Showing posts with label madhyantar. Show all posts

જીવતાં પ્રાણીઓની દાણચોરીનો ખતરનાક કાળો કારોબાર


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

કોલકાતાના એરપોર્ટ પરથી દસ હજાર કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર જતાં ચેન્નાઈના બે નાગરિકોને કસ્ટમ અધિકારીઓએ પકડી પાડયા હતા. વિશ્વમાં સજીવોની ગેરકાયદે હેરાફેરીનો કાળો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે તેની એક ઝલક
ચેન્નાઈમાં રહેતા મનિમાલન રામસ્વામી અને શીલામુથુ રામસ્વામી ચીનમાંથી આશરે ૬૦ લાખ રૂપિયાની કિંમતના દસ હજાર ઉપરાંતના કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર લઈ જતા હતા ત્યારે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની સૂટકેસની તપાસ કરવામાં આવી હતી. સૂટકેસમાં આટલા બધા કાચબા જોઈને કસ્ટમ અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. સૂટકેસમાં કાચબા લઈ જવાનો આ થોડો નવતર પ્રયોગ હતો. વિશ્વમાં સજીવોની દાણચોરી ક્ષેત્રે પ્રવૃત્ત લોકો આવા અવનવા અખતરા કરતા રહેતા હોય છે. માની ન શકાય એવી જગ્યાએ સજીવોને છુપાવીને એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદે હેરફેર કરવાના આવા તો કેટલાય પ્રયાસોને વિશ્વભરના કસ્ટમ અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યા છે. આવા થોડા જોખમી અને રમૂજી પ્રયાસો તરફ નજર કરતા પહેલાં સજીવોની દાણચોરીની દુનિયામાં ડોકિયું કરવા જેવું છે.
ડ્રગ્સ પછીનો સૌથી મોટો કાળો કારોબાર
વાઇલ્ડ લાઇફ સ્મગલિંગની બાબતમાં એશિયન અને આફ્રિકન દેશો વધુ બદનામ રહ્યા છે. આ બે નંબરી પ્રવૃત્તિનો વ્યાપ એશિયા અને આફ્રિકામાં હોવાનું એક કારણ તેની વાઇલ્ડ લાઇફ સમૃદ્ધિ પણ છે. જોકે, એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝ ઉપરાંત પણ આ કાળો કારોબાર વિશ્વભરમાં ઓછા-વત્તા અંશે થાય જ છે. એક અંદાજ પ્રમાણે ડ્રગ્સની દાણચોરી પછીના ક્રમે સજીવોની હેરાફેરીને મૂકવામાં આવે છે અને એ પછી શસ્ત્રોની દાણચોરીને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. એ પરથી જ સજીવોના સ્મગલિંગનું આ દલદલ કેટલું વ્યાપ્ત છે તેનો અંદાજ લગાવી શકાય છે. સજીવોની દાણચોરીનું વાર્ષિક ટર્નઓવર એક અબજ રૂપિયા સુધીનું હોવાનું કહેવાય છે. દુર્લભ પ્રજાતિની વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિને વેગ મળી રહે છે. પશુ-પક્ષીઓને લઈને લોકોમાં ઘણી બધી ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે અને સજીવોની દાણચોરીના મૂળમાં એ ભ્રામક માન્યતા પણ કંઈક અંશે જવાબદાર ઠરે છે. અમુક સજીવો આરોગવાથી અમુક ચોક્કસ રોગ મટી જશે (ગુપ્ત રોગોની બાબતમાં સવિશેષ ભ્રમણાઓ ફેલાયેલી છે) એવી માન્યતાના બળે ગેરકાયદે સજીવોની આપ-લે થાય છે અને તેને લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. જેમ કે, ચીનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વાઘનું માંસ ખાવાથી લાંબું આયુષ્ય ભોગવી શકાય છે અને શારીરિક-જાતીય ક્ષમતામાં પણ વધારો થાય છે. ક્યાંક માંસની માંગ છે, તો ક્યાંક ચામડીની ડિમાન્ડ છે. વળી કોઈક તંત્રવિદ્યા માટે સજીવોને પ્રયોજે છે. આ બધાં કારણો સજીવોની દાણચોરી માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સજીવોની દાણચોરીમાં પક્ષી કે પશુઓને મોટાભાગે જીવતાં જ વેચવામાં આવતાં હોય છે અને એટલે તેને જીવિત હાલતમાં જે તે જગ્યાએ પહોંચાડવા માટે અવનવા નુસખા અખત્યાર કરવામાં આવે છે. છતાં કોઈ વાર મોટી સંખ્યામાં સજીવો ગૂંગળાઈને મરી જતાં હોય છે.
આ આખું તંત્ર કસ્ટમ અધિકારીઓના સહકાર વગર શક્ય ન બની શકે એટલે જરૂર પડયે કસ્ટમ ઓફિસર્સ પૂરતો સહકાર આપે એવી ગોઠવણ કરવામાં આવતી હોય છે! આ સિવાય સજીવોની હેરાફેરી વખતે કોઈને ખબર ન પડી જાય એ માટે તેને છુપાવવાની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ તો એરપોર્ટ પરથી હેમખેમ નીકળી જવા જાતજાતના તુક્કા લગાવાય છે. તુક્કામાં ક્યારેક સફળતા મળી જાય છે, તો ક્યારેય કોઈ કસ્ટમ અધિકારીની કે સાથી પ્રવાસીઓની નજરથી બચી શકવું મુશ્કેલ બની જાય છે.
સજીવસૃષ્ટિ પર મંડરાતો અસ્તિત્વનો ખતરો
લાંબી મુસાફરી દરમિયાન સજીવોને અપૂરતી હવા અને જગ્યાને કારણે ગૂંગળાઈ મરવાનો વખત આવે છે. એટલે કેટલાંક તો તેના મુકામ સુધી પહોંચે એ પહેલાં જ હરિને પ્યારા થઈ જતા હોય છે, તો કેટલાક બીજા રાઉન્ડમાં સરનામે પહોંચ્યા પછી અંતિમ શ્વાસ લે છે. 'પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ' એટલે કે 'પેટા'ના ટૂંકા નામની ઓળખાતી અને વિશ્વભરમાં સજીવસૃષ્ટિ માટે કામ કરતી સંસ્થાની એક અમેરિકન અંડરગ્રાઉન્ડ ટીમે વર્ષો પહેલાં સજીવોની દાણચોરી બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનાં તારણો ચોંકાવનારાં હતાં. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે સજીવોને એવી ગંભીર હાલતમાં હેરફેર કરવામાં આવે છે કે અડધા તો ખરાબ વાતાવરણથી જ મૃત્યુ પામે છે અથવા તો ઠાંસી ઠાંસીને એકસામટા ભર્યા હોવાથી પણ થોડાનું કચુંબર થઈ જાય છે. વળી દાણચોરોને કે તેનો ગેરકાયદે વેપાર કરતા લોકોને સજીવોની સંભાળ રાખતા નથી આવડતું હોતું એટલે અમુક સજીવો મોતને ભેટે છે. વળી એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવાતા સજીવોને જે તે દેશનું વાતાવરણ-તાપમાન માફક ન આવે એટલે પણ દમ તોડી દેતા હોય છે. દાણચોરીના પ્રતાપે જ ઇગ્વાના નામનું અમેરિકામાં વૃક્ષ પરથી મળી આવતું ગરોળી જેવું સજીવ હવે દુર્લભ થતું જાય છે. એક સમયે આ ઇગ્વાના દાણચોરોનું ફેવરિટ સજીવ હતું. આવા તો કેટલાંય પશુ-પક્ષીઓ છે જે દાણચોરોના પ્રતાપે પૃથ્વી પરથી લુપ્ત થવાના આરે છે.
સજીવોની દાણચોરી માટે કેટલાક જોખમી અને ભેજાગેપ પ્રયાસો
વિશ્વભરમાં દાણચોરો સજીવોને લઈને એક દેશમાંથી બીજા દેશમાં ઉડાઉડ કરતા હોય છે. એમાં ક્યારેક એના જોખમી પ્રયાસથી રમૂજી સીન પણ ક્રિએટ થાય છે. અહીં એવા થોડા જોખમી છતાં રમૂજી તુક્કાઓની વાત કરીએ.
મારા ટ્રાઉઝરમાં કોબ્રા છે : આ વાક્ય કોઈ બોલે ત્યારે તેના ચહેરાના ભાવ કેવા હશે એ કલ્પી શકવું અઘરું નથી! સ્વિડનના એક માણસની તલાશી જ્યારે ઓસ્ટ્રેલિયન કસ્ટમ અધિકારીઓએ લીધી ત્યારે તેને આ વાક્યથી ભારોભાર આશ્ચર્ય થયું હતું. એ. સ્મિથ નામના આ માણસે ટ્રાઉઝરમાં ૮ સાપ છુપાવી રાખ્યા હતા, જેમાંથી ૪ તો કિંગકોબ્રા હતા. તેના સદ્નસીબે કિંગકોબ્રા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા!
કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી : અમેરિકન નાગરિક જેરોમ જેમ્સે તેના એક કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી સંતાડી રાખી હતી. અધિકારીઓને શંકા જતાં લોસ એન્જલસના એરપોર્ટ પર તેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તેના નકલી પગમાંથી ગરોળીઓ જપ્ત કરીને તેને જેલહવાલે કરાયો હતો.
મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે : ઓસ્ટ્રેલિયામાં સિડનીના એરપોર્ટ પરના કસ્ટમ અધિકારીઓ જ્હોન એડોલ્ફન નામના માણસને તપાસી રહ્યા હતા ત્યારે તેણે અધિકારીઓને કહ્યું હતું કે મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે. તેના વાક્યથી અધિકારીઓ ચોંકી ગયા હતા. ખરેખર જ તેના જિન્સમાંથી વાંદરાનાં બચ્ચાં મળી આવ્યાં હતાં.
મારા અંતઃવસ્ત્રમાં સાપ છે : સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં એક મહિલાની ઝડતી લેવાઈ રહી હતી ત્યારે તેણે કબૂલ્યું કે મારા અંતઃવસ્ત્રમાં સાપ છે. અધિકારીઓને પહેલાં તો તેની વાતમાં વિશ્વાસ ન બેઠો, પણ તલાશી લેતાં ખરેખર તેના અંતઃવસ્ત્રમાંથી થોડા સાપ મળ્યા હતા.
મારી સૂટકેસમાં ટાઇગર છે : થાઇલેન્ડના કસ્ટમ અધિકારીઓ એક મહિલાના સામાનની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે એક કર્મચારીએ જેવી સૂટકેસ ખોલવાની કોશિશ કરી કે તરત એ મહિલાએ ઉપરોક્ત વાક્ય ઉચ્ચાર્યું હતું. પહેલાં તો અધિકારીઓને લાગ્યું કે તે મજાક કરી રહી છે, પણ પછી ખરેખર જ તેની મોટી સૂટકેસમાંથી એક ટાઇગર મળી આવ્યો હતો.
Thursday, 19 September 2013
Posted by Harsh Meswania

સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફનો ધીકતો ધંધો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સેલિબ્રિટીના ઓટોગ્રાફ રૂબરૂ લેવાથી લઈને તેને ખરીદવા માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચવા સુધીની લોકોની ઘેલછા આખી દુનિયામાં જોવા મળે છે. લોકોની આ ઘેલછાનો ભરપૂર લાભ ઉઠાવીને રોકડી અંકે કરવા શક્ય એટલા તમામ પ્રયાસો થાય છે. એટલું જ નહીં, સેલિબ્રિટીના ફેક ઓટોગ્રાફનું બજાર પણ એટલું જ ગરમ રહેતું આવ્યું છે

ન્યૂયોર્કમાં થયેલી એક હરાજીમાં એક બાઇબલના લાખો રૂપિયા ઊપજ્યા. બાઇબલનાં આટલાં ઊંચાં મૂલ્ય પાછળનું કારણ એટલું જ હતું કે તેના પર મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનના હસ્તાક્ષર હતા. સેલિબ્રિટીના હસ્તાક્ષર હોય તો જે તે વસ્તુની કિંમત અનેક ગણી થઈ જતી હોય છે. અત્યારે તો વિશ્વભરમાં સેલિબ્રિટીના ઓટોગ્રાફનું પણ મોટું માર્કેટ અસ્તિત્વમાં આવ્યું છે. વર્ષેદહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર આ બિઝનેસમાં થાય છે. સેલિબ્રિટીના ઓટોગ્રાફનું તેના ફેન્સને મોટું વળગણ હોય છે અને તેનો ભરપૂર લાભ લઈને રોકડી રળી લેવામાં આવે છે. મજાની વાત તો એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સેલિબ્રિટીના બનાવટી ઓટોગ્રાફને વેચવાનો ધીકતો ધંધો શરૂ થયો છે અને એ પણ અસલી ઓટોગ્રાફને ટક્કર આપે એવી લહેજતથી ચાલી રહ્યો છે.

કયાં સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ ધૂમ વેચાય છે?
આપણે ત્યાં ઓટોગ્રાફ્સ પાછળ લોકો પાગલ તો છે જ, પણ અમેરિકા અને બ્રિટનની તુલનાએ લોકો ઓટોગ્રાફ ખરીદવા પાછળ સાવ પાગલપનની હદ નથી વટાવતા એટલે અહીં નકલી ઓટોગ્રાફનું દૂષણ પશ્ચિમની સરખામણીએ પ્રમાણમાં ઓછું છે. અમેરિકામાં લોકો ઓટોગ્રાફ ખરીદવા માટે પાણીની જેમ પૈસા આપે છે અને એટલે જ ઘણી બધી સાવચેતી છતાં છેતરાય છે. નકલી ઓટોગ્રાફ વિશે વધુ જાણતાં પહેલાં કયા સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ કરોડો રૂપિયામાં વેચાય છે એની થોડી જાણકારી મેળવી લઈએ. અમેરિકામાં ૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં સર્વાધિક લોકપ્રિય બનેલા સિંગર અને એક્ટર એલ્વિસ પ્રિસ્લીના ઓટોગ્રાફની એક જમાનામાં ખૂબ ડિમાન્ડ હતી. આ સિંગર ઓટોગ્રાફ આપવામાં આજના સેલિબ્રિટી જેટલા ઉદાર નહોતા એટલે ક્યારેક કોઈકને જ તેના હસ્તાક્ષર મળી શકતા હતા. એ સમયે તેના નકલી હસ્તાક્ષરો બજારમાં ખૂબ વેચાતા હતા. ૬૦નાં દાયકામાં એમના વતી એક આવા નકલી ઓટોગ્રાફ સામે સત્તાવાર ખુલાસો પણ કરાયો હતો. જોકે, ઓટોગ્રાફ કલેક્શનનો શોખ ધરાવતા શોખીનો માટે આજે પણ તેના ઓટોગ્રાફની કોપી ઓનલાઇન મળી રહે છે. અલબત્ત, તેના માટે ઓછામાં ઓછા ૨૦ લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી તો રાખવી જ પડે!

ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ માનવી તરીકે ઇતિહાસમાં અમર થયેલા નીલ આર્મસ્ટ્રોંગનું ગત વર્ષે નિધન થયું એ પહેલાંથી જ તેમના ઓટોગ્રાફ્સનું ઓનલાઇન વેચાણ થતું હતું. તેમના અવસાન પછી અચાનક એ ઓટોગ્રાફના ભાવ આસમાને ચડી ગયા. આજે તેમનો ઓટોગ્રાફ ખરીદવો હોય અને એક લાખથી પાંચ લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી હોય તો ઓનલાઇન ઉપલબ્ધ છે, પણ એ તમામ ઓટોગ્રાફ્સ ફેક હોવાનું વ્યાપકપણે કહેવાય છે. આર્મસ્ટ્રોંગે ચંદ્ર પરથી આવ્યા બાદ પ્રથમ વખત ઓટોગ્રાફ આપ્યો હતો તે પોતાની પાસે હોવાનો એક દાવો થયો હતો અને એની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી હતી. જોકે, નીલ આર્મસ્ટ્રોંગના નજીકનાં સૂત્રો દ્વારા ૨૦૧૧માં એવો પણ ખુલાસો કરાયો હતો કે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પરથી આવીને એવો કોઈ જ સ્પેશિયલ ઓટોગ્રાફ નહોતો આપ્યો. ઇવન આર્મસ્ટ્રોંગ પોતે ઓટોગ્રાફ આપવામાં એટલા ઉદાર ન હતા એટલે ઓનલાઇન આટલા બધા ઓટોગ્રાફ્સ જોઈને તો એમને ખુદને પણ આશ્ચર્ય થયા વગર ન રહે કે આ કયા કલાકારની કારીગરી છે!

માઇકલ જેક્શન એક એવું નામ હતું કે જેના ઓટોગ્રાફ્સની આજેય એટલી જ ડિમાન્ડ છે. ૨૦૦૯માં જ્યારે તેનું નિધન થયું ત્યારે અસલી અને નકલી એમ બંને પ્રકારના ઓટોગ્રાફ્સ માર્કેટમાં રાતોરાત ઉપલબ્ધ થઈ ગયા હતા. આવું જ મેરેલિન મનરોની બાબતમાં બન્યું હતું. ૧૯૬૨માં તેમના નિધન પછી તેમના ઓટોગ્રાફનું માર્કેટ એકાએક ઊંચું આવી ગયું હતું. એટલું જ નહીં, તેમના અવસાનને ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ તેમના ઓટોગ્રાફ ખરીદવા માટે ૪ લાખથી ૯ લાખ રૂપિયાની રકમ ખર્ચવાની તૈયારી રાખવી પડે છે અને એમાં કેટલા અસલી મળે છે અને કેટલા નકલી છે એનો ભેદ પારખવાનું કામ અતિ કપરું બન્યું છે. ડિઝનીલેન્ડના સ્થાપક વોલ્ટ ડિઝનીના હસ્તાક્ષરની પણ એટલી જ ડિમાન્ડ રહેતી આવી છે. તેમના ફેક ઓટોગ્રાફની કિંમત પણ એક લાખ રૂપિયા જેટલી બોલે છે. આ ઉપરાંત ટાઇગર વૂડ્સ, લિજેન્ડ બોક્સર મોહમ્મદ અલી, લિજેન્ડ ફૂટબોલર પેલે જેવા સેલિબ્રિટીઝના નકલી ઓટોગ્રાફ્સ એક લાખથી લઈને ૧૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમમાં વેચાય છે અને તેને ખરીદનારા પણ મળી જ રહે છે.

કઈ રીતે અને શું કામ ફેલાયું છે બનાવટી ઓટોગ્રાફનું બજાર
અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા કોઈ નામની આગળ અચાનક સ્વર્ગસ્થ લાગી જાય ત્યારે તેના ઓટોગ્રાફની વેલ્યૂ ખૂબ વધી જતી હોય છે. વળી, અછત હોય ત્યાં નકલખોરી પેસી જ જાય છે એ ન્યાયે ઓટોગ્રાફ્સની બનાવટ ચલણી બની જતી હોય છે. આ સિવાય જે સેલિબ્રિટી બહુ ડિમાન્ડમાં હોય ત્યારે તેના ઓટોગ્રાફને બનાવટી બનાવીને વેચવાનો ધંધો ધમધોકાર ચાલતો હોય છે. કોઈને પ્રશ્ન થાય કે એમાં કાયદેસરની કાર્યવાહી ન થઈ શકે? તો એનો જવાબ થોડો અઘરો છે. જે તે સેલિબ્રિટીએ ક્યારેક ને ક્યારેક તો પોતાના હસ્તાક્ષર કોઈને આપ્યા જ હોય છે અથવા તો કોઈક દસ્તાવેજોમાં પોતાની સહી કરી હોય છે. આ સહીનો ઉપયોગ કરીને ડુપ્લિકેશન કરવામાં આવતું હોય છે. હવે રહી વાત કાર્યવાહી કરવાની, તો એમાં એવો ખાસ અવકાશ એટલા માટે નથી રહેતો કે જે તે સેલિબ્રિટી પાસે એવા પુરાવાઓ ભાગ્યે જ મળે છે કે તેણે એ હસ્તાક્ષર નથી કર્યા એ સાબિત થઈ શકે અને બીજંુ કે ઓનલાઇન જ્યારે આવા ઓટોગ્રાફનું વેચાણ થતું હોય એમાં જે તે સેલિબ્રિટીને માથંુ મારવાનું યોગ્ય નથી લાગતું. હરાજીમાં બહુ મોટી રકમ સામે આવે અને એ જાહેર થાય તેવા કિસ્સામાં ક્યારેક આવા ફેક ઓટોગ્રાફ્સ સામે સેલિબ્રિટી કે પછી તેના વારસો બનાવટી હસ્તાક્ષર સામે લાલ આંખ કરતા હોય છે. આ સિવાયના કિસ્સાઓમાં નકલી ઓટોગ્રાફ બનાવીને પૈસા રળતી જમાત હંમેશાં બચી જાય છે.

નકલી ઓટોગ્રાફ બનાવવાની આખી જાળ ગૂંથાયેલી હોય છે. અંડરગ્રાઉન્ડ એક આખી એવી વ્યવસ્થા ચાલે છે કે જેમાં બનાવટી ઓટોગ્રાફ ક્રિએટ કરવાથી લઈને તેને વેચવા સુધીનું કામ એકદમ સ્માર્ટનેસથી થાય છે. ધારો કે વર્ષો પહેલાં લોકપ્રિય હોય એવી સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ બનાવવાના હોય તો એના માટે પહેલાં એ વ્યક્તિએ કોઈ પણ જગ્યાએ કરેલી સાઇન શોધવામાં આવે છે. એ પછી તે સમયમાં વપરાતો હોય એવો કાગળ પસંદ કરવામાં આવે છે. ત્યાર બાદ જે તે ઓટોગ્રાફમાં મેચ થતી હોય એવી જ ઇન્ક પસંદ કરવા માટે એક્સપર્ટને રોકવામાં આવે છે. આટલું થયા પછી અદ્દલ સાઇન કરનારા માણસો પાસે એવો ઓટોગ્રાફ ક્રિએટ કરાવાય છે. જરૂરિયાત કરતાં વધુ કોપી બહાર ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી કોઈને એવો અણસાર ન આવે કે આટલી બધી કોપી આવી ક્યાંથી! કોઈ મોટી સેલિબ્રિટીના અચાનક અવસાન વખતે તો આ ધંધામાં સીઝન હોય છે. બેશક આ ધીકતો ધંધો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સેલિબ્રિટીના ઓટોગ્રાફ માટે લોકો આંધળી દોટ મૂકતા રહેશે! 
Tuesday, 23 July 2013
Posted by Harsh Meswania

ડિઝનીલેન્ડ : ધ વર્લ્ડ બિયોન્ડ ડ્રીમ્સ




મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આજના દિવસે ૧૯૫૫માં સ્વપ્નનગરી ડિઝનીલેન્ડની શરૂઆત થઈ હતી. સ્વપ્નમાં પણ ભાગ્યે જ આવી શકે એવો વિચાર વોલ્ટ ડિઝનીને આવ્યો હતો અને એના ફળસ્વરૂપ વિશ્વને મળ્યું એક એવું ડ્રીમલેન્ડ કે જેમાં પ્રવેશ્યા પછી લોકો પોતાનાં તમામ દુઃખ, દર્દ ભૂલીને માત્ર સ્વપ્નમાં ખોવાઈ જવાનું પસંદ કરે છે

દુનિયામાં જ્યાં સુધી કલ્પનાને અવકાશ છે ત્યાં સુધી ડિઝનીલેન્ડને પૂરું થયેલું ન માનવું'. ડિઝનીલેન્ડની શરૂઆત વખતે વોલ્ટ ડિઝનીએ કહેલું આ વાક્ય ડ્રીમલેન્ડ ડિઝની માટે આજેય એટલું જ સાચું છે. આટલી સક્સેસ પછી પણ સતત નવું નવું ઉમેરાતું જાય છે અને એટલે જ વિશ્વમાં કેટલાય નવા થીમપાર્ક બન્યા હોવા છતાં ડિઝનીલેન્ડ અજોડ છે. આ ડ્રીમલેન્ડને આજે ૫૮ વર્ષ થયાં છે ત્યારે અહીં આ સ્વપ્ન નગરીની દુનિયામાં એક શાબ્દિક લટાર મારી લઈએ.


બે ગર્લ્સના કારણે મળ્યું ડ્રીમલેન્ડ
ડિઝનીલેન્ડ જેના મગજની ઉપજ છે એવા વોલ્ટ ડિઝની એટલે 'ધ વોલ્ટ ડિઝની કંપની'ના સહસ્થાપક. એનિમેશનની જ્યારે શરૂઆત હતી ત્યારે આ કંપનીએ એક એકથી ચડિયાતી એનિમેશન સિરીઝ બનાવીને નવો પથ કંડાર્યો હતો. વોલ્ટ ડિઝની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રોડયુસર, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે રાઇટર, વોઇસ એક્ટર સહિતની ઘણી બધી જવાબદારી નિભાવી જાણતા હતા. સ્વપ્નનગરી ડિઝનીલેન્ડ બેશક તેમના દિમાગમાં આવેલો એક અફલાતૂન આઇડિયા હતો, પણ એ આઇડિયા કેવી પરિસ્થિતિમાં ઝબક્યો હતો તે પણ એટલું જ રસપ્રદ છે.

વોલ્ટ દર રવિવારે પોતાની બંને દીકરીઓ ડાયના અને શેરોનને લોસ એન્જલસના ગ્રિફિથ પાર્કમાં લઈ જતા હતા. શરૂઆતમાં તો બંનેને મજા પડતી હતી, પણ પછી એકના એક મનોરંજનનાં સાધનોથી બંને કંટાળી ગઈ. તેમણે આ બાબતે વોલ્ટને મીઠી ફરિયાદ કરી. બીજું વોલ્ટના ધ્યાનમાં એ આવ્યું કે બાળકોને લઈને આ પાર્કમાં આવતાં મોટાભાગનાં પેરેન્ટ્સ સાવ બોરિંગ બની જતાં હતાં. વોલ્ટને એ વખતે મગજમાં એક અદ્ભુત વિચાર ઝબકી ગયો કે એક એવી જગ્યા તો બનાવવી જોઈએ કે જ્યાં બાળકોને સતત કશુંક નાવીન્ય સભર મનોરંજન મળે અને તેનાં પેરેન્ટ્સ પણ બાળકોની સાથે બાળક બનીને આનંદ માણી શકે. આ વિચાર કેટલાંય વર્ષો સુધી તેમના મગજમાં ચાલતો રહ્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધના કારણે વાત ખાસ આગળ વધી નહીં. બીજી મુશ્કેલી હતી ફંડની. વોલ્ટ પાસે પૈસા અને પ્લેસ હોવા છતાં તેમને હતું કે આ પર્યાપ્ત નથી અને એટલે તેમણે એક બિઝનેસમેન જેવી કુનેહથી આનો રસ્તો કાઢયો.


ડિઝનીએ ફંડ માટે ફંડા બનાવ્યો!
૧૯૫૩ સુધી ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ શરૂ ન થયો. અંતે વોલ્ટે સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટને પોતાના પ્રોજેક્ટને અનુરૂપ લોકેશન શોધવાનું કામ સોંપ્યું. ડ્રીમ પાર્ક માટે કેલિફોર્નિયાના એનાહેઇમને પસંદ કરવામાં આવ્યું. બીજું કામ હતું પૂરતા પૈસા એકઠા કરવાનું. ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થાય એવું એક પણ ઇન્વેસ્ટરને નહોતું લાગતું. એટલે જ કોઈ આ પ્રોજેક્ટમાં પૈસા લગાવવા તૈયાર થતું નહોતું. અંતે ડિઝનીએ નક્કી કર્યું કે પોતાની પાસે રહેલી એનિમેશનની તાકાતનો જ ઉપયોગ કરવો. વોલ્ટ ડિઝની એનિમેશન કંપનીએ એબીસી ટીવી ચેનલ માટે 'ડિઝનીલેન્ડ' નામે શ્રેણી બનાવવાની હતી. બદલામાં ચેનલે ડિઝનીના ડ્રીમલેન્ડ માટે અમુક રકમ આપવાની હતી. આ શો નવા નિર્માણ થનારા થીમ પાર્કનો પ્રિવ્યુ શો જેવો બની રહ્યો. ફંડનો પ્રોબ્લેમ સોલ્વ થયો એટલે ૨૧ જુલાઈ, ૧૯૫૪ના રોજ શરૂ થયો ડિઝનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ.

ઉતાવળે શરૂ થયેલા ડ્રીમલેન્ડનો પ્રથમ દિવસે જ ધબડકો
પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે તેને પૂર્ણ કરવા માટે એક વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. એડવેન્ચરલેન્ડ, ફેન્ટસીલેન્ડ, ટુમોરોલેન્ડ જેવી અલગ અલગ થીમ બનાવવાની હોય ત્યારે આટલો સમય અપૂરતો હતો. સખત મહેનતના અંતે ૧૭ મિલિયન અમેરિકન ડોલર (આશરે ૧૦૦ કરોડ રૂપિયા)ના ખર્ચે એક વર્ષે પ્રોજેક્ટ પૂર્ણ થયો. એના ભવ્ય ઓપનિંગ માટે ૧૭ જુલાઈ, ૧૯૫૫ અને રવિવારનો દિવસ નક્કી કરાયો. આ દિવસ ડિઝનીલેન્ડના ઇતિહાસમાં બ્લેક સન્ડે તરીકે જાણીતો છે. આ પ્રોજેક્ટને સમાચાર માધ્યમોના કારણે પહેલાંથી ખાસ્સી પ્રસિદ્ધિ મળી ચૂકી હતી. એટલે ઓપનિંગ વખતે ૬,૦૦૦ મહેમાનોને નોતર્યા હતા એના બદલે ૩૦,૦૦૦ લોકો પ્રવેશદ્વાર સામે ઊભા હતા. પહેલા જ દિવસે અરાજકતા ફેલાઈ ગઈ. પાર્કનું તાપમાન વધી ગયું, વોટર ફાઉન્ટેનમાં છબરડા થયા, ગેસ લિક થવાની ઘટના બની. આના કારણે ડ્રીમલેન્ડને તે દિવસે બંધ કરવું પડયું. વળી, ડિઝનીલેન્ડનું ટીવી પ્રસારણ થયું હતું એટલે કેટલાક અમેરિકન્સે તો આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને ફ્લોપ ગણાવી દીધો હતો. એમ કંઈ ફ્લોપમાં ખપી જાય તો તો વોલ્ટ ડિઝની શાના! ન કલ્પેલી ત્વરાએ એક જ દિવસમાં બધું સમારકામ કરાવીને બીજા દિવસે સત્તાવાર પબ્લિક માટે પાર્કને ખુલ્લો મૂકી દીધો. તે દિવસની ઘડી ને આજનો દિવસ કોઈ તેને ફ્લોપ કહેવાની હિંમત ન કરે તેવી કાળજી લેવાય છે. આજે તો ટોક્યો, પેરિસ, હોંગકોંગ સહિતનાં શહેરોમાં પણ ડિઝનીલેન્ડની મજા માણી શકાય છે અને દુનિયાના મોટાં શહેરોમાં આવા થીમ પાર્ક બને તેવું આયોજન પણ હાથ ધરવામાં આવે છે. ડ્રીમલેન્ડમાં વિચાર્યું હોય એથી વિશેષ મળતું હોવાની લાગણી દરેક વિઝિટર્સ વ્યક્ત કરે છે. ડિઝનીલેન્ડ માટે એક વખત વોલ્ટ ડિઝનીએ કહ્યું હતું કે, 'અહીં આવ્યા પછી મોટેરાઓ પોતાની ઉંમર ભૂલી જઈને બાળક થઈ શકે છે, તો બાળકો અને યુવાનો આ દુનિયાની પેલે પાર વિચારી શકવા સક્ષમ બને છે. હું આ ડ્રીમલેન્ડ એવા લોકોને સર્મિપત કરું છું કે જે નવું વિચારવા સતત પ્રયત્નશીલ છે અને જેની આંખો નવાં સ્વપ્ન જોવાની ખેવના રાખે છે.'


શા માટે આ ડ્રીમલેન્ડ અન્ય થીમ પાર્કથી ચડિયાતું સાબિત થતું રહ્યું છે?

* છેલ્લાં ૫૮ વર્ષમાં આશરે ૫૫ કરોડ લોકોએ ડ્રીમલેન્ડમાં એન્ટ્રી કરી છે. ૨૦૦૭માં સૌથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. આ એક જ વર્ષમાં દોઢ કરોડ મુલાકાતીઓ ડ્રીમલેન્ડમાં આવ્યા હતા.

* ડ્રીમલેન્ડની મુલાકાત કરનારા પ્રવાસીઓ વર્ષે ૩૦ ટન કચરો વેરે છે. જેની સફાઈ માટે ડિઝનીલેન્ડે ૨૦,૦૦૦ કર્મચારીઓને રોક્યા છે. એટલું જ નહીં અંદર થીમ પાર્કમાં સતત નવીનતા લાવવા માટે ૫૦૦ કલાકારો રાખવામાં આવ્યા છે.

* ડિઝનીલેન્ડના સહાયક સ્ટાફમાં એવા લોકો રાખવામાં આવ્યા છે જે અલગ અલગ દેશની સ્થાનિક ભાષા પણ જાણતા હોય. સ્ટાફમાં ૩૦ જેટલી ભાષા જાણી શકે તેવા લોકો છે જેમાં હિન્દીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

* અમેરિકાના સાત પ્રમુખોએ આ ડ્રીમલેન્ડની સત્તાવાર મુલાકાત કરી છે અને એ સિવાય વિદેશી મહેમાનો માટે અમેરિકન સરકાર ડિઝનીલેન્ડનો પ્રવાસ ગોઠવે છે.

* જ્યારે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ત્યારે ત્યાં પાંચ હોટેલ, બે મોટેલની હતી જેમાં ૮૭ રૂમ્સની વ્યવસ્થા હતી. આ સિવાય ત્યારે ૩૪ રેસ્ટોરાં હતી. આજે ડિઝનીલેન્ડના કારણે ત્યાં ૧૮,૦૦૦ રૂમ્સની સગવડ ધરાવતી ૧૫૦ હોટેલ્સ-મોટેલ્સ બની ગઈ છે અને ૪૫૦ રેસ્ટોરાં પણ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.
Tuesday, 16 July 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -