Posted by : Harsh Meswania Sunday, 8 February 2015



ગિનેસના છ દાયકામાં કેટલાક એવો વિક્રમો પણ નોંધાયા કે જેની કલ્પના પણ ન થઈ શકે, તો કેટલાક પ્રથમ નજરે સાવ સાધારણ-સાદા લાગે એવા વિક્રમો રેકોર્ડ બૂકમાં સ્થાન પામ્યાં. એ વિક્રમોમાં ભારતનો ફાળો પણ ઘણો મોટો છે અને છેલ્લા વર્ષોમાં એ ફાળો નોંધાવવામાં આપણે વધુ મોકળું મન રાખ્યું છે!

૨૦૧૧માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારત સાથે એક અજબ યોગાનુયોગ સર્જાયો હતો. ભારતમાં વધતા જતાં વિક્રમોના ક્રેઝ વચ્ચે ગિનેસ વર્લ્ડ રેકોર્ડે એક પ્રતિનિધિ નિમવાની તજવીજ હાથ ધરી હતી. અસંખ્ય લોકો ગિનેસની લંડન ખાતેની હેડ ઓફિસનો સંપર્ક સાધવામાં મુશ્કેલી અનુભવતા હતા અને છતાં કોઈક રીતે સંપર્ક કરીને નવા નવા વિક્રમો દર્જ કરવા માટે ઉત્સાહ દાખવતા હતા. ભારતના વિકસતા જતાં મોટા માર્કેટને ધ્યાનમાં રાખીને અને અવારનવાર અવનવા વિક્રમોની શક્યતા સર્જાતી હોવાના કારણે એક ઓફિસ ભારતના કોઈ મોટા શહેરમાં સ્થાપવાની તાતી જરૃર વર્તાતી હતી, જેને ધ્યાનમાં રાખીને ૨૦૧૧માં એક ખાનગી કંપનીના વિક્રમ માટે ગિનેસની લંડન ઓફિસનો સંપર્ક કરનારા નિખિલ શુક્લાને પ્રતિનિધિ બનવાની ઓફર કરવામાં આવી. નિખિલે એ ઓફર સ્વીકારી એ સાથે જ સત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો ભારતમાં પ્રવેશ થયો.
આ ઘટનાના બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૧માં ૨૧ વર્ષનો એક ફૂટડો અંગ્રેજ યુવાન લંડનમાં અભ્યાસ કરીને બ્રિટનના તાબા હેઠળના ભારતમાં પોલીસ અધિકારી તરીકે નિમણૂંક પામ્યો હતો. તેણે ભારતમાં દશકો પસાર કર્યો પછી સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું. ૧૯૨૧માં લંડન પરત ફરીને તેણે બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સફળતા મળતી ગઈ એમ તેણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો. સમયાંતરે તેણે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડની પણ સ્થાપના કરી હતી, જેણે આગામી વર્ષોમાં વિશ્વભરમાં રેકોર્ડ્સની બાબતમાં એક અનોખો રેકોર્ડ કાયમ કર્યો. ભારતમાં રહેનારા એ ગિનેસના સ્થાપકનું નામ હતું- સર હ્યુ કેમ્બલ બીવર.
બીવરના ભારત આવવાના બરાબર સૈકા પછી અનાયાસે જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ભારતમાં સત્તાવાર ઓફિસ ખોલીને એશિયામાં જાપાન પછી ભારતને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઘટનાને સ્થાપક બીવરના ભારત આગમન સાથે ભલે કોઈ સીધો સંબંધ નથી, પણ ભારતમાં પ્રતિનિધિની નિમણૂંકની ઘટનાથી ગિનેસ સાથેનો ભારતનો નાતો વધુ ગહેરો થયો છે એ તો આંકડાઓ બયાઁ કરે છે.
અવનવા વિક્રમો માટેની વિશ્વભરમાંથી આવતી સરેરાશ ૧૦ અરજીઓ પૈકીની એક અરજી ભારતની હોય છે! ભારતમાંથી વિભિન્ન વિક્રમો માટે વર્ષે ૩,૦૦૦ દાવાઓ થાય છે. એટલે કે રજાઓના દિવસોને બાદ કરી દેવામાં આવે તો એક દિવસમાં ૧૦ નવા વિક્રમો માટે દાવો કરવામાં આવે છે. આ સંખ્યા ભારતને ત્રીજા નંબરનો સૌથી વધુ અરજીઓ મોકલતો દેશ બનાવવા માટે પૂરતી છે. ભારતથી આગળના ક્રમાંકે રહેલા અમેરિકા અને બ્રિટનનું સ્થાન પણ હવે તો જોખમમાં છે. જે રીતે આપણે ત્યાં અવનવા વિક્રમો માટેનો ક્રેઝ વધ્યો છે એટલે કદાચ આપણે એકાદ-બે વર્ષમાં સૌથી વધુ અરજી મોકલતો દેશ બની જઈએ તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય!
જોકે, એમાંથી બધા જ વિક્રમો દર્જ નથી થઈ જતાં. ઘણાં ખરાં પૂરાવાઓના અભાવે નોંધાતા નથી, તો ઘણા સ્હેજ માટે ચૂકી જતાં હોય છે. કેટલાકના પ્રયાસો એટલા કમનસીબ હોય છે કે અમુક વિક્રમનો પ્રયાસ ભારતમાં થયો હોય એના માત્ર થોડા દિવસો પહેલા જ એવો વિક્રમ નોંધાઈ ચૂક્યો હોય છે. અહીંથી અરજી તો સ્વીકારી લેવામાં આવી હોય અને પ્રોસેસ પણ હાથ ધરાઈ ગઈ હોય, પરંતુ ૬ સપ્તાહ ચાલતી ચકાસણી પ્રક્રિયામાં ખબર પડે છે કે એવી જ બીજી અરજી માત્ર બે-પાંચ દિવસ પહેલા જ મળી ગઈ હોવાના કારણે પ્રથમને પ્રાથમિકતાના ન્યાયે ભારતની અરજી લાયક ઠરતી નથી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડના ૨૦૧૩ના એક સત્તાવાર સ્ટેટમેન્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં વિભિન્ન રેકોર્ડ નોંધાવવા માટેના દાવાઓમાં ૪૦૦ ગણો વધારો થયો છે અને એમાંથી રેકોર્ડ નોંધાવવાની ટકાવારીમાં પણ ૨૫૦ ગણો વધારો નોંધાયો છે.
વિક્રમોનો દાવો જ થાય છે એવું ય નથી. હવે તો સંખ્યાબંધ વિક્રમો નોંધાય પણ છે. ગિનેસ બૂકના અહેવાલ પ્રમાણે ભારતના દાવાઓમાંથી ૬૦-૭૦ ટકા દાવાઓ વિક્રમ સાબિત થઈ જાય છે. ઈન્ટરનેટના કારણે ક્યો વિક્રમ કોના નામે-ક્યારે નોંધાયો છે એ વિશે માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરિણામે વિક્રમો માટે પ્રયાસ કરનારા પહેલાથી જ જાગૃત હોય છે. જો કોઈ જૂનો રેકોર્ડ તોડવાનો હોય તો તો ઘણી સરળતા રહે છે, પણ નવો રેકોર્ડ નોંધાવતી વખતે ય આવી માહિતી અસરકારક ભૂમિકા ભજવે છે.
એક બીજો ફરક એ આવ્યો છે કે એકાદ દશકા પહેલા ભારતની રેકોર્ડ બૂકમાં કોઈ રેકોર્ડને સ્થાન મળે એ પછી ગિનેસ માટે પ્રયાસો શરૃ થતાં હતાં. એટલે કે પ્રથમ ટાર્ગેટ ગિનેસ નહીં, પણ સ્થાનિક રેકોર્ડ બૂક્સ હતી. સ્થાનિક બૂકમાં સફળતા મળે પછી જ આગળનું લેવલ પાર કરીને ગિનેસ સુધી પહોંચવાનું વલણ હતું. એના બદલે હવે 'રેકોર્ડ મતલબ ગિનેસ' એવી સમજ વધુ મજબૂત બની ગઈ છે.
ભારતમાં ગૃપના વિક્રમો નોંધાવવા બહુ આસાન છે અને ગિનેસમાં નોંધાતા રેકોર્ડમાં નજર કરીએ તો એ વાત ધ્યાનાકર્ષક બની રહે છે. રાષ્ટ્રગીતનું સમુહગાયન, રાષ્ટ્રપિતાના લિબાસમાં બાળકોની રેલી, એક દિવસમાં ૨૫ લાખ લોકોની રેલવે મુસાફરી, એક સપ્તાહમાં લાખો નવા બેંક અકાઉન્ટ્સ, મેરેથોન, સાયકલ સ્પર્ધા...વગેરે ગૃપ રેકોર્ડ્સ બનાવવા ભારત માટે સરળ છે. અહીં સમુહ એકત્ર કરવાનું કામ આસાન હોવાના કારણે જ કદાચ આવા વિક્રમો આપણા નામે અઢળક નોંધાયા છે અને હજુ ય નોંધાઈ રહ્યાં છે.
ગિનેસ રેકોર્ડના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુક્લાએ એક વખત કહ્યું હતું ઃ ભારતમાં રેલવે ટિકિટથી લઈને પાર્કિંગ સુધી બધે જ સ્પર્ધાત્મક માહોલ છે. સંખ્યાબંધ લોકો એ આપણી શક્તિ છે અને એટલે જ રેકોર્ડ માટેનો અહીં અવકાશ છે, નવા નવા સમુહ વિક્રમો બને એવો સ્વાભાવિક માહોલ છે. કદાચ એટલે જ સંખ્યાને લગતા વિશ્વ વિક્રમો તોડવા ભારત માટે બીજા દેશોની તુલનાએ વધુ આસાન છે.
સામુહિક વિક્રમોની હરોળ થાય છે એ વાત સાચી, પણ સ્પર્ધા હોવાના કારણે જ અન્યથી અલગ પડી જવાનું સ્હેજ કપરું છે. વળી, ગિનેસનો રેકોર્ડ હોલ્ડર મીડિયા કવરેજ મેળવે છે, લોકોનું અટેન્શન મેળવે છે, ભારતના અસંખ્ય નાગરિકોમાં પોતે વિશિષ્ટ હોવાની લાગણી અનુભવે છે અને એટલે જ આપણે ત્યાં વ્યક્તિગત રેકોર્ડ નોંધાવવા માટે રેકોર્ડ બ્રેકિંગ યત્નો થતા રહે છે. ગિનેસ રેકોર્ડ પબ્લિકને પબ્લિસિટી અપાવી દે છે. વિશ્વભરમાં નોંધ લેવાતી હોવાના કારણે ય ગિનેસનો ક્રેઝ વધ્યો છે. ભારતમાં ગિનેસની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બેંગ્લોરમાં મ્યુઝિયમ બન્યું છે અને એશિયામાં ગિનેસ રેકોર્ડે પ્રતિનિધિ નિમ્યો હોય એવો ભારત બીજો દેશ છે. આ જ બતાવે છે કે આપણે ગિનેસને ગંભીરતાથી લઈએ છીએ એટલી જ ગંભીરતાથી ગિનેસ આપણને પણ લે છે!

ભારત સ્થિત પ્રતિનિધિને ગિનેસ રેકોર્ડે કઈ રીતે પસંદ કર્યા?
નિખિલ શુક્લા ઘણી કંપનીઓમાં માર્કેટિંગની જવાબદારી નિભાવતા હતા. એવી જ એક જવાબદારીના ભાગરૃપે એક વખત તેણે લંડન સ્થિત ગિનેસ બૂક ઓફ રેકોર્ડની ઓફિસનો સંપર્ક કર્યો. વાસણ સાફ કરવાનું પ્રવાહી બનાવતી કંપનીએ એક જ બોટલમાં સૌથી વધુ પ્લેટ્સ સાફ કરી નાખવાનો દાવો કર્યો હતો. એ ખરેખર તો રેકોર્ડ કરતા પબ્લિસિટી સ્ટંટ વધુ હતો. ગિનેસને રસ પડયો અને પછી ચેન્નાઈમાં એ રેકોર્ડ પણ નોંધાયો. એ પછી નિખિલે ફિડબેક માટે ફરીથી ગિનેસનો સંપર્ક કર્યો ત્યારે લંડનની ઓફિસમાંથી ભારતમાં પ્રતિનિધિ નિમવાનો હોવાનું કહ્યું અને નિખિલને રસ હોય તો પણ વિચારીને જવાબ આપવાનું કહ્યું. નિખિલે પોતાના માર્કેટિંગના દૃષ્ટિકોણથી વિચારી જોયું અને તેને એમાં તકો પણ દેખાઈ. એમ ૨૦૧૧માં નિખિલને સત્તાવાર રીતે ભારતના પ્રતિનિધિ તરીકે નિમણૂંક મળી. 
ગિનેસના ભારત સ્થિત પ્રતિનિધિ નિખિલ શુકલા

આજે ભારતના વિશાળ માર્કેટને અને રેકોર્ડની વેરાયટીને ધ્યાનમાં રાખીને ગિનેસે અલાયદી વેબસાઇટ બનાવી આપી છે. જેમાં ભારતના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મફતમાં દાવો કરી શકે છે અને કોઈ પણ નાનકડાં ગામડાંઓના દાવાઓને પણ ધ્યાનમાં લઈને નિખિલ સંપર્ક કરે છે અથવા તો રૃબરૃ જઈને તપાસ કરે છે. વળી, ગિનેસ બૂકની ગાઇડ લાઇન્સ પ્રમાણે ૬ સપ્તાહમાં કોઈ પણ દાવાને ખરો કે ખોટો સાબિત કરવો પડે છે એટલે અને ભારતમાં થતાં માતબર દાવાને જોતા નિખિલના ભાગે ઘણી કામગીરી આવે છે.
* વાનગી પ્રિય ભારતમાં વાનગીઓના ઘણા નાના-મોટા રેકોર્ડ નોંધાયા છે. એવો જ એક રેકોર્ડ કે દામોદરન નામના રસોઈયાએ દર્જ કર્યો હતો. તેણે ૨૪ કલાકમાં ૬૧૭ વાનગીઓ બનાવી હતી.
* આરૃષિ ભટનાગર નામની માત્ર આઠ વર્ષની બાળકી વિશ્વમાં સૌથી નાની ઉંમરની પ્રોફેશનલ પેઇન્ટર છે અને તેના ૩૦૦૦ ચિત્રો પ્રદર્શિત થઈ ચૂક્યાં છે.
* ૧૩ આંકડાંઓનો ૨ સાથે માત્ર ૩૦ સેકન્ડમાં ગુણાકાર કરવાનો વિક્રમ શકુંતલા દેવીએ ૧૯૮૦માં કર્યો હતો અને એ પણ કમ્પ્યુટરે અચાનક આપેલા નંબરોની ગણતરી સેકન્ડોમાં કરવાનો પડકાર ઝીલ્યો હતો. શકુંતલા દેવીને હ્યુમન કેલક્યુલેટર તરીકે પણ નવાજવામાં આવ્યાં હતાં.
* કિશન શ્રીકાંત નામનો છોકરો જે હવે ૧૯ વર્ષનો છે, પણ તેણે ૨૦૦૬માં ફૂટપાથ નામની ફિલ્મ બનાવી ત્યારે તે માત્ર ૯ વર્ષનો હતો. એ સાથે જ તે દુનિયાનો સૌથી નાની વયે ફૂલલેન્થ ફિલ્મ ડિરેક્ટ કરવાનો ડિરેક્ટર બની ગયો હતો.
* ૫૪ લોકોએ નવેમ્બર-૨૦૧૦માં એક જ બાઇક પર બેસીને ૯૨૫ મીટરનું અંતર કાપ્યું હતું, જે વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
* ઈન્ડિયન આર્મીની એક ટૂકડીએ ૧૦ બાઇક ઉપર સવાર થઈને ૨૦૧ સૈનિકોએ પિરામિડ બનાવ્યો હતો અને ૨૦૦૧માં જયપુરમાં ૧૨૯ મીટરની દૂરી તય કરી હતી.
* ભારતના નામે ગૌરવપ્રદ રેકોર્ડ્સની સાથે સાથે બીજા એવા રેકોર્ડ પણ નોંધાયા છે જે ખરેખર આપણે ઈચ્છતા ન હોય અને એના માટે ગૌરવ પણ ન લઈ શકીએ. જેમ કે, સૌથી મોટા પ્રમાણમાં બાળમજૂરો ધરાવતો દેશ, સૌથી વધુ અભણ લોકો, અપૂરતા ખોરાકથી પીડાતા લોકો.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -