આવે તો તેની પાસેથી મોબાઇલ લઈને એક પેટીમાં મૂકી દેવામાં આવે છે. જતી વખતે એ મોબાઇલ મુલાકાતીને પરત કરી દેવાય છે. ઘરમાં આવનારા મહેમાનોને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવે છે કે તાજેતરની કોઈ ઘટનાઓનો ઉલ્લેખ સુદ્ધા ન કરવો. અખબારોમાં છપાયેલા સમાચારોની કોઈ ચર્ચા ન કરવી. દિવાલ પર ૧૯૮૬નું કેલેન્ડર લટકતું જોઈ શકાય છે.
* * *
આ વાત છે કેનેડાના ગુએલ્ફમાં રહેતા ચાર સભ્યોના એક પરિવારની. પરિવારના મોભી બ્લેઇર મેકમિલન અને તેની પત્ની મોર્ગન છેલ્લા છ માસથી પાંચ વર્ષના પુત્ર ટ્રેય અને બે વર્ષની પુત્રી ડેન્ટોન સાથે ૧૯૮૬ના વર્ષ મુજબની જીવન શૈલીથી જીવન વિતાવી રહ્યાં છે. અત્યાધૂનિક ગેજેટ્સના આદી બની રહેલા બાળકોને પ્રકૃતિના ખોળામાં ઉછેરવાના હેતુથી બંનેએ જ્યારે આ રાહ પકડયો ત્યારે પરિવારજનો અને મિત્રોએ તેના નિર્ણયની તીખી ટીકા કરી હતી. મેકમિલન દંપતીને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા હતા. નજીકના મિત્રોએ સલાહ આપી હતી કે માત્ર બાળકોનું વિચારીને પોતાની કારકિર્દી દાવ પર ન લગાવાય. પરિવારના સભ્યોએ બ્લેઇરને આર્થિક સંકળામણનો ભોગ બનવું પડશે એવી ચેતવણી આપી હતી. કેટલાકે તો એવી અટકળ પણ બાંધી લીધી હતી કે 'છોને હમણાં આ રીતે રહેતા, થોડા દિવસોમાં સાન ઠેકાણે આવી જશે એટલે બધુ રાબેતા મુજબ જ કરવા લાગશે' એ વાતને આજ કાલ કરતા આ મહિનામાં છ માસ જેટલો સમય વીતી ગયો છે.
છ માસ પછી મેકમિલન દંપતીએ પોતાના અનુભવો વિશે હમણાં જાહેરમાં વાત કરી હતી. છ મહિના પછી તેમને લાગે છે કે તેમણે લીધેલો એ નિર્ણય યોગ્ય જ હતો. કેમ કે, ભૂતકાળ પ્રમાણેની પ્રથા મુજબ જીવવું એ ૧૯૮૬ના વર્ષનું કેલેન્ડર દિવાલ પર લટકાવી દેવા જેટલું સરળ કાર્ય નહોતું. ડગલે ને પગલે પડકારો હતા અને પડકારોમાંથી જીવનના કંઈ કેટલાય નવા પાઠ શીખવા મળ્યા. નાનકડાં બાળકોને થોડા સમયમાં જે ગેજેટ્સની આદત પડી ગઈ હતી તે ભૂલાવવા જેટલું જ કે કદાચ એથીય વધુ અઘરું પોતાને પડેલી વર્ષોથી પડેલી આધૂનિક ઉપકરણો વાપરવાની ટેવ ભૂલાવવાનું કામ હતું, જેમાં મેકમિલન દંપતી ખરા ઉતર્યા. શરૃઆતમાં બાળકોની ગેજેટ્સ વાપરવાની જીદને હકારાત્મક રીતે પુસ્તકો વાંચવા કે બીજી પ્રવૃત્તિ કરવા તરફ વાળી. બીજી તરફ કપડા પહેરવાની સ્ટાઇલ કે ઈવન હેરસ્ટાઇલ સુદ્ધા ૧૯૮૬ અનુસાર કરી. પછીના પડકારોમાં આર્થિક પાસુ ઉમેરાયું. આધૂનિક ઉપકરણો સાથે કે આજની દુનિયા સાથે સંપર્ક ન રહે તો સ્વાભાવિક રીતે જ રોજગારીની સમસ્યા વિકરાળ બની જાય. બ્લેઇર મેકમિલને બાળકો ખાતર પોતાનો જામી રહેલો બિઝનેસ કોરાણે મૂકી દીધો હતો. જોકે, બાળકોના બાળપણને યાદગાર બનાવવા મથતા આ દંપતીએ આર્થિક સમસ્યાને કૂનેહપૂર્વક ઉકેલી લીધી. સાદાઈથી થઈ શકે એવા નાના મોટા કામો શરૃ રાખ્યા. સામે ઈન્ટરનેટ રિચાર્જ-મોબાઇલ ટોકટાઇમ રિચાર્જ અને મલ્ટીપ્લેક્સ સિનેમાનો ખર્ચ ઘટયો હતો એટલે એ રીતે થોડી રાહત પણ હતી. આધૂનિક કહી શકાય એવી એક જ વસ્તુ પાસે રાખી છે-૨૦૧૦ના મોડેલની કાર. જેમાં ચારેય જણા અવારનવાર દૂર સુધી પ્રકૃતિની નિશ્રામાં ફરવા નીકળી પડે છે. હવે તો ટ્રેય અને ડેન્ટોન પ્રાણી-પક્ષીઓ વિશે પુસ્તકોમાં અઢળક વાંચી લે છે અને પછી થોડા થોડા દિવસે ક્યાંક જંગલ જેવા પ્રદેશમાં પ્રાણીઓ પાસે જવાની જીદ પકડે છે. મેકમિલન દંપતી હસતા મોઢે બાળકોની એ જીદને પોષે છે. એ માત્ર બાળકોની જીદને જ નથી પોષતા, પણ તેના બાળપણને પોષે છે, કદાચ પોતાના બાળપણને પણ પોષે છે. છ માસ પછી મેકમિલન દંપતીને થોડા રસપ્રદ પ્રશ્નો પૂછાયા હતા. એમાંનો એક પ્રશ્ન હતો કે આ રીતે ક્યાં સુધી ચલાવશો? એમનો જવાબ હતો કે એ નક્કી નથી કર્યું. કદાચ એક વર્ષ, બે વર્ષ કે પાંચ વર્ષ. બીજો પ્રશ્ન હતોઃ તમે ૧૯૮૬નું વર્ષ જ કેમ પસંદ કર્યું? આ જવાબમાં છૂપાયું હતું તેમના આ અનોખા સાહસનું રહસ્ય. તેમણે કહ્યું હતું કે 'અમારા બંનેનો જન્મ ૧૯૮૬માં થયો છે. એટલે અમે એ વર્ષ પસંદ કર્યું છે. અમે અમારા બાળકોનું બાળપણ ગેજેટ્સથી દૂર જઈને ખીલવવા માંગીએ છીએ એ પાછળ થોડો અમારો પણ સ્વાર્થ હશે. આ દિવસોમાં કદાચ અમે અમારું બાળપણ શોધીએ છીએ. અમે એ પણ શોધીએ છીએ કે અમારા માતા-પિતાએ અમારો ઉછેર કેવી પરિસ્થિતિમા કર્યો હશે. કદાચ અમારી આ જર્નીમાં અમને અને બાળકોને બંનેને પોત-પોતાનું બાળપણ મળી જાય!'

Sunday, 16 February 2014
Posted by Harsh Meswania
Tag :

પ્રાણી માત્ર જેલને પાત્ર!



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

થોડા દિવસ રશિયાની એક જેલમાં મોબાઇલ લઈ જતી બિલાડીની ધરપકડ થઈ! માણસોને તો જેલની સજા થતી જ હોય છે, પણ પ્રાણી-પંખીઓને જેલભેગા કરવામાં આવ્યા હોય એવા અનેક બનાવો નોંધાયા છે..


રશિયાના પાટનગર મોસ્કોથી એકાદ હજાર કિલોમીટર દૂર આવેલી જેલમાં કેદીઓની સાથે સાથે એક બિલાડીને પણ જેલની કોટડીમાં રાખવામાં આવી છે. આ બિલાડી કોઈ ખાસ કેદીની કે જેલર સા'બની પાલતું બિલાડી હોવાના કારણે કોટડીમાં નથી રખાઈ, પણ તેને હેરાફેરીના આરોપસર કેદની સજા મળી છે. વાત જાણે એમ છે કે આ બિલાડી જેલમાં કેદીઓ સુધી મોબાઇલ પહોંચાડવાનું ગુનાહિત કૃત્ય કરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. છેલ્લે જ્યારે એ કેટ પકડાઈ ત્યારે તે કોની પાસેથી મોબાઇલ લઈને કોને મોબાઇલ પહોંચાડવાનું મિશન પાર પાડી રહી હતી તેની કોઈ ભાળ જેલના સુરક્ષાતંત્રને ન મળી એટલે અંતે બિલાડી પર જ ગુનો દર્જ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવી. જો બિલાડી કોની છે એ વાતનો કંઈક પુરાવો મળ્યો હોત તો તેના માલિક પર કાર્યવાહી થાત, પરંતુ અહીં તો બિલાડીના ભાગ્યમાં જેલ જ લખાયેલી હતી!
બકરાના રસ્તામાં એક નવી નક્કોર પોલીસવેન હતી અને.....જો ભારતના આ ત્રણ બકરા બોલી શકતા હોત તો જરૃર દલીલ કરી હોત કે 'અમારા રસ્તામાં પોલીસવેન આવી ગઈ એમાં અમારો શું વાંક માયબાપ!' આસામના ધૂબરી નામના ટાઉનમાં બે દિવસ પહેલા જ પોલીસે વસાવેલી એક નવી નક્કોર કાર રસ્તા પર પાર્ક કરેલી પડી હતી. એ જ રસ્તા પરથી થોડા બકરાઓનું ટોળું નીકળ્યું અને કાર હડફેટે આવી ગઈ! પોલીસવેનને હડફેટે લેવાની ગુસ્તાખી કરનારા બધા બકરાઓ તો પોલીસને હાથ ન લાગ્યા, પણ જે બે-ત્રણ પકડાઈ શક્યા તેને પકડીને પોલીસે અંદર કરી દીધા પછી માલિકની શોધ આદરી. ૨૦૧૩માં બનેલી આ વિચિત્ર ઘટનામાં પોલીસે બકરાના માલિક પાસેથી વળતર મેળવ્યું હતું. એ દરમિયાન સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થાએ મધ્યસ્થી કરીને બકરાઓને જામીન અપાવી દીધા હતા. આ બકરાઓ પેલી રશિયાની બિલાડી કરતા વધુ નસીબદાર નીકળ્યા!
લાત મારનારા ગધેડાને દંડ

મેક્સિકોના ચૈપાસ પ્રાંતમાં એક ગધેડા સામે બે ગુના નોંધાયા હતા. બંને વખતે તેણે એક જ પ્રકારનો ગુનો કર્યો હતો-લાત મારવાનો. બે વ્યક્તિઓને તેણે એવી તો કચકચાવીને લાત મારી દીધી હતી કે પછી બંનેએ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરવી પડી હતી. માથાભારે ડોન્કીને પોલીસે પકડીને જેલમાં ધકેલી દીધો. થોડા દિવસ તો કોઈએ તેના ખબર ન પૂછ્યા, પણ પછી કોણ જાણે કેમ તેના માલિકે ગધેડાને છોડાવવાનું નક્કી કર્યું અને પોલીસ સાથે ડિલ કરી કે પેલા બંને અસર ગ્રસ્તોના હોસ્પિટલના બિલ તે ચૂકવી દેશે. બદલામાં ગધેડાને મૂક્ત કરી દેવાનો રહેશે. પોલીસે ગધેડાને જેલમાં સાચવી રાખવા કરતા તેને છોડી દેવાનું વધુ યોગ્ય લાગ્યુ હશે એટલે તેના માલિકને તોફાની ગધેડાને વ્યવસ્થિત સાચવવાની વૉર્નિંગ આપીને તેને મૂક્ત કરી દેવામાં આવ્યો. જોકે, માલિકને ૨૭,૦૦૦ હજાર રૃપિયાનો દંડ ભરવો પડયો હતો. જો એના અપલખણ આવા ને આવા રહેશે તો ભવિષ્યમાં તે ધરપકડના કારણે ફરી વખત ન્યુઝમાં સ્થાન મેળવી શકે છે.
એક યુવક ગાયની હડફેટે ચડયો અને જીવ ખોયો

નાઈજિરિયાના ઓગન સ્ટેટમાં આવેલા એક સાન્ગો ઓટા નામના નાનકડા ટાઉનમાં એક ગાય પર ખૂનનો આરોપ લગાવીને તેની ગત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. સાન્ગો ઓટામાં યુથ ફેસ્ટિવલની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. થોડા યુવાનો રિહર્ષલ કરી રહ્યાં હતા ત્યારે ગાય ત્યાંથી પસાર થઈ અને બે યુવાનોને હડફેટે લઈ લીધા. અઝિઝ સેલેકો નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને અંતે તેણે દમ તોડી દીધો હતો. ડેયો નામનો બીજો એક યુવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ સ્ટેશનની નજીકમાં બનેલા બનાવની જાણ તરત જ પોલીસને થઈ હતી અને તાત્કાલિક અસરથી એ ગાયની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, તેના માલિક સુધી પહોંચવામાં પોલીસ નાકામ રહી હતી એટલે ગાય હજુ પણ છેલ્લા સાત-આઠ માસથી જેલમાં છે. તેના પર ખૂનનો મુકદમો ચાલી રહ્યો છે. જો આરોપ સાબિત થશે તો બની શકે કે એ ગાયની બાકીની જિંદગી જેલમાં જ વીતશે.
રામાચંદ્રન નિરંકુશ બન્યો અને ત્રણ લોકોના મોતનું કારણ બન્યો
રામાચંદ્રન નામનો હાથી કેરળના ધાર્મિક મેળાવડામાં નિરંકુશ બન્યો હતો. જેમાં ત્રણ લોકોએ જાન ગુમાવ્યો હતો. આ ઘટનામાં હાથીની ધરપકડ કરાઈ હતી. રામાચંદ્રન હાથીને જેલમાં પૂર્યા પછી તેના માલિક સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી હતી. હાથીના ગંભીર ગુના બદલ તેનો માલિક દંડાયો હતો. માલિકને ૩૦ લાખ રૃપિયા ચૂકવવા પડયા હતા. જ્યારે હાથી ઉપર ત્રણ માસનો પ્રતિબંધ મૂકાયો હતો. રામાચંદ્રન ત્રણ માસ સુધી જાહેર રસ્તા પર ચાલી શક્યો ન હતો. બની શકે કે હવે તેનો માલિક તેની કસ્ટડી અન્ય કોઈને સાવ નજીવી કિંમતે આપી દેશે. કદાચ એવુંય બની શકે કે હવે પછી પ્રાણીઓને પાળવાનું જ બંધ કરી દેશે!
બકરાએ ફૂલ ખાધા એટલે કેસ થયો પણ કોર્ટે નિર્દોષ છોડયો!
ઓસ્ટ્રેલિયાના એક બકરાએ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટના ગાર્ડનમાં આવેલા ફૂલોને ખોરાક બનાવ્યા તો તેના પર આફત આવી પડી. તેની સામે ફરિયાદ થઈ. સામાન્ય કોર્ટમાં તેનો કેસ થયો અને તેના પર આશરે ૧૫ હજાર રૃપિયાનો દંડ થયો. બકરાના માલિક જિમ ડિઝર્નેટે ઉપલી અદાલતમાં અરજી કરી, જેમાં બકરાએ ઈરાદાપૂર્વક ફૂલ ખાધા હોવાનું સાબિત ન થઈ શક્યું અનેે તેનો નિર્દોષ છૂટકારો થયો. તેનો છૂટકારો થયો ત્યારે તેના માલિકે આસપાસના લોકોને પાર્ટી આપીને તેની ઉજવણી કરી હતી. જિમે તો ફેસબૂક પર પણ તેનું પેજ ક્રિએટ કર્યું હતું. જેને ૧૬,૦૦૦ લાઇક્સ મળી હતી. જિમ આ બકરાને લકીચાર્મ માને છે અને તેને પહેલાથી જ એવો અંદાજ હતો કે બકરા પર થયેલા કોર્ટ કેસમાં તેની ચોક્કસ જીત જ થશે!
પાડોશી દેશનું કબૂતર ભારતમાં ગિરફ્તાર
આપણા પાડોશી દેશ પાકિસ્તાનનું એક કબૂતર પોલીસે એટલા માટે ગિરફ્તાર કર્યું હતું. કેમ કે, તે ગળામાં દૂરબીન લટકાવીને ભારતના સીમાડામાં જાસૂસી કરતું હતું. અહીં એ પ્રશ્ન થાય કે એવી ખબર કેમ પડે કે એ કબૂતર પાકિસ્તાનનું હતું અને તે ભારતીય સીમાડાની જ જાસૂસી કરી રહ્યું હતું? તો એનો જવાબ કંઈક એવો છે કે કબૂતરને જ્યારે દૂરબીન સાથે જોયું ત્યારે પોલીસને શક થયો. પોલીસે વધુ તપાસ કરી તો કબૂતરના પગમાં એક પાકિસ્તાની નંબર લખ્યા હતા. જેનો કોઈ જ અત્તો-પત્તો ન લાગ્યો. વળી, પક્ષીવિદેની મદદ લીધા પછી જાણ્યું કે એ કબૂતર પાકિસ્તાનમાં મોટા પાયે જોવા મળતી કબૂતરની જાતિ જેવું હતું. કબૂતર કોના માટે કામ કરતું હતું તે પોલીસ શોધી શકી નથી. આજે બે વર્ષ પછી પણ કબૂતરનો કબ્જો અમૃતસર પોલીસ સ્ટેશન પાસે છે. આજેય તે કબૂતરને અને પોલીસને માલિકની તલાશ છે.
 ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના બહાવલપુર જિલ્લામાં પકડાઈ ગયેલા વાંદરા સાથે પણ એવું જ કંઈક બન્યું. પાકિસ્તાનમાં તેની સામે જાસૂસીનો કોઈ મુકદમો સાબિત ન થયો એટલે તેને એક સ્થાનિક ઝૂને સોંપી દેવામાં આવ્યો છે. બે વર્ષથી તે ઝૂનો સભ્ય છે. આવું જ ગુજરાતમાં મુશર્રફની બાબતમાં બન્યું હતું. કચ્છના મહેમાન બનેલા મુશર્રફ નામના પાકિસ્તાની ઊંટ મરતા સુધી કચ્છમાં રહ્યું હતું. જનરલ પરવેઝ મુશર્રફની સરકાર વખતે ભારતમાં પ્રવેશ્યું હોવાથી તેનું નામ મુશર્રફ પડયું હતું. બોર્ડર પર પ્રાણીઓ પાસે જાસૂસી કરાવાતી હોવાનું દુનિયાભરમાં વ્યાપક રીતે બનતું રહે છે. તો ક્યારેય પશુ-પક્ષીઓ નિર્દોષ રીતે જ બોર્ડર ક્રોસ કરતા હોય છે અને બોર્ડર સિક્યોરિટીના હાથમાં પકડાઈ જાય છે. જીવ-દયા પ્રેમીઓનો પશુ-પક્ષીઓની ધરપકડ બાબતમાં એવો મત રહ્યો છે કે પશુ-પક્ષીઓ જાણી જોઈને ક્રાઇમ કરતા નથી એટલે તેને સજા કરવી બરાબર નથી. જોકે, એ વાત સાચી હોવા છતાં ય સજીવો અજાણતા ગુનો કરતા રહે છે અને સજા પણ ભોગવતા રહે છે!

Sunday, 9 February 2014
Posted by Harsh Meswania
Tag :

OK: શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે!


સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

'ઓકે' ૨૦૧૩માં સૌથી વધુ વપરાયેલો શબ્દ છે. 'ઓકેય'માંથી 'ઓકે' અને હવે મેસેજની શોર્ટ લેંગ્વેગમાં માત્ર 'કે' બનેલા એ શબ્દની અંગ્રેજી ભાષામાં જ નહીં, પણ વિશ્વભરમાં એક અલગ શાખ છે.

'ઓકે  હું દસ મિનિટમાં પહોંચી જઈશ', 'ઓકે તું પહોંચી જા એટલે મને કોલ કરજે', 'આપણે કાલે કોલેજે મળીશું ઓકે બાય!', 'એ બધું ઓકે, પણ તું છે ક્યાં અત્યારે?', 'ઓકે સર હું કાલે એ કામ કરી નાખીશ!'
આવા કેટલા બધા રોજિંદા વાક્યોમાં OKને અનિવાર્ય સ્થાન મળી ચૂક્યું છે. બોલચાલના રોજિંદા સંવાદોથી લઈને મેસેજમાં અપાતા જવાબો સુધી આપણને OK વગર વાક્ય અધૂરું હોય એવું લાગે છે. OKમાંથી હવે મેસેજમાં તો K થઈ ગયું છે. કોઈ બાબતમાં સહમતિ આપવા માટે વધુ લખવાની પળોજણમાં પડવાને બદલે માત્ર OK અથવા K લખી નાખીએ એટલે સામેવાળા સમજી જાય છે.
ઈન્ટરનેટ પર કોઈ બાબતે સહમતિ માંગતી વખતે પણ ઓકે પર ક્લિક કરવાનું રહે છે. સ્માર્ટફોનની ટચ સ્ક્રિનથી લઈને ટીવીના રિમોટ કંટ્રોલ સુધી ઓકેએ દબદબો મેળવ્યો છે. ભાષા અંગે થતી હલચલ પર નજર રાખતી સંસ્થા ગ્લોબલ લેંગ્વેજ મોનિટરે આ મહિને ગત વર્ષમાં વિશ્વમાં બધા જ જાહેર માધ્યમોમાં ખૂબ જ લોકપ્રિય રહેલા શબ્દોની એક યાદી જાહેર કરી હતી. જેમાં 'ઓકે'એ પોતાનો દબદબો ફરી એક વખત સિદ્ધ કરી બતાવ્યો છે. ઓલ રાઇટને બદલે ઓલ કરેક્ટ અને પછી એમાંથી અપભ્રંશ થયેલા ઓકે-ઓકેય અને હવે માત્ર 'કે' બનેલા શબ્દની શરૂઆત રસપ્રદ છે. તેની લોકપ્રિયતા બીજા શબ્દોને ઈર્ષા જગાવે એટલી મજબૂત છે!
                                                                              * * *
૧૮૪૦માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ રહી હતી. એ ચૂંટણીમાં તત્કાલિન અમેરિકન પ્રમુખ માર્ટિન વેન બ્યુરેને ફરી વખત પ્રમુખપદની રેસમાં ઝંપલાવ્યું હતું. માર્ટિન વેનનું વતન ન્યુયોર્ક નજીકનું કિન્ડરહૂક નામનું નાનકડું નગર હતું એટલે એ તેના સમર્થકોમાં ઓલ્ડ કિન્ડરહૂકના હુલામણા નામે જાણીતા હતા. પ્રમુખપદ માટે માર્ટિન વેનની વિલિયમ હેરિક્શન સાથે બરાબરની ટક્કર જામી હતી ત્યારે માર્ટિન વેનના સમર્થકોએ એક ક્લબ બનાવી અને તેને ટૂંકું નામ આપ્યું 'ઓકે'.
માર્ટન વેનનું હુલામણુ નામ ઓલ્ડ કિન્ડરહૂકના ઓલ્ડમાંથી 'ઓ' અને કિન્ડરહૂડમાંથી 'કે'  લઈને ઓકે કરવામાં આવ્યું હતું. એની પાછળ બીજો તર્ક એવો લગાવાયો હતો કે એ સમયે અમેરિકામાં લોકજીભે ચડેલા શબ્દોને નવી રમૂજી રીતે (સ્પેલિંગની દ્રષ્ટિએ ખોટું હોય એવી રીતે) લખવાનો ક્રેઝ જામ્યો હતો. એ દરમિયાન 'all correct' ને 'oll korrect' લખવાનું હજુ ક્યાંક ક્યાંક શરૂ હતું. એને ધ્યાનમાં રાખીને માર્ટિન વેનના સમર્થકો એવો મેસેજ આપવા માંગતા હતા કે જો 'ઓકે' (ઓલ્ડ કિન્ડરહૂક) પ્રમુખ બનશે તો દેશમાં બધુ 'ઓકે' (ઓલ કરેક્ટ) રહેશે.
માર્ટિન વેન ઈલેક્શન તો ન જીતી શક્યા, પણ તેમના સમર્થકો દ્વારા વહેતા કરાયેલા આ 'ઓકે' શબ્દને લોકોએ બરાબર પકડી લીધો હતો. ટૂંક સમયમાં ઓકે ન્યુયોર્ક અને તેની આસપાસમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો. જોકે, અંગ્રેજી ભાષામાં તેને સ્થાન નહોતું મળ્યું. સરકારી દસ્તાવેજોમાં કે સત્તાવાર લખાણોમાં ઓકેનો ઉપયોગ વર્ષો સુધી ટાળવામાં આવતો હતો. ઓકે વર્ડને લોકપ્રિય કરવામાં અમેરિકાના અંગ્રેજી અખબારોએ પણ જાણતા અજાણતા પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
૨૩મી માર્ચ ૧૮૩૯ના દિવસે પ્રકાશિત થયેલા બોસ્ટન મોર્નિંગ પોસ્ટ અખબારના અંકના બીજા પાના પર એડિટરે એક નાનકડો વ્યંગ લેખ લખ્યો હતો. એ લેખમાં અંગ્રેજીમાંથી અપ્રભંશ થઈ રહેલા સ્પેલિંગની દ્રષ્ટિએ ખોટા હોય પણ ઉચ્ચારોમાં ફેરફાર કરીને લખાતા હોય એવા શબ્દોને લક્ષ્યમાં લઈને વ્યંગ કરવામાં આવ્યો હતો. એમાં ઓકેની ઓલ કરેક્ટના સ્થાને વિશેષ રીતે નોંધ લઈને આખો પેરેગ્રાફ ફાળવવામાં આવ્યો હતો. એ પછી થોડા જ સમયમાં બીજા તેના હરિફ અખબારોમાં પણ આ જ વિષય પર વ્યંગ લેખો પ્રકાશિત થવા માંડયા હતા અને બધાએ ઓકે વર્ડ પર ખાસ પ્રકાશ પાડયો હતો. અખબારોના એ વ્યંગ લેખોએ પણ ઓકેને લોકપ્રિય કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
ઓકેને લોકપ્રિય કરવામાં સંભવિત ફાળો હોય એવી અન્ય એક વાત પણ રસપ્રદ છે. અમેરિકામાં રેલવેની શરૂઆતના સમયમાં રેલવે મારફત પોસ્ટલ સેવાનું સંચાલન કરતા એક ક્લર્ક તેના દ્વારા રવાના થતા અને તેને મળતા બધા જ પાર્સલ પર ઓકે લખતો હતો. એ 'ઓકે' 'બરાબર'ના અર્થમાં નહોતું, પણ એ તેના નામના ટૂંકા અક્ષર માટે વપરાતું હતું. એ પોસ્ટલ ક્લર્કનું નામ ઓબેડિયા કેલી હતું અને તે તેની ચોકસાઈ માટે જાણીતો બન્યો હતો. પાર્સલમાં 'ઓકે' હોય એટલે એમાં જોવાપણું હોય જ નહીં, બધુ ઓકે જ હોય એવી તેની શાખ હતી. એ દિવસોમાં પાર્સલની લેવડ-દેવડ વખતે કહેવાતું કે ઓકે છે. એ રીતે ઓકે વર્ડ લોકપ્રિય બન્યો હોવાનું પણ કહેવાય છે.
બીબીસીના કટાર લેખક આરિફ વકારે ઓકે પર પોતાના જાત અનુભવની એક રમૂજી નોંધ કરી હતી. તેમણે તેમના વિદ્યાર્થીકાળનો કિસ્સો યાદ કરતા લખ્યું હતું તે મુજબ તેેમના એક પ્રોફેસર શાહીદ અલીએ કોઈ વિદ્યાર્થીને કશીક સૂચના આપી હતી એના પ્રત્યુત્તરમાં પેલા વિદ્યાર્થીએ 'ઓકે સર!' કહ્યું હતું. સામાન્ય રીતે આવો ઉત્તર મળે એટલે વાત પૂરી થતી હોય છે, પરંતુ અહીં પેલા વિદ્યાર્થીના જવાબથી પ્રોફેસર રાતા-પીળા થઈ ગયા હતા અને તેમણે વિદ્યાર્થીને ૧૦૦ વખત ઓલ રાઇટ બોલવાની અને લખવાની સજા આપી દીધી હતી. પ્રોફેસરનું માનવુ હતું કે ઓકે શબ્દ બહુ ચીપ છે અને પોતે આપેલી સૂચનાના જવાબમાં તો વિદ્યાર્થીએ ઓલ રાઇટ જ બોલવું જોઈએ!
                                                                              * * *
OK શબ્દ ગૂગલ કરીએ એટલે ૮૫,૨૦,૦૦,૦૦૦ રિઝલ્ટ દેખાશે. ગૂગલ રિઝલ્ટનો આ આંકડો ઓબામા, પોપ ફ્રાન્સિસ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, ગાંધીજી, મનમોહન સિંહ, નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન વગેરે વિશ્વભરના મહાનુભાવોના નામ સર્ચ કરતા મળતા રિઝલ્ટ કરતા ક્યાંય મોટો છે. મતલબ કે એક નાનકડો વર્ડ મોટા નામો પર ભારે પડે છે.
અંગ્રેજી ભાષામાં 'all correct' ના અપભ્રંશમાંથી ઓકે બનેલા આ શબ્દ પર એક આખી સંહિતા બની છે. એલેન મેટકેફ નામના એક અમેરિકન પ્રોફેસરે 'ઓકેઃ ધ ઇમ્પ્રોબબલ સ્ટોરી ઓફ અમેરિકાસ ગ્રેટેસ્ટ વર્ડ' નામના પુસ્તકમાં ઓકે શબ્દ પર સંશોધન કરીને તેની વ્યુત્પત્તિ અને વિકાસ પર રસપ્રદ માહિતી આપી છે. કોઈ અપભ્રંશ વર્ડ પર પુસ્તક લખાયું હોવાનું સંભવતઃ અંગ્રેજીમાં પહેલું સન્માન 'ઓકે'ને મળ્યું છે.

ઓકેના પ્રચારમાં કમ્પ્યુટર અને મોબાઇલનો મોટો ફાળો!

કમ્પ્યુટર-ઈન્ટરનેટનો વ્યાપ શરૂઆતના તબક્કામાં હતો ત્યારે મોટાભાગની કંપનીઓએ નવો સોફ્ટવેર રન કરવાથી લઈને કશુંક ડાઉનલોડ કરવા સુધીમાં ઓકે પર ક્લિક કરવાનું ફરજિયાત રાખ્યું હતું. શરતો સ્વીકારતી વખતે પણ ઓકે હાજર હોય , તો વળી, કોઈ પેજની પ્રીન્ટ આપતી વખતે ય ઓકે ક્લિક કરવું પડે.
એક વસ્તુના સ્થાને બીજી રીપ્લેસ કરતી વખતે પણ ઓકે વગર ન ચાલે. કમ્પ્યુટર-ઈન્ટરનેટમાં અત્ર-તત્ર-સર્વત્ર 'ઓકે' 'ઓકે' જોવા મળે છે. મોબાઇલ ફોન પોપ્યુલર થવા લાગ્યા પછી તેમાં પણ 'ઓકે'એ સ્થાન મેળવી લીધું હતું. કોઈને કોલ જોડવો હોય તો ઓકે પ્રેસ કરવું પડે. મોબાઇલ ફોનમાં ફેરફાર કરીને સેટ કરવું હોય તો ઓકેની જ મદદ લવી પડે. એ રીતે ઓકે વર્ડની લોકમાનસમાં ઈમેજ વધુ મજબૂત બનાવવામાં નવા ઉપકરણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી ગણાય.
Sunday, 2 February 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -