Posted by : Harsh Meswania Sunday, 5 January 2014

બુચ કેસિડી

 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ધૂમ-૩માં આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એ અમેરિકન બેંક ચોર બુચ કેસિડી ક્યારેય પોલીસના હાથમાં આવ્યો ન હતો. પોલીસ દાવો કરતી હતી કે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, પણ ખરેખર તે રહસ્યની જેમ જીવ્યો અને એમ જ મૃત્યુ પામ્યો...

બ્લેક સૂટ-નીચે બ્લેક પેન્ટ અને એવા જ રંગના જૂતા તેનો લગભગ કાયમી પોશાક. ઉંમર હશે ૩૦થી ૩૫ વર્ષ. માંડ પાંચેક ફીટની ઊંચાઈ. મધ્યમ બાંધો, હંમેશા ક્લિનશેવ્ડ રહેતા ચહેરાને જોઈનેે લાગે નહીં કે આ માણસ આટલો ખતરનાક હશે. માથામાં ટૂંકા વાળ, એના પર કાળી હેટ. પેશાથી ચોર, પરંતુ તેની સામેના પૂરાવાઓ શોધવા પોલીસ પણ મથી રહી હોય એટલું સજ્જડ તેનું આયોજન. છતાં, ચોરી કરીને પોતાની આગવી ઓળખ મૂકવા માટે દરેક વખતે એક ચોક્કસ નિશાની છોડતો જાય. આ ઠગ ચોરી કરવામાં જેટલો શાતિર, એટલો ભાગવામાં તેજતર્રાર.
ચોરી કરવાના તરિકાથી ખૂંખાર, પણ પાછો નેકદિલ ઈનસાન! ચોરી માતબર અને યાદગાર કરવાની કે જેમાં બેંક પાયમાલ થઈ જાય, પરંતુ એક પણ લોકોને ઈજા ન પહોંચે કે જાનહાની ન થાય એની ખાસ તકેદારી ય રાખવાની. અઠંગ ચોર કેમેય કરીનેે પકડાતો ન હોવાથી સરકારી એજન્સી તેની સામે સુલેહનો પ્રસ્તાવ મૂકે છે - 'ચોરી કરવાનું છોડી દઈશ તો બધા ગૂના માફ કરી દેવામાં આવશે', પણ એટલી જ બેફિકરાઈથી પ્રસ્તાવને ઠૂકરાવી દઈને સામે પડકાર ફેંકે છે કે તમારાથી પકડી શકાય તો પકડી લો! 
ચોરી કરવા માટે મુખ્ય ટાર્ગેટ - બેંક. દરેક વખતે એવો મેસેજ આપે છે કે 'બેંકવાલો તુમ્હારી ઐસી કી તૈસી'.
                                                                             ***
ધૂમ-૩માં ચોરનો કિરદાર નિભાવતા આમિર ખાનના પાત્રની ઉપર વર્ણવી એ ખાસિયત છે એવું થોડી વાર માટે લાગે તો એ સ્વાભાવિક છે, પરંતુ ખરેખર તો આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એવા એક અમેરિકન મહાઠગની આ વાત છે.
'ધૂમ-3'માં આામિર ખાનનું કેરેક્ટર બુચ કેસિડીથી પ્રેરિત હતું

લગભગ સવા-સો વર્ષ પહેલાં દક્ષિણ અમેરિકામાં તેના નામની આણ પ્રવર્તતી હતી. બેંક ઉપરાંત ટ્રેન રોબરીમાં તેની એવી ધાક જામી ગઈ હતી કે બીજી કોઈ પણ ગેંગ દક્ષિણ અમેરિકામાં ક્યાંય પણ બેંક કે ટ્રેન લૂંટે તો તરત જ તેનો અપયશ આ ઠગના નામે ચડી જતો. લોકો અખબારોમાં છપાતા તેના કારસ્તાનને ખૂબ રસપૂર્વક વાંચતા. તેણે કઈ રીતે બેંક કે ટ્રેન લૂંટી છે તે જાણવાની સૌને ઈંતેજારી રહેતી.
વિવિધ બેંકનું વ્યવસ્થાતંત્ર તેની બીકના કારણે ખાસ સલામતી ગોઠવતું હતું, તો ટ્રેનમાં મૂલ્યવાન માલ-સામાનની હેરફેર વખતે વિશેષ ગાર્ડ્સ તૈનાત કરાતા હતા. પણ જ્યારે આ ખૂંખાર ચોર ત્રાટકતો ત્યારે બધું જ પાણીમાં જતું. કેમ કે, તે હંમેશા એક કદમ આગળનું વિચારતો અને એના કારણે દરેક વખતે જડબેસલાક સલામતીની ધજિયા ઉડાવવાનું તેના માટે સાવ જ આસાન હતું.
ધીરે ધીરે તે એવો ચોર બની રહ્યો હતો કે જેનું અસ્તિત્વ માત્ર દંતકથાઓમાં જ હોય. છતાં તેનું સાચે જ અસ્તિત્વ હતું અને હંમેશા દંતકથાની જેમ રહેવાનું હતું. તેનું નામ હતું - રોબર્ટ લોરી પાર્કર ઉર્ફે બુચ કેસિડી ઉર્ફે વિલિયમ વિલ્કોક્ષ ઉર્ફે વિલિયમ ટી. ફિલિપ્સ. જેણે દક્ષિણ અમેરિકા ઉપરાંત બોલિવિયામાં અસંખ્ય બેંક ચોરીઓ કરી હતી અને 'ધ વાઇલ્ડ બંચ ગેંગ' બનાવીને વર્ષો સુધી તેનું સુકાન પણ સંભાળ્યું હતું. કોણ હતો આ બુચ કેસિડી?
                                                                        ***
રોબર્ટ લોરી પાર્કર નામનો એક છોકરડો ૧૩ ભાઈઓ-બહેનોમાં સૌથી મોટો. દક્ષિણ અમેરિકાના બીવર નામના એક નાનકડાં ગામમાં તેનો ગરીબ પરિવાર રહેતો હતો. ગરીબીમાં જન્મેલા રોબર્ટને મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે પોતે ગરીબીમાં જન્મ્યો છે એ નસીબ છે, પણ કોઈ કાળે જીવનભર ગરીબીમાં નથી સબડવું. 
સમૃદ્ધ જીવન જીવવાના શમણા સાથે તેણે માત્ર ૧૫ વર્ષની વયે ઘર છોડી દીધું. બાળપણ ખૂબ યાતનામાં વીત્યુ. સમજણો થયો ત્યારથી જ મા-બાપથી અળગા રહીને જીવવાનું પસંદ કર્યું હતું. એ સમય હતો ૧૮૮૦ આસપાસનો. ઘોડાનો તબેલો ચલાવતા માઇક કેસિડીને ત્યાં નોકરી કરવા લાગ્યો. ઘોડાની સંભાળ રાખવાની સાથે સાથે માઇક તેને બીજુ ઘણું બધું શીખવતો હતો કે જે તેને પછીથી કામ આવવાનું હતું. માઇક પાસેથી જ એક વાર રોબર્ટે રોબિન હૂડની વાતો સાંભળી. રોબિન હૂડથી તે એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે રોબિન હૂડને જ પોતાનો હીરો બનાવી લીધો.
માઇક પાસે માંડ બે વર્ષ કામ કર્યું હશે, પરંતુ માઇકનો તેના પર બહુ પ્રભાવ પડયો હતો. તેને હંમેશા એક મોટા તબેલાના માલિક બનીને માઇકની જેમ એશો-આરામની જિંદગી જીવવી હતી. અલગ અલગ ઔલાદના અને રંગના ઘોડાઓની વચ્ચે રહેવાનું સ્વપ્ન જોઈને તેણે વળી થોડી રઝળપાટ કરી લીધી. એ દરમિયાન તેના જેવા જ બીજા થોડા મિત્રોના પરિચયમાં આવ્યો. બધાએ ભેગા મળીને આસપાસના નાના-મોટા વેપારીઓને ત્યાં રોકડની ચોરી શરૂ કરી.
એક વખત રોબર્ટે વિચાર કરીને તેના સાથીદારોને કહ્યું 'આ રીતે નાની મોટી ચોરીઓ કરીને કશું જ નહીં વળે, કંઈક મોટું કરવું પડશે. એટલું મોટું કે પછી ચોમેર આપણી જ ચર્ચા થતી હોય.' બધાને તેની વાત ગળે ઉતરી. અમુકે એવી શર્ત રાખી કે તે મૂળ નામને બદલે બીજા ભળતા-સળતા નામનો ઉપયોગ કરશે અને એ રીતે ચારેય સભ્યોના નવા નામ વિચારાયા. માઇક કેસિડીના પ્રભાવમાં રહેલા રોબર્ટે પોતાનું નામ પાડયું - બુચ કેસિડી. મિત્રોની ટોળકીનું નામ પણ પડયું - ધ વાઇલ્ડ બંચ.
સનડેન્સ કિડ, વિલિયમ એલ્સવર્થ, બેન ક્લિપેટ્રિક, હાર્વે લોગાન અને છેલ્લે વાઈલ્ડ બંચનો લીડર બુચ કેસિડી

ધ વાઇલ્ડ બંચે પ્રથમ નિશાન બનાવી ટેલુરાઇડ નામના ટાઉનમાં આવેલી સેન મિગુઇલ વેલી બેંકને. આ આયોજનબદ્ધ ચોરીમાં બેંકની લગભગ વીસેક હજાર ડોલરની રકમ ઉઠાવી લીધી. પ્રથમ બેંક ચોરીની રોકડમાંથી જ કેસિડીએ તેનું તબેલાનું સ્વપ્ન પૂરું કર્યું. વચ્ચેના ત્રણ-ચાર વર્ષના ગાળામાં ચોરીઓ કરવાનું બંધ કર્યું અને માત્ર તબેલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારે તે બધાને પોતાની ઓળખ વિલિયમ વિલ્કોક્ષ તરીકે આપતો હતો. આ તેણે રાખેલું પોતાનું ત્રીજું નામ હતું. જોકે, એ બહુ લાંબું ન ચાલ્યું. કેમ કે, કેસિડીને ૧૮૯૪માં તેના ગૂના બદલ બે વર્ષની જેલ થઈ. જેલમાંથી છૂટયા પછી તેણે ફરીથી મિત્રોને ભેગા કર્યા અને પછી તેના કારનામાની હારમાળા સર્જાઈ ગઈ.
એ જ વર્ષે કેસિડીને તેના જેવો જ ચોરીમાં અને નાસવામાં કુશળ એવો એક સ્માર્ટ જોડીદાર મળી ગયો. જેનું નામ હતુંઃ હેરી લોંગબાઉટ. બેંક અને ટ્રેન રોબરીના ઈતિહાસમાં તેને સનડેન્સ કિડના નામથી ઓળખવામાં આવે છે. કેસિડીના અન્ય સાથીદારોના નામ હતા, વિલિયમ એલ્સવર્થ, બેન કિલપેટ્રિક અને હાર્વે લોગાન કે જે કિડ કરીના નામે ઓળખાતો હતો અને કેસિડી જ્યારે અંડરગ્રાઉન્ડ હોય ત્યારે ગેંગનું સુકાન કિડ કરી સંભાળતો.
જોત-જોતામાં તો આ ગેંગે તરખાટ મચાવી દીધો. ૧૮૯૬થી ૧૯૦૨ સુધીના ગણતરીના વર્ષોમાં ધ વાઇલ્ડ બંચના નામે મોન્ટપેલર, ઇડાહા, દક્ષિણ ડેકોટા, ન્યૂ મેક્સિકો, નેવાડા અને વ્યોમિંગ આસપાસની કેટલી બધી ટ્રેન લૂંટવાના અને બીજી એટલી જ બેંકોમાં ચોરી કરવાના કંઈ કેટલાય કારસ્તાન ચડી ચૂક્યા હતા. જ્યારે આ ગેંગ પર સુરક્ષા તંત્રનો કોઈ જ કાબૂ ન રહ્યો ત્યારે યુનિયન પેસિફિક રેલબોર્ડે કેસિડી સામે પ્રસ્તાવ મૂક્યો કે જો તે ટ્રેન લૂંટવાનું બંધ કરી દે તો રેલ્વે બોર્ડ તેની સામેના તમામ આરોપો પડતા મૂકશે અને તેની ગેંગના સભ્યોને રેલ્વે બોર્ડમાં સુરક્ષા ગાર્ડ્સની નોકરી પણ આપશે. કેસિડીએ પ્રસ્તાવ ઠૂકરાવી દીધો, પણ ચોરીઓ કરવાનું ઓછું કરી નાખ્યું.
ધીમે ધીમે સાવ નહીંવત કરી નાખ્યું. એ દરમિયાન પોલીસે કેસિડી અને સનડેન્સ કિડ સિવાયના બીજા સભ્યોને એક પછી એક નિશાન બનાવ્યા અને તમામને ખતમ કરી નાખ્યા. પોતાના સાથીદારોના મોતથી રઘવાયા થયેલા કેસિડી અને સનડેન્સ કિડે ફરીથી દક્ષિણ અમેરિકાને ધમરોળ્યું અને પછી બંને પોતાનો દેશ છોડીને બોલિવિયા ચાલ્યા ગયા.
૧૯૦૮માં બોલિવિયા પોલીસે એવો દાવો કર્યો કે એક બેંક રોબરી વખતે કેસિડી અને સનડેન્સ કિડ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, પણ એ કેસિડી અને સનડેન્સ કિડ જ હતા કે કેેમ તેના કોઈ ચોક્કસ પુરાવા આપવામાં પોલીસ નાકામ રહી હતી. તો શું બુચ કેસિડી અને સનડેન્સ કિડ ખરેખર માર્યા ગયા હતા?
                                                                             ***
૧૯૨૦માં વ્યોમિંગમાં રહેતા વિલિયમ ટી. ફિલિપ્સે એક પુસ્તક લખ્યું. જેનું નામ હતું, 'ધ ઇન્વિન્સિબલ બેન્ડિટ : ધ સ્ટોરી ઓફ બુચ કેસિડી'. આ પુસ્તકમાં ધ વાઇલ્ડ બંચની એવી એવી વાતો હતી જે માત્ર બુચ કેસિડી જ જાણતો હોય.
અમેરિકન લેખક અને સંશોધક લેરી પોઇન્ટરે કેસિડી પર ખાસ્સુ રિસર્ચ કર્યા પછી ૧૯૭૭માં એવો દાવો કર્યો હતો કે વિલિયમ ટી. ફિલિપ્સ જ ખરેખર બુચ કેસિડી હતો. પોઇન્ટરે 'ઇન સર્ચ ઓફ બુચ કેસિડી' નામનું પુસ્તક લખ્યું હતું. તેણે વિલિયમ ફિલિપ્સની એક તસવીર સાથે કેસિડીની તસવીરની સામ્યતા પણ દર્શાવી હતી.
કેસિડીની બહેન લુલા પાર્કરે 'બુચ કેસિડીઃ માય બ્રધર' નામનું પુસ્તક લખ્યું હતું. તેણે ૧૯૭૦માં એવો દાવો કર્યો હતો કે કેસિડી ૧૯૩૫ સુધી તેના પરિવારને મળવા આવતો હતો. વિલિયમ ફિલપ્સનું ૧૯૩૭માં ૭૧ નિધન થયું હતું. શું આ વિલિયમ ફિલિપ્સ જ કેસિડી હતો?  આ રહસ્ય પર આજ સુધી પડદો રહ્યો છે.
                                                                          ***
1969માં અમેરિકન ફિલ્મ ડિરેક્ટર જ્યોર્જ રોય હિલે 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' નામની ફિલ્મ બનાવી હતી. 2003માં આ ફિલ્મને લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે નેશનલ ફિલ્મ રજીસ્ટ્રીમાં સ્થાન આપ્યું હતું. અમેરિકન ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટે 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' ફિલ્મને 100 યાદગાર અમેરિકન ફિલ્મ્સના લિસ્ટમાં 73મો ક્રમ આપ્યો હતો.
'ધૂમ-3'માં આમિર ખાનનું પાત્ર બુચ કેસિડીથી પ્રભાવિત હતું. દેખાવથી લઈને બેંક ચોરીના કિસ્સા સુધી આમિરના પાત્રનું કેરેક્ટર બુચ કેસિડીના આધારે બનાવાયું હતું. 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' ફિલ્મના અમુક ફાઈટસીન ભારતની ઓલટાઈમ ક્લાસિક ગણાતી ફિલ્મ 'શોલે' સાથે ય સામ્યતા ધરાવે છે!
બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ ફિલ્મમાં બુચ કેસિડી બનેલા પૌલ ન્યૂમેન અને સનડેન્સ કિડ બનેલા રોબર્ટ રેડફોર્ડ

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -