Archive for April 2022
ઈમેન્યુઅલ મેક્રોં : એવા નસીબદાર રાજનેતા જેમણે પ્રમુખપદ સિવાય ક્યાંય પાંચ વર્ષ કામ કર્યું નથી
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
સલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો લેવાની મોકળાશ હોય એવો ખુદનો રાજકીય પક્ષ બનાવવો અને ૪૦ વર્ષે લિબર્ટી માટે જગતના નકશામાં અલગ તરી જતાં દેશના પ્રમુખ બનીને રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવો - આ છે ઈમેન્યુઅલ મેક્રોંની ડ્રીમ જર્ની.
ઈમેન્યુઅલ મેક્રોં. આ માણસની કારકિર્દીનો ગ્રાફ ફિલ્મની સ્ટોરી જેવો અણધાર્યો છે. ફ્રાન્સના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો તેજસ્વી છોકરો પેરિસની જગવિખ્યાત સાયન્સ ઈન્સ્ટિટયૂટ ઈએએસમાં પ્રવેશ ન મળવાના કારણે પેરિસ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં ડિગ્રી મેળવે છે. ૨૧-૨૨ વર્ષની ઉંમરે ફ્રાન્સના જાણીતા ફિલોસોફર પૌલ રિકોનરના સહાયક બનીને મેગેઝીનનું સંપાદન સંભાળે છે. પબ્લિક અફેર્સમાં માસ્ટર્સ કર્યા બાદ ૨૬ વર્ષની વયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને સરકારના નાણામંત્રાલય હેઠળ આવતા ઓડિટ વિભાગમાં અધિકારી બને છે. ૨૯મા વર્ષે ફ્રાન્સની ટોચની મહિલા સાહસિક લોરેન્સ પ્રિસોટ તેમની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ ઓફર કરે છે, પરંતુ એ નકારીને મેક્રોં ૩૧મા વર્ષે સરકારી નોકરી મૂકીને ઈન્વેસ્ટમેન્ટ બેંકર બની જાય છે.
રોથ્સચિલ્ડ એન્ડ કંપનીમાં તોતિંગ પગારની નોકરી કરે છે અને ત્રણ જ વર્ષમાં ૩૦ લાખ ડોલરની કમાણીથી ધનવાન યુવાનોના લિસ્ટમાં નામ નોંધાવે છે. ત્રણેક વર્ષમાં એ નોકરી છોડીને મલ્ટિનેશનલ કંપની અવરિલના સીઈઓ ફિલિપી ટિલોસના સલાહકાર બને છે. સાથે સાથે એ જ અરસામાં રાજકીય સક્રિયતા પણ વધારે છે. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાન્સિકો ઓલાન્દેથી પ્રભાવિત થઈને સોશિયલિસ્ટ પાર્ટીમાં જોડાય જાય છે. ખાનગી નોકરીઓ દરમિયાન રાજકીય મહાત્વાકાંક્ષા જાહેર કરીને સોશિયલિસ્ટ પાર્ટીમાંથી સાંસદની ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે, પરંતુ પાર્ટીએ ઉમેદવાર ન બનાવ્યા એટલે ખાનગી નોકરી ચાલુ રાખે છે.
૨૦૧૨માં સોશિયલિસ્ટ પાર્ટીના ફ્રાન્સિકો ઓલાન્દે પ્રમુખ બન્યા. ઓલાન્દેની સરકારમાં ઈમાન્યુઅલ મેક્રોંને અર્થતંત્ર અને ઉદ્યોગમંત્રીની જવાબદારી મળી ત્યારે તેમની ઉંમર માત્ર ૩૭ વર્ષ હતી. એ વખતે મેક્રોં ફ્રાન્સની સરકારમાં સૌથી યુવા મંત્રી હતા. તેમણે ફ્રાન્સના ઈન્ડસ્ટ્રિયલ કલ્ચરમાં ઘણાં પરિવર્તનો કયાંર્. સપ્તાહમાં કામના ૩૭ કલાકમાંથી ૩૫ કલાક કરવા ઉપરાંત બિઝનેસ-ફ્રેન્ડલી રિફોર્મ્સ પણ લાવ્યા. તેમનું યુરોપિયન સંઘ તરફી સ્પષ્ટ વલણ હોવાથી ફ્રાન્સમાં તેમની લોકપ્રિયતા વધતી જતી હતી. ૨૦૧૫માં તેમણે જાહેરાત કરી કે એ હવે સોશિયલિસ્ટ પાર્ટીના સભ્ય નથી, સ્વતંત્ર રાજકારણી છે. તેમણે એ અરસામાં સ્વતંત્ર વિચારધારા વિકસાવવા તરફ ધ્યાન આપ્યું. ટીવી શો કરીને લોકોના ઓપિનિયન મેળવ્યા. ફ્રાન્સના મીડિયાએ મેક્રોંને દેશનું ભવિષ્ય ગણાવ્યું અને તેમની અર્થતંત્રની સૂઝના વખાણ થવા લાગ્યા. મેક્રોંએ માત્ર ૩૮-૩૯ વર્ષની વયે એક અઠંગ રાજકારણીની જેમ એ ઇમેજનો બરાબર ફાયદો મેળવ્યો અને ૨૦૧૬માં જમણેરી-ડાબેરી કરતાં અલગ પ્રગતિશીલ વિચારધારા ધરાવતા ધ વર્કિંગ રિપબ્લિક પક્ષની સ્થાપના કરી. ફ્રેન્ચ ઉચ્ચાર પ્રમાણે લારેમ નામનો આ પક્ષ જોતજોતામાં આખા ફ્રાન્સમાં લોકપ્રિય થઈ ગયો. ૨૦૧૭માં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં કટ્ટર ડાબેરી અને કટ્ટર જમણેરી નેતાઓની વચ્ચે મોડર્ન વિચારધારા ધરાવતા ૪૦ વર્ષના યુવા નેતા ઈમાન્યુઅલ મેક્રોં ૬૬ ટકા મતો મેળવીને પ્રમુખ બન્યા.
...અને એ રીતે મધ્યમવર્ગમાં જન્મેલો તેજસ્વી છોકરો એક દશકામાં સરકારી અધિકારીમાંથી આખા દેશનો પ્રમુખ બની ગયો. વચ્ચેના સમયગાળામાં ઘણી નાની-મોટી જવાબદારીઓ નિભાવી એ અલગ. અગાઉ કહ્યું તેમ, કોઈ ફિલ્મની સ્ટોરી હોય એવી મેક્રોંની કારકિર્દી છે. જાણે એક ડ્રીમ જર્ની! સલામત સરકારી નોકરી મેળવવાનું સપનું ભરયુવાનીમાં પાર પાડવું. અઢળક પૈસા કમાવાનું ડ્રીમ ઉંમરની ત્રીસીમાં પૂરું કરવું. રાજકારણમાં જઈને કેન્દ્રીય કેબિનેટમાં સૌથી યુવામંત્રી બનવું. પરંપરાગત રાજકીય પાર્ટીઓ છોડીને પોતાના નિર્ણયો લેવાની મોકળાશ હોય એવો ખુદનો રાજકીય પક્ષ બનાવવો અને ૪૦ વર્ષે લિબર્ટી માટે જગતના નકશામાં અલગ તરી જતાં દેશના પ્રમુખ બનીને રાષ્ટ્રનો સૌથી શક્તિશાળી હોદ્દો મેળવવો - આ છે ડ્રીમ જર્ની.
યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની આવડતે આ માણસને દેશનો સર્વોચ્ચ હોદ્દો એક વખત નહીં બે વખત અપાવ્યો છે. પ્રમુખપદ સિવાય કોઈ કામ મેક્રોંએ લગલગાટ પાંચ વર્ષ નથી કર્યું! ફ્રાન્સના મતદારોએ એક વખતની તેમની પ્રશંસનીય કામગીરી પછી હવે બીજી વખત પણ પ્રમુખપદનો કાર્યભાર આપ્યો છે, પરંતુ આગામી પાંચ વર્ષ ફ્રાન્સના પ્રમુખ માટે પડકારભર્યા રહેશે. પહેલો પડકાર તો બે મહિના પછી આવતી નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં જ સર્જાશે. જો વિપક્ષો ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં બહુમતી મેળવશે તો આગામી પાંચ વર્ષ સુધી સંસદીય કાર્યવાહીમાં અવરોધો આવશે. ખાસ તો મેક્રોં જે મહાત્ત્વાકાંક્ષી બિલ પસાર કરીને આર્થિક નીતિમાં પરિવર્તન કરવા ધારે છે એમાં મોટો ફટકો પડી શકે છે. મેક્રોં માટે આ સૌથી પહેલો અને મહત્વનો પડકાર રહેશે. ૨૦૧૭માં ફ્રાન્સના નાગરિકોએ સંપૂર્ણ પરિવર્તનનો નારો સ્વીકારીને પ્રમુખપદ ઉપરાંત નેશનલ એસેમ્બલીમાં પણ તેમના પક્ષને વિજેતા બનાવ્યો હતો. ફ્રાન્સની રાજનીતિ છેલ્લાં ઘણાં દશકાઓથી ડાબેરી કે જમણેરી વિચારધારા વચ્ચે કેન્દ્રિત થઈ ગઈ હતી. જનતા એમાં પરિવર્તન ઈચ્છતી હતી. નાગરિકોની નાડ પારખીને મેક્રોંએ નહીં જમણેરી, નહીં ડાબેરી એવી મધ્યવર્તી પ્રગતિશીલ વિચારધારા અમલી બનાવી. એમાં ધાર્મિક સહિષ્ણુતા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હતી.
યંગ જનરેશનને મેક્રોંની લિબરલ નીતિ માફક આવે છે. વળી, મેક્રોંની આર્થિક વિચારધારા પ્રો-ઈયુ રહી છે. યુરોપિયન સંઘ સાથે ખભેખભો મિલાવીને ફ્રાન્સનો વિકાસ થાય એવી આર્થિક નીતિની તેમણે પહેલેથી જ તરફેણ કરી છે. તેમના એ વલણથી ફ્રાન્સનું સ્થાન યુરોપિયન સંઘમાં વધારે મજબૂત થયું છે, વધારે સન્માનીય બન્યું છે. બીજી વખત પ્રમુખ બનેલા મેક્રોં પણ યુરોપિયન સંઘમાં વધારે શક્તિશાળી બન્યા છે. યુરોપિયન સંઘના સીનિયર નેતા હોવાથી હવે પાંચ વર્ષ તેઓ માર્ગદર્શક-સંચાલકની ભૂમિકા ભજવશે. અત્યાર સુધી યુરોપિયન સંઘમાં જર્મનીના એન્જેલા મર્કેલનો દબદબો હતો, તેમના નિર્ણયોનો, નીતિઓનો પ્રભાવ હતો. મર્કેલના રાજકીય સન્યાસ પછી હવે એક રીતે મેક્રોંના હાથમાં યુરોપિયન સંઘની બાગડોર રહેશે. ફ્રાન્સનું અર્થતંત્ર મજબૂત બનાવવાની સાથે સાથે મેક્રોંના ખભે યુરોપિયન યુનિયનને એકજૂટ રાખીને આર્થિક મજબૂતી તરફ દોરી જવાની જવાબદારી પણ રહેશે.
મેક્રોંના વિજયથી ભારતને ફાયદો થશે
ઈમેન્યુઅલ મેક્રોં ફરીથી ફ્રાન્સના પ્રમુખ બન્યા તે ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનું છે. મોદી-મેક્રોં વચ્ચે વ્યક્તિગત ટયુનિંગ બહેતર હોવાથી છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારત-ફ્રાન્સના આર્થિક-લશ્કરી સંબંધો મજબૂત બન્યા છે. મેક્રોંના કાર્યકાળ દરમિયાન ફ્રાન્સે યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ભારતની માગણીને હંમેશા સમર્થન આપ્યું છે. ભારત-ફ્રાન્સના આર્થિક સંબંધો વધારે બહેતર બન્યા છે. અત્યારે દ્વિપક્ષીય વેપાર ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ યુરોનો છે અને ૨૦૨૫ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૧૫૦૦ કરોડ યુરો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. સંરક્ષણ, અંતરિક્ષ, ટેકનોલોજી સહિતના કેટલાય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધ્યો છે. ભારતમાં ફ્રાન્સની એક હજાર કરતાં વધુ કંપનીઓ કાર્યરત છે અને તેમનો વેપાર ૨૦૦૦ કરોડ ડોલરનો છે. મેક્રોં ઉદાર આર્થિક નીતિની તરફેણ કરતા હોવાથી ભારતીય કંપનીઓ માટે ફ્રાન્સમાં રોકાણની નવી તકો સર્જાશે. ભારત આગામી એક દશકામાં યુરોપમાં આર્થિક-સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રનો સહકાર વધારવા ધારે છે અને એમાં ફ્રાન્સ ખૂબ મહત્ત્વનું સાથીદાર બનશે. મેક્રોંની ઉદારવાદી, મધ્યવર્તી, પ્રગતિશીલ નીતિ ભારતને વધુ માફક આવશે.
કુર્દિસ્તાન : તુર્કી, ઈરાન, ઈરાક અને સીરિયા વચ્ચે આવેલા જમીનના ટૂકડા માટે જામેલો જંગ
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
તુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો સામે આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લાં 44-45 વર્ષથી સશસ્ત્ર લડત ચલાવતા આ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે, પણ એ જ અમેરિકાએ એક સદી પહેલાં કુર્દિસ્તાનને માન્યતા આપવાની પેશકશ કરી હતી. પરંતુ તુર્કીના પ્રથમ પ્રમુખ મુસ્તફા કમાલ પાશાએ એવો કમાલનો પાસો ફેંક્યો કે....
ઓસ્માન ગાઝી પ્રથમ અને મુસ્તફા કમાલ પાશા. આ બે નામોની વચ્ચે ઑટોમન સામ્રાજ્યના ઉદય અને પતનની કથા લખાયેલી છે. એ કથામાં આવતા બે મહત્ત્વના કિરદાર એટલે તુર્કો અને કુર્દો. ઓસ્માન નામના તુર્ક લડવૈયાએ ૧૨૮૦ આસપાસ આજના તુર્કીમાં આવેલા બર્સ શહેરનો કબજો લીધો અને ત્યાં એક નાનકડા રાજ્યનો પાયો નાખ્યો. સદીઓ સુધી એ રાજ્યના સીમાડા વિસ્તરતા રહ્યા. ઓસ્માનના વંશજો પછીથી ઑટોમનના નામથી ઓળખાયા અને એ સામ્રાજ્ય પણ ઓસ્માનનું અપભ્રંશ થઈને ઑટોમન સામ્રાજ્ય કહેવાયું. ૧૩મી ૧૪મી સદીમાં આ વંશના રાજવીઓએ એક પછી એક લડાઈઓ જીતીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એ સમયે તુર્ક જાતિ ૨૨ જૂથમાં વહેંચાયેલી હતી. ઑટોમન સામ્રાજ્યના રાજાઓએ નાનાં નાનાં તુર્કમાન રાજ્યોને જીતી લઈને ઑટોમનમાં ભેળવી દીધા.
૧૪૫૩માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પૂર્વમાં આ રાજ્યની આણ છેક યૂફ્રેટીસ નદી સુધી વર્તાવા લાગી. ૧૬મી સદીમાં આખો બાલ્કન પ્રદેશ, મધ્ય યુરોપના હંગેરી સહિતના પ્રદેશો, મધ્યપૂર્વના ઘણાં વિસ્તારો અને ઉત્તર આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર ઑટોમન સામ્રાજ્યનો ધ્વજ ફરકવા લાગ્યો. ૧૬મી સદીનો ઉત્તરાર્ધ ઑટોમન સામ્રાજ્યનો સુવર્ણયુગ ગણાયો. ૧૭મી સદીમાં ધીમે પગલે સામ્રાજ્યની પડતી શરૂ થઈ. ૧૮મી સદીમાં યુરોપમાં પીછેહઠ થઈ. ઉત્તરમાં કાળા સમુદ્ર સુધીના પ્રદેશો તુર્ક ઑટોમને ગુમાવ્યા. ઑટોમનના રાજાઓની પક્કડ ખૂબ ઢીલી પડી ગઈ. ૨૦મી સદીની શરૂઆતમાં યંગ ટર્ક રિવોલ્યુશન થયું. એ સમયગાળામાં ઑટોમન રાજવીઓને બંધારણીય હોદ્દો મળ્યો, પરંતુ સત્તામાં કાપ મૂકાયો. ઑટોમન સામ્રાજ્યને બચાવવાનો આ છેલ્લો પ્રયાસ હતો. એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું, એમાં ઑટોમન સામ્રાજ્યને મોટો ફટકો પડયો. ઑટોમને આરબપ્રાંતો સહિતના ઘણા વિસ્તારો ગુમાવ્યા. ૬૫૦ વર્ષના ઑટોમન સામ્રાજ્ય પર છેલ્લો મરણતોલ ફટકો મારનારનું નામ હતું - મુસ્તફા કમાલ પાશા.
પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મુસ્તફા કમાલ પાશાની આગેવાનીમાં તુર્કોએ સ્વતંત્રતાની લડાઈ ચાલુ રાખી. બ્રિટન-રશિયાના સમર્થનથી ૧૯૨૦માં તુર્કીની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી બની. ૧૯૨૦માં ઑટોમન સામ્રાજ્ય અને વિશ્વયુદ્ધના સાથી દેશો વચ્ચે સમજૂતી થઈ. એમાં તુર્કીની સાથે કુર્દિસ્તાનને માન્યતા આપવાનો પ્રસ્તાવ હતો. વૂડ્રો વિલ્સનની અમેરિકન સરકારે પણ એ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પરંતુ મુસ્તફા કમાલ પાશાએ તુર્કીને બ્રિટિશ અને પશ્વિમી રંગે રંગવાની ખાતરી આપીને ૧૯૨૩માં નવો કરાર કર્યો, જેમાંથી કુર્દિસ્તાનનો કક્કો જ કાઢી નાખ્યો. અમેરિકામાં પણ વૂડ્રો વિલ્સનની ટર્મ પૂરી થતાં રિપબ્લિકન પાર્ટીના વોરેન હાર્કિંગ સત્તામાં આવ્યા હતા અને તેમને વૂડ્રોની જૂની પૉલિસીને બદલે નવી પૉલિસીમાં વધુ રસ પડયો. ઑટોમન સામ્રાજ્યમાંથી તુર્કોની જેમ કુર્દોને હિસ્સો આપવાની જે વર્ષોની માગણી હતી એ બાજુમાં રહી ગઈ અને ૧૯૨૩માં તુર્કી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં આવ્યું.
એ પળે જ કુર્દ જાતિમાં અસંતોષ ફાટી નીકળ્યો. મુસ્તફા કમાલ પાશાએ બ્રિટન, અમેરિકા, ઈટાલી, ગ્રીસ ઉપરાંત ઈરાનનું સમર્થન મેળવીને વૈશ્વિક રાજનીતિમાં તુર્ક પ્રદેશને મોર્ડન બનાવવાના નામે એવો કમાલનો પાસો ફેંક્યો કે કુર્દિસ્તાન માટે જે સંભવિત પ્રદેશ ફાળવવાનો હતો એ તુર્કીને મળી ગયો. આ નિર્ણયથી નારાજ થયેલા કુર્દ લડવૈયાઓએ એકથી વધુ વખત બળવો કર્યો. પરંતુ મુસ્તફા કમાલ પાશાની સરકારે દરેક બળવાને ડામી દીધો. તુર્કીના એ પછીના નેતાઓએ પણ આવા બળવા સફળ થવા દીધા નહીં. વીસેક વર્ષ સુધી આ લડાઈઓ ચાલી, પરંતુ ખાસ સફળતા ન મળી એટલે ધીમે ધીમે કુર્દિસ્તાનની માગણી ભૂલાવા લાગી. કૂર્દ લોકોએ તુર્કી, ઈરાન, ઈરાક, સીરિયામાં લઘુમતી જાતિ તરીકે રહેવાનું સ્વીકારી લીધું. બરાબર એ જ ગાળામાં ૧૯૪૯માં કુર્દ કોમમાં એક નેતાનો જન્મ થયો. જે કુર્દિસ્તાનના આંદોલનને નવો વેગ આપવામાં નિમિત્ત બનવાનો હતો. એ નેતા એટલે અબ્દુલ્લા ઓકાલન.
***
કુર્દિસ્તાન. આ પ્રદેશનું આમ દુનિયાના નકશામાં કોઈ અસ્તિત્વ નથી. એનું અસ્તિત્ત્વ છે તો કુર્દ લોકોની માગણીઓમાં, એના કલ્ચરમાં, એના ઈતિહાસમાં, એની વાર્તાઓમાં. ઑટોમન સામ્રાજ્યનો સૂરજ સોળે કળાએ ખીલતો હતો ત્યારે એને ટક્કર આપે એવું પાડોશી રાજ્ય હતું પર્શિયા એટલે કે ઈરાન. ૧૬મી સદીથી લઈને ૧૯મી સદી સુધીમાં ઑટોમન અને પર્શિયા (ઈરાન) વચ્ચે કેટલાંય યુદ્ધો થયાં હતાં. યુદ્ધ પછી કોઈ એકની હાર થતી, કોઈ એકની જીત થતી. કરારો થતાં, કરારો તૂટતાં અને ફરી યુદ્ધો થતાં. એ દરમિયાન પર્શિયા (ઈરાન) અને ઑટોમન (ખાસ તો આજનું તુર્કી)ની વચ્ચે એક બફર ઝોન હતો. એમાં બિનતુર્ક અને બિનપર્શિયન લોકો રહેતા હતા, જે કુર્દથી ઓળખાતા હતા. તુર્ક અને પર્શિયન લોકો વચ્ચે સંઘર્ષ ઓછા થાય તે માટે બંને સામ્રાજ્યના રાજાઓને આ બફરઝોન માફક આવતો હતો. કુર્દ લોકો બંને સાથે સંતુલન સાધીને રહેતા હતા.
કુર્દો ઈસ્લામધર્મી બન્યા તે પહેલાં યઝીદીધર્મ પણ પાળતા હતા અને પારસીધર્મી પણ હતા. ઈતિહાસકારો તો આ કુર્દ લોકોના મૂળિયા આર્યજાતિમાં હોવાનો ઉલ્લેખ પણ કરે છે. ૧૧મી સદીનો વિદ્વાન ભાષાવિદ્ મહમૂદ અલ-કાશગરીએ તેની નોંધોમાં પહેલી વખત કુર્દ કોમનો ઉલ્લેખ કર્યો હતો. એક સમયે આ કોમ ઑટોમનના રાજાઓ માટે લડતી હતી. ઑટોમનમાં કુર્દ નામની એક સૈન્ય ટુકડી પણ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કિસ્તાનની માગણી ઉઠી એ જ ગાળામાં ૧૯૧૫ આસપાસ કુર્દોએ અલગ કુર્દિસ્તાનની માગણી કરી. મુસ્તફા કમાલ પાશાની વ્યૂહરચના સામે કુર્દ લડવૈયાઓનું ચાલ્યું નહીં અને તેમને સ્વતંત્ર રાષ્ટ્રથી વંચિત રહેવું પડયું એનો ડંખ કુર્દ લોકોમાં સતત રહેતો હતો. અબ્દુલ ઓકાલને ૧૯૭૮માં તુર્કીમાં કુર્દિશ વર્કર્સ પાર્ટીની સ્થાપના કરી અને કુર્દિસ્તાનની માગણીને નવેસરથી બળ આપ્યું. તુર્કી ઉપરાંત ઈરાન, ઈરાક અને સીરિયામાં રહેતા કુર્દ જાતિના લોકોએ મળીને પૃથ્વીના નકશામાં પૂર્વી ઈરાક, દક્ષિણ તૂર્કી, પૂર્વોત્તર સીરિયા, ઉત્તર-પશ્વિમી ઈરાન અને દક્ષિણ-પશ્વિમી આર્મેનિયાની વચ્ચેના પ્રદેશને કુર્દિસ્તાન જાહેર કરવાની માગણી કરી. એ જંગ હજુય ચાલે છે. ક્યારેક આ લડાઈ આક્રમક બને છે, તો ક્યારેક તેની ગતિ મંદ પડી જાય છે.
ગલ્ફવોર વખતે સદામ હુસેને કુર્દોની કત્લેઆમ કરી હતી. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ પણ કુર્દો ઉપર અસંખ્ય હુમલા કર્યા છે. કુર્દિસ્તાનની માગણી માટે ચાલતી લડાઈમાં અત્યાર સુધીમાં ૫૦ હજાર જેટલા કુર્દ લડવૈયાઓ માર્યા ગયા છે. આંદોલનકારીઓના નેતા અબ્દુલ ઓકાલન તુર્કીની જેલમાં છેલ્લાં ૨૦-૨૨ વર્ષથી બંધ છે. ઈરાકની વસતિમાં ૨૦ ટકા કુર્દો છે અને ઉત્તરી ઈરાકના ત્રણ પ્રાંતોમાં કુર્દોની બહુમતી છે. એ ત્રણ પ્રાંતોને કુર્દ સ્ટેટ તરીકે માન્યતા મળી છે. ત્રણેય સ્ટેટ મળીને કુર્દિસ્તાન રિજનલ સરકાર ચલાવે છે. તુર્કી, ઈરાક, ઈરાન, સીરિયા વચ્ચેના ભાગમાં જુદું કુર્દિસ્તાન રાષ્ટ્ર મળે તે માટે કુર્દિસ્તાન રિજનલ સરકાર અવારનવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ય રજૂઆતો કરે છે.
સાડા ચારથી પાંચ કરોડની વસતી ધરાવતા કુર્દોની કેટલીય સંસ્થાઓ આતંકી સંગઠન જાહેર થઈ છે. કુર્દ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે. તુર્કીમાં તો છેક હમણાં સુધી કુર્દ ભાષા બોલવા પર પ્રતિબંધ હતો, કુર્દ લોકોને પરંપરાગત પોશાક પહેરવાની પણ મનાઈ હતી. તુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો ઉપર એર સ્ટ્રાઈક અને જમીની હુમલા કર્યાની જાહેરાત આ સપ્તાહે કરી છે. ઑટોમન ઈતિહાસના બે મહત્તવનાં 'કિરદાર'માંથી તુર્કોએ સામ્રાજ્યની વિરાસત મેળવીને સદીઓથી ચાલતી લડાઈમાં વધુ એક વખત કુર્દો ઉપર સર્વોપરિતા સાબિત કરી, પરંતુ કુર્દોએ પણ સદીઓથી હથિયાર મૂક્યા નથી. 'પેશમર્ગા' કુર્દો ઈરાક-સીરિયામાં રહીને તુર્કો સામે લડી રહ્યા છે અને પેશમર્ગાનો તો અર્થ થાય છે - એ લોકો જે મોતનો સામનો કરે છે!
ભારત-રશિયાના સંબંધો સ્વીકારવા સિવાય અમેરિકા પાસે બીજો વિકલ્પ નથી
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
ભારત-રશિયાના રાજદ્વારી સંબંધોને એપ્રિલ-૨૦૨૨માં ૭૫ વર્ષ થયા
**********************
ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. એટલે કે ભારતને અમેરિકા-રશિયા બંને વગર ચાલે તેમ નથી. રશિયાને કદાચ ભારત વગર ચાલી જાય તેમ છે, પરંતુ અમેરિકાને ભારતની દોસ્તી વગર ચાલશે નહીં. આ જ કારણ છે કે ભારત-રશિયાના સંબંધો મજબૂત થાય તે અમેરિકા ઈચ્છતું નથી છતાં સીધી દખલ દેવાનું પણ ટાળે છે
***********************
એપ્રિલ-૧૯૪૭માં ભારત-રશિયા વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધો શરૂ થયા હતા. રશિયન રાજદૂત કિરીલ નોવીકોવની દિલ્હીમાં રશિયન રાજદૂત તરીકે નિમણૂક થઈ એ સાથે જ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો આરંભ થયો હતો. રશિયાએ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા ત્યારે ભારત-રશિયાના સંબંધોને ૭૦ વર્ષ થયા તેની ઉજવણી પણ કરી હતી. આ વર્ષે ભારત-રશિયાના સંબંધોને ૭૫ વર્ષ થયા છે. એક તરફ રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં રશિયા અને રશિયન પ્રમુખ પુતિન દુનિયાભરમાં વિલન બનીને ઉભર્યા છે. બરાબર એ જ સમયે ભારત-રશિયાના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે એક ટ્વીટ કરીને બંને દેશોના સંબંધોને ૭૫ વર્ષ પૂરા થયાની જાણકારી પણ આપી હતી.
અમેરિકા-યુરોપ સમર્થિત દેશો રશિયાના નેતાઓને આવકાર આપે એવી પરિસ્થિતિ નથી. રશિયાના નેતાઓ જો કોઈ દેશની મુલાકાત કરે તો એ દેશ દુનિયાની આંખે ચડે એવી સ્થિતિ વચ્ચે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતમાં આવી ગયા. ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની જાહેરાત કરી એ સાથે જ અમેરિકાના કાન સરવા થયા. એક તરફ ભારત રશિયાના વિદેશમંત્રીને આવકાર આપે છે, બીજી તરફ ભારતના વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રી અમેરિકાની મુલાકાત પણ કરે છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે લાંબી ટેલિફોનિક ચર્ચા કરે છે. ને બીજી તરફ નરેન્દ્ર મોદી-બાઈડન વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ પણ થાય છે. અમેરિકા ભારતને વ્યૂહાત્મક અને વિશ્વાસુ ભાગીદાર ગણાવે છે. અમેરિકન અધિકારીઓ એમ પણ કહે છે કે રશિયા-ભારતના સંબંધોમાં અમેરિકા દખલ કરશે નહીં. એ ભારતની આંતરિક બાબત છે. બીજી તરફ અમેરિકાના જ સત્તાપક્ષના સાંસદો રશિયા સાથે સંરક્ષણ સોદા કરવા બદલ ભારત ઉપર આકરા પ્રતિબંધોની ભલામણો સંસદગૃહમાં રજૂ કરે છે. અમેરિકન અધિકારીઓ ભારત ઉપર પ્રતિબંધો મૂકવાની બાબતે વિચારણા ચાલે છે એવા નિવેદનો પણ થોડા થોડા સમયે વહેતા કરે છે.
આ નિવેદનોથી એવું કહી શકાય કે અમેરિકન સરકારના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે? ના. બિલકુલ નહીં. આ નિવેદનો અમેરિકન સરકારના અધિકારીઓ વચ્ચે સંકલન બરાબર થાય છે તેનો પુરાવો છે! ભારત-રશિયાના સંબંધો મુદ્દે અમેરિકાના વિરોધાભાસી નિવેદનો એ કોઈ સંકલનના અભાવનું પરિણામ નથી, એ ભારત તરફની અમેરિકાની વિદેશનીતિનો એક ભાગ છે. અમેરિકાએ બહુ જ વિચારીને અમલી બનાવેલી વ્યૂહરચના છે.
અમેરિકા ઈચ્છતું નથી કે ભારત-રશિયાના રાજદ્વારી સંબંધો ખૂબ ગહેરા થાય. ચીનનો ડર બતાવીને, સંરક્ષણ-વેપારના પ્રતિબંધોનો ભય દેખાડીને, યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ અપાવવાનું ગાજર લટકાવીને, ભરોસેમંદ સાથીદારના નિવેદનોથી પંપાળીને અમેરિકા હંમેશા એ પેરવીમાં રહે છે કે ભારત રશિયા સાથેના સંબંધો માપમાં રાખે. ભારત ચીનની જેમ રશિયાનું સાવ નજીકનું સાથી બની જાય તો લાંબાંગાળે મુશ્કેલી સર્જાય એ અમેરિકા બરાબર સમજે છે. ભારતને જે સમયે, જેવી રીતે સમજાવી શકાય તેમ હોય એવી રીતે સમજાવીને અમેરિકા રશિયાથી દૂર રાખવાની કોશિશ કરે છે. ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી તે વખતે અમેરિકાએ એ સોદો રદ્ કરવાના ઘણાં પ્રયાસો કર્યા. ભારત ઉપર પ્રતિબંધની ધમકીઓ પણ આપી, છતાં ભારતે એ સોદો પાર પાડયો એટલે અમેરિકાએ સ્વીકારી લીધું. રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ આપવાની જાહેરાત કરી એ વખતે તો અમેરિકાએ રીતસર ધમકી આપી હતી કે ચીન સાથે યુદ્ધ થશે તો રશિયા બચાવવા નહીં આવે, અમેરિકા જ મદદ કરશે. ક્રૂડ ખરીદવા ભારત મક્કમ રહ્યું એટલે અમેરિકાએ ઢીલ આપી દેવી પડી.
અહીં સવાલ એ થાય કે અમેરિકા આવું શું કામ કરે છે? રશિયા પર પ્રતિબંધ છતાં ભારત સંરક્ષણ અને વેપારના સોદા કરે છે તો પછી ભારત પર સીધો પ્રતિબંધ લાગુ પાડીને જગત જમાદારીનો પાવર બતાવવાને બદલે અમેરિકાએ કેમ આવી નરમ-ગરમ નીતિ અપનાવે છે?
જવાબ છે ઃ ચીન-વેપાર-આઈટી ટેકનોલોજી-સંરક્ષણ સોદા. અમેરિકા ભારત-રશિયાના સંબંધોના નામે જો કોઈ આક્રમક પગલું ભરે તો ભારત-રશિયા-ચીનની ધરી શકે છે. અમેરિકાની વિવિધ ડિફેન્સ થિંક ટેન્ક છેલ્લાં પાંચ વર્ષથી ગાજી ગાજીને કહે છે કે રશિયા કરતા અમેરિકાને સૌથી વધુ ખતરો ચીનનો છે. ચીનને કાબૂમાં રાખવા માટે અમેરિકા ભારત સાથે સંબંધો મજબૂત બનાવીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પક્કડ મજબૂત બનાવવા માગે છે. ચીનને કાઉન્ટર કરવા જ અમેરિકા-ભારત-ઓસ્ટ્રેલિયા-જાપાનનું ક્વાડ સંગઠન રચાયું હતું. ૨૦૦૭માં બનેલું આ સંગઠન છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જ વધુ સક્રિય બન્યું છે. ચીનનો પ્રભાવ જેમ તેમ વધતો જાય છે તેમ તેમ અમેરિકા તેની પક્કડ પણ મજબૂત બનાવવા પ્રયાસો કરે છે. ચીન સાથે લાંબી સરહદ ધરાવતા ભારત સાથે સંરક્ષણ સંબંધો હોય તો જરૂર પડયે ચીનનું નાક દબાવી શકાય એવી અમેરિકાની ગણતરી છે.
બીજું કારણ બંને દેશો વચ્ચેનો વેપાર છે. અમેરિકા-ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૧૩ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોમાં દર વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાય છે. એક કારણ ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી છે. અમેરિકાની સૌથી વિશાળ આઈટી ઈન્ડસ્ટ્રી ભારતીય આઈટી કંપનીઓ અને ભારતીય આઈટી નિષ્ણાતો પર નિર્ભર છે. ચીને અમેરિકાને જવાબ આપવા આઈટી ઈન્ડસ્ટ્રીનો વિકાસ કર્યો છે અને ભારતીય નિષ્ણાતોને મોટા પગારની ઓફર કરે છે. અમેરિકામાં જઈને કારકિર્દી બનાવવાનું આકર્ષણ હોવા છતાં હવે ભારતના આઈટી નિષ્ણાતો ચીની કંપનીઓના પ્રસ્તાવો સ્વીકારતા થયા છે. જો ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી ચીન તરફી થઈ જાય તો અમેરિકાની મોનોપોલી તૂટી જવાનો ભય પણ ખરો.
ભારતને ગમે તેમ કરીને સાચવવાનું એક મહત્વનું કારણ છે - સંરક્ષણ સોદા. ભારતમાં અમેરિકન ડિફેન્સ કંપનીઓ રોકાણ કરવા માગે છે. અમેરિકા સૌથી મોટો સંરક્ષણ નિકાસકાર દેશ છે અને ભારત સૌથી મોટો ખરીદદાર દેશ છે. છેલ્લાં એકાદ-દોઢ દશકાથી ભારત-અમેરિકા વચ્ચે ડિફેન્સ સોદા વધ્યા છે. રશિયા ઉપરાંત હવે ભારતે અમેરિકા સાથે પણ અબજો ડોલરના સંરક્ષણ સોદા પાર પાડયા છે. અમેરિકા હથિયારોના સૌથી મોટા ગ્રાહકને ગુમાવવા માગતું નથી.
ટૂંકમાં, ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. રશિયાને કદાચ ભારત વગર ચાલી જાય તેમ છે, પરંતુ અમેરિકાને ભારતની દોસ્તી વગર ચાલે તેમ નથી. અમેરિકાને ભારત સાથે વેપાર વગર ચાલે તેમ નથી. અમેરિકા ભારત-રશિયાના સંબંધો તરફ નરમ-ગરમ રહે છે તે પાછળ એક લાંબું વિચારીને અમલી બનાવેલી વિદેશનીતિ જવાબદાર છે.
સોશિયલ મીડિયાના બિઝનેસમાં ઈલોન મસ્કની એન્ટ્રી થતાં હરીફાઈ રસપ્રદ બનશે
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
દુનિયાના પહેલા નંબરના ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સત્તાવાર રીતે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરમાં એન્ટ્રી લીધી છે. વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં ઝડપભેર રોકાણ કરી રહેલા ઈલોન મસ્ક સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવાથી નવાં સમીકરણો રચાશે
**********************
ઈલોન મસ્કે અગાઉ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું કે નહીં તે બાબતે ટ્વિટરમાં એક સર્વેક્ષણ કર્યું હતું, એમાં ઘણાં યુઝર્સે ટ્વિટરને જ ખરીદીને એમાં સુધારા-વધારાની સલાહ આપી હતી. કદાચ મસ્કે એ સલાહ ગંભીરતાથી લઈને ટ્વિટરનો ૯ ટકા હિસ્સો ખરીદ્યો લાગે છે!
***********************
૨૬૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ઈલોન મસ્કે ટ્વિટરનો ૯ ટકા હિસ્સો ખરીદીને બોર્ડમાં એન્ટ્રી લીધી છે. ઈલોન મસ્કે ટ્વિટરમાં એન્ટ્રી લીધી તેની ઘણી દૂરગામી અસરો થશે. દુનિયાભરના રોકાણકારો ટ્વિટર તરફ વળશે. યુઝર્સનો અવાજ બનીને મસ્ક ટ્વિટરમાં આવ્યા હોય એવી છાપ અત્યારે તો પડી છે. મસ્ક જ્યાં રોકાણ કરે ત્યાં દુનિયાભરના રોકાણકારો નાણા રોકે છે. ટેસ્લાના વાર્ષિક સરવૈયામાં દુનિયાને જાણ થઈ કે મસ્કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તો ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. ટ્વિટરમાં મસ્કની એન્ટ્રી થઈ તેનાથી સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે ચાલતી હરીફાઈ વધારે રસપ્રદ બનશે.
ઈલોન મસ્ક નવી જનરેશનમાં બેહદ પોપ્યુલર છે. ટ્વિટરમાં જ તેના આઠેક કરોડ ફોલોઅર્સ છે. ટ્વિટરના બોર્ડમાં સામેલ નહોતા થયા તે પહેલાંથી જ મસ્ક ટ્વિટરમાં ખૂબ એક્ટિવ છે. કેટલીય નવી જાહેરાતો તેમણે ટ્વિટરના માધ્યમથી કરી છે. તેમણે થોડા મહિના પહેલાં ટ્વિટરમાં એક સર્વેક્ષણ કર્યું હતું. નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું કે નહીં? તે બાબતે તેમણે લોકોની સલાહ લીધી હતી. એ વખતે ઘણાં યુઝર્સે મસ્કને સલાહ આપી હતી કે ટ્વિટર ખરીદી લો અને એમાં જે જરૂરી લાગે તે સુધારા કરી નાખો! કદાચ મસ્કે એ સલાહને ગંભીરતાથી લીધી લાગે છે. ટ્વિટરનો હિસ્સો ખરીદ્યો તે ગાળામાં જ મસ્કે બીજું એક સર્વેક્ષણ પણ ટ્વિટરમાં કરાવ્યું હતું, એમાં ટ્વિટર યુઝર ફ્રેન્ડલી છે કે નહીં તે પૂછવામાં આવ્યું હતું અને સાથે સાથે ઉમેર્યું હતું કે આ સર્વેક્ષણમાં બહુ જ ધ્યાનથી જ જવાબ આપજો, તેની દૂરગામી અસરો થશે.
મસ્ક ટ્વિટરના યુઝર તરીકે અગાઉ એડિટ બટનની ભલામણ કરી ચૂક્યા છે. ટ્વિટરમાં એક વખત ટ્વીટ્સ થાય પછી તેને એડિટ કરી શકાતી નથી. ફેસબુક એડિટની સુવિધા આપે છે. ટ્વિટરમાં એડિટ બટનની માગણી ઘણા વખતથી થાય છે. ટ્વીટ્સમાં કંઈ ભૂલ રહી જાય કે બીજું કંઈ પણ હોય, ટ્વીટ ડિલિટ જ કરવી પડે છે. એ જ ટ્વીટમાં કંઈ સુધારો અથવા સ્પષ્ટતા ઉમેરવી હોય તો બીજી ટ્વીટ કરવી પડે છે. આ માગણી ઉપરાંત શબ્દોની મર્યાદા વધારવાથી લઈને બધા જ યુઝર્સને વીડિયો-વોઈસની મર્યાદા વધારીને એક સરખી આપવાની ડિમાન્ડ થાય છે. આ બાબતો ઈલોન મસ્કની એન્ટ્રી પછી કદાચ બદલાઈ જશે. મસ્ક ખુદ ટ્વિટરમાં એડિટ બટનની તરફેણમાં છે. યુઝર્સના વોઈસ તરીકે મસ્કે જ્યારે ટ્વિટર બોર્ડમાં પ્રવેશ કર્યો છે ત્યારે એડિટ બટન ઉમેરાય એવી શક્યતા તો પહેલાં જ દિવસથી વ્યક્ત થઈ રહી છે. તે ઉપરાંત મસ્ક ટ્વિટરની ટીકા એ વાતે કરતા કે ટ્વિટર ફ્રી સ્પીચના ધોરણોનું પાલન કરતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓના એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે વખતે મસ્કે તેમને ય તેમની વાત મૂકવાનો અધિકાર છે એવો મત વ્યક્ત કર્યો હતો. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સ્થાપક જેક ડોર્સીએ મસ્કના સૂચનોને ગંભીરતાથી લેવાના સંકેતો આપ્યા છે. તેના પરથી અટકળો શરૂ થઈ છે કે મસ્ક ઘણાં ફેરફારો કરીને ટ્વિટરને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ બનશે.
મસ્કના કારણે સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે હરીફાઈ રસપ્રદ બનશે. ફેસબુક ટ્વિટરની સરખામણીમાં ઘણી મોટી કંપની છે. ફેસબુકે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ખરીદીને સોશિયલ મીડિયામાં તેનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. એક્ટિવ યુઝર્સની બાબતે પણ ફેસબુક ક્યાંય આગળ છે. મન્થલી ફેસબુક યુઝર્સનો આંકડો ૨૮૦ કરોડ છે. જ્યારે ટ્વિટરના ડેઈલી એક્ટિવ યુઝર્સ ૨૧ કરોડ જેટલાં છે. મન્થલી એક્ટિવ યુઝર્સનો આંકડો ૩૫ કરોડથી વધારે નથી. આવા સંજોગોમાં ટ્વિટરે ભવિષ્યમાં પણ સોશિયલ મીડિયામાં પ્રભાવ જાળવી રાખવા માટે પ્રયાસો કરવા જરૂરી છે, એ પ્રયાસોના ભાગરૂપે જ ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ ઈલોન મસ્કની એન્ટ્રી કરાવી છે. ડોર્સીના આ એક જ પગલાંથી સોશિયલ મીડિયામાં સમીકરણો બદલાઈ જશે.
મસ્ક જેવા દુનિયાના નંબર-વન ઉદ્યોગપતિની ટ્વિટરમાં એન્ટ્રી થાય તો તેનાથી ફેસબુક પણ ચેતી જશે. જેક ડોર્સી ફેસબુકનો જેટલો વિરોધ નથી કરતાં એટલો વિરોધ મસ્ક કરે છે. મસ્કની આ આક્રમકતા ફેસબુકને લાંબાંગાળે ભારે પડશે નહીં એ જોવું રસપ્રદ થઈ પડશે.
માર્ક-મસ્ક વચ્ચે અણબનાવ
ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક વચ્ચે અણબનાવ જૂનો છે. ૨૦૧૬માં સ્પેસએક્સના રોકેટે ભૂલથી ફેસબુકના સેટેલાઈટને તોડી પાડયો હતો ત્યારે બંને વચ્ચે ચકમક ઝર્યા હતા. માર્ક ઝકરબર્ગે તે બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ઝકરબર્ગે કહ્યું હતું કે સ્પેસએક્સ તો નિષ્ફળ જાય એમાં ખાસ નવાઈ નથી, પરંતુ મારો સેટેલાઈટ તોડી પાડયો તે ઘણાં ઉદ્યોગ સાહસિકોને ઈન્ટરનેટ આપતો હતો. એ પછી મસ્કે વળતો જવાબ આપીને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે મફતમાં તેમને સેટેલાઈટ લોચિંગની સુવિધા આપી હતી, પણ એ નિર્ણય ભૂલ ભરેલો હતો. ૨૦૧૭માં બંને વચ્ચ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મુદ્દે દલીલો થઈ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ખાસ તો વર્ચ્યુઅલ રિયાલિટી બાબતે ઈલોન મસ્કે ટ્વિટરમાં ફેસબુકની ટીકા કરી હતી.
તે વખતે ઝકરબર્ગે જવાબમાં મસ્કના વલણની ઝાટકણી કાઢી હતી. બંને વચ્ચેનો અણબનાવ વધારે લાઉડ થયો હતો ૨૦૧૮માં, જ્યારે ફેસબુક સામે યુરોપિયન સંઘે પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બ્રિટિશ એનાલિટિકાનો વિવાદ સર્જાયો હતો. એ વખતે મસ્કે ટેસ્લાના બધા જ ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યા હતા. તેની જાહેરાત ટ્વિટરમાં કરી હતી. મસ્કે ટ્વિટરમાં લખ્યું હતું કે આ નિર્ણય રાજકીય નથી. મને ફેસબુક ગમતું નથી એટલે મેં ડિલિટ કરી નાખ્યું. મસ્કે તે પછીના વર્ષોમાં ફેસબુક ડિલિટ કરવાની ટ્વિટરમાં ઝુંબેશ ચલાવી હતી. એમાંય કેપિટલ હિલ્સમાં હિંસા થઈ ને ફેસબુક પોસ્ટની ભૂમિકા સામે આવી ત્યારે મસ્કે એ ઝુંબેશ આક્રમક કરી દીધી હતી. ફેસબુક નફરત ફેલાવતી પોસ્ટને ઉત્તેજન આપે છે.
પોતાના ફાયદા માટે આવી પોસ્ટને વધારે રીચ અપાવે છે ત્યાં સુધીના આરોપો મસ્કે મૂક્યા હતા. મસ્કે તો વોટ્સએપને બદલે સિગ્નલ વાપરવાની ભલામણ ટ્વિટરના યુઝર્સને કરી હતી. ફેસબુકના માર્ક ઝકરબર્ગે મસ્કના આ વલણની ઝાટકણી કાઢવાની સાથે સાથે જેફ બેઝોસ સાથે પણ દોસ્તી બનાવી લીધી છે. એક સમયે જેફ બેઝોસ ઝકરબર્ગની કટાક્ષમાં ટીકા કરતા હતા, પણ હવે હરીફના હરીફો દોસ્ત બન્યા હોવાથી જ ફેસબુકે મેટાવર્સની જાહેરાત કરી તે પહેલાં સેટેલાઈટ ઈન્ટરનેટનો આખો પ્રોજેક્ટ બેઝોસને આપી દીધો હતો. ટ્વિટરમાં મસ્કની એન્ટ્રી આ બંને માટે પણ મહત્વની બની રહેશે.
ચીને પાકિસ્તાન-શ્રીલંકા-નેપાળની જેમ સોલોમનને પણ કંગાળ બનાવીને વશમાં લીધો
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
શ્રીલંકા-પાકિસ્તાન-નેપાળની જેમ ચીને ટાપુસમુહના દેશ સોલોમનને કંગાળ કરી દીધું અને હવે આર્થિક મદદના બહાને ટાપુઓ ઉપર કબજો જમાવવાનું શરૃ કર્યું છે. સોલોમનના ટાપુઓમાં ચીનની હાજરીથી પ્રશાંત ક્ષેત્રની શાંતિ ડહોળાશે
******************
તાઈવાન સાથે ગાઢ સંબંધો ધરાવતા સોલોમને ચીન સાથે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા પછી દેશમાં ચીનના વિરોધમાં સતત હિંસા પણ થાય છે, છતાં સોલોમનના ચીન તરફી વડાપ્રધાન માનાશેહ સોગાવરે ચીનને ૭૫ વર્ષના ભાડાપટ્ટે તુલાગી ટાપુ આપી દીધો
૧૫૬૮નું વર્ષ હતું. સ્પેનિશ દરિયાખેડૂ અલ્વારો ડી મેન્ડેના પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં પહોંચ્યો. અહીં પહોંચનારો એ પહેલો યુરોપિયન હતો. અલ્વારોએ પ્રાચીન રાજા સોલોમનના નામ પરથી ટાપુનું નામ પાડયું - સોલોમન ટાપુઓ. એવું કહેવાય છે કે બાઈબલમાં ઓફિર નામના જે શહેરનો ઉલ્લેખ છે એ શહેર સોલોમન હોવાનું માનીને અલ્વારોએ એ નામ પાડયું હતું.
સમયાંતરે આ ટાપુઓ બ્રિટનના કબજામાં આવ્યા અને છેક ૧૯૭૮ સુધી એ બ્રિટિશ સોલોમન ટાપુઓ એવા નામથી ઓળખાતા. બ્રિટને આ ટાપુઓના દેશને સ્વતંત્ર કર્યો ત્યારથી બ્રિટિશ સોલોમન આઈસલેન્ડમાંથી બ્રિટિશ શબ્દ હટી ગયો અને સત્તાવાર સોલોમન આઈસલેન્ડ એવું નામ થયું.
સોલોમનના બંધારણમાં બ્રિટનનાં રાણી એલિઝાબેથનું આધિપત્ય સ્વીકારાયું છે, પરંતુ સત્તા વડાપ્રધાનના હાથમાં રહે છે. ગવર્નર જનરલનું બંધારણીય પદ અસ્તિત્વમાં છે, પણ ગવર્નરના હાથમાં મર્યાદિત સત્તા હોય છે. છ મોટા ટાપુઓ ને ૯૦૦ જેટલાં ટચૂકડા ટાપુઓનું સંચાલન ૫૦ સભ્યોની સંસદ તેમ જ વડાપ્રધાનના હાથમાં રહે છે. સાંસદોનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.
આ સોલોમન ટાપુઓમાં સતત રાજકીય અસ્થિરતા સર્જાતી રહે છે. સંસદમાં વારંવાર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાતો રહે છે. રાજકીય પક્ષો ખાસ સક્ષમ નથી. વારંવાર એકબીજા પક્ષોની સત્તા બદલતી રહે છે એટલે શાસકીય સ્થિરતા જણાતી નથી. સોલોમન ટાપુઓનું આમ બીજી રીતે ખાસ વૈશ્વિક રાજનીતિમાં મહત્વ નથી, પરંતુ મધદરિયે આવેલા આ ટાપુ દેશનું વ્યૂહાત્મક મહત્વ ચોક્કસ છે. બ્રિટને વર્ષો સુધી પ્રશાંત ક્ષેત્રના આ ટાપુઓને કબજામાં રાખીને તેનો વેપાર-સંરક્ષણ સહિતના વિવિધ હેતુઓથી તેનો ઉપયોગ કર્યો હતો. સ્વતંત્રતા મળ્યા પછી પણ આ ટાપુઓ ઉપર બ્રિટનનો ઘણો પ્રભાવ હતો. અમેરિકાએ પણ સોલોમનનું વ્યૂહાત્મક મહત્વ પારખીને તેની સાથે કરારો કર્યા હતા. સોલોમન ટાપુઓની આસપાસ અમેરિકાની હાજરી પણ નોંધાતી હતી. ચીને ઓશેનિયા તરીકે ઓળખાતા ભૌગોલિક વિસ્તારમાં પ્રભાવ પાથરવા રણનીતિ અમલમાં મૂકી અને ૨૦૧૫ પછી ચીનને એ રણનીતિનું પરિણામ પણ મળવા લાગ્યું.
સોલોમનને તાઈવાન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો હતા, પરંતુ ચીને એક પછી એક પાસા ફેંકીને સોલોમન-તાઈવાનના સંબંધો બગાડયા. સોલોમને ૨૦૧૯માં સત્તાવાર રીતે તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો પૂરા કર્યા અને ચીન સાથે જોડાણનો નવો અધ્યાય આરંભ્યો. સોલોમનના વર્તમાન વડાપ્રધાન માનાશેહ સોગાવરનું વલણ ચીન તરફી છે. તાઈવાને તો ત્યાં સુધી આરોપ મૂક્યો હતો કે ચીને સોલોમન સંસદમાં પૈસા વેરીને ચીન સાથે સંબંધો બનાવવા અને તાઈવાન સાથે સંબંધો કાપી નાખવાનો પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો.
એ ગાળામાં ચીન અને સોલોમન વચ્ચે સિક્રેટ ડીલ થઈ હતી. ચીને સોલોમનનો તુલાગી ટાપુ ખરીદી દીધો હોવાનો દાવો એ સમયે થયો હતો. સોલોમન સરકારે ટાપુ ભાડે આપ્યાના અહેવાલો ૨૦૧૯માં આવ્યા ત્યારથી આ ટાપુ દેશમાં ઘણાં લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ૨૦૨૦માં તો પાટનગર હોનિયારામાં હિંસક પ્રદર્શનો થયા હતા. સોલોમનની સરકારને જે સમજાતું નથી તે સોલોમનના નાગરિકો સમજે છે. સોલોમનના નાગરિકોએ ચીનને વિસ્તારવાદી ગણાવીને સરકારને તાઈવાન સાથે સંબંધો ફરીથી સ્થાપવાની માગણી કરી હતી, પરંતુ ચીન તરફી વડાપ્રધાન માનાશેહ સોગાવરે નિર્ણય બદલ્યો ન હતો.
બે અઢી વર્ષ પછી ફરીથી ચીન-સોલોમન વચ્ચે ડિફેન્સ ડીલ થયાની વિગતો સામે આવતા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે ચિંતા વ્યક્ત કરી છે. સોલોમન ટાપુઓમાં ચીનની હાજરી હોય તો તેની સૌથી વધુ અસર ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને થાય. અત્યારે તો સોલોમનના વડાપ્રધાને એ કરાર અંગે ખાસ ફોડ પાડયો નથી. કરાર આંતરિક સુરક્ષા અને ટેકનોલોજી બાબતે એવું કહીને સોલોમન સરકારે તેને સામાન્ય બાબત ગણાવી છે અને અન્ય દેશો આંતરિક બાબતોમાં દખલ કરવાની કોશિશમાં છે એવું નિવેદન આપી દીધું હતું, પણ હકીકત કંઈક અલગ છે. ચીન-સોલોમન વચ્ચે સંરક્ષણ સોદો થયો હોવાની શક્યતા નકારી શકાતી નથી. તુલાગી ટાપુ તો ચીને ૭૫ વર્ષના ભાડાપટ્ટે લઈ લીધો છે. હવે ધીમે ધીમે ચીને ત્યાં ગતિવિધિ વધારી છે અને એ ગતિવિધિમાં હવે ચીનનું લશ્કર સામેલ થયું છે. ઓસ્ટ્રેલિયાના ગુપ્તચર વિભાગે અહેવાલ આપ્યો છે એ પ્રમાણે ચીનનું યુદ્ધજહાજ તુલાગી ટાપુ નજીક તૈનાત થઈ ગયું છે. જો એ દાવો સાચો હોય તો પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સલામતી માટે એ બાબત ખતરારૃપ બની જશે. અત્યારે એ ટાપુઓ નજીક શાંતિ છે. કોઈ લશ્કરી તંગદિલી નથી, પરંતુ ચીન વિશ્વમાં સર્વશક્તિમાન બનવાની મહાત્વાકાંક્ષા લઈને પ્રશાંત ક્ષેત્રમાં જ્યાં તક મળે ત્યાં લશ્કરી મથકો બનાવવાની પેરવીમાં હોવાથી ઓશેનિયાની શાંતિને ડહોળી રહ્યું છે.
જે રીતે ચીને શ્રીલંકા-નેપાળ-પાકિસ્તાન જેવા દેશોને એક યા બીજી રીતે આર્થિક બેહાલ બનાવીને પછી મદદના બહાને વશમાં લઈ લીધા છે એ જ સ્થિતિ સોલોમનની થઈ રહી છે. જેમ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીનના વિરોધમાં હિંસક દેખાવો સામાન્ય થઈ પડયા છે એમ સોલોમનના પાટનગર હોનિયારામાં ચીન વિરોધી દેખાવો કાયમના થઈ ગયા છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઈ છે કે સોલોમનની સરકાર, સોલોમનના નાગરિકો એ આગમાં દાઝી રહ્યા છે અને ચીન એ તાપણામાં રોટી શેકીને મિજબાની માણી રહ્યું છે.
તુલાગી ટાપુનો મલ્ટિપલ ઉપયોગ
ચીને જે તુલાગી ટાપુને ભાડે લીધો છે એ ટાપુમાં હવે ચીની કંપનીઓ વિવિધ એકમો બનાવશે. જેમાં મત્સ્ય ઉત્પાદન, નિકાસ, એરપોર્ટ, ઓઈલ અને ગેસની રિફાઈનરી વગેરેનો સમાવેશ થાય છે. અહેવાલોમાં દાવો થયો હતો કે ચીન તુલાગીને બેઝ બનાવીને તેનો વેપાર પણ વધારશે. ચીનથી તુલાગી અને ત્યાંથી પ્રશાંત ક્ષેત્રના અન્ય દેશોમાં પહોંચવાનું ચીનની સરકારે વિચાર્યું છે. તુલાગીમાં સ્થપાનારા ઉદ્યોગ એકમોના રક્ષણના નામે ચીન પહેલાં થોડાંક સૈનિકો ગોઠવશે અને એ પછી સૈન્ય વધારતું જશે. તુલાગી ટાપુ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના કબજામાં હતો અને જાપાને તુલાગીના કાંઠે લશ્કરી મથક સ્થાપ્યું હતું.
ચીને આ પહેલાં વાનુઆતુમાં પણ લશ્કરી મથક સ્થાપ્યું હોવાનો દાવો થયો હતો. આ ઓશેનિયા દેશ સાથે ચીને આવી જ તરાહથી સંબંધો વિકસાવ્યા છે અને અત્યારે ચીની કંપનીઓ વાનુઆતુમાં આર્થિક રોકાણ કરી રહી છે. કિરિબાતી સાથે ચીનની વાટાઘાટો ચાલી રહી છે. પ્રશાંત ક્ષેત્રના એક પછી એક ટાપુઓમાં ચીન ગુપ્ત રીતે લશ્કરી મથકો બનાવી રહ્યું છે. ચીનની આ નીતિ વહેલામોડી વિશ્વશાંતિ માટે જોખમી બનશે.