Posted by : Harsh Meswania Sunday, 4 January 2015



બ્રેઇલ લિપિથી વિશ્વભરના અંધજનોને રોશની પ્રદાન કરનારા લુઇસ બ્રેઇલના જન્મદિને (૪ જાન્યુઆરી, વિશ્વ અંધત્વ દિન) આ વિશેષ સન્માન તેમના માનમાં અપાય છે ત્યારે અહીં કેટલાક ઓછા જાણીતાં નેત્રહિનોની વાત કરીએ કે જેમણે પ્રજ્ઞાને ચક્ષુ બનાવીને અસંભવ જણાતું કામ કરી દેખાડયું!
આંખ ન હોવા છતાં પોતાના કામથી રોશની ફેલાવી ગયેલાં લોકોની વાત આવે એટલે સામાન્ય રીતે હેલન કેલર અને જેના નામ પરથી વિશ્વ અંધત્વ દિનની ઉજવણી થાય છે એ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલનું સ્મરણ કરાય છે. બહુ બહુ તો હેલન કેલર પહેલાના હેલર કેલર તરીકે જાણીતાં અને અંધ-બધિર હોવા છતાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવનારી પ્રથમ મહિલા લૌરા બ્રિડમેનને યાદ કરી લેવાય છે, પણ એ સિવાયના કેટલાક એવા ઉદાહરણો પણ છે જે ઓછા જાણીતા છે, પરંતુ તેમના પ્રદાનને જરાય ઓછું આંકી શકાય તેમ નથી. આંખ હોવા છતાં અઘરું લાગે એ કામ આ નેત્રહિનોએ પોતાની આવડતના જોરે કરી બતાવ્યું. નેત્રહિનો માટે તો એ પ્રેરણારૃપ છે જ છે, પરંતુ દેખતા માટે જ આ પ્રજ્ઞાાચક્ષુઓએ દાખલો બેસાડયો છે.

હેરિટ ટયૂબમેન : ગુલામોને અંધકારમાંથી બહાર કાઢ્યા
૧૮૨૦માં જન્મેલી હેરિટ ટયૂબમેન બાળવયે જ ગુલામીમાં સપડાઈ ગઈ હતી. એમાંયે ટિનએજમાં પ્રવેશે એ પહેલા તો માથામાં થયેલા એક ગંભીર અકસ્માતમાં તેમણે આંખો પણ ગુમાવી દીધી હતી. જોકે, આંખ ગુમાવી છતાં દૃષ્ટિ નહોતી ગુમાવી એટલે ગુલામીની યાતનામાં સબડતી વખતે જ તેમણે બીજા ગુલામોને ખાસ તો અશ્વેત ગુલામોને આ પીડાદાયક જિંદગીમાંથી બહાર કાઢવાનો મનોમન નિર્ધાર કરી નાખ્યો હતો. તેમણે કેટલાય ગુલામોને ભાગવામાં મદદ કરીને સલામત જગ્યા સુધી પહોંચાડયા હતા. હેરિટે લગભગ ૫૦૦ જેટલાં ગુલામોને આઝાદીનો શ્વાસ લેવડાવ્યો હતો અને સાથે સાથે રહેવા-ખાવા-પીવા સહિતની બધી જ સવલતો આપબળે આપી હતી. જીવનના અંતિમ બે દાયકા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને કેળવણી માટે ફાળવ્યા હતાં. ૧૯૧૩માં જ્યારે વિશ્વમાંથી ગુલામી નાબૂદ થવાની અણી પર હતી ત્યારે ચહેરા ઉપર સંતોષની રેખા સાથે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

જેમ્સ હોલમેન : આંખ વગર પણ દુનિયા જોનારા સાહસિક!

બ્રેઇલ લિપિના શોધક લુઇસના જન્મના ૨૩ વર્ષ અગાઉ ૧૭૮૬માં જન્મેલા જેમ્સ હોલમેનને વિશ્વના પ્રથમ નેત્રહિન પ્રવાસીનું બિરુંદ આપવું પડે. જેમ્સ જન્મથી અંધ નહોતા. એક અકસ્માતના કારણે બીમારીમાં સપડાયા અને પછી હંમેશા માટે આંખની રોશની ગુમાવી દીધી. આંખનો ઉજાસ ગુમાવ્યા છતાં તેમણે જીવનમાં અંધકારને પ્રવેશવા ન દીધો. તેમણે જીવન પોતાની જીદથી યાદગાર બનાવ્યું. ભર યુવાનીમાં આંખ ખોયા પછી જો તેમણે ધાર્યુ હોત તો ઘરમાં બેસીને આરામથી નોકર-ચાકર વચ્ચે જિંદગી પસાર કરી શક્યા હોત એટલા સમૃદ્ધ પરિવારમાં તેમનો જન્મ થયો હતો, પરંતુ બેસીને બોરિંગ જીવન પસાર કરવા કરતા તેમણે જિંદગીને અજમાવી લેવાનું વધુ યોગ્ય માન્યું અને એના પરિણામે તેમણે ૧૮૧૯માં ગ્રાન્ડ ટૂર નામે પ્રવાસ આરંભ્યો. ફ્રાન્સ, ઈટાલી, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, બેલ્જિયમ સહિતના અનેક દેશોમાં રખડપટ્ટી કરીને તેમણે જીવનમાં યાદગાર અનુભવોનું ભાથું બાંધ્યુ અને પછી પોતાના પ્રવાસ વર્ણનો દુનિયા સમક્ષ રજૂ પણ કર્યાં. એ જ રીતે બીજો પ્રવાસ થયો. પ્રવાસો થતાં ગયા અને ભાથુ બંધાતું ગયુ. ૧૮૩૫માં તેમણે પોતાના દુનિયાભરના પ્રવાસને ચાર વોલ્યુમમાં પ્રગટ કર્યો અને એ સાથે એક નેત્રહિન દ્વારા દુનિયાને દુનિયાનો પરિચય મળ્યો. આજે પોણા બે શૈકા પછી પણ તેમને પ્રથમ નેત્રહિન ટ્રાવેલર તરીકે યાદ કરીને ઉદાહરણો આપવા પડે એવું કામ તેઓ આંખની રોશની ગુમાવી દીધા પછી કરી ગયા!

જ્હોન બ્રેમ્બલિટ : રંગવિહિન જીવન છતાં 'રંગ'રસિયો

૩૦ વર્ષના આ ચિત્રકારનો રંગ સાથે દરરોજનો પનારો પડયો છે. પણ આમ જૂઓ તો તેની આંખો માત્ર અંધકાર જ જોઈ શકે છે. દુનિયા આખી તેના ચિત્રો જોઈને દંગ રહી જાય છે, પણ આ કમનસીબ ચિત્રકાર પોતાના જ દોરેલા ચિત્રોને જોઈ શકતો નથી, છતાં તેને એનો કોઈ જ વસવસો નથી. કહે છે ને કે નેત્રહિનને મનની આંખો હોય છે એમ આ ચિત્રકાર મનની આંખોથી પોતાની કલ્પનાને રંગો આપે છે. ચિત્રોમાં રંગો પૂરવાની તેની કૂનેહ દાદ માંગી લે એવી છે. તે સફેદ અને કાળા રંગો હાથવગા રાખે છે. પોતાની કલ્પના પ્રમાણે ચિત્રમાં જે રંગ પૂરવો હોય એ મુજબ બંને રંગોનું મિક્ષણ કરીને તેમાંથી જાતે રંગ બનાવીને ચિત્રમાં પૂરી દે છે. બધુ જ કામ પીંછીથી અને સ્પર્શથી કરે છે. દેખતા માટે ય પેઇન્ટિંગ ખરેખર અઘરી કળા છે ત્યારે આ તો આંખ વગર સર્જાતી કળા છે, કેટલું અઘરું કામ હશે એ તો માત્ર કલ્પના જ થઈ શકે. આપણે જે વાત કલ્પી પણ નથી શકતા એને આ રંગરસિયો પોતાની કલ્પનાથી સાકાર પણ કરી બતાવે છે.

માર્ક એન્ટોની : મનની આંખોથી કાર ચલાવતો સારથી

૨૯ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે માર્ક એન્ટોનીએ જે પરાક્રમ બતાવ્યું એનાથી બધા દંગ રહી ગયા. તે રાતોરાત સમાચાર માધ્યમોમાં ચમકી ગયો. તેણે અંધ હોવા છતાં એક પણ ગફલત વગર ટેકનોલોજિની મદદ લઈને કાર ચલાવી જાણી. ડ્રાઇવિંગ વખતે તેનું પરફેક્શન એટલું બધું જોરદાર હતું કે પહેલી નજરે કોઈ માની ન શકે કે એક નેત્રહિન માણસ કાર ચલાવી રહ્યો છે. માર્કની આ કુશળતા સાબિત થઈ પછી અમેરિકાના નેશનલ બ્લાઇન્ડ ફેડરેશને તેની સાથે મળીને સલામત ડ્રાઇવિંગનો કાર્યક્રમ હાથ ધર્યો જેને અમેરિકામાં વ્યાપક સફળતા મળી. સગી આંખોએ જોવા છતાં ડ્રાઇવિંગના નિયમોને નેવે મૂકી દેનારા લોકોને જ્યારે એક નેત્રહિન કુશળ સારથી સલામત ડ્રાઇવિંગના સૂચનો આપે ત્યારે રસપૂર્વક સાંભળવામાં રસ પડે એ સ્વાભાવિક છે!

ડેરેક રેબેલો : ભગવાન ભરોસે સાગર સામે ઝઝુમતો સાહસી

ડેરેલ રેબેલોને જન્મજાત જ ખામીયુક્ત દૃષ્ટિ મળી હતી. ઉંમર વધતી ગઈ એમ એમ આંખની રોશની ઓછી થતી ગઈ. જોકે, તેની અંદરનો સાહસવીર સતત કશુંક કરી છૂટવા આળસ મરડીને તેને જગાડતો હતો. ૩ વર્ષનો હતો ત્યારે જ તેણે સાગર ઉપર ચાલવાનું શમણું આંખમાં આંજી લીધું હતું એટલે પોતાનું તૂટી રહેલું સ્વપ્ન એને કોઈ કાળે મંજૂર ન હતું. બબ્બે આંખોએ પણ જે કામ કપરું છે એ કામ આંખોમાં અંધકાર ઓઢીને કરવાનું હતું એટલે વિશેષ કુશળતા જરૃરી હતી. અથાક પ્રયાસો પછી આખરે તેણે એમાં મહારથ મેળવી લીધી. તેને એક વખત પૂછવામાં આવ્યું હતું કે ધસમસતા દરિયાના મોજા સામે કઈ રીતે કામ પાર પાડે છે? જવાબમાં આ ૨૦ વર્ષનો છોકરો કહે છે : 'બધા કરે છે એ જ મેથડથી હું પણ આ કામ કરું છું, પરંતુ ફરક એટલો છે કે મારી રીત થોડી અલગ છે. આંખોના ઊંડાણમાં પણ બીજી આંખો હોય છે અને એટલે જ હું આ મુશ્કેલ લાગતું કામ આસાનીથી કરી શકુ છું.' ડેરેકને ભગવાન ઉપર અસીમ શ્રદ્ધા છે અને એ બહુ દ્રઢતાપૂર્વક માને છે કે તેની એક ઈન્દ્રિય ભગવાને ભલે પાછી લઈ લીધી પણ એના બદલામાં થોકબંધ હિંમતનું ભાથું બાંધી આપ્યું છે.

પેટ એકર્ટ : કેમેરાને આંખ બનાવી નાખનારા તસવીરકાર

પેટ એકર્ટ મૂળે ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર હતા. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. અકસ્માતે આંખ ગુમાવી દીધા પછી તેમણે કેમેરાની આંખને પોતાની આંખ બનાવી દીધી. આંખ હોવા છતાં કેમેરાની આંખ પાસેથી કામ લેવું એના માટે કુશળતા હોવી ઘટે. જ્યારે પેટ એકર્ટેને તો આંખ સિવાય જ કેમેરા પાસેથી કામ કઢાવવાનું હતું. એમણે આ કામ માટે તત્પરતા બતાવી અને ધીરે ધીરે સફળતા પણ મળી. સ્માર્ટફોનના યુગમાં વાતે વાતે કેમેરાની ક્લિક કરવી સાવ સહજ બાબત છે ત્યારે એકર્ટ એક એક તસવીર માટે પૂરતું હોમવર્ક કરે છે. અવાજ અને સ્પર્શની મદદથી તે જગ્યા કે વ્યક્તિનું અંતર જૂએ છે અને એના આધારે પોતાનો કેમેરા ગોઠવે છે. જરૃર જણાય તો લાઇટ્સની વ્યવસ્થા પણ જાતે કરે છે. બરાબર ગોઠવણ થઈ રહે પછી જ એ ક્લિક કરે છે. તેમણે તેની ફોટોગ્રાફી માટે એક વખત કહ્યું હતું  : 'હું નેત્રહિન થયો ત્યાં સુધી ફોટોગ્રાફીને ગંભીરતાથી લેતો ન હતો, પરંતુ આંખ ગુમાવ્યા પછી મને કેમેરાની આંખનું મૂલ્ય વધુ સમજાયું છે અને હવે હું ફોટોગ્રાફીના પ્રેમમાં પડી ગયો છું. મારી તસવીરના કોઈ વખાણ કરે ત્યારે મને એમ થાય છે કે જાણે એ તસવીર હું મારી આંખોથી જોઈ રહ્યો છું'

માર્લા રેન્યન : ઓલિમ્પિક્સની પ્રથમ મહિલા નેત્રહિન એથ્લેટ

વિશ્વ અંધત્વ દિન સાથે જન્મદિવસનો યોગાનુયોગ ધરાવતી અમેરિકન મહિલા એથ્લેટ માર્લા રેન્યન જગતની પ્રથમ નેત્રહિન એથ્લેટ છે જેણે ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય. તેમણે મહિલાઓની પાંચ હજાર મીટર દોડ સ્પર્ધામાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. લોંગ જમ્પથી લઈને ૧૦૦ મીટર, ૨૦૦ મીટર સુધીની સ્પર્ધાઓમાં તેના ગોલ્ડ મેડલ બોલે છે. ૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી ઓલિમ્પિક ગેઇમ્સમાં ૧૫૦૦ મીટરમાં ભાગીદાર બનીને તેણે વિશ્વ સમક્ષ પોતાની નોંધ લેવડાવી. રેન્યનને માત્ર એથ્લેટ કહેવી એ તેની અધૂરી ઓળખ થઈ કહેવાય. કેમ કે, માસ્ટર્સ ડિગ્રી મેળવીને તેણે એકેડમિક કાબેલિયત પણ પૂરવાર કરી છે અને સાથે સાથે તે પબ્લિક સ્પીકર પણ છે. માત્ર નેત્રહિન લોકો માટે જ પ્રવચનો કરે છે એવું નથી. એ સિવાયના લોકો પણ તેના વકતવ્યથી પ્રભાવિત થયા વિના રહેતા નથી. આ ઉપરાંત લેખન દ્વારા તે પોતાની સફળતા શેર કરતી રહે છે. એટલે એથ્લેટ ઉપરાંત લેખિકા, પબ્લિક સ્પીકર જેવી કેટલીય ઓળખ તેના નામની આગળ જોડાયેલી છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -