- Back to Home »
- World Window »
- રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળ્યો
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
ફ્રાન્સ અને જર્મનીની મધ્યસ્થી પછી આખરે રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી ઘટે એવો સંકેત મળ્યો છે. રશિયાએ યુક્રેન સરહદે સૈનિકો વધાર્યા એ પછી અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનના સૈનિકોની તૈનાતી પૂર્વી યુરોપમાં વધી હતી. તેના કારણે મહાયુદ્ધની ભીતિ વ્યક્ત થતી હતી
વિશ્વયુદ્ધ એક નાનકડી ઘટનામાંથી સર્જાઈ શકે છે. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યાએ પ્રથમ વિશ્વયુદ્ધને જન્મ આપ્યો હતો. ને જર્મનીએ પોલેન્ડ ઉપર હુમલો કર્યો તેનાથી બીજું વિશ્વયુદ્ધ સર્જાયું હતું. રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલીથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા હતા. યુક્રેન ઉપર રશિયા હુમલો કરશે તો અમેરિકા યુક્રેનની મદદ કરશે એવી અમેરિકન સરકારની જાહેરાત પછી ત્રીજા વિશ્વયુદ્ધની ભીતિ વ્યક્ત થવા લાગી હતી અને એમાંથી રસ્તો કાઢવા ઘણાં દેશો સક્રિય થયા હતા.
આમ તો વિશ્વયુદ્ધનો ખતરો છેલ્લાં એક દશકાથી મંડરાતો રહે છે. ચીન-અમેરિકા વચ્ચે તંગદિલીના એકથી વધુ કારણો છે. દક્ષિણ ચીની સમુદ્રથી લઈને તાઈવાન અને ટ્રેડવોર સહિતના મુદ્દે અમેરિકા-ચીન અનેક વખત સામ-સામે આવી ચૂક્યા છે. ચીન તો સતત પાડોશી દેશોને છંછેડતું રહે છે. ભારત-ચીન વચ્ચે પણ લદાખ સરહદનો વિવાદ હજુ ઉકેલાયો નથી. અમેરિકા-ઈરાન અને અમેરિકા-ઉત્તર કોરિયા જેવા દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદો પણ સપાટી ઉપર આવતા રહે છે, પરંતુ યુક્રેન-રશિયાના મોરચે અચાનક જે ઘટનાઓ આકાર પામી તેનાથી મહાયુદ્ધનો ખતરો વધી ગયો હતો.
બાલ્ટિક સમુદ્રમાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનનું લશ્કર તૈનાત થઈ ગયું હતું. યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોની તૈનાતી એક તરફ વધતી જતી હતી. બીજી તરફ રશિયાએ યુક્રેન સરહદે લાખો સૈનિકો ગોઠવી દીધા હતા. રશિયા અમેરિકાને છેલ્લાં બે-ત્રણ મહિનામાં બે-ત્રણ વખત યુક્રેન કટોકટી નિવારવા રજૂઆત કરી ચૂક્યું છે. રશિયાની માગણી એવી હતી કે નાટોનું સૈન્ય તેમની સરહદોની આસપાસ હશે એ બિલકુલ સ્વીકારી લેવાશે નહીં. રશિયાએ તેને પોતાના દેશ માટે ખતરો ગણાવ્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શબ્દો ચોર્યા વગર નવેમ્બરમાં કહ્યું હતુંઃ રશિયા અમેરિકા માટે ખતરો બનીને સૈન્ય તૈનાત કરી રહ્યું નથી, પરંતુ નાટોનું નેતૃત્વ લઈને અમેરિકન સૈન્ય રશિયાના બારણે ટકોરા મારી રહ્યું છે. આ સ્થિતિ બિલકુલ ચલાવી શકાય તેમ નથી. રશિયન નાગરિકો ઉપર હુમલાનું જોખમ કાયમ મંડરાતું રહે તે અયોગ્ય છે. સરકાર રશિયન નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તેના માટે જે કંઈ પગલાં ભરવા પડશે તે ભરશે.
નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં ૩૦ સભ્યદેશો છે. સંગઠનમાં ૨૭ દેશો યુરોપના છે. યુક્રેન નાટોનું સમર્થક છે અને ટૂંક સમયમાં નાટો સાથે જોડાશે. અત્યારે રશિયાની છ ટકા સરહદ નાટોના સમર્થક કે સભ્ય દેશો સાથે જોડાય છે. રશિયાને મૂળ ખતરો આ છે. નાટો સંગઠનમાં જોડાયેલા પાડોશી દેશોને સાધીને અમેરિકા એક પછી એક સરહદે નાટોના નેજા હેઠળ પોતાનું સૈન્ય અને હથિયારો સુરક્ષાના નામે ગોઠવે તો ભવિષ્યમાં સતત હુમલાનું જોખમ મંડરાતું રહે. આ સ્થિતિ ન સર્જાય તે માટે રશિયા નાટોની હાજરીનો વિરોધ કરે છે.
યુક્રેનના બહાને અમેરિકા રશિયા ઉપર ભીંસ વધારતું રહે છે, જેનો રશિયન પ્રમુખે સખ્ત વિરોધ કર્યો અને તેના કારણે મહાયુદ્ધની દહેશત સર્જાઈ હતી. છેલ્લાં બે વિશ્વયુદ્ધ આ જ પેટર્નથી સર્જાયા હતા. કોઈ બે કે ત્રણ દેશો વચ્ચે ઘર્ષણ થાય અને પછી એમાં અન્ય દેશો જોડાતા જાય. ધીમે ધીમે દુનિયાભરના મહત્વના દેશો યુદ્ધમાં જોતરાઈ એટલે વિશ્વયુદ્ધ ફાટી નીકળે. બીજા બધા દેશોના ઘર્ષણ કરતા રશિયા-યુક્રેનની કટોકટીમાં આ પેટર્ન વધારે જોવા મળી રહી છે. નાટોના સંગઠનનું નેતૃત્વ અમેરિકા કરે છે એટલે નાટોના દેશો એમાં જોતરાઈ જાય. સ્થિતિ વણસે તો યુદ્ધ માટે ભરાઈ રહેલું ચીન રશિયાની પડખે ઉભું રહે. એને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની હાજરી ખટકી રહી છે. એટલે એ અમેરિકા સામે ઘર્ષણમાં ઉતરે. બાલ્ટિક દેશો - લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયાને પણ પોતાના બચાવમાં યુદ્ધમાં જોડરાવું પડે. ચીન અને રશિયાના સમર્થક દેશો પણ એક પછી એક યુદ્ધમાં ઉતરે. યુદ્ધમાં ન ઉતરે એવી સ્થિતિમાં વિવિધ કરારોના કારણે તેમના લશ્કરી મથકોનો ઉપયોગ થાય. સરવાળે દુનિયાભરમાં તેની અસર થાય. દુનિયા યુદ્ધમાં ધકેલાય તો કોરોના મહામારી વચ્ચે નવેસરથી જગતના લોકોએ સંઘર્ષ કરવો પડે. વિશ્વમાં અરાજકતા સર્જાઈ જાય અને તેનાથી અબજો રૃપિયાની ખૂંવારી થાય એ અલગ.
આ સ્થિતિને કોઈ પણ રીતે ઠંડી પાડવા ફ્રાન્સ-જર્મનીએ પ્રયાસો આદર્યા હતા. એ પ્રયાસોને હાલ પૂરતી સફળતા મળી છે. પેરિસમાં થયેલી બેઠકમાં યુક્રેન અને રશિયા યુદ્ધવિરામ માટે સહમત થયા છે. ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે આઠ કલાક સુધી વિવિધ મુદ્દે ચર્ચા ચાલી હતી. કાયમી ઉકેલ માટે બંને દેશો એક મહિના પછી મળવા માટે સહમત પણ થયા છે. હાલ પૂરતો બંને દેશો વચ્ચે બિનશરતી શસ્ત્રવિરામ જાહેર થયો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ તેને બહુ જ મહત્વનું પગલું ગણાવીને બંને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજા તબક્કાની બેઠક હવે જર્મનીના બર્લિનમાં થશે. ૨૦૧૯ પછી પ્રથમ વખત રશિયા-યુક્રેને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. હજુય બંને દેશો સરહદે શસ્ત્રવિરામનું પાલન કરશે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
યુક્રેન-રશિયાની લશ્કરી શક્તિ
રશિયા
30 લાખ સૈનિકો
1500 લડાકુ વિમાનો
12,500 ટેન્ક
30,100 બુલેટપ્રૂફ વાહનો
540 હેલિકોપ્ટર્સ
યુક્રેન
11 લાખ સૈનિકો
100 લડાકુ વિમાનો
2600 ટેન્ક
12,300 બુલેટપ્રૂફ વાહનો
35 લશ્કરી હેલિકોપ્ટર્સ
ક્રીમિયા : રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ
સંયુક્ત રશિયાનું વિભાજન થયું ત્યારે ક્રીમિયા ટાપુનો કબજો યુક્રેનને મળ્યો હતો. આ ટાપુ રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ છે. ક્રીમિયા પર રશિયા અને યુક્રેન બંને દાવો કરતા હતા. એ મુદ્દે વર્ષો સુધી વાટાઘાટો ચાલી હતી. ૨૦૦૩માં બંને દેશો વચ્ચે સંધિ થઈ હતી. ત્યારથી વિવાદ થાળે પડયો હોય એવું લાગતું હતું, પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ૨૦૧૦ પછી ફરીથી એ મુદ્દે આક્રમક વલણ બતાવ્યું હતું. ૨૦૧૪માં યુક્રેનના યુદ્ધજહાજો ઉપર હુમલો કરીને રશિયાએ ક્રીમિયાનો કબજો લીધો હતો. એટલું જ નહીં, ક્રીમિયાની સ્ટેટ કાઉન્સિલે રશિયાના ઈશારે મતદાન કરીને રશિયામાં જોડાણને સત્તાવાર સમર્થન પણ આપ્યું હતું. રશિયાએ સ્ટેટ કાઉન્સિલની રચના કરીને રિપબ્લિક ઓફ ક્રીમિયાના વડા તરીકે રશિયન રાજકારણી સર્ગેઈ અક્યોનોવની નિમણૂક કરી હતી. યુક્રેને તેનો વૈશ્વિક સ્તરે વિરોધ કર્યો હતો. ૧૯૯૧થી ૨૦૧૪ સુધી યુક્રેન સંલગ્ન રહેલા આ ટાપુનો કબજો કરારનો ભંગ કરીને રશિયા એક હુમલાથી પડાવી લે તેને અમેરિકા સહિતના ઘણાં દેશોએ ગેરવાજબી ગણાવ્યો હતો. અમેરિકા સહિતના ઘણાં નાટોના દેશો એ મુદ્દે યુક્રેનને સમર્થન આપે છે, પરંતુ રશિયા તેને આંતરિક મુદ્દો ગણાવે છે. રશિયાની દલીલ એવી છે કે ક્રીમિયામાં સત્તાવાર રીતે કાયદો પસાર થયો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રશિયા સાથેનું જોડાણ મંજૂર રાખ્યું છે. ૨૦૧૪માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછીથી બંને દેશો વચ્ચે સરહદે તંગદિલી સર્જાતી રહે છે. બંને દેશોના સૈનિકો સતત એકબીજાની સરહદમાં ઘૂસણખોરી કરતા રહે છે. એકાદ વર્ષ પહેલાં યુક્રેને ક્રીમિયાના કાંઠેથી રશિયાની એક નાવ કબજે કરી લીધી હતી. એ પછી બંને દેશો વચ્ચે નવેસરથી વિવાદ શરૃ થયો હતો. આ ઘટના પછી રશિયાએ યુક્રેનના બંદરેથી નીકળતા જહાજોની નિગરાની શરૃ કરી હતી. તેનો યુક્રેને વિરોધ કર્યો હતો. રશિયા વારંવાર યુક્રેન પર ગેરકાયદે જળસીમા ઓળંગવાનો આરોપ લગાવે છે. યુક્રેન તેને પોતાનો અધિકાર ગણાવે છે. ટૂંકમાં, એક ટાપુના કબજાના વિવાદે વિશ્વને મહાયુદ્ધના આરે ઊભું રાખી દીધું છે.