Posted by : Harsh Meswania Sunday, 17 August 2014


પનામા કેનાલ પર પ્રથમ જહાજે સફર ખેડી હતી એ ઘટનાને ૧૫મી ઓગસ્ટના દિવસે સો વર્ષ થયાં. માનવ સર્જિત બાંધકામોમાં પનામા કેનાલને સાત અજાયબીઓમાં શુમાર કરવામાં આવે છે.

ફર્ડિનાન્ડ  ડી લેસેપ્સની આંખોમાંથી અસફળતાનું પારાવાર દર્દ આંસુ બનીને ટપકતું હતું. એ હજુય માની નહોતો શકતો કે તેની મહાત્વાકાંક્ષી યોજના આ રીતે અકાળે બંધ કરવી પડશે. અસફળતાના કારમા ઘાએે તેને એવો તો શારીરિક-માનસિક ફટકો માર્યો હતો કે એ થોડા સમયમાં જ માંદગીને બિછાને પડી ગયો હતો. સુએઝ કેનાલ જેવું નોંધપાત્ર કામ તેના નામે બોલતું હોવા છતાં તેને આ એક જ બાબતનો અફસોસ રહી ગયો હતો કે દશકા પહેલા જેનું શમણું જોયું હતું એ કામ અધૂરું મૂકવું પડયું. આ નિષ્ફળતાનો ભાર તેને ગૂંગળાવી રહ્યો હતો.
એને ૧૫ વર્ષ પહેલાનો મે મહિનાનો ૧૮૭૯નો એ દિવસ યાદ આવી ગયો. પેરિસમાં પનામા કેનાલ કોંગ્રેસ સમિતિને સંબોધન કરતી વખતે ઉચ્ચારેલા પોતાના શબ્દો જ સતત તેના કાનમાં પડઘાતા હતા. 'આપણે એક એવા કામને આકાર આપવા જઈ રહ્યાં છીએ જેને સદીઓ સુધી લોકો યાદ રાખશે. અશક્ય લાગતું કામ આપણે શક્ય બનાવીશું. એ દિવસો દૂર નથી જ્યારે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર વચ્ચે અસંભવ લાગતી કેનાલ શક્ય બની જશે અને એનો યશ આગામી પેઢી સામે આપણે છાતી ફૂલાવીને લઈ શકીશું. આપણે મહાન કેનાલનું નિર્માણ કરવા આગળ વધી રહ્યાં છીએ. સદીઓથી જે કામ દુષ્કર લાગતું હતું એ કરવામાં આપણે બેશક નસીબદાર બનીશું અને એ મહાન કામનું નામ હશે- પનામા કેનાલ!'
આજે તેને એ શબ્દો નિરર્થક લાગતા હતા. જે કામ ત્યારે શક્ય લાગતું હતું એ હવે અસંભવ લાગવા માંડયું હતું. પીળા પડી ગયેલા મજૂરોના ચહેરા પરથી લાચાર આંખો પોતાને અનિમિષ તાકી રહીને કશીક આજીજી કરતી હોય એવું તેને લાગ્યા કરતું હતું. અચાનક તેના કાનમાં કોઈકના અટ્ટહાસ્યનો અવાજ પડઘાતો હોય એમ વાક્યો ગૂંજ્યાં- '૨૨,૦૦૦ કામદારોના મોત...' 'સુએઝની સફળતાના કેફમાં પનામાના આયોજનની ખામી..' 'કરોડો રૃપિયાનું દેવાળું...' 'નિષ્ફળતાનું કલંક...'
                                                                            * * *
૧૯મી સદીના ઉતાર્ધમાં એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર ઓળંગીને ઉત્તર અમેરિકા-દક્ષિણ અમેરિકા પાર કરવા માટે ૧૨,૦૦૦ કિલોમીટરનું અંતર જળમાર્ગે કાપવું પડતું હતું. સુએઝ કેનાલની સફળતા પછી પનામા કેનાલ બનાવવા વિશે પણ જોરશોરથી વિચારણા ચાલી રહી હતી. એટલાન્ટિક-પેસિફિક વચ્ચે સાંકળી પટ્ટી બંને મહાસાગરોને અને ઉત્તર-દક્ષિણ અમેરિકાને અલગ પાડતી હતી. એને કેનાલ વડે જોડી દેવામાં આવે તો બંને વચ્ચેનું અંતર ઓછું થાય જેના પરિણામે વ્યાપાર-વ્યવહારમાં મોટો ફરક પડી જાય તેમ હતો. આ કેનાલ બાંધવાનો વિચાર સાવ નવો પણ નહોતો.
વાસ્કો ન્યૂનેઝ ડી બોલ્બો નામના સ્પેનિશ સાહસિકે પ્રથમ વખત ૧૫૧૩માં પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર વચ્ચેના આ કેનાલના માર્ગે પ્રવાસ ખેડયો હતો. સૌપ્રથમ વખત ડી બોલ્બોએ કહ્યું હતું કે બંને મહાસાગરો વચ્ચે પાતળો માર્ગ છે જેમાંથી પ્રવાસ થઈ શકે છે અને બંનેને જોડી દેવામાં આવે તો નવો જળમાર્ગ બનાવી શકાય તેમ છે. સ્પેનના રાજાને એ માર્ગને જળમાર્ગ બનાવવો જોઈએ એવો વિચાર આવ્યો પણ હતો. જોકે, ૧૬મી સદીમાં એ કામ કલ્પના કરતા અનેકગણું દુષ્કર હતું.
સુએઝ નહેરના બાંધકામ પછી આ દિશામાં કામ હાથ ધરવાનું ગંભીરતાથી વિચારાયું. જે અંતર્ગત પનામા કેનાલ કોંગ્રેસ સમિતિ બનાવીને તેનું સુકાન સુએઝ બાંધીને નામ કમાનારા ૭૪ વર્ષિય ફર્ડિનાન્ડ ડી લેસેપ્સને સોંપવામાં આવ્યું. એ વિસ્તારનો અપૂરતો પરિચય છતાં વિઘ્નરૃપ બની શકે એવી શક્યતાઓ તપાસવાનું જ વિસારે પડી ગયું એ બાબત નિષ્ફળતા માટે સૌથી વધુ કારણભૂત હતી. માર્ગમાં આવતા ગટુન નામના વિશાળ સરોવરનું શું કરી શકાય એ બાબત અવગણવામાં આવી હતી. વળી, વચ્ચે આવતી નદીઓમાં પૂર આવે ત્યારે શું થાય એના વિશે પણ ઠોસ આયોજન ન હતું. ગાઢ જંગલમાં લેસેપ્સે કામ તો શરૃ કરાવી દીધું, પણ પછી અણધારી આફતો આવવા માંડી. જેમાં સૌથી મોટી આફત હતી-યેલો ફિવર.
મચ્છરો કરડવાથી મજૂરોને યેલો ફિવર નામની બીમારી થવા લાગી. એક પછી એક મજૂરો કાળનો કોળિયો થવા લાગ્યા. બીજી તરફ એ વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે દર વર્ષે પૂરપ્રપાત થાય અને ખોદેલી માટી પર પાણી ફરી વળતું હતું. તબીબો પાસે યેલો ફિવરની સારવાર નહોતી અને એમાંને એમાં મૃત્યુઆંક ખૂબ વધવા લાગ્યો. કામ સમયરેખા કરતા વધારે લંબાતું જતું હતું અને બીમારીનો કોઈ જ ઈલાજ મળતો ન હતો.
ફ્રાન્સના બાંધકામ દરમિયાન ખરેખર કેટલા કામદારો મોતને ભેટયા એ આંકડો કોઈ પાસે નોંધાયો નથી. ફ્રાન્સના સત્તાવાર આંકડામાં તો બહુ ઓછા કામદારો બતાવાયા છે, પણ પછી યેલો ફિવરની સારવાર શોધનારા ડો. ગોર્ગાસના એક અહેવાલ મુજબ લગભગ ૨૨, ૦૦૦ લોકો આ તાવથી અને અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હતા. ચોમેરથી ઘેરાયેલી કંપનીએ અંતે દેવાળું ફૂંક્યું. નાદાર થયેલી કંપની પાસે કામ બંધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નહોતો. એકાદ દશકા પછી ૧૮૮૯માં કામ બંધ થયું. પનામા કેનાલ ન બનાવી શકવાના સદમામાં પનામા કેનાલ કંપનીના પ્રમુખ અને કેનાલ માટે સવિશેષ આશાવાદી ફર્ડિનાન્ડનું નિધન થયું.
અંતિમ શ્વાસ લેતા પહેલાના તેના આખરી શબ્દો હતા- 'પનામા કેનાલ તો બનવી જ જોઈએ. આજે નહીં તો કાલે પણ એ બનાવ્યે જ છૂટકો છે!' એ સાથે જ પનામા કેનાલનો પ્રોજેક્ટ પણ ગર્તામાં ધકેલાઈ ગયો. ૧૫ વર્ષ પછી ફરીથી એ ફાઇલ અમેરિકાએ ઓપન કરી અને એ સાથે જ ખૂલ્યો વિશ્વ માટે નવો માર્ગ. જે જગતના કેટલાય દેશોના વ્યાપારી હિતો માટે ચાવીરૃપ ભૂમિકા ભજવવાનો હતો.
                                                                           * * *
અમેરિકાએ બાંધકામ શરૃ કર્યું ત્યારે મુખ્ય ઈજનેર તરીકે જ્હોન એફ વોલેસની પસંદગી કરવામાં આવી. વોલેસે ૧૯૦૫ સુધી જવાબદારી નિભાવી એ દરમિયાન તેણે આખી યોજનાને ચોક્કસ આકાર આપી દીધો હતો. ફ્રાન્સની ભૂલોમાંથી અમેરિકાએ બરાબર પાઠ ભણ્યો હતો. ફરીથી ઈતિહાસનું પૂનરાવર્તન ન થાય એ માટે કેનાલની સમાંતર સામાનની હેરફેર અને ખોદકામમાંથી નીકળતી માટીનો યોગ્ય નિકાલ કરવા રેલવે લાઇન નાખી દેવામાં આવી. ૧૫ વર્ષમાં અમેરિકાએ યંત્રોની બાબતમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી લીધી હતી એટલે મજૂરો ઉપરાંત યંત્રોની મદદ લેવાનું પણ ચાલુ રખાયું. ખોદેલી માટી ઉલેચવા માટે મોટા પાવડા, વરાળથી ચાલતી ક્રેઇન્સ, ખડકો ભાંગવાના મશીન્સ, સિમેન્ટ-રેતીના મિક્ષણ માટેના સાધનો વગેરેના કારણે કામ ઝડપી અને ચોકસાઈથી થવા માંડયું.
ફ્રાન્સ કરતા અમેરિકાની યોજનામાં પાયાનો ફરક નહેરના રૃટનો હતો. ફ્રાન્સે પશ્વિમથી પૂર્વ તરફનો સીધો માર્ગ પસંદ કર્યો હતો એના બદલે અમેરિકન પ્રોજેક્ટમાં રૃટ થોડો બદલાયો અને વાયવ્યથી અગ્નિ કરવામાં આવ્યો. અમેરિકાએ પૂરજોશમાં કામ શરૃ કર્યું. એટલાન્ટિક-પેસિફિક વચ્ચે આવતા ગટુન સરોવર નહેરનો ભાગ બની જાય એવું આયોજન થયું. લોક સિસ્ટમ પ્રમાણે જહાજ નહેરમાંથી પસાર થાય ત્યારે પાણીની સપાટી ઊંચી-નીંચી કરવાનો મજબૂત પ્લાન તૈયાર થયો. પૂર આવે તો વધારાનું પાણી ક્યાં નાખવું અને પાણી ઘટે તો સપાટી ઊંચી લાવવા પાણી ક્યાંથી લઈ આવવું એ બધું જ કાગળ પર અંકિત થયા પછી એ દૂર્ગમ વિસ્તારમાં આખો પ્લાન જમીન પર આકાર પામવા લાગ્યો. પરંતુ ફરી વખત એ છૂપા દૂશ્મન 'યેલો ફિવરે' માથું ઉચક્યું.
કેટલાક મજૂરોના મોત થયા, કેટલાક ગંભીર માંદગીમાં પટકાયા. ફ્રાન્સ જેવું ન થાય એ માટે અમેરિકા તૈયાર હતું. તાબડતોબ સારવારની વ્યવસ્થા થઈ. ડો. ગોર્ગાસના પ્રયાસોના કારણે દર્દીઓ માટે સારવાર-દવા બંને શક્ય બન્યા. સાથે સાથે મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ય ઝેરી દવાનો ઉપયોગ થયો અને એ નૂસખો કારગત નિવડયો. યેલો ફિવર પર અમેરિકાએ અંકુશ મેળવ્યો અને એ સાથે કેનાલના બાંધકામમાં સફળતા પણ...
જ્હોન એફ વોલેસની જગ્યાએ જ્હોન એફ સ્ટીવન્સ અને ત્યાર બાદ જ્યોર્જ ડબલ્યુ ગોથેલ્સે કેનાલ બાંધવામાં કોઈ જ કસર ન છોડી. ગોથેલ્સના કાર્યકાળ દરમિયાન કામની પૂર્ણાહૂતિ થઈ. ૧૫મી ઓગસ્ટ, ૧૯૧૪ના દિવસે 'એસએસ અન્કોન' નામની અમેરિકન કાર્ગો શિપે પનામા કેનાલનો સત્તાવાર પ્રવાસ કર્યો એ સાથે જ વિશ્વના દરિયાઈ માર્ગનો સુંદર અને મહત્ત્વનો એક માર્ગ ખૂલી ગયો હતો.
ત્રણ ઈજનેરો, ૫૬ હજાર કામદારો, ૨૩ અબજ ડોલરનો ખર્ચ અને ૨૩,૮૮,૪૫,૫૮૭ ઘન યાર્ડનું કુલ ખોદકામના પરિણામે નિર્માણ પામી એક એવી કેનાલ જેનો સમાવેશ માનવ સર્જિત અજાયબીઓમાં થવાનો હતો. એ મહાન સર્જનમાં દર એક કિલોમીટરે ૫૦૦ કામદારોના પીળા પડીને હંમેશા માટે કરમાઈ ગયેલા ચહેરાઓ ઉપસીને પાણીને જાણે રક્તવર્ણુ બનાવે છે, પણ કદાચ કેનાલની ભવ્યતામાં ૨૭ હજાર જેટલા કામદારોના મોત એક સૈકા પછી વિસરાઈ ગયા છે!

* અમેરિકાએ પનામા કેનાલનું કામ હાથમાં લીધુ પછી હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે અકસ્માતો અને રોગોના કારણે ૫૬૦૯ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં સૌથી વધુ ૪૫૦૦ કામદારો વેસ્ટ ઈન્ડિઝના હતા.
* પનામાના નિર્માણમાં ૨૩ અબજ ડોલરનો  ખર્ચ થયાનું કહેવાય છે. જેમાંથી ૮૫ ટાઇટેનિક બનાવી શકાય.
* પનામા કેનાલના ખોદકામમાંથી ત્રણ સુએજ નહેર બની જાય!
* નહેરના ખોદકામના વિસ્તારમાં એક પછી એક સમસ્યા આવતી રહેતી હતી. જેમાં યેલો ફિવર (પીળો તાવ)બન્ને બાંધકામ વખતે નડેલી સૌથી મોટી સમસ્યા હતી. જંગલોમાં મચ્છરોના કારણે મજૂરોમાં યેલો ફિવર ખૂબ જ ગંભીર રીતે પ્રસરી ગયો હતો. એ સિવાયની એક બાબત હતી વરસાદ. જંગલોની વચ્ચે નહેરનું કામ ચાલતું હતું અને એ જંગલોમાં વાર્ષિક ૧૦૦-૧૦૫ ઈંચ વરસાદ ખાબકતો હતો. વળી, નદી-નાળા છલકાઈને પૂર આવવું પણ સામાન્ય બાબત હતી. જેનું પરિણામ એ આવતું કે નહેર ખોદીને માટી કિનારે પડી હોય એ પાછી નહેરમાં ભળી ગઈ હોય એટલે એ કામ ફરીથી કરવું પડે!
* કેનાલના બાંધકામમાં સરેરરાશ એક માઇલ (આશરે ૧.૬ કિલોમીટર) દરમિયાન ૫૦૦ લોકોના મોત થયાનો એક અંદાજ છે.
* ૧૯૯૯થી કેનાલ યુએસને બદલે પનામાની માલિકી હેઠળ છે.
* નહેર શરૃ થઈ ત્યારે વર્ષે દહાડે એક હજાર જહાજો એમાંથી પસાર થતાં હતાં. આજે આ આંકડો ૧૭,૦૦૦ જહાજોએ પહોંચ્યો છે.
* સો વર્ષમાં ૯ લાખ જહાજોએ પનામા કેનાલની સફર ખેડી છે. એ રીતે વર્ષે સરેરાશ ૯ હજાર જહાજો પસાર થયા કહેવાય.
* ૮૩ કિલોમીટર નહેર ઓળંગવામાં જહાજને સામાન્ય રીતે ૮થી ૧૦ કલાકનો સમય લાગે છે.
* નહેરની પહોળાઈ ૯૧ મીટર અને ઊંડાઈ ૨૬ મીટર છે.
* લોક સિસ્ટમ પણ જાણવા જેવી છે. દરિયાઈ સપાટીની કેનાલમાંથી જહાજ જેવું ગટુન સરોવરમાં પ્રવેશવાનું થાય કે એ પહેલા એક લોક આવે. જહાજ એમાં પ્રવેશે એટલે પાણીની સપાટી ઊંચકવામાં આવે. ત્યાર બાદ નીચેના સ્તરે ફરીથી જહાજ લોકમાં પ્રવેશે એટલે પાણી ઘટાડીને જહાજને નીચે ઉતારાય છે. એ રીતે ક્રમશઃ ત્રણ સપાટીની ઊંચી-નીચી પાયરી પછી જહાજને ફરીથી દરિયાઈ સપાટીની કેનાલમાં પ્રવેશ આપવામાં આવે છે. રોડમાં જેમ ડિવાઇડર હોય એમ આવી બે જહાજો માટે સામ સામે વ્યવસ્થા કરાઈ છે. 
* ૧૯૨૮માં રિચાર્ડ હેલિબાર્ટન નામનો અમેરિકન સાહસિક આખી કેનાલ તરી ગયો હતો. જોકે, તેને પણ ૩૬ સેન્ટનો ટેક્સ ચૂકવવો પડયો હતો! તો વળી સૌથી વધુ ૩,૩૦,૦૦૦ ડોલરનો ટેક્સ ડિઝની ક્રુઝ નામના શિપે ચૂકવ્યો છે.
* પનામા નહેરમાંથી પસાર થવા માટે પેસેન્જર શિપ પાસેથી પેસેન્જર દીઠ ૧૧૫ ડોલરનો ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે માલવાહક જહાજના ભાગે ૫૦ હજાર ડોલર જેવો ટેક્સ આવે છે

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -