- Back to Home »
- Sign in »
- સાયન્સ બિહાઈન્ડ લવ : પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?
Posted by :
Harsh Meswania
Sunday, 16 February 2020
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન હજુ તાજું જ છે, ત્યારે લવ વિશેના વૈજ્ઞાનિક તારણો જાણવા જેવાં છે. પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી એ રહસ્ય ઉકેલવા સતત સંશોધનો થઈ રહ્યાં છે..
વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો ગ્લોબલ ઉત્સવ. દુનિયાભરના લવબર્ડ્સ પ્રપોઝ કરવા આ દિવસની રાહ જુએ છે. બંને પક્ષે 'હા' હોય તો વેલેન્ટાઈન ડે જ દિવાળી-હોળી કે ન્યૂયર બની જાય છે! પ્રેમ વિશે દુનિયાભરમાં અપાર સાહિત્ય લખાય છે, બોલાય છે, ફિલ્મ-વેબસીરિઝ બને છે.
પ્રેમને સમજવા જેટલાં પ્રયાસો થાય એટલાં જ નવા નવા રહસ્યો ઘૂંટાતા રહે છે. એક તબક્કે લાગે કે હવે પ્રેમ વિશે આ તારણ આખરી હશે, ત્યાં કંઈક નવું તારણ આકાર લેવા માંડે છે. પ્રેમના અમુક કોયડા સદીઓ પછીય ઉકેલાયા નથી.
'પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?' એ કોયડો પણ માનવજાતને સદીઓથી મૂંઝવે છે. એ મુદ્દો 21મી સદીના વૈજ્ઞાનિકો માટે એટલો જ પેચીદો બન્યો છે.
***
કોઈ કહે છે પ્યાર દિલથી થાય છે. કોઈ કહે છે પ્યાર સંજોગથી થાય છે. વળી કોઈ કહે છે પ્રેમ દિમાગથી થાય છે. તો કોઈ કહે છે, પ્રેમ નસીબથી થાય છે. કોઈ તો એવી પણ દલીલ કરે છે કે પ્રેમ પાછળ ન તો દિલ જવાબદાર છે ન દિમાગ, એ તો વિજાતીય આકર્ષણના કારણે થાય છે!
લવની લાગણીને સમજવા આજનું વિજ્ઞાન પણ ઘણી મથામણો કરે છે. એવી જ મથામણ ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આદરી હતી. એમાં કેટલાંક રસપ્રદ તારણો મળ્યાં હતાં. મનોવિજ્ઞાન વિભાગના સંશોધકોએ લવબર્ડ્સ ઉપર પડતી વિવિધ અસરો માપી હતી. પહેલી નજરે પ્રેમમાં પડી જનારા લવર્સના બિહેવિયરનું વિશ્લેષણ કરીને સંશોધકોએ કહ્યું હતું કે પ્રેમ દિલથી નહીં, દિમાગથી થાય છે!
'દિલ કી સુનો', 'દિલ સે પૂછો', 'તુમ્હારા દિલ કહે વો કરો!' પ્રકારની પ્રેમાળ શિખામણો વચ્ચે ન્યૂયોર્ક યુનિવર્સિટીના મનોવિજ્ઞાનિકો કહે છે કે પ્રેમ થવા પાછળ દિલ નહીં, દિમાગ જવાબદાર છે. આવું કહેવા માટે એ વિજ્ઞાનીઓ પાસે એમના તારણો અને તર્કો હતા. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડવાની શરૂઆત કરે છે ત્યારે એના મસ્તિસ્કમાં ડોપામાઈન, ઓક્સિટોસીન, એડ્રેનલિન, વેસોપ્રેસીન જેવાં 12 હોર્મોન્સનો જથ્થો વધી જાય છે. આ હોર્મોન્સ એને પ્રેમ કરવાનું બળ આપે છે.
પ્રેમમાં પડનારાને દુનિયા બદલાયેલી લાગે છે, ઉત્સાહવર્ધક અનુભવ થવા માંડે છે એ પાછળ પણ આ જ હોર્મોન્સ રીઝન બને છે. મનોવિજ્ઞાનિકોએ એવું પણ નિરીક્ષણ રજૂ કર્યું હતું કે આ એ સમય હોય છે જ્યારે માણસની ખરાબ લત છૂટી શકે છે. કદાચ એટલે જ ગર્લફ્રેન્ડ દારૂ-સિગારેટની લત છોડાવવાનો યશ મેળવી જતી હશે!?
પ્રેમમાં શબ્દો ગળામાં જ અટકી જાય કે હૃદય જોર-જોરથી ધડકવા માંડે એ પાછળ પણ દિમાગ જ કારણભૂત છે. આ બધું થવા પાછળ એડ્રેનલિન હોર્મોન જવાબદાર હોય અને બધો જ દોષ દિલ ઉપર આવે છે. ખરેખર દિલ આમાં સાવ નિર્દોષ હોય છે! માણસ જેને લવ કરે એની જ કેર કેમ કરે છે? જવાબ છે - ઓક્સિટોસીન. આ હોર્મોનનો સ્ત્રાવ જેને જોઈને કે જેની સાથે રહેવાથી વધે એની કેર કરવાની ઈચ્છા વધે છે. એ જ હોર્મોન વધારે પડતી કેર કરાવે ત્યારે પ્રિયજન માટે માલિકીભાવ પણ જન્મે છે.
ડોપામાઈનનું લેવલ વધે તો મૂડ સરસ બને છે. એનું સ્તર વધે એટલે વ્યક્તિ વધારે રોમેન્ટિક બની જાય છે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે 'લવબાઈટ્સ' પાછળ આ ડોપામાઈનની કરામત કારણભૂત છે! પાર્ટનરને હગ કરવું, કિસ કરવી, ભીંસી નાખવું... જેવી ફીલિંગ્સનો ઊભરો ડોપામાઈનનો જથ્થો પોતાની સાથે લાવે છે!
કોઈ સાથે આખી જિંદગી રહી શકાશે એ ભાવ વેસોપ્રેસિન હોર્મોનના કારણે જન્મે છે. સંશોધકોએ એવીય નોંધ કરી હતી કે ફેમિલી મેમ્બર્સને જોઈને આ હોર્મોનનો જથ્થો નિરંતર વધતો હોય છે એટલે જ માણસને પરિવાર સાથે રહેવું ગમે છે. કોઈ એક વ્યક્તિને પરિવાર અને પ્રિયજન માટે એકસરખો સ્ત્રાવ થાય તો બધા સાથે રહી શકે એવાં ચાન્સ ઉજળા, પરંતુ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે હસબન્ડ-વાઈફમાંથી કોઈ એકના દિમાગમાં બીજાના પરિવારને જોઈને જો વેસોપ્રેસિનનો જથ્થો ન વધે તો એ સહજીવન લાંબું ટકતું નથી.
***
ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જરા જુદી દિશામાં સંશોધન કર્યું હતું. પ્રેમની કોઈ ઉંમર નથી હોતી એવી વ્યાપક માન્યતા છે, પરંતુ ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ થોડાંક મહિના પહેલાં આપેલું તારણ એવું હતું કે 35-40 વર્ષ પછી પ્રેમ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. દિમાગમાં થતાં ફેરફારો માણસને પ્રેમ કરવા પ્રેરે છે. એ પછી અમુક વયે એવા રસાયણોનો જથ્થો ઘટી જાય છે એટલે જ લવમેરેજના અમુક વર્ષો પછી પ્રેમ ઓછો થઈ જવાની ફરિયાદો ઉઠે છે.
આ સંશોધનમાં તો એવુંય તારણ અપાયું હતું કે પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર નથી થતો, પરંતુ દિમાગમાં ફેરફાર એટલે પ્રેમ થાય છે! એનો સીધો અર્થ એટલો કે દિમાગ પ્રેમ કરવા તૈયાર હોય અને હોર્મોન્સનો જથ્થો વધે તો જ કોઈક વ્યક્તિ પહેલી નજરે ગમી જાય છે. અથવા તો ઘણાં સમયથી પરિચયમાં હોવા છતાં અમુક સમય પછી જ ફીલિંગ થાય છે.
આ માટે સંશોધકોએ એવાં યુવક-યુવતીઓના દિમાગનો અભ્યાસ કર્યો હતો કે જેમના જીવનમાં કોઈને કોઈ ગંભીર ઘટનાઓ બની હતી. એ ઘટનાઓના કારણે તેમને કોઈનાય પ્રેમમાં હોવાની ફીલિંગ થતી ન હતી, પણ પેલી ખરાબ ઘટનાઓનું સ્મરણ ઝાંખું થયું પછી તેમણે કોઈ માટે ફીલિંગ્સ હોવાનું સ્વીકાર્યું હતું.
આ બંને સંશોધનો એ તરફ ધ્યાન દોરે છે કે દિમાગમાં ફેરફાર થાય ત્યારે પ્રેમ થાય છે અને પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર થાય છે. દિલમાં જે અસર થાય છે તે દિમાગનું રીફ્લેક્શન માત્ર છે, સીધી રીતે દિલની એમાં કોઈ જ સંડોવણી નથી!
***
તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકોએ 2010માં એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો વિષય હતો, પ્રેમમાં સફળ થનારા લોકો જીવનમાં કેટલાં સફળ હોય છે? પ્રેમમાં સફળ થનારા સરેરાશ લોકો કરતા વધારે ક્રિએટિવ હોય છે? એવરેજ કરતા મજબૂત મનોબળ ધરાવતા હોય છે?
પાંચ વર્ષ લાંબાં સંશોધન પછી 25 પાનાનો જે અહેવાલ રજૂ થયો તેમાં રસપ્રદ તારણો નીકળ્યા હતા. પ્રેમમાં પડનારા શરૂઆતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોવા છતાં પ્રેમના કારણે તેના દિમાગમાં એવા રાસાયણિક ફેરફાર થાય છે કે જેથી આત્મવિશ્વાસ વધે છે. નવા સાહસો કરવાનું બળ વધે છે.
પાર્ટનરને ખૂબ પ્રેમ કરનારા લોકોમાં એકાગ્ર થવાની ક્ષમતા વિકસે છે. સંતૃપ્તિ અને આત્મવિશ્વાસના કારણે સફળ પ્રેમીઓમાં ક્રિએટિવિટી, મજબૂત મનોબળ, આત્મવિશ્વાસ વિકસે છે. આ બાબતો તેમને પ્રોફેશ્નલ સફળતા તરફ દોરી જાય છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ પ્રેમમાં પડવાના સમય ઉપર સ્ટડી કર્યો હતો. પ્રથમ મુલાકાતની કઈ ક્ષણે પ્રેમના અંકુર ફૂટે છે? સંશોધકોએ વર્ષોના સંશોધન પછી તેનો જવાબ શોધી કાઢ્યો હતો કે પ્રથમ મુલાકાતની પહેલી ચાર મિનિટ પ્રેમ થવા કે ન થવા માટે નિર્ણાયક સાબિત થાય છે.
આ ચાર મિનિટમાં બોડી લેંગ્વેજ, અવાજ અને દેખાવના આધારે બંને વ્યક્તિ પરસ્પર એકમેકને પસંદ કરે છે. બોડી લેંગ્વેજના આધારે 55 ટકા લોકો બીજાના પ્રેમમાં પડે છે. અવાજના આધારે પ્રેમમાં પડનારાની સંખ્યા 38 ટકા છે અને વિચારોના આધારે પ્રેમમાં પડતા લોકો માત્ર 7 ટકા છે.
***
આ બધા જ સ્ટડી હોર્મોન્સના આધારે થયા હતા. કોઈના પ્રેમમાં પડવું, પ્રેમમાં સફળ થવું, કઈ બાબતોથી આકર્ષાવું, કેર કરવી, સાથે રહેવું... જેવી મહત્વની બાબતો બને છે, એનાં બીજ દિમાગમાં રોપાય છે.
દિમાગમાં હાઈપોથેલેમસ, લિંબિંક સિસ્ટમ હોય છે. એમાં આ વિવિધ હોર્મોન્સ રહે છે. હોર્મોન્સનો જથ્થો વધે તે સાથે જ બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને છે. રક્તનું સર્ક્યુલેશન ઝડપી થાય એટલે હૃદયનું કામ વધે. હૃદયનું કામ વધે એટલે એ જોરજોરથી ધડકે. એ જોરજોરથી ધડકે એટલે આપણને લાગે કે પ્રેમમાં હૃદયની મહત્વની ભૂમિકા હશે, પરંતુ આખી વાત બને છે દિમાગમાં!
આપણી હિન્દી ફિલ્મના ગીતકારોએ ભલે આપણને રટ્ટો મરાવી દીધો છે કે પ્રેમ દિલથી થાય છે, પણ સાયન્સ કહે છે કે પ્રેમ દિમાગથી થાય છે.
***
બ્રેકઅપનું સાયન્સ!
દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ બ્રેકઅપ ડે પણ ઉજવાય છે! પ્રેમીયુગલ વચ્ચે અણબનાવ થાય અને એકબીજાથી અલગ થવાની નોબત આવે એ સ્થિતિને વિશ્વભરની લગભગ તમામ ભાષામાં 'દિલ તૂટયું' એમ કહેવાય છે. બ્રેક-અપ થાય ત્યારે દિલ તૂટયું છે, એવું કહે છે. દિલ તૂટે છે એટલે કંઈ દિલ શરીરની બહાર આવીને વિખેરાઈ જતું નથી, પણ તેમ છતાં આ શબ્દપ્રયોગ દરેક ભાષાએ અપનાવ્યો છે.
એ શબ્દપ્રયોગને હવે સાયન્સનું સમર્થન મળ્યું છે. ટોરોન્ટો યુનિવર્સિટીના સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે પ્રેમીજનનો કાયમી વિરહ આવી પડે તે પછી હૃદયમાં જે પીડા ઉપડે છે તે ખરેખર કોઈ અંગ વિખેરાયું હોય એવી હોય છે.
બ્રેકઅપ પછી શરીરમાં થતાં ફેરફારો નોંધનારા સંશોધકો એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા કે એ પીડા શરીરના કોઈ અંગ તૂટવાથી થતી હોય છે એવી જ હોય છે. શરીરના કોઈ અંગમાં તીર ભોંકાય કે સોંઈ ખોંસવામાં આવે અને જે દર્દ ઉપડે છે એવું જ દર્દ દિલમાં કોઈના વિરહથી ઉપડે છે. લાંબાં અભ્યાસના અંતે અવું અર્થઘટન થયું છે કે દિલ તૂટવું એ માત્ર રૂપક નથી.