Posted by : Harsh Meswania Friday, 18 March 2022

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી


પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વધુ એક વડાપ્રધાન કાર્યકાળ પૂરો કરે તે પહેલાં જ પદભ્રષ્ટ થઈને ઘરભેગા થવાની તૈયારીમાં છે. વિપક્ષોએ અગાઉ પણ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એ વખતે જેમ તેમ કરીને ઈમરાને ખુરશી બચાવી લીધી હતી. હવે ફરીથી વિપક્ષો એકઠા થયા છે અને આ વખતે પૂરી તૈયારી સાથે ઈમરાનને પદભ્રષ્ટ કરવા મેદાને પડયા છે.

પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે વડાપ્રધાન બન્યા હતા અને ૧૬ ઓક્ટોબર, ૧૯૫૧ સુધી વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન હતા ત્યારે જ લિયાકત અલીની હત્યા થઈ હતી. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન ટર્મ પૂરી શક્યા ન હતા, એ સિલસિલો પછી તેમના અનુગામી બધા જ વડાપ્રધાનોના કિસ્સામાં દોહરાતો આવ્યો છે. બીજા વડાપ્રધાન ખ્વાજા નઝીમુદ્દીનને બે વર્ષ પછી ગવર્નર જનરલે (ત્યારે પાકિસ્તાનમાં પ્રમુખપદને બદલે ગવર્નર જનરલની પોસ્ટને બધા પાવર્સ મળ્યા હતા.

ચાર ગવર્નર જનરલ પછી એ પોસ્ટને નાબુદ કરીને પ્રમુખપદની પોસ્ટ ઉભી કરાઈ હતી.) બરતરફ કરી દીધા હતા. તે પછી ૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન મુહમ્મદ અલી બોગરા વડાપ્રધાન રહ્યા હતા. તેમને તત્કાલિન ગવર્નર જનરલ ગુલામ મોહમ્મદે પસંદ કર્યા હતા. ગુલામ મોહમ્મદ સારવાર લેવા વિદેશ ગયા ત્યારે તેમણે ઈસ્કંદર મિર્ઝાને એક્ટિંગ ગવર્નર જનરલ બનાવ્યા. ઈસ્કંદરે સત્તા સંભાળી તે સાથે જ ગુલામ હૈદર અને બોગરા બંનેને બરતરફ કરી દીધા અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એ પછી ચૌધરી મોહમ્મદ, હુસૈન શાહીદ, ઈબ્રાહિમ ઈસ્માઈલ, ફિરોઝ ખાન સહિત ચારેક વડાપ્રધાનો ત્રણ વર્ષના ગાળામાં બદલાઈ ગયા. એ પછી અયુબ ખાનનું લશ્કરી શાસન આવ્યું એટલે વડાપ્રધાનની નિમણૂક જ બંધ થઈ ગઈ.

૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ ચાલતો હતો એ વખતે મૂળ બંગાળી મુસ્લિમ નુરુલ અમીનને વડાપ્રધાન બનાવાયા, પરંતુ યુદ્ધમાં પરાજય થયો એટલે અમીન માત્ર ૧૩ દિવસ જ વડાપ્રધાનપદે રહી શક્યા. ૧૯૭૩માં યુસુફ ખાને સત્તા છોડવી પડી. લોકજુવાળ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો તરફી હતો. ભુટ્ટો ૧૯૭૩થી ૧૯૭૭ દરમિયાન વડાપ્રધાન રહ્યા, પરંતુ ટર્મ પૂરી થાય તે પહેલાં ૧૯૭૭માં જનરલ ઝીયા ઉલ હકે લશ્કરી શાસન લાગુ કરીને ભુટ્ટોને ફાંસી આપી દીધી. વળી, થોડા વર્ષો વડાપ્રધાનનું પદ નાબુદ થઈ ગયું. ૧૯૮૫માં મોહમ્મદ ખાન જુનેજો વડાપ્રધાન બન્યા, પરંતુ ત્રણ વર્ષ પછી પ્રમુખ ઝીયા ઉલ હક સાથે સંઘર્ષ થતાં સત્તા છોડવી પડી.

૧૯૮૮માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. સૌથી યુવા વડાપ્રધાન તરીકે રેકોર્ડ બનાવનારા બેનઝીર ભુટ્ટોએ ચૂંટણીમાં અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો. બે અઢી વર્ષમાં જ પ્રમુખ ગુલામ ખાન સાથે સંઘર્ષ થયો અને ભ્રષ્ટાચારના આરોપમાં સરકારને બરતરફ કરવામાં આવી. ૧૯૯૦થી ૧૯૯૩ સુધી વડાપ્રધાન રહેલા નવાઝ શરિફનો પણ એવો જ અંજામ આવ્યો. નવાઝનો કાર્યકાળ પણ ગુલામ હૈદરે જ અધવચ્ચે પૂરો કરી દીધો.

૧૯૯૩ની ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટોને ફરીથી બહુમતી મળી, બીજી વખત વડાપ્રધાન બનેલા બેનઝીર ભુટ્ટોની બીજી ટર્મ ત્રણ વર્ષ અને ૧૭ દિવસમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સમેટાઈ ગઈ. વળી, નવાઝ શરિફ વડાપ્રધાન બન્યા, પણ કાર્યકાળ બે વર્ષનો જ રહ્યો. પરવેઝ મુશરર્ફે સત્તા હાથમાં લઈ લીધી. ઝફરુલ્લા જમાલી, સૌજત હુસૈન, શૌકત અઝીઝ જેવા ત્રણ વડાપ્રધાનો ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન બદલાયા. એક પણ પીએમની ટર્મ પૂરી ન થઈ. યુસુફ રઝા ગિલાની ૨૦૦૮થી ૨૦૧૨ દરમિયાન વડાપ્રધાનપદે રહ્યા, પરંતુ એની હાલત પણ પૂરોગામી જેવી જ થઈ. ટર્મ પૂરી થાય પહેલાં જ સુપ્રીમ કોર્ટના આદેશથી પદ છોડવું પડયું.

૨૦૧૩માં નવાઝ શરિફ ભારે બહુમતીથી ત્રીજી વખત ચૂંટાયા. એ વખતે નક્કી લાગતું હતું કે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ટર્મ પૂરી કરતા નથી એ સિલસિલો અટકશે, પરંતુ નાટયાત્મક રીતે ઘટનાક્રમ બદલાયો.૨૦૧૭માં પનામા પેપર્સમાં શરિફનું નામ ખુલ્યું અને મુદ્દો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટેનવાઝની બરતરફીનો આદેશ આપ્યો. એ પછી શાહિદ અબ્બાસીએ ૩૦૦ દિવસ સુધી પીએમપદનો કાર્યભાર સંભાળ્યો. ૨૦૧૮ની ચૂંટણીમાં ઈમરાન ખાનને જનાદેશ મળ્યો. ઈમરાન ખાન વડાપ્રધાનપદે ત્રણ વર્ષ અને ૨૧૧ દિવસ પૂરા કરી ચૂક્યા છે, પરંતુ હવે એના કાર્યકાળમાં દિવસો ગણાઈ રહ્યા હોવાનું કહેવાય છે. એક-બે વખત ઈમરાન ઉપરથી ઘાત ટળી ગઈ હતી, પણ આ વખતે તેમની હાલત પણ પૂરોગામી વડાપ્રધાનો જેવી થાય એવી શક્યતા નકારી શકાતી નથી.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન ૨૨મા વડાપ્રધાન છે. અગાઉના તમામ ૨૧ વડાપ્રધાનોએ અધવચ્ચે કાર્યકાળ અધૂરો મૂકવો પડયો છે અથવા તો અધવચ્ચેથી કાર્યકાળ શરૂ કરવો પડયો છે. એક પણ વડાપ્રધાને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી. વડાપ્રધાન ગમે તેવી લોકપ્રિયતા મેળવીને પૂર્ણ બહુમતીથી ચૂંટાયા હોવા છતાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગયાના એકથી વધુ ઉદાહરણો પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં નોંધાયા છે.

રસપ્રદ વાત છે કે વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી. તેના પરથી અંદાજ લગાવી શકાય કે પાકિસ્તાનમાં કેવી રાજકીય અસ્થિરતા રહેતી આવી છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પછી ઈમરાન ખાનથી પરિવર્તન આવશે - એના પર નજર રહેશે.

...તો ઈમરાન ખાનની સરકાર પડી જશે!

મોંઘવારી, બેરોજગારી, આર્થિક તંગદિલી જેવા વિવિધ મુદ્દે ઘેરાયેલા ઈમરાન ખાન હવે ચૂંટણીમાં ગરબડીના મુદ્દે પણ ઘેરાયા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરીયમ નવાઝે ઈમરાન ખાન સામે ચૂંટણીપંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ઈમરાન ખાને છૂટથી સરકારી સંસાધનોનો દૂરૂપયોગ કર્યો હોવાનો આરોપ મૂકીને વિપક્ષોએ ચૂંટણીપંચને ઈમરાન ખાન સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.

બીજી તરફ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ તો રજૂ થઈ ચૂક્યો છે. એ મુદ્દે આવતા સપ્તાહે સંસદગૃહમાં વોટિંગ થશે. એમાં વળી, પાકિસ્તાની સેનાના વડા કમર બાજવાએ તટસ્થ રહેવાની જાહેરાત કરીને ઈમરાન ખાનની મુશ્કેલી વધારી દીધી છે. અગાઉ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો ત્યારે ઈમરાન ખાનની સરકારે વિશ્વાસનો મત સાબિત કરી દીધો હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

ઈમરાન ખાનની સરકારમાં ભાગીદાર એવા ત્રણ પક્ષોએ વિપક્ષ સાથે હાથ મિલાવી લીધો છે. એ ત્રણ પક્ષોના કુલ ૨૦ સાંસદો છે. તે સિવાય નીચલા ગૃહમાં પૂર્વ વડાપ્રધાનો નવાઝ શરિફ અને બેનઝીર ભુટ્ટોના પક્ષનું સંખ્યાબળ ૧૬૩ થવા જાય છે. ઈમરાન ખાનની સરકાર દાવો કરે છે કે તેમની પાસે ૧૭૯નું સંખ્યાબળ છે, પરંતુ અત્યારે એ ઘટીને ૧૬૨નું થઈ ગયાનો વળતો દાવો થઈ રહ્યો છે. ઈમરાન ખાનની સમર્થક પાર્ટીઓ બીએપી, એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂએ હજુ સુધી તેનો કોઈ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી, તેનાથી પાકિસ્તાનના પીએમની ચિંતા વધી ગઈ છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -