Posted by : Harsh Meswania Sunday, 23 February 2014



સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

અમેરિકાએ નકલી ચીજ-વસ્તુઓના વેંચાણમાં અગ્રેસર હોય એવા માર્કેટની એક યાદી જાહેર કરી છે, જેમાં ભારતના દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદના છ કાળા બજાર પણ સામેલ છે. અસલી પ્રોડક્ટ સામે કસોકસ સ્પર્ધા આપતી ભારતીય પાઇરસી બજારમાં શું વેંચાય છે?

બારસેલોના ફૂટબોલ ક્લબના ઓરિજિનલ ટ્રેક સુટની કીંમત આમ તો આઠેક હજાર રૃપિયા જેવી થવા જાય છે, પણ એ જ ટ્રેક સુટ ભારતના આ માર્કેટમાં માત્ર બસ્સો-પાંચસો રૃપિયામાં મળી જાય છે. એપલ આઇફોન ૫-સી ખરીદવા પાછળ ઓછામાં ઓછા ૩૫ હજાર ખર્ચવા પડે, પરંતુ આ માર્કેટમાં એ ફોન માત્ર સાડા ચાર કે પાંચ હજારમાં મેળવી શકાય છે. તો ૨૩ હજાર રૃપિયામાં પડતો સેમસંગ ગેલેક્સી એસ-૩ ત્રણ હજારમાં મળી જાય એવી પણ વ્યવસ્થા છે. પાંચેક હજારમાં મળતી કોઈક પરદેશી બ્રાન્ડની લેપટોપ બેગની કીંમત માત્ર પાંચસો રૃપિયા છે. આવી તો કેટલી બધી બ્રાન્ડ ટેગ ધરાવતી વસ્તુઓ કપડા, જૂતા, સૌંદર્ય પ્રસાધનોની ભિન્ન ભિન્ન પ્રોડક્ટ વગેરે સાવ બ્રાન્ડ ન્યુ હોવા છતાં ધારણા બહારની ઓછી પ્રાઇસમાં ખરીદી શકાય છે. પ્રથમ નજરે ઓળખી ન શકાય, પણ ખરેખર જો જાણકારની નજરે આ પ્રોડક્ટ ચડે તો એ ઓળખી શકે કે આ બધી જ વસ્તુઓ નકલી છે, ઓરિજિનલ વસ્તુઓની બેઠી કાર્બન કોપી છે, મોટાભાગની પ્રોડક્ટ મેઇડ ઇન ચાઇના છે. આ વાત છેઃ દિલ્હીના ગફાર માર્કેટની. અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે બહાર પાડેલી વિશ્વની ૩૦ પાઇરસી બજારની યાદીમાં ગફાર માર્કેટનો પણ સમાવેશ થયો છે. રિપોર્ટમાં ભારત છ માર્કેટ સાથે પ્રથમ ક્રમ શોભાવે છે! ભારતીય યાદીમાં ગફાર માર્કેટનો બીજો નંબર છે. પ્રથમ ક્રમાંકે છે દિલ્હીનું નહેરુ પ્લેસ માર્કેટ.

નહેરુ પ્લેસ નકલી ચીજ-વસ્તુઓના વેંચાણમાં વર્ષોથી કુખ્યાત છે. તેનો વ્યાપ માત્ર પાટનગર દિલ્હી પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં વેંચાતા નકલી સોફ્ટવેર-પ્રોગ્રામ્સ અને ફિલ્મ સીડી-ડીવીડી પાછળ નહેરુ પ્લેસ જવાબદાર છે અને ભારતમાં અમેરિકન સોફ્ટવેર તેમજ મ્યુઝિક-ફિલ્મની ઓરિજિનલ સીડી-ડીવીડીના વેંચાણમાં મોટો ફટકો પડયો હોવાનું એક કારણ નહેરુ પ્લેસ છે એવું યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એજન્સી બહુ દ્રઢપણે માને છે. અમેરિકન એજન્સીની વાત ઘણે ખરે અંશે સાચી ય છે. પાઇરેટેડ સોફ્ટવેર સાવ નજીવા દરે નહેરુ પ્લેસમાંથી હાથવગા કરી શકાય છે. સો-બસ્સો કે ત્રણસો રૃપિયામાં જે અંગ્રેજી ફિલ્મોની અસલી ડી-વીડી બજારમાં મળતી હોય છે એ અહીં માત્ર ૧૦ રૃપિયામાં પણ મળે છે. હાર્ડ ડિસ્કથી માંડીને પ્રિન્ટર, સ્કેનર અને લેપટોપ સુધીની બ્રાન્ડેડ સામગ્રી ધારણા કરતા કિફાયતી કીંમતે મળે છે. ઘણા બધા દુકાનદારો જાલી પ્રોડક્ટ વેંચતી વખતે પણ છ માસનો વોરન્ટી પીરિયડ આપે છે એટલે માર્કેટની વિશ્વસનિયતા પણ જળવાઈ રહી છે. કદાચ એટલે જ ગ્રાહકો જાણતા હોવા છતાં નકલી હાર્ડવેર-સોફ્ટવેર નહેરુ પ્લેસમાંથી ખરીદવાનું પસંદ કરે છે. જોકે, નહેરુ પ્લેસને અમેરિકન એજન્સી જેટલું બદનામ કરી રહ્યું છે એટલું બધું ખરેખર બદનામ પણ નથી. ભારતની ઘણી બધી ખ્યાતનામ આઈટી કંપનીઓની હેડ ઓફિસનું કાયમી સરનામુ નહેરુ પ્લેસ બન્યું છે. તો ફેબ્રિક્સ અને ટેક્સટાઇલ માટે પણ નહેરુ પ્લેસની પાટનગરમાં આગવી ઓળખ છે.
દિલ્હીની જેમ જ ભારતના આર્થિક પાટનગર સમા મુંબઈના પણ બે માર્કેટ પાઇરસી માટે જગ કુખ્યાત છે. મનિષ માર્કેટ અને લેમિંગ્ટન રોડ. આ બજારો થોડા વધુ ઓર્ગેનાઇઝ્ડ છે. જ્યારે પોલીસ રેઇડ પડે ત્યારે સામાનનો જથ્થો ક્યાં ગૂમ થઈ જાય છે તેનું હજુ સુધી કોઈ જ પગેરુ નથી મળ્યું. પોલીસ જાય કે તરત ક્યાંકથી પાછો બધો જ જથ્થો બજારમાં ઠલવાઈ જાય છે. નહેરુ પ્લેસની જેમ આ બંને બજારો ય સોફ્ટવેર અને નકલી સીડી-ડીવીડીનું વિશાળ વેંચાણ ધરાવે છે. મનિષ માર્કેટ ચાઇના પ્રોડક્ટના વેંચાણ માટે પણ એટલું જ કુખ્યાત છે. એમપી-થ્રી પ્લેયર, એલસીડી સ્ક્રીન, ફેન્સી લાઇટિંગ્સ, કેમેરા જેવી અઢળક વસ્તુઓ મનિષ માર્કેટમાંથી ગ્રાહકોને વિશાળ રેન્જમાં મળી રહે છે. વળી, હેન્ડફ્રી, બ્લુટૂથ, મેમરી કાર્ડ, સ્માર્ટફોનના સ્ક્રીન ગાર્ડ જેવી પ્રમાણમાં ઓછી કીંમતની ચીજ-વસ્તુઓની ડિમાન્ડ ખૂબ રહે છે અને મનિષ માર્કેટ ગ્રાહકોની આ ડિમાન્ડને બરાબર પોષે છે.
હૈદરાબાદના ચીનોય ટ્રેડ સેન્ટર અને હોંગકોંગ બજાર પણ અમેરિકાની કાળી યાદીમાં સામેલ છે. કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરના વેંચાણ માટે વિખ્યાત આ માર્કેટમાં પાઇરેટેડ હાર્ડવેર-સોફ્ટવેરનું મોટાપાયે વેંચાણ થાય છે. દિલ્હીના નહેરુ પ્લેસની જેમ જ ચીનોય ટ્રેડ સેન્ટર અને હોંગકોંગ બજારમાં ઘણા દુકાનદારો પોતાની નકલી પ્રોડક્ટમાં કસ્ટમરને છ માસથી લઈને એક વર્ષ સુધીનો વોરન્ટી પીરિયડ આપે છે એટલે એ રીતે ગ્રાહકો લોભાઈ જાય છે. જોકે, ચીનોય ટ્રેડ સેન્ટર કે હોંગકોંગ બજારમાં જાલી ચીજ-વસ્તુઓ વેંચતા વેપારીઓ ગ્રાહકોને વોરન્ટી કાર્ડ આપવાને બદલે કાચી ચીઠ્ઠી આપી દેતા હોય છે.
ભારત પછી ચીન પોતાના પાંચ નકલી માર્કેટ સાથે આ યાદીમાં બીજા ક્રમાંકે છે. ઈન્ડોનેસિયામાં પણ સોફ્ટવેર અને હાર્ડવેરનું મોટું નકલી માર્કેટ ધ્યાનમાં આવ્યું છે. આમ તો આખા વિશ્વમાં અલગ અલગ ચીજ-વસ્તુઓનું ફરેબી માર્કેટ ઉપલબ્ધ છે, પણ એશિયામાં ભયનજક રીતે વધતા પાઇરેટેડ માર્કેટ સામે અમેરિકા વિશ્વ વ્યાપાર સંઘમાં ઉગ્ર રજૂઆત કરવાના મૂડમાં જણાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભારતીય સરકાર આ નકલી માર્કેટ સામે લાલ આંખ કરે છે કે કેમ?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -