- Back to Home »
- madhyantar »
- નામ એનો નાશ, નાશ હોય કે ન હોય નામ બદલાય તો છે જ!
Posted by :
Harsh Meswania
Wednesday, 12 September 2012
ચીને પોતાના દેશના પાંચ વૈજ્ઞાનિકોનાં નામ પરથી નવા શોધાયેલા પાંચ ગ્રહોનાં નામ રાખવાની દરખાસ્ત કરી છે. તો વળી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે લખનૌની એક યુનિવર્સિટીનું નામ બદલવાનો નિર્ણય કર્યો એટલે વિવાદ પણ ઊભો થયો. આપણે અહીં ભારત ઉપરાંત વિશ્વભરમાં બદલાતા રહેતાં નામો અંગે તેમજ નવા શોધાતા ગ્રહોનું નામકરણ કઈ રીતે થાય છે તે જાણીએ.
આપણે ત્યાં અવારનવાર કોઈ સંસ્થાઓનાં કે શહેરોનાં નામો બદલવાની માંગણી થતી રહે છે. અમુક નામો સરકાર કે રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે બદલે છે તો અમુક લોકલાગણીને ધ્યાનમાં રાખીને બદલવામાં આવે છે. બોમ્બેનું નામ મુંબઈ કરવા માટે ખાસ્સા સમય સુધી સતત માંગણી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ તો આ મામલે ખૂબ જ બદનામ થયું છે. માયાવતીએ અલગ અલગ સંસ્થાઓનાં નામો તેમના કાર્યકાળ દરમિયાન બદલ્યાં હતાં. એ જ સિલસિલાને અખિલેશ યાદવ પણ આગળ ધપાવી રહ્યા છે. અખિલેશ યાદવે હમણાં લખનૌની ઉર્દુ-અરબી-ફારસી યુનિવર્સિટી કે જે બસપાના કાંશીરામના નામે હતી તેનું નામ બદલીને પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના નામે કરવાનો નિર્ણય લીધો છે. જોકે, એની શરૂઆત માયાવતીએ જ કરી હતી. માયાવતીએ ફૈઝાબાદનું વિભાજન કર્યું ત્યારે મોટાભાગના લોકોની માંગણી હતી કે તેનું નામ સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાના નામ પરથી લોહિયા નગર કરવામાં આવે પણ માયાવતીએ એ જિલ્લાનું નામ આંબેડકર નગર પાડયું હતું એટલે ત્યારે પણ વિવાદનો જન્મ થયો હતો.
નામ કેમ બદલવાં પડે છે?
વિશ્વમાં ઘણાં દેશોએ તેમના શહેરોનાં નામો બદલ્યાં છે. અમુક વખત તો શહેરનું નહીં પણ આખે આખા દેશનું નામ બદલી નાખવામાં આવ્યું છે. નામ બદલવા પાછળનો હેતુ સામાન્ય રીતે જે તે દેશની, શહેરની કે સંસ્થાની ઓળખ વધુ મજબૂત કરવાનો હોય છે. જેમ કે, ટાન્ગાનિકા અને ઝાંઝીબાર નામના બે દેશો મળીને એક દેશ થયો એટલે તેનું સંયુક્ત નામ ટાન્ઝાનિયા કરવામાં આવ્યું હતું. એ જ રીતે કોઈ જિલ્લામાં કે તાલુકામાં કોઈ જે તે પ્રાંતની મહાન વ્યક્તિનો જન્મ થયો હોય તો એની યાદમાં જે તે જગ્યાનું નામકરણ એ પ્રમાણે કરવામાં આવે છે. અથવા તો કોઈ મહાન ઘટના બની હોય તો એ ઘટનાની સ્મૃતિરૂપે નામકરણ કરવામાં આવે છે. ભારતમાં જ વારંવાર નામ બદલાય છે એવું નથી. દુનિયાભરમાં જુદા જુદા દેશોનાં અને સ્થળોનાં નામમાં ફેરફારો કરવામાં આવ્યા છે.
દુનિયાભરમાં થયા છે ફેરફારો
દુનિયાના ઘણાં દેશોએ નામમાં તબદીલી કરવાનું પસંદ કર્યું છે. જેમ કે, આફ્રિકન દેશ એબનિસિયાએ પોતાનું પ્રાચીન નામ બદલીને ઈથિયોપિયા રાખ્યું છે. એશિયન દેશ બર્માએ ૧૯૮૯માં મ્યાનમાર નામને સત્તાવાર કર્યું છે. એ પહેલાં સિલોને ૧૯૭૨માં શ્રીલંકા નામ પર પસંદગી ઉતારી હતી. રોમન સમ્રાટ કોન્સટેન્ટિનના નામ પરથી કોન્સટેનટિનોપલ નામ પડયા પછી તૂર્કોએ આ શહેર પર કબ્જો કર્યો એટલે તેનું નામ ઈસ્તંબૂલ પાડયું. જોકે, વર્ષો સુધી જગતમાં આ શહેરને કોન્સ્ટેનટિનોપલ તરીકે જ ઓળખવામાં આવતું હતું. છેક ૧૯૩૦માં તેને સત્તાવાર નામ ઈસ્તંબૂલ આપવામાં આવ્યું હતું. ચીને લોકલાગણીને ધ્યાનમાં રાખીને પેકિંગ શહેરને બીજિંગ નામ આપ્યું છે. એક સમયે ર્પિસયા રાજ્ય તરીકે વિશ્વભરમાં ઓળખાતા દેશને આજે હવે આપણે ઈરાન કહીએ છીએ. સમયાંતરે આ જ રીતે રહોડેશિયાનું ઝિમ્બાબ્વે, સિયામનું થાઈલેન્ડ અને અન્ગોરાનું અંકોરા નામ થયું છે.
ભારતમાં થયેલાં પુનઃનામકરણ!
ભારતનાં મહત્ત્વનાં શહેરોનાં નામ પણ નજીકના ભૂતકાળમાં બદલાયાં છે. ઇતિહાસકારોના મતે ભારતના પાટનગર દિલ્હીનું નામ તો છેક હસ્તિનાપુરથી લઈને નવી દિલ્હી સુધી લગભગ ૧૭ વખત બદલ્યું છે તો ભારતની આર્થિક રાજધાની મનાતું મુંબઈનું નામ પણ ૧૯૯૫માં ચેન્જ થયું હતું. ૧૯૯૫માં શિવસેનાએ બોમ્બે નામ સામે વિરોધ ઉઠાવ્યો ત્યાર પછી આ નિર્ણય લેવાયો હતો. અંગ્રેજો મુંબઈનો ઉચ્ચાર બોમ્બે કરતા હતા એટલે નામ બોમ્બે થઈ ગયું હતું પણ ખરેખર તો હિન્દુ દેવી મુંબા દેવીના નામ પરથી આ શહેરનું નામ મુંબઈ પડયું હતું એટલે ફરીથી એ જ નામ રાખવાની માંગ ઊઠી અને અંતે ૧૯૯૫માં માયાનગરી કહેવાતા બોમ્બેને મુંબઈ એવું નામ આપવામાં આવ્યું. અંગ્રેજોના સમયમાં પાટનગર રહેલું ભારતનું મહત્ત્વનું શહેર કલકત્તાને પણ આ જ રીતે લોકલાગણીને ધ્યાનમાં રાખીને ૨૦૦૧માં કોલકાત્તા કરી દેવામાં આવ્યું હતું. આમ તો આ શહેરનું પ્રાચીન નામ કાલિકાત્તા હતું જે પછીથી અપભ્રંશ થતા થતાં કલકત્તા બની ગયું હતું. પશ્વિમ બંગાળમાં લોકો ભાગ્યે જ આ શહેરને કલકત્તા કહેતા હતા. મોટાભાગે કોલકાત્તા તરીકે જ તેની ઓળખ હતી પછીથી જ્યારે આખા રાજ્યનું નામ બાંગ્લામાંથી પશ્વિમ બંગાળ કરવામાં આવ્યું ત્યારે જ કલકત્તાને પણ કોલકાતા કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય દક્ષિણ ભારતના મદ્રાસને ૧૯૯૬માં ચેન્નાઈ કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાતમાં ઉત્તર પ્રદેશની જેમ વારંવાર નામ બદલવાના બનાવો નથી બન્યા પણ અમુક ફેરફારો થયા છે જેમાં મહત્ત્વનું પરિવર્તન વડોદરાના નામનું ગણાવી શકાય. ૧૯૭૪માં બરોડાને સત્તાવાર રીતે વડોદરા નામ આપવામાં આવ્યું છે. જોકે, આજે પણ લોકો વડોદરાને બરોડાના નામથી જ ઓળખે છે!
શું હોય છે નામ બદલવાની પ્રોસેસ?
નામ બદલવાની વિધિ અંગે જાણીતા વકીલ એ. ડી. મેરના જણાવ્યા પ્રમાણે આવાં નામો બદલવા માટે દરેક રાજ્યમાં ગવર્નમેન્ટ પ્રેસ હોય છે. જેમાં નામ બદલવા માટેનું ફોર્મ ભરીને અને સોગંદનામું રજૂ કરીને કોઈ પણ વયસ્ક વ્યક્તિ પોતાના નામમાં કે અટકમાં ફેરફાર કરાવી શકે છે. ગેજેટમાં પ્રકાશિત થયેલું નામ પછીથી લગભગ બધે જ માન્ય ગણવામાં આવે છે. પણ જો કોઈ શહેરનું નામ ચેન્જ કરવાનું હોય તો સરકારની કમિટી એ કામ કરે છે. વળી, ધારો કે કોઈ મોટી સંસ્થાનું નામ બદલવું હોય અને તે સરકારી સંસ્થા હોય તો તે કામ પણ સરકાર જ કરે છે. બાકી ખાનગી ક્ષેત્રમાં પુનઃનામકરણ જે તે સંસ્થાના હોદ્દેદારો ગેજેટની ઉપરોક્ત પ્રક્રિયાની મદદથી કરી શકે છે.
નવા શોધાતા ગ્રહોનું નામકરણ આ રીતે થાય છે
નવા શોધાતા નાના કે મોટા ગ્રહોનું નામકરણ આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘની પરવાનગીથી થાય છે. આ સંઘમાં ખગોળીય સંશોધન કરતા લગભગ મોટા ભાગના દેશો સભ્યપદ ધરાવે છે. કોઈ પણ ગ્રહનું નામ પાડવાનો અધિકાર સંઘની નિયત કરેલી સમિતિને આપવામાં આવ્યો છે. ચીને ૧૯૯૭થી ૨૦૦૦ના વર્ષ દરમિયાન શોધેલા પાંચ નાનકડાં ગ્રહોનાં નામ ચીની વૈજ્ઞાનિકોના નામ પરથી રાખવાનો પ્રસ્તાવ આ સમિતિ પાસે રાખ્યો છે જેને મંજૂરી પણ આપવામાં આવી છે. જે પૈકી ૧,૪૮,૦૮૧ ગ્રહ સંખ્યા ધરાવતા ગ્રહને સન જિયાડોંગનું નામ આપવામાં આવ્યું છે. ૧,૭૫,૭૧૮ ગ્રહ સંખ્યા ધરાવતા ગ્રહનું નામ વૂ જેનગઈ નામના વિજ્ઞાની પરથી પાડવામાં આવ્યું છે. ૧,૮૮,૫૯૩ની ગ્રહ સંખ્યાવાળા ગ્રહના ભાગે વાંગ જોંગચેંગનું નામ આવ્યું છે તો ૨૮,૪૬૮ ગ્રહ સંખ્યા ધરાવતા ગ્રહને શી ચાંગક્સુના નામ સાથે જોડવામાં આવ્યો છે. ૪૩,૨૫૯ ગ્રહ સંખ્યાવાળા ગ્રહને વાંગ ઝેંયીનું નામ મળ્યું છે.