- Back to Home »
- madhyantar »
- ગોરિલાઃ સ્માર્ટફોનનો સ્માર્ટ ગ્લાસ
Posted by :
Harsh Meswania
Wednesday, 1 May 2013
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
સ્માર્ટ ફોનની દુનિયામાં સેમસંગ ગેલેક્સી એસ-૪ની વીતેલા સપ્તાહે એન્ટ્રી થઈ. બીજા બધા ફીચર્સ તો બરાબર, પણ મોબાઈલના સ્ક્રીન પર છરી મારો તો પણ કંઈ જ નહીં થાય એવો દાવો કરાયો હોવાથી એ તરફ વધુ ધ્યાન ખેંચાયું છે. એવું તે શું છે એના ગ્લાસમાં? સ્માર્ટ ફોનમાં વપરાતા 'ગોરિલા' કહેવાતા ગ્લાસની ખાસિયત શું છે? આ ગ્લાસ બનાવવામાં કોની હથોટી છે? મોબાઇલ ફોનમાં આ ગ્લાસનો ઉપયોગ ક્યારથી થાય છે?
'ગોરિલા' શબ્દ કાને પડે એટલે આપણી નજર સમક્ષ કાળા ભમ્મર અને માનવીના પૂર્વજ તરીકે માની લેવાયેલા વાનરનું ચિત્ર ઉપસી ન આવે તો જ નવાઈ! જોકે, છેલ્લા થોડા વખતથી આ ગોરિલાની મોનોપોલી તૂટી ગઈ છે અને એક નવા ગોરિલાએ તેનું સ્થાન પચાવી પાડયું છે. આ ગોરિલા એટલે અત્યારે સ્માર્ટ ફોનમાં જેનો છૂટથી ઉપયોગ થાય છે એ ગ્લાસ. છેલ્લાં પાંચેક વર્ષથી અલગ અલગ બ્રાન્ડના મોબાઇલ ફોનની સ્ક્રીન માટે ગોરિલા ગ્લાસનો વપરાશ વધ્યો છે. ગોરિલા ગ્લાસની ખાસિયત એના માટે કારણભૂત છે. આ ગ્લાસનો ગમે એટલો રફ યુઝ કરવામાં આવે તોય તેના પર ઘસરકો (સ્ક્રેચ) પડતો નથી. વળી, ટ્રાન્સપરન્ટ અને ટચિંગ સેન્સિટિવિટીમાં તેનો વિકલ્પ મળવો મુશ્કેલ છે.
સ્માર્ટ ફોનમાં ગોરિલા : ગ્લાસ યે બંધન તો પ્યાર કા બંધન હૈ!
આપણે સ્માર્ટ ફોન ખરીદતા હોઈએ ત્યારે શું વિચારીએ? એક તો દેખાવ ફેન્સી હોવો જોઈએ, મિત્રોના મોબાઈલમાં હોય એવા જરૂરી ને ન જરૂરી હોય એવા બધા ફીચર્સ આવી જવા જોઈએ, કેમેરામાં દમ હોવો જોઈએ...વગેરે વગેરે. આ સિવાય ધ્યાનમાં રાખવા જેવું કંઈ હોય તો એ ગ્લાસ. આમ તો એ જ પહેલાં આવે, કેમ કે ટચિંગ થોડું નબળું હોય તો સ્માર્ટ ફોનની મજા મરી જાય છે. આ જ બધી બાબતોનું ધ્યાન ૨૦૦૬માં એક માણસે રાખ્યું હતું અને એના પ્રતાપે આપણને મળ્યો ગોરિલા ગ્લાસ. એ માણસ એટલે સ્ટિવ જોબ્સ. સ્ટિવ ૨૦૦૬માં આઈફોન પર કામ કરી રહ્યા હતા ત્યારે તે એવા પ્રયાસમાં હતા કે મોબાઈલની બાકીની બધી બાબતોની જેમ સ્ક્રીનનો ગ્લાસ પણ કંઈક અલગ હોવો જોઈએ. એમાં વળી એક દિવસ કોઈએ સ્ટિવને આવીને ગોરિલા ગ્લાસનો ટુકડો આપ્યો. સાથે સાથે તેણે સાંભળેલી વાત કહી કે આ કાચ એવો આવે છે જેમાં સ્ક્રેચ નથી પડતા. ટેક્નોલોજી એક્સપર્ટ અને 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના ટેકનોલોજી કોલમિસ્ટ ડેવિડ પોગના નોંધવા પ્રમાણે સ્ટિવ જોબ્સે એ કાચના ટુકડાને સહજ રીતે તેમની પાસે રહેલી લોખંડની ને એવી બધી અન્ય રફ સામગ્રી સાથે મૂકી દીધો. થોડા દિવસો પછી અચાનક કામ કરતી વખતે તેને એ ટુકડો યાદ આવી ગયો. તેણે લોખંડ સાથે રાખેલા એ ટુકડાને જોયો ત્યારે સ્ટિવને થયું કે જો ખરેખર જ આ ગ્લાસમાં સ્ક્રેચ ન પડતા હોય તો તો એ કામની ચીજ છે. સાચા હીરાની પરખ એક સારો ઝવેરી જ કરી શકે એમ સ્ટિવ જોબ્સે તરત જ પોતાના નવા બની રહેલા આઈફોન માટે આ ગ્લાસનું ઉત્પાદન કરતી કોર્નિગ કંપનીના સીઈઓ વેન્ડલ વીક્સ સાથે વાટાઘાટ પણ કરી લીધી. આ સાથે જ સ્માર્ટ ફોનની દુનિયામાં ગ્લાસ એક ફીચર તરીકેનું સન્માન મેળવી ગયો.
ગોરિલાઃ ઇસ નામ મેં કુછ ખાસ હૈ!
ટેક્નોલોજીમાં અગ્રગણ્ય ગણાય એવા એક મેગેઝિન 'સ્માર્ટ પ્લેનેટ'ના તંત્રી એન્ડ્રુ નુસ્કાના જણાવવા પ્રમાણે આ ગ્લાસ ગોરિલા જેવા મજબૂત અને ખડતલ હોવાથી ધીરે ધીરે ગોરિલા ગ્લાસ તરીકે જાણીતા થયા છે. બાકી તેનું સાયન્ટિફિક નામ કેમકોર છે. અમેરિકાની કોર્નિગ કંપની આમ તો છેલ્લી એકાદ સદીથી ગ્લાસના ઉત્પાદનમાં અવ્વલ રહેતી આવી છે, પણ ૬૦ના દશકામાં આ કંપનીએ થોડા પ્રયોગો કરીને નવા વિકસતાં ટેલિવિઝન અને કમ્પ્યુટર જેવાં ઈલેકટ્રોનિક ઉપકરણો માટે તેની લેબોરેટરીમાં ખાસ ગ્લાસ વિકસાવ્યો. શરૂઆતમાં તેને નામ અપાયું મસ્કલેડ ગ્લાસ. ૧૯૭૦ આસપાસ રેસિંગ કારમાં કેમકોર ગ્લાસનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થતો હતો. ૧૯૯૦ સુધીમાં આ ગ્લાસ ટેલિવિઝન સ્ક્રીન, લેપટોપ-કમ્પ્યુટર સ્ક્રીન અને વીડિયો ગેઇમ્સની સ્ક્રીનમાં વપરાવા લાગ્યો. કોર્નિગ કંપની દ્વારા બનતા બીજા ઘણા ગ્લાસનો ઉપયોગ મોબાઇલની સ્ક્રીનમાં થતો હતો, પણ આ કેમકોર ઉર્ફે ગોરિલાની ઓળખાણ મોબાઇલ ફોન સાથે સ્ટિવ જોબ્સે ૨૧મી સદીમાં કરાવી આપી.
મેકિંગ ઓફ ગોરિલાઃ યૂં હી નહીં દિલ લુભાતા કોઈ!
સ્માર્ટ ફોનમાં આપણી આંખ સામે જે સ્મૂધ અને ચકચકતો ગ્લાસ દેખાય છે એ કંઈ એમ જ નથી બની જતો. એના માટે ખાસ જહેમત ઉઠાવાય છે અને એટલી જ કાળજી પણ રાખવામાં આવે છે. કદાચ એટલે જ કોર્નિગ કંપની આટલાં વર્ષેય એમાં મોનોપોલી જાળવી શકી છે. પીગાળેલા મીઠાના ૪૦૦ ડિગ્રી ઊંચા તાપમાને તપેલા દ્રાવણમાં કાચને નાખવામાં આવે છે અને પછી તેના પર કેમિકલ પ્રક્રિયા કરાય છે. ત્યારબાદ ગ્લાસને ઠંડો પડવા દેવામાં આવે છે અને પછી એવા મશીનમાં મુકાય છે જ્યાં તે નરમ બની જાય છે. ટ્રાન્સપરન્સી માટે આ ગ્લાસને ફરી વખત કેમિકલ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. છેલ્લે તેની સપાટી પર પોટેશિયમ આયનની મેળવણી કરવામાં આવે છે કે જેનાથી આ ગ્લાસમાં જો ખરોંચ આવે તો પણ તેની મેળે તેમાં એવી પ્રક્રિયા થઈ જાય છે કે તે સ્ક્રેચ આપોઆપ ઓગળી જાય છે.
ગોરિલાનો બિઝનેસઃ લાખોં કી શુરૂઆત કરોડોં તક પહુંચી!
સ્ટીવ જોબ્સે ઉપયોગમાં લીધેલા ગોરિલા ગ્લાસની અત્યારે ત્રીજી જનરેશન ચાલી રહી છે. લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી એસ-૪માં વપરાયેલો ગ્લાસ ત્રીજી જનરેશનમાં આવે છે. અત્યારે વિશ્વમાં બનતા તમામ સ્માર્ટ ફોનની સ્ક્રીનમાં લગભગ ૪૦ ટકા ગોરિલા ગ્લાસ વપરાય છે. આશરે ૨૦ જેટલી બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ માટે ગોરિલા ગ્લાસને પ્રથમ પસંદગી બનાવે છે. કોર્નિગ કંપનીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે માત્ર એક કરોડના ટર્નઓવરથી શરૂ થયેલો બિઝનેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧૦૦ કરોડને આંબી ગયો હતો. આજે જે રીતે ગોરિલા ગ્લાસ પોતે જ એક ફીચર તરીકે લોકપ્રિય બન્યો છે ત્યારે હજુ આ બિઝનેસ આસમાનની ઊંચાઈ હાંસલ ન કરે તો જ નવાઈ!