Posted by : Harsh Meswania Sunday, 25 May 2014


નિવૃત્ત થયેલા વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પ્રધાનમંત્રી નિવાસ છોડતા પહેલા તેમને મળેલી કેટલીક ગિફ્ટ્સ તોશાખાનામાં જમા કરાવી દીધી. આપણાં તોશાખાનામાં શું શું પડયું છે? કોણે કઈ વસ્તુ આપી છે? તોશાખાનામાં જમા થતી સોગાતોનું લાંબાંગાળે શું કરવામાં આવે છે?

વિદેશમંત્રાલયની રખેવાળી હેઠળ દિલ્હીની ઈમારતના ત્રણ ઓરડાંમાં વિવિધ મૂલ્યવાન વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવી છે. જે તે વસ્તુ ક્યાંથી-ક્યારે-કોણે-કોને આપી હતી તેની વિગતો પણ સાથે જ લખવામાં આવી છે. બહાર શોકેસમાં સમાવી શકાય એનાથી ઘણી વધારે વસ્તુઓ હાજર છે, પણ જગ્યાના અભાવે કેટલીક મહત્ત્વની વસ્તુઓને જ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. રશિયાના પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતિને આપેલું રશિયન રાજા ઝાર નિકોલસ બીજાનું પેઇન્ટિંગ અને તેમણે ૧૮૯૦-૯૧માં કરેલી ભારતયાત્રાની વિગતો તેમજ ૧૬મી સદીમાં ભારતમાં ચલણી હોય એવા સિક્કાઓ પણ અહીં જોવા મળે છે. તો ભૂતાનના રાજાએ આપેલું લગભગ દોઢેક લાખ રૃપિયાની કિંમતનું ૪૦ ઈંચનું એલસીડી ટીવી પણ એ જ ઓરડાંમાં રખાયું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આપેલું કાર્પેટ, ગલ્ફમાંથી મળેલી બ્રાન્ડેડ ઘડિયાળ અને સોનાનો નેકલેસ. આ અને આવી લગભગ એકાદ હજાર મૂલ્યવાન ચીજ-વસ્તુઓનો ખજાનો અહીં રાખવામાં આવ્યો છે. આ ઓરડાંઓને તોશાખાના તરીકે ઓળખવામાં આવે છે.
રાજાશાહીમાં એક બહુ પ્રચલિત રિવાજ હતો કે રાજા-મહારાજને મળવા માટે કોઈ અન્ય દેશના રાજા-મહારાજા આવે અથવા તો કોઈ સંદેશો મોકલાવે ત્યારે સાથે નજરાણામાં રાજાને ગમતો ઉપહાર પણ મોકલાવે. રાજાને ઉપહાર બહુ પસંદ આવી જાય તો ઉપહાર સાથે મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી મળી જાય એવો સ્પષ્ટ આશય ઉપહાર આપવા પાછળનો હતો. રાજાશાહીમાં રાજા-મહારાજાઓને મળતા નજરાણાનું નવું સ્વરૃપ એટલે લોકશાહીમાં મંત્રી-અધિકારીઓને મળતી વિવિધ પ્રકારની સોગાતો. જ્યારે દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી કે અધિકારીઓ બીજા દેશની મુલાકાતે જાય અથવા અન્ય દેશના રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રી વગેરે આપણા દેશની મુલાકાતે આવે ત્યારે ભેટની આપ-લે થતી હોય છે. આપણે ઘણી વખત વાંચતા-સાંભળતા પણ હોઈએ છીએ કે અમુક દેશના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને ત્યાંની બહુ પ્રચલિત વસ્તુ ભેટમાં આપી અને સામે ભારતના વડાપ્રધાને પણ ભારતની ઓળખ સમી અમુક વસ્તુ તેમને ભેટ ધરી. આ ભેટની આપ-લે તેમના ખાનગી સંબંધોને કારણે નથી થતી, પણ એક-મેકના દેશના પ્રતિનિધિ તરીકે થાય છે એટલે તેમને મળેલી ગિફ્ટ પર પણ તેમનો અધિકાર હોતો નથી એ સ્વાભાવિક વાત છે.
સામાન્ય લોકોને મળતી ગિફ્ટમાં અને દેશના સત્તાધીશોને મળતી ગિફ્ટમાં ફરક એટલો છે કે લોકોને મળેલી ગિફ્ટ તેમની પોતાની છે જ્યારે સત્તાધીશોને સત્તાવાર મળેલી ગિફ્ટ દેશની છે. એટલે આ ગિફ્ટને લઈને એક કાયદો બન્યો છે એ મુજબ દેશના નેતા-અધિકારીઓને તેમની સત્તાવાર વિદેશ મુલાકાત વખતે મળતી સોગાતો અને ભારતમાં વિદેશી મહેમાનોની સત્તાવાર મુલાકાત વખતે મળતી સોગાતો જે-તે નેતા કે અધિકારીઓ પોતાની પાસે રાખી શકતા નથી. તેમણે એ ગિફ્ટ્સ તોશાખામાં જમા કરાવવી પડે છે. પણ એ ગિફ્ટ પોતાની પાસે રાખવા માટે ય કાયદામાં જોગવાઈ છે.
                                                                        ***
નિવૃત્ત થયેલા વડાપ્રધાને પોતાને મળેલી સોગાતોમાંથી કેટલીક વસ્તુઓ પોતાની પાસે રાખી હતી. ૨૫૦૦ રૃપિયાની કિંમતનો એક ક્રોકરી સેટ તેમણે પોતાની પાસે રાખ્યો હતો. ૪૬૦૦ રૃપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતું કાર્પેટ, ૩ હજારની કિંમતનો એક મેટાલિક સેટ, ૪૮૦૦ રૃપિયાનો વૂડન સેટ અને એના જેટલી જ કિંમતનો શોપીસ. મનમોહન સિંહે આઠ-દસ ગિફ્ટ્સ પોતાની પાસે રાખી અને એ તમામની કિંમત માંડ પાંચ હજાર થવા જતી હતી. એક રીતે પોતાને સત્તાવાર મળેલી ગિફ્ટ્સ મનમોહન સિંહ પોતાની પાસે રાખી શકે નહીં, પણ તેમ છતાં તેમણે આ સોગાતો પોતાની પાસે રાખી હતી અને તેનો એક પણ રૃપિયો તેમણે તોશાખાનાને ચૂકવવાનો થતો નથી. આવું કેમ?
જવાબ થોડો વિસ્તારથી સમજવો પડે તેમ છે. કાયદાની જોગવાઈ છે એ મુજબ ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારીને જે તે ગિફ્ટ પોતાની પાસે રાખવી હોય તો તેની માર્કેટ પ્રાઇઝ તોશાખાનાને આપી દેવાની હોય છે. એના માટે તેને ૩૦ દિવસનો વિચારવાનો સમય પણ આપવામાં આવે છે. તોશાખાનાની ગિફ્ટને બે પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક એવી ગિફ્ટ કે જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. એટલે કે અમૂલ્ય ગિફ્ટ. જ્યારે બીજા પ્રકારમાં એવી ગિફ્ટનો સમાવેશ કરાયો છે જેની બજાર કિંમત નક્કી કરી શકાય છે. જેની માર્કેટ વેલ્યુ નક્કી કરી શકાતી હોય એવી વસ્તુઓ ગિફ્ટ મેળવનારા પોતાની પાસે રાખી શકે છે. ધારો કે અમેરિકા ચંદ્રની માટી આપણા વડાપ્રધાનને ભેટ આપે તો તે એની કોઈ કિંમત આંકી શકાય નહીં એટલે તે તોશાખાનાની શાન બની રહે છે, પણ જો બ્રાન્ડેડ ઘડિયાળ કે જ્વેલરી આપે તો તેની કિંમત આંકી શકાય છે એટલે તેની બજાર કિંમત ચૂકવીને ગિફ્ટ મેળવનારા મંત્રી-અધિકારી તેને પોતાની પાસે રાખી શકે છે. અથવા લાંબાંગાળે હરાજી થાય ત્યારે પણ આવી ચીજ-વસ્તુઓને વેંચવા કાઢવામાં આવે છે. 
આવી જ રીતે બે દશકા પહેલા એક હરાજીમાં તોશાખાનાની ઘણી ખરી વસ્તુઓ વેંચી નાખવામાં આવી હતી. હવે ફરીથી એકાદ હજાર વસ્તુઓ એકઠી થઈ છે. ગત વર્ષે તોશાખાનામાં જમા થયેલી ગિફ્ટમાં સૌથી વધુ ૫૪ ગિફ્ટ મનમોહન સિંહે જમા કરાવી હતી. ત્યાર બાદ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનો ક્રમ આવતો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ૧૦ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ૯ અને પી. ચિદમ્બરમ્ે ૭ ગિફ્ટ જમા કરાવી હતી. દિલ્હીના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે ૨૦૧૧માં આરટીઆઈથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે 'ઘણા ખરા મંત્રીઓ-અધિકારીઓ ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી. કેબિનેટના ટોચના ૧૨-૧૫ મંત્રીઓને બાદ કરતા બાકીના બધા પોતાને મળેલી ગિફ્ટની નોંધ સુદ્ધાં તોશાખાનામાં નથી કરાવતા.'
હવે પ્રશ્ન એ થાય કે તો શું મનમોહન સિંહે પોતાની પાસે  અમુક ઉપહાર રાખીને કાયદાનો ભંગ કર્યો છે? જવાબ છે ના. કારણ કે, કાયદામાં એક એવી જોગવાઈ પણ છે કે કેબિનેટ મિનિસ્ટર્સને મળેલી પાંચ હજારથી ઓછી કિંમતની ગિફ્ટ્સ તોશાખાનાને કશું જ ચૂકવ્યા વગર તે પોતાની પાસે રાખી શકે છે, પણ હા, તોશાખાનામાં એક વખત એ ગિફ્ટ જમા તો કરાવવી જ પડે છે. અધિકારીઓ માટે આ મર્યાદા ત્રણ હજાર રૃપિયાની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મોટા ભાગના અધિકારીઓ ત્રણ હજારથી નીચેની ગિફ્ટ તોશાખાનામાં જમા કરાવતા જ નથી અને નેતાઓ પણ પાંચ હજારથી નીચેની ગિફ્ટ ભાગ્યે જ તોશાખાનામાં આપે છે.' લાખો-કરોડોના કૌભાંડો કરતા નેતાઓ પાંચ હજારની મામૂલી રકમનો ઉપહાર સેરવી લેવાનું  પણ ચૂકતા નથી એ કેવું વિચિત્ર કહેવાય!

ભારત-પાકિસ્તાન વચ્ચે વાટકી વહેવાર!
અમુક સિઝનમાં એકમેકથી દૂર રહેતા સગાંઓ એકબીજાને ખાસ વાનગીઓ મોકલતા હોય છે. આવું જ નેતાઓ પણ કરતા હોય છે. સામાન્ય રીતે સત્તાવાર ગિફ્ટ્સમાં દેશની ઓળખ સમી કોઈ વસ્તુ જ અપાતી હોય છે, પણ ઘણી વખત અપવાદરૃપ કિસ્સાઓમાં દેશના ફળો કે વાનગી પણ મોકલાતી હોય છે. ભારતને પોતાના પાડોશી પાકિસ્તાન સાથે પણ આવો જ વાનગીનો વાટકી વહેવાર છે. ૨૦૦૨માં પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર મંત્રણા માટે આવ્યા ત્યારે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે પાકિસ્તાનથી પ્રખ્યાત કેરી લઈ આવ્યા હતા. એ કેરીના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ કેરી તો નહોતી આપી, પણ પછી એ કેરીનો બદલો વાળતા હોય એમ વાજપેયીના અનુગામી વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૧૦માં યુસુફ રઝા ગિલાની માટે ૨૦ કિલોનું કેરીનું બોક્સ પાકિસ્તાન મોકલ્યું હતું.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -