Posted by : Harsh Meswania Sunday, 7 September 2014

રશિયા અને અમેરિકાના નેતા વચ્ચે વિક્તોર સુખોડ્રેવ
જાપાનની યાત્રાએ ગયેલા વડાપ્રધાને મોટાભાગે હિન્દીમાં પ્રવચન કર્યું હતું. બે દેશોના નેતાઓ જ્યારે પોત-પોતાની ભાષામાં જ સંબોધન-વાર્તાલાપ કરવાનું વલણ અપનાવે ત્યારે દુભાષિયાની ભૂમિકા અતિ અગત્યની બની જતી હોય છે. રાજકીય નેતાઓના દુભાષિયા હોવું એટલે...

અમે તમારી કબર ખોદી નાખીશું!' આવું વાક્ય વાંચતા-સાંભળતાની સાથે જ રણમેદાનમાં સામ-સામે ઊભા રહીને એકમેકને પડકારતા દુશ્મનોનું દ્રશ્ય સહેજેય નજર સામે આવી જાય, પણ ખરેખર આ વાક્ય એક નેતાએ મંત્રણાના મંચ પર ઉચ્ચાર્યું હતું એવું કોઈ કહે તો? તો સ્વાભાવિક રીતે જ આશ્વર્યનો કોઈ પાર ન રહે કે આવું વાક્ય અને એ પણ મંત્રણાના મંચ પર! આવી ઘટના ખરેખર ૧૯૫૯માં બની હતી. એ કયા બે દેશો વચ્ચે બની હતી એ જો જાણીએ તો તો આશ્વર્ય એ બાબતે થાય કે ત્રીજું વિશ્વયુદ્ધ કઈ રીતે ટાળી શકાયું હશે! કેમ કે, આ વાક્ય રશિયન પ્રમુખ નિકિતા ક્રુશેવે અમેરિકામાં જઈને ઉચ્ચાર્યું હતું, એ ય પાછું શીતયુદ્ધના ગરમાવા વચ્ચે!
લેકીન, કિંતુ પરંતુ....આ વાક્ય નિકિતા બોલ્યા હતા ખરા, પણ તેમનો કહેવાનો અર્થ કંઈક જુદો હતો. વાત જાણે એમ હતી કે અમેરિકાની મુલાકાત દરમિયાન નિકિતાએ કહ્યું હતું કે સામ્યવાદ મૂડીવાદને ખતમ કરી નાખશે, (ટૂંકમાં આ મહાશય એમ કહેવા માંગતા હતા કે સામ્યવાદ મૂડીવાદ કરતા વધુ વખત ટકશે અને સ્વીકૃત બનશે!) પણ તેેમના દુભાષિયાએ રશિયનભાષામાંથી અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં સુધીમાં તેણે અમેરિકાની કબર ખોદી નાખી હતી! આ એક વાક્યના કારણે અમેરિકનોને નિકિતા ક્રુશેવ તોછડા લાગ્યા હતા અને અમેરિકન અખબારોએ આ ગુસ્તાખી બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. રશિયા પહોંચ્યા પછી તેમના દુભાષિયાની અનુવાદની આ ક્ષતિ સામે આવી હતી. જોકે, ત્યાં સુધીમાં મામલો થાળે પડી ચૂક્યો હતો.
આ આખી ઘટનામાં હજુ એક આશ્વર્ય બાકી છે. આ ગંભીર ભૂલ કરનારા માણસનું નામ હતું- વિક્તોર સુખોડ્રેવ. આપણા માટે આ નામ ભલે અજાણ્યું હોય, પરંતુ રાજકીય નેતાઓ વચ્ચે ભાષાંતરનું કામ કરતા વૈશ્વિક દુભાષિયાઓના આંતરિક વર્તુળોમાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. એટલું જ નહીં વિવિધ રાજદ્વારીઓ પણ તેમને સન્માનની દ્રષ્ટિએ જોતા હતા. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય સમજ એટલી ઉમદા હતી કે રશિયામાં કોઈ વિદેશી નેતાની સત્તાવાર મુલાકાત હોય કે રશિયન નેતાની મહત્ત્વની વિદેશ યાત્રા હોય, વિક્તોરની હાજરી અનિવાર્ય લેખાતી. નિકિતાથી લઈને મિખાઇલ ગાર્બાચોવ સુધીના રશિયન નેતાઓ માટે તેેમણે અસંખ્ય વિદેશ યાત્રાઓમાં અનુવાદકનું કામ કર્યું હતું. વિક્તોર જેવા ગણનાપાત્ર દુભાષિયાથી પણ આવી ગંભીર ભૂલ રહી જતી હોય તો એ કામ કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી અઘરી નથી.
આવો જ એક કિસ્સો અમેરિકન પ્રમુખ જિમી કાર્ટર સાથે પણ બન્યો હતો. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને હજુ તો માંડ થોડા મહિના થયા હતા ત્યારે તેમણે ૧૯૭૭માં પોલેન્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પ્રમુખના દુભાષિયા તરીકે એક રશિયન દુભાષિયાને રોકવામાં આવ્યો. તે રશિયનની સાથે પોલિશભાષા પણ જાણતો હતો. જોકે, તે રશિયનભાષાનો દુભાષિયો હતો પોલિશભાષા નહીં. એટલે તેણે પ્રમુખના અંગ્રેજીમાંથી જે પોલિશ ટ્રાન્સલેશન કર્યું એ ગંભીર છબરડાવાળું હતું. જેમકે, પ્રમુખ બોલ્યા કે 'જ્યારે હું અમેરિકા છોડીને પોલેન્ડ આવતો હતો ત્યારે મેં આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી'. પેલાએ એનો અનુવાદ કર્યો 'જ્યારે હું અમેરિકા ત્યાગી રહ્યો હતો ત્યારે મને તમારી લાલસા હતી!' આ વાક્યોને પકડીને પોલેન્ડ-અમેરિકા બંને દેશોના મીડિયામાં કાર્ટરની બરાબર ઠેકડી ઉડાડાઈ હતી.
આવો જ એક કિસ્સો ગયા વર્ષે ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલી આપવા ગયા ત્યારે તેમણે મંડેલાને સ્મરાંજલી આપતા કેટલાક શબ્દો કહ્યાં હતાં. જેને થામ્સાંકા જેન્ટજિ નામના આફ્રિકન દુભાષિયાએ અલગ રીતે રજૂ કર્યા હતા. જેને કારણે પછી આફ્રિકન સરકારને પણ ખૂલાસો આપવો પડયો હતો. થામ્સાંકા પર આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા વખતે ય જોવા મળ્યું કે કોઈ વિદેશી નેતા જ્યારે પોતાની ભાષામાં વકતવ્ય આપે ત્યારે એ વકતવ્યને તરત જ જે તે ભાષામાં ઢાળવાનું કામ કેટલું કૂનેહ માંગી લેતું હોય છે. વડાપ્રધાન મોદી એકાદ પેરેગ્રાફ જેટલું બોલીને અટકે એટલે તરત જ દુભાષિયાનું કામ શરૃ થઈ જાય! મોદીએ તેમના પ્રવચનમાં હિન્દીના કેટલાંક શબ્દો પ્રયોજ્યા તેનો તરત થયેલો અનુવાદ જોવા જેવો છેઃ 'દાયિત્વ'નું ઈંગ્લીશ ખરેખર તો લાયેબિલિટી થવું જોઈએ, પણ દુભાષિયાને સુજેલો શબ્દ હતો-કેરફૂલી. એ જ રીતે મોદીએ જાપાનમાં મળેલા માન-પાન માટે પોતાને 'સૌભાગ્યશાળી' ગણાવ્યા તો એનો તરજૂમો થયો 'આઈ એમ લકી!'. પણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાની બ્યુટીને સમજનારા દુભાષિયાએ આ શબ્દ માટે 'આઈ એમ પ્રિવિલેજ્ડ', 'આઈ ઓનર્ડ ટુ બી હીઅર' 'આઈ એડ્માઇયર ફોર ધીસ વિઝિટ' કે એવો કોઈક થોડો વધારે મજેદાર અર્થ કાઢ્યો હોત!  
બે દેશો વચ્ચેના ગંભીર કોમ્યુનિકેશનમાં એક એક શબ્દના યે અનેક અર્થ તારવવામાં આવતા હોય ત્યારે શબ્દોની હેરફેર ટાળીને, બોલનારી વ્યક્તિનો કહેવાનો મૂળ ભાવ જાળવી રાખીને એ જ ઘડીએ તરજૂમો કરવાનું કામ ધાર્યા કરતા અનેકગણું પડકારજનક છે અને એટલે આવી નાની મોટી ક્ષતિઓ સ્વાભાવિક પણ છે. આવી હ્યુમન એરર પાછળના કારણ અંગે તારણ કાઢતા વિશ્વના વિખ્યાત દુભાષિયાઓએ પોતાના વિચારો ઘણા પ્રસંગોએ વ્યક્ત કર્યા છે જે તેમના પ્રોફેશનના પડકારોને બખૂબી વાચા આપે છે.
અગાઉ જેનો ઉલ્લેખ થયો છે એ વિક્તોર સુખોડ્રેવ આ વર્ષે મે માસમાં ૮૧ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમણે એક વખત કહ્યું હતું કે 'એક તો ગંભીર પ્રકારના નીતિ વિષયક મુદ્દાઓની વાત થતી હોય અને એક કાને સાંભળ્યું જ હોય ત્યાં તરત જ બોલીને બીજી ભાષામાં શબ્દો વહેતા પણ કરવાના હોય છે. ખરેખર તો એક જ ભાષામાં બોલાયેલી વાતને તરત જ એ જ ભાષામાં બીજા શબ્દોમાં ઢાળવી હોય તો ય કપરું કામ છે ત્યારે આ તો આખી ભાષા જ બદલવાની છે. ત્યારે માહોલ જ એવો હોય છે કે દુભાષિયા દ્વારા બોલાતા શબ્દો કરોડો લોકોના ભવિષ્ય માટે કારણભૂત બનવાના હોય, એટલે એ રીતે ય સતર્ક રહેવું પડે છે. એક રીતે પોતાની ભાષામાં વાક્યો બોલતા નેતા કરતા દુભાષિયા દ્વારા બોલાતો અનુવાદ વધુ ઐતિહાસિક મૂલ્ય ધરાવતો હોય છે!'
ડો. બેનેફશેહ કેયનોસે ઈરાનના ચાર પ્રમુખો સાથે કામ કર્યું છે. ઈરાનની રાજકીય તાસિરથી બરાબર વાકેફ આ મહિલાએ એક વખત પોતાના કામ અંગે કહ્યું હતું કે દરેક પ્રમુખ અલગ અલગ માનસિકતા અને જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના કારણે તેમણે જે કહ્યું હોય એ પોતાની રીતે સાચું હોય, પણ તેનો સાર્વત્રિક અર્થ નીકળે ત્યારે વાત અલગ થઈ જતી હોય છે. કદાવર અને બોલકા રાજકીય નેતાઓના દુભાષિયા માટે આ બાબત જ સૌથી વધુ પડકારજનક છે.
ચીનના ડેંગ ઝિયાઓપિંગ સાથે કામ કરનારા વિક્ટર ગાઓનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં જ્યારે બંને નેતાઓ એક બીજા સાથે પોત-પોતાની ભાષામાં વાત કરતા હોય ત્યારે દુભાષિયાએ કરેલા અનુવાદનું મૂલ્ય વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય નીતિ જેવા ભારેખમ વિષય પર શબ્દોની જરાક પણ ચૂક થાય તો મંત્રણા પડી ભાંગવાની શક્યતા પણ ખૂબ પ્રબળ હોય છે. એ રીતે દુભાષિયાનું કામ માત્ર અનુવાદનું નથી, પણ જેમના માટે અનુવાદ કરવાનો છે એમની પોલિસી અને સ્વભાવથી પરિચિત હોવું અનિવાર્ય છે.
૧૮મી સદીના આરંભથી સત્તાવાર રીતે શરૃ થયેલી આ દુભાષિયાની સેવાઓનો ઈતિહાસ અને વર્તમાન ખૂબ રોચક છે. બે રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થતી હોય ત્યારે ગણ્યા-ગાંઠયા લોકો હોય છે કે જેને ખરેખર શું વાતચીત થઈ એની જાણકારી હોય છે. એમાં દુભાષિયાનો પણ સમાવેશ થાય છે. હ્યુમન એરરની વાત બાજુ પર રાખીએ તો એવા ય કિસ્સા નોંધાયા છે જેમાં બે દેશના સત્તાધિશો વચ્ચેની શાબ્દિક ઉગ્રતાને ખાળવામાં દુભાષિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. જેમ કે, વિક્ટર ગાઓએ નોંધ્યું છે એમ એક વખત ડેંગની અમેરિકા મુલાકાત વખતે (ડેંગ પ્રાદેશિક ઉચ્ચારણો બોલવામાં માહેર હતા અને તેની ચાઇનિઝભાષા પણ એવી જ પ્રાદેશિક ઉચ્ચારણોથી ભરપૂર રહેતી) તેમણે અમેરિકાના વલણ બાબતે જે શબ્દો કહ્યાં એને અમેરિકન દુભાષિયાએ અલગ રીતે સમજાવ્યા એટલે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વોલ્ટર મોન્ડેલ ભડક્યા. વિક્ટરે આખી વાતનો દોર હાથમાં લઈને વોલ્ટરને સમજાવ્યા પછી તેમણે ડેંગ સામે જોઈને સ્મિત આપ્યું!
ડો. બેનેફશેહ કેયનોસના ઓબ્ઝર્વેશન પ્રમાણે જ્યારે બે મોટા ગજાના નેતાઓ વાતચીત કરતા હોય ત્યારે તેમની વચ્ચે વારેવારે ઈગોનો ટકરાવ થતો રહેતો હોય છે. દ્વિપક્ષીય વાર્તાલાપમાં પોત-પોતાની ભાષામાં તક મળે તો ટોણો મારવાનું ન ચૂકતા નેતાઓના દુભાષિયા જાણી જોઈને આવી બધી બાબતોને ટાળી દેતા હોય છે. દુભાષિયાને અનુવાદ માટે જરૃરી શબ્દો શોધીને કામ નથી ચલાવવાનું હોતુ, પણ વિચારોનો અર્થ પારખીને પ્રગટ કરવાનો હોય છે. જો એમાં ઉણા ઉતરે તો થામ્સાંકા જેવી નોબત પણ આવી શકે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -