- Back to Home »
- Sign in »
- પ્રથમ પ્રયત્ને ભારત મંગળ પર પહોંચશે?
Posted by :
Harsh Meswania
Sunday, 21 September 2014
૨૪મીએ ભારતનું મહાત્વાકાંક્ષી મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે તો ભારત એક સાથે અનેક વિક્રમો પર નામ નોંધાવી દેશે. મંગળ સુધી પહોંચનારો પ્રથમ એશિયન દેશ, વિશ્વની માત્ર ચોથી સંસ્થા અને પ્રથમ પ્રયત્ને અચૂક નિશાન ભેદવાની અનોખી સિદ્ધિ તો ખરી જ...
એ ૨૧ તસવીરો આગામી ૨૧મી સદીને નવી દિશા આપવાની હતી અને એટલા માટે જ તે ખૂબ મહત્ત્વની બની રહેવાની હતી. ફોટોગ્રાફી અને ફિલ્મોમાં આવેલા રંગીન પરિવર્તનના એ સંગીન પ્રારંભિક દિવસોમાં પેલી ૨૧ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોએ સંશોધકોની કલ્પનાઓને નવો રંગ આપવાનું મહામૂલું કામ કર્યું હતું. એ તસવીરો તેમના માટે દુનિયાની કોઈ પણ ચીજ-વસ્તુ કરતા મૂલ્યવાન હતી અને હોવી ય જોઈએ. કારણ કે એ તસવીરોએ વિશ્વને પ્રથમ વખત ખરા અર્થમાં નવી દુનિયા બતાવી હતી. સામાન્ય કેમેરાની મદદથી અસામાન્ય સ્થિતિમાં લેવાયેલી એ તમામ ૨૧ તસવીરો પરલોકમાંથી પૃથ્વી ઉપર આવી હતી અને એ ઘટના પૃથ્વીવાસીઓ માટે સાવ નવી હતી. પહેલી વખત બીજી દુનિયાની તસવીરો પૃથ્વી સુધી પહોંચી હતી અને એટલે તે અનેકગણી મૂલ્યવાન હતી.
જેના કારણે પૃથ્વી સિવાયની બીજી દુનિયાના શોધ-સંશોધનનું પોષક-પ્રેરક-પ્રોત્સાહક વાતાવરણ બનવાનું હતું એ ૨૧ તસવીરો નાસાના ઓરબિટ અવકાશ યાન મરિનર-૪ દ્વારા મોકલાયેલી મંગળની સપાટીનો 'આંખે દેખ્યો અહેવાલ' હતો. મંગળ વિશેની કપોળ-કલ્પિત ધારણાઓથી વિપરિત નરી વાસ્તવિકતાનો એ પ્રથમ માનવસર્જિત દસ્તાવેજ હતો.
* * *
૧૯ મે, ૧૯૬૪ના દિવસે અમેરિકન અવકાશી સંશોધન સંસ્થા નાસાએ રવાના કરેલું મરિનર-૪ મંગળ ઉપર ૧૫ જૂન, ૧૯૬૫ના રોજ પહોંચીને પોતાની કામગીરી સફળતાપૂર્વક શરૃ કરે એ પહેલા રશિયાના પાંચ અને નાસાના એક મળી મંગળ સુધી પહોંચવાના કુલ છ નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા. આ એ વખતનો સમયગાળો હતો જ્યારે હજુ માનવીને ચંદ્ર ઉપર પગ મૂકવાનો બાકી હતો અને રશિયા-અમેરિકા વચ્ચે અવકાશમાં આધિપત્ય સ્થાપવાની કશ્મકશ તેના મધ્યાહને પહોંચી ચૂકી હતી. ૧૯૭૦ સુધીમાં રશિયાએ વધુ પ્રયાસો શરૃ રાખ્યા. રશિયાને સફળતા મળે એ પહેલા નાસાએ સફળતાનું સાતત્ય જાળવી રાખીને મરિનર-૬ અને મરિનર-૭ને મંગળ સુધી પહોંચાડીને પોતાની કુશળતાને ધાર આપી દીધી હતી. દશકો પૂરો થાય એ પહેલા જ નાસાએ નીલ આર્મસ્ટ્રોંગના પગલા મારફતે ચંદ્ર ઉપર પણ પોતાની હયાતિની અમિટ છાપ છોડી દીધી હતી.
પ્રથમ પ્રયાસ તો રશિયાએ છેક ૧૦ ઓક્ટોબર, ૧૯૬૦ના દિવસે 'માર્સ' નામનું મિશન શરૃ કર્યું ત્યારથી થયો કહેવાય, પણ અમેરિકાને હરિફાઈ આપવાની ઉતાવળમાં રશિયાને સફળતા મળી તેના ૧૧ વર્ષના પ્રયત્નો પછી! રશિયાનું મહાત્વાકાંક્ષી મિશન માર્સ-૨ મંગળ ઉપર જઈને પોતાની કામગીરીને અંજામ તો ન આપી શક્યું, પરંતુ તેના નામે મંગળની સપાટી ઉપર પહોંચનારા માનવસર્જિત પ્રથમ પદાર્થ તરીકેનું સન્માન જરૃર નોંધાઈ ગયું. ડસ્ટ અને નબળા વાતાવરણને કારણે તે તેના સમકાલિન નાસાના મરિનર-૯ની લગોલગ કામ કરી શક્યું નહીં, પણ મંગળ ઉપર જઈને તૂટી પડયું અને તેના માથે નિષ્ફળતાનું લેબલ લાગી ગયું.
ધાર્યા પ્રમાણેનું કામ કરનારા પ્રથમ અવકાશ યાનનું શ્રેય મરિનર-૯ને આપવું રહ્યું. આ યાને ૭૦૦૦ તસવીરો સાથે મંગળના ઘણા ખરા ભાગને અને તેની આંતરિક રચનાને સમજવામાં ભાગ ભજવ્યો હતો. મજાની વાત એ છે કે રશિયાના માર્સ-૨થી ૧૧ દિવસ પછી મોકલાયેલું આ યાન તેના કરતા ૧૩ દિવસ વહેલું પહોંચડવામાં નાસાના વિજ્ઞાાનિકોને સફળતા મળી હતી. રશિયા-અમેરિકા વચ્ચે અંતરિક્ષની હોડના એ દિવસોમાં મરિનર-૯એ નાસાના કોલર ઊંચા કરાવી દીધા હતા.
રશિયાએ બીજા ચાર વર્ષમાં ચાર યાન મોકલીને મહેનત ચાલુ રાખી એ દરમિયાન નાસાએ કોઈ જ પ્રયાસો ન કર્યા. ચાર વર્ષના વિરામ બાદ નાસાએ વિકિંગ-૧ નામનું ઓરબિટ અને પ્રથમ લેન્ડર (ભ્રમણકક્ષામાં ફરવાની સાથે સપાટી ઉપર ઉતરાણ કરીને જરૃરી સંશોધન કરે તેવું) યાન ૨૦ જુલાઈ ૧૯૭૬ના દિવસે સફળતાપૂર્વક મંગળ ઉપર ઉતાર્યું. એટલું જ નહીં, તેના એક માસ પછી સપ્ટેમ્બરમાં એવા જ પ્રકારના વિકિંગ-૨નો મંગળની સપાટી સુધી સ્પર્શ કરાવ્યો એ સાથે જ નાસાની અવકાશ ક્ષેત્રની શાખ પણ આસમાનની ઊંચાઈઓને સ્પર્શી ચૂકી હતી. આ બંને યાને મંગળને સમજવા માટે લગભગ ૫૦ હજાર તસવીરો નાસાને મોકલી આપી હતી. અત્યાર સુધીનું સંશોધન મંગળની ભ્રમણકક્ષા સુધી સીમિત રહ્યું હતું જે હવે સપાટી સુધી લંબાયું હતું. જોકે, અચાનક નાસાએ મંગળ ઉપરના મિશનો બંધ કર્યા હતા. સ્પેસ સાયન્સમાં આધિપત્ય સ્થાપી દીધા પછી નાસાએ મંગળ મિશન ઉપર રોક લગાવી સાથે સાથે રશિયાએ પણ લાંબો વિરામ લીધો. ૧૯૮૮થી ૧૯૯૬ સુધીમાં વળી રશિયા-અમેરિકાએ મંગળયાનના છૂટા છવાયા નિષ્ફળ પ્રયાસો કરી લીધા હતા. ૧૯૯૬માં નાસાએ માર્સ ગ્લોબલ સર્વેયરને ભ્રમણકક્ષામાં છૂટું મૂક્યું અને તેની પાસેથી સાત વર્ષ સુધી કામ લીધું. એ દરમિયાન ૬ પૈડાવાળું પાથફાઇન્ડર (આ યાન રોવર પ્રકારનું હતું કે જે સપાટી ઉપર ભ્રમણ કરીને સપાટીનો ઊંડાણપૂર્વકનો અહેવાલ મોકલી શકતું હતું) મંગળની સપાટી પર મોકલાયું. તેની સાથે છેલ્લે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૭ના દિવસે સંપર્ક થયો હતો. પછીથી તેનો સંપર્ક નથી થયો, પણ તેના સપાટી અંગેના અહેવાલો સંશોધન માટે દિશાસૂચક બની રહ્યાં. ૨૦મી સદીના એ છેલ્લા વર્ષોમાં અમેરિકા, જાપાન, રશિયા સહિત પાંચેક યાને મંગળ સુધી પહોંચવા ઉડાન ભરી હતી, પણ તમામને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો. એમ તો ચીનને પણ ૨૧મી સદીના પ્રથમ દશકામાં પ્રયાસ કરીને નિષ્ફળતાનો ખારો સ્વાદ ચાખવો પડયો હતો. નાસાએ ઓગસ્ટ ૨૦૦૭માં ફોએનિક્સ માર્સ લેન્ડરે મંગળ ઉપર પહોંચાડયું હતું. બે વર્ષ સુધી નિયત કામગીરી કરીને ૨૪ મે, ૨૦૧૦માં નિવૃત્તિ જાહેર કરી દીધી હતી! છેલ્લે નાસાના માર્સ ઓડિસી, સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી, એમઆરઓ અને ફોએનિક્સ તેમજ યુરોપિયન યુનિયનના માર્સ એક્સપ્રેસને મંગળ યાત્રામાં સફળતા મળી હતી.
* * *
પાંચ મંગળ યાન અત્યારે એક્ટિવ છે. ભારતનું માર્સ ઓરબિટ મિશન (એમઓએમ) અને એમેરિકાનું માવેન રસ્તામાં છે.
માવેન સંભવતઃ ૨૧મી સપ્ટેમ્બર (આજે) તે મંગળના વાતાવરણમાં પહોંચશે. ભારતના મંગળયાનની જેમ નાસાનું આ માવેન યાન પણ ઓર્બિટર છે. નાસાએ તેને મંગળના વાતાવરણનો અભ્યાસ કરવાનું કામ સોંપ્યું છે.
મંગળ ઉપર અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા, યુરોપિયન સંઘ ઉપરાંત ચીન, જાપાનના છૂટાં છવાયા મળીને કુલ ૪૦ જેટલા અંતરિક્ષ યાનો મોકલાયા છે. જેમાંથી ૨૩ યાનો નિષ્ફળ નિવડયા છે. રશિયા આ બાબતે સૌથી કમનસીબ પૂરવાર થયું છે. મંગળ ઉપર સંશોધનનો સિલસિલો રશિયાએ શરૃ કર્યો હતો, આજે ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ચૂક્યો હોવા છતાં તે નાસાની તુલનાએ મંગળ વિશે ખાસ સફળ થયું નથી. આજે મંગળ ઉપર પાંચ એક્ટિવ પ્રોજેક્ટ્સ છે અને એમાં એકેય રશિયાનું નથી.
જો ભારત પ્રથમ પ્રયાસે મંગળ ઉપર પહોંચી જશે તો ચીન-જાપાનને પાછળ રાખીને એશિયાનો પ્રથમ દેશ બની જશે. આ એક જ સિદ્ધિ નથી, અમેરિકા, રશિયા અને યુરોપિયન સંઘ પછી મંગળ સુધી પહોંચનારી ચોથી મોટી શક્તિ તરીકે પણ પ્રસ્થાપિત થશે. આ સિવાયની સૌથી મોટી સફળતા એ પણ નોંધવી રહી કે પ્રથમ ઘાએ નિશાન ભેદી શકાય તો વિશ્વનો એકમેવ દેશ બનશે, જેણે પહેલી જ વખતમાં ધારી સફળતા મેળવી હોય. લેટ્સ હોપ, મંગળયાનની યાત્રા મંગળમય હશે!
મંગળ શા માટે?
પૃથ્વીની જેમ જે ગ્રહો ઉપર માનવજીવન શક્ય છે એના સંશોધનમાં મંગળ સૌથી નજીક માનવામાં આવે છે. ડ્રાય સપાટી, પૃથ્વીની જેમ મૌસમની શક્યતા, હવામાન, ખીણ જેવી ઘણી બાબતોના કારણે મંગળ અવકાશી સંશોધન કરતી સંસ્થા માટે વધુ મહત્ત્વનો અને રસ જગાવતો ગ્રહ રહેતો આવ્યો છે. એ જ કારણ છે કે મંગળ ઉપર મહત્ત્વના બધા દેશોને નવું નવું જાણવાની સતત ઉત્સુકતા રહે છે. માનવ જીવન શક્ય હોય એવી શક્યતા અન્ય ગ્રહો કરતા મંગળ ઉપર વધુ સતેજ મનાય છે. ત્યાં અબજો વર્ષો પહેલા પાણી હોવાની શક્યતા સંશોધકોને લાગે છે. કેમ કે, નદી-નાળાના ચિન્હો પણ જણાયા છે. પૃથ્વી સાથે ઘણી બધી રીતે સરખા મંગળ ગ્રહ વિશે એટલે જ પૃથ્વીના સંશોધકોને વધુ ઉત્સુકતા અને રસ જળવાઈ રહ્યાં છે. જો માણસ મંગળ ઉપર વસવાટ કરે તો તેનું એક વર્ષ પૃથ્વીના બે વર્ષ બરાબર થાય. કેમ કે, મંગળનું એક વર્ષ ૬૮૭ દિવસે થાય છે.
મંગળમય રીતે સક્રિય પંચ
માર્સ ઓડિસીઃ ૨૪ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે નાસાએ માર્સ ઓડિસીને ઓરબિટ પર પહોંચાડયું હતું. એ ૨૦૦૪માં તેનું કામ પૂર્ણ કરે તેમ હતું, પણ ઉમ્મિદથી વધારે તેણે નાસા માટે ઘણા વર્ષો એક્ટિવ રહ્યું. તેના નામે સૌથી વધુ સમય માટે કામ કરવાનો વિક્રમ બોલે છે. આજેય તે કાર્યરત છે.
ઓપોર્ચ્યુનિટી : ગોલ્ફ કાર્ટની સાઇઝનું નાસાનું માર્સ એક્સપ્લોરેશન રોવર એટલે કે ઓપોર્ચ્યુનિટી યાન જાન્યુઆરી ૨૦૦૪માં મંગળ ઉપર લેન્ડ થયું હતું. તેની પાસેથી ૯૦ દિવસ સુધી કામ લેવાની ધારણા હતી, પણ તે લાંબાં ગાળા સુધી કાર્યરત રહ્યું હતું. ૨૦૧૩ના ફેબુ્રઆરી માસ સુધીમાં તેણે મંગળની સપાટી ઉપર ૩૫. ૫૮ કિલોમીટરની સફર ખેડી નાખી હતી.
માર્સ એક્સપ્રેસ : ધ યુરોપિયન સ્પેસ એજન્સીએ (ઈએસએ) માર્સ એક્સપ્રેસ યાન મંગળ પર ૩ જૂન, ૨૦૦૩ના દિવસે રવાના કર્યું હતું. દુર્ભાગ્યે પહોંચ્યા પછી તેનો સંપર્ક સેતુ ખોરવાઈ ગયો હતો. મજાની વાત એ છે કે ઓર્બિટર માર્સ એક્સપ્રેસ સાથે ૨૦૦૫માં ઈએસએનો સંપર્ક થઈ શક્યો હતો અને તેના થકી ઈએસએને હાઈ રિઝોલ્યુશન ધરાવતી કેટલીક તસવીરો પણ પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી તે એકાએક વ્યવસ્થિત કામ કરતું થયું હતું અને હજુ ય કામ કરે છે.
માર્સ રિકોન ઓર્બિટર (એમઆરઓ) : નાસા દ્વારા ૨૦૦૫માં મોકલાયા પછી તેણે મંગળ વિશે બનતી પુષ્કળ માહિતી નાસા સુધી પહોંચાડી હતી. મંગળના વાતાવરણની અને રેડિએશનની વિગતો એમઆરઓ દ્વારા મળી હતી. જોકે, એમઆરઓ પાસેથી મળેલી માહિતી નાસાએ બહુ જાહેર કરી નથી.
માર્સ સાયન્સ લેબોરેટરી (ક્યુરોસિટ) : આ રોવર યાન ૫ ઓગસ્ટ, ૨૦૧૨ના દિવસે મંગળ ઉપર લેન્ડ થયું હતું. અત્યાર સુધીના યાન ભ્રમણકક્ષા (ઓરબિટ) સુધી મોકલાતા હતા અથવા તો લેન્ડિંગ કરાતું હતુ. વળી, રોવર પ્રકારના યાન મોકલીને સપાટીનો અભ્યાસ કરાયો છે ખરો, પણ ક્યુરોસિટીના ભાગે સપાટીના અંતરના ભાગનો અભ્યાસ કરવાનું કઠિન કામ આવ્યું હતું. તેનો પ્રવાસ જ ખાડામાં લેન્ડિંગ કરીને થયો હતો. મંગળમાં જીવસૃષ્ટિ અને પાણી હોવાની અવકાશ સંશોધકોની જે ધારણા હતી તેને ક્યૂરોસિટીએ વધુ મજબૂત બનાવી છે. તેણે ૭૦ હજાર જેટલી તસવીરો મોકલી છે.