- Back to Home »
- Sign in »
- ઉત્તર પ્રદેશની ચૂંટણી સભાઓ: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થાય તો હિટ નહીં તો ફ્લોપ!
Posted by :
Harsh Meswania
Sunday, 19 February 2017
ઉત્તર પ્રદેશની ચૂંટણી જેટલી ઉત્તર પ્રદેશની સભાઓ અને ઉત્તર પ્રદેશની શેરીઓમાં લડાઈ રહી છે એટલી તીવ્રતાથી સોશિયલ મીડિયા ઉપર પણ ખેલાઈ રહી છે. એક પણ પક્ષ માત્ર સભાઓના આધારે બેસી રહેવા નથી માગતો. દરેક પક્ષને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મતદારો ઉપર છવાઈ જવું છે. સભા કે રેલી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ન બને તો ફ્લોપ ઘોષિત થાય છે...
યુપી કો યે સાથ પસંદ હૈ, મોદી કી હુંકાર, યુપી કી શાન રાહુલ-અખિલેશ, બહેનજી કો આને દો, નીલા રંગ છા રહે હૈ, આઈ વોટ ફોર સાઈકલ વગેરે સૂત્રો છેલ્લાં દિવસોમાં હેશટેગ સાથે ટ્રેન્ડ બની ચૂક્યાં છે...
ઉત્તર પ્રદેશની આ વિધાનસભાની ચૂંટણી દરેક પક્ષ માટે દૂરગામી અસરો ઉપજાવનારી બની રહેશે. ભાજપ જીતશે તો ૨૦૧૯ની લોકસભાનો રસ્તો તો ક્લિયર થશે જ, પરંતુ સાથે સાથે રાજ્યસભામાં બહુમતિ પણ મળી જશે. કોંગ્રેસ માટે તો આ ચૂંટણી ઓક્સિજન જેવી છે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે એટલે કોંગ્રેસ એકલા હાથે સરકાર બનાવશે એ વાતનો તો છેદ જ ઉડી ગયો છે. પણ ગઠબંધનની જીત થાય તો એ કોંગ્રેસ માટે સિદ્ધિ ગણાશે. ભાજપ સત્તાથી દૂર રહે એ કોંગ્રેસનો મુખ્ય આશય છે.
સમાજવાદી પાર્ટી માટે પણ આ જીત લાંબાંગાળાની અસરો ઉપજાવશે. સમાજવાદી પાર્ટીના આંતરિક કલહ પછી અખિલેશ યાદવ કાકા શિવપાલની તુલનાએ સ્વચ્છ રાજકારણી તરીકે ઉભરી આવ્યા છે. પિતા મુલાયમ અને કાકા શિવપાલની સામે પડયા પછી લડાઈ રહેલી આ ચૂંટણી ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવનું રાજકીય ભાવિ નક્કી કરશે. એક તરફ અખિલેશ સામે ભાજપના વધતા પ્રભાવને ખાળવાનો પડકાર છે, તો બીજી તરફ પક્ષની આંતરિક ખેંચતાણ અને અસંતોષ ટાળીને પક્ષને સ્થિર કરવાની જિમ્મેદારી પણ છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં અણધારી રીતે અખિલેશ યાદવે તમામ પક્ષોના સુપડાં સાફ કર્યા હતા અને તેમાં સૌથી વધુ ધોવાણ તત્કાલિન મુખ્યમંત્રી માયાવતીના પક્ષ બહુજન સમાજ પક્ષને થયું હતું. સત્તા પરથી ઉતર્યા પછી લોકસભાની ચૂંટણી બસપા માટે અગત્યની હતી, પણ મોદીલહેરમાં ઉત્તર પ્રદેશમાં ન તો માયાવતી ફાવ્યાં હતા કે ન તો અખિલેશ.
આ સ્થિતિમાં દરેક પક્ષ એડીચોટીનું બળ લગાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સ્મૃતિ ઈરાની સુધીના ભાજપના નેતાઓ ઉત્તર પ્રદેશના પ્રચારજંગમાં ઉતર્યા છે. તો સામે પક્ષે એક તરફ માયાવતીએ મોરચો માંડયો છે. તો બીજી તરફ રાહુલ-અખિલેશની જોડીએ પડકાર ફેંક્યો છે.
ઉત્તર પ્રદેશનો જંગ જીતી લેવા માટેનો આ પડકાર આ વખતે માત્ર ચૂંટણીસભાઓ પૂરતો જ સીમિત નથી, સોશિયલ મીડિયા ઉપર પણ યુદ્ધ બરાબર છેડાઈ ચૂક્યું છે. એક પણ પક્ષ સોશિયલ મીડિયામાં પાછળ રહેવા નથી માગતો. લોકસભાની ચૂંટણીમાં ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમને ભરપૂર પ્રયોજ્યું હતું. એ જ તર્જ પર દિલ્હીની વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે ખુદ મોદી સામે જંગ જીતી લીધો અને એ જ સ્ટાઈલથી નીતીશ કુમારે બિહારની મુખ્યમંત્રીની ખુરશી બચાવી લીધી.
૨૦૧૪ પછીની લગભગ બધી જ નાની-મોટી ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાની ભૂમિકા પરિણામ લઈ આવવામાં કારણભૂત ઠરી હતી. એ જ કારણે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સભાઓ હિટ થાય છે કે ફ્લોપ નીવડે છે તે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ પરથી નક્કી થવા લાગ્યું છે.
જનમેદની તો તમામ પક્ષો એક યા બીજા કારણોથી એકઠી કરી જાણે છે, પણ એનો પડઘો સોશિયલ મીડિયામાં ન પડે તો જાણે સભાની બેઅસર બની જાય છે. સભાઓ-રેલીઓને બેઅસર બનતી અટકાવવા અને માહોલ બરાબર જામ્યો છે એ દર્શાવવા માટે ભાજપ-કોંગ્રેસ-સપા-બસપા સહિતના તમામ પક્ષોએ સોશિયલ મીડિયાને ભરપૂર પ્રયોજવાનું શરૃ કર્યું છે.
જમીની સ્તરે જે જંગ જામ્યો છે એ જ જંગનો આભાસ પણ બરાબર ઉભો થવો જોઈએ એવું પારખી ગયેલી રાજકીય પાર્ટીઓએ આખો સોશિયલ મીડિયા વિભાગ શરૃ કર્યો છે. ભાજપ તો જાણે કે આ બાબતે સૌથી આગળ છે, પણ કોંગ્રેસે ય ભાજપના જ એક સમયના સોશિયલ મીડિયા રણનીતિકાર પ્રશાંત કિશોરને એ માટે રોકી લીધા છે.
ભાજપ-કોંગ્રેસ બંનેનો સોશિયલ મીડિયા વિભાગ દિલ્હીથી ચાલે છે, પણ બંનેની બ્રાન્ડ લખનઉમાં પણ એક્ટિવ કરાઈ છે. તો અખિલેશ અને માયાવતીએ પક્ષના મુખ્યાલયમાં જ સોશિયલ મીડિયા વિભાગ ધમધમતો રાખ્યો છે. તમામ પક્ષોના સોશિયલ મીડિયા વિભાગો રાતે ય કામ કરે છે. આગામી સભામાં શું ટ્રેન્ડ કરવું અને વિપક્ષની કઈ બાબતોને નેગેટિવ બનાવવી એની વ્યૂહરચના આગોતરી જ તૈયાર થાય છે.
જેમ અખબારોના પ્રતિનિધિઓ સભાઓનું કવરેજ કરીને અહેવાલ લખે છે એ જ રીતે જે તે પક્ષના સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ રેલી-સભામાંથી મહત્ત્વના અંશો તારવે છે. એમાં પણ બે પ્રકારનું કામ હોય છે.
એક તો પોતાના પક્ષની સભા-રેલીમાંથી મહત્ત્વની, પોઝિટિવ બાબતો તારવીને મુદ્દાસર ઓછા શબ્દોમાં અહેવાલ તૈયાર કરીને વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર ઉપર ફરતું કરવાનું કામ કરતી ટીમને એ કન્ટેન્ટ આપી દેવાનું. બીજું એ કે વિપક્ષની રેલી-સભામાંથી નેગેટિવ હોય એવી બાબતો અલગ તારવીને એ સામગ્રી પણ વોટ્સએપ-ફેસબુક-ટ્વિટર ઉપર ટ્રેન્ડ ચલાવનારી ટીમને પહોંચતી કરવી.
આ કામ તમામ પક્ષોની યુવાપાંખ કરતી હોય છે. સોશિયલ મીડિયાના એક્સપર્ટની નિગરાનીમાં કામ કરતી સોશિયલ મીડિયા ટીમ ટ્રેન્ડના આધારે મોટાનેતાઓની સભાઓ સોશિયલ મીડિયાના/વર્ચ્યુઅલ વર્લ્ડમાં ગજવે છે! ટ્રેન્ડ થાય અને પોઝિટિવ માહોલ બને તો એ સભા-રેલી સફળ ગણાય છે અને સભામાં ભલે હજારો-લાખોની મેદની ઉમટી હોય પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ન બને તો એ સભા-રેલી નિષ્ફળ ગણાય છે.
કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું પછી બંને નેતાઓના સોશિયલ મીડિયા વિભાગે આંતરિક વ્યૂહરચના પણ ઘડી કાઢી છે. એ મુજબ બંનેની જોડીને વર્ચ્યુઅલ દુનિયામાં હિટ કરાવવા માટે બંને પક્ષોનો સોશિયલ મીડિયા વિભાગ મહેનત કરે છે. માયાવતીએ તો પક્ષના યુવા કાર્યકરોને ગલીઓમાં દોડધામ કરાવવાને બદલે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું સ્માર્ટ કામ સોંપ્યું છે. રસપ્રદ બાબત એ છે કે દલિત વોટબેંક ઉપર પ્રભુત્વ ધરાવતા માયાવતી માટે આ વખતે ઉત્તર પ્રદેશમાં સ્વયંભૂ પણ સોશિયલ મીડિયા ટ્રેન્ડ બનવા લાગ્યો છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીનો રંગ સોશિયલ મીડિયામાં ચડયો છે તેના થોડા ઉદાહરણો જોવા જેવા છે. રસપ્રદ સૂત્રોને ટ્વિટર ટ્રેન્ડ બનાવીને જે તે પક્ષના કાર્યકરોએ એ સૂત્રને કે સભામાં બોલાયેલા વાક્યને હિટ બનાવીને લોકમાનસમાં એક ઈમેજ બિલ્ડ કરવામાં ભાગ ભજવ્યો છે. સ્વાભાવિક રીતે જ ભાજપ અને તેનો મીડિયા સેલ સૌથી આગળ છે.
મોદીની મનલુભાવન વાતોને ટ્વિટર ટ્રેન્ડ બનાવવાનું કામ પ્રમાણમાં ઘણું સહેલુ છે. તેમનો સમર્થક વર્ગ દેશભરમાં છે અને કોઈ પણ ભારતીય નેતાની તુલનાએ ખાસ્સો વિશાળ છે. એટલે એક વાક્ય હેશટેગ સાથે રજૂ થાય તેને ટ્રેન્ડ બનતા બહુ વાર લાગતી નથી. વડાપ્રધાન મોદી પોતાની વાતોને સૂત્રાત્મક ઢંગથી બોલવા માટે જાણીતા છે. કોઈને નિશાન બનાવતા હોય ત્યારે તેઓ પોતાના વાક્યોને બખૂબીથી રજૂ કરે છે.
તેમના એ જ ચૂંટણીસૂત્રોને સોશિયલ મીડિયામાં રજૂ કરીને ટ્રેન્ડ કરવાનું કામ ભાજપનો સોશિયલ મીડિયા સેલ કરે છે. મોદી કી હુંકાર, અબકી બાર બીજેપી સરકાર, મેરા વોટ બીજેપી કો.... જેવા સૂત્રો સોશિયલ મીડિયા ટ્રેન્ડ બનીને છવાયા હતા. તો કોંગ્રેસ-સપાના ગઠબંધને પણ કેટલાક ચૂંટણીસૂત્રોને ટ્રેન્ડિંગ બનાવ્યા હતા. યુપી કી શાન રાહુલ-અખિલેશ, યુપી કો યે સાથ પસંદ હૈ, આઈ વોટ ફોર સાઈકલ, રાહુલ-અખિલેશ કા સાથ...
બહેનજી આ રહી હૈ, બહેનજી કો આને દો જેવા સૂત્રો પણ ભારતભરના સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બન્યા હતા.
સોશિયલ મીડિયાનું આ સબળું માધ્યમ જનમાનસમાં અસર ઉપજાવી રહ્યું છે. લોકો વધુમાં વધુ સમય વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવાં સોશિયલ મીડિયામાં વીતાવતા થયા છે એટલે જનમત કેળવવામાં તેનું પ્રયોજન પણ વધ્યું છે. એટલે જ ચૂંટણીનો રંગ સભાઓમાં કે રેલીઓમાં જેટલો ઘોળાઈ રહ્યો છે એનાથી વિશેષ સોશિયલ મીડિયામાં ઘોળાઈને ઘટ્ટ થઈ રહ્યો છે.
હવે ટોકિંગ પોઈન્ટ એ બને છે જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડી બને છે!
(19-2-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)