- Back to Home »
- World Window »
- ભારત-રશિયાના સંબંધો સ્વીકારવા સિવાય અમેરિકા પાસે બીજો વિકલ્પ નથી
વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા
ભારત-રશિયાના રાજદ્વારી સંબંધોને એપ્રિલ-૨૦૨૨માં ૭૫ વર્ષ થયા
**********************
ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. એટલે કે ભારતને અમેરિકા-રશિયા બંને વગર ચાલે તેમ નથી. રશિયાને કદાચ ભારત વગર ચાલી જાય તેમ છે, પરંતુ અમેરિકાને ભારતની દોસ્તી વગર ચાલશે નહીં. આ જ કારણ છે કે ભારત-રશિયાના સંબંધો મજબૂત થાય તે અમેરિકા ઈચ્છતું નથી છતાં સીધી દખલ દેવાનું પણ ટાળે છે
***********************
એપ્રિલ-૧૯૪૭માં ભારત-રશિયા વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધો શરૂ થયા હતા. રશિયન રાજદૂત કિરીલ નોવીકોવની દિલ્હીમાં રશિયન રાજદૂત તરીકે નિમણૂક થઈ એ સાથે જ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો આરંભ થયો હતો. રશિયાએ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા ત્યારે ભારત-રશિયાના સંબંધોને ૭૦ વર્ષ થયા તેની ઉજવણી પણ કરી હતી. આ વર્ષે ભારત-રશિયાના સંબંધોને ૭૫ વર્ષ થયા છે. એક તરફ રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. એમાં રશિયા અને રશિયન પ્રમુખ પુતિન દુનિયાભરમાં વિલન બનીને ઉભર્યા છે. બરાબર એ જ સમયે ભારત-રશિયાના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે એક ટ્વીટ કરીને બંને દેશોના સંબંધોને ૭૫ વર્ષ પૂરા થયાની જાણકારી પણ આપી હતી.
અમેરિકા-યુરોપ સમર્થિત દેશો રશિયાના નેતાઓને આવકાર આપે એવી પરિસ્થિતિ નથી. રશિયાના નેતાઓ જો કોઈ દેશની મુલાકાત કરે તો એ દેશ દુનિયાની આંખે ચડે એવી સ્થિતિ વચ્ચે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતમાં આવી ગયા. ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની જાહેરાત કરી એ સાથે જ અમેરિકાના કાન સરવા થયા. એક તરફ ભારત રશિયાના વિદેશમંત્રીને આવકાર આપે છે, બીજી તરફ ભારતના વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રી અમેરિકાની મુલાકાત પણ કરે છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે લાંબી ટેલિફોનિક ચર્ચા કરે છે. ને બીજી તરફ નરેન્દ્ર મોદી-બાઈડન વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ પણ થાય છે. અમેરિકા ભારતને વ્યૂહાત્મક અને વિશ્વાસુ ભાગીદાર ગણાવે છે. અમેરિકન અધિકારીઓ એમ પણ કહે છે કે રશિયા-ભારતના સંબંધોમાં અમેરિકા દખલ કરશે નહીં. એ ભારતની આંતરિક બાબત છે. બીજી તરફ અમેરિકાના જ સત્તાપક્ષના સાંસદો રશિયા સાથે સંરક્ષણ સોદા કરવા બદલ ભારત ઉપર આકરા પ્રતિબંધોની ભલામણો સંસદગૃહમાં રજૂ કરે છે. અમેરિકન અધિકારીઓ ભારત ઉપર પ્રતિબંધો મૂકવાની બાબતે વિચારણા ચાલે છે એવા નિવેદનો પણ થોડા થોડા સમયે વહેતા કરે છે.
આ નિવેદનોથી એવું કહી શકાય કે અમેરિકન સરકારના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે? ના. બિલકુલ નહીં. આ નિવેદનો અમેરિકન સરકારના અધિકારીઓ વચ્ચે સંકલન બરાબર થાય છે તેનો પુરાવો છે! ભારત-રશિયાના સંબંધો મુદ્દે અમેરિકાના વિરોધાભાસી નિવેદનો એ કોઈ સંકલનના અભાવનું પરિણામ નથી, એ ભારત તરફની અમેરિકાની વિદેશનીતિનો એક ભાગ છે. અમેરિકાએ બહુ જ વિચારીને અમલી બનાવેલી વ્યૂહરચના છે.
અમેરિકા ઈચ્છતું નથી કે ભારત-રશિયાના રાજદ્વારી સંબંધો ખૂબ ગહેરા થાય. ચીનનો ડર બતાવીને, સંરક્ષણ-વેપારના પ્રતિબંધોનો ભય દેખાડીને, યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ અપાવવાનું ગાજર લટકાવીને, ભરોસેમંદ સાથીદારના નિવેદનોથી પંપાળીને અમેરિકા હંમેશા એ પેરવીમાં રહે છે કે ભારત રશિયા સાથેના સંબંધો માપમાં રાખે. ભારત ચીનની જેમ રશિયાનું સાવ નજીકનું સાથી બની જાય તો લાંબાંગાળે મુશ્કેલી સર્જાય એ અમેરિકા બરાબર સમજે છે. ભારતને જે સમયે, જેવી રીતે સમજાવી શકાય તેમ હોય એવી રીતે સમજાવીને અમેરિકા રશિયાથી દૂર રાખવાની કોશિશ કરે છે. ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી તે વખતે અમેરિકાએ એ સોદો રદ્ કરવાના ઘણાં પ્રયાસો કર્યા. ભારત ઉપર પ્રતિબંધની ધમકીઓ પણ આપી, છતાં ભારતે એ સોદો પાર પાડયો એટલે અમેરિકાએ સ્વીકારી લીધું. રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ કિંમતે ક્રૂડ આપવાની જાહેરાત કરી એ વખતે તો અમેરિકાએ રીતસર ધમકી આપી હતી કે ચીન સાથે યુદ્ધ થશે તો રશિયા બચાવવા નહીં આવે, અમેરિકા જ મદદ કરશે. ક્રૂડ ખરીદવા ભારત મક્કમ રહ્યું એટલે અમેરિકાએ ઢીલ આપી દેવી પડી.
અહીં સવાલ એ થાય કે અમેરિકા આવું શું કામ કરે છે? રશિયા પર પ્રતિબંધ છતાં ભારત સંરક્ષણ અને વેપારના સોદા કરે છે તો પછી ભારત પર સીધો પ્રતિબંધ લાગુ પાડીને જગત જમાદારીનો પાવર બતાવવાને બદલે અમેરિકાએ કેમ આવી નરમ-ગરમ નીતિ અપનાવે છે?
જવાબ છે ઃ ચીન-વેપાર-આઈટી ટેકનોલોજી-સંરક્ષણ સોદા. અમેરિકા ભારત-રશિયાના સંબંધોના નામે જો કોઈ આક્રમક પગલું ભરે તો ભારત-રશિયા-ચીનની ધરી શકે છે. અમેરિકાની વિવિધ ડિફેન્સ થિંક ટેન્ક છેલ્લાં પાંચ વર્ષથી ગાજી ગાજીને કહે છે કે રશિયા કરતા અમેરિકાને સૌથી વધુ ખતરો ચીનનો છે. ચીનને કાબૂમાં રાખવા માટે અમેરિકા ભારત સાથે સંબંધો મજબૂત બનાવીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પક્કડ મજબૂત બનાવવા માગે છે. ચીનને કાઉન્ટર કરવા જ અમેરિકા-ભારત-ઓસ્ટ્રેલિયા-જાપાનનું ક્વાડ સંગઠન રચાયું હતું. ૨૦૦૭માં બનેલું આ સંગઠન છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જ વધુ સક્રિય બન્યું છે. ચીનનો પ્રભાવ જેમ તેમ વધતો જાય છે તેમ તેમ અમેરિકા તેની પક્કડ પણ મજબૂત બનાવવા પ્રયાસો કરે છે. ચીન સાથે લાંબી સરહદ ધરાવતા ભારત સાથે સંરક્ષણ સંબંધો હોય તો જરૂર પડયે ચીનનું નાક દબાવી શકાય એવી અમેરિકાની ગણતરી છે.
બીજું કારણ બંને દેશો વચ્ચેનો વેપાર છે. અમેરિકા-ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૧૩ અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોમાં દર વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાય છે. એક કારણ ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી છે. અમેરિકાની સૌથી વિશાળ આઈટી ઈન્ડસ્ટ્રી ભારતીય આઈટી કંપનીઓ અને ભારતીય આઈટી નિષ્ણાતો પર નિર્ભર છે. ચીને અમેરિકાને જવાબ આપવા આઈટી ઈન્ડસ્ટ્રીનો વિકાસ કર્યો છે અને ભારતીય નિષ્ણાતોને મોટા પગારની ઓફર કરે છે. અમેરિકામાં જઈને કારકિર્દી બનાવવાનું આકર્ષણ હોવા છતાં હવે ભારતના આઈટી નિષ્ણાતો ચીની કંપનીઓના પ્રસ્તાવો સ્વીકારતા થયા છે. જો ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી ચીન તરફી થઈ જાય તો અમેરિકાની મોનોપોલી તૂટી જવાનો ભય પણ ખરો.
ભારતને ગમે તેમ કરીને સાચવવાનું એક મહત્વનું કારણ છે - સંરક્ષણ સોદા. ભારતમાં અમેરિકન ડિફેન્સ કંપનીઓ રોકાણ કરવા માગે છે. અમેરિકા સૌથી મોટો સંરક્ષણ નિકાસકાર દેશ છે અને ભારત સૌથી મોટો ખરીદદાર દેશ છે. છેલ્લાં એકાદ-દોઢ દશકાથી ભારત-અમેરિકા વચ્ચે ડિફેન્સ સોદા વધ્યા છે. રશિયા ઉપરાંત હવે ભારતે અમેરિકા સાથે પણ અબજો ડોલરના સંરક્ષણ સોદા પાર પાડયા છે. અમેરિકા હથિયારોના સૌથી મોટા ગ્રાહકને ગુમાવવા માગતું નથી.
ટૂંકમાં, ભારતને રશિયા વગર ચાલે તેમ નથી. ભારતને અમેરિકાના સમર્થનની પણ જરૂર છે. રશિયાને કદાચ ભારત વગર ચાલી જાય તેમ છે, પરંતુ અમેરિકાને ભારતની દોસ્તી વગર ચાલે તેમ નથી. અમેરિકાને ભારત સાથે વેપાર વગર ચાલે તેમ નથી. અમેરિકા ભારત-રશિયાના સંબંધો તરફ નરમ-ગરમ રહે છે તે પાછળ એક લાંબું વિચારીને અમલી બનાવેલી વિદેશનીતિ જવાબદાર છે.