હેન્ડ સેનિટાઈઝરથી વાયરસનો ચેપ કેટલો રોકી શકાય છે?

 

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેન્ડ સેનિટાઈઝર અને હેન્ડવોશ - આ વિષયમાં થોડાંક વર્ષોથી સંશોધકોને રસ પડયો છે. કેટલાંય સંશોધનો થયા છે અને હજુય થતાં રહે છે, જેમાં અલગ અલગ દાવા થઈ રહ્યાં છે. સાચું શું છે?

'માણસ સરેરાશ એક કલાકમાં ૨૩થી ૨૫ વખત ચહેરાને હાથ અડાડે છે'.

બિહેવિયર સાયન્સના એકથી વધુ અહેવાલોમાં આ દાવો થયો છે. આ પ્રકારનું પહેલું રીસર્ચપેપર ૨૦૦૮માં જર્નલ ઓફ ઑક્યુપેશનલ એન્ડ એન્વાયર્મેન્ટલ હાઈજીનમાં પબ્લિશ થયું હતું. એ અહેવાલ પ્રમાણે માણસ એક કલાકમાં ૨૦થી ૨૩ વખત ચહેરાને સ્પર્શે છે. પુરુષો કરતા સ્ત્રીઓ સરેરાશ ચારથી પાંચ વખત વધારે ચહેરો સ્પર્શે છે.

ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૧૬માં આવો જ અહેવાલ રજૂ કર્યો હતો, એમાં દાવો થયો હતો કે પુરુષો એક કલાકમાં સરેરાશ ૨૩ વખત ચહેરાને અડે છે, જ્યારે સ્ત્રીઓ એક કલાકમાં ૨૬ વખત મોં સ્પર્શે છે. એમાંથી ૩૬ ટકા હોંઠ, ૩૧ ટકા નાક, ૨૭ ટકા આંખનો સ્પર્શ થાય છે. કુલ સ્પર્શમાંથી છ ટકામાં મોંનો અન્ય હિસ્સો હોય છે. ૯૪ ટકા ટચ મોંના સેન્સિટિવ એરિયામાં થાય છે.

બિહેવિયર સાયન્સના ભાગરૂપે આવાં તો અનેક સંશોધનો એકાદ દશકામાં થયા છે. બધા રીસર્ચનું સરેરાશ પરિણામ કહે છે એમ આપણે એક કલાકમાં ૨૦થી ૨૫ મોં સાથે હાથનો સંપર્ક કરાવીએ છીએ.

માણસ શું કામ વારંવાર ચહેરા અને હાથનો સંપર્ક કરાવે છે? એ વિશેય સંશોધનો થયા છે. સંશોધકો કહે છે એમ એ માણસની જન્મજાત ટેવ છે અને તેનો સંબંધ ઈમોશન સાથે છે. એમાં પરિવર્તન લાવી શકાય તેમ નથી. તાલીમ આપીને ચોક્કસ કિસ્સામાં આદત છોડવી શકાય ખરી, પરંતુ જનસામાન્યમાં પરિવર્તન લાવવાનું કામ લગભગ અશક્ય છે. અમેરિકન મનોવિજ્ઞાની ડેચર કેલ્ટનર તો ત્યાં સુધી કહે છે કે મોં સ્પર્શ કરવાથી માણસને વારંવાર સુખદ અનુભવ થાય છે. શરીરમાં વહેતો હોર્મોનનો જથ્થો માણસને સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ માટે મજબૂર કરે છે!

માણસની આ આદત 'વાયરસ'ને એકદમ અનુકૂળ આવે છે. કોરોના જેવો વાયરસ માણસની આ સહજ ટેવનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને એટલે જ જ્યારે જ્યારે વાયરસ ફેલાય ત્યારે ત્યારે ચેપથી બચવા મોંનો સ્પર્શ ન કરવાની સલાહ અપાય છે. હાથ વારંવાર ધોવાની અને સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં રહેવાની ભલામણ આ કોરોના વાયરસ વખતેય થઈ છે.

હેન્ડ સેનિટાઈઝરથી વાયરસ ફેલાતો અટકે છે એવી એક વ્યાપક માન્યતા છે, તો બીજી તરફ હેન્ડ સેનિટાઈઝર હેન્ડવોશનો વિકલ્પ નથી એવોય દાવો રજૂ થતો રહે છે. હાથ ધોઈ શકાય તેમ ન હોય તો જ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો- એવી નસીહત પણ ઘણાં સંશોધકો આપે છે.

એવાં સંશોધનો વિશે જાણતા પહેલાં હેન્ડ સેનિટાઈઝર અંગે થોડું જાણવું જ્ઞાનવર્ધક થઈ પડશે!

***

સેનિટાઈઝરનો છૂટો-છવાયો ઉપયોગ થતો હોવાના પુરાવા આપણે છેક ૧૪મી સદી સુધી દોરી જાય છે. આલ્કોહોલનો હાથ સાફ કરવામાં ઉપયોગ થઈ શકે છે એ ૧૪મી સદીના લોકોય જાણતા હતા, પરંતુ આલ્કોહોલ બેઝ્ડ હોમમેઈડ સેનિટાઈઝરનો ઉપયોગ ૧૮મી સદીમાં થતો હોવાનું વિજ્ઞાનિકો માને છે.

દેખીતો વપરાશ ૧૯૭૦ના દશકાથી શરૂ થયો, જ્યારે કેલિફોર્નિયાની એક નર્સ નામે લુપ હર્નાન્ડિઝે આલ્કોહોલમાંથી જેલ બનાવીને પહેલી વખત આજના મોર્ડન હેન્ડ સેનિટાઈઝરના પૂર્વજનો પરિચય દુનિયાને કરાવ્યો હતો. તેની શોધ એ વખતે ખાસ નોંધપાત્ર બની નહીં. માર્કેટમાં વેલ્યૂ ન થઈ. લુપ હર્નાન્ડિઝ કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડની હોસ્પિટલમાં કામ કરતી હતી. એ હોસ્પિટલમાં દર્દીઓને તપાસતા પહેલાં ડોક્ટર્સ અને નર્સ લુપ હર્નાન્ડિઝે બનાવેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હતા. બીજી હોસ્પિટલોમાં પણ તેનો ઉપયોગ થોડો થોડો શરૂ થયો હતો.

૧૯૪૬માં સ્થપાયેલી સાબુ બનાવતી કંપની ગોજોએ ૧૯૮૮માં લુપ હર્નાન્ડિઝના હેન્ડ સેનિટાઈઝરમાં જરૂરી કમર્શિયલ સુધારા કરીને પહેલી વખત આ હાઈજિન પ્રોડક્ટ દમદાર માર્કેટિંગ સાથે માર્કેટમાં મૂકી. હેન્ડ સેનિટાઈઝરની આ પહેલી કમર્શિયલ સક્સેસ હતી. પ્યોરેલ નામથી રજૂ થયેલી પ્રોડક્ટ પછી તો ગોજો કંપનીની ઓળખ બની ગઈ. ફ્રેન્ડશિપ સાથે કનેક્ટ કરીને કંપનીએ આ પ્રોડક્ટમાંથી ખૂબ કમાણી કરી.

એ હેન્ડ સેનિટાઈઝરમાં ૭૦ ટકા ભાગ આલ્કોહોલનો હતો અને પાણી સહિતના અન્ય પદાર્થો ૩૦ ટકા હતાં. હાથમાં પ્યોરેલ લગાવવાથી નુકસાનકારક કીટાણુ ૭૦-૭૫ ટકા સુધી નાશ પામે છે એવી કંપનીની જાહેરાતો ખૂબ જ અસરકારક સાબિત થઈ. લુપ હર્નાન્ડિઝનું હેન્ડ સેનિટાઈઝર હોસ્પિટલો સુધી પહોંચ્યું હતું, પરંતુ પ્યોરેલે અમેરિકાના ઘર-ઘરમાં સ્થાન મેળવી લીધું. અમેરિકાની અસર હેઠળ પછી તો દુનિયાના ખૂણે ખૂણે તેની હાજરી દર્જ થઈ.

સમયાંતરે અઢળક કંપનીઓ હેન્ડ સેનિટાઈઝર લઈને આવી. થોડાં ઘણાં ફેરફાર સાથે માર્કેટમાં અપાર વૈવિધ્ય મળવા લાગ્યું, પરંતુ એ બધાનો મૂળ બેઝ આલ્કોહોલ હતો. છેલ્લાં એકાદ દશકાથી આલ્કોહોલ વગરના હેન્ડ સેનિટાઈઝર્સ માર્કેટમાં અવેલેબલ છે, પણ એની અસરકારકતા આલ્કોહોલિક એજન્ટ્સ ધરાવતા સેનિટાઈઝરની તુલનાએ ઘણી ઓછી છે. ફાર્મસી કંપનીઓની અનિવાર્ય પ્રોડક્ટ્સમાં સામેલ થઈને છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં હેન્ડ સેનિટાઈઝરે ગ્લોબલ માર્કેટ સર કરી લીધું છે.

હેન્ડ સેનિટાઈઝરનું ગ્લોબલ માર્કેટ ૨૦૧૭-૧૮માં ૨.૪ અબજ ડોલરનું હતું, જે વધીને ૨૦૨૦માં ૪.૬ અબજ ડોલર યાને ૪૬૦ કરોડ ડોલર થવાનો અંદાજ છે અને ૨૦૨૪-૨૫ આવતાં આવતાં તો એનો કુલ બિઝનેસ ૭.૭ અબજ ડોલર થઈ જશે. ૨૦૧૦માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈનમાં હેન્ડ સેનિટાઈઝરને જીવન જરૂરી મેડિકલ પ્રોડક્ટમાં સ્થાન મળ્યું પછીથી તેનો ફેલાવો વિકાસશીલ દેશોમાં પણ વધી ગયો હતો.

***

જે હેન્ડ સેનિટાઈઝરમાં ૬૦-૭૦ ટકા આલ્કોહોલિક એજન્ટ્સની હાજરી હોય એ કીટાણુ નાશ કરવા સક્ષમ હોય છે એવું સંશોધનો કહે છે. ૮૦-૯૦ ટકા સુધી આલ્કોહોલ હોય તો એની અસરકારકતા ઘણી વધી જાય છે. ૬૦-૭૦ ટકા આલ્કોહોલની હાજરી હોય એ હેન્ડ સેનિટાઈઝરનું પરિણામ એક તરફ અને બીજી તરફ સાબુથી હાથ ધોયા પછીના રીઝલ્ટની સરખામણી વારંવાર થાય છે.

જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ થોડાંક મહિના અગાઉ હેન્ડ સેનિટાઈઝર સામે હેન્ડ વોશિંગનું સંશોધન રજૂ કર્યું હતું. એ સંશોધન પ્રમાણે જે હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલની માત્રા ૭૦ ટકા હતી એ હાથમાં લગાવીને કેટલા ટકા જીવાણું નાશ પામે એ નોંધાયું હતું. બીજી તરફ સાધારણ સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોયા પછી હાથમાંથી કેટલાં કીટાણું નાશ પામ્યા એ તપાસાયું હતું. એના રીઝલ્ટમાં દાવો કરાયો હતો કે હાથમાં સેનિટાઈઝર લગાવાયા પછી પણ વાયરસ ચાર મિનિટ સુધી એક્ટિવ રહ્યો હતો. હાથ ધોયા પછી વાયરસ ૩૦ સેકન્ડમાં નાશ પામ્યો હતો.

આ પ્રોજેક્ટ હેઠળ શ્રેણીબદ્ધ સંશોધનો થયા હતા. હેન્ડ સેનિટાઈઝર લગાવ્યા પછી કેટલી માત્રામાં કીટાણું નાશ પામે છે તે મપાયું હતું. ૧૦ સેકન્ડ હાથ ધોયા પછી કેટલાં જીવાણું નાશ પામ્યા એ તપાસાયું હતું. એ વખતે હેન્ડ સેનિટાઈઝરનો હાથ ઉપર રહ્યો હતો!

સંશોધકોએ નોંધ્યું કે ઓછામાં ઓછા ૨૦થી ૩૦ સેકન્ડ સાબુથી હાથ ધોવામાં આવે તો તેનું પરિણામ સેનિટાઈઝરની સરખામણીએ વધારે અસરકારક આવે છે. ૨૦-૩૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધોવાથી ૮૦-૮૫ ટકા સુધી કીટાણું નાશ પામ્યાં હતાં.

હેન્ડ સેનિટાઈઝર સામે હેન્ડ વોશને લગતાં સંશોધનોમાં જાપાનની યુનિવર્સિટીનું સંશોધન છેલ્લું મહત્વનું સંશોધન હતું. એ અગાઉ પણ અસંખ્ય સંશોધનો થાય છે. ન્યૂયોર્કના વિજ્ઞાની નિકેત સોનપલ કહે છે કે પાણી અને સાબુ અવેલેબલ ન હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોઈને કીટાણુંનો નાશ કરવાનો વિકલ્પ વધારે સારો.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ પણ ૨૦૧૭માં કહ્યું હતું કે સેનિટાઈઝર હાથમાં લગાવવાને બદલે હાથ ધોવાનો ઓપ્શન વધારે અસરકારક છે. ૭૦ ટકા આલ્કોહોલ હોય એવા સેનિટાઈઝરથી ૭૦ ટકા જીવાણું નાશ પામ્યા હતા, જ્યારે ૩૦ સેકન્ડ સાબુથી હાથ ધોયા પછી ૮૭ ટકા કીટાણુનો ખાતમો બોલ્યો હતો. 

ઈનશોર્ટ, સાબુમાં જે પદાર્થો હાજર હોય છે તે કીટાણું માટે વધારે ઘાતક સાબિત થાય છે. પાણી-સાબુની જોડી સેનિટાઈઝરની સરખામણીએ વધારે મજબૂત બનીને વાયરસનો સામનો કરે છે. સાયન્સ કહે છે કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ બિલકુલ અયોગ્ય નથી, પરંતુ જો સાબુથી હાથ ધોવાની સગવડ હોય તો પહેલો વિકલ્પ એ જ પસંદ કરવો જોઈએ. પાની કા કામ પાની હી કરતા હૈ!

-----------

હાથ ધોવામાં મહિલાઓ આગળ

થોમસ જેફરસન યુનિવર્સિટીના હેલ્થ વિભાગે હાથ ધોવાને લગતું એક સર્વેક્ષણ કર્યું હતું. એ સર્વેક્ષણ પ્રમાણે પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હાથ વધુ સ્વચ્છ રાખે છે. સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું કે ઘરની સફાઈ, રસોઈ બનાવવી, બાળકને સાચવવું.. જેવાં કામ મહિલાઓ વધુ કરે છે. એટલે તેમને હાથ ધોવાની આદત પડી જાય છે. સર્વેક્ષણમાં સામે આવ્યું હતું કે ચેપ ન લાગે એ અંગે મહિલાઓ વધારે જાગૃત હોય છે.

પાલતુ સજીવો સાથે સમય વીતાવ્યા પછી, શાકભાજી સમાર્યા પછી, કિચન સાફ કર્યા પછી, ઉધરસ કે છીંક પછી પુરુષો હાથ ધોવાનું ભૂલી જાય છે. તેની સામે મહિલાઓમાં આ બધી એક્ટ પછી હાથ ધોવાનું પ્રમાણે ૮૦ ટકા જેટલું ઊંચું નોંધાયું હતું.

પેરિસમાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ માર્કેટ રીસર્ચ એજન્સી આઈપીએસઓએસના અભ્યાસમાં પણ આવું જ કૈંક પરિણામ જોવા મળ્યું હતું. બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી ૧૦૦માંથી ૯૧ મહિલાઓ હેન્ડવૉશ કરતી હતી, એની સામે ૮૪ પુરુષો બાથરૂમમાંથી બહાર નીકળીને હાથ ધોવાનું યાદ રાખતા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ઘરે પહોંચ્યા પછી ૭૪ ટકા સ્ત્રીઓ પહેલું કામ હાથ ધોવાનું કરતી હતી. માત્ર ૬૫ ટકા પુરુષો જ બહારથી આવ્યા પછી હાથ સ્વચ્છ રાખતા હતા.

ચેપી રોગથી બચવા ચેતવણી વહેતી થઈ હોય ત્યારે હાથ ધોવાનો નિયમ પાળવામાં અને ચહેરાને ટચ ન કરવાની બાબતમાંં મહિલાઓ વધારે અવેર છે. સ્વીડિશ યુનિવર્સિટીના ત્રણેક વર્ષ જૂના સ્ટડીમાં આ દાવો થયો હતો. સ્ટડી પ્રમાણે ચેપી વાયરસનો ભય હોય ત્યારે ૧૦૦માંથી ૭૬ મહિલાઓ હેન્ડવૉશ અને મોં-નાક-આંખને સ્પર્શ ન કરવાની ગાઈડલાઈનનું પાલન કરે છે. સામે ૧૦૦માંથી માત્ર ૪૭ પુરુષો જ ચેપી વાયરસથી બચવાની ગાઈડલાઈન ફોલો કરે છે. બીજી રીતે કહીએ તો અત્યારે કોરોનાથી બચવા જે સૂચના અપાઈ છે એનું ૭૬ ટકા સ્ત્રીઓ અને ૪૭ ટકા પુરુષો પાલન કરે છે!

Saturday, 21 March 2020
Posted by Harsh Meswania
Tag :

સાયન્સ બિહાઈન્ડ લવ : પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન હજુ તાજું જ છે, ત્યારે લવ વિશેના વૈજ્ઞાનિક તારણો જાણવા જેવાં છે. પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી એ રહસ્ય ઉકેલવા સતત સંશોધનો થઈ રહ્યાં છે..


વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો ગ્લોબલ ઉત્સવ. દુનિયાભરના લવબર્ડ્સ પ્રપોઝ કરવા આ દિવસની રાહ જુએ છે. બંને પક્ષે 'હા' હોય તો વેલેન્ટાઈન ડે જ દિવાળી-હોળી કે ન્યૂયર બની જાય છે! પ્રેમ વિશે દુનિયાભરમાં અપાર સાહિત્ય લખાય છે, બોલાય છે, ફિલ્મ-વેબસીરિઝ બને છે.
પ્રેમને સમજવા જેટલાં પ્રયાસો થાય એટલાં જ નવા નવા રહસ્યો ઘૂંટાતા રહે છે. એક તબક્કે લાગે કે હવે પ્રેમ વિશે આ તારણ આખરી હશે, ત્યાં કંઈક નવું તારણ આકાર લેવા માંડે છે. પ્રેમના અમુક કોયડા સદીઓ પછીય ઉકેલાયા નથી.
'પ્રેમ દિલથી થાય છે કે દિમાગથી?' એ કોયડો પણ માનવજાતને સદીઓથી મૂંઝવે છે. એ મુદ્દો 21મી સદીના વૈજ્ઞાનિકો માટે એટલો જ પેચીદો બન્યો છે.
                                                                      ***
કોઈ કહે છે પ્યાર દિલથી થાય છે. કોઈ કહે છે પ્યાર સંજોગથી થાય છે. વળી કોઈ કહે છે પ્રેમ દિમાગથી થાય છે. તો કોઈ કહે છે, પ્રેમ નસીબથી થાય છે. કોઈ તો એવી પણ દલીલ કરે છે કે પ્રેમ પાછળ ન તો દિલ જવાબદાર છે ન દિમાગ, એ તો વિજાતીય આકર્ષણના કારણે થાય છે!

લવની લાગણીને સમજવા આજનું વિજ્ઞાન પણ ઘણી મથામણો કરે છે. એવી જ મથામણ ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આદરી હતી. એમાં કેટલાંક રસપ્રદ તારણો મળ્યાં હતાં. મનોવિજ્ઞાન વિભાગના સંશોધકોએ લવબર્ડ્સ ઉપર પડતી વિવિધ અસરો માપી હતી. પહેલી નજરે પ્રેમમાં પડી જનારા લવર્સના બિહેવિયરનું વિશ્લેષણ કરીને સંશોધકોએ કહ્યું હતું કે પ્રેમ દિલથી નહીં, દિમાગથી થાય છે!

'દિલ કી સુનો', 'દિલ સે પૂછો', 'તુમ્હારા દિલ કહે વો કરો!' પ્રકારની પ્રેમાળ શિખામણો વચ્ચે ન્યૂયોર્ક યુનિવર્સિટીના મનોવિજ્ઞાનિકો કહે છે કે પ્રેમ થવા પાછળ દિલ નહીં, દિમાગ જવાબદાર છે. આવું કહેવા માટે એ વિજ્ઞાનીઓ પાસે એમના તારણો અને તર્કો હતા. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડવાની શરૂઆત કરે છે ત્યારે એના મસ્તિસ્કમાં ડોપામાઈન, ઓક્સિટોસીન, એડ્રેનલિન, વેસોપ્રેસીન જેવાં 12 હોર્મોન્સનો જથ્થો વધી જાય છે. આ હોર્મોન્સ એને પ્રેમ કરવાનું બળ આપે છે.

પ્રેમમાં પડનારાને દુનિયા બદલાયેલી લાગે છે, ઉત્સાહવર્ધક અનુભવ થવા માંડે છે એ પાછળ પણ આ જ હોર્મોન્સ રીઝન બને છે. મનોવિજ્ઞાનિકોએ એવું પણ નિરીક્ષણ રજૂ કર્યું હતું કે આ એ સમય હોય છે જ્યારે માણસની ખરાબ લત છૂટી શકે છે. કદાચ એટલે જ ગર્લફ્રેન્ડ દારૂ-સિગારેટની લત છોડાવવાનો યશ મેળવી જતી હશે!?

પ્રેમમાં શબ્દો ગળામાં જ અટકી જાય કે હૃદય જોર-જોરથી ધડકવા માંડે એ પાછળ પણ દિમાગ જ કારણભૂત છે. આ બધું થવા પાછળ એડ્રેનલિન હોર્મોન જવાબદાર હોય અને બધો જ દોષ દિલ ઉપર આવે છે. ખરેખર દિલ આમાં સાવ નિર્દોષ હોય છે! માણસ જેને લવ કરે એની જ કેર કેમ કરે છે? જવાબ છે - ઓક્સિટોસીન. આ હોર્મોનનો સ્ત્રાવ જેને જોઈને કે જેની સાથે રહેવાથી વધે એની કેર કરવાની ઈચ્છા વધે છે. એ જ હોર્મોન વધારે પડતી કેર કરાવે ત્યારે પ્રિયજન માટે માલિકીભાવ પણ જન્મે છે.

ડોપામાઈનનું લેવલ વધે તો મૂડ સરસ બને છે. એનું સ્તર વધે એટલે વ્યક્તિ વધારે રોમેન્ટિક બની જાય છે. સંશોધકો તો ત્યાં સુધી કહે છે કે 'લવબાઈટ્સ' પાછળ આ ડોપામાઈનની કરામત કારણભૂત છે! પાર્ટનરને હગ કરવું, કિસ કરવી, ભીંસી નાખવું... જેવી ફીલિંગ્સનો ઊભરો ડોપામાઈનનો જથ્થો પોતાની સાથે લાવે છે!

કોઈ સાથે આખી જિંદગી રહી શકાશે એ ભાવ વેસોપ્રેસિન હોર્મોનના કારણે જન્મે છે. સંશોધકોએ એવીય નોંધ કરી હતી કે ફેમિલી મેમ્બર્સને જોઈને આ હોર્મોનનો જથ્થો નિરંતર વધતો હોય છે એટલે જ માણસને પરિવાર સાથે રહેવું ગમે છે. કોઈ એક વ્યક્તિને પરિવાર અને પ્રિયજન માટે એકસરખો સ્ત્રાવ થાય તો બધા સાથે રહી શકે એવાં ચાન્સ ઉજળા, પરંતુ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે હસબન્ડ-વાઈફમાંથી કોઈ એકના દિમાગમાં બીજાના પરિવારને જોઈને જો વેસોપ્રેસિનનો જથ્થો ન વધે તો એ સહજીવન લાંબું ટકતું નથી.
                                                                     ***
ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જરા જુદી દિશામાં સંશોધન કર્યું હતું. પ્રેમની કોઈ ઉંમર નથી હોતી એવી વ્યાપક માન્યતા છે, પરંતુ ક્વિનલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ થોડાંક મહિના પહેલાં આપેલું તારણ એવું હતું કે 35-40 વર્ષ પછી પ્રેમ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. દિમાગમાં થતાં ફેરફારો માણસને પ્રેમ કરવા પ્રેરે છે. એ પછી અમુક વયે એવા રસાયણોનો જથ્થો ઘટી જાય છે એટલે જ લવમેરેજના અમુક વર્ષો પછી પ્રેમ ઓછો થઈ જવાની ફરિયાદો ઉઠે છે.

આ સંશોધનમાં તો એવુંય તારણ અપાયું હતું કે પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર નથી થતો, પરંતુ દિમાગમાં ફેરફાર એટલે પ્રેમ થાય છે! એનો સીધો અર્થ એટલો કે દિમાગ પ્રેમ કરવા તૈયાર હોય અને હોર્મોન્સનો જથ્થો વધે તો જ કોઈક વ્યક્તિ પહેલી નજરે ગમી જાય છે. અથવા તો ઘણાં સમયથી પરિચયમાં હોવા છતાં અમુક સમય પછી જ ફીલિંગ થાય છે.

આ માટે સંશોધકોએ એવાં યુવક-યુવતીઓના દિમાગનો અભ્યાસ કર્યો હતો કે જેમના જીવનમાં કોઈને કોઈ ગંભીર ઘટનાઓ બની હતી. એ ઘટનાઓના કારણે તેમને કોઈનાય પ્રેમમાં હોવાની ફીલિંગ થતી ન હતી, પણ પેલી ખરાબ ઘટનાઓનું સ્મરણ ઝાંખું થયું પછી તેમણે કોઈ માટે ફીલિંગ્સ હોવાનું સ્વીકાર્યું હતું.

આ બંને સંશોધનો એ તરફ ધ્યાન દોરે છે કે દિમાગમાં ફેરફાર થાય ત્યારે પ્રેમ થાય છે અને પ્રેમ થાય એટલે દિમાગમાં ફેરફાર થાય છે. દિલમાં જે અસર થાય છે તે દિમાગનું રીફ્લેક્શન માત્ર છે, સીધી રીતે દિલની એમાં કોઈ જ સંડોવણી નથી!
                                                                        ***
તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકોએ 2010માં એક સંશોધન હાથ ધર્યું હતું. તેનો વિષય હતો, પ્રેમમાં સફળ થનારા લોકો જીવનમાં કેટલાં સફળ હોય છે? પ્રેમમાં સફળ થનારા સરેરાશ લોકો કરતા વધારે ક્રિએટિવ હોય છે? એવરેજ કરતા મજબૂત મનોબળ ધરાવતા હોય છે?

પાંચ વર્ષ લાંબાં સંશોધન પછી 25 પાનાનો જે અહેવાલ રજૂ થયો તેમાં રસપ્રદ તારણો નીકળ્યા હતા. પ્રેમમાં પડનારા શરૂઆતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોવા છતાં પ્રેમના કારણે તેના દિમાગમાં એવા રાસાયણિક ફેરફાર થાય છે કે જેથી આત્મવિશ્વાસ વધે છે. નવા સાહસો કરવાનું બળ વધે છે.

પાર્ટનરને ખૂબ પ્રેમ કરનારા લોકોમાં એકાગ્ર થવાની ક્ષમતા વિકસે છે. સંતૃપ્તિ અને આત્મવિશ્વાસના કારણે સફળ પ્રેમીઓમાં ક્રિએટિવિટી, મજબૂત મનોબળ, આત્મવિશ્વાસ વિકસે છે. આ બાબતો તેમને પ્રોફેશ્નલ સફળતા તરફ દોરી જાય છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ પ્રેમમાં પડવાના સમય ઉપર સ્ટડી કર્યો હતો. પ્રથમ મુલાકાતની કઈ ક્ષણે પ્રેમના અંકુર ફૂટે છે? સંશોધકોએ વર્ષોના સંશોધન પછી તેનો જવાબ શોધી કાઢ્યો હતો કે પ્રથમ મુલાકાતની પહેલી ચાર મિનિટ પ્રેમ થવા કે ન થવા માટે નિર્ણાયક સાબિત થાય છે.

આ ચાર મિનિટમાં બોડી લેંગ્વેજ, અવાજ અને દેખાવના આધારે બંને વ્યક્તિ પરસ્પર એકમેકને પસંદ કરે છે. બોડી લેંગ્વેજના આધારે 55 ટકા લોકો બીજાના પ્રેમમાં પડે છે. અવાજના આધારે પ્રેમમાં પડનારાની સંખ્યા 38 ટકા છે અને વિચારોના આધારે પ્રેમમાં પડતા લોકો માત્ર 7 ટકા છે.
                                                                           ***
આ બધા જ સ્ટડી હોર્મોન્સના આધારે થયા હતા. કોઈના પ્રેમમાં પડવું, પ્રેમમાં સફળ થવું, કઈ બાબતોથી આકર્ષાવું, કેર કરવી, સાથે રહેવું... જેવી મહત્વની બાબતો બને છે, એનાં બીજ દિમાગમાં રોપાય છે.

દિમાગમાં હાઈપોથેલેમસ, લિંબિંક સિસ્ટમ હોય છે. એમાં આ વિવિધ હોર્મોન્સ રહે છે. હોર્મોન્સનો જથ્થો વધે તે સાથે જ બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને છે. રક્તનું સર્ક્યુલેશન ઝડપી થાય એટલે હૃદયનું કામ વધે. હૃદયનું કામ વધે એટલે એ જોરજોરથી ધડકે. એ જોરજોરથી ધડકે એટલે આપણને લાગે કે પ્રેમમાં હૃદયની મહત્વની ભૂમિકા હશે, પરંતુ આખી વાત બને છે દિમાગમાં!
આપણી હિન્દી ફિલ્મના ગીતકારોએ ભલે આપણને રટ્ટો મરાવી દીધો છે કે પ્રેમ દિલથી થાય છે, પણ સાયન્સ કહે છે કે પ્રેમ દિમાગથી થાય છે.
                                                                         ***

બ્રેકઅપનું સાયન્સ!

દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ બ્રેકઅપ ડે પણ ઉજવાય છે! પ્રેમીયુગલ વચ્ચે અણબનાવ થાય અને એકબીજાથી અલગ થવાની નોબત આવે એ સ્થિતિને વિશ્વભરની લગભગ તમામ ભાષામાં 'દિલ તૂટયું' એમ કહેવાય છે. બ્રેક-અપ થાય ત્યારે દિલ તૂટયું છે, એવું કહે છે. દિલ તૂટે છે એટલે કંઈ દિલ શરીરની બહાર આવીને વિખેરાઈ જતું નથી, પણ તેમ છતાં આ શબ્દપ્રયોગ દરેક ભાષાએ અપનાવ્યો છે.

એ શબ્દપ્રયોગને હવે સાયન્સનું સમર્થન મળ્યું છે. ટોરોન્ટો યુનિવર્સિટીના સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે પ્રેમીજનનો કાયમી વિરહ આવી પડે તે પછી હૃદયમાં જે પીડા ઉપડે છે તે ખરેખર કોઈ અંગ વિખેરાયું હોય એવી હોય છે.
બ્રેકઅપ પછી શરીરમાં થતાં ફેરફારો નોંધનારા સંશોધકો એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા કે એ પીડા શરીરના કોઈ અંગ તૂટવાથી થતી હોય છે એવી જ હોય છે. શરીરના કોઈ અંગમાં તીર ભોંકાય કે સોંઈ ખોંસવામાં આવે અને જે દર્દ ઉપડે છે એવું જ દર્દ દિલમાં કોઈના વિરહથી ઉપડે છે. લાંબાં અભ્યાસના અંતે અવું અર્થઘટન થયું છે કે દિલ તૂટવું એ માત્ર રૂપક નથી.
Sunday, 16 February 2020
Posted by Harsh Meswania
Tag :

માસ્કનું વર્ષે 5700 કરોડ ડોલરનું માર્કેટ


 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

કોરોનાના ડરથી માસ્કના માર્કેટમાં તેજી આવી  છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર માસ્કના ભાવ વધી ગયા છે. અછત સર્જાવાના ડરે કેટલાય દેશોએ માસ્કની નિકાસ અટકાવી દીધી છે.


નેટફ્લિક્સની શરૂઆતમાં બહુ હિટ બનેલી વેબસીરિઝ 'હાઉસ ઓફ કાર્ડ્સ'નો એક ડાયલોગ છે : 'ડર એ દુનિયાનો સૌથી મોટો વેપાર છે. એ સત્તાધીશને પાવર આપે છે. ડરના વેપારમાં નિષ્ફળતા મળવાની શક્યતા બહુ જ ઓછી છે. ભય બતાવીને ભલભલું વેંચી શકાય છે. ભય જોઈને લોકો ન ગમતું બધું જ કરવા માંડે છે. શક્તિશાળી અને સમજદાર વેપારીને (વિશ્વના રાજકારણીઓને) ભયનો વેપાર ક્યારેય નિરાશ કરતો નથી'

વેલ, વિશ્વમાં અત્યારે આવો ભય કોરોનાના કારણે ફેલાયો છે. કોરોનાના ભયના કારણે મંદીમાં સપડાયેલા વૈશ્વિક માર્કેટમાં અચાનક હેલ્થ પ્રોડક્ટ્સના વેંચાણમાં તેજી આવી ગઈ છે. દુનિયાભરની ફાર્મા કંપનીઓની ફેક્ટરીઓ રાત-દિવસ ધમધમવા માંડી છે. કોરોના વાયરસ ચીનની બહાર નીકળી ચૂક્યો છે. ચીનનું જોયા પછી બીજા દેશો સાવચેત બની ગયા છે. ચીન જેવું ન થાય એ માટે દુનિયાભરમાં સાવધાનીના પગલાં લેવાનું શરૂ થઈ ચૂક્યું છે અને તેનો સૌથી વધુ ફાયદો હેલ્થ સેક્ટરને થઈ રહ્યો છે. ચીન સિવાય ભારત સહિતના ૧૫ દેશો ઉપર કોરોનાનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.

આફતને અવસરમાં પલટાવી નાખવાની આવડત ધરાવતા વેપારીવૃત્તિના ઘણાં દેશોએ આનો ભરપૂર લાભ લેવાનું શરૂ પણ કરી દીધું છે. કોરોના વાયરસ સામે લડતા દેશોને જોઈએ એટલી માત્રામાં હેલ્થ પ્રોડક્ટ્સ આપવા મોટી ફાર્મા કંપનીઓએ કવાયત શરૂ કરી દીધી છે. કોરોનાના ભય હેઠળ વૈશ્વિક કંપનીઓને લાભ રળી આપતી આવી જ એક પ્રોડક્ટ છે - માસ્ક.
                                                                           ***
કોરોનાના કેર વચ્ચે દુનિયાભરમાં માસ્કની ડિમાન્ડ વધી ગઈ છે. ચીનમાં તો માસ્કની અછત સર્જાઈ ગઈ. એ અછત નિવારવા ચીને દક્ષિણ કોરિયા, જાપાન, હંગેરી, સિંગાપોર જેવા દેશો પાસેથી માસ્ક આયાત કરવા કવાયત શરૂ કરી હતી. અત્યારે ચીન ગમે એટલી મહેનત કરે તો પણ એક વખત વપરાશમાં લઈ શકાય એ પ્રકારના એક દિવસમાં ૨ કરોડ માસ્ક જ બનાવી શકે તેમ છે. કોરોનાથી બચવા માસ્ક એ પ્રાથમિક જરૂરિયાત છે.

ચીનની વસતિને ધ્યાનમાં રાખીને તેને કરોડોની સંખ્યામાં માસ્કની જરૂર પડશે. માસ્કની અછતથી લડવા ચીનની સરકારે મિત્ર રાષ્ટ્રોને માસ્કનું ડોનેશન કરવાની વિનંતી પણ કરી છે. અમેરિકન, યુરોપીયન કંપનીઓ પાસેથી માસ્કની મોટાપાયે ખરીદી કરવાની તૈયારી ચીનના હેલ્થ મિનિસ્ટરે બતાવી હતી.

અત્યારે ચીનને દરરોજ પાંચ કરોડ જેટલાં સર્જિકલ માસ્કની જરૂર છે. જેમ તેમ કરીને ૬૦-૭૦ ટકા જરૂરિયાતને અત્યારે તો પહોંચી વળાય છે, પરંતુ ૩૦ ટકા જરૂરિયાત પૂરી થતી ન હોવાથી ચીનના માર્કેટમાં માસ્કની પ્રાઈસમાં જબ્બર ઉછાળો આવ્યો છે. ભારતમાં પણ એન૯૫  પ્રકારના માસ્કની કિંમત વધી ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં એક માસ્કનો ભાવ ૨૫૦ રૂપિયાથી ૩૫૦ રૂપિયા સુધી બોલાય છે. અગાઉ આવા માસ્કની કિંમત ૧૨૦થી ૧૫૦ રૂપિયા હતી.

કોરોનાનો સચોટ ઈલાજ હજુ શક્ય બન્યો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વાયરસથી બચવા વિશ્વને ચેતવ્યું પછી દુનિયાભરમાં માસ્કની ડિમાન્ડ એકાએક વધી ગઈ છે. ચીનમાં માસ્ક જેવી પ્રાથમિક પ્રોડક્ટની અછત સર્જાઈ એવી અછત અન્ય દેશો પોતાને ત્યાં ન સર્જાય તે માટે સાવધાન બની ચૂક્યા છે. અમેરિકા-ભારત જેવા દેશોએ તો ચીનમાં મોકલાતો માસ્કનો જથ્થો ઘટાડી નાખ્યો છે અને સ્થાનિક માર્કેટમાં પૂરતો જથ્થો મેઈનટેઈન થાય એ દિશામાં આયોજન શરૂ કર્યું છે.

કોરોનાથી બચવા માટે માસ્ક સૌથી મહત્વનો ઉપાય હોવાથી અત્યારે માસ્કની ડિમાન્ડ વધી છે એ સાચું, પરંતુ તે સિવાય પણ માસ્કના માર્કેટમાં છેલ્લાં થોડાંક વર્ષોથી ઉછાળો આવ્યો છે. દુનિયા ઉપર સતત નવા નવા વાયરસનો હુમલો થઈ રહ્યો છે. એમાં ય એક દશકામાં જ આટલા વાયરસનો ત્રાસ દુનિયાએ જોયો છે કે તેની સામે લડત આપવા સલામતીના ઉપાયો અજમાવવાની જાગૃતિ વધી. એના ભાગરૂપે છેલ્લાં એક દશકામાં સર્જિકલ માસ્ક યાને મેડિકલ માસ્કની જરૂરિયાત પણ અનેકગણી વધી ગઈ.
                                                                      ***
માસ્કનાં ઘણાં પ્રકારો છે. ખાસ પ્રકારના કપડાંમાંથી બનેલાં સાદા માસ્કથી લઈને ધુમ્મસથી બચાવતાં એન્ટી ફોગ માસ્ક, એન૯૫ માસ્ક અને ઓપરેશન દરમિયાન ડૉક્ટર્સ પહેરે છે તે સર્જિકલ માસ્ક. આ બધા માસ્કના અલગ અલગ પ્રકાર સામાન્ય રીતે સર્જિકલ માસ્કના નામે જ વધુ જાણીતા છે. અમેરિકાની નેશનલ હેલ્થ ઈન્સ્ટિટયૂટે જેને એન૯૫ નામ આપ્યું છે એ પ્રકારના માસ્ક વાયરસ સામે રક્ષણ આપે છે. એમાં ૯૫ ટકા સુધી કણો શુદ્ધ થવાની ક્ષમતા હોય છે એવો દાવો થાય છે.

અલગ અલગ દેશમાં માસ્કને લગતા ધારાધોરણ અલગ અલગ છે. અમેરિકામાં એન૯૫ માસ્કને વાયરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાનું સૂચન થાય છે. યુરોપમાં એવા જ માસ્કના માપદંડો અલગ છે. યુરોપમાં ત્રણ પ્રકારના આવા માસ્કને માન્યતા મળે છે. પહેલાં તબક્કાના માસ્કમાં ૮૦ ટકા, બીજા તબક્કાના માસ્કમાં ૯૪ ટકા, તેનાથી મોંઘા ત્રીજા તબક્કાના માસ્કમાં ૯૯ ટકા સુધી રજકણો શુદ્ધ થતાં હોવાનું સંશોધન થયું છે. એમાં પાછા લીકેજની શક્યતાના સંશોધનો ય થયા છે. પ્રથમ તબક્કાના માસ્કમાં ૨૨ ટકા સુધી લીકેજની શક્યતા છે. બીજામાં ૮ અને ત્રીજામાં માત્ર ૨ ટકા માસ્કમાં જ લીકેજ એટલે કે ખરાબીની શક્યતા છે.

છેલ્લાં એક દશકાથી માસ્કનું ગ્લોબલ માર્કેટ ૨૫થી ૩૫ ટકાની ઝડપે વિકસી રહ્યું છે. ૨૦૧૮માં માસ્કનું ગ્લોબલ માર્કેટ ૪૫૦૦ કરોડ ડોલર હોવાનો અંદાજ હતો. ૨૦૧૯માં એ માર્કેટ ૫૭૦૦ કરોડ ડોલરને પાર થઈ ગયું હતું. ૨૦૨૬ સુધીમાં બધા પ્રકારના માસ્કનું વૈશ્વિક માર્કેટ ૯૮૦૦ કરોડ ડોલર થઈ જશે. આગામી છ-સાત વર્ષમાં માસ્કનું માર્કેટ ૫૭૦૦ કરોડ ડોલરમાંથી ૧૦,૦૦૦ કરોડ ડોલર સુધી પહોંચી  જશે તે પાછળ ક્યા કારણો જવાબદાર હશે?
                                                                          ***
સાર્સ, મેર્સ, સ્વાઈન ફ્લુ, ઈબોલા, નિપાહ, નાઈલ જેવા અજાણ્યા વાયરસનો દુનિયાને ચેપ લાગ્યો હતો. વાયરસના મૂળિયા સુધી હજુ સુધી વિજ્ઞાાન પહોંચી શક્યું નથી. કેટલાંય નાના-મોટા અજાણ્યા વાયરસનું માનવજાત સાથે સહઅસ્તિત્વ રહ્યું છે. સંશોધકો તો એવો ય દાવો કરતા રહે છે કે વીતેલા દશકા કરતાં આવતા દશકામાં માણસજાતે વધુ શક્તિશાળી વાયરસ સાથે લડવાનું આવશે.

આ ભય માણસને સાવધાન રહેવા પ્રેરે છે. સાવધાની માટે શક્ય એટલાં બધા જ પ્રયાસો માણસ કરે છે. તેના ભાગરૂપે સૌથી શરૂઆતનો અને સૌથી મહત્વનો પ્રયાસ માસ્ક પહેરવાનો છે. માસ્કથી ઘણાંખરા નાના સંક્રમણથી પણ બચી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી દુનિયાના સ્વાસ્થ્યની ચિંતા કરતી સંસ્થાઓ માસ્ક પહેરવાની ભલામણ કરે છે. નાક-મોંથી શરીરમાં પ્રવેશતા વાયરસને અટકાવવાનાં વિવિધ સંસ્થાઓનાં કેમ્પેઈનના કારણે લોકોમાં અવેરનેસ આવી છે. એ અવેરનેસથી માસ્કની ડિમાન્ડ વધી છે.

૨૦૧૬માં થયેલા એક સર્વેક્ષણનું તારણ હતું એ પ્રમાણે આપણે સરેરાશ એક કલાકમાં આપણાં ચહેરાને ૨૩ વખત હાથ અડાડીએ છીએ. હાથ સ્વચ્છ રાખવામાં મોટાભાગના લોકો બેદરકાર છે. ૨૦૧૫ના એક સર્વેક્ષણમાં તો એવો ય દાવો થયો હતો કે લોકો સરેરાશ પાંચ-છ કલાકમાં એક વખત હાથ સાફ કરે છે. એનો અર્થ એ કે હાથ સ્વચ્છ રાખવાની બાબતમાં બેદરકારી સામાન્ય છે અને એ જ હાથ જો મોં-નાકના સંપર્કમાં આવે તો વાયરલની શક્યતા વધી જાય છે.

દરરોજ તો માસ્ક પહેરવાનું બધા માટે શક્ય નથી, પરંતુ આવા ભયાનક વાયરસના જોખમ વખતે માસ્ક પહેરવાથી ભીતિ ઓછી થતી હોય તો એ કરવું હિતાવહ છે. એન૯૫ જેવાં માસ્ક પહેરવાથી કોરોના જેવા વાયરસ સામે ૧૦૦ ટકા રક્ષણ તો નથી મળતું, પરંતુ જોખમ ઘણું ઘટી જાય છે એ નક્કી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે ડોક્ટર્સ સૂચન કરે એ સમયગાળામાં માસ્ક પહેરવાથી જોખમ ૩૦-૪૦ ટકા ઘટી જાય છે.

વેલ, ડર દુનિયાનો સૌથી મોટો વેપાર હોય તો પણ સલામત રહેવા માટે થોડોક ખોટનો સોદો કરવો પડે તો કરી લેવો સારો! શું કહો છો?
                                                                          ***

માસ્ક વાયરસથી  બચાવે છે?

૨૦૦૮ સુધી વાયરસથી બચવા મેડિકલ માસ્ક કેટલાં કારગત નીવડે છે તે દિશામાં કોઈ જ નક્કર સંશોધનો થયા ન હતા. ૨૦૦૮માં પ્રથમ વખત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઈન્ફેક્શન ડિસીસમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. એ અહેવાલમાં પહેલી વખત એવો દાવો થયો હતો કે માસ્ક પહેરવાથી વાયરસને દૂર રાખી શકાય છે. બાળકોને વાયરલ ઈન્ફેક્શન થાય એવા કિસ્સામાં માસ્ક પહેરાવવાથી ૮૦ ટકા સુધી જોખમ ઘટી જતું હતું.
મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૧૨માં એક સંશોધન કર્યું હતું. હોલમાં ઘણાં લોકો સાથે રહેતા એક ગ્રુપને માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી હતી. બીજા ગ્રુપને માસ્ક ન પહેરવાનું જણાવ્યું હતું. જેમણે ગ્રુપમાં હોય ત્યારે આઠેક કલાક સુધી માસ્ક પહેરી રાખ્યા હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી હતી. જેમણે માસ્ક પહેર્યા ન હતા એ લોકોએ વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ કરી હતી. સંશોધકો એવા તારણ સુધી પહોંચ્યા હતા કે વધારે લોકો સાથે પનારો પડતો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ.
                                                                              ***

સૌથી વધુ ઉપયોગ એશિયન દેશોમાં

દુનિયાના કુલ પ્રોડક્શનના ૭૦ ટકા માસ્ક એશિયન દેશોમાં વપરાય છે. માસ્કના ઉત્પાદનમાં દક્ષિણ કોરિયા આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઉપયોગમાં પણ દક્ષિણ કોરિયાના લોકો પહેલી હરોળમાં આવે છે. જાપાનમાં વન ટાઈમ યુઝ માસ્કનું મોટું માર્કેટ છે. હોસ્પિટલ્સ, લેબોરેટરી, કારખાનાઓમાં લોકો માસ્ક પહેરતા હોય છે, પરંતુ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોરમાં માસ્ક પહેરેલા લોકો પબ્લિક પ્લેસીસમાં પણ બધે ફરતા જોવા મળે છે.

હવાના પ્રદૂષણથી બચવા જાપાન-ચીન-દક્ષિણ કોરિયામાં લોકો દિવસભર માસ્ક પહેરી રાખે છે. જોકે, એ માસ્ક રજકણોથી રક્ષણ આપે એ પ્રકારના હોય છે. વાયરસથી રક્ષણ કરવા એન૯૫ પ્રકારના માસ્કની ભલામણ કરવામાં આવતી હોય છે. ધૂળ-રજકણોથી રક્ષણ આપતા સાદા માસ્ક સસ્તા હોય છે, જ્યારે વાયરસમાં પહેરવાની ભલામણ થાય છે એ માસ્કની કિંમત થોડી વધુ હોય છે.
વિજ્ઞાનિકોના મતે અમેરિકા-યુરોપ કરતા એશિયન દેશો વધારે ગીચ છે એટલે જાહેરમાં માસ્ક પહેરવાથી ઘણાં નાના-મોટા વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે. એશિયન દેશો માસ્ક પહેરવામાં પણ આગળ છે અને પ્રોડક્શનમાં પણ એશિયન દેશોનો હિસ્સો ઘણો મોટો છે.
Sunday, 9 February 2020
Posted by Harsh Meswania
Tag :

સોશિયલ મીડિયાના કારણે આપણું રીડિંગ કેટલું ઘટયું છે?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એટલે બધાનો એવરેજ રીડિંગ ટાઈમ ઘટી ગયો છે. કેટલો સમય ઘટયો છે? ૨૦-૨૫ વર્ષ પહેલાં લોકો કેટલું રીડિંગ કરતા હતા?

'ગેમ ઓફ થ્રોન્સ' સીરિઝ જેમની નોવેલ્સ પરથી પ્રેરિત છે એ લેખક જ્યોર્જ આર.આર. માર્ટિનનું ખૂબ જાણીતું વાક્ય છે : 'રીડર એક જ આયખામાં હજારો જિંદગી જીવી શકે છે, જે માણસ રીડિંગ કરતો નથી એ તેને મળેલી એક જ જિંદગી જીવે છે'.

અડધા દશકા પહેલાં પુસ્તકો માણસના જીવનનો અભિન્ન હિસ્સો હતાં. પુસ્તકો માણસને મિત્રની ખોટ પૂરી કરતા, હવે ફ્રેન્ડશીપ માટે સોશિયલ મીડિયા હાજરાહજૂર છે. એક અકાઉન્ટ ઓપેન કરીએ ત્યાં આખી દુનિયા ખુલી જાય છે! પ્રવાસમાં પુસ્તકો સાથે રાખવાથી લઈને તકિયા પાસે પુસ્તકો મૂકીને સૂઈ જવાનો એક જમાનો હતો.

પુસ્તકનું એ સ્થાન સ્માર્ટફોને લઈ લીધું તે પહેલાં એમાં થોડીક હિસ્સેદારી ફિલ્મ અને ટેલિવિઝનની પણ હતી. સિનેમાનો યુગ આવ્યો પછી પુસ્તકોનું વાચન થોડુંક ઘટયું હતું. સાહિત્યકૃતિનો આધાર લઈને ફિલ્મો બનતી થઈ પછી રીડિંગ મટિરિયલની ડિમાન્ડમાં થોડોક ઘટાડો આવ્યો હતો. પુસ્તકોના હિસ્સાનો થોડોક સમય ટેલિવિઝને લઈ લીધો પછી ય સારો એવો સમય માણસ પુસ્તકોને આપતો હતો.

વિદ્યાર્થીકાળમાં તો 'રીડિંગ' સૌથી મહત્વનો મુદ્દો હોય જ, પરંતુ એ પછી પણ રીડિંગ સાથે માણસ કનેક્ટ હતો. પુસ્તકો વાંચવા જેટલી નવરાશ ન હોય ત્યારે સારા વાચનની તલાશમાં માણસની આંખો અખબારો, સામયિકો ઉપર ફરી વળતી. મનગમતા વિષયો, પસંદીદા લેખકોની કલમ આ જ રીતે આપણાં સુધી પહોંચતી.

પરંતુ ૨૧મી સદીમાં સોશિયલ મીડિયાના યુગનો આરંભ થયો, તે સાથે જ રીડિંગ હેબિટ્સમાં પણ પરિવર્તન આવ્યું. ગમે એટલા સંશોધનો થાય, માણસના કલાકો વધારી શકવાના નથી! માનવજાત પાસે સિનેમા-ટેલિવિઝન-રેડિયો-સોશિયલ મીડિયાના જમાના પહેલાં ય ૨૪ કલાકો હતાં અને આજેય ૨૪ કલાક જ છે. ગમે એટલાં ડિવાઈસ આવે; ગમે એટલી ટેકનોલોજી આવે, આપણે એ બધું ૨૪ કલાકમાં જ મેનેજ કરવાનું છે એ નક્કી છે.

નવું જોવા-જાણવા, શીખવા-સમજવા માટે જૂનું મૂકવું પડે. આપણી પાસે એક તરફ ૨૧મી સદીનું સોશિયલ મીડિયા હતું અને બીજી તરફ સદીઓ જૂની રીડિંગ હેબિટ હતી. આપણે સોશિયલ મીડિયા માટે રીડિંગ હેબિટનો 'ભોગ' આપ્યો. સંશોધનો કહે છે કે ૨૧મી સદીના માણસની રીડિંગ હેબિટમાં ધરખમ પરિવર્તન આવી ચૂક્યું છે.
                                                                         ***
દુનિયાભરમાં બાળકો અને યુવાનોની ઘટતી વાચનક્ષમતા અંગે ચિંતા થઈ રહી છે. અમેરિકામાં ૨૦૧૬માં બાળકોની રીડિંગ હેબિટ પર એક સંશોધન થયું હતું. એમાં એક તારણ એવું આવ્યું હતું કે ૧૯૮૨ સુધી અમેરિકાના સરેરાશ ૫૬.૯૦ ટકા યુવાનો ૨૦-૨૨ વર્ષ સુધીમાં એક નવલકથા વાંચી લેતા હતા. ૨૦૧૫માં અમેરિકાના સરેરાશ ૪૩.૧ ટકા યુવાનો નવલકથા વાંચતા હતા.

ત્રણ દશકામાં ૨૦-૨૨ વર્ષ સુધીમાં એટલિસ્ટ એક નવલકથા વાંચી લેતા યુવાનોની સંખ્યામાં જો ૧૩ ટકાનો ઘટાડો થયો હોય તો એ બહુ મોટો ફરક ન કહેવાય. આટલા વર્ષોમાં આટલી ટેકનોલોજી વિકસી છતાં જો હજુય ૧૦૦માંથી ૪૩ યુવાનો જીવનની પચ્ચીસીમાં એક પુસ્તક વાંચી લેતા હોય તો એ સારી વાત કહેવાય, પરંતુ મુશ્કેલી અહીંથી શરૂ થઈ હતી.

૨૧મી સદીમાં જન્મેલી જનરેશન એનાથી ય ઓછું રીડિંગ કરે છે. યુએસ એકેડેમિક રીપોર્ટ્સના દાવા પ્રમાણે ૧૯૮૦ના દશકામાં ૧૬થી ૧૮ વર્ષના ૬૦ ટકા વિદ્યાર્થીઓ દરરોજ પુસ્તક, અખબાર, મેગેઝિન વાંચતા હતા, જેનો તેમના અભ્યાસક્રમ સાથે કોઈ સંબંધ ન હતો. શાળામાંથી સજેસ્ટ કરવામાં આવ્યું હોય પછી અભ્યાસક્રમ સિવાયનું વાચન કરતા વિદ્યાર્થીઓ એ દશકામાં ૮૦ ટકા હતા. જે ઘટીને ૨૦૧૬માં માત્ર ૧૬ ટકા થઈ ગયા હતા. ૨૦૧૬માં સ્કૂલ-કોલેજના રીડિંગ સિવાય પોતાના રસ ખાતર પુસ્તક, અખબાર, મેગેઝિન વાંચતા હોય એવા ૧૦૦માંથી માત્ર ૧૬ વિદ્યાર્થી હતા.

તો સ્કૂલ સિવાયના સમયમાં આ વિદ્યાર્થીઓ શું કરે છે?
જવાબ છે - મેસેજીસ. સોશિયલ મીડિયા.
એ જ અહેવાલ દાવો કરે છે કે ૨૧મી સદીમાં જન્મેલી જનરેશન ૨૪માંથી છ કલાક મેસેજીસની આપ-લે પાછળ ખર્ચે છે. એટલે તેમને વાચનની જરૂર વર્તાતી નથી. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ દુનિયાભરની નવી જનરેશનની રીડિંગ હેબિટ્સનો સ્ટડી કરનારા બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો ગયા વર્ષે એવાં તારણ પર આવ્યા હતા કે ૨૦મી સદીના છેલ્લા દશકાના અંતમાં કે ૨૧મી સદીમાં જન્મેલા ૮૦ ટકા વિદ્યાર્થીઓ માત્ર સ્ટડીમાં જરૂરી હોય એટલું જ રીડિંગ કરે છે.

અભ્યાસક્રમ સિવાયનું નવું જાણવાની જિજ્ઞાસા ઓડિયો-વિડીયો માધ્યમથી સંતોષે છે. ૧૦૦માંથી માત્ર ૧૨ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ ઉપરાંતના પુસ્તકો વાંચે છે. આઠ ટકા સ્ટૂડન્ટ્સ કોર્સ બહારનું રીડિંગ ઓનલાઈન કરે છે. આ અભ્યાસમાં વધારાના રીડિંગ મટિરિયલમાં પુસ્તકોનો જ સમાવેશ કરાયો હતો. અખબાર અને સામયિકોના વાચનને ધ્યાનમાં લેવાયું ન હતું.

બીજા એક સ્ટડીમાં એવો ય દાવો થયો હતો કે ૧૫થી ૩૫ વયની વયજૂથના ૪૮ ટકા યુવાનો અખબારો-સામયિકો વાંચીને દુનિયાથી માહિતગાર થાય છે. એ સ્ટડીમાં ૯૦ના દશકામાં જન્મેલા લોકોનો પણ સમાવેશ કરાયો હતો. 
                                                                         ***
રીડિંગ ઘટવાથી જે ભય સર્જાયો છે, એ છે - શબ્દો સાથે કામ પાર પાડવાની આપણી ઘટતી ક્ષમતા. ૨૧મી સદીમાં જન્મેલી જનરેશનની રીડિંગ હેબિટનો અભ્યાસ કર્યા પછી સંશોધકોએ એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં માણસની શબ્દો સાથે કામ લેવાની ક્ષમતા ઘણી ઘટી જશે!

મોર્ડન જનરેશન જે રીતે ઓછા શબ્દોથી ચલાવે છે, રીડિંગના અભાવે શબ્દભંડોળ ઓછું થઈ રહ્યું છે અને સિમ્બોલ્સથી કામ ચલાવવાનું વધ્યું છે - તે જોતાં ત્રણેક દશકામાં બોલચાલના કે સાધારણ લેખનના કેટલાય શબ્દો લુપ્ત થઈ જશે! એક ભાષામાંથી બીજી ભાષાનો શબ્દ સમજવા શબ્દકોશની જરૂર પડે છે. એના બદલે એકાદ દોઢ દશકા પછી એ જ ભાષાના અઘરા શબ્દો સમજવા માટે ડિક્શનરી જરૂરી બની જશે.

વેલ, આ આવનારા સમયનો અંદાજ છે. સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરવાથી રીડિંગ સ્પેસ ઘટી રહી હોવાની ચિંતા વારંવાર વ્યક્ત થતી રહે છે. સાદી સમજ છે, સોશિયલ મીડિયામાં સમય ખર્ચાય એટલે બીજે જે સમય આપવાનો હોય એ ઘટી જાય. નવી ટેકનોલોજીનું વિશ્વ નજર સામે હોય ત્યારે બે પૂઠાં વચ્ચેનું જગત જોવાની નવરાશ કાઢવી આમેય અઘરી છે.

પરંતુ ડિજિટલ પ્લેટફોર્મમાં ય રીડિંગનો પુરતો અવકાશ છે. વિકિપીડિયામાં જ અંગ્રેજી ભાષાના ૬૦ લાખ, જર્મનભાષાના ૨૩ લાખ આર્ટિકલ્સ અવેલેબલ છે. હિન્દી-ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં પણ કેટલાય વિષયોની માહિતી સતત ઉમેરાઈ રહી છે. અપાર ઓથેન્ટિક વેબસાઈટ્સ છે, જે પુસ્તક હાથમાં રાખ્યા વગર પણ દુનિયાભરનું રીડિંગ મટિરિયલ આપણી આંખોને પીરસે છે.
ઈનશોર્ટ, રીડિંગ કરીશું તો ખજાનો અખૂટ છે, નહીં કરીએ તો શબ્દો ખૂટશે!
                                                                    ***

રીડિંગના અભાવે માણસનું શબ્દભંડોળ ખૂટી જશે!

વૉલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં દાવો થયો હતો કે અંગ્રેજી જાણનારા સરેરાશ માણસનું શબ્દભંડોળ ૨૦થી ૩૦ હજાર શબ્દોનું હોય છે. એટલે કે અંગ્રેજીભાષા જાણનારો સરેરાશ માણસ ૨૦-૩૦ હજાર શબ્દોનો અર્થ જાણે છે, લખી શકે છે, બોલી શકે છે. વિશ્વની અલગ અલગ ભાષા બોલતા લોકો ઉપર આ પ્રકારના સંશોધનો થયા છે. લખી ન શકતા લોકો પર પણ સંશોધનો થયા છે.
બધાના તારણ પ્રમાણે અત્યારે પૃથ્વી પર જીવતા લોકો સરેરાશ ૨૦ હજાર શબ્દોથી લઈને ૪૨ હજાર શબ્દો જાણે છે, બોલે છે, વપરાશમાં લઈ શકે છે. પરંતુ સંશોધકોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આગામી એક દશકામાં શબ્દભંડોળ ઘટીને ૧૧ હજારથી ૧૮ હજાર સુધી આવી જશે. અગાઉના દશકાઓની તુલનાએ ૨૧મી સદીમાં જન્મેલી જનરેશન ઓછા શબ્દો વાંચે છે. લખવાનું પણ ઓછું આવે છે. ઈમોટિકોન્સથી કામ ચાલી જાય છે એટલે ધીમે-ધીમે શબ્દોની ગરજ ઓછી થતી જશે. શબ્દો ઉપર સંકેતો ભારે પડશે.
                                                                   ***

જેટલો સમય સોશિયલ મીડિયામાં વધુ, એટલો રીડિંગમાં ઓછો?

વર્ડપ્રેસના એક ઓનલાઈન સર્વેક્ષણનું તારણ જાણવા જેવું છે. જે સ્ટૂડન્ટ્સ પાંચ કલાક સોશિયલ મીડિયામાં આપતા હતા, તે સપ્તાહમાં બે કલાક રીડિંગ કરતા હતા. સ્ટૂડન્ટ્સ છ કલાક સોશિયલ મીડિયામાં આપતા હતા તે સપ્તાહમાં દોઢ કલાક રીડિંગ પાછળ આપતા હતા. જે વિદ્યાર્થીઓ છ કલાક કરતા વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હતા કે સપ્તાહમાં ૧૫થી ૨૦ મિનિટનું રીડિંગ કરતા હતા.જે સ્ટૂડન્ટ્સ ચાર કલાક સોશિયલ મીડિયાને આપતા હતા તે સપ્તાહમાં ત્રણ કલાક રીડિંગને આપી શકતા હતા.

જે વિદ્યાર્થીઓ પાંચ કલાક સોશિયલ મીડિયાને આપતા હતા એમાંથી ૬૧ ટકા વિદ્યાર્થીઓને વાચન દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં સંઘર્ષ કરવો પડતો હતો. જે વિદ્યાર્થીઓ છ કલાક કે તેનાથી વધુ સમય સોશિયલ મીડિયાને આપતા હતા એમાંના ૯૧ ટકાને વાચનમાં ધ્યાન આપવામાં મહેનત પડતી હતી.
ચાર કલાક સોશિયલ મીડિયાને આપતા હતા તેમાંથી ૫૦ ટકા વિદ્યાર્થીઓએ શરૂઆતના એક કલાક દરમિયાન વાચનમાં ધ્યાન ન લાગતું હોવાની ફરિયાદ કરી હતી. ત્રણ કલાક જેટલો સમય સોશિયલ મીડિયામાં વીતાવનારા ૭૫ ટકા વિદ્યાર્થીઓએ રીડિંગમાં ધ્યાન કેન્દ્રિત કરવાની તકલીફ ન હોવાનું જણાવ્યું હતું.
Sunday, 2 February 2020
Posted by Harsh Meswania
Tag :

મ્યુઝિક : એમાં શબ્દોની સમજ ગૌણ છે, એ ખેલ તો છે લાગણીનો!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

ધનુષનું 'રાઉડી બેબી' ૨૦૧૯માં ભારતનું સૌથી વધુ જોવાયેલું સોંગ હતું. શબ્દો ન સમજાય છતાં લોકો સંગીતના તાલે ઝૂમે છે એ પાછળ ક્યુ પરિબળ જવાબદાર છે?


૭૨૫,૫૨૭,૮૬૬
ધનુષનું 'રાઉડી બેબી' સોંગ યુટયૂબમાં આટલી વખત જોવાઈ ચૂક્યું છે અને એના વ્યૂઝનો આંકડો સતત વધતો રહે છે. 'રાઉડી બેબી' ૨૦૧૯ના વર્ષનો ભારતનો મોસ્ટ વ્યૂડ વિડીયો છે. વર્ષ દરમિયાન દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલા વિડીયોમાં તેનો ક્રમ સાતમો છે. 'મોસ્ટ સ્ટ્રીમ્ડ ઈન્ડિયન સોંગ્સ ઓફ ઓલટાઈમ'ના લિસ્ટમાં પણ તેનો સમાવેશ થયો છે.

ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સ ૬૩ કરોડ હોવાનો અંદાજ છે. તેનો અર્થ એ કે સરેરાશ બધા જ ઈન્ટરનેટ યુઝર્સે એક વખત આ સોંગ જોયું હોય તો ય બીજા ૧૦ કરોડ વ્યૂઝ વધારે મળ્યા છે. બીજો અર્થ એ પણ થાય કે વિદેશી યુઝર્સે પણ આ સોંગ જોયું હશે. દેશભરના યુઝર્સની પસંદ બનેલું આ સોંગ હિન્દી કે અંગ્રેજી ભાષામાં નથી, તમિલભાષામાં છે.

૨૦૧૮ના નવેમ્બરમાં રીલિઝ થયેલી ફિલ્મ Maari-2ના આ સોંગે ૨૦૧૯માં ધમાકો બોલાવ્યો. ધનુષ અને એસ. પીલ્લવી પર ગીત ફિલ્માવાયું છે. ધનુષે લખીને અવાજ પણ આપ્યો છે. મ્યુઝિક યુવાન શંકર રાજાએ આપ્યું છે. પ્રભુદેવાની કોરિયોગ્રાફી છે. ફિલ્મ તો બહુ ચાલી નહોતી, પણ એક જ સોંગે બધુ જ ભરપાઈ કરી દીધું.

વેલ, સોંગ તમિલભાષામાં છે તો ય દેશભરના યુઝર્સની પહેલી પસંદ કેમ બન્યું હશે? દુનિયાભરમાં કેવી રીતે જોવાયું હશે? એમાં ભાષાનો અવરોધ કેમ ન નડયો?
                                                                       ***
પૃથ્વી વૈવિધ્ય સભર છે. પહેરવેશથી લઈને ખોરાક અને ગીત-સંગીતથી લઈને સાહિત્યસર્જનમાં અપાર વૈવિધ્ય છે. એની પાછળ પ્રાકૃતિક વિવિધતા જવાબદાર છે. રણપ્રદેશમાં રહેતા લોકોની સંસ્કૃતિ, ગીત-સંગીત સાહિત્યમાં તેનો પડઘો પડે છે. તો પહાડીઓ વચ્ચે ઉછરેલી પ્રજાના ગીત-સંગીત, રહેણીકરણીમાં એની અસર વર્તાય છે. મેદાની પ્રદેશોની રીત-ભાત વળી એ બંનેથી અલગ. એમાં પાછા શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગો તો ખરા જ. જ્ઞાાતિગત વૈવિધ્ય ય ખરું. આ બધાની અસર લોકગીતો, સાહિત્યમાં પડતી રહે છે. લાંબાંગાળે આ અસર જે તે પ્રદેશની ઓળખ બની જાય છે.

સાહિત્ય અને ગીત-સંગીતમાં સ્પષ્ટ ફરક વર્તાતો હોય છે. કચ્છના લોકગીતો અને તેને ગાવાની રીત અલગ હોય, એમ સૌરાષ્ટ્રની વળી તેનાથી જુદી. હવે તો એક બીજાની સંસ્કૃતિ સમજવા માટે સભાન પ્રયાસો થાય છે. દેશો ડિપ્લોમસીના ભાગરૂપે કલ્ચરલ કેન્દ્રો શરૂ કરવા લાગ્યા છે.

પણ જ્યારે આ બધું નહોતું ત્યારે એક બીજાને સમજવા માટે બે બાબતો કોમન હતી - સંકેત અને સંગીત. પ્રાચીન સમયમાં યુદ્ધોથી લઈને સુલેહ સુધીની બાબતો સંકેતથી સમજાવાતી. ચિહ્ન દોરીને કે પછી ઈશારા કરીને એકબીજાની ભાષા ન જાણતા લોકો કોમ્યુનિકેશન કરી લેતા.

એવું જ બીજું માધ્યમ હતું સંગીત. પ્રેમ કે વિરહનું ગીત ક્યાંક કોઈએ શરૂ કર્યું હોય તો શબ્દો ન સમજાતા હોવા છતાં તેમાં રહેલો ભાવ ઓળખાઈ જતો હતો. આજેય ઓળખાય જાય છે.

માનવમન, સંસ્કૃતિના આવા ઊંડાણો માપવા જાત-ભાતના સંશોધનો થતાં રહે છે. એવું જ સંશોધન સંગીતના વૈવિધ્યને સમજવા માટે જગવિખ્યાત હાર્વર્ડ યુનિવસટીએ કર્યું હતું. કોઈ જુદા જ દેશનું સંગીત કોઈ જુદી જ પરિસ્થિતિમાં ઉછરેલા માણસને સંભળાવવામાં આવ્યું ત્યારે એમાંથી રસપ્રદ અવલોકનો સામે આવ્યાં હતાં.
                                                                      ***
હાર્વર્ડ યુનિવસટીએ ૬૦ દેશોને આવરીને એક મ્યુઝિકલ સંશોધન હાથ ધર્યું હતું. આ દેશોના ઈન્ટરનેટ યુઝર્સને કોઈ જ હિન્ટ આપ્યા વગર વિવિધ મૂડ્સના ૧૪ સેકેન્ડના ટૂકડાં સંભળાવવામાં આવ્યા ને તેમને પૂછવામાં આવ્યું કે આ સોંગ કઈ લાગણી વ્યક્ત કરે છે? સેમ્પલ સોંગમાં સ્પેનના કોઈ ખૂણાના ખેડૂતોનું લોકગીત પણ હોય, ભારતના રાજસ્થાનમાં સદીઓથી ગણગણાતું એકાદ ગીત ય હોય, અમેરિકાના છેવાડાના કોઈ ટાપુનું ગીત પણ હોય અને આફ્રિકાના આદિવાસીઓના પરંપરાગત ગીતો ય હોય. પ્રેમ-વિરહ-દર્દ-ઉત્સવ, સવાર-મધ્યાહન-સાંજ-રાતના મૂડ્સને ધ્યાનમાં રાખીને ગીતો પસંદ થયા હતા. આ ગીતોના ટૂકડા વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સને સંભળાવવામાં આવ્યાં.

દુનિયાએ ન સાંભળ્યા હોય એવાં પરંપરાગત લોકગીતોનો એમાં સમાવેશ એટલે વધારે કરાયો હતો તેનાથી સામાન્ય રીતે લોકો જાણકાર ન હોય એટલે રીઝલ્ટ વધુ ઓથેન્ટિક મળે. સેમ્પલમાં અવાજ સાથેના ગીતો ય હતા, તો માત્ર ઈન્સ્ટ્રુમેન્ટ્ની ધૂન પણ હતી. ઘણાં ખરા સેમ્પલ સોંગ લોકવાદ્યોના હતા. અવાજ તો હોય નહીં અને એમાં વળી જાણીતું કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ પણ ન હોય. અજાણ્યું વાદ્ય હોય, અજાણી ધૂન ને અજાણ્યો યુઝર. આ ધૂનો પસંદ કરવા માટે પણ હાર્વર્ડે લાંબી પ્રક્રિયા કરી હતી. દુનિયાભરના ૨૬,૦૦૦ એક્સપર્ટ્સને આ ધૂનો સંભળાવાઈ હતી અને તેમના ઓપિનિયન પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

યુઝર સોંગ સાંભળવાનું શરૂ કરે પછીની ૧ મિનિટમાં તેણે જવાબ આપી દેવાનો હતો. છ સિમ્પલ સવાલો પૂછવામાં આવ્યા હતા. એમાં એવા સવાલો પૂછાયા હતા કે આ નૃત્ય સોંગ છે કે પ્રેમ વ્યક્ત કરતું ગીત છે? ધૂન સાંભળીને ક્યા સમયે સાંભળવું વધારે યોગ્ય લાગે છે, સવારે-બપોરે-સાંજે કે રાતે? ૧ મિનિટથી વધારે સમય લેનારા યુઝર્સનો જવાબ રીસર્ચમાં માન્ય રખાતો ન હતો. એ ધૂન માટે યુઝર પોતાની મેળે કંઈ પણ રીસર્ચ કરે એવો સ્કોપ જ અપાયો ન હતો.

એના જવાબો મેળવીને સંશોધકોને અપાર આશ્વર્ય થયું. સંશોધકો એ બાબત વિચારવા મજબૂર બની ગયા કે દેશ, સંસ્કૃતિ, ભાષા, માહોલ વચ્ચે ભિન્નતા છતાં એક કડી આખી માનવજાતિને જોડી રાખતી હતી અને એ કડીનું નામ હતું- ફીલિંગ-લાગણી-મનોભાવ.

એ લાગણી વ્યક્ત કરવા માટે જ્યાં ભાષાનું કામ પૂરું થઈ જાય ત્યાંથી ધ્વનિ એનું કામ શરૂ કરે છે. અવાજ કે ઈન્સ્ટ્રુમેન્ટમાંથી કેવી લાગણી વહી રહી છે એ તુરંત વિશ્વભરના લાગણીશીલ માણસોએ પકડી પાડયું!

સંશોધનમાં જોડાયેલા લોકોએ એટલે સુધી વિગતો આપી કે વિશ્વભરના ડાન્સ સોંગ એક સરખા છે - ફાસ્ટ. જગતભરના પ્રેમ-વિરહ-દર્દીલા સોંગ એક સરખા છે - મેલોડિયસ છતાં ધીમા. આફ્રિકાના આદિવાસીઓના નૃત્ય સોંગ પણ રિધમેટિક જ હોય છે ને અમેરિકાના ડિસ્કોથેકમાં ચાલતા સોંગ્સ પણ. ભારતના રણોમાં ગવાતા દર્દીલા સોંગ પણ ધીમા ને લાંબાં ઢાળે ગવાતા હોય છે તો યુરોપના વિરહી ગીત પણ એ જ તર્જથી ગવાય છે. ઉલ્લાસ-ઉમંગના ગીતો હંમેશા તાજગીસભર અનુભવ કરાવે છે.

હાર્વર્ડના સંશોધકોએ તેમની શાખ પ્રમાણે જ આ સંશોધન પછી એને લગતાં ફેક્ટ્સ જોડયા અને તેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. જેમાં એવો નિચોડ કાઢવામાં આવ્યો હતો કે સંગીત એ માનવજાતને પ્રકૃતિએ આપેલી બહુમૂલ્ય ભેટ છે. જુદી-જુદી ઘટનાઓ પછી અનુભવાતી ફીલિંગ્સ અને અસાધારણ પરિસ્થિતિમાં થતું વિશિષ્ટ બિહેવિયર દુનિયાભરના લોકોને એક તાંતણે બાંધે છે.

આ પરિણામો સંશોધકો માટે એટલે ય આશ્વર્યજનક હતા કે એવી સ્ટ્રોંગ માન્યતા છે કે સંસ્કૃતિ-દેશકાળ-સ્થળના આધારે ગીતો સર્જાય છે અને એ ગીતો જે તે સ્થળ-પ્રદેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આ સંશોધને એ વ્યાખ્યા નવેસરથી બનાવવી પડે એવાં પરિણામો આપ્યાં હતાં.
                                                                              ***
સિંહે શિકાર કર્યો હશે અને કોઈ હરણે મરણચીસ પાડી હશે એમાંથી દર્દ જન્મ્યુ હશે અને એ દર્દમાંથી જન્મ્યા હશે દર્દીલા ગીતો. વિશ્વભરની સંસ્કૃતિમાં શિકાર-પરાક્રમ-મરણચીસનો આ ઘટનાક્રમ વણાયેલો છે એટલે તમામ સંગીતમાં એની અસર વર્તાઈ હશે! એ જ રીતે મોરે આનંદનું નૃત્ય કર્યુ હશે એમાંથી નૃત્ય-ઉત્સવના ગીતો બન્યા હશે. સારસ બેલડીએ પ્રેમ કર્યો હશે એમાંથી પ્રેમના ગીતો બન્યા હશે. સંશોધકોએ તારવ્યું હતું કે કલ્ચરલ ડિફરન્સ છતાં સંગીતનું બેઝિક્સ સ્ટ્રક્ચર બધે જ એકસરખું છે.

દેશકાળ પ્રમાણે ગીતોના શબ્દો, કથાઓ બદલાઈ હશે, પણ સંગીતના કારણે દિલમાં જે અસર વર્તાય છે એ હજુ ય એક સરખી છે. આ ખૂબીઓ જ સંગીતને ભાષાના સીમાડાથી પર કરી દે છે.

કદાચ એટલે જ ધનુષનું તમિલ સોંગ દેશભરમાં એક વર્ષ કરતા વધુ સમયથી ધૂમ મચાવે છે, કદાચ આ જ બેઝિક્સે સ્પેનિશ સોંગ ડિસ્પેસિતોને ૨૦૧૭માં અબજો વ્યૂઝ અપાવ્યા હશે. કદાચ એટલે જ ગંગનમ સ્ટાઈલે ૨૦૧૨માં ગામ ગજવ્યું હશે, કદાચ એ જ કારણ હશે કે ૨૦૧૨માં જ આવેલું ધનુષનું કોલાવેરી ડી ભારતીયો રાતોરાત ગણગણવા લાગ્યા હશે. કદાચ એ જ કારણે ૨૦૧૮માં પ્રિયા પ્રકાશના નખરાળા નૈન રજૂ કરતું ગીત માનિક્ય મલારયા પુર્વી દેશભરમાં વાયરલ થયું હશે. વાત જ્યારે સંગીતની હોય છે ત્યારે ભાષાના સીમાડાં પળવારમાં ઓગળી જાય છે.

કલ્ચરલ ડિફરન્સ, પહેરવેશ-ખોરાકમાં અપાર તફાવત છતાં માણસની મૂળ લાગણી સદીઓ પછી ય બદલાતી નથી, એનો પરિચય સંગીતના માધ્યમથી બરાબર મેળવી શકાય છે. કોઈપણ સોંગ સાંભળવાથી ભલે એના શબ્દો સમજમાં ન આવે તો ય તેનો મૂડ પારખવાની સમજ માણસમાં જન્મજાત છે.
                                                                        ***

ગીતના મૂડથી આપણો મૂડ બદલાય છે

હાર્વર્ડ યુનિવર્સિટીના જ સંશોધનનું તારણ નીકળ્યું હતું કે માણસ જેવાં સોંગ સાંભળે છે એવો મૂડ બને છે. પ્રેમગીતો સાંભળ્યાની એક કલાક પછી લોકોએ તેમના પાર્ટનર પ્રત્યે વધુ લાગણીનો અનુભવ કર્યો હતો. તો કોઈ જ કારણ વગર સેડ સોંગ સાંભળ્યા પછી કોઈ જ કારણ વગર લોકો સેન્ટી થઈ ગયા હતા!

દર્દનો અનુભવ કરી રહેલાં થોડાંક લોકોને નૃત્યગીતો સંભળાવ્યાની મિનિટો પછી તેમનો દુ:ખનો અનુભવ ઘટયો હતો અને એમાંથી અડધો અડધે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિપ્રેશનનો ભોગ બનેલાને લાગણીથી છલકાતાં લોકગીતોની ધૂન સંભળાવી તો તેમનામાં ઉત્સાહ વર્તાયો હતો. ભારતીય શાસ્ત્રીય રાગો પણ સાંભળનારા ઉપર આવી જ ગહેરી અસર કરે છે.
Sunday, 22 December 2019
Posted by Harsh Meswania
Tag :

જ્યોર્જ લૌરેર : ઈ-કોમર્સનો 'આધાર' બનેલાં બારકોડનો 'આધાર'



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બારકોડને વિકસાવનારા એન્જિનિયર જ્યોર્જ લૌરેરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. જ્યોર્જે બારકોડની મેથડ એટલી સરળ બનાવી આપી કે તેનો ઈ-કોમર્સમાં છૂટથી થાય છે...

જ્યોર્જ લૌરેર.
સિલિકોન વેલીના યુવા ટેકનોક્રેટ્સને ટ્વીટરમાં ફોલો કરતી અમેરિકાની યંગ જનરેશન માટે ય આ નામ આજે અજાણ્યું છે. ૯૪ વર્ષના જ્યોર્જ લૌરેર આમેય છેલ્લાં ત્રણેક દશકાથી નિવૃત્ત જીવન વીતાવતા હતા એટલે તેમને નવી જનરેશન ન ઓળખે એ પણ સ્વાભાવિક છે, પરંતુ તેમની શોધને મોર્ડન જનરેશન બરાબર જાણે છે.
આજના યુગમાં એ આપણાં રોજિંદા જીવનનો હિસ્સો છે, જેને આપણે બારકોડ કે પ્રોડક્ટ કોડ કહીએ છીએ. ઈ-કોમર્સની તો બારકોડ વગર કલ્પના જ થઈ શકે તેમ નથી. મોર્ડન ડેનું આખું ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ એના આધારે ઊભું છે.
યુનિવર્સલ પ્રોડક્ટ કોડ કે બારકોડની જરૂર દુનિયામાં દરરોજ ૬૦૦ કરોડ વખત પડે છે. મોટા મોલથી લઈને નાનકડી દુકાનમાં મળતી ચીજવસ્તુમાં ચીપકાવેલા સીધા-સપાટ યુનિવર્સલ પ્રોડક્ટ કોડને સ્કેન કરતા જોઈએ ત્યારે આપણને એવી કલ્પના તો ક્યાંથી આવે કે બારકોડમાં દેખાતી સીધી-સપાટ લીટીના ડેવલપરના નસીબમાં ઘણો સંઘર્ષ વેઠવાનું લખ્યું હતું.
                                                                              ***
૧૯૨૫માં ન્યૂયોર્કમાં જન્મેલા જ્યોર્જનું બાળપણ બાલ્ટિમોરમાં વીત્યું. તેમના પિતા અમેરિકન નેવીમાં એન્જિનિયર હતા. જ્યોર્જને પોલિયોનું નિદાન થયું પછી પરિવારની ચિંતા વધી ગઈ. તુરંત સારવાર શરૂ થઈ. સમયસર ઉપચાર થયો એટલે જ્યોર્જ પોલિયોમાંથી તો ઊભરી ગયા, પણ એ જ સમયગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લૌરેર પરિવાર સખત આર્થિક તંગીમાંથી પસાર થતો હતો.

૧૬-૧૭ વર્ષના જ્યોર્જને વારંવાર એવું થયા કરતું કે તેની સારવારમાં ઘસાવાના કારણે જ પરિવારની આ હાલત થઈ છે. પરિવારને આર્થિક મદદ કરવાના હેતુથી ૧૭ વર્ષે જ્યોર્જ અમેરિકાની આર્મીમાં જોડાઈ ગયા.

વિશ્વયુદ્ધ પૂરું થયું પછી થોડાંક વર્ષો નાની-મોટી નોકરી કરી. ૧૯૫૦માં અધૂરો અભ્યાસ આગળ વધારવાની તક મળી. બચતમાંથી બે વર્ષનો ટેકનિકલ કોર્સ કરીને ટીવી અને રેડિયો રીપેરિંગ શીખી લીધું. એ વખતે ટેલિવિઝને અમેરિકન ઘરોમાં જગ્યા લેવાનું શરૂ કર્યું હતું એટલે તેના રીપેરિંગની ડિમાન્ડ હતી. જ્યોર્જ દિવસે સ્ટડી કરતા અને રાત્રે રેડિયો રીપેરિંગ કરતા. એમાંથી જે રકમ મળતી એનો ઘણો ખરો હિસ્સો ઘરે મોકલી દેતા.

તેમનું ટેકનિકલ નોલેજ જોઈને કોલેજના પ્રોફેસરે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ફૂલટાઈમ કોર્સ કરવાની ભલામણ કરી, યોગ્ય માર્ગદર્શન આપ્યું. ૧૯૫૧માં તેમણે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તે સાથે જ એક સાધારણ મિકેનિક બનવા જઈ રહેલા છોકરાના કપાળમાં એકાએક યશની લકીર ઉપસી આવી.
ડિગ્રી મેળવી કે તરત વિખ્યાત કંપની આઈબીએમમાં નોકરી મળી ગઈ. જુનિયર એન્જિનિયર તરીકે જોડાયેલા જ્યોર્જે કંપનીમાં એક દશકા સુધી ધગશથી કામ કર્યું. નવા નવા પ્રોજેક્ટમાં તેનું અસરકારક કામ જોઈને કંપનીએ તેમને ૧૯૬૯માં સિનિયર એન્જિનિયર કમ વિજ્ઞાની તરીકે પ્રમોશન આપ્યું. સંશોધનો માટે જાણીતા કંપનીના યુનિટ રીસર્ચ ટ્રાએન્ગલ પાર્કમાં મોકલી દીધા. આ પ્રમોશને તેમના માટે સ્વતંત્ર રીતે સંશોધનો કરવાની દિશા ખોલી આપી.

એ અરસામાં અમેરિકામાં મોલકલ્ચર વિકસી રહ્યું હતું. નવી નવી રીટેઈલ કંપનીઓ માર્કેટ સર કરવા આવી રહી હતી. એવી જ એક મોલ કંપનીએ આઈબીએમને પ્રોડક્ટ કોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. જ્યોર્જે બારકોડ ડેવલપ કરવાના થોડાક પ્રયોગો કર્યા હતા એ કંપનીના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં હતું. રૂચિ પારખીને કંપનીએ આ કામ તેમને સોંપ્યું.
                                                                            ***
જ્યોર્જને આ કામ મળ્યું તેના દશકા પહેલાં આઈબીએમમાં જ કાર્યરત નોર્માન જોસેફ વૂડલેન્ડે બારકોડનું ફોર્મેટ તૈયાર કર્યું હતું. ૧૯૫૨ વૂડલેન્ડે બારકોડની એક પેટન્ટ પણ રજિસ્ટર કરાવી હતી, પણ તેમાં ખામીઓ હોવાથી કમર્શિયલ ઉપયોગ શક્ય ન બન્યો.

જ્યોર્જે એ મેથડનો અભ્યાસ કર્યા પછી સાવ અલગ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ વિકસાવ્યો. અગાઉના બારકોડ પ્રિન્ટિંગ પછી કામ આપતા ન હતા, પરંતુ જ્યોર્જે બારકોડમાં ઊભી સીધી લીટીનો ઉપયોગ એવી રીતે કર્યો હતો કે તે પ્રિન્ટ થયા પછી પણ સ્કેન થતી હતી. બે વર્ષની મહેનત પછી ૧૯૭૨માં તેમણે યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ ઉચ્ચ અધિકારીઓ સામે રજૂ કર્યો. એક વર્ષ પછી આ બારકોડનો ઉપયોગ અનાજ-કરિયાણા અને ખાદ્ય પદાર્થોના પેકેટમાં થવા લાગ્યો.

જ્યોર્જ ૧૯૮૭માં નિવૃત્ત થયા ત્યાં સુધી આઈબીએમમાં જ કાર્યરત રહ્યા. એ દરમિયાન તેમણે ૨૫ જેટલાં સંશોધનો કર્યા. બધા જ સંશોધનો બારકોડ જેટલાં જાણીતાં ન હતાં, પરંતુ એમાંથી ઘણી શોધો એવી પણ હતી જે બારકોડની સિસ્ટમને વધારે સરળ બનાવતી હતી. બારકોડની સિસ્ટમેટિક એરર કરેક્શનની એક શોધ પણ તેમણે કરી હતી. આ પદ્ધતિ બારકોડની એરર જાતે શોધીને ઠીક કરી આપતી હતી.
                                                                          *** 
ઘણાં ઈતિહાસકારો તેમને બારકોડના ખરા શોધક તરીકે નવાજતા નથી ને નોર્માન જોસેફ વૂડલેન્ડને બારકોડની શોધનો ખરો યશ આપે છે. તેમ છતાં ઈતિહાસકારો કબૂલે છે કે વૂડલેન્ડની શોધ ખૂબ જ શરૂઆતી તબક્કાની હતી અને એમાં અપાર ખામીઓ હતી. જો એ ખામીઓ જ્યોર્જે દૂર કરીને તેના આધારે નવી જ સિસ્ટમ વિકસાવી ન હોત તો પ્રોડક્ટ કોડ વિકસતા વધારે સમય લાગ્યો હોત.

બારકોડના ડેવલપર તરીકે તેમને સૌથી વધારે સન્માન એટલે ય આપવામાં આવે છે કે તેમણે આ પદ્ધતિ લોકભોગ્ય બનાવવાની સાથે સાથે લગભગ એકાદ દશકા સુધી આ સિસ્ટમને ડેવલપર કરવામાં જ સમગ્ર ધ્યાન આપ્યું હતું. જ્યોર્જની ૨૫ જેટલી પેટન્ટમાંથી ૧૮-૨૦ પેટન્ટ્સ તો બારકોડ, બારકોડ રીડરને લગતી જ છે.

લોકભોગ્ય ટેકનોલોજીની વાત આવે ત્યારે બારકોડને ૫૦ આઈકોનિક મોમેન્ટ્સમાં સ્થાન મળે છે. ૫મી ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા જ્યોર્જ લૌરેરે એક વખત કહ્યું હતું : 
'મેં ૧૬-૧૭ વર્ષે નોકરી શરૂ કરી ત્યારે મારા જીવનનું કોઈ ચોક્કસ લક્ષ્ય ન હતું. જેમાંથી વળતર મળે એ કામ કરીને આર્થિક સદ્ધર થવું એ જ મુખ્ય ધ્યેય હતું. ૩૫ વર્ષ સુધી જીવન દિશાહીન હતું. રેડિયો રીપેરિંગ કરીને ગુજરાન ચલાવવાનું મન મનાવી લીધું હતું. આટલા વર્ષો સુધી કોઈ મોટી મહાત્વાકાંક્ષા પણ પાળી ન હતી. શું ગમે છે એ પણ નક્કી ન હતું, મારી આસપાસ તેજસ્વી એન્જિનિયર્સને જોતો ત્યારે થતું કે એ બધાનું ધ્યેય પહેલેથી જ નક્કી હતું. જીવનની ચાલીસીમાં પણ મારા નામે એવી કોઈ મોટી સિદ્ધિ નોંધાઈ ન હતી. પણ આજની જનરેશને એક વાત યાદ રાખવી જોઈએ કે જે ઉંમરે કંઈ નવું કરવાની તક મળે ત્યારે એને ઝડપી લઈએ તો બે-ત્રણ વર્ષમાં પણ આખી જિંદગી યાદ રાખી શકાય એવું નોંધપાત્ર કામ કરી શકાય છે. યુવાનીમાં જ કિસ્મત ચમકે છે એવું કોણે કહ્યું?'
                                                                        ***

બારકોડ રીડર મશીન કોણે બનાવ્યું?

બર્નાર્ડ સિલ્વર અને નોર્માન જોસેફ વૂડલેન્ડે પહેલું સફળ બારકોડ રીડર બનાવ્યું હતું. ૧૯૪૯માં જ્યારે બંનેએ મળીને કામ શરૂ કર્યું ત્યારે બારકોડ મશીન બનાવવામાં તો સફળતા મળી હતી, પણ પ્રિન્ટ થયા પછી બારકોડ એમાં સ્કેન થતો ન હતો. એ સૌથી મોટી મુશ્કેલી હતી. ૧૯૫૧માં નોર્માન જોસેફે આઈબીએમમાં નોકરી શરૂ કરી તે પછી બારકોડ ઉપર વધારે સંશોધન કર્યું હતું, પરંતુ તેની ડિઝાઈનમાં બધું બરાબર હોવા છતાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડમાં ધારી સફળતા મળી નહી.
નોર્માન જોસેફ વૂડલેન્ડ
 તેણે જે મશીન બનાવ્યું હતું એ બરાબર કામ કરતું હતું. એ કોડને સ્કેન કર્યા પછી માહિતી બરાબર બતાવતું હતું, પરંતુ પ્રયોગમાં જે સક્સેસ મળી એવી પ્રેક્ટિકલ શક્ય ન બની. સિલ્બર અને નોર્માનની બારકોડ સિસ્ટમની પેટન્ટ માન્ય રાખવામાં આવી હતી. એ પછી આઈબીએમે આ મશીનના હકો ખરીદી લીધા. પછી તો એ જ પેટન્ટના આધારે બારકોડ મશીન વિકસ્યા હતા.
                                                                        ***

પહેલી વખત કોડ ક્યારે લાગ્યો હતો?

જ્યોર્જે પહેલી વખત યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ રજૂ કર્યો એના પહેલાં પ્રિન્ટ થયા પછી એ કોડ સ્કેન થતો ન હોવાથી જૂની બધી જ પેટન્ટ પ્રમાણેના બારકોડનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત હતો. જનરલ મોટર્સે ૧૯૬૯માં નોર્માન જોસેફની સિસ્ટમ પ્રમાણે બારકોડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પહેલી કમર્શિયલ સક્સેસ માર્સ સુપરમાર્કેટને મળી હતી. ઓહિયાના મોલમાં વ્રિન્ગલી કંપનીના પેકેટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ ૧૯૭૩માં થયો હતો.

અમેરિકામાં બારકોડ રીડરની મદદથી પ્રોડક્ટનું બિલ બનાવવાની એ પહેલી ઘટના હતી. આ ઘટનાના એક દશકા પછી ૧૯૮૩ સુધીમાં અમેરિકાની ૩૫ ટકા નાની-મોટી દુકાનો અને મોલમાં બારકોડ સ્કેનરનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ફોર્મ્યુન મેગેઝિને ૨૦૦૪માં અંદાજ બાંધ્યો હતો કે વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓની ૮૦-૯૦ ટકા પ્રોડક્ટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ થાય છે.
                                                                     ***

બારકોડ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

મોટાભાગે પ્રોડક્ટની પાછળની તરફ પ્રિન્ટ થયેલી ઘાટી બ્લેક અને વ્હાઈટ ઊભી લીટી હોય છે તેને બારકોડ કહેવાય છે. બારકોડમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને બારકોડ સિમ્બોલોજી કહેેવાય છે. એમાં ૧૨ આંકડા ઉભી લીટીને એવી રીતે સેટ કરવામાં આવે છે કે એ કિંમત, મેન્યુફેક્ટર ડેટ, એક્સપાયરી ડેટ, ઉત્પાદક દેશ, પ્રોડક્ટનો જથ્થો જેવી માહિતી આ૫ે છે.

મોટાભાગના દેશોમાં પ્રોડક્ટ ઉપર આ કોડ જરૂરી બની ગયો છે. એમાં ય વૈશ્વિક માર્કેટને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કંપનીઓ માટે તો આ પ્રોડક્ટ કોડ કમ્પલસરી છે. બારકોડના કારણે ઓછી મહેનતે ભૂલ વગર કાઉન્ટિંગ થાય છે. પહેલાં પાંચ આંકડામાં કંપનીની ઓળખ હોય છે. એ પછીના પાંચ આંકડામાં પ્રોડક્ટની વિગત છૂપાયેલી હોય છે અને છેલ્લો અંક સ્કેનર મશીન માટે હોય છે. છેલ્લી લીટી અને છેલ્લો આંકડો સ્કેન બરાબર થયું કે નહીં એ કમ્પ્યુટરમાં બતાવે છે.

Sunday, 15 December 2019
Posted by Harsh Meswania
Tag :

યોદ્ધાનું હેલ્મેટ બાઈકચાલકના માથે ક્યારથી આવ્યું?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેલ્મેટ સદીઓથી યોદ્ધાઓના માથે શોભતું હતું. ચારેક દશકાથી હેલ્મેટે બાઈકચાલકોના માથે જગ્યા લીધી, પણ આમ જુઓ તો બાઈક અને હેલ્મેટનું જોડાણ સાવ નવું ય નથી!

યુદ્ધોમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત ક્યારથી થઈ હશે, તેના વિશે અપાર મતમતાંતરો છે. ઈ.સ. પૂર્વ ૯૦૦ આસપાસના સમયગાળામાં સૈનિકો હેલ્મેટ પહેરીને જંગે ચડતા હોવાના પુરાવા સંશોધકોએ એકઠાં કર્યા છે. બાલ્ટિમોરમાં ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ગ્રીક સૈનિકો જે હેલ્મેટ પહેરતાં હતા, એ હેલ્મેટ પ્રદર્શનમાં પણ મૂકાયું છે. ઈ.સ. પૂર્વ ૧૫૦૦-૧૬૦૦ આસપાસ તો રાજાઓ અને સેનાપતિઓ હાથીદાંતમાંથી બનેલા હેલ્મેટ પહેરતા હોવાના દસ્તાવેજો પણ શોધી કાઢવામાં આવ્યાં છે.

ત્રણ, સાડા ત્રણ હજાર વર્ષથી સૈનિકો-સેનાપતિઓ-રાજાઓ પોતાની ક્ષમતા અને જરૂરિયાત પ્રમાણેના હેલ્મેટ પહેરતાં હોવાનો રેકોર્ડ નોંધાયો છે. ભીંતચિત્રો, ચિન્હોનો અભ્યાસ કરનારા સંશોધકોએ તો એનાથી ય અગાઉ છેક ઈ.સ. પૂર્વ ૨૨મી ૨૩મી સદીમાં પણ યુદ્ધ કે રાજદરબારના ખાસ અવસરો વખતે હેલ્મેટ પહેરાતા હોવાનો અંદાજ બાંધ્યો છે. લોખંડ-પિત્તળ ઉપરાંત ચામડાંમાંથી બનેલાં હેલ્મેટ સૈનિકો-સેનાપતિઓ પહેરતા હતા.
2600 વર્ષ જૂનું આ પિત્તળનું હેલ્મેટ ઈઝરાયેલની હાઈફાની ખાડીમાંથી 2007માં મળી આવ્યું હતું

દુનિયાભરના સૈનિકો આજેય જરૂરિયાત અને વાતાવરણને અનુરૂપ હેલ્મેટ પહેરે છે. યુદ્ધના હેલ્મેટની ડિઝાઈન-આકાર અલગ હોય છે. એને સામાન્ય રીતે કોમ્બેટ હેલ્મેટ કહેવામાં આવે છે. બાઈકચાલકના હેલ્મેટ કરતા એ ઘણાં અલગ હોય છે. સદીઓ સુધી હેલ્મેટ માત્ર સૈનિકોના ખપમાં જ આવતાં રહ્યાં.

૧૮મી સદીમાં શિકારીઓ હેલ્મેટ પહેરવા લાગ્યા હતા. કારખાનાઓમાં ય સલામતી માટે ટોપી જેવડાં આકારના અને વજનમાં હળવા હેલ્મેટ ૧૯મી સદીના છેલ્લાં દશકામાં મજૂરોને અપાતા. બરાબર એ જ અરસામાં મોટરસાઈકલની શોધ થઈ. ૧૮૭૦ આસપાસથી શરૂ થયેલાં મોટરસાઈકલ બનાવવાના છૂટાછવાયા પ્રયોગોને આખરે ૧૮૮૫ પછી ધારણા પ્રમાણેની સફળતા મળવા લાગી. ૧૯મી સદીના અંતમાં મોટરસાઈકલનું કમર્શિયલ મોડેલ ઉપલબ્ધ બન્યું, પણ ત્યારે હજુ મોટરસાઈકલ સવારના માથામાં હેલ્મેટનો વજન આવવાને થોડાંક દશકાની વાર હતી!
                                                                    ***
૧૯૦૭માં ઈંગ્લેન્ડમાં પહેલો મોટર રેસિંગ ટ્રેક બન્યો. બ્રુકલેન્ડ્સ નામના આ ટ્રેકમાં મોટરસાઈકલ સવારો વચ્ચે હોડ જામતી. એનું આકર્ષણ દુનિયાભરના બાઈકચાલકોને રહેતું. વર્લ્ડ રેકોર્ડ સર્જાતા હતા એટલે મીડિયામાં પણ આ સ્પર્ધાને સારી એવી પ્રસિદ્ધિ મળતી. જ્યોર્જ સ્ટેન્લી નામના બ્રિટિશ મોટરસાઈકલ ચાલકે એક કલાકમાં ૯૭ કિલોમીટરનું અંતર પૂરું કરીને ૧૯૧૨માં ઈતિહાસ સર્જ્યો. એના બીજા જ વર્ષે એક કલાકમાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપવાનો વિક્રમ પેર્સી લેમ્બર્ટ નામના સાહસિકે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ્સ પછી બ્રુકલેન્ડ્સની સ્પર્ધા જગવિખ્યાત થઈ ચૂકી હતી.

ક્યારેક ક્યારેક ટ્રેક ઉપર બાઈક ચાલકો વચ્ચે નાની-મોટી ટક્કર પણ થતી. માથામાં ગંભીર ઈજા થયાના બનાવો બહુ બનતા, પરંતુ એનો તત્કાલ ઉપાય કરવાનું કોઈએ વિચાર્યું નહી. ૧૯૧૪ની રેસ વખતે બાઈકચાલકો ટકરાયા. બે-ત્રણ ચાલકોને માથામાં ગંભીર ઈજા થઈ. સારવાર માટે ડૉક્ટરને હાજર રાખવામાં આવતા. એ વખતે મેડિકલ ઓફિસર તરીકે ડૉ. એરિક ગાર્ડનર ત્યાં હાજર હતા. અગાઉ પણ ડૉ. એરિકે આ રેસમાં મેડિકલ ઓફિસર તરીકે હાજરી આપી હતી અને ત્યારે ય સ્પર્ધકોની ટક્કરમાં મોટાભાગે માથામાં ઈજા થતી હોવાનું નોંધ્યું હતું.

ડૉ. એરિકે એનો કંઈક કાયમી ઉપાય કરવાનું વિચાર્યું. મોટરસાઈકલના હેલ્મેટની ડિઝાઈન અને હેલ્મેટ પહેરવાથી સ્પર્ધકોને થનારા ફાયદાની રૂપરેખા ડૉ. એરિકે બ્રિટનના ઓટો-સાઈકલ યુનિયન સમક્ષ રજૂ કરી. જેમ નવી બાબતમાં થાય એમ પહેલાં તો આ રૂપરેખાને નકારી દેવામાં આવી. હેલ્મેટની કોઈ જ જરૂરિયાત ન હોવાનું સભ્યોએ કહ્યું. અમુક સભ્યોએ તો ડૉ. એરિકને સલાહ આપી - 'જેટલું કામ સોંપવામાં આવે છે એટલું જ કામ કરો. વધારાના કામનું કોઈ જ વળતર આપવામાં આવશે નહીં, એટલે મહેનત ન કરો!'

પણ રહી રહીને સેફ્ટીનો મુદ્દો ધ્યાનમાં આવતા થોડાંક દિવસ પછી યુનિયને ફરીથી ડૉ. એરિકને મળવા બોલાવ્યાં. તેમની ડિઝાઈન પ્રમાણે હેલ્મેટ તૈયાર થયાં અને મોટરસાઈકલની ટૂરિસ્ટ ટ્રોફીની (ટીટી) સ્પર્ધામાં બધા જ સ્પર્ધકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દીધા. એ સાથે જ મોટરસાઈકલ ચાલકોના માથાનો ભાર વધી ગયો, પરંતુ આયોજકો માટે સ્પર્ધકોની સેફ્ટીનો ભાર હળવોફૂલ થઈ ગયો. યોદ્ધાના માથા ઉપરથી હેલ્મેટને બાઈકચાલકના માથામાં પહેરાવનારા ડો. એરિકનું બ્રિટિશ ઓટો સાઈકલ યુનિયને સન્માન કર્યું.

૧૯૦૭માં શરૂ થયેલા ટ્રેકમાં દર વર્ષે સ્પર્ધકોને ઈજા થતી. ઘણાં બાઈકચાલકોને માથામાં ગંભીર ઈજાઓ થતી અને પછી હંમેશા માટે મોટરસાઈકલ ટ્રેક છોડી દેવો પડતો. બે-ત્રણ બનાવો દર વર્ષે બનતા, પણ ૨૦૧૪ની ટૂરિસ્ટ ટ્રોફીમાં એકાદ સ્પર્ધકને માત્ર જરા સરખી ઈજા થઈ હતી. કોઈને ય ગંભીર ઈજા થઈ ન હતી અને એમાં ય માથામાં વાગ્યું હોય એવો એકેય સ્પર્ધક એ ટૂર્નામેન્ટમાં નોંધાયો ન હતો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણે મોટરસાઈકલ સ્પર્ધા તો ૧૯૨૦ સુધી બંધ રહી, પરંતુ મોટરસાઈકલ ચાલકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ થોડી થોડી આવવા માંડી હતી.
                                                                     ***
૧૯૩૫માં બ્રિટનમાં બનેલી એક ઘટનાએ જાણે હેલ્મેટ પહેરવાનું વાતાવરણ સર્જી દીધું. બ્રિટનના ખૂબ જાણીતા લશ્કરી અધિકારી, પુરાતત્વવિદ્, લશ્કરી વ્યૂહરચનાકાર, ડિપ્લોમેટ, લેખક જેવી અનેકાનેક ઓળખ ધરાવતા થોમસ લોરેન્સ મોટરસાઈકલ ચલાવીને જતા હતા. એ વખતે બે બાળકો વચ્ચે પડયા. બાળકોને બચાવવા જતાં લોરેન્સ બાઈક સાથે ખાડામાં જઈ પડયા.

તુરંત સારવાર તો મળી ગઈ, પણ માથામાં ગંભીર ઈજા થઈ. કોમામાં સરી પડયા પછી એકાદ સપ્તાહમાં મૃત્યુ પામ્યા. તેમણે હેલ્મેટ પહેર્યું હોત તો બચી ગયા હોત એવું ડોક્ટરનું નિવેદન રજૂ થયું પછી તો જાણે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવો માહોલ સર્જાયો. તેમની સારવાર કરનારા ડોક્ટર હ્યુ કેર્ન્સે આ ઘટના પછી હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા બાઈકચાલકો વિશે એ જ વર્ષે વિગતવાર સંશોધન હાથ ધર્યું.

મોટરસાઈકલ અને હેલ્મેટને લગતું એ દુનિયાનું પહેલું સંશોધન હતું. એમાં તેમણે ભારે મહેનત કરીને અકસ્માત દરમિયાન હેલ્મેટ પહેરવાના કારણે માથામાં ઓછી ઈજા થઈ હોવાથી જેમના જીવ બચી ગયા હતા, એવા લોકોનો આંકડો આપ્યો અને તેમનું નિરીક્ષણ પણ રજૂ કર્યું. આ ઘટના પછી બ્રિટિશ સરકારે સૈનિકો માટે તેમ જ નાગરિકો માટે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની ભલામણ કરી અને હળવાં નિયમો પણ ઘડ્યા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં પણ સૈનિકો અને નાગરિકોની સેફ્ટીને લગતાં સંશોધનો થયાં. મોટરસાઈકલનો વધતો વ્યાપ અને અકસ્માતોનું પ્રમાણ જોઈને અમેરિકાના ઘણાં રાજ્યોમાં હેલ્મેટ પહેરવાની ભલામણો કરવામાં આવી. એ વખતે આજની તુલનાએ કાર અને ટ્રકનું પ્રમાણ ઘણું ઓછું હતું એટલે બાઈકને ટક્કર લાગવાના બનાવો ઘણાં ઓછા હતા. પરંતુ ૧૯૬૦ પછી એકાએક બાઈકના અકસ્માતો વધી ગયા.

અમેરિકાના ઘણાં રાજ્યોમાં મોટરસાઈકલ ચાલકે હેલ્મેટ પહેરવાનો કાયદો બન્યો. હેલ્મેટ પહેરવાની ભલામણ કરનારા બ્રિટને તો છેક ૧૯૮૫માં ફરજિયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો. ૧૯૮૦ પછી યુરોપના ઘણાં દેશોમાં હેલ્મેટનો કાયદો અમલી બન્યો હતો. ૧૯૯૩માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ બાઈકચાલક માટે હેલ્મેટ ફરજિયાત કરાયું હતું.

પણ હકીકત એ છે કે ચીન, જાપાન, ફ્રાન્સ, રશિયા સહિતના મોટાભાગના દેશોમાં હેલ્મેટનો કાયદો ૨૧મી સદીની શરૂઆતમાં ઘડાયો હતો. 'સેફ્ટી માટે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ' એવી ભલામણની લગભગ એક સદી પછી દુનિયામાં માંડ હેલ્મેટનો કાયદો અમલી બન્યો છે. એમાંય અસરકારક રીતે કાયદાનું પાલન કરતા દેશો તો માંડ ૨૦ ટકા જ છે. સેફ્ટીના કાયદામાં છટકબારીઓ શોધતા નાગરિકો માત્ર ભારતમાં જ છે એવું નથી, જગતભરમાં છે; બહુમતીમાં છે!
                                                                     ***

માથાની ઈજા ૭૦ ટકા ઘટે છે

શરૂઆતમાં લેધર અને લાકડામાંથી બનેલું હેલ્મેટ બાઈકચાલકો પહેરતા હતા. એવું જ હેલ્મેટ સાઈકલની રેસમાં પણ ખેલાડીઓ પહેરતા હતા. ત્યારે આજના જેવા રોડ ન હતા એટલે વાહનની ટક્કરથી જ બચવાનો સવાલ હતો. આજે વાહનની ટક્કર ઉપરાંત મજબૂત રોડ સાથે ટકરાવ થવાથી પણ બચવાનું હોવાથી સ્ટ્રોંગ મટિરિયલની જરૂર પડે છે.

૭૦ના દશકા સુધી હેલ્મેટ સોફ્ટ લેધર મટિરિયલમાંથી જ બનતા હતા. મેટલનો ઉપયોગ તે પછી શરૂ થયો. ૧૯૮૦ પછી હેલ્મેટની ડિમાન્ડ વધી એટલે કંપનીઓ પણ વધી. આંતરિક સ્પર્ધાના કારણે ગ્રાહકોને સારું મટિરિયલ મળવા લાગ્યું હતું. દરેક દેશમાં હેલ્મેટ માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ બનાવાયા છે. આપણાં દેશમાં ચાલતા હોય એવા મટિરિયલમાંથી બનેલું હેલ્મેટ બીજા દેશમાં ન પણ ચાલે એવું ય શક્ય છે.

એકથી વધારે સંશોધનો કહે છે કે હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવાથી માથાની ઈજાનું જોખમ ૭૦ ટકા સુધી ઘટી જાય છે અને માર્ગ અકસ્માત પછી મોતનું જોખમ ૪૨ ટકા સુધી ઓછું થઈ જાય છે. અકસ્માતનો ભોગ બનનારા બાઈકચાલકોમાંથી ૩૩ ટકાના નાક હેલ્મેટના કારણે સલામત રહે છે.

                                                          ***

બાઈસિકલ હેલ્મેટ

સૈનિક અને બાઈકચાલકના હેલ્મેટ કરતા બાઈસિકલ હેલ્મેટ અલગ મટિરિયલમાંથી, જુદી રીતે બને છે. બાઈસિકલ શારીરિક એક્ટિવિટીના ભાગરૂપે થાય છે. પરિવહનના હેતુથી તેનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ થતો હોવાથી તેમાં બાઈકની તુલનાએ હાઈવે પર અકસ્માતનો ખતરો ઓછો છે.

સાઈકલ સવાર માટેના હેલ્મેટ માત્ર માથાનો ઉપરનો હિસ્સો ઢંકાય એવડાં જ હોય છે. ચહેરા અને કાનથી નીચેનો હિસ્સો ખુલ્લો રહે છે. અમેરિકામાં સાઈકલચાલકના હેલ્મેટ પોપ્યુલર થયા હતા. સાઈકલ રેસિંગની સ્પર્ધામાં સ્પર્ધકો હેલ્મેટ પહેરતા પણ ફિટનેસ એક્ટિવિટીના કારણે સાઈકલ ચલાવતા લોકો ખાસ હેલ્મેટ પહેરવાનો ઉમળકો બતાવતા ન હતા. આપણે ત્યાં તો હજુય એવો ઉમળકો જોવા મળતો નથી. અમેરિકન કંપની બેલ સ્પોર્ટ્સે ૧૯૯૧માં સાઈકલચાલકો માટેના હેલ્મેટની આખી રેન્જ ઉપલબ્ધ કરાવી હતી તે પછી વજનમાં હળવા બાઈસિકલ હેલ્મેટ વધારે લોકપ્રિય થયા હતા.

આ કંપનીએ જ પછી બાળકો માટેની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવી હતી. બાળકોની સેફ્ટી માટે ૧૯૯૫ પછી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ બાઈસિકલ હેલ્મેટની કેમ્પેઈન ચલાવી હતી, જેના કારણે સાઈકલના વેંચાણ સાથે હેલ્મેટ્સ પણ ફરજિયાત આવતાં થયાં હતા. અમેરિકા ઉપરાંત ઘણાં યુરોપિયન દેશોમાં પણ બાઈકચાલક માટે જેમ હેલ્મેટના નિયમો છે, એમ બાઈસિકલ ચાલકો માટે ય હેલ્મેટના નિયમો ઘડાયા છે.
Sunday, 8 December 2019
Posted by Harsh Meswania
Tag :

500 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતું SPG હવે માત્ર PM મોદીને જ સુરક્ષાકવચ આપશે


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા


ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા ક્યા નિયમોના આધારે મળતી હતી? કેન્દ્ર સરકારે એસપીજીમાં શું સુધારા કરવા ઈચ્છે છે? પહેલાં આ સ્પેશિયલ યુનિટના નિયમો કેવાં હતાં?


૧૯૮૧નું વર્ષ હતું. વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા વધારે મજબૂત બનાવવાની જરૂરિયાત જણાતી હતી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ સ્પેશિયલ ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સમક્ષ મૂક્યો. ૧૯૮૦ સુધી વડાપ્રધાનોની સુરક્ષા દિલ્હી પોલીસ જ કરતી હતી. ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસનું એક વિશેષ યુનિટ બન્યું હતું, જે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા સંભાળતું હતું. ૧૯૮૧માં આઈબીના પ્રસ્તાવ પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની રચના થઈ. આ નવા યુનિટે વડાપ્રધાનની સુરક્ષા સંભાળવાનું શરૂ કર્યું.

૧૯૮૪માં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એ પછી ફરીથી વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનની સુરક્ષાને લઈને ચર્ચા થઈ. સાંસદોએ અલગથી ટીમ બનાવવાની માગણી કરી. ગૃહ મંત્રાલયે ૧૯૮૫માં બિરબલનાથ કમિટીની રચના કરી અને વિગતવાર અહેવાલ આપવાનો નિર્દેશ કર્યો. કમિટીએ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ રચવાની ભલામણ કરી. ભલામણને કેબિનેટની મંજૂરી મળી એટલે રાષ્ટ્રપતિએ ૮૧૯ તાલીમબદ્ધ જવાનોનું સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (એસપીયુ) બનાવ્યું. કેબિનેટ સેક્રેટરીને આ યુનિટની રખેવાળી સોંપી.

શરૂઆતમાં ૧૯૮૫થી ૧૯૮૮ સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે આ વિશેષ ગ્રુપને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી. વડાપ્રધાન ડોમેસ્ટિક ટૂરમાં હોય તો સ્થાનિક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષા એજન્સીઓની પણ જવાબદારી રહેતી. સ્પેશિયલ યુનિટને વિશેષ પાવર આપતી ગાઈડલાઈન તૈયાર થઈ.

એજ અરસામાં સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનું નવું નામકરણ થયું; 'સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ' - એસપીજી.
                                                                             ***
નવા રચાયેલા એસપીજીએ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સુરક્ષાની જવાબદારી સંભાળીને સર્વિસની શરૂઆત કરી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ વારંવાર રાજીવ ગાંધી ઉપર હુમલાની ભીતિ વ્યક્ત કરી હતી એટલે એસપીજી સામે વધારે પડકાર ખડો થયો હતો. રાજીવ ગાંધી વડાપ્રધાનપદે ન રહ્યા એ પછી પણ તેમના પર હુમલાની દહેશત વ્યક્ત થતી હતી. ધમકીઓ મળતી હતી, પરંતુ એસપીજીએ પૂર્વ વડાપ્રધાનને સુરક્ષા આપવાની જોગવાઈ ન હોવાથી એ દિશામાં વિચાર્યું નહીં. રાજીવ ગાંધીને મળેલું એસપીજીનું કવર ૧૯૮૯માં હટી ગયું.

૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ પછી સંસદગૃહમાં એ મુદ્દો ઉઠ્યો. જો એસપીજીનું કવર હોત તો હુમલાખોરો રાજીવ ગાંધી સુધી પહોંચ્યા ન હોત એવી દલીલ થઈ. સરકારે એસપીજી એક્ટ પસાર કરીને ગ્રુપને વધારે પાવર આપ્યો, વધારે બજેટ ફાળવ્યું અને સંખ્યાબળ પણ વધાર્યું.

રાજીવ ગાંધીની હત્યા થઈ તે સંદર્ભમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના નજીકના પરિવારને એસપીજીના જવાનો જ સુરક્ષા આપે એવી જોગવાઈ પણ એ સુધારા વખતે કરવામાં આવી. ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૩માં પણ એમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની સુરક્ષાને લગતાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને ૧૦ વર્ષ સુધી એસપીજી કવચ મળે એવી જોગવાઈ હતી. પછી તો એ સમયગાળો વધ્યો. એ જોગવાઈના ભાગરૂપે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને એસપીજીનું સુરક્ષાકવચ મળતું હતું. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ગાંધી પરિવારની સુરક્ષાનો સંવેદનશીલ મુદ્દો ધ્યાનમાં રાખીને તેમનું એસપીજી કવચ યથાવત રાખવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના પરિવારને પણ એસપીજી સુરક્ષાકવચ મળતું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં તેમને ઝેડ પ્લસ સુરક્ષા સરકારે આપી હતી.

ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા તો થોડા સમય પહેલાં જ હટાવી દેવામાં આવી હતી. તેના બદલે ગૃહ મંત્રાલયે તેમને નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી) દ્વારા મળતી ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કરી હતી. ઝેડ પ્લસ સુરક્ષામાં ફરક એ પડી જાય કે તેમાં એનએસજીના ૧૦ કમાન્ડો હોય છે, ૪૫ પોલીસ જવાનો કે સીઆરપીએફના જવાનો એ સુરક્ષાગ્રુપમાં સામેલ કરવામાં આવે છે. એની તુલનામાં એસપીજી ઘણું સ્ટ્રોંગ સુરક્ષાકવચ છે.

કાયદામાં સુધારો કરીને સરકારે માત્ર વડાપ્રધાનની સુરક્ષા જ એસપીજીને સોંપી છે. વડાપ્રધાનપદેથી હટ્યા પછી માત્ર વડાપ્રધાનને પાંચ વર્ષ માટે એસપીજીની સુરક્ષા મળશે. એનો અર્થ એ કે એસપીજી બિલમાં સંશોધન પછી હવે માત્ર વડાપ્રધાન મોદીને જ આ સુરક્ષાકવચ મળશે. મનમોહન સિંહ મે-૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા તે હિસાબે પૂર્વ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ કરતા વધુ સમયગાળો વીતી ચૂક્યો હોવાથી તેમનું એસપીજી સુરક્ષાકવચ સપ્ટેમ્બરમાં જ હટાવી દેવાયું છે.

પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા પાછળ એનડીએ સરકારની દલીલ એવી છે કે એસપીજીનું ગઠન માત્ર વડાપ્રધાનોની સુરક્ષા માટે જ થયું હતું. દેશ પાસે એવી સુરક્ષા એજન્સીઓ છે જ કે જે પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારને સુરક્ષા આપી શકે તેમ છે. જો એસપીજીનું ધ્યેય સ્પષ્ટ કરવામાં આવે તો વડાપ્રધાનને વધારે સારી સુરક્ષા આપવાનો ઉદેશ્ય પૂરો થશે. એનાથી એસપીજી વધારે પ્રભાવી બનશે. ગૃહમંત્રીએ સંકેત આપ્યો હતો એ પ્રમાણે હવે કદાચ એસપીજીને વધારે આધુનિક બનાવીને તેનું બજેટ પણ વધારાશે.
વેલ, અત્યારે એસપીજીનું બજેટ કેટલું છે? આજની તારીખે આ સુરક્ષાકવચ કેટલું પ્રભાવી છે?
                                                                   ***
આ સ્પેશિયલ ગ્રુપ પાછળ સરકાર ૫૩૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે. અત્યારે આ ગ્રુપમાં ૪૦૦૦ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કાર્યરત છે. એસપીજીની ટીમ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. સ્નાઈપર્સ, બોમ્બ ડિએક્ટિવની તાલીમ પામેલા અધિકારીઓ સુરક્ષા વખતે પડછાયાની જેમ સાથે રહે છે. નાઈટ વિઝનના ચશ્માથી લઈને ખાસ પ્રકારની રાઈફલ્સથી આ કમાન્ડોને સજ્જ રાખવામાં આવે છે. એસપીજીના કાફલામાં બીએમડબલ્યુ-૭ સીરિઝની ગાડીઓ, રેન્જ રોવર્સ, મર્સિડિસ, ટોયોટા જેવી આધુનિક કારનો સમાવેશ થાય છે.

નવી જોગવાઈ પછી ફરક એ પડશે કે હવે એસપીજીના ૪૦૦૦ જેટલાં તાલીમબદ્ધ જવાનોની એક માત્ર જવાબદારી હશે - વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા. અગાઉ પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારોને પણ સુરક્ષાકવચ આપવાનું હતું એટલે જવાબદારી વિભાજિત થતી હતી. હવે આ ગ્રુપ પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જ રહેશે.

વેલ વેલ, આટલું બજેટ અને આટલાં આધુનિક ઉપકરણો પછી પણ સરકારને લાગે છે કે એસપીજીને વધારે પ્રભાવી બનાવવાની જરૂર છે, તો એ સરકાર છે, ધારે તે કરી શકે છે! આપ ઔર હમ હોતે કૌન હૈ બિચ મેં બોલને વાલે?
                                                                        ***

રાજ્યસભા-લોકસભામાં માર્શલની શું ભૂમિકા હોય છે?

રાજ્યસભા-લોકસભામાં માર્શલના બદલાયેલા યુનિફોર્મ મુદ્દે વિરોધ થયો. લશ્કરના પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ પણ નૌકાદળના અધિકારીઓના ડ્રેસ જેવાં લાગતા એ પોશાકનો વિરોધ કર્યો. લશ્કરની ઓળખ જેવો યુનિફોર્મ માર્શલને આપવો ન જોઈએ એવી સાંસદોની રજૂઆત પછી આખરે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ યુનિફોર્મની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો.

સંસદના ૨૫૦મા સત્રમાં માર્શલનો યુનિફોર્મ બદલવામાં આવ્યો હતો. ઓલિવ ગ્રીન રંગની બંધ ગળાની સફારી અને સૈન્ય અધિકારીના યુનિફોર્મમાં હોય એવી પિંક પટ્ટીવાળી કેપનો યુનિફોર્મ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન સાથે વિચાર-વિમર્શ પછી સચિવાલયની સમિતિએ ફાઈનલ કર્યો હતો. અગાઉ આ માર્શલ પરંપરાગત સફેદ પોશાક પહેરતા હતા અને માથે સાફો ધારણ કરતા હતા.

નવેસરથી રીવ્યૂના આદેશ પછી માર્શલનો યુનિફોર્મ ફરીથી બદલાયો હતો. વિવાદ પછી સપ્તાહની શરૂઆતમાં માર્શલ બંધ ગળાના જોધપુરી  સૂટમાં જોવા મળ્યા હતા. સંસદગૃહના રેકોર્ડ પ્રમાણે ૧૯૫૦માં માર્શલના યુનિફોર્મનો નિયમ બનાવાયો હતો અને તે પછી એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ડ્રેસકોડ બદલવાની માગણી માર્શલોએ કરી હતી. માગણી સ્વીકારીને યુનિફોર્મ ચેન્જ કરાયો હતો.

લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિની મદદમાં, સુરક્ષામાં તૈનાત માર્શલ પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસનો ભાગ છે. આર્ટિકલ ૯૮ની જોગવાઈ પ્રમાણે સંસદગૃહને અલગથી સ્ટાફ ફાળવવામાં આવે છે. તેના ભાગરૂપે જ આ માર્શલ્સ ગૃહના સભાપતિની સુરક્ષા સંભાળે છે.

સભાપતિની ડાબી તરફ માર્શલ હોય છે અને જમણી તરફ મદદનીશ માર્શલ સેવા આપે છે. કોની જગ્યાં ક્યાં હોય છે એ પણ નિયમ પ્રમાણે નક્કી જ હોય છે. સભાપતિ જ્યાં સુધી સંસદના પરિસરમાં હોય ત્યાં સુધી તેમની સુરક્ષા, મદદની જવાબદારી માર્શલના શિરે હોય છે. સંસદના બંને ગૃહોના સુરક્ષા અધિકારીઓને સંસદ પરિસરની જરૂરિયાત મુજબ વિશેષ તાલીમ આપવામાં આવે છે, પરંતુ માર્શલને તો એનાથી ય અલગ અને ખાસ ટ્રેનિંગ મળે છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે સભાપતિના આદેશ પ્રમાણે ગૃહમાં ધમાલ મચાવતા સભ્યોને બહાર કાઢવાનું કામ આ માર્શલ કરે છે, પરંતુ એ સિવાયના ઘણાં કાર્યો માર્શલને કરવાના હોય છે. સભ્યોને બહાર લઈ જવાનું કામ તો વોર્ડ અધિકારીઓને પણ સોંપવામાં આવે છે. ધાંધલ-ધમાલ વખતે કોઈ સભ્ય સ્પીકર સુધી ન પહોંચે તે માર્શલે જોવાનું હોય છે.

માર્શલ પાસે સંસદીય પ્રક્રિયાને લગતું જ્ઞાન હોવું અનિવાર્ય છે. સંસદમાં ઉગ્ર ચર્ચા થાય ત્યારે કે વચ્ચે બીજા સભ્યો બોલવાની પરવાનગી માગે ત્યારે માર્શલના આ જ્ઞાનની પણ કસોટી થાય છે. સંસદગૃહમાં રખાયેલા ચિત્રોની સંભાળ પણ માર્શલના કાર્યક્ષેત્રમાં આવે છે. સભાપતિ સુધી પહોંચતા ચા-કોફી પણ માર્શલની નિગરાનીમાંથી જ પસાર થાય છે. બીજી રીતે કહીએ તો સ્પીકર અને સભાપતિ સંસદ પરિસરમાં હોય ત્યારે તેમની સંપૂર્ણ જવાબદારી માર્શલની હોય છે. બંને માર્શલને ખરા અર્થમાં સભાપતિના બંને હાથ બનીને સંસદગૃહમાં કામગીરી કરવાની તાલીમ મળે છે.
Sunday, 1 December 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -