Showing posts with label Biographical. Show all posts

સાઉન્ડ સિસ્ટમના બોસ : અમરગોપાલ બોઝ



વિશ્વને અદ્ભુત સાઉન્ડ સિસ્ટમની ભેટ આપનારા સાઉન્ડ ઇજનેર અને ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગ સાહસિક અમરગોપાલ બોઝનું થોડા દિવસો પહેલાં ૮૩ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું. તેમની ગણના દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં થતી હતી. આ મહાન સંશોધક, પ્રોફેસર અને બિઝનેસમેન વિશે થોડી જાણી-અજાણી વાતો
* અમરગોપાલના પિતા નોનીગોપાલ બોઝ ભારતના સ્વતંત્ર સેનાની હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

* તેમણે બ્રિટિશ શાસનની નીતિ-રીતિથી ત્રાસીને ૧૯૨૦માં અમેરિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે અમેરિકા જઈને એક સ્કૂલ અધ્યાપિકા ચાર્લોટે સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીય પિતા અને અમેરિકન માતાને ત્યાં ૨ નવેમ્બર, ૧૯૨૯ના રોજ ફિલાડેલ્ફિયામાં અમરનો જન્મ થયો હતો.

* રમકડાં સાથે રમવાની ઉંમરે અમર બોઝને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રમત કરવી ગમતી હતી. રેડિયોના એ યુગમાં તેમણે ૧૩ વર્ષની વયે પાર્ટ ટાઇમ રેડિયો રિપેરિંગનું કામ પણ શરૂ કર્યું હતું, તેમાં તેમણે ટૂંકા ગાળામાં મહારત હાંસલ કરી લીધી હતી.

* વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી) માંથી તેઓ ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણ્યા. સાથે સાથે સાઉન્ડ એન્જિનિયરિંગમાં પણ નિપુણતા મેળવી લીધી. આ જ ઇન્સ્ટિટયૂૂટમાં તેમણે પીએચડી પણ કર્યું અને જ્યાં ભણ્યા હતા ત્યાં ભણાવવાનું પણ શરૂ કર્યું. તેમણે આ જગવિખ્યાત સંસ્થામાં ૪૫ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સાઉન્ડ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણાવ્યા.

* તેમને ઇલેક્ટ્રિક ઉપકરણોની સાથે સાથે મ્યુઝિકમાં પણ એટલો જ રસ પડતો હતો. તેમણે એ વાત નોંધી કે બજારમાં મળતી બધી સાઉન્ડ સિસ્ટમથી અમેરિકન્સ કંટાળ્યા છે, કારણ કે પૂરતા પૈસા ખર્ચવા છતાં બજારમાં સાઉન્ડ સિસ્ટમનો યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી એટલે ૧૯૬૪માં બોઝ કોર્પોરેશન નામની કંપનીના નેજા હેઠળ સાઉન્ડ સિસ્ટમ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું.

* પછી તો આ કંપની સાઉન્ડ સિસ્ટમનો પર્યાય બની ગઈ. ફોર્બ્સ જેવા પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિને વિશ્વના ધનાઢય લોકોમાં ઘણી વખત અમરગોપાલ બોઝનો સમાવેશ કર્યો હતો.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 3 August 2013
Posted by Harsh Meswania

કન્યા કેળવણી માટે લડત આપતી : મલાલા યૂસુફઝઈ


કન્યા કેળવણી માટે જીવના જોખમે લડત આપીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારી ૧૬ વર્ષની બાળકી મલાલા ઝિયાઉદ્દીન યૂસુફઝઇના સન્માનમાં યુનાઇટેડ નેશન્સે મલાલાના જન્મદિવસ ૧૨મી જુલાઈને 'મલાલા દિન' તરીકે ઊજવ્યો હતો અને વિશ્વભરમાં બાળયુવા શિક્ષણમાં કાર્યરત બાળાઓને મલાલા એવોર્ડ પણ એનાયત કર્યા છે. નાની ઉંમરમાં નોંધપાત્ર કામગીરી કરનારી મલાલા વિશે થોડી વધુ જાણકારી

* મલાલાનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા ગામમાં થયો હતો. તેના પિતા ઝિયાઉદ્દીન પણ સ્ત્રીશિક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

* સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યાઓને અપાતા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો જેની સામે મલાલાએ અવાજ ઉઠાવ્યો હતો. તાલિબાનોના અત્યાચાર વિરુદ્ધ તેણે બીબીસીની ઉર્દૂ ન્યૂઝ સર્વિસ માટે ગુલ મકઈના તખલ્લુસ નામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર ૧૧ વર્ષ હતી.

* ૧૩ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સ્વાત ખીણના મિંગોરા કસ્બામાં આવેલી સ્કૂલમાંથી મલાલા પાછી ફરતી હતી ત્યારે આતંકવાદીઓએ તેને ગોળીથી ઠાર કરવા હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં મલાલાને હાથ, ગરદન તથા કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. આ કટોકટીની પળોમાંથી ઊગરીને હવે તે ફરીથી કન્યા કેળવણીના કામમાં કાર્યરત થઈ ગઈ છે.

* ૨૦૦૯માં 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' મલાલા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી અને એના કારણે મલાલા વધુ જાણીતી બની હતી.

* પાકિસ્તાન સરકારે યુવા શાંતિ પુરસ્કાર આપીને મલાલાનું સન્માન કર્યું હતું. પાકિસ્તાનની એક સરકારી ગર્લ્સ સ્કૂલને પણ મલાલા યૂસુફઝઈ નામ આપવામાં આવ્યું છે.
* 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૨૦૧૩ના 'પર્સન ઓફ ધ યર'ના લિસ્ટમાં મલાલાનો સમાવેશ કર્યો હતો.

* જોકે, અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સામે મલાલા સહેજ માટે પર્સન ઓફ ધ યર બનતા રહી ગઈ હતી, પણ તે બીજા સ્થાને રહી હતી અને તેને ડોમિનેટ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી. એક શક્તિશાળી રાષ્ટ્રના શક્તિશાળી પ્રમુખ સાથે પર્સન ઓફ ધ યર બનવા માટે એક ૧૬ વર્ષની બાળકીની સ્પર્ધા થાય એ જ તેની સિદ્ધિ કહી શકાય. શાંતિના નોબેલ માટે પણ મલાલાનું નામ ચર્ચાયું હતું.

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 27 July 2013
Posted by Harsh Meswania

ભૌતિકશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને વિજ્ઞાની : ડૉ. યશપાલ


ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાની પ્રોફેસર ડો. યશપાલને 2013માં ભારતનું બીજા ક્રમાંકનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું. ડો. યશપાલ માત્ર એક વિજ્ઞાની જ નથી, પરંતુ તે ઉચ્ચ દરજ્જાના શિક્ષણશાસ્ત્રી પણ છે. અહીં દેશના આ પ્રથમ હરોળના વિજ્ઞાની વિશે થોડું જાણીએ...

* ૨૬ નવેમ્બર, ૧૯૨૬ના રોજ અખંડ ભારતના ઝાંગમાં (અત્યારે પાકિસ્તાન) ડો. યશપાલનો જન્મ થયો હતો.
* ૧૯૪૯માં પંજાબ યુનિર્વિસટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ભૌતિકશાસ્ત્ર વિષયમાં જ પીએચ.ડી.ની પદવી પણ મેળવી હતી.
* પ્રોફેસર યશપાલે અંતરીક્ષ કિરણોના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું છે. તેમના સંશોધનપત્રોને ભારતનાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાન સામયિકોમાં સ્થાન મળતું રહ્યું છે. તેમના આ કોસમિક કિરણોની શોધને કારણે વિશ્વભરમાં તેમને સન્માન મળ્યું છે.
* કોમ્યુનિકેશન અને સંદેશાવ્યવહારની બાબતમાં તેમનું કાર્ય વ્યાપક અને વિશાળ માનવામાં આવે છે. જે સમયે ભારત આ ક્ષેત્રે પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે પ્રોફેસર યશપાલનાં સંશોધનો અગત્યનાં સાબિત થયાં હતાં.
* આધુનિક પ્રોદ્યોગિકી વિજ્ઞાન ક્ષેત્રે તેઓનું પ્રદાન નોંધપાત્ર માનવામાં આવે છે. ભારતને આ ક્ષેત્રે તેમનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મળતું રહ્યું છે.
* તેઓ ૨૦૦૭થી ૨૦૧૨ના વર્ષ દરમિયાન નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના કુલપતિ પદે કાર્યરત રહ્યા હતા.
* તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ચેરમેન તરીકેનો હોદ્દો પણ શોભાવી ચૂક્યા છે.
* વિજ્ઞાન અને વિજ્ઞાનલક્ષી અભિગમ કેળવવાના તેમના સંગીન પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૧૯૭૬માં પદ્મભૂષણ અને ૨૦૧૩માં પદ્મવિભૂષણ જેવા નાગરિક સન્માન આપીને તેઓની સેવાની કદર કરી છે.
* 1980માં તેમણે અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી.
* વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના ઉમદા પ્રયાસો બદલ 2009માં યુનેસ્કોએ ડૉ. યશપાલનું કલિંગ પ્રાઈઝથી સન્માન કર્યું હતું.
* બાળકોનો ભણતરનો ભાર હળવો કરવાના હિમાયતી અને આજીવન સાયન્સના શિક્ષણ ઉપર  ભાર મૂકનારા પ્રોફેસર યશપાલનું 24મી જુલાઈ 2017ના રોજ નોઈડામાં 90 વર્ષની વયે નિધન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 20 July 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -