Posted by : Harsh Meswania Sunday, 6 May 2018


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વિશ્વમાં બાંધકામ ક્ષેત્રમાંથી ૨૨ કરોડ લોકો રોજગારી મેળવે છે. મશીનરીના કારણે નવી નોકરીઓ સર્જાતી બંધ થશે જ થશે, પણ એ સિવાયના ૨ કરોડ કામદારો બેકાર બનશે..

આગામી ૫૦ વર્ષમાં વિશ્વને ૧૫૦ કરોડ નવા ઘરોની જરૂર પડશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા ૧૦ કરોડ લોકો અત્યારે સાવ નિરાધાર છે. ભાડાના મકાનમાં રહેતા કે નાનો-મોટો આશરો બનાવીને દિવસો કાઢતા બીજા કરોડો લોકોને એમાં ઉમેરીએ તો આજની તારીખે ય વિશ્વને ૮૦ કરોડ નવા ઘરની જરૃર છે. ભારતના શહેરી વિસ્તારોમાં ૨ કરોડ નવા મકાનોની તાતી જરૃરિયાત હોવાના અહેવાલો પણ થોડા સમય પહેલાં આવ્યાં હતાં. આગામી વર્ષોની માતબર જરૃરિયાતને ધ્યાનમાં રાખીને વિશ્વની મોટી મોટી ધનાઢ્ય કંપનીઓએ આ મલાઈદાર બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
૧૯૮૦ પછી વિશ્વનું બાંધકામનું ક્ષેત્ર પૂરબહારમાં ખીલ્યું છે. એટલે કામદારોથી લઈને સુપરવાઈઝર, મિડલમેન અને બિઝનેસમેન સુધી બધા માટે આ ક્ષેત્રમાં વિપુલ તકો છે અને તક ઝડપવી કોને ન ગમે? તક ઝડપવાના ભાગરૃપે આ ક્ષેત્રમાં ધીમે ધીમે કરીને ૧૮ કરોડ કામદારો કામ કરતા થયા છે. ગુજરાતની કુલ વસતિ કરતા ત્રણ ગણાં કામદારો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં અત્યારે કાર્યરત છે. હા. માત્ર કામદારો. મતલબ બિલ્ડર, ઓફિસ સુપરવાઈઝર વગેરેની આમાં ગણતરી થઈ નથી. ઈંટો ખડકતા, પ્લાસ્ટર કરતા, લાદી અને દરવાજા ફિટ કરતા કારીગરોથી લઈને સિંમેન્ટની થેલીઓ ખભે ઊંચકતા મજૂરો આ ૧૮ કરોડમાં આવી જાય. આ આંકડો બિલ્ડિંગ્સ એન્ડ વૂડ વર્ક્સ ઈન્ટરનેશનલનો છે.

વિશ્વની નાની-મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓમાં સત્તાવારી રીતે નોંધાયેલા કામદારોની જ આ અહેવાલમાં ગણતરી થઈ છે. રોજમદાર કહેવાય એવા મજૂરોનો સમાવેશ થયો નથી. પરંતુ એવા મજૂરો પણ ૪ કરોડ હોવાનો અંદાજ છે. કુલ ૨૨ કરોડ જેટલાં લોકોના ઘર કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કારણે ચાલે છે.
કામદારો માટે આવી આશાસ્પદ સ્થિતિ હોય ત્યારે કોઈ કહે કે આગામી બે દશકામાં બે કરોડ લોકોની નોકરી રોબોટ ખાઈ જશે તો?
                                                                     ***
બ્રિટનની મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીએ એક વૈશ્વિક અહેવાલ તૈયાર કર્યો છે. એમાં દાવો થયો છે કે દુનિયા હવે વધુ એક ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે. એ આર્થિક રિવોલ્યુશનમાં રોબોટિકરણ મુખ્ય છે. ટેકનોલોજી જે ઝડપે આગળ વધે છે એ જોતાં આગામી સમયમાં મોટાભાગનું કામ મશીનો ઉપર નિર્ભર થઈ જશે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં.
બાંધકામ ક્ષેત્રમાં માણસ કરતા મશીનો વધુ ઝડપી અને અસરકારક સાબિત થઈ રહ્યાં છે. માણસને મેઈન્ટેઈન કરવામાં ઘણા પરિબળોનું ધ્યાન રાખવું પડતું હોય છે. તેના સોશિયલ પરિબળો, આથક અપેક્ષા, સલામતી વગેરે કેટલીય બાબતો એવી છે કે જેમાં માણસ માટે વિશેષ આયોજનની જરૃર પડે છે. પણ રોબોટની બાબતે એવું કરવાની જરૃર નથી પડતી.
બાંધકામ વખતે અવારનવાર સાંભળવા મળતું હોય કે કોઈને કોઈ કારણથી કારીગર કે મજૂરે રજા પાડી હોય એટલે આગળનું કામ એક-બે દિવસ માટે અટકી જાય, પણ રોબોટ પાસેથી જો આ જ કામ લેવાનું હોય તો ટેકનિકલ ગરબડને બાદ કરતા ભાગ્યે જ કામ અટકે. રોબોટને ન કોઈના લગ્નમાં જવાનું હોય કે ન બીમારીનો સામનો કરવાનો હોય કે ન કોઈ સગા-સંબંધીના ખબર-અંતર પૂછવાની ચિંતા હોય! કમાન્ડ આપો એટલે કામ આગળ વધતું રહે. પ્રોગ્રામ્સના આધારે ધારણા પ્રમાણે રોબોટ પાસેથી કામ લઈ શકાય છે. કદાચ એટલે જ બાંધકામ ક્ષેત્રમાં સવિશેષ રોબોટિકરણ થઈ રહ્યું છે. આ રોબોટિકરણના કારણે આજે સ્થિતિ એ છે કે ૮ કરોડ માણસો જે કામ કરી શકે એ કામ બાંધકામ ક્ષેત્રમાં કાર્યકત રોબોટ્સ કરવા લાગ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બાંધકામ ક્ષેત્રમાં મશીનરીનો ઉપયોગ આજે જ મર્યાદિત થઈ જાય તો વિશ્વમાં ૮ કરોડ નવી નોકરીઓ સર્જાય જાય.
મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીના અહેવાલ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં જ દુનિયામાં ૨૨ લાખ લોકો રોબોટના કારણે નોકરી ગુમાવશે. ૨૦૨૪ સુધીમાં આંકડો વધીને ૫૦ લાખે પહોંચી જશે. અત્યારે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જેમણે ૨૦ વર્ષની ઉંમરે કામ શરૃ કર્યું હશે એવા ૫૦ લાખ કામદારોએ સાતેક વર્ષ પછી ૨૭-૨૮ વર્ષની ભરજુવાનીમાં બેરોજગારીનો સામનો કરવો પડશે. આ લોકોએ એક જ ફિલ્ડમાં ૭-૮ વર્ષ સુધી કામ કર્યા પછી સાવ નવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા મજબૂર થવું પડશે. ખરી ચિંતાની વાત આ જ છે. જે ઉંમરે કોઈ એક ક્ષેત્રમાં ઠરીઠામ થવાની તૈયારી ચાલતી હોય એ ઉંમરે રોબોટ્સના કારણે નવેસરથી કોઈ બીજી જ પ્રવૃતિ શીખવે પડે એ માનવજાત માટે કપરું સાબિત થશે.
અહેવાલનો આધાર લઈએ તો ૨૦૪૦ સુધીમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૨ કરોડ કરતા વધુ કામદારોની જગ્યાએ રોબોટ કામ કરતા હશે. વળી, રોબોટના એકધારા આગમનના કારણે નવી અસંખ્ય નોકરીઓ સર્જાતી બંધ થશે તેની તો કોઈ ગણતરી જ નથી થઈ! જે કામ બચશે એમાં રોબોટ્સનું સુપરવિઝન કરવાનું હશે. એવી નોકરીઓનું અસ્તિત્વ હશે કે જે રોબોટને હેન્ડલ કરી શકે. એ સિવાયના કામદારો ઉપર સતત રોબોટ સાથે સ્પર્ધાનો ખતરો મંડરાતો રહેશે.
૨૦૧૮ના અંત સુધીમાં એકલા બ્રિટનમાં જ ૩૨૮૦ લોકો રોબોટના કારણે નોકરી ગુમાવશે. અમેરિકામાં ૭૧૯૫ કામદારોનું કામ રોબોટના હાથમાં જશે. ભારતમાં તો આવા કોઈ અહેવાલો તૈયાર થતાં નથી, પણ બ્રિટનની જ પેલી કન્સલટન્સીએ તારવેલા તારણોને ટાંકીએ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં ૨૦૪૦ સુધીમાં ૧ કરોડ કામદારોની નોકરી મશીનરી ગળી જશે. ૨૦૨૦ સુધીમાં આ આંકડો પાંચેક લાખ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
એક તરફ રોબોટની વિવિધ આવડતોની પ્રશંસા માનવજાત છાતી ફૂલાવીને કરે છે. રોબોટને માણસે જ બનાવ્યા છે એટલે એની આવડત એ અંતે તો માનવજાતની જ આવડત ગણાવી જોઈએ, પણ બીજી તરફ આ રોબોટ્સ જ અસંખ્ય માણસોના સ્પર્ધકો બની રહ્યાં છે એ ય હકીકત છે.
વેલ, ચિંતા કરવાનું કામ આવી એજન્સીઓનું, અર્થશાસ્ત્રીઓનું, સમાજશાસ્ત્રીઓનું, વિચારકોનું છે. બાકી રીઅલ એસ્ટેટ કંપનીઓ તો પોતાના વિચારોમાં બહુ સ્પષ્ટ છે : રોબોટને થાક ખાવો પડતો નથી, બ્રેક લેવો પડતો નથી. કામ કરવાના કલાકોનું બંધન એના ઉપર લાગુ પાડી શકાતું નથી. રોબોટને રજાની અપેક્ષા નથી કે નથી પગાર વધારાની ડિમાન્ડ. કામદારોના હકોની ય કોઈ લડત નહીં; આ સ્થિતિમાં કંપનીઓ માણસને પસંદ કરે કે મશીનને?

ખેડૂતનું સ્થાન રોબોટ લેશે!
કૃષિ ઉત્પાદન વગર માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જગત ગમે એટલી પ્રગતિ કરી લેશે તો પણ કૃષિ ઉત્પાદન અને તેનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી. પણ હા, તેના સ્વરૃપમાં ચોક્કસ ફેરફાર થશે. એ ફેરફાર થવાની શરૃઆત પણ થઈ ચૂકી છે.

આપણે એમ માનીએ છીએ કે જગતને ખેડૂત વગર ચાલવાનું નથી. એ વાત સાચી જ છે છતાં એમાં એક મોટું પરિવર્તન માથે મંડરાઈ રહ્યું છે. જો એવું થશે તો ખેડૂતો બેકાર બને એ દિવસો ખૂબ નજીક છે! ખેડૂત ખેતરમાં મેનેજર બની જશે અને વાવણી, નિંદામણ, પિયત જેવા કામો રોબોટ કરશે. અમેરિકા જેવા દેશોમાં પ્રાયોગિક ધોરણે એની શરૃઆત થઈ ચૂકી છે. જે ઝડપે પ્રયોગો થાય છે એ જોતાં આગામી એકાદ દશકામાં જગતની ૧૦-૨૦ ગણી-ગાંઠી કંપનીઓ વિશ્વના ૨૦૦ કરોડ લોકોને ખુરશી ઉપર બેસાડી દેશે. એમના ભાગે માત્ર સ્વિચ ચાલુ અને બંધ કરવાનું કામ જ બચશે.
હા, ખેડૂત જેવી કોઠાસૂઝ રોબોટમાં નહીં હોય. ઉત્પાદન ક્ષમતા કદાચ ખેડૂત કરતા વધુ હશે, પરંતુ એવી નિર્ણય શક્તિ રોબોટ ક્યાંથી લાવશે એ હજુ સંશોધનનો વિષય બનશે!

ક્યા ક્ષેત્રો ઉપર પહેલી અસર થશે? 
અલગ અલગ સંશોધનો કહે છે કે આગામી બે દશકામાં લગભગ ૫૦ ટકા લોકોની નોકરી રોબોટના હાથમાં જઈ ચડશે. આટલી મોટી સંખ્યામાં તુરંત નોકરીઓ રોબોટના હાથમાં નહીં જાય એવું ય આશ્વાસન ઘણાં અર્થશાસ્ત્રીઓ આપતા રહે છે. પણ પ્રાથમિક અંદાજ એવો છે કે ૫૦ ટકા કામ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત થઈ જશે. એમાં જે ક્ષેત્રોને તુરંત અસર થશે એવા ક્ષેત્રોને અલગ તારવવામાં આવ્યા છે.
જેમ કે, ડ્રાઈવિંગ. ઓટોમેટિક ઓટો ઈન્ડસ્ટ્રીના પડઘા સંભળાવા લાગ્યા છે એટલે દોઢ દશકામાં એક કરોડ કાર ઓટોમેટિક ચાલતી હશે. બીજા શબ્દોમાં કહીએ તો એક કરોડ ડ્રાઈવરોની જરૃર નહીં પડે. બીજું એવું ક્ષેત્ર છે સ્વાસ્થ્યનું. હા. આશ્વર્યજનક લાગે એવી વાત હોવા છતાં એક્સપર્ટ્સ કહે છે કે પેરા મેડિકલ સ્ટાફ પ્રકારનું જે કામ છે એવા વિશ્વમાં લગભગ બે કરોડ લોકોનું કામ મશીનરી આધારિત થઈ જશે. જેમાં બ્લડ ટેસ્ટથી લઈને દવાઓની સૂચના આપતા સ્ટાફ સુધીના લોકોને અસર થશે.

ડિલિવરી બોયની નોકરીઓ તો ખતરામાં છે જ છે. અત્યારે કેટલીય ખાનગી કંપનીઓ રોબોટ દ્વારા પ્રોડક્ટ પહોંચાડવાના પ્રયોગો કરે છે. કંપનીએ ઓનલાઈન પાસવર્ડ આપ્યો હોય એ જ ખાનું ઓર્ડર કરનારથી ઓપન થાય. એ ખાનામાં ઓર્ડર કરેલી પ્રોડક્ટ હોય એટલે કંપનીને ફિડબેક મળી જાય. કામ પૂરું!
રસોઈથી લઈને ઘરકામ સુધીમાં આ બાબતો લાગુ પડે છે. એટલે જ નિષ્ણાતો ચેતવે છેને કે બે દશકામાં ૫૦ ટકા નોકરીઓ રોબોટના હાથમાં હશે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -