- Back to Home »
- other »
- લોકમેળાઓમાં ધબકતી જન્માષ્ટમી
Posted by :
Harsh Meswania
Thursday, 9 August 2012
(૯-૮-૨૦૧૨, ‘સંદેશ’ની જન્માષ્ટમી વિશેષ પુર્તિ ‘શ્રદ્ધા’માં પ્રકાશિત લેખ)
શ્રીકૃષ્ણ જન્મને આપણે વર્ષોથી એટલા ઉત્સાહ અને ઉલ્લાસથી ઊજવતા આવ્યા છીએ. કદાચ ઉજવણીની રીતભાત થોડી બદલાતી રહી હશે, પણ ઉત્સાહમાં તો આજેય કમી નથી આવી. કૃષ્ણજન્મ સાથે મટકી, શોભાયાત્રા અને મેળાઓ અભિન્ન અંગની જેમ જોડાઈ ગયાં છે. એમાં પણ શ્રીકૃષ્ણએ મિત્રતા માટે, શાસન માટે અને દેહત્યાગ માટે જે ભૂમિને પસંદ કરી હતી તે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની ઉજવણી આખા ગુજરાતમાં સૌથી અનેરી થાય છે. ઠેર ઠેર મેળાઓ ભરાય છે દ્વારકા, પોરબંદર, ડાકોર અને ભાલકાતીર્થ-સોમનાથ ઉપરાંત રાજકોટ, કચ્છ વગેરેમાં જન્માષ્ટમી નિમિત્તે થતા મેળાઓની કરીએ શાબ્દિક ઉજવણી.
દ્વારકા : લોકોનો મેળાવડો બની જાય છે મેળો
દ્વારકા એટલે શ્રીકૃષ્ણની નગરી. દ્વારકા એક જમાનામાં યદુવંશના શાસનના કારણે ભારત આખામાં કેન્દ્રસ્થાને હતું. આજેય દ્વારકા શ્રીકૃષ્ણ ભક્તો માટે ભારત આખામાં કેન્દ્રસ્થાને છે. શ્રીકૃષ્ણજન્મોત્સવ હોય અને દ્વારકાનો ઉલ્લેખ ન હોય તો એ ઉજવણી અધૂરી રહે. ભલે દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે ખાસ લોકમેળાનું આયોજન નથી કરવામાં આવતું, પણ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શને સમગ્ર ભારતમાંથી એટલી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે કે મેળો ન હોવા છતાં મેળો જામે છે. શીતળા સાતમ, જન્માષ્ટમી અને પારણા નવમી એમ ત્રણ દિવસ સુધી ભગવાનની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવી જાય છે. દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરની આરતીમાં જન્માષ્ટમીના દિવસે ભાગ લેવાનું અનોખું માહાત્મ્ય હોવાથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ સવલતો અને પૂજનવિધિનું આયોજન કરવામાં આવે છે.
સુદામાપુરી : જન્માષ્ટમી એટલે પાંચ દિવસનો લોકમેળો
સુદામાપુરી પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે પાંચ દિવસનો લોકમેળો યોજાય છે. પોરબંદરનો આ લોકમેળો તેના સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે અન્ય તમામ મેળાઓથી અલગ તરી જાય છે. લોકડાયરો, લોકનૃત્યો અને મહેર સમાજનું પરંપરાગત નૃત્ય મેળાનું આકર્ષણ બની રહે છે. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના બાળસખા સુદામાના મંદિરે વિશેષ પૂજન કરવામાં આવે છે. પોરબંદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ એટલે પાંચ દિવસ ચાલતો લોકમેળો એવું કહી શકાય.
ડાકોર : ભગવાન અને ભક્તની યાદરૂપે મેળો
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાય મંદિરમાં ભારે દબદબાભેર શ્રીકૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવે છે. રણછોડરાયના ધામ ડાકોરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ડાકોરમાં લાખો ભક્તો ઉમટતા હોવાને કારણે મેળો જામે છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ડાકોર મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવતું હોવાથી મંદિરનાં રાત્રિ દર્શન મનમોહક બને છે. જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલાં નાગપાંચમથી ભગવાનના મહેલ પરિસરમાં પાંચ દિવસના ઉત્સવો શરૂ થઈ જાય છે. આ દિવસો દરમિયાન ભગવાન પરંપરાગત વસ્ત્રો અલંકારોથી સજ્જ થઈ ભક્તોને દર્શન આપે છે. જન્માષ્ટમીના દિવસે સાંજે મંદિરમાં રાબેતા મુજબ દર્શન ચાલુ રહે છે. ત્યારબાદ ભગવાનનો જન્મ રાત્રે બાર વાગ્યે થતાં જ ભગવાનને તિલક કરી પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. સોનાના તાસમાં આરતી ઉતારીને ભોગ ધરાવી શ્રીજી ભગવાનને પારણે પધરાવવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાપુરીથી ડાકોરમાં સંવત ૧ર૧રમાં ભક્તરાજ બોડાણાજી લાવ્યા હોવાની સુપ્રસિદ્ધ કથા છે. ભક્ત બોડાણાજી ભગવાનના વિમાનમાં સદેહે વૈકુંઠમાં ગયા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે. ત્યાર પછી આશરે ૪૦૦ વર્ષ અગાઉ તામ્વેકર કુટુંબના ગોપાલ નાયકે હાલનું રણછોડરાય મંદિર બનાવીને વિધિવત્ પૂજન કરાવ્યું હતું. છેલ્લાં ચારસો વર્ષથી અહીં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ભાવભેર કરવામાં આવે છે. ડાકોરનો કૃષ્ણજન્મનો મેળો ગુજરાત આખામાં અલગ શાન ધરાવે છે.
ભાલકા - સોમનાથ : દેહોત્સર્ગ તીર્થનાં દર્શન, ભોળાનાથની ભક્તિ
દ્વારકાની જેમ અહીં પણ મેળાનું વિશેષ આયોજન કરવામાં નથી આવતું, પરંતુ શ્રીકૃષ્ણ અને શિવના મિલનસમા આ બંને તીર્થમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડતા હોવાથી આપમેળે જ મેળો બની જાય છે. ભાલકા તીર્થ, સોમનાથ ઉપરાંત ગીતા મંદિર અને ત્રિવેણી જેવાં ધર્મસ્થાનોમાં સાતમથી લઈને છેક પારણા નવમી સુધી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. એક મેળામાં જરૂરી બાબતો માનવ મહેરામણ, મનોરંજન અને મંદિરનો સંયોગ રચાતો હોવાથી મેળાવડો મેળામાં પરિર્વિતત થઈ જાય છે.
ગુણિયલ ગુજરાતીઓની જન્માષ્ટમી એટલે લોકમેળાઓ
આ તો થઈ જન્માષ્ટમીના તહેવારમાં આયોજિત કરાતા કે આયોજન વગર બની જતાં પ્રખ્યાત યાત્રાધામોના પ્રખ્યાત મેળાઓની વાત, પણ જન્માષ્ટમી દરમિયાન ગુજરાતમાં એવા તો ઘણા મેળાઓ ભરાય છે જે લોકપ્રિય હોય. ભુજમાં હમીરસર તળાવને કાંઠે સાતમ અને આઠમ એમ બે દિવસનો લોકમેળો યોજાય છે. રાજાશાહીના સમયથી આ મેળો અહીં પરંપરાગત રીતે યોજાતો આવે છે અને ભુજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાંથી બે દિવસમાં દોઢેક લાખ લોકો મેળાનો આનંદ ઉઠાવે છે. ભુજમાં મંદિરોને શણગારવામાં આવે છે અને મટકીફોડ, રાસોત્સવ જેવા કાર્યક્રમો ઉત્સાહભેર રજૂ થાય છે. માંડવીમાં પારણા નવમીના દિવસે ખારવા સમાજ દ્વારા શોભાયાત્રા નીકળે છે. ભુજ ઉપરાંત ગાંધીધામ, રાપર, માંડવી અને અંજારમાં પણ જન્માષ્ટમીમાં યોજાતા લોકમેળાઓ લોકજીવનનું અવિભાજ્ય અંગ બની ગયા છે.
જામનગરમાં વર્ષોથી વ્હોરાના હજીરા પાસે રંગમતી નદીના તટે લોકમેળો યોજાતો હતો. છેલ્લાં થોડાં વર્ષોથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજાય છે. છેલ્લાં અમુક વર્ષોથી લોકમેળો આખો શ્રાવણ માસ ચાલુ રહે છે. છેક શ્રાવણી અમાસે મેળાની પૂર્ણાહુતિ થાય છે. એ જ રીતે ભાવનગરના શિહોરમાં ગૌતમેશ્વર તળાવ અને ગૌતમી નદીના કાંઠે સ્વયંભૂ ભગવાન ગૌતમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં જન્માષ્ટમીનો મેળો થાય છે. પાંડવોના વનવાસ વખતે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જન્માષ્ટમીના દિવસે અહીં આવ્યા ત્યારથી આઠમના દિવસે મેળો ભરાતો હોવાની લોકોક્તિ છે.
આ મેળાની ખાસિયત મેળામાં મળતાં માટીનાં અને લાકડાંનાં રમકડાં છે. ભાવનગર પંથકમાં ભરાતા અનેક મેળામાં આ એક એવો મેળો છે જેમાં બાળકો માટે આપણી પરંપરાગત રીતે તૈયાર થતાં માટીનાં અને લાકડાંનાં રમકડાં મળે છે. આ સિવાય સુરતમાં પણ કૃષ્ણજન્મની ઉજવણીમાં લોકોનો ખાસ ઉત્સાહ જોવા મળે છે. સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ૪૦૦થી ૫૦૦ મટકીઓ ફોડવામાં આવે છે. અહીંની મટકીફોડ સ્પર્ધા
ગુજરાતભરમાં સુવિખ્યાત છે. ૩૦ ફૂટ ઊંચી મટુકીને ફોડવા માટે કાન-ગોપની અનેક ટુકડીઓ પ્રયાસ કરે છે. જે ટુકડી એ મટુકી સુધી પહોંચીને તેને ફોડી શકે છે તે ટુકડીને ઇનામ આપીને સન્માનિત કરાય છે. જે ટુકડી આ મટકી સુધી પહોંચે તેની ચોમેર પ્રશંસા થાય છે, કેમ કે ષટકોણ રચના કરીને જ મટુકી સુધી પહોંચી શકાય છે અને આ દૃશ્ય અવિસ્મરણીય હોય છે. ગુણિયલ ગુજરાતીઓ તહેવાર, મેળામાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનતા આવ્યા છે. આપણે અહીં મોટા અને કોઈક ને કોઈક ખાસિયતના કારણે અલગ તરી આવતા મેળાઓની વાત કરી, પણ ગુજરાતમાં તો ગામડે ગામડે જન્માષ્ટમીની અનેરી ઉજવણી થાય છે અને આ ઉજવણીમાં મેળાનું સ્થાન આજેય આગળ પડતું છે.
રંગીલા રાજકોટની રંગીન જન્માષ્ટમી
સૌરાષ્ટ્ર - ગુજરાતમાં થતા તમામ મેળાઓમાં રંગીલા રાજકોટવાસીઓનો મેળો સૌથી અલગ તરી જાય છે. રેસકોર્સના મેદાનમાં પાંચ દિવસ ભરાતા લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ઊમટી પડે છે. ઘણી વખત તો આ મેળો આઠ દિવસ સુધી લંબાવાયો હોવાના પણ દાખલા છે. પહેલાં શાસ્ત્રી મેદાનમાં આ લોકમેળો યોજાતો હતો ત્યારે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હતા. હવે છેલ્લાં વર્ષોમાં આ દિવસો દરમિયાન વરસાદને ધ્યાનમાં રાખીને રાત્રે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો નથી યોજવામાં આવતા, પણ મેળામાં મુલાકાતીઓની સંખ્યામાં તો સતત વધારો જ થતો રહ્યો છે. પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાંથી આશરે ૧૦ લાખ જેટલા લોકો મેળાનો આનંદ ઉઠાવે છે. બાળકોથી લઈ મોટેરાંઓ સુધી તમામ વર્ગને રાજકોટનો લોકમેળો આકર્ષે છે. મેળા ઉપરાંત જન્માષ્ટમીના દિવસે શહેરમાં નીકળતી શોભાયાત્રા પણ કદાચ સૌરાષ્ટ્રભરમાં નીકળતી સૌથી મોટી અને ધ્યાનાકર્ષક શોભાયાત્રા હશે. કેમ કે, આખા શહેરને શણગારવામાં આવે છે. શેરી-મહોલ્લાઓને અલગ અલગ સંસ્થાઓ શણગારે છે અને વળી આકર્ષક ફ્લોટ્સ તો ખરાં જ! શેરીએ શેરીએ પૌરાણિક પાત્રોથી બનતાં ફ્લોટ્સ પાછળ રાજકોટવાસીઓ ખાસ ઉત્સાહ દાખવે છે. આ ફ્લોટ્સને ક્રમાંક આપીને ઇનામ પણ આપવામાં આવે છે. સવારથી છેક સાંજ સુધી રથયાત્રા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ફરે છે. સર્વધર્મ સમભાવનું ઉમદા ઉદાહરણ આ રથયાત્રામાં જોવા મળે છે. અન્ય ધર્મો દ્વારા ઠેર ઠેર રથને વધાવવામાં આવે છે.