- Back to Home »
- World Window »
- કુર્દિસ્તાન : તુર્કી, ઈરાન, ઈરાક અને સીરિયા વચ્ચે આવેલા જમીનના ટૂકડા માટે જામેલો જંગ
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
તુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો સામે આક્રમક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લાં 44-45 વર્ષથી સશસ્ત્ર લડત ચલાવતા આ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે, પણ એ જ અમેરિકાએ એક સદી પહેલાં કુર્દિસ્તાનને માન્યતા આપવાની પેશકશ કરી હતી. પરંતુ તુર્કીના પ્રથમ પ્રમુખ મુસ્તફા કમાલ પાશાએ એવો કમાલનો પાસો ફેંક્યો કે....
ઓસ્માન ગાઝી પ્રથમ અને મુસ્તફા કમાલ પાશા. આ બે નામોની વચ્ચે ઑટોમન સામ્રાજ્યના ઉદય અને પતનની કથા લખાયેલી છે. એ કથામાં આવતા બે મહત્ત્વના કિરદાર એટલે તુર્કો અને કુર્દો. ઓસ્માન નામના તુર્ક લડવૈયાએ ૧૨૮૦ આસપાસ આજના તુર્કીમાં આવેલા બર્સ શહેરનો કબજો લીધો અને ત્યાં એક નાનકડા રાજ્યનો પાયો નાખ્યો. સદીઓ સુધી એ રાજ્યના સીમાડા વિસ્તરતા રહ્યા. ઓસ્માનના વંશજો પછીથી ઑટોમનના નામથી ઓળખાયા અને એ સામ્રાજ્ય પણ ઓસ્માનનું અપભ્રંશ થઈને ઑટોમન સામ્રાજ્ય કહેવાયું. ૧૩મી ૧૪મી સદીમાં આ વંશના રાજવીઓએ એક પછી એક લડાઈઓ જીતીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એ સમયે તુર્ક જાતિ ૨૨ જૂથમાં વહેંચાયેલી હતી. ઑટોમન સામ્રાજ્યના રાજાઓએ નાનાં નાનાં તુર્કમાન રાજ્યોને જીતી લઈને ઑટોમનમાં ભેળવી દીધા.
૧૪૫૩માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પૂર્વમાં આ રાજ્યની આણ છેક યૂફ્રેટીસ નદી સુધી વર્તાવા લાગી. ૧૬મી સદીમાં આખો બાલ્કન પ્રદેશ, મધ્ય યુરોપના હંગેરી સહિતના પ્રદેશો, મધ્યપૂર્વના ઘણાં વિસ્તારો અને ઉત્તર આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર ઑટોમન સામ્રાજ્યનો ધ્વજ ફરકવા લાગ્યો. ૧૬મી સદીનો ઉત્તરાર્ધ ઑટોમન સામ્રાજ્યનો સુવર્ણયુગ ગણાયો. ૧૭મી સદીમાં ધીમે પગલે સામ્રાજ્યની પડતી શરૂ થઈ. ૧૮મી સદીમાં યુરોપમાં પીછેહઠ થઈ. ઉત્તરમાં કાળા સમુદ્ર સુધીના પ્રદેશો તુર્ક ઑટોમને ગુમાવ્યા. ઑટોમનના રાજાઓની પક્કડ ખૂબ ઢીલી પડી ગઈ. ૨૦મી સદીની શરૂઆતમાં યંગ ટર્ક રિવોલ્યુશન થયું. એ સમયગાળામાં ઑટોમન રાજવીઓને બંધારણીય હોદ્દો મળ્યો, પરંતુ સત્તામાં કાપ મૂકાયો. ઑટોમન સામ્રાજ્યને બચાવવાનો આ છેલ્લો પ્રયાસ હતો. એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું, એમાં ઑટોમન સામ્રાજ્યને મોટો ફટકો પડયો. ઑટોમને આરબપ્રાંતો સહિતના ઘણા વિસ્તારો ગુમાવ્યા. ૬૫૦ વર્ષના ઑટોમન સામ્રાજ્ય પર છેલ્લો મરણતોલ ફટકો મારનારનું નામ હતું - મુસ્તફા કમાલ પાશા.
પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મુસ્તફા કમાલ પાશાની આગેવાનીમાં તુર્કોએ સ્વતંત્રતાની લડાઈ ચાલુ રાખી. બ્રિટન-રશિયાના સમર્થનથી ૧૯૨૦માં તુર્કીની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી બની. ૧૯૨૦માં ઑટોમન સામ્રાજ્ય અને વિશ્વયુદ્ધના સાથી દેશો વચ્ચે સમજૂતી થઈ. એમાં તુર્કીની સાથે કુર્દિસ્તાનને માન્યતા આપવાનો પ્રસ્તાવ હતો. વૂડ્રો વિલ્સનની અમેરિકન સરકારે પણ એ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પરંતુ મુસ્તફા કમાલ પાશાએ તુર્કીને બ્રિટિશ અને પશ્વિમી રંગે રંગવાની ખાતરી આપીને ૧૯૨૩માં નવો કરાર કર્યો, જેમાંથી કુર્દિસ્તાનનો કક્કો જ કાઢી નાખ્યો. અમેરિકામાં પણ વૂડ્રો વિલ્સનની ટર્મ પૂરી થતાં રિપબ્લિકન પાર્ટીના વોરેન હાર્કિંગ સત્તામાં આવ્યા હતા અને તેમને વૂડ્રોની જૂની પૉલિસીને બદલે નવી પૉલિસીમાં વધુ રસ પડયો. ઑટોમન સામ્રાજ્યમાંથી તુર્કોની જેમ કુર્દોને હિસ્સો આપવાની જે વર્ષોની માગણી હતી એ બાજુમાં રહી ગઈ અને ૧૯૨૩માં તુર્કી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં આવ્યું.
એ પળે જ કુર્દ જાતિમાં અસંતોષ ફાટી નીકળ્યો. મુસ્તફા કમાલ પાશાએ બ્રિટન, અમેરિકા, ઈટાલી, ગ્રીસ ઉપરાંત ઈરાનનું સમર્થન મેળવીને વૈશ્વિક રાજનીતિમાં તુર્ક પ્રદેશને મોર્ડન બનાવવાના નામે એવો કમાલનો પાસો ફેંક્યો કે કુર્દિસ્તાન માટે જે સંભવિત પ્રદેશ ફાળવવાનો હતો એ તુર્કીને મળી ગયો. આ નિર્ણયથી નારાજ થયેલા કુર્દ લડવૈયાઓએ એકથી વધુ વખત બળવો કર્યો. પરંતુ મુસ્તફા કમાલ પાશાની સરકારે દરેક બળવાને ડામી દીધો. તુર્કીના એ પછીના નેતાઓએ પણ આવા બળવા સફળ થવા દીધા નહીં. વીસેક વર્ષ સુધી આ લડાઈઓ ચાલી, પરંતુ ખાસ સફળતા ન મળી એટલે ધીમે ધીમે કુર્દિસ્તાનની માગણી ભૂલાવા લાગી. કૂર્દ લોકોએ તુર્કી, ઈરાન, ઈરાક, સીરિયામાં લઘુમતી જાતિ તરીકે રહેવાનું સ્વીકારી લીધું. બરાબર એ જ ગાળામાં ૧૯૪૯માં કુર્દ કોમમાં એક નેતાનો જન્મ થયો. જે કુર્દિસ્તાનના આંદોલનને નવો વેગ આપવામાં નિમિત્ત બનવાનો હતો. એ નેતા એટલે અબ્દુલ્લા ઓકાલન.
***
કુર્દિસ્તાન. આ પ્રદેશનું આમ દુનિયાના નકશામાં કોઈ અસ્તિત્વ નથી. એનું અસ્તિત્ત્વ છે તો કુર્દ લોકોની માગણીઓમાં, એના કલ્ચરમાં, એના ઈતિહાસમાં, એની વાર્તાઓમાં. ઑટોમન સામ્રાજ્યનો સૂરજ સોળે કળાએ ખીલતો હતો ત્યારે એને ટક્કર આપે એવું પાડોશી રાજ્ય હતું પર્શિયા એટલે કે ઈરાન. ૧૬મી સદીથી લઈને ૧૯મી સદી સુધીમાં ઑટોમન અને પર્શિયા (ઈરાન) વચ્ચે કેટલાંય યુદ્ધો થયાં હતાં. યુદ્ધ પછી કોઈ એકની હાર થતી, કોઈ એકની જીત થતી. કરારો થતાં, કરારો તૂટતાં અને ફરી યુદ્ધો થતાં. એ દરમિયાન પર્શિયા (ઈરાન) અને ઑટોમન (ખાસ તો આજનું તુર્કી)ની વચ્ચે એક બફર ઝોન હતો. એમાં બિનતુર્ક અને બિનપર્શિયન લોકો રહેતા હતા, જે કુર્દથી ઓળખાતા હતા. તુર્ક અને પર્શિયન લોકો વચ્ચે સંઘર્ષ ઓછા થાય તે માટે બંને સામ્રાજ્યના રાજાઓને આ બફરઝોન માફક આવતો હતો. કુર્દ લોકો બંને સાથે સંતુલન સાધીને રહેતા હતા.
કુર્દો ઈસ્લામધર્મી બન્યા તે પહેલાં યઝીદીધર્મ પણ પાળતા હતા અને પારસીધર્મી પણ હતા. ઈતિહાસકારો તો આ કુર્દ લોકોના મૂળિયા આર્યજાતિમાં હોવાનો ઉલ્લેખ પણ કરે છે. ૧૧મી સદીનો વિદ્વાન ભાષાવિદ્ મહમૂદ અલ-કાશગરીએ તેની નોંધોમાં પહેલી વખત કુર્દ કોમનો ઉલ્લેખ કર્યો હતો. એક સમયે આ કોમ ઑટોમનના રાજાઓ માટે લડતી હતી. ઑટોમનમાં કુર્દ નામની એક સૈન્ય ટુકડી પણ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કિસ્તાનની માગણી ઉઠી એ જ ગાળામાં ૧૯૧૫ આસપાસ કુર્દોએ અલગ કુર્દિસ્તાનની માગણી કરી. મુસ્તફા કમાલ પાશાની વ્યૂહરચના સામે કુર્દ લડવૈયાઓનું ચાલ્યું નહીં અને તેમને સ્વતંત્ર રાષ્ટ્રથી વંચિત રહેવું પડયું એનો ડંખ કુર્દ લોકોમાં સતત રહેતો હતો. અબ્દુલ ઓકાલને ૧૯૭૮માં તુર્કીમાં કુર્દિશ વર્કર્સ પાર્ટીની સ્થાપના કરી અને કુર્દિસ્તાનની માગણીને નવેસરથી બળ આપ્યું. તુર્કી ઉપરાંત ઈરાન, ઈરાક અને સીરિયામાં રહેતા કુર્દ જાતિના લોકોએ મળીને પૃથ્વીના નકશામાં પૂર્વી ઈરાક, દક્ષિણ તૂર્કી, પૂર્વોત્તર સીરિયા, ઉત્તર-પશ્વિમી ઈરાન અને દક્ષિણ-પશ્વિમી આર્મેનિયાની વચ્ચેના પ્રદેશને કુર્દિસ્તાન જાહેર કરવાની માગણી કરી. એ જંગ હજુય ચાલે છે. ક્યારેક આ લડાઈ આક્રમક બને છે, તો ક્યારેક તેની ગતિ મંદ પડી જાય છે.
ગલ્ફવોર વખતે સદામ હુસેને કુર્દોની કત્લેઆમ કરી હતી. ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ પણ કુર્દો ઉપર અસંખ્ય હુમલા કર્યા છે. કુર્દિસ્તાનની માગણી માટે ચાલતી લડાઈમાં અત્યાર સુધીમાં ૫૦ હજાર જેટલા કુર્દ લડવૈયાઓ માર્યા ગયા છે. આંદોલનકારીઓના નેતા અબ્દુલ ઓકાલન તુર્કીની જેલમાં છેલ્લાં ૨૦-૨૨ વર્ષથી બંધ છે. ઈરાકની વસતિમાં ૨૦ ટકા કુર્દો છે અને ઉત્તરી ઈરાકના ત્રણ પ્રાંતોમાં કુર્દોની બહુમતી છે. એ ત્રણ પ્રાંતોને કુર્દ સ્ટેટ તરીકે માન્યતા મળી છે. ત્રણેય સ્ટેટ મળીને કુર્દિસ્તાન રિજનલ સરકાર ચલાવે છે. તુર્કી, ઈરાક, ઈરાન, સીરિયા વચ્ચેના ભાગમાં જુદું કુર્દિસ્તાન રાષ્ટ્ર મળે તે માટે કુર્દિસ્તાન રિજનલ સરકાર અવારનવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ય રજૂઆતો કરે છે.
સાડા ચારથી પાંચ કરોડની વસતી ધરાવતા કુર્દોની કેટલીય સંસ્થાઓ આતંકી સંગઠન જાહેર થઈ છે. કુર્દ બળવાખોરોને અમેરિકા અને યુરોપિયન સંઘે આતંકવાદી જાહેર કર્યા છે. તુર્કીમાં તો છેક હમણાં સુધી કુર્દ ભાષા બોલવા પર પ્રતિબંધ હતો, કુર્દ લોકોને પરંપરાગત પોશાક પહેરવાની પણ મનાઈ હતી. તુર્કીની સરકારે ફરીથી કુર્દ બળવાખોરો ઉપર એર સ્ટ્રાઈક અને જમીની હુમલા કર્યાની જાહેરાત આ સપ્તાહે કરી છે. ઑટોમન ઈતિહાસના બે મહત્તવનાં 'કિરદાર'માંથી તુર્કોએ સામ્રાજ્યની વિરાસત મેળવીને સદીઓથી ચાલતી લડાઈમાં વધુ એક વખત કુર્દો ઉપર સર્વોપરિતા સાબિત કરી, પરંતુ કુર્દોએ પણ સદીઓથી હથિયાર મૂક્યા નથી. 'પેશમર્ગા' કુર્દો ઈરાક-સીરિયામાં રહીને તુર્કો સામે લડી રહ્યા છે અને પેશમર્ગાનો તો અર્થ થાય છે - એ લોકો જે મોતનો સામનો કરે છે!