રશિયા-યુક્રેનના યુદ્ધે 17 લાખ લોકોને બેઘર બનાવ્યા
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા સદ્ધર દેશોના એક કરોડ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે!
ગોરખપુરના શાયર સાકી ફારૂકીનો એક શેર છે...
અબ ઘર ભી નહીં, ઘર કી તમન્ના ભી નહીં હૈ
મુદ્ત હુઈ સોચા થા કી ઘર જાયેંગે એક દિન
દુનિયામાં કરોડો લોકોની આ સ્થિતિ છે. ઘણાં શરણાર્થીઓએ વતનમાં પાછા જવાની ઈચ્છા જ મૂકી દીધી છે. એમાં રશિયા-યુક્રેનના યુદ્ધે વધારો કર્યો છે. યુએનની રેફ્યુજી એજન્સીના દાવા પ્રમાણે યુક્રેન-રશિયાના યુદ્ધથી ૧૭ લાખ લોકો બેઘર બન્યા છે. આ લોકો યુદ્ધપ્રભાવિત વિસ્તારોમાં રહેતા હતા. બંને તરફના હુમલાથી બચવા માટે આવા લોકોએ વતન છોડીને સલામત સ્થળની ખોજ શરૂ કરી હતી. કેટલાક પાડોશી દેશોમાં પહોંચ્યા છે, તો કેટલાકે જે દેશમાં આશરો મળે ત્યાં જવા દોટ મૂકી છે.
૨૧મી સદીમાં પણ શરણાર્થીની કટોકટી નિવારી શકાઈ નથી. હજુ તો અફઘાનિસ્તાનની શરણાર્થી કટોકટીનો ઉકેલ આવ્યો ન હતો ત્યાં યુક્રેનના શરણાર્થીઓ ભટકતા થઈ ગયા છે. સીરિયા-નાઈજિરિયા, આફ્રિકન દેશોમાં તો એક-એક દશકાથી લોકો દર-દર ભટકી રહ્યા છે. વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ રીતે ઘરવિહોણા થઈને ભટકતું જીવન જીવવા મજબૂર બની જાય છે.
આમ તો વિશ્વમાં ખરેખર કેટલાં લોકો હોમલેસ છે તે કળવું મુશ્કેલ છે. ચોક્કસ આંકડો તો કદાચ ગણ્યા-ગાંઠયાં દેશો પાસેથી મળી શકે. સર્વે તો બધા દેશોમાં થાય છે, પણ કઠણાઈ એ છે કે સર્વેમાં સાચો આંકડો ક્યારેય મળતો નથી. આકાશમાં જોઈને બાળકો તારાની ગણતરી કરે અને પછી થોડીવારે થાકીને ગણતરી પડતી મૂકે એવું હોમલેસ પીપલના કિસ્સામાં પણ થાય છે. ગણતરી ક્યારેય પૂરી થતી નથી.
છતાંય વિવિધ સર્વેક્ષણો પરથી જે તારણ નીકળ્યું હતું એ પ્રમાણે વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ લોકો બેઘર છે. હેબિટેટ ફોર હ્મુમિનિટી નામની વૈશ્વિક સંસ્થાએ તો ૨૦૧૫માં આ આંકડો બહુ મોટો હોવાનું કહ્યું હતું. આ સંસ્થાના દાવા પ્રમાણે દુનિયામાં ૧૬૦ કરોડ લોકો બેઘર છે! પણ આ સંખ્યામાં રહેઠાંણની અપૂરતી સુવિધા ધરાવતા લોકોનો ય સમાવેશ થયો હતો. બીજા અર્થમાં કહીએ તો ક્યાંક ઝુંપડપટ્ટી બાંધીને રહેતા લોકોને પણ બેઘરની યાદીમાં સમાવ્યા હતાં અને એ સાચું ય છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ય શબ્દશઃ બેઘર લોકો જેટલાં જ કમભાગી છે. પણ જેમને ઉપર આભ અને નીચે ધરતી જ છે એવા લોકો વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ હોવાના અંદાજ સાથે લગભગ તમામ સર્વેક્ષણો સહમત થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આવા બેઘર લોકો ગરીબ અને વિકાસશીલ દેશોના જ છે. વિકસિત દેશો જેને 'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' કહીને ઉતારી પાડે છે એ એશિયા-આફ્રિકાના દેેશોમાં મોટાભાગના નિરાશ્રિતો હશે એવી ધારણાં એક ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ જાય તેવું સત્ય એ છે કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા દેશો એક કરોડ નિરાધારોનું રસ્તે રઝળવા માટેનું આશ્રયસ્થળ છે!
એકલા રશિયામાં જ ૫૦ લાખ બેઘર લોકો રહે છે. અમેરિકામાં ૬ લાખ, જર્મનીમાં ૯ લાખ, ફ્રાન્સમાં ૩ લાખ, ન્યૂઝીલેન્ડમાં ૫ લાખ જેટલા બેઘરો રહે છે. આ સંખ્યા થોડાં વર્ષ પહેલાંના સર્વેક્ષણોના આધારે છે. એ પછી આ બધા દેશોઓ આપમેળે ક્યાં તો સર્વેક્ષણો કર્યા જ નથી, અથવા તો હોશિયારીપૂર્વક આંકડો બહુ ઓછો બતાવ્યો છે!
વિશ્વમાં સૌથી વધુ ૨.૪૫ કરોડ જેટલાં નિરાશ્રિતો એકલાં નાઈજિરિયામાં રહે છે. સાઉથ આફ્રિકામાં ૭૦ લાખ, ઝિમ્બામ્બેમાં ૧૨ લાખ, ઈન્ડોનેશિયામાં ૩૦ લાખ, હોન્ડુરાસમાં ૧૦ લાખ જેટલા હોમલેસ પીપલ રહેતા હોવાનો અંદાજ છે. ચીનમાં તો આવા કોઈ સર્વેક્ષણો થતાં નથી, પણ વિવિધ સંસ્થાઓએ અખબારી અહેવાલોના આધારે અંદાજ કાઢ્યો હતો એ પ્રમાણે ૨૦૧૧માં ચીનમાં લગભગ ૨૫ લાખ લોકો નિરાશ્રિત હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોનો તો આંકડો જ ઉપલબ્ધ નથી. પણ આ દેશોમાં ૭૦ લાખથી ૧ કરોડ લોકો આશ્રય વિહોણા હોવાનું મનાય છે. ભારતમાં પણ ૧૮ લાખ જેટલાં લોકો બેઘર હોવાનું અહેવાલોમાં કહેવાતું આવે છે.
આ આંકડાંમાં હવે યુક્રેન-રશિયાના વધુ ૧૭થી ૨૦ લાખ કમભાગી લોકોનો સમાવેશ થયો છે. યુએનના હાઈકમિશ્નરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું એ પછી તુરંત શરણાર્થીઓની સંખ્યા વધવા માંડી હતી. બે સપ્તાહમાં જ એ આંકડો ૧૭ લાખને પાર પહોંચી ગયો હતો. યુક્રેનમાંથી ભટકીને સાતથી આઠ લાખ લોકો પોલેન્ડમાં આવી ગયા હતા. હંગેરીમાં દોઢ લાખ યુક્રેની નાગરિકો પહોંચ્યા હતા, તો સામ-સામા ફાયરિંગથી જીવ બચાવીને બે લાખ જેટલાં લોકો સ્લોવાકિયા આવી ગયા હતા. યુએને તો ત્યાં સુધી ચિંતા વ્યક્ત કરી હતી કે જો બંને દેશો કટોકટી ચાલતી રહેશે તો ૪૦ લાખ લોકો શરણાર્થી બની જશે. પાડોશી દેશોની સરહદમાં પ્રવેશવા માટે ૧૦-૧૦ કિલોમીટરની લાંબી લાઈન લગાવીને લોકો ઉભા રહી ગયા છે.
૨૧મી સદી માહિતીની સદી છે, ટેકનોલોજીની સદી છે, સુખ-સુવિધા-સગવડની સદી છે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની સદી છે. સાયન્સની સદી છે, છતાં શરણાર્થી કટોકટી દિવસે દિવસે વકરતી જાય છે. બ્રહ્માંડના ખૂણે ખૂણે હાજરી નોંધાવવા બેતાબ માનવજાત એ માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ૨૧મી સદીના બબ્બે દશકા વીતી જવા છતાં આપણે કરોડો લોકોને નિયમિત બે ટંકનું ભોજન અને માથે સુરક્ષિત છત, ઘરમાં પીવાનું પાણી, સૂવા માટે સગવડભર્યો બેડ આપી શકવા સક્ષમ બન્યા નથી એ કમનસીબી ગણાવી જોઈએ.
કોરોનાની મહામારીએ એક કરોડ લોકોને સ્થળાંતર માટે મજબૂર બનાવ્યા
કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં એક કરોડ કરતાં વધુ લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું. કોરોના મહામારી ત્રાટકી ત્યારે શહેરો-કસ્બાઓમાં રહેતા લાખો લોકોએ છેવાડાંના ગામડાંમાં જઈને રહેવા મજબૂર બનવું પડયું હતું. આમેય હિંસા અને કુદરતી આફતોના કારણે દુનિયામાં ચાર કરોડ લોકો પોતાના દેશમાં જ વિસ્થાપિત થઈને જીવન જીવે છે. દુનિયામાં સરેરાશ ૯૫ લોકોમાંથી એક વ્યક્તિ રેફ્યુજી છે અથવા સ્થળાંતર કરીને પોતાના વતનથી દૂર ક્યાંક રહેવું પડે છે. ૮૬ ટકા શરણાર્થીઓ વિકાસશીલ દેશોમાં રહે છે.
2018 થી 2020 દરમિયાન 10 લાખ બાળકો રેફ્યુજી કેમ્પમાં જન્મ્યા
ઉપર આભ ને નીચે જમીન હોય એવી સ્થિતિમાં રહેતા લોકોના કમભાગી બાળકો એક પણ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હોય એવી સ્થિતિ પણ સર્જાય છે. વિવિધ દેશોમાંથી ભાગીને કોઈ બીજા જ દેશના શરણાર્થી કેમ્પોમાં રહેતા પેરેન્ટ્સને ત્યાં ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન લગભગ ૧૦ લાખ બાળકોનો જન્મ થયો હતો. એમાંથી અડધો અડધ બાળકોને શાળા નસીબ થતી નથી. એમનું જીવન પણ તેમના માતા-પિતાની જેમ યાતનામાં જ વીતે છે.
અમેરિકાની ઘટતી સૈન્ય સક્રિયતા તાઈવાન ગળી જવામાં ચીનને મદદ કરશે!
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
યુક્રેન-રશિયાના યુદ્ધ પહેલાં અમેરિકા જેવું ગાજતું હતું એવું વરસ્યું નહીં. સૈન્યશક્તિ, કૂટનીતિ કે આર્થિક પ્રતિબંધો જેવા શસ્ત્રો અમેરિકાએ ઉગામ્યા છતાં રશિયા ઉપર તેની અસર ન થઈ. એ પછી હવે જિનપિંગ તાઈવાનને ગળી જાય તો નવાઈ નહીં રહે.
વિદેશનીતિમાં હોંકારા-પડકારા કરવા, ગર્ભિત ધમકીઓ આપવી, ચિમકીભર્યા નિવેદનો વહેતા કરવા, પ્રતિબંધોની વાતો વહેતી કરવી, તંગદિલી વચ્ચે સંવાદ સાધવાની ઈચ્છા જાહેર કરવી, સંવાદ ચાલતો હોય ત્યારે એક બીજા દેશનું નાક દબાવવા ઉશ્કેરણીજનક બયાન રજૂ કરવા, હરિફ દેશના હરિફ સાથે સોદા પાર પાડવા, એ દેશ સાથે મજબૂત સંગઠન કરવું, લશ્કરી કવાયત હાથ ધરવી વગેરેનું ખૂબ મહત્વ છે. એમાં મૂકાયેલા સંકેતનો અભ્યાસ કરીને વિદેશનીતિમાં સામ-સામી રણનીતિ ઘડાતી હોય છે. અમેરિકાને એમાં સારી ફાવટ છે. કોલ્ડવોરના સમયે હોંકારા-પડકારા કરીને જ આમ તો અમેરિકાએ રશિયાને પરાસ્ત કર્યું હતું. દુશ્મન દેશના સમર્થક એવા કોઈ નાના દેશમાં એક નહીં તો બીજી રીતે સૈન્ય ઉતારીને સૌથી મોટા દુશ્મન દેશને મેસેજ આપવો એ અમેરિકાની પદ્ધતિ રહી છે. શક્તિશાળી સૈન્યનું શક્તિપ્રદર્શન કરીને અમેરિકા ધાર્યા નિશાન પાર પાડતું આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક પ્રમુખો બદલાયા છતાં અમેરિકાની વિદેશનીતિમાં ધરમૂળથી કહેવાય એવા ફેરફારો બહુ થયા નથી.
પરંતુ છેલ્લાં થોડા સમયમાં જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તે હવે અમેરિકાના આધિપત્ય બાબતે ફેરવિચારણા કરવા પ્રેરે છે. અમેરિકા હોંકારા-પડકારા કરીને કામ કઢાવી જાણે છે તે જગજાહેર થઈ ચૂક્યું છે. વૈશ્વિક સંસ્થાઓને માતબર ફંડિંગ આપીને પોતાની તરફેણમાં લાવવાની અમેરિકાની વ્યૂહરચના હવે અછતી રહી નથી. ઈનફેક્ટ, ચીન અદ્લ એ જ સ્ટ્રેટેજી અજમાવતું થઈ ગયું છે. કોરોના મહામારી વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વલણ ચીન તરફ નરમ રહેતું હતું તેનું એક કારણ ચીનની ફંડિંગ સ્ટ્રેટેજી હતી, જે અમેરિકા પાસેથી કોપી-પેસ્ટ થઈ હતી! અમેરિકાની મોનોપોલી હવે છ-સાત દશકામાં પૂરી થઈ હોય એવી ઘટનાઓ એક પછી એક બની રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્યને પાછું બોલાવાયું ત્યારે જ વિશ્વભરના નિષ્ણાતોએ એ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો હતો. યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકાના નેતૃત્વમાં નાટોના સૈન્યની સક્રિયતા વખતે એવી ધારણા હતી કે અમેરિકા યુક્રેનને બચાવવા ખરેખર આક્રમક બનશે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ નોતરશે. પરંતુ રશિયાએ હુમલા શરૂ કર્યા ત્યારે અમેરિકાએ ધમકીઓ આપીને કામ ચલાવ્યું. યુક્રેનને રશિયા પાયમાલ કરવા જાણે એકલું મૂકી દીધું. અમેરિકાના ભરોસે યુક્રેને રશિયા સામે લડવાની તૈયારી બતાવી હતી, પરંતુ રશિયાને એક પણ રીતે દબાવવામાં અમેરિકાને સફળતા ન મળી. માત્ર ઠાલી ધમકીઓ આપીને કામ કઢાવી લેવાનો અમેરિકાનો વ્યૂહ ખુલ્લો તો પડયો જ, બેઅસર ય સાબિત થયો.
અમેરિકાના વાદળો માત્ર ગર્જના કરશે, વરસશે નહીં એ જોયાં પછી રશિયા તો આક્રમક બન્યું જ બન્યું, ચીન પણ સક્રિય થયું છે. યુક્રેન-રશિયાની આખી સ્થિતિના આધારે, એ જ પદ્ધતિથી ચીન તાઈવાન ઉપર હુમલો કરીને ચીનનો અભિન્ન હિસ્સો બનાવી દેવાની તૈયારીમાં પડી ગયું છે. દુનિયાનું ધ્યાન રશિયા-યુક્રેન કટોકટી ઉપર મંડાયેલું હોવાથી ચીન-તાઈવાનની ગતિવિધિ ખાસ નજરે ચડતી નથી. અવારનવાર તાઈવાનની વાયુસીમામાં ઘૂસી જતાં ચીનના યુદ્ધવિમાનો ગમે ત્યારે તાઈવાનના એકાદ શહેરને નિશાન બનાવી શકે છે. યુક્રેન તો હજુય મોટો દેશ છે અને લડત આપી શકવાની સ્થિતિમાં છે. તાઈવાન-ચીનના કિસ્સામાં તો એવી શક્યતા જ ઓછી છે. તાઈવાનનું ચીનને લડત આપવાનું કોઈ જ ગજુ નથી. ચીને યુદ્ધજહાજોનો કાફલો પણ તાઈવાનની જળસીમા નજીક ગોઠવીને રાખ્યો છે. તાઈવાને અનેક વખત એવી દહેશત વ્યક્ત કરી છે કે ચીન ગમે ત્યારે હુમલો કરી શકે છે. ચીનની છેલ્લાં થોડા દિવસની ગતિવિધિના આધારે ફરીથી એ ભીતિ ઉપસી છે. આ સપ્તાહે ચીનના નવ યુદ્ધવિમાનોનો કાફલો તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસ્યો હતો. શક્તિપ્રદર્શન કરીને એ કાફલો પાછો ફર્યો હતો.
એ ઘટનાના થોડા દિવસ પછી ચીન તરફથી ફુગ્ગા ઉડતા ઉડતા તાઈવાનમાં આવી પહોંચ્યા હતા. એ લશ્કરી ફુગ્ગાઓ હવામાનનો અભ્યાસ કરી રહ્યા હોવાનો દાવો થયો હતો, પરંતુ ફુગ્ગાના આધારે એક મેપ બનતો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. યુક્રેન-રશિયાના કિસ્સામાં અમેરિકાની ખાસ અસર વર્તાઈ નહીં એ સમજ્યા પછી ચીને તાઈવાન નજીક સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે. યુક્રેન મુદ્દે રશિયાને સમર્થન આપીને ચીન તાઈવાનના કેસમાં રશિયાનું સમર્થન મેળવશે. અમેરિકાના ઠાલા હોંકારા-પડકારા કરીને ડરાવશે, કોઈ એક્શન લેશે નહીં એ માન્યતા યુક્રેન-રશિયા કટોકટીમાં વધુ સ્ટ્રોંગ બની છે. ચીન તેનો ફાયદો ઉઠાવવા બેતાબ છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનની ચર્ચા શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન સાથે ઝંપલાવવા માગે છે એટલે પ્રમુખપદની ચૂંટણી હાર્યા પછી ય બાઈડનની નીતિની ટીકા કરતા રહે છે. બાઈડનની વિદેશનીતિને ભૂલભરેલી ગણાવીને ટ્રમ્પે એકથી વધુ વખત ઝાટકણી કાઢી છે. અફઘાનિસ્તાનમાંથી સૈન્યને પાછું ખેંચવાના બાઈડનના નિર્ણયની પણ ટ્રમ્પે ટીકા કરી હતી. યુક્રેન-રશિયાના મુદ્દે અમેરિકાએ માત્ર ગર્જના કરી તેને ટ્રમ્પે ખૂબ જ આઘાતજનક ગણાવીને બાઈડનને વિદેશનીતિમાં, કૂટનીતિમાં સરિયામ નિષ્ફળ ગણાવ્યા હતા. અમેરિકાએ નાટોના સૈન્યને એક્ટિવ કરવાની જરૂર હતી એમ માનતા ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું હતું કે બાઈડને અફઘાનિસ્તાન અને યુક્રેનના કેસમાં પીછેહઠ કરીને અમેરિકાનું આધિપત્ય ઓછું કર્યું છે. પૂર્વ પ્રમુખના કહેવા પ્રમાણે યુક્રેન-રશિયાના કેસને જોયા પછી ચાલાક જિનપિંગ તાઈવાન ઉપર હુમલો કરશે અને યુક્રેન-રશિયાને ટાંકીને વિશ્વને એમાં દખલગીરી કરતા અટકાવશે. ટ્રમ્પે કહ્યુંઃ ચીનના ચાલાક પ્રમુખ જિનપિંગ બધુ જ જોઈ રહ્યા છે. ચીનના પ્રમુખ તો યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકા બેઅસર દેખાયું તેનાથી ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે. અમેરિકાનું શાસન બેવકૂફ લોકોના હાથમાં હોવાથી તાઈવાનના સાર્વભૌમત્વ સામે પડકાર ખડો થયો છે.
ટ્રમ્પના આ નિવેદન પછી વિશ્વભરના વિદેશનીતિના નિષ્ણાતો તાઈવાન ચીનના હુમલાનો ભોગ બનશે એવી દહેશત વ્યક્ત કરવા લાગ્યા છે. આ બંનેનું જોઈને બીજા દેશો પણ આવું કરતા થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!
વર્લ્ડ અપડેટ
- યુક્રેન ઉપર રશિયાના હુમલા પછી એપલ, નેટફ્લિક્સ, ગૂગલ જેવી ટોચની કંપનીઓએ રશિયામાં સર્વિસ બંધ કરી હતી. વિશ્વભરની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓએ આ રીતે રશિયા ઉપર દબાણ લાવવાની કોશિશ કરી હતી.
- યુક્રેન-રશિયા કટોકટીના કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે. ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. ભાવ કાબૂમાં રહે તે માટે અમેરિકા ત્રણ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ દુનિયાને આપશે. એમાં ૩૦ દેશોનો સહકાર મળશે.
- વર્લ્ડ બેંકે રશિયા અને બેલારૂસના બધા જ પ્રોજેક્ટને રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. યુક્રેન ઉપર થયેલા હુમલાના વિરોધમાં વર્લ્ડ બેંકે આ પગલું ભર્યું હતું.
- ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. અમેરિકાએ શરૂઆતથી જ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો એ પછી અમેરિકાને વધુ એક બહાનુ મળી ગયું છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના અધિકારીઓ છૂટાછવાયા નિવેદનો આપીને કહી રહ્યા છે કે અમેરિકા ભારત ઉપર પ્રતિબંધ મૂકશે.
યુક્રેન કટોકટી : રશિયા પર ભારત આર્થિક-સંરક્ષણ ક્ષેત્રના પ્રતિબંધ મૂકે તે માટે અમેરિકા-યુરોપનું દબાણ
રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તે સાથે જ દુનિયામાં મહાયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. નાટોના ૩૦ સભ્યદેશો એમાં જોડાશે એ પછી રશિયાની તરફેણના દેશો પણ સામેલ થઈ શકે છે, ભલે સીધી રીતે ભારત યુદ્ધમાં ન જોડાય છતાં સંરક્ષણ અને આર્થિક બાબતોમાં અસર પડયા વગર રહેશે નહીં
અમેરિકા-રશિયાના ઘર્ષણથી ચીનને ફાયદો
નેપાળ : અમેરિકા-ચીનની પાવરગેમનો શિકાર બનેલો દેશ
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન. જ્યોર્જ બુશે અમેરિકાની આ એજન્સીની સ્થાપના ૨૦૦૪માં કરી હતી. ધનવાન અને ગરીબ દેશો વચ્ચે સેતુ રચાય તે માટે આ એજન્સી બની હોવાનું એ વખતે જ્યોર્જ બુશે કહ્યું હતું. એ એજન્સીના માધ્યમથી અમેરિકાએ ગરીબ દેશોને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. વિકાસ સાધવા માગતા દેશો જો અમેરિકાએ નક્કી કરેલા માપદંડોમાં બંધ બેસે તો તેમને રસ્તા બાંધવા કે વીજ ઉત્પાદન કરવામાં અમેરિકા કરશે એવી જાહેરાત થઈ હતી. એ માટે પહેલા વર્ષે જ અમેરિકન કોંગ્રેસે ૬૫ કરોડ ડોલરનું ફંડ ફાળવ્યું હતું. આ એજન્સીની સ્થપના થઈ તેના પહેલા જ વર્ષે ૧૭ દેશો એ ગ્રાન્ટ મેળવવા માન્ય ઠર્યા હતા. જોકે, વિવિધ પ્રક્રિયા ચાલતી રહી એટલે ૨૦૦૬ સુધી એકેય દેશને ગ્રાન્ટ મળી ન હતી. માડાગાસ્કર અને હોન્ડુરાસ આ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવનારા પ્રથમ બે દેશો બન્યા હતા. ગરીબ-અમીર દેશો વચ્ચે સેતુ બનાવવાના ભાગરૂપે શરૂ થયેલી આ એજન્સીના માધ્યમથી અમેરિકાનો મૂળ હેતુ આવા દેશો ઉપર પ્રભાવ વધારવાનો હતો. ખાસ તો રશિયા- ચીનના વધતા પ્રભાવ વચ્ચે અમેરિકાએ જગત જમાદારી જાળવી રાખવા માટે આ ગ્રાન્ટ શરૂ કરી હતી.
વર્લ્ડ અપડેટ
રશિયાના સમર્થક દેશ બેલારૃસે અણુ બોમ્બની ધમકી આપી હતી. બેલારૃસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકોએ કહ્યું હતું કે જો અમારા ઉપર ખતરો આવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરીશું
બ્રાઝીલમાં પૂરપ્રકોપ પછી જમીન ધસી પડવાની ઘટનાઓમાં ૧૦૦નાં મોત, ૫૦૦ લોકો બેઘર થયા
કોરોનાનો નવો વેરિઅન્ટ આવી ગયો હોવાનો દાવો બ્રિટનના નિષ્ણાતોએ કર્યો હતો. બ્રિટનમાં નવા વેરિઅન્ટ ડેલ્ટાક્રોનનો કેસ નોંધાયો હોવાનો દાવો થયો હતો.
દુનિયામાં પ્રથમ વખત એચઆઈવી સંક્રમિત મહિલાનો ઈલાજ થયો. અમેરિકાના તબીબોએ સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટથી સારવાર કરી.
નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ : યુક્રેન-રશિયા સંઘર્ષનું મૂળ કારણ
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી ગેસનો પૂરવઠો શરૂ થાય તો યુરોપ ઉપર રશિયાનું પ્રભુત્વ વધી જાય અને અમેરિકાની પક્કડ ઢીલી પડી જાય
'કમ ટુ ધ પોઈન્ટ'. આપણે સાધારણ વાતચીતમાં આવું કહેતા હોઈએ છીએ. 'આડા-અવળી વાતોને બદલે ફટાફટ મુદ્દા પર આવી જા!' આવું સાધારણ વાતચીતમાં જેટલી સરળતાથી કહી શકાય છે એટલી સરળતાથી વૈશ્વિક કૂટનીતિમાં કહી શકાતું નથી. કેટલાય મહિનાઓ સુધી આડા-અવળા મુદ્દા ઉઠાવ્યા પછી ઘણી વખત મૂળ મુદ્દાની ચર્ચા થતી હોય છે. રશિયા-યુક્રેન કટોકટીમાં મહિનાઓથી નાટો, રશિયાની લશ્કરી તૈનાતી, ક્રીમિયાના કબજાનો જૂનો ઝઘડો સહિતના જુદા-જુદા વિષયોની ચર્ચા થતી હતી, હવે બધા પક્ષો પોઈન્ટ ઉપર આવતા જાય છે. એ ટોકિંગ પોઈન્ટ છે - નોર્ડ સ્ટ્રીમ-૨ ગેસ પાઈપલાઈન.
અમેરિકા-યુક્રેનના પેટમાં દુઃખાવાનું કારણ આ ગેસ પાઈપલાઈન છે. એ સિવાયના મુદ્દા પણ સંઘર્ષ પાછળ જવાબદાર છે જ, પરંતુ એ બધા ગૌણ છે.
વાત એમ છે કે રશિયાની સરકારી કંપની ગાઝપ્રોમે ૧૯૯૭માં રશિયાથી જર્મની સુધી કુદરતી ગેસ પહોંચાડવા માટે પાઈપલાઈનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પ્રોજેક્ટમાં જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા સહિતના દેશોની કંપનીઓ પણ સહભાગી બની હતી. એને નામ અપાયું નોર્ડ સ્ટ્રીમ-૧ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ. ૨૦૧૨થી આ ગેસ પાઈપલાઈન ધમધમતી થઈ ગઈ અને તેના વાટે ગેસ રશિયાથી જર્મની પહોંચવા માંડયો. જર્મની ઉપરાંત યુરોપમાં પણ આ પાઈપલાઈનના માધ્યમથી ગેસ પહોંચતો હતો. એની સફળતા જોઈને રશિયાએ બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેને નામ આપ્યું : નોર્ડ સ્ટ્રીમ-૨ ગેસ પાઈપલાઈન. આ પાઈપલાઈનમાંથી વર્ષે ૧૧૦ અબજ મેટ્રિક ટન ગેસની નિકાસ થઈ શકે તેમ છે. ૨૦૨૦ સુધીમાં એ ધમધમતી થાય તેમ હતી, પરંતુ વિવિધ કારણોથી યુરોપના દેશમાંથી જરૂરી પરવાનગી અટકી જતાં તે હજુ સુધી કાર્યરત થઈ નથી.
![]() |
| બાલ્ટિક સમુદ્રના તળિયે રશિયાએ બિછાવેલી ગેસની બંને પાઈપલાઈનનો નકશો |
પ્રોજેક્ટમાં રશિયા-જર્મની-ફ્રાન્સ-ઓસ્ટ્રિયાની કંપનીઓ જોડાયેલી છે તો પછી યુક્રેન અમેરિકાને શું પેટમાં દુઃખે છે? સવાલનો જવાબ વિસ્તારથી સમજીએ. આ ગેસની પાઈપલાઈનથી રશિયા ગેસની નિકાસમાં આત્મનિર્ભર બની ગયું છે. અગાઉ રશિયાથી ગેસની નિકાસ થતી એ યુક્રેન અને પોલેન્ડમાંથી થતી હતી. તેના કારણે આ દેશોને ટ્રાન્ઝિટ ફી પેટે માતબર રકમ મળતી હતી. ખાસ તો યુક્રેનને હજુય ગેસની નિકાસ બદલ બે અબજ ડોલરની ટ્રાન્ઝિટ ફી મળે છે.
રશિયાએ યુક્રેન-પોલેન્ડને બાયપાસ કરવા માટે બાલ્ટિક સમુદ્રનો માર્ગ પસંદ કર્યો. રશિયાના બે અલગ અલગ સ્થળો - વાયબોર્ગ અને ઉસ્ટલુગાથી જર્મનીના ગ્રીફ્સવાલ્ડ સુધી મધદરિયે બિછાવેલી પાઈપલાઈન મારફતે ગેસનો વિપુલ જથ્થો પહોંચે છે. જો બીજી પાઈપલાઈન કાર્યરત થઈ જાય તો રશિયાને યુક્રેન-પોલેન્ડના માર્ગની જરૂર ન પડે. તેની સાથે સાથે તેનો પ્રભાવ યુરોપમાં વધવા માંડે. યુક્રેન-પોલેન્ડને ટ્રાન્ઝિટ ફી ગુમાવવી પડે એનું દુઃખ છે અને અમેરિકાને પેટમાં દુઃખે છે રશિયાના વધતા પ્રભાવથી.
યુરોપમાં રશિયાથી પહોંચતા કુદરતી ગેસની ડિમાન્ડ છે. નોર્વેમાંથી પણ કુદરતી ગેસ યુરોપના દેશોને મળે છે, પરંતુ નોર્વે આખા યુરોપને પૂરો થઈ શકે એટલો જથ્થો આપી શકે તેમ નથી. યુરોપના દેશોને રશિયન ગેસ ઉપર આધાર રાખવા સિવાય કોઈ છૂટકો નથી. મધ્ય-પૂર્વ, એશિયા-અમેરિકાથી આવતો ગેસ મોંઘો પડે.
આ ગેસનો પ્રોજેક્ટ રશિયાની વિદેશનીતિનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. રશિયા આનાથી આર્થિક ઉપરાંત વિદેશી સંબંધો પણ મજબૂત કરવા ધારે છે. નોર્ડ સ્ટ્રીમ-૧થી તેને એમાં ઘણી સફળતા પણ મળી છે. અબજો ડોલરની ટ્રાન્ઝિટ ફી પ્રથમ પ્રોજેક્ટથી બચી ગઈ છે. આગામી પ્રોજેક્ટથી યુક્રેન-પોલેન્ડને આપવી પડતી ટ્રાન્ઝિટ ફી બચી જાય તો રશિયા યુરોપને સસ્તો ગેસ આપી શકે. અથવા આગામી દશકામાં જે સંભવિત ભાવવધારો છે તે ટાળી શકાય. એવું થાય તો રશિયા યુરોપના દેશો માટે જરૂરી દેશ બની જાય. અમેરિકા સાથેના સંરક્ષણ સોદાથી લઈને વિદેશ નીતિ સુધીમાં રશિયા યુરોપના દેશો પર સીધો કે આડકતરો પ્રભાવ પાડી શકે. રશિયા યુરોપના દેશોને સાધીને અમેરિકાના નેતૃત્વમાં સર્જાયેલા નાટો સામે નવી ધરી સર્જી શકે. ખાસ તો જર્મની અને ફ્રાન્સને પોતાની તરફ કરીને અમેરિકા-બ્રિટનના ગઠબંધન ઉપર ભારે પડી શકે.
જગત જમાદાર થઈને ફરતા અમેરિકાનો પ્રભાવ યુરોપમાં ઓછો થઈ જાય તો લાંબાંગાળે ઘણી બધી બાબતોમાં એની અસર થાય. શસ્ત્રોનું વેંચાણ ઘટી જાય. અમેરિકાની વિવિધ નિકાસો ઉપર તેની અસર થાય. અમેરિકા સામે રશિયા-ચીનની જોડી ભારે પડવા માંડે અને અમેરિકા એ સ્થિતિ ન સર્જાય તે માટે યુક્રેનના મુદ્દે રશિયાને દાબમાં લેવા ધારે છે. ગેસના મુદ્દાને સીધો ઉઠાવે તો ફ્રાન્સ-જર્મની જેવા દેશોનું સમર્થન ન મળે, પરંતુ યુક્રેનની અખંડિતતાના નામે અમેરિકા યુરોપના દેશોનું અને ખાસ તો નાટોના સભ્ય દેશોનું સમર્થન મેળવી શકે તેમ છે. યુક્રેન-રશિયા વચ્ચે ક્રીમિયાના મુદ્દે તો સંઘર્ષ ચાલતો જ હતો. એમાં રશિયાએ નોર્ડ સ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ આગળ વધાર્યો એટલે યુક્રેન વધુ નારાજ થયું. નારાજ યુક્રેનને પોતાની તરફ વાળવા અમેરિકાએ તેને નાટોમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. યુરોપિયન સંઘનો ભાગ રહેલું યુક્રેન નાટોમાં જોડાય તો સભ્ય દેશની સુરક્ષાના બહાને અમેરિકાની આગેવાનીમાં નાટોનું સૈન્ય રશિયાની સરહદે ખડકાયેલું રહે અને રશિયાને સતત ઉભડક જીવે રહેવું પડે. એવું ન થાય તે માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અમેરિકા સામે તેનો ઉગ્ર વિરોધ ઉઠાવી રહ્યા છે. જો નાટોનું સૈન્ય પૂર્વ સોવિયેટ દેશોમાં તૈનાત રહેશે તો પોતાના નાગરિકોની સુરક્ષા માટે રશિયા પગલાં ભરશે એવી ધમકી પછી અમેરિકાએ પણ આક્રમક નિવેદનો શરૂ કર્યા અને સ્થિતિ વધુને વધુ તંગ બની ગઈ.
જોવાની વાત એ છે કે અમેરિકા જેટલી ઝડપથી નિવેદનો આપે છે એટલી ઝડપથી રશિયાએ બાજી ખોલી નથી. પુતિને એક તરફ યુદ્ધનો ભય જાળવી રાખીને ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીથી શાંતિમંત્રણા પણ ચાલુ રાખી છે. જર્મનીના ચાન્સલર ઓલાફ સ્લોઝના ખભે બંદૂક રાખીને અમેરિકન પ્રમુખ જો બાઈડને રશિયાને નોર્ડ સ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ ઉપર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપી જોઈ, પરંતુ ઓલાફ સ્લોઝ ધારણા કરતા વધુ ચાલાક નીકળ્યા. તેમણે રશિયાને ધમકી તો આપી, પણ એમાં નોર્ડ સ્ટ્રીમનો ઉલ્લેખ ટાળ્યો. જર્મની-ફ્રાન્સ જેવા દેશો બરાબર સમજે છે કે રશિયન ગેસ તેમના માટે ખૂબ જ જરૂરી છે. રશિયાએ એક ડગલું આગળ ચાલીને પહેલેથી જ ગેસના જથ્થાની નિકાસ ઘટાડી દીધી છે અને ભાવમાં પણ થોડોક વધારો કર્યો છે. એવું કરીને રશિયાએ યુરોપના દેશોને સંકેત આપ્યો છે કે ગેસની પાઈપલાઈન રશિયાના નાકે દબાવીને ભીંસ વધારશો તો આઘાત સામે પ્રત્યાઘાત પણ ઝીલવો પડશે.
વેલ, તો મૂળ સવાલ એ છે હવે શું થશે? યુક્રેનને નાટોનું સભ્ય ન બનાવવાની રશિયાની શરતો પૂરેપૂરી તો સ્વીકારી લેવાશે નહીં, પરંતુ થોડા વર્ષો માટે ટાળી દેવાશે. સામે રશિયા યુક્રેન સરહદેથી સૈન્ય પાછું ખેંચી લેશે. નાટોની ઘૂસણખોરી અટકી જશે. ગેસનો અમુક જથ્થો યુક્રેનના માર્ગે જર્મની પહોંચશે એટલે ટ્રાન્ઝિટ ફી મળતી રહેશે. બધું થાળે પડતા કદાચ સમય લાગશે, પરંતુ યુદ્ધ નહીં થાય એ નક્કી છે. એ બધા વચ્ચે થોડાક સમય બાદ રશિયાની નોર્ડ સ્ટ્રીમ-૨ પાઈપલાઈન શરૂ થઈ જશે. સરવાળે, આ વખતે રશિયાની નહીં, પરંતુ અમેરિકાની પીછેહઠ થાય એવી પૂરી શક્યતા છે.
પાકિસ્તાનને નાકે દમ લાવી દેનારી બલોચ આર્મી ફરીથી આક્રમક બની
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
બલૂચિસ્તાન બળવાખોરોના હુમલામાં 100 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઈકોનોમિક કોરિડોરના મુદ્દે બલૂચિસ્તાનમાં ધીમે ધીમે આંદોલન વધુ આક્રમક બનવા લાગ્યું છે. બલૂચિસ્તાનના નાગરિકોનું દેખીતું શોષણ હવે રોષ બનીને ભભૂકી રહ્યો છે
અખંડ ભારતમાંથી અલગ થયા બાદ પાકિસ્તાનના શાસકોએ અમુક ચોક્કસ વિસ્તારોમાં અત્યારો શરૂ કર્યા હતા. એમાં પૂર્વ પાકિસ્તાન અને બલૂચિસ્તાન મુખ્ય હતા. ભેદભાવ અને અત્યાચારોથી ત્રસ્ત પાકિસ્તાનના આ વિસ્તારોમાં જૂલ્મી શાસકોનો વિરોધ ૧૯૬૦ પછી વધ્યો હતો. એક તરફ પૂર્વ પાકિસ્તાનના લોકોએ બાંગ્લાદેશની મુક્તિ માટે આંદોલન શરૂ કર્યું હતું. એ જ અરસામાં બલૂચિસ્તાનમાં પણ એવી જ માગણી સાથે ૧૯૬૪માં બલોચ લિબરેશન આર્મીની રચના થઈ હતી. જે કામ બાંગ્લાદેશની આઝાદી માટે મુઝિબૂર રહેમાને કર્યું હતું. એ જ કામ બલૂચિસ્તાનની આઝાદીની માગણી સાથે ખૈર બખ્શ મિરીની આગેવાનીમાં બલોચ લિબરેશન આર્મીની સ્થાપના થઈ હતી. સરમુખ્તયાર અયુબ ખાનના શાસનકાળ દરમિયાન બલૂચિસ્તાનના મિરી જનજાતિના વિસ્તારમાં ઓઈલ અને ગેસ મેળવવા પાકિસ્તાની આર્મીએ અત્યાચારો શરૂ કર્યા અને એ જનજાતિના લોકોને તેમના મૂળ નિવાસ સ્થાનેથી ખસેડવા મજબૂર કર્યા. એ ઘટનાથી બલૂચભાષી લોકોમાં પાકિસ્તાન સરકાર પ્રત્યે નફરતનું વાવેતર થયું.
બલૂચિસ્તાનના લોકોની ચળવળ વિશે વાત આગળ વધારતા પહેલાં આ સંગઠનના વડાઓ વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ખૈર બખ્શ મિરી બલૂચિસ્તાનની બેઠક પરથી ૧૯૭૦માં ચૂંટાયા હતા, પરંતુ એ પછી સરકારે તેમને નિશાન બનાવતા એ અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંથી બલોચ આર્મીનું સંચાલન કરતા હતા. વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં રહ્યા પછી રશિયાના સમર્થનથી અફઘાનિસ્તાનમાં મોહમ્મદ નાઝીબુલ્લાહની સરકાર બની ત્યારબાદ ખૈર બખ્શ મિરી પાકિસ્તાનમાં આવ્યા હતા. ૨૦૧૪માં પાકિસ્તાનમાં જ તેમનું નિધન થયું હતું. જોકે, આ સંગઠન તેમના દીકરાઓની દોરવણીથી ચાલે છે. ખૈર બખ્શ પછી બલોચ લિબરેશન આર્મીની જવાબદારી તેમના બીજા નંબરના દીકરા બલાચ મિરીએ સંભાળી હતી. બલાચ મિરીનું ૨૦૦૭માં નાટોની એરસ્ટ્રાઈકમાં મોત થયું પછી તેનાથી નાનાભાઈ હૈયરબેર મિરીએ આઝાદીની ચળવળને આગળ વધારી છે.
પાકિસ્તાનના અત્યાચારી શાસકોએ બલૂચિસ્તાનના લોકોને સતત નિશાન બનાવ્યા. જેમ બાંગ્લાદેશમાં રહેતા લોકોની સાંસ્કૃતિક ઓળખ નાબુદ કરવા અત્યાચારો થયા એવા જ અત્યાચારો બલૂચિસ્તાનમાં પણ થયા. બલૂચિસ્તાનમાં બલૂચ નાગરિકો મૂળ નિવાસી છે. આ લોકો પાકિસ્તાન કરતાં ભિન્ન સાંસ્કૃતિ-સામાજિક ઓળખ ધરાવે છે. પાકિસ્તાને એને મિટાવવાની કોશિશ કરી ત્યારથી બલૂચ લોકોએ આઝાદીની ચળવળ આદરી. પોતાના અધિકારો માટે બલૂચ લોકોએ ૧૯૭૦ પછી સરકાર સામે બાંયો ચડાવી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ જે રીતે પાકિસ્તાનના જૂલ્મી શાસકો સામે લડીને આઝાદી મેળવી એવી જ રીતે બલૂચિસ્તાનના લોકોએ પણ લડત ચલાવીને આઝાદી મેળવવાની કોશિશ કરી જોઈ, પરંતુ પાકિસ્તાને બલૂચ નાગરિકોના પ્રયાસોને કચડી નાખ્યા. પૂર્વ પાકિસ્તાન સાથે ભૌગોલિક અંતર હતું તે ઉપરાંત ભારતની ઈન્દિરા સરકારની સક્રિય નીતિના કારણે બાંગ્લાદેશના નાગરિકોની ચળવળ સફળ થઈ એવી સફળતા બલૂચિસ્તાનના નાગરિકોને ન મળી. પરંતુ બલોચ નાગરિકોએ હાથમાં હાથ નાખીને બેસી રહેવાને બદલે પ્રયાસો હજુ સુધી ચાલુ રાખ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ૨૦૦૦ કરતાં વધુ લડવૈયાઓ આજેય એ લડત ચલાવી રહ્યા છે.
બાંગ્લાદેશ આઝાદ થયું પછી પાકિસ્તાનના શાસકોએ થોડો વખત બલૂચ આંદોલનને ઠારવાના પ્રયાસો પણ કર્યા. ઝીયાઉલ હકના સમયગાળામાં બલૂચ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી અને થોડો વખત મામલો શાંત પણ રહ્યો, પણ થોડાં વર્ષોમાં ફરીથી પાકિસ્તાનના ઝૂલ્મી શાસકોએ બલૂચ નાગરિકો સાથ ભેદભાવ શરૂ કર્યો. પાકિસ્તાની આર્મીએ આખા વિસ્તારમાં ત્રાસ વર્તાવ્યો. ૨૦૦૦ના વર્ષમાં પરવેઝ મુશર્રફે બલૂચ નાગરિકોને નેતા ખૈર બખ્શ મિરીની એક હુમલાના ષડયંત્રના આરોપમાં ધરપકડ કરી પછી આંદોલન ફરીથી તીવ્ર બન્યું. પાકિસ્તાની સરકારે આ આંદોલનકારી સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કર્યું છે. સંગઠનના હિંસક વિરોધના મુદ્દા આગળ ધરીને પાકિસ્તાને આ સંગઠન ઉપર યુરોપીયન સંઘ, અમેરિકામાં પણ પ્રતિબંધ મૂકાવ્યો છે.
પણ પાકિસ્તાન આ વિસ્તારમાં બલોચ લોકો પર જે અત્યાચાર કરે છે તેની કોઈ જ નોંધ લેવાતી નથી. પાકિસ્તાન આર્મી આ વિસ્તારમાં અમાનૂષી અત્યારો કરે છે. પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનના મૂળ નિવાસીઓની દીકરીઓ ઉપર સામુહિક બળાત્કારો કરે છે અને બલોચ આર્મી સાથે જોડાયેલા હોવાના મુદ્દે અનેક યુવાનોને રાતોરાત ઉઠાવી જાય છે. આ યુવાનોને મહિનાઓ સુધી ગુમ કરી દે છે. આતંકવાદનું લેબલ મારીને તેમને મુખ્ય પ્રવાહથી દૂર કરી દેવામાં આવે છે.
બલૂચિસ્તાનના નાગરિકોને સાંસ્કૃતિક અને સામાજિક રીતે અન્યાય કરવાની સાથે સાથે પાકિસ્તાનની સરકારો તેમને સરકારી નોકરીઓમાં પણ સમાન અધિકારોથી વંચિત રાખે છે. તેમની સાથે સતત એક નહીં તો બીજા મુદ્દે ભેદભાવ થાય છે. ન્યાય મળવાની અપેક્ષા તો ક્યારની બલોચ લોકોએ છોડી દીધી હતી. આખરે તેમણે પણ હિંસાનો માર્ગ અપનાવ્યો. હિંસાની એ આગ માત્ર બલૂચિસ્તાનમાં તૈનાત પાકિસ્તાની સૈનિકો સુધી સીમિત ન રહેતાં હવે આખા પાકિસ્તાનમાં ફેલાઈ ચૂકી છે. સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ ઝંખતા આ નાગરિકો હવે ઘાયલ થયેલા સિંહની જેમ પાકિસ્તાન આખામાં હાહાકાર મચાવે છે. બલોચ લિબરેશન આર્મીએ છેલ્લાં કેટલાય વર્ષોથી વધુ આક્રમક બનીને હુમલા કર્યા છે. તાજેતરમાં બલૂચિસ્તાનના પાંજગુર અને નૂશકી વિસ્તારોમાં તૈનાત પાક. સૈનિકો ઉપર હુમલો કર્યો હતો. એ હુમલામાં ૧૦૦ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો બલોચ આર્મીએ કર્યો હતો. જોકે, પાકિસ્તાને હુમલો નિષ્ફળ બનાવ્યાનું નિવેદન આપીને ચાર બલૂચી આતંકવાદીઓને ઠાર કર્યાનો વળતો દાવો કર્યો હતો.
બલૂચિસ્તાનમાં ચીનની હાજરથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તેમના હકનું ચીન લઈ જાય છે એવો આરોપ લગાવીને બલૂચ નાગરિકોએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ચીનના પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને નોકરીએ રાખવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન હવે હિંસામાં પરિણમ્યું છે. કોઈ પણ માગણી કે રજૂઆત માટે હિંસાનો માર્ગ યોગ્ય તો નથી જ, પરંતુ પાકિસ્તાની લશ્કરના અમાનૂષી ત્રાસ સામે બીજો કોઈ વિકલ્પ ન રહેતાં બલોચ આર્મીએ એ જ રસ્તો પકડીને પાકિસ્તાનને નાકે દામ લાવી દીધો છે.
વર્લ્ડ અપડેટ
- હાઈપરસોનિક એરક્રાફ્ટમાં માતબર ખર્ચ કરીને ચીન અમેરિકાથી આગળ વધવાની પેરવીમાં છે. ચીનની સ્પેસ ટ્રાન્સપોર્ટેશન નામની કંપનીએ ૨૦૨૪ સુધીમાં હાઈપરસોનિક વિમાન બનાવી લેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વિમાન એક કલાકમાં ચીનથી અમેરિકાના ન્યૂયોર્ક સુધી પહોંચી શકવા સક્ષમ હશે.
- રશિયાના લડાકુ વિમાનો સ્કોટલેન્ડ નજીક પહોંચી ગયાનો દાવો બ્રિટને કર્યો હતો. યુક્રેનની સરહદે નાટો સૈન્ય આગળ વધી રહ્યું હોવાના દાવા વચ્ચે રશિયાએ પરમાણુ હુમલો કરી શકવા સક્ષમ ટીયુ-૯૫ બોમ્બર વિમાનને બ્રિટિશ સરહદની નજીક ઉડાડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
- કોરોના વેક્સિન લેવાનો ઈનકાર કરનારા અમેરિકન સૈનિકો સામે કાર્યવાહી થશે. અમેરિકન આર્મીના ૩૩૦૦ સૈનિકોએ વેક્સિન લેવાનો ઈનકાર કર્યો હતો. એ પછી સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ તેમને નોટિસ પાઠવી છે. આર્મી, નેવી અને એરફોર્સના આ જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો દાવો અહેવાલોમાં થયો હતો.
- ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન તેની ફઈ સાથે જોવા મળ્યા હતા. કિમ જોંગ ઉને જ તેના ફુઆની ૨૦૧૩માં હત્યા કરાવી હતી. એ પછી પ્રથમ વખત ફઈને સાથે રાખીને કિમ પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
- શિકાગોના ૪૪ વર્ષના કેવિન દુગરે એક હત્યાના આરોપમાં ૧૭ વર્ષ જેલમાં પસાર કર્યા બાદ એ નિર્દોષ ઠર્યો હતો. તેના જોડિયા ભાઈ કાર્લ સ્મિથે સ્વીકાર્યું હતું કે કેવિન પર જે હત્યાનો આરોપ છે તે હત્યા ખરેખર તો તેણે કરી હતી. તેના ભાઈની કબૂલાત પછી કેવિનની માફી સાથે અમેરિકન સરકારે તેને મુક્ત કર્યો હતો.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળ્યો
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
ફ્રાન્સ અને જર્મનીની મધ્યસ્થી પછી આખરે રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી ઘટે એવો સંકેત મળ્યો છે. રશિયાએ યુક્રેન સરહદે સૈનિકો વધાર્યા એ પછી અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનના સૈનિકોની તૈનાતી પૂર્વી યુરોપમાં વધી હતી. તેના કારણે મહાયુદ્ધની ભીતિ વ્યક્ત થતી હતી
વિશ્વયુદ્ધ એક નાનકડી ઘટનામાંથી સર્જાઈ શકે છે. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યાએ પ્રથમ વિશ્વયુદ્ધને જન્મ આપ્યો હતો. ને જર્મનીએ પોલેન્ડ ઉપર હુમલો કર્યો તેનાથી બીજું વિશ્વયુદ્ધ સર્જાયું હતું. રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલીથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા હતા. યુક્રેન ઉપર રશિયા હુમલો કરશે તો અમેરિકા યુક્રેનની મદદ કરશે એવી અમેરિકન સરકારની જાહેરાત પછી ત્રીજા વિશ્વયુદ્ધની ભીતિ વ્યક્ત થવા લાગી હતી અને એમાંથી રસ્તો કાઢવા ઘણાં દેશો સક્રિય થયા હતા.
આમ તો વિશ્વયુદ્ધનો ખતરો છેલ્લાં એક દશકાથી મંડરાતો રહે છે. ચીન-અમેરિકા વચ્ચે તંગદિલીના એકથી વધુ કારણો છે. દક્ષિણ ચીની સમુદ્રથી લઈને તાઈવાન અને ટ્રેડવોર સહિતના મુદ્દે અમેરિકા-ચીન અનેક વખત સામ-સામે આવી ચૂક્યા છે. ચીન તો સતત પાડોશી દેશોને છંછેડતું રહે છે. ભારત-ચીન વચ્ચે પણ લદાખ સરહદનો વિવાદ હજુ ઉકેલાયો નથી. અમેરિકા-ઈરાન અને અમેરિકા-ઉત્તર કોરિયા જેવા દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદો પણ સપાટી ઉપર આવતા રહે છે, પરંતુ યુક્રેન-રશિયાના મોરચે અચાનક જે ઘટનાઓ આકાર પામી તેનાથી મહાયુદ્ધનો ખતરો વધી ગયો હતો.
બાલ્ટિક સમુદ્રમાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનનું લશ્કર તૈનાત થઈ ગયું હતું. યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોની તૈનાતી એક તરફ વધતી જતી હતી. બીજી તરફ રશિયાએ યુક્રેન સરહદે લાખો સૈનિકો ગોઠવી દીધા હતા. રશિયા અમેરિકાને છેલ્લાં બે-ત્રણ મહિનામાં બે-ત્રણ વખત યુક્રેન કટોકટી નિવારવા રજૂઆત કરી ચૂક્યું છે. રશિયાની માગણી એવી હતી કે નાટોનું સૈન્ય તેમની સરહદોની આસપાસ હશે એ બિલકુલ સ્વીકારી લેવાશે નહીં. રશિયાએ તેને પોતાના દેશ માટે ખતરો ગણાવ્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શબ્દો ચોર્યા વગર નવેમ્બરમાં કહ્યું હતુંઃ રશિયા અમેરિકા માટે ખતરો બનીને સૈન્ય તૈનાત કરી રહ્યું નથી, પરંતુ નાટોનું નેતૃત્વ લઈને અમેરિકન સૈન્ય રશિયાના બારણે ટકોરા મારી રહ્યું છે. આ સ્થિતિ બિલકુલ ચલાવી શકાય તેમ નથી. રશિયન નાગરિકો ઉપર હુમલાનું જોખમ કાયમ મંડરાતું રહે તે અયોગ્ય છે. સરકાર રશિયન નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તેના માટે જે કંઈ પગલાં ભરવા પડશે તે ભરશે.
નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં ૩૦ સભ્યદેશો છે. સંગઠનમાં ૨૭ દેશો યુરોપના છે. યુક્રેન નાટોનું સમર્થક છે અને ટૂંક સમયમાં નાટો સાથે જોડાશે. અત્યારે રશિયાની છ ટકા સરહદ નાટોના સમર્થક કે સભ્ય દેશો સાથે જોડાય છે. રશિયાને મૂળ ખતરો આ છે. નાટો સંગઠનમાં જોડાયેલા પાડોશી દેશોને સાધીને અમેરિકા એક પછી એક સરહદે નાટોના નેજા હેઠળ પોતાનું સૈન્ય અને હથિયારો સુરક્ષાના નામે ગોઠવે તો ભવિષ્યમાં સતત હુમલાનું જોખમ મંડરાતું રહે. આ સ્થિતિ ન સર્જાય તે માટે રશિયા નાટોની હાજરીનો વિરોધ કરે છે.
યુક્રેનના બહાને અમેરિકા રશિયા ઉપર ભીંસ વધારતું રહે છે, જેનો રશિયન પ્રમુખે સખ્ત વિરોધ કર્યો અને તેના કારણે મહાયુદ્ધની દહેશત સર્જાઈ હતી. છેલ્લાં બે વિશ્વયુદ્ધ આ જ પેટર્નથી સર્જાયા હતા. કોઈ બે કે ત્રણ દેશો વચ્ચે ઘર્ષણ થાય અને પછી એમાં અન્ય દેશો જોડાતા જાય. ધીમે ધીમે દુનિયાભરના મહત્વના દેશો યુદ્ધમાં જોતરાઈ એટલે વિશ્વયુદ્ધ ફાટી નીકળે. બીજા બધા દેશોના ઘર્ષણ કરતા રશિયા-યુક્રેનની કટોકટીમાં આ પેટર્ન વધારે જોવા મળી રહી છે. નાટોના સંગઠનનું નેતૃત્વ અમેરિકા કરે છે એટલે નાટોના દેશો એમાં જોતરાઈ જાય. સ્થિતિ વણસે તો યુદ્ધ માટે ભરાઈ રહેલું ચીન રશિયાની પડખે ઉભું રહે. એને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની હાજરી ખટકી રહી છે. એટલે એ અમેરિકા સામે ઘર્ષણમાં ઉતરે. બાલ્ટિક દેશો - લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયાને પણ પોતાના બચાવમાં યુદ્ધમાં જોડરાવું પડે. ચીન અને રશિયાના સમર્થક દેશો પણ એક પછી એક યુદ્ધમાં ઉતરે. યુદ્ધમાં ન ઉતરે એવી સ્થિતિમાં વિવિધ કરારોના કારણે તેમના લશ્કરી મથકોનો ઉપયોગ થાય. સરવાળે દુનિયાભરમાં તેની અસર થાય. દુનિયા યુદ્ધમાં ધકેલાય તો કોરોના મહામારી વચ્ચે નવેસરથી જગતના લોકોએ સંઘર્ષ કરવો પડે. વિશ્વમાં અરાજકતા સર્જાઈ જાય અને તેનાથી અબજો રૃપિયાની ખૂંવારી થાય એ અલગ.
આ સ્થિતિને કોઈ પણ રીતે ઠંડી પાડવા ફ્રાન્સ-જર્મનીએ પ્રયાસો આદર્યા હતા. એ પ્રયાસોને હાલ પૂરતી સફળતા મળી છે. પેરિસમાં થયેલી બેઠકમાં યુક્રેન અને રશિયા યુદ્ધવિરામ માટે સહમત થયા છે. ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે આઠ કલાક સુધી વિવિધ મુદ્દે ચર્ચા ચાલી હતી. કાયમી ઉકેલ માટે બંને દેશો એક મહિના પછી મળવા માટે સહમત પણ થયા છે. હાલ પૂરતો બંને દેશો વચ્ચે બિનશરતી શસ્ત્રવિરામ જાહેર થયો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ તેને બહુ જ મહત્વનું પગલું ગણાવીને બંને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજા તબક્કાની બેઠક હવે જર્મનીના બર્લિનમાં થશે. ૨૦૧૯ પછી પ્રથમ વખત રશિયા-યુક્રેને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. હજુય બંને દેશો સરહદે શસ્ત્રવિરામનું પાલન કરશે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
યુક્રેન-રશિયાની લશ્કરી શક્તિ
રશિયા
30 લાખ સૈનિકો
1500 લડાકુ વિમાનો
12,500 ટેન્ક
30,100 બુલેટપ્રૂફ વાહનો
540 હેલિકોપ્ટર્સ
યુક્રેન
11 લાખ સૈનિકો
100 લડાકુ વિમાનો
2600 ટેન્ક
12,300 બુલેટપ્રૂફ વાહનો
35 લશ્કરી હેલિકોપ્ટર્સ
ક્રીમિયા : રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ
સંયુક્ત રશિયાનું વિભાજન થયું ત્યારે ક્રીમિયા ટાપુનો કબજો યુક્રેનને મળ્યો હતો. આ ટાપુ રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ છે. ક્રીમિયા પર રશિયા અને યુક્રેન બંને દાવો કરતા હતા. એ મુદ્દે વર્ષો સુધી વાટાઘાટો ચાલી હતી. ૨૦૦૩માં બંને દેશો વચ્ચે સંધિ થઈ હતી. ત્યારથી વિવાદ થાળે પડયો હોય એવું લાગતું હતું, પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ૨૦૧૦ પછી ફરીથી એ મુદ્દે આક્રમક વલણ બતાવ્યું હતું. ૨૦૧૪માં યુક્રેનના યુદ્ધજહાજો ઉપર હુમલો કરીને રશિયાએ ક્રીમિયાનો કબજો લીધો હતો. એટલું જ નહીં, ક્રીમિયાની સ્ટેટ કાઉન્સિલે રશિયાના ઈશારે મતદાન કરીને રશિયામાં જોડાણને સત્તાવાર સમર્થન પણ આપ્યું હતું. રશિયાએ સ્ટેટ કાઉન્સિલની રચના કરીને રિપબ્લિક ઓફ ક્રીમિયાના વડા તરીકે રશિયન રાજકારણી સર્ગેઈ અક્યોનોવની નિમણૂક કરી હતી. યુક્રેને તેનો વૈશ્વિક સ્તરે વિરોધ કર્યો હતો. ૧૯૯૧થી ૨૦૧૪ સુધી યુક્રેન સંલગ્ન રહેલા આ ટાપુનો કબજો કરારનો ભંગ કરીને રશિયા એક હુમલાથી પડાવી લે તેને અમેરિકા સહિતના ઘણાં દેશોએ ગેરવાજબી ગણાવ્યો હતો. અમેરિકા સહિતના ઘણાં નાટોના દેશો એ મુદ્દે યુક્રેનને સમર્થન આપે છે, પરંતુ રશિયા તેને આંતરિક મુદ્દો ગણાવે છે. રશિયાની દલીલ એવી છે કે ક્રીમિયામાં સત્તાવાર રીતે કાયદો પસાર થયો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રશિયા સાથેનું જોડાણ મંજૂર રાખ્યું છે. ૨૦૧૪માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછીથી બંને દેશો વચ્ચે સરહદે તંગદિલી સર્જાતી રહે છે. બંને દેશોના સૈનિકો સતત એકબીજાની સરહદમાં ઘૂસણખોરી કરતા રહે છે. એકાદ વર્ષ પહેલાં યુક્રેને ક્રીમિયાના કાંઠેથી રશિયાની એક નાવ કબજે કરી લીધી હતી. એ પછી બંને દેશો વચ્ચે નવેસરથી વિવાદ શરૃ થયો હતો. આ ઘટના પછી રશિયાએ યુક્રેનના બંદરેથી નીકળતા જહાજોની નિગરાની શરૃ કરી હતી. તેનો યુક્રેને વિરોધ કર્યો હતો. રશિયા વારંવાર યુક્રેન પર ગેરકાયદે જળસીમા ઓળંગવાનો આરોપ લગાવે છે. યુક્રેન તેને પોતાનો અધિકાર ગણાવે છે. ટૂંકમાં, એક ટાપુના કબજાના વિવાદે વિશ્વને મહાયુદ્ધના આરે ઊભું રાખી દીધું છે.
ભાજપમાં પ્રવેશેલી મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા કોણ છે?
હર્ષ મેસવાણિયા
મુલાયમસિંહની બીજી પત્ની સાધનાના દીકરા પ્રતીકને અખિલેશ સ્વીકારવા તૈયાર નથી
ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા જીમનો માલિક પ્રતીક લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ અપર્ણા ખૂબ જ મહાત્વાકાંક્ષી છે
અપર્ણાએ ૨૦૧૧માં પ્રતીક સાથે લવમેરેજ કર્યા હતા
અખિલેશે પ્રતીકની મા સાધના સામે ૧૫ વર્ષ પહેલાં જે શરત રાખી હતી એ શરત જ હવે બળવાનું કારણ બની
મુલાયમસિંહ યાદવ. આ માણસનો એક સમયે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સિક્કો ચાલતો હતો. કેન્દ્રમાં ઈન્દિરા-રાજીવ ગાંધીના યુગ પછી જે દૌર આવ્યો એમાં મુલાયમસિંહ યાદવનો પ્રભાવ અનોખો હતો. મુલાયમ વિરોધ કરે તો વડાપ્રધાન બનવાના સપના જોતાં ઉમેદવારો હાંસિયામાં ધકેલાઈ જતા અને મુલાયમનું સમર્થન હોય તો કેન્દ્રમાં સરકાર સ્ટેબલ રહેશે એવા મીડિયા અહેવાલો રજૂ થતાં. ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું રાજ્ય હોય, એમાં કોઈ નેતાનો આગવો પ્રભાવ હોય અને એની અસર કેન્દ્રમાં ન પડે એવું તો બને જ નહીં. કેન્દ્રમાં મુલાયમસિંહ યાદવની ૧૯૯૦થી ૨૦૧૦ સુધી મહત્વની અને ચાવીરૃપ ભૂમિકા હતી. રાજ્યમાં તો એને અવગણવાની ભૂલ એકેય વિરોધી પક્ષ કરી શકે તેમ ન હતો.
હજુ એક દશકા પહેલાં આવો પ્રભાવ ધરાવતા આ નેતાનો પરિવાર છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વેરવિખેર થઈ ગયો. સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંહ યાદવનો પડયો બોલ ઝીલાતો, પરંતુ અખિલેશ યાદવનો ઉદય થયો પછી મુલાયમ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતા ગયા. મુલાયમના વિશ્વાસુ નેતાઓ પણ એક પછી એક સમાજવાદી પાર્ટીથી દૂર થવા લાગ્યા. મુલાયમને જેમના પર આંધળો ભરોસો જ નહીં, પણ ગુરૃર હતું એ શિવપાલ યાદવે બળવો કર્યો. શિવપાલને માંડ મનાવ્યા ત્યાં છોટી વહુ અપર્ણાએ બળવો કર્યો. અપર્ણાએ તો સમાજવાદી પાર્ટીના કટ્ટર હરિફ ભાજપના પક્ષે જ જઈને બેસવાનું પસંદ કર્યું. મુલાયમસિંહ યાદવનો પરિવાર વેરવિખેર થયાનો એ સૌથી સબળ પુરાવો મળ્યો. એના પડઘા વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે. નાની વહુને અન્યાય થયો છે એ મુદ્દો હવે આખી ચૂંટણી દરમિયાન અખિલેશ સામે ગાજતો રહેશે અને મતદારોની સહાનુભૂતિ અપર્ણાને મળે તે માટે કોઈ જ કસર છોડવામાં નહીં આવે.
પણ વાત અહીં સુધી કેમ પહોંચી? શું નેતાજી મુલાયમસિંહ યાદવે પરિવારમાં સુલેહ કરાવવાના પ્રયાસો નહીં કર્યા હોય? અપર્ણાને મનાવી લેવાની તૈયારી અખિલેશ યાદવે નહીં બતાવી હોય? અખિલેશ યાદવે નાના ભાઈ પ્રતીકને સમજાવીને પરિવારનો ઝઘડો ઠારવાની કોશિશ નહીં કરી હોય? સવાલો ઘણાં છે. બીજી તરફ તર્કો, ચર્ચાઓ અને વાતો ય ઘણી છે...
મુલાયમસિંહ યાદવે માલતી દેવી સાથે લગ્ન કર્યા હતા. અખિલેશ યાદવ મુલાયમસિંહ-માલતી દેવીના સંતાન છે. અખિલેશનો જન્મ થયો એ વખતે માલતીદેવીને પ્રેગનેન્સીને લગતા કોમ્પ્લિકેશન્સ થયા અને તેઓ હંમેશા માટે અશક્ત, અસહાય થઈ ગયાં. બ્રેઈનડેડની સ્થિતિમાં જ માલતીદેવીનું ૨૦૦૩માં નિધન થયું. મુલાયમસિંહને ૧૯૮૦ના દશકા પછી સાધના ગુપ્તા સાથે સંબંધો શરૃ થયા હતા. સાધના ગુપ્તાએ મુલાયમસિંહ યાદવ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. પહેલી વખતના લગ્નના કારણે તેને એક દીકરો છે, જેનું નામ છે પ્રતીક. મુલાયમસિંહે સાધના સાથે લગ્ન કર્યા ત્યારે સાધનાએ પ્રતીકની જવાબદારી લેવાની શરત રાખી હતી, જે મુલાયમે માન્ય કરી હતી.
સાધના અને પ્રતીકનો મુલાયમના પરિવારમાં ભારે વિરોધ હતો. સાધનાના દીકરા પ્રતીકને યાદવ પરિવાર બાહરી માનતો હતો. ખાસ તો કાકા શિવપાલ અને અખિલેશ આ વિરોધમાં સૌથી અગ્રેસર હતા. એ સ્વાભાવિક પણ હતું. બંને પોતાને નેતાજીના રાજકીય વારસ માનતા હતા. રાતોરાત મુલાયમના નાના દીકરા તરીકે આવેલો પ્રતીક એમાં હિસ્સેદાર બને એ બેમાંથી એકેયને મંજૂર ન હતું. ૨૦૦૭માં અંતે પરિવારમાં સુલેહ થઈ. મુલાયમના પ્રયાસો પછી અખિલેશ સહિતના પરિવારે સાધનાના દીકરા પ્રતીકને પણ પરિવારમાં હિસ્સેદારી આપી. પરંતુ એ વખતે અખિલેશે સાધના સામે શરત રાખી હતી કે મુલાયમનો રાજકીય વારસો પ્રતીકને મળશે નહીં. પ્રતીકને લઈને એ સમયે ઉત્તર પ્રદેશમાં તરેહ તરેહની ચર્ચા થતી હતી. પ્રતીકે લોપ્રોફાઈલ રહેવાનું પસંદ કર્યું. પ્રતીક ઉત્તર પ્રદેશના સૌથી મોટા અને હાઈપ્રોફાઈલ જીમનો માલિક છે. ખુદ બોડી બિલ્ડર તરીકે યુપીના યુવાનોમાં પોપ્યુલર છે, પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહે છે.
પ્રતીક અને અપર્ણાની લવસ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે. અપર્ણા પ્રતીકની ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ છે. અપર્ણાના પિતા અરવિંદસિંહ બિષ્ટ અને માતા અંબી બિષ્ટ સરકારી કર્મચારી છે. મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી અપર્ણા અને પ્રતીક સ્કૂલમાં હતા ત્યારે જ એકબીજાને ઓળખતા હતા અને કોલેજમાં આવ્યા ત્યારે પ્રેમમાં પડયા. અપર્ણાએ બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેનો સિલેબસ તેને ભવિષ્યમાં રાજકારણમાં ન ખેંચી લાવે તો જ નવાઈ હતી. તેણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજનીતિ એવા વિષયમાં ડિગ્રી મેળવી છે. સંગીતમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી અપર્ણાએ ૨૦૧૦માં પ્રતીક સાથે સગાઈ કરી લીધી અને ૨૦૧૧માં બંનેના લગ્ન થયાં. શરૃઆતમાં અપર્ણાને લઈને પણ યાદવ પરિવારમાં થોડા મતભેદો હતા, પરંતુ પ્રતીકની મક્કમતા સામે આખરે મુલાયમ માન્યા અને અપર્ણા યાદવ પરિવારમાં વહુ બનીને આવી ગઈ.
એ સાથે જ મુલાયમના પરિવારમાં મતભેદોનો પાયો નખાઈ ગયો. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ સમાજવાદી પાર્ટીમાં પહેલેથી જ સક્રિય હોવાથી અપર્ણા પણ રાજકારણમાં સક્રિય થવા ઈચ્છતી હતી. અખિલેશ યાદવ એવું બિલકુલ ઈચ્છતા ન હતા. સાધના સાથેની શરતને યાદ દેવડાવીને અખિલેશ નેતાજી ઉપર દબાણ લાવતા હતા. નેતાજીની સમજાવટથી દરેક વખતે મામલો થાળે પડી જતો હતો, પરંતુ ધીમે ધીમે આંતરિક વિખવાદ વધતો ચાલ્યો. શિવપાલ-અખિલેશના મતભેદ પ્રકરણ પછી અપર્ણાની સક્રિયતા વધી હતી. અપર્ણાને રોકવાના અનેક પ્રયાસો થયા હશે એ વાતનો અંદાજ અખિલેશના આ નિવેદનમાંથી મળે તેમ છેઃ 'નેતાજીએ અપર્ણાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ એમાં સફળતા ન મળી. અપર્ણાને તેમની ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે શુભેચ્છાઓ'. અખિલેશનો આ કટાક્ષ અને નિરાશા સમજી શકાય તેમ છે. સમાજવાદી પાર્ટીમાં મહિલા સંગઠનનો ચહેરો અખિલેશની પત્ની ડિમ્પલ છે. અપર્ણા સક્રિય થાય તો ડિમ્પલ-અપર્ણા વચ્ચે સ્પર્ધા શરૃ થાય તો એ અખિલેશ-ડિમ્પલ માટે મુશ્કેલી સર્જાઈ શકે. આવું ન થાય તે માટે અખિલેશે પ્રતીક-અપર્ણાને સમાજવાદી પાર્ટીથી દૂર રાખવાનું યોગ્ય માન્યું. પ્રતીકે શરતને માન્ય રાખીને લોપ્રોફાઈલ રહેવાનું સ્વીકાર્યું, પરંતુ અપર્ણા તેનાથી તદ્ન વિપરીત મિજાજ ધરાવે છે. વિદેશમાં ભણેલી અપર્ણા બોલ્ડ અને બિંદદાસ્ત છે. મહાત્વાકાંક્ષી પણ છે. ઉત્તર પ્રદેશના રાજકારણને જાણતા લોકોમાં એવી પણ ચર્ચા છે કે ડિમ્પલ કરતાં અપર્ણા વધારે સ્માર્ટ છે. સાસુ સાધના ગુપ્તાની સલાહથી અપર્ણા ક્યારની ય રાજકારણમાં પ્રવેશવા માગતી હતી. સાધનાએ એક ઈન્ટરવ્યૂમાં એવું નિવેદન આપીને યાદવ પરિવારમાં ચર્ચા જગાવી હતી કે એ દિલથી ઈચ્છે છે કે પ્રતીક મોટાભાઈ અખિલેશની જેમ રાજકારણમાં આવે અને સફળ થાય. સાધનાએ તો એવો ય દાવો કર્યો હતો તે ખુદ એક સમયે રાજકારણમાં આવવા ઈચ્છતી હતી, પરંતુ મુલાયમની મંજૂરી ન હોવાથી એ સક્રિય થતી નથી. પ્રતીક અને અપર્ણા નેતાજી મુલાયમ સાથે પ્રચારમાં ઘણી વખત જોવા મળતા હતા, પણ 'હું રાજકારણમાં સક્રિય થઈશ નહીં'. એવું નિવેદન આપીને અત્યાર સુધી પ્રતીક દરેક અટકળોનો અંત લાવતો હતો.
પરંતુ તમામ અટકળોને ખોટી ઠેરવીને આખરે પ્રતીકની પત્ની અપર્ણાએ ભાજપનો હાથ પકડીને અખિલેશને ઝટકો આપ્યો છે. અપર્ણા ભાજપમાં જોડાઈ એ સાથે જ મુલાયમના પરિવારની એકતા માત્ર દેખાડાની હતી એવો પ્રચાર ભાજપે શરૃ કરી દીધો છે. અપર્ણાના નામે સહાનુભૂતિ મેળવવાની કોશિશ પણ ભાજપ જતી કરશે નહીં. પ્રતીક-અપર્ણા મુદ્દે અખિલેશ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘેરાયેલા રહેશે એમાં પણ બે મત નથી. અપર્ણા ભાજપમાં જોડાઈ તેને નગણ્ય ઘટના માનીને અખિલેશ યાદવ તેની ચર્ચા ટાળે છે. અખિલેશની ધારણા પ્રમાણે જ અપર્ણાનો ખાસ કોઈ પ્રભાવ નહીં પડે? કે પછી નાની વહુ સમાજવાદી પાર્ટીને નુકસાન પહોંચાડશે? આ સવાલોના જવાબો તો પરિણામના દિવસે જ મળશે.
'વીગન' શબ્દ કેવી રીતે કોઈન થયો?
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
આજે વર્લ્ડ વીગન ડે છે. પર્યાવરણ અને સ્વાસ્થ્ય બચાવવાના ભાગરૂપે ૭૫ વર્ષ પહેલાં શરૂ થયેલો આ વિચાર દુનિયાભરમાં કોણે ફેલાવ્યો હતો?
વીગન.
આ શબ્દ હવે માત્ર આહારશૈલી નથી રહ્યો, પણ જીવનશૈલી બની ગયો છે. ૭૫ વર્ષ જૂનો આ શબ્દ દુનિયાભરમાં ફેલાયો છે. દિવસે દિવસે આ આહારશૈલી અપનાવતા લોકોની સંખ્યા વધી રહી છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે વાતાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે ત્યારે શાકાહાર અને વીગનની ફેવર કરનારો વર્ગ વધતો જાય છે.
શાકાહાર તો પ્રાચીન ભારતથી પ્રચલિત ખોરાક પદ્ધતિ છે. એમાં શાકભાજી, ફળો, દૂધ, મધ, અનાજની પ્રોડક્ટ ખાવામાં આવે છે, પણ વીગન ડિશમાં ડેરી પ્રોડક્ટનો સમાવેશ થતો નથી. આ પદ્ધતિ શાકાહારથી પ્રેરિત ખરી, પણ શાકાહારથી ઘણી અલગ છે. અમેરિકા-બ્રિટનમાં ઘણાં લોકો વીગન ડાએટમાં ઈંડાનો સમાવેશ પણ કરે છે. એવા લોકો માટે વળી 'ઓવો વેજીટેરિયન' શબ્દ પણ પ્રચલિત થયો છે. 'ઓવો' લેટિન શબ્દ છે અને તેનો અર્થ થાય છે ઈંડા. માંસ કે ડેરી પ્રોડક્ટ ન ખાતા લોકો પોષણ માટે શાકભાજી ઉપરાંત ઈંડા ખાતા હોય છે.
વીગનમાં દૂધ પ્રોડક્ટ ન હોય એટલે એના બદલે સોયામિલ્ક, કોકોનટમિલ્ક ઓપ્શનમાં હોય છે. વળી, વીગનમાં આલ્કોહોલની મનાઈ હોતી નથી. ભારતના શુદ્ધ શાકાહારના કન્સેપ્ટમાં દૂધ, મધ ઘી જેવી વસ્તુઓ સામેલ હોય છે, પણ ઈંડા અને આલ્કોહોલનો સમાવેશ થતો નથી. વીગનમાં પણ પછી તો ઘણાં પેટા વિભાગો પડ્યા છે. અલગ અલગ દેશ પ્રમાણે ડાએટમાં થોડાં ઘણાં ફેરફારો થતા રહે છે.
વેલ, ૧લી નવેમ્બરે દુનિયાભરમાં વીગન ડેની ઉજવણી થાય છે ત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે મૂળ વેગનનો વિચાર કેવી રીતે ઉદ્ભવ્યો અને એ વિચાર કોણે પ્રચલિત બનાવ્યો?
***
ડોનાલ્ડ વોટ્સનનું નામ વીગન આહારશૈલી અજમાવનારા માટેય ખાસ જાણીતું નથી. ૧૯૧૦માં બ્રિટનના યોર્કશાયરમાં તેનો જન્મ થયો હતો. ૧૪ વર્ષની વયે સ્કૂલનો અભ્યાસ છોડીને પરિવારના ધંધામાં જોડાયા. એનો મોટાભાગનો સમય કાકા જ્યોર્જની સાથે તેના ખેતરમાં વીતતો. ખેતરમાં ખેતીની સાથે સાથે એક તરફ ડૂક્કરોની કતલ કરીને માંસની નિકાસ થતી હતી.
વોટ્સનને ડૂક્કરોની કતલથી ભારે સૂગ ચડતી. તેને એ દૃશ્ય ભયાનક લાગતું. એ જ વર્ષે તેણે માંસ ખાવાનું બંધ કરી દીધું અને શાકાહાર શરૂ કર્યો. કેટલાય વર્ષો સુધી વોટ્સને દૂધ અને દૂધ પ્રોડક્ટ ખાવાનું ચાલુ રાખ્યું, પણ શાકાહારી બન્યાના ૧૫-૨૦ વર્ષ પછી તેણે દૂધ અને દૂધની પ્રોડક્ટ ખાવાનું પણ બંધ કર્યું. તેણે આટલા વર્ષોમાં નોંધ્યું કે દૂધાળા જાનવરોને દૂધ માટે નિચોવી લેવામાં આવે છે. પશુપાલન માત્ર દૂધ માટે થાય છે, એમાં પશુપાલક અને જાનવરો વચ્ચે કોઈ લાગણીનો તંતુ જોડાયેલો હોય એવું તેને લાગ્યું નહીં.
જે રીતે માંસ માટે પ્રાણીઓની કતલ થતી હતી એ જ રીતે દૂધ માટે પ્રાણીઓનું શોષણ થાય છે એવું તેને લાગવા માંડયું. ૧૯૪૦-૪૨ આસપાસ તેણે એ દિશામાં કંઈક નક્કર કામ કરવાનું વિચાર્યું. આમેય ૨૫-૨૭ વર્ષની વયથી લેસ્ટર વેજીટેરિયન સોસાયટીના સભ્ય તરીકે તે શાકાહારની હિમાયત કરતા હતા. માંસ ઉપરાંત દૂધ-ઘી સહિતની ડેરી પ્રોડક્ટ ન ખાવાથી ખરા અર્થમાં સજીવોનું ભલું થશે. દૂધ-ઘી સહિતની ડેરી પ્રોડક્ટ લોકો આરોગવાનું બંધ કરે તો દૂધ માટે પ્રાણીઓને દવાઓ આપવામાં આવે છે અને એ રીતે શોષણ થાય છે એ અટકશે એવું તેને લાગવા માંડયું.
એ સમયગાળામાં બ્રિટન સહિતના દેશોમાં વધારે દૂધ મેળવવા દૂધાળા પશુઓને દવાઓ આપવાનું શરૂ થઈ ચૂક્યું હતું. જે પશુપાલકો દવાઓ આપતા ન હતા એ પણ દૂધ મેળવવા અવનવી તરકીબો કરતા હતા. માનવીનો દૂધ મેળવવાનો લોભ વધતો જતો હતો. યુરોપમાં દૂધનો બિઝનેસ પૂરજોશમાં થવા લાગ્યો હતો.
એવા સમયગાળામાં ડોનાલ્ડ વોટ્સને નવેમ્બર-૧૯૪૪માં લેસ્ટરમાં 'વીગન સોસાયટી'ની સ્થાપના કરી. એમાં વોટ્સનને પત્ની ડોરોથી અને અન્ય ચાર મિત્રોનો સહકાર મળ્યો. વોટ્સને 'વીગન' શબ્દનો પ્રચાર શરૂ કર્યો અને એ પાછળ રહેલો વિચાર અલગ અલગ અખબાર-સામયિકોના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કર્યો. વીગન સોસાયટીએ ૧૯૪૪માં જ 'ધ વીગન ન્યૂઝ' નામનું સામયિક (સંસ્થાનું મુખપત્ર) શરૂ કર્યું.
| ડોનાલ્ડ વોટ્સન |
'વીગન' શબ્દ આમ તો વેજીટેરિયનમાંથી ઉતરી આવ્યો હતો. Vegetarian શબ્દમાંથી શરૂઆતના ત્રણ અને છેલ્લાં બે શબ્દો લઈને Vegan શબ્દ બનાવાયો હતો. શરૂઆતમાં લોકો વેજીટેરિયન શબ્દના કારણે 'વીગન'ને 'વેજીન' કહેતા હતા.
વેજીટેરિયન કરતા કન્સેપ્ટ જુદો છે એ બતાવવા માટે ડોનાલ્ડ વોટ્સને એ શબ્દનો ઉચ્ચાર વીગન કર્યો હતો. એની સ્પષ્ટતા માટેય વોટ્સને સોસાયટીના મુખપત્ર 'વીગન ન્યૂઝ'માં અલગથી લેખ લખ્યો. એમાં વીગન શબ્દના ઉચ્ચારમાં 'જ' નહીં પણ 'ગ' છે એવું સમજાવ્યાં પછી વીગન અપનાવવા માટે કેવો આહાર કરવો જોઈએ તેની વિગતવાર સમજ પણ આપી હતી. એમાં માંસ ઉપરાંત દૂધ, દહીં, મધ જેવી ચીજવસ્તુઓ ન લેવાની ભલામણ હતી અને તેમના આ વિચાર પાછળ કયા પરિબળો જવાબદાર હતા અને તેનાથી લાંબાંગાળે સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર કેવી હકારાત્મક અસર થશે - તે પણ જણાવ્યું હતું.
શરૂઆતમાં વીગન એટલે ડેરી પ્રોડક્ટ સિવાયનું શાકાહારી ભોજન એવી વ્યાપક સમજ હતી. કેટલાંય વર્ષો સુધી એ જ માન્યતા રહી કે વીગન એટલે ખાવા-પીવામાં ડેરી પ્રોડક્ટ ન લેવી, પરંતુ વીગન સોસાયટીએ ૬૦ના દશકામાં એ વ્યાખ્યાને થોડી વધારે વિસ્તૃત કરી. પ્રાણીઓને લગતી કોઈ પ્રોડક્ટ ખાવી નહીં એમ કોઈ પ્રોડક્ટનો ઉપયોગ રોજિંદા જીવનમાં ન કરવો એ પણ વીગનિઝમ છે.
વીગન શબ્દ કોઈન કરવા માટે વોટ્સને ત્રણ દશકા સુધી મહેનત કરી. વીગનનો વિચાર સમજાવવા માટે તેણે રીતસર બ્રિટનના શાકાહારી વર્તુળમાં કેમ્પેઈન ચલાવીને તેમને વીગનિઝમ તરફ વાળ્યાં. ૧૯૮૦ પછી વીગનવાદ આહારશૈલી ઉપરાંત જીવનશૈલી બની ગયો. પ્રાણીજન્ય પ્રોડક્ટ આહારમાં ન સમાવવાની વાત પછી તો એક કદમ આગળ વધીને પ્રાણીજન્ય પ્રોડક્ટ ઉપયોગમાં ન લેવા સુધી પહોંચી ગઈ હતી એટલે વીગનીઝમને ફોલો કરતાં લોકો ઉન કે ચામડામાંથી બનેલી કોઈ જ ચીજવસ્તુઓ ઉપયોગમાં લેતા નથી.
વીગન ન્યૂઝમાં જ્યારે વીગન શબ્દ વિશે વોટ્સને પહેલો લેખ લખ્યો ત્યારે મેગેઝીનના માત્ર ૨૫ સબસ્ક્રાઈબર્સ હતા. આજે વીગનીઝમમાં વિશ્વાસ કરતાં લોકોની સંખ્યા લાખોમાં છે. અમેરિકામાં તો છેલ્લાં વર્ષોમાં ૩૦૦ ટકાની સરેરાશે વીગનીઝમનો ફેલાવો થયો હતો. રોગોથી બચવા માટે લોકો શાકાહારમાંથી જન્મેલા આ વિચાર તરફ આકર્ષાઈ રહ્યાં છે.
૧૯૪૪માં સ્થાપાયેલી વીગન સોસાયટીને જ્યારે ૧૯૯૪માં ૫૦ વર્ષ થયા ત્યારે પ્રથમ વખત વર્લ્ડ વીગન ડેનું સેલિબ્રેશન થયું હતું. ત્યારથી દર વર્ષે ૧લી નવેમ્બરે વીગનિઝમમાં માનતા લોકો વીગન ડેની ઉજવણી કરે છે.
વીગન શબ્દ અને વિચાર કોઈન કરનારા ડોનાલ્ડ વોટ્સનનું ૨૦૦૫માં ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. વોટ્સન પાછલી અવસ્થાએ ખૂબ તંદુરસ્ત હતા એટલે વિશ્વભરમાં વીગનિઝમનો સિમ્બોલ બની ગયા હતા. વીગનિઝમથી લાંબું અને તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકાય છે એવું તેમના સમર્થકો વોટ્સનનું ઉદાહરણ આપીને સમજાવતા હતા.
***
ભારતમાં શાકાહારનો વિચાર બહુ જ પ્રાચીન છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં સાધકોને શાકાહારની હિમાયત થઈ છે. ભારતમાં શાકાહારને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવ્યો એનાથી વધુ અહિંસા સાથે જોડવામાં આવ્યો હતો. તેના કારણે જ કદાચ આજેય ભારતમાં ૫૦ કરોડ કરતાં વધુ લોકો શાકાહારી છે.
ભારત સિવાય શાકાહારનો પહેલો વહેલો રેફરન્સ ગ્રીક ફિલોસોફર પાઈથાગોરસનો મળે છે. ઈ.સ. પૂર્વ ૫૦૦ આસપાસ પાઈથાગોરસે માનવ ઉપરાંત તે સિવાયના સજીવોમાં પરોપકાર હોવો જોઈએ એવો વિચાર રજૂ કરીને શાકાહારની હિમાયત કરી હતી.
વીગનનો વ્યાપ શાકાહાર જેટલો નથી. તેના ઘણાં કારણો છે. વીગનમાં દૂધ અને દૂધ પ્રોડક્ટ્સ ખવાતી નથી. દૂધના વિકલ્પ તરીકે સોયામિલ્કનો ઉપયોગ થાય છે, જે મોંઘુ છે. માંસાહાર ન કરતાં હોય એ લોકો માટે દૂધ ખૂબ જ ઉપયોગી છે. દૂધ કે દૂધ પ્રોડક્ટ વગર આપણે ત્યાં તો તહેવારોની ઉજવણી પણ શક્ય નથી.
દૂધાળુ પ્રાણીઓનું માત્ર દૂધ માટે શોષણ થતું જોઈને ડોનાલ્ડ વોટ્સનને વીગનનો વિચાર આવ્યો હતો, પરંતુ આપણે ત્યાં પશુપાલકોનો દૂધાળુ સજીવો સાથે લાગણીનો તંતુ જોડાયો છે. હવે જોકે દવાઓ આપીને દૂધ વધારવાની કવાયતો તો અહીં પણ થાય છે, છતાં સજીવો સાથે હૃદયથી જોડાણ હતું, આજેય છે. આપણે ત્યાં દૂધ વાછરડાંને ય અપાય છે.
ઈનફેક્ટ, પહેલાં દૂધ વાછરડાને મળે છે પછી આપણે આપણો હિસ્સો કાઢીએ છીએ. આપણે દૂધને પવિત્ર ગણીને ભગવાનના ભોગમાં સમાવીએ છીએ એટલે વીગન બનીને દૂધથી દૂર રહેવાનું આપણાં માટે અઘરું છે!
વેલ, વેજીટેરિયનમાંથી જ ઉદ્ભવેલા વીગનના નામે પણ જો દુનિયાના લોકો શાકાહાર તરફ વળતા હોય તો એ પૃથ્વીના હિતમાં હશે. ગ્લોબલ વોર્મિંગની આડઅસરોમાંથી નીકળવા માટે શાકાહાર એક ઉત્તમ માધ્યમ બની શકે તેમ છે.
ટીઆરપી : 'આઉટડેટેડ' થઈ ગયેલી રેટિંગ સિસ્ટમને 'અપડેટ' કરવાની જરૂર!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ઓરિસેલિયો પેન્ટેડો નામનો એક રેડિયો બ્રોડકાસ્ટર હતો. બ્રાઝિલના સાઓ પાઓલોમાં એ કોસમોસ નામે એક રેડિયો સ્ટેશન ચલાવતો હતો. એ ૧૯૪૨નું વર્ષ હતું. ઓડિયન્સને શું ગમે છે તે જાણવા માટે પેન્ટેડોએ રીસર્ચ મેથોડોલોજીનો અભ્યાસ કરવાનું વિચાર્યું. સર્વે સેમ્પલિંગ ટેકનિકના પાયોનિયર અમેરિકન સંશોધક જ્યોર્જ ગેલપ પાસેથી તેણે પબ્લિક ઓપિનિયન મેથડ સમજી.
સેમ્પલના આધારે કેવી રીતે આખા જનસમુદાયનું માનસ કળી શકાય તે અંગે પાયાની ટેકનિક શીખ્યા પછી પેન્ટેડોએ રીઅલટાઈમ ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ શરૂ કરી. ઓડિયન્સનો રીઅલટાઈમ ડેટા એકઠો કરીને રેડિયોમાં લોકો શું સાંભળે છે એ પહેલી વખત પેન્ટેડોએ તેની સર્વિસના આધારે કહેવાનું શરૂ કર્યું. એમાં વળી ઓડિયન્સની ઉંમર, જાતિ વગેરેની પણ માહિતી એકઠી થતી હતી.
આ સર્વિસ દુનિયાની પ્રથમ ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ હતી. એ પછી માધ્યમો ઘણાં બદલાયા પણ ઓડિયન્સનો રીઅલટાઈમ ડેટા અને મૂડ્સ જાણવા માટે જે ટેકનિક વપરાતી એનો ઘણો ખરો આધાર પેન્ટેડોની પબ્લિક ઓપિનિયન સર્વિસ પર હતો. પેન્ટોડોની પદ્ધતિ વળી અમેરિકન સંશોધક જ્યોર્જ ગેલપની સર્વે સેમ્પલિંગને આભારી હતી. આજેય પબ્લિક ઓપિનિયન માટે થતાં સર્વેક્ષણના બેઝિક્સમાં જ્યોર્જની ટેકનિકને જ ફોલો કરવામાં આવે છે.
૧૯૮૭માં પીપલ મીટર નામનું એક બોક્સ ટેલિવિઝનના ઓડિયન્સનો આંકડો જાણવા માટે પ્રયોજાવા લાગ્યું. નક્કી કરેલા ટેલિવિઝન સેટ સાથે સેમ્પલ સર્વે માટે બોક્સ જોડી દેવામાં આવતું. સૌથી પહેલું પીપલ બોક્સ બ્રિટિશ કંપની ઓડિટ્સ ઓફ ગ્રેટ બ્રિટને શોધ્યું હતું અને એ ફ્રિક્વન્સી આધારિત ડેટા આપતું હતું.
ડૉ. જિરાલ્ડ કોહેને એક રીસર્ચ પેપર તૈયાર કરીને આ બોક્સમાં ઓડિયો-વિડીયોના અવરોધ અંગે ધ્યાન દોર્યું. તેમની દલીલ હતી કે આ ટેકનિકમાં ઓડિયોની ક્વોલિટી જેટલી જોઈએ એટલી આવતી નથી. અમેરિકાની કન્ઝ્યુમર રીસર્ચ કંપની નેસ્લનમાં તેમણે એનું પ્રેઝન્ટેશન આપ્યું એ પછી વધારે સ્ટોંગ મીટરની બાબતે સંશોધનો થવા લાગ્યાં.
નેલ્સને નવેમ્બર-૧૯૮૮થી પોર્ટેબલ પીપલ મીટર (પીપીએમ)ના આધારે ઓડિયન્સનો ડેટા એકઠો કરવાનું શરૂ કર્યું. આ મીટર વધારે ચોકસાઈથી કામ કરતું હોવાનો દાવો થતો હતો. રેડિયો અને ટેલિવિઝનનો ડેટા એકઠો કરવામાં એ બોક્સ ખૂબ જ કારગત સાબિત થવા લાગ્યું હતું.
બસ, અહીંથી ટીઆરપીની ગેમ શરૂ થઈ. ઓરિસેલિયો પેન્ટેડોની પદ્ધતિ એ ટીઆરપીનો પાયો હતો. પીપલ મીટર આવ્યું ત્યારે ફાઈનલી ટીઆરપી નામની ઈમારત બની ગઈ હતી અને એ સાથે જ શરૂ થઈ ટીઆરપીને કંટ્રોલમાં લેવાની મથામણ.
ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ - ટીઆરપી ખરું જોતાં એક સર્વેક્ષણ પદ્ધતિ છે. સેમ્પલનું મોનિટરિંગ કરીને ઓડિયન્સનો મૂડ જણાવે છે. બધા એ જ પ્રોગ્રામ કે એ જ ચેનલ જુએ છે એ સચોટ રીતે કહી ન શકાય, પરંતુ એ જોતા હશે એવો અંદાજ લગાવી શકાય. મૂળ તો જાહેરખબરના જગતનો ઉદય થયો પછી કોની પાસે કેટલું ઓડિયન્સ છે એ જાણવા માટે કોઈક પદ્ધતિની જરૂર વર્તાતી હતી. તેના કારણે વિવિધ કન્ઝ્યુમર રીસર્ચ એજન્સીઓ માર્કેટમાં આવી અને ટીઆરપીના ડેટા આપવા લાગી. જાહેરાત આપનારી પાર્ટી જાણવા માગતી હોય કે સૌથી વધુ કઈ ચેનલ જોવાય છે. એ ચેનલમાં જાહેરાત અપાય તો ફિડબેક મળશે એ સાદું ગણિત જાણવાના હેતુથી એજન્સીઓના આંકડાં જોવાતા હતા. ધીમે ધીમે એ એજન્સીના ડેટા જ મેઈન ગેમ બની ગઈ.
ટીઆરપીની મુખ્ય બે પદ્ધતિ છે. નક્કી કરેલા હજારો ટીવી સેટમાં ડિવાઈસ લગાવી દેવામાં આવે છે અને એ ડિવાઈસ પ્રોગ્રામ્સનું રેકોર્ડિંગ કરીને ડેટા એકઠો કરે છે. ડેટાના આધારે રેટિંગ એજન્સી કયો પ્રોગ્રામ કેટલો જોવાયો એ જાહેર કરે છે. ડિવાઈસમાં સેમ્પલિંગનો હિસ્સો હોય એવા ફેમિલીના મેમ્બર્સની ઉંમર સહિતનો ડેટા પણ એકઠો થાય છે. આ એક રીત છે.
બીજી રીત છે પિક્ચર મેચિંગ ટેકનિક. એમાં ડિવાઈસ પ્રોગ્રામનો થોડો હિસ્સો રેકોર્ડ કરે છે. એ કોડના આધારે જે તે સમયે ક્યો પ્રોગ્રામ જોવાતો હતો એનું વિશ્લેષણ થાય છે. એક મિનિટ કરતાં વધારે દર્શક જે ચેનલ પર રહે એનો પણ એમાં ડેટા દર્જ થાય છે. એ પ્રમાણમાં સરળ રીત છે. એના ડિવાઈસનો ખર્ચ પણ ઓછો હોય છે એટલે મોટાભાગના દેશોમાં એ પદ્ધતિ પ્રચલિત છે. બેમાંથી એકેય એકદમ સચોટ નથી. બંનેના પ્લસ-માઈનસ છે.
એના માઈનસ પોઈન્ટ્સનો લાભ લઈને ટીઆરપીમાં ગરબડો થતી હોવાના આરોપો લાગતા રહે છે. કેટલાય દેશોમાં અગાઉ એવોય આરોપ લાગી ચૂક્યા છે કે જે ટેલિવિઝન સેટમાં ટીઆરપીનું બોક્સ લાગ્યું હોય એના માલિકોને ચોક્કસ ચેનલ જોવાની સૂચના અપાય છે. બદલામાં તેમને ગિફ્ટ્સ મળે છે. માર્કેટિંગ અને એડવર્ટાઈઝ એજન્સીઝ પર પ્રભાવ પાડવા માટે ટીઆરપીના સેમ્પલ સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો અગાઉ ભારતમાં પણ ઉઠી છે. ટીવી ચેનલ્સ બે રીતે ટીઆરપીમાં છેડછાડ કરી શકે એવી શક્યતા છે. જો ચેનલને જાણ થાય કે કયા ઘરમાં ડિવાઈસ લાગ્યું છે તો પરિવાર પર એક યા બીજી રીતે પ્રભાવ પાડે છે. બીજો રસ્તો છે કેબલ ઓપરેટર્સ.
કેબલ ઓપરેટર ફ્રિકવન્સી બદલી નાખે ત્યારે પિક્ચર મેચિંગમાં ગરબડો થતી હોવાનું કહેવાય છે. કેબલ ઓપરેટર્સ પ્રાયોરિટી બદલે તો એના આધારે જે તે ચેનલ પહેલા કે પછી દેખાતી હોય છે.
કેબલ ઓપરેટર્સના નેટવર્કનો ફાયદો ટીઆરપીની તરફેણમાં કે વિરૂદ્ધમાં લેવાતો હોવાના આક્ષેપો એનડીટીવી જેવી ચેનલે થોડાં વર્ષ પહેલાં કર્યો હતો. ચેનલોની વ્યૂઅરશિપનો મુદ્દો ટ્રિકી છે. આટલી ટેકનોલોજી હોવા છતાં સેમ્પલના આધારે હજુય વ્યૂઅરશિપ નક્કી થાય છે એ જ આમ તો આશ્વર્યજનક છે.
ભારતમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ (બાર્ક) નામની સંસ્થા ટેલિવિઝન મેઝરમેન્ટની દેખરેખ રાખે છે. ૨૦૧૦માં બનેલી આ સંસ્થા વિશ્વની સૌથી મોટી ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ સર્વિસ છે અને આધુનિક ટેકનિકથી વ્યૂઅરશિપ સર્વે કરતી હોવાનો દાવો કરે છે. એક અંદાજ પ્રમાણે દેશમાં ૮૩.૬ કરોડ કુલ ટેલિવિઝન વ્યૂઅર્સ છે. એ દર્શકોનો મૂડ પારખવા માટે બાર્ક બેરોમીટરથી ડેટા એકઠાં કરીને અહેવાલ રજૂ કરે છે. બાર્કે લગભગ ૪૦ હજાર ઘરમાં ડિવાઈસ લગાવ્યું છે. એના આધારે ૨૦ કરોડ લોકોની વ્યૂઅર પેટર્ન પર નજર રહે છે. ૨૦૧૫માં આ પરિવારોને કન્ઝ્યુમર ક્લાસિફિકેશન સિસ્ટમ અંતર્ગત ૧૨ કેટેગરીમાં વહેંચ્યા હતા. એમાં શિક્ષણથી લઈને વયજૂથ સુધીની કેટગરીનો સમાવેશ કરાયો હતો.
થોડાં સમય પહેલાં ડેટાની સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉઠયા હતા. બાર્કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ એજન્સીના કર્મચારીઓએ જ આંકડાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થઈ હતી. ભારતની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ૭૯ હજાર કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. આવડી મોટી ઈન્ડસ્ટ્રી હોય ત્યારે ટીઆરપી એજન્સીની જવાબદારી પણ વધારે મહત્વની બની જાય છે.
મુંબઈ પોલીસે ફેક ટીઆરપીના મુદ્દે ત્રણ ચેનલો સામે તપાસ શરૂ કરી છે ત્યારથી ટીઆરપીની સિસ્ટમ ફરીથી ચર્ચાનો વિષય બની છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ઓડિયન્સ મેઝરમેન્ટની આ પદ્ધતિની વ્યવહારુતા અંગે સવાલો થયા કરે છે. દુનિયાભરમાં ઘણી ચેનલોએ ટીઆરપીમાં ગરબડો થતી હોવાની સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. દુનિયાભરમાં એક કે બીજી રીતે પ્રાયોરિટી સેટ કરાવીને ચેનલને અપ કરાવીને દર્શકોના દિમાગમાં છવાઈ જવાની ગેમ ચાલે છે. ઘણી વખત ચેનલોની આંતરિક હરિફાઈના કારણે પણ ટીઆરપીની સિસ્ટમ સામે સવાલો ખડા થાય છે, તો ઘણી વાર ફરિયાદમાં દમ પણ હોય છે.
ત્રણેક દશકા પહેલાં જ્યારે આ પદ્ધતિ શરૂ થઈ ત્યારના અને આજના જમાનામાં ઘણું બદલાઈ ચૂક્યું છે. એ વખતે કેબલ ટેલિવિઝનનો યુગ હતો, જે પછી ડીટીએચ સુધી વિસ્તર્યો. ઈનફેક્ટ, હવે તો ટેલિવિઝનનું સ્થાન જ ઓટીટી પ્લેટફોર્મે લેવા માંડયું છે. જે ધારાવાહિક સીરિયલ અને ન્યૂઝ પ્રોગ્રામ્સ ટીવીમાં જોવાતા હતા એ ઓટીટી પ્લેટફોર્મમાં જોવાતા થયા છે.
ઓટીટી પ્લેટફોર્મમાં તો વ્યૂઝનો ડેટા સરળતાથી અવેલેબલ છે. ટીઆરપી અને જીઆરપીના વિશ્લેષણમાં અટવાઈ જવાને બદલે વ્યૂઝના આંકડાંનું સાદું ગણિત વધારે સહેલું છે. આ સ્થિતિમાં ટીઆરપી માપવાની જૂની-પૂરાણી પદ્ધતિ બદલ્યે જ છૂટકો છે! જો એવું થશે તો વ્યૂઅરશીપની વિશ્વસનીયતા વધશે. મેરિટના આધારે જ વ્યૂઅરશીપ મળતી હશે તો ટીઆરપીની સિસ્ટમ પર પણ લોકોને ભરોસો બેસશે.
જો ટીઆરપી એનાલિસિસની પદ્ધતિ વિશ્વસનીય બનાવવી હશે તો નવી રીતે મૂલ્યાંકન કરવું પડશે. નવી પદ્ધતિથી; નવા ઓડિયન્સનો મૂડ પારખવો પડશે, તો જ સચોટ લોકમિજાજ જાણવા મળે. નહીં તો લોકપ્રવાહ ઓટીટી જેવા અન્ય પ્રવાહમાં ભળી જશે, જ્યાં ટીઆરપીના મુદ્દા કરતાં વ્યૂઅરશીપનો આંકડો મહત્વનો હોય છે. એ આંકડો ય જોકે ખરીદી તો શકાય જ છે! એ રીતે તો કાગડા બધે જ કાળા છે અને રહેશે!









