શ્રીલંકામાં આર્થિક કટોકટી : ભારત પાસે 'આફત'ને 'અવસર'માં બદલવાનો મોકો!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

 

શ્રીલંકાએ ચીન પાસે ફરીથી મદદ મેળવવા રજૂઆત કરી છે, પરંતુ ચીને સરખો જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ઘેરું બનશે. તેની ભારતમાં અસર થશે. જોકે, ભારત પાસે શ્રીલંકાની આફતને અવસરમાં ફેરવવાની તક પણ રહેશે. શ્રીલંકા ઈચ્છે છે કે શ્રીલંકન બંદરોના વિકાસમાં ભારતનું રોકાણ મળે. જો એવું થાય તો શ્રીલંકા ઉપર ફરીથી ભારતનો પ્રભાવ વધી શકે છે


શ્રીલંકા ગંભીર આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે. એક લીટર દૂધ લેવું હોય તો એક હજાર રૂપિયા ખર્ચવા પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. લોકો ભાગીને ભારત આવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો શ્રીલંકામાં હજુય આર્થિક સંકટ વધારે ઘેરું બનશે તો ભારતમાં શરણાર્થી કટોકટી સર્જાઈ શકે છે. ભારતના તમિલનાડુમાં શ્રીલંકાથી ભાગીને થોડાંક લોકો આવ્યા હતા. એ લોકોના દાવા પ્રમાણે શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ તો ક્યારની બની ગઈ છે, પરંતુ સ્થિતિ અસહ્ય બની ચૂકી છે.
શ્રીલંકાની આ સ્થિતિ માટે ઘણાં કારણો જવાબદાર છે, પરંતુ ચીન સૌથી વધુ જવાબદાર છે. શ્રીલંકા દેવામાં ડૂબી ગયું છે. વિદેશી કરજનું સ્તર ખૂબ જ વધી જતાં અર્થતંત્ર અસ્થિર થયું છે. વિદેશી હૂંડિયામણ નવેમ્બર-૨૦૨૧ પ્રમાણે માત્ર ૧.૬ અબજ ડોલરની ઐતિહાસિક નીચલી સપાટીએ હતું. બેરોજગારી વધી ગઈ છે, ફુગાવો બેકાબૂ બનતા મોંઘવારી ફાટી નીકળી છે. જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
ચીને શ્રીલંકાને દેવામાં ડૂબાડી દીધું છે. એકલા ચીનનું જ શ્રીલંકા ઉપર પાંચ અબજ ડોલર જેટલું કરજ છે. આટલું કરજ આપીને ચીને શ્રીલંકાના પોર્ટ શહેરોનો એક પછી એક કબજો લેવાનું ષડયંત્ર રચ્યું છે. શ્રીલંકાએ ભારત, જાપાન જેવા દેશો પાસેથી પણ આર્થિક મદદ લીધી છે, પરંતુ ભારત-જાપાને ચીન જેવી ચાલાકી વાપરી નથી. ચીન જે રીતે પાકિસ્તાનને કરજ આપીને પછી દરેક નિર્ણયોમાં પોતાનું ધાર્યું કરાવે છે એવું જ શ્રીલંકાની બાબતમાં પણ બનવા લાગ્યું છે.
એ સિવાયના કારણો પણ છે. ટૂરિઝમ સેક્ટરને કોરોનાના કારણે મોટો ફટકો પડયો. એ ક્ષેત્ર હજુ એમાંથી બહાર આવી શક્યું નથી. વિદેશી કરજના કારણે વિદેશી હૂંડિયામણનું તળિયું આવી ગયું છે, એટલે શ્રીલંકાની કરન્સીનું મૂલ્ય ગગડી ગયું છે. શ્રીલંકાની સરકારે થોડા સમય પહેલાં ઓર્ગેનિક ખેતી ફરજિયાત કરી દીધી હતી અને તમામ ફર્ટિલાઈઝર્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. એના કારણે કેમિકલ ઈન્ડસ્ટ્રી ભાંગી પડી. આ નિર્ણયથી શ્રીલંકાનું આખું કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થયું અને તેની સીધી અસર અર્થતંત્ર ઉપર પડી. ઘઊં, ચોખા, દાળ વગેરેની ભારે અછત પ્રવર્તી રહી છે. આ અછતને પહોંચી વળવા શ્રીલંકાએ ફરીથી ૨.૫ અબજ ડોલરની મદદ ચીન પાસે માગી છે. ચીને મદદ આપવાની ખાસ તૈયારી બતાવી નથી એટલે શ્રીલંકા વધારે મુશ્કેલીમાં મૂકાયું છે.
શ્રીલંકાના આર્થિક સંકટની ભારત ઉપર તરત જ અસર થશે. જો શ્રીલંકામાં આર્થિક સંકટ વધારે ગહેરું બનશે તો ભારતમાં લાખો શરણાર્થીઓ આવી જશે અને તેનાથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં મુશ્કેલી ઉભી થશે. આ રાજ્યોમાં શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓ હજુય રહે છે. જો આ વખતે ફરીથી હજારો શરણાર્થીઓ આવે તો આ રાજ્યોના અર્થતંત્ર ઉપર પણ તેની અસર થયા વગર રહે નહીં.
જોકે, શ્રીલંકાની આ આફતને અવસરમાં ફેરવવાની ભારત પાસે તક છે. શ્રીલંકા ઈચ્છે છે કે ભારત શ્રીલંકાને મદદ કરે. શ્રીલંકામાં બંદરોના વિકાસનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ભારત પણ રોકાણ કરે. અત્યારે હંબનટોટામાં ચીને રોકાણ કર્યું છે અને આખા બંદરને વિકસિત કરવાના બહાને ભાડે લઈ લીધું છે. જો ભારતીય કંપનીઓ શ્રીલંકાના બંદરોના પ્રોજેક્ટમાં રોકાણ કરે તો શ્રીલંકામાં ચીનની સાથે સાથે ભારતનો પણ પ્રભાવ વધે. ભારતે આ પહેલાં ૫૦ કરોડ ડોલરનું કરજ શ્રીલંકાને આપ્યું છે. શ્રીલંકાએ આ રકમમાંથી પેટ્રોલિયમ ખરીદ્યું હતું. ભારતના વિદેશમંત્રીએ જાન્યુઆરી માસમાં શ્રીલંકાના વિદેશમંત્રી તુલસી રાજપક્ષે સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એ વખતે ભારતે ૨.૪ અબજ ડોલરની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. એનો ઉપયોગ શ્રીલંકા વેપાર માટે કરી શકે છે. ભારતે સાર્ક કરન્સી વિનિયમ અંતર્ગત શ્રીલંકાને ૪૦ કરોડ ડોલરની વધારાની મદદ પણ કરી હતી. આ મદદ કોરોના પછી આવેલી ગંભીર સ્થિતિ સામે લડવા માટે થઈ હતી. હજુ તો ગત સપ્તાહે જ આર્થિક સંકટ સામે ઝૂઝતા શ્રીલંકાને દવા, ખાદ્યાન્ન, જીવનજરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે ભારતે એક અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી. એ મદદ ભારતે આપેલા કુલ ૨.૪ અબજ ડોલરના રાહત પેકેજનો હિસ્સો હતી.
ચીન શ્રીલંકાના હંબનટોટા જેવા બંદરો ઉપર ગમે તેમ કરીને કબજો કરવા માગે છે. એવું કરીને ચીન ભવિષ્યમાં તેનો લશ્કરી ઉપયોગ કરવા ધારે છે. શ્રીલંકાના બંદરોનો કબજો લઈને ચીન હિંદ મહાસાગરમાં ભારત સામે પડકાર સર્જવા માગે છે. હિંદ મહાસાગરમાં ચીન હાજર હોય એ ભારત માટે ચિંતાનો વિષય છે. આ હંબનટોટા શ્રીલંકા પહેલાં ભારતને આપવા માગતું હતું, પરંતુ વાતચીત આગળ વધી નહીં અને એ દરમિયાન જ ચીને તક ઝડપી લીધી હતી. હવે શ્રીલંકાની આર્થિક કટોકટીના કારણે ભારત પાસેથી ફરીથી શ્રીલંકા ઉપર પ્રભાવ વધારવાનો મોકો સર્જાયો છે. ભારત શ્રીલંકાને મદદ કરે કે આર્થિક રોકાણ કરે તો તેનાથી બંને દેશોના સંબંધો મજબૂત બનશે. ભારત-શ્રીલંકાના સંબંધો પહેલેથી જ મજબૂત હતા. શ્રીલંકા ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં ચીનનો પ્રભાવ ઘટે તો એ ભારતના ફાયદામાં રહેશે એ નક્કી છે.
 

શ્રીલંકાના ગૃહયુદ્ધ વખતે આવેલા શરણાર્થીઓની ભારતના નાગરિકત્વ માટે માગણી

૧૯૮૦ના દશકામાં શ્રીલંકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારતના તટવર્તીય રાજ્યોમાં શરણાર્થી કટોકટી સર્જાઈ હતી. એ વખતે શ્રીલંકાથી તમિલનાડુમાં હજારો શરણાર્થીઓ આવી ગયા હતા. હજુય તમિલનાડુમાં ૧૦૭ કેમ્પોમાં ૬૦ હજાર જેટલા શરણાર્થીઓ રહે છે અને તે સિવાયના અન્ય ૩૦ હજાર શરણાર્થીઓ તમિલનાડુમાં શરણાર્થી કેમ્પોની બહાર રહે છે. સરકારી આંકડાં પ્રમાણે લગભગ ૮૦ હજાર જેટલા શ્રીલંકન શરણાર્થીઓ ભારતમાં રહે છે. ખાનગી અહેવાલો આ આંકડો ૯૩ હજાર હોવાનું કહે છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં મળીને આ આંકડો ઘણો મોટો હોવાનું કહેવાય છે. આ શ્રીલંકન શરણાર્થીઓ હવે ભારતનું નાગરિકત્વ મેળવવાની માગણી કરી રહ્યા છે. તેમની માગણી છે કે શ્રીલંકાની સરકાર તેમને પાછા ફરવાની પરવાનગી આપતી નથી. તેમની પાસે બે જ વિકલ્પ બચ્યા છે. ભારતમાં કાયમી વસવાટ કરવો, અથવા તો આપઘાત કરી લેવો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આ માગણી સાથે ૨૯ શ્રીલંકન તમિલ શરણાર્થીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ માગણી દિવસે દિવસે વધારે ઉગ્ર બનતી જતી હોવાથી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે.

 

Friday, 25 March 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનમાં એકેય વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી


પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વધુ એક વડાપ્રધાન કાર્યકાળ પૂરો કરે તે પહેલાં જ પદભ્રષ્ટ થઈને ઘરભેગા થવાની તૈયારીમાં છે. વિપક્ષોએ અગાઉ પણ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એ વખતે જેમ તેમ કરીને ઈમરાને ખુરશી બચાવી લીધી હતી. હવે ફરીથી વિપક્ષો એકઠા થયા છે અને આ વખતે પૂરી તૈયારી સાથે ઈમરાનને પદભ્રષ્ટ કરવા મેદાને પડયા છે.

પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે વડાપ્રધાન બન્યા હતા અને ૧૬ ઓક્ટોબર, ૧૯૫૧ સુધી વડાપ્રધાન રહ્યા હતા. વડાપ્રધાન હતા ત્યારે જ લિયાકત અલીની હત્યા થઈ હતી. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન ટર્મ પૂરી શક્યા ન હતા, એ સિલસિલો પછી તેમના અનુગામી બધા જ વડાપ્રધાનોના કિસ્સામાં દોહરાતો આવ્યો છે. બીજા વડાપ્રધાન ખ્વાજા નઝીમુદ્દીનને બે વર્ષ પછી ગવર્નર જનરલે (ત્યારે પાકિસ્તાનમાં પ્રમુખપદને બદલે ગવર્નર જનરલની પોસ્ટને બધા પાવર્સ મળ્યા હતા.

ચાર ગવર્નર જનરલ પછી એ પોસ્ટને નાબુદ કરીને પ્રમુખપદની પોસ્ટ ઉભી કરાઈ હતી.) બરતરફ કરી દીધા હતા. તે પછી ૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન મુહમ્મદ અલી બોગરા વડાપ્રધાન રહ્યા હતા. તેમને તત્કાલિન ગવર્નર જનરલ ગુલામ મોહમ્મદે પસંદ કર્યા હતા. ગુલામ મોહમ્મદ સારવાર લેવા વિદેશ ગયા ત્યારે તેમણે ઈસ્કંદર મિર્ઝાને એક્ટિંગ ગવર્નર જનરલ બનાવ્યા. ઈસ્કંદરે સત્તા સંભાળી તે સાથે જ ગુલામ હૈદર અને બોગરા બંનેને બરતરફ કરી દીધા અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એ પછી ચૌધરી મોહમ્મદ, હુસૈન શાહીદ, ઈબ્રાહિમ ઈસ્માઈલ, ફિરોઝ ખાન સહિત ચારેક વડાપ્રધાનો ત્રણ વર્ષના ગાળામાં બદલાઈ ગયા. એ પછી અયુબ ખાનનું લશ્કરી શાસન આવ્યું એટલે વડાપ્રધાનની નિમણૂક જ બંધ થઈ ગઈ.

૧૯૭૧માં બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ ચાલતો હતો એ વખતે મૂળ બંગાળી મુસ્લિમ નુરુલ અમીનને વડાપ્રધાન બનાવાયા, પરંતુ યુદ્ધમાં પરાજય થયો એટલે અમીન માત્ર ૧૩ દિવસ જ વડાપ્રધાનપદે રહી શક્યા. ૧૯૭૩માં યુસુફ ખાને સત્તા છોડવી પડી. લોકજુવાળ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો તરફી હતો. ભુટ્ટો ૧૯૭૩થી ૧૯૭૭ દરમિયાન વડાપ્રધાન રહ્યા, પરંતુ ટર્મ પૂરી થાય તે પહેલાં ૧૯૭૭માં જનરલ ઝીયા ઉલ હકે લશ્કરી શાસન લાગુ કરીને ભુટ્ટોને ફાંસી આપી દીધી. વળી, થોડા વર્ષો વડાપ્રધાનનું પદ નાબુદ થઈ ગયું. ૧૯૮૫માં મોહમ્મદ ખાન જુનેજો વડાપ્રધાન બન્યા, પરંતુ ત્રણ વર્ષ પછી પ્રમુખ ઝીયા ઉલ હક સાથે સંઘર્ષ થતાં સત્તા છોડવી પડી.

૧૯૮૮માં બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. સૌથી યુવા વડાપ્રધાન તરીકે રેકોર્ડ બનાવનારા બેનઝીર ભુટ્ટોએ ચૂંટણીમાં અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો. બે અઢી વર્ષમાં જ પ્રમુખ ગુલામ ખાન સાથે સંઘર્ષ થયો અને ભ્રષ્ટાચારના આરોપમાં સરકારને બરતરફ કરવામાં આવી. ૧૯૯૦થી ૧૯૯૩ સુધી વડાપ્રધાન રહેલા નવાઝ શરિફનો પણ એવો જ અંજામ આવ્યો. નવાઝનો કાર્યકાળ પણ ગુલામ હૈદરે જ અધવચ્ચે પૂરો કરી દીધો.

૧૯૯૩ની ચૂંટણીમાં બેનઝીર ભુટ્ટોને ફરીથી બહુમતી મળી, બીજી વખત વડાપ્રધાન બનેલા બેનઝીર ભુટ્ટોની બીજી ટર્મ ત્રણ વર્ષ અને ૧૭ દિવસમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સમેટાઈ ગઈ. વળી, નવાઝ શરિફ વડાપ્રધાન બન્યા, પણ કાર્યકાળ બે વર્ષનો જ રહ્યો. પરવેઝ મુશરર્ફે સત્તા હાથમાં લઈ લીધી. ઝફરુલ્લા જમાલી, સૌજત હુસૈન, શૌકત અઝીઝ જેવા ત્રણ વડાપ્રધાનો ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન બદલાયા. એક પણ પીએમની ટર્મ પૂરી ન થઈ. યુસુફ રઝા ગિલાની ૨૦૦૮થી ૨૦૧૨ દરમિયાન વડાપ્રધાનપદે રહ્યા, પરંતુ એની હાલત પણ પૂરોગામી જેવી જ થઈ. ટર્મ પૂરી થાય પહેલાં જ સુપ્રીમ કોર્ટના આદેશથી પદ છોડવું પડયું.

૨૦૧૩માં નવાઝ શરિફ ભારે બહુમતીથી ત્રીજી વખત ચૂંટાયા. એ વખતે નક્કી લાગતું હતું કે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ટર્મ પૂરી કરતા નથી એ સિલસિલો અટકશે, પરંતુ નાટયાત્મક રીતે ઘટનાક્રમ બદલાયો.૨૦૧૭માં પનામા પેપર્સમાં શરિફનું નામ ખુલ્યું અને મુદ્દો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટેનવાઝની બરતરફીનો આદેશ આપ્યો. એ પછી શાહિદ અબ્બાસીએ ૩૦૦ દિવસ સુધી પીએમપદનો કાર્યભાર સંભાળ્યો. ૨૦૧૮ની ચૂંટણીમાં ઈમરાન ખાનને જનાદેશ મળ્યો. ઈમરાન ખાન વડાપ્રધાનપદે ત્રણ વર્ષ અને ૨૧૧ દિવસ પૂરા કરી ચૂક્યા છે, પરંતુ હવે એના કાર્યકાળમાં દિવસો ગણાઈ રહ્યા હોવાનું કહેવાય છે. એક-બે વખત ઈમરાન ઉપરથી ઘાત ટળી ગઈ હતી, પણ આ વખતે તેમની હાલત પણ પૂરોગામી વડાપ્રધાનો જેવી થાય એવી શક્યતા નકારી શકાતી નથી.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન ૨૨મા વડાપ્રધાન છે. અગાઉના તમામ ૨૧ વડાપ્રધાનોએ અધવચ્ચે કાર્યકાળ અધૂરો મૂકવો પડયો છે અથવા તો અધવચ્ચેથી કાર્યકાળ શરૂ કરવો પડયો છે. એક પણ વડાપ્રધાને સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી. વડાપ્રધાન ગમે તેવી લોકપ્રિયતા મેળવીને પૂર્ણ બહુમતીથી ચૂંટાયા હોવા છતાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગયાના એકથી વધુ ઉદાહરણો પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં નોંધાયા છે.

રસપ્રદ વાત છે કે વડાપ્રધાનપદે સૌથી વધુ ચાર વર્ષ અને બે મહિના રહેવાનો વિક્રમ આજેય પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનના નામે બોલે છે! ૭૫ વર્ષમાં એ સિવાય ૨૧ વડાપ્રધાનો આવ્યા, પરંતુ એકેય વડાપ્રધાન એ રેકોર્ડ તોડી શક્યા નથી. તેના પરથી અંદાજ લગાવી શકાય કે પાકિસ્તાનમાં કેવી રાજકીય અસ્થિરતા રહેતી આવી છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પછી ઈમરાન ખાનથી પરિવર્તન આવશે - એના પર નજર રહેશે.

...તો ઈમરાન ખાનની સરકાર પડી જશે!

મોંઘવારી, બેરોજગારી, આર્થિક તંગદિલી જેવા વિવિધ મુદ્દે ઘેરાયેલા ઈમરાન ખાન હવે ચૂંટણીમાં ગરબડીના મુદ્દે પણ ઘેરાયા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરીયમ નવાઝે ઈમરાન ખાન સામે ચૂંટણીપંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ઈમરાન ખાને છૂટથી સરકારી સંસાધનોનો દૂરૂપયોગ કર્યો હોવાનો આરોપ મૂકીને વિપક્ષોએ ચૂંટણીપંચને ઈમરાન ખાન સામે પગલાં ભરવાની રજૂઆત કરી છે.

બીજી તરફ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ તો રજૂ થઈ ચૂક્યો છે. એ મુદ્દે આવતા સપ્તાહે સંસદગૃહમાં વોટિંગ થશે. એમાં વળી, પાકિસ્તાની સેનાના વડા કમર બાજવાએ તટસ્થ રહેવાની જાહેરાત કરીને ઈમરાન ખાનની મુશ્કેલી વધારી દીધી છે. અગાઉ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાયો ત્યારે ઈમરાન ખાનની સરકારે વિશ્વાસનો મત સાબિત કરી દીધો હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

ઈમરાન ખાનની સરકારમાં ભાગીદાર એવા ત્રણ પક્ષોએ વિપક્ષ સાથે હાથ મિલાવી લીધો છે. એ ત્રણ પક્ષોના કુલ ૨૦ સાંસદો છે. તે સિવાય નીચલા ગૃહમાં પૂર્વ વડાપ્રધાનો નવાઝ શરિફ અને બેનઝીર ભુટ્ટોના પક્ષનું સંખ્યાબળ ૧૬૩ થવા જાય છે. ઈમરાન ખાનની સરકાર દાવો કરે છે કે તેમની પાસે ૧૭૯નું સંખ્યાબળ છે, પરંતુ અત્યારે એ ઘટીને ૧૬૨નું થઈ ગયાનો વળતો દાવો થઈ રહ્યો છે. ઈમરાન ખાનની સમર્થક પાર્ટીઓ બીએપી, એમક્યૂએમ-પી અને પીએમએલ-ક્યૂએ હજુ સુધી તેનો કોઈ ચોક્કસ નિર્ણય જાહેર કર્યો નથી, તેનાથી પાકિસ્તાનના પીએમની ચિંતા વધી ગઈ છે.

Friday, 18 March 2022
Posted by Harsh Meswania

રશિયા-યુક્રેનના યુદ્ધે 17 લાખ લોકોને બેઘર બનાવ્યા

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 



ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા સદ્ધર દેશોના એક કરોડ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે!


ગોરખપુરના શાયર સાકી ફારૂકીનો એક શેર છે...

અબ ઘર ભી નહીં, ઘર કી તમન્ના ભી નહીં હૈ
મુદ્ત હુઈ સોચા થા કી ઘર જાયેંગે એક દિન


દુનિયામાં કરોડો લોકોની આ સ્થિતિ છે. ઘણાં શરણાર્થીઓએ વતનમાં પાછા જવાની ઈચ્છા જ મૂકી દીધી છે. એમાં રશિયા-યુક્રેનના યુદ્ધે વધારો કર્યો છે. યુએનની રેફ્યુજી એજન્સીના દાવા પ્રમાણે યુક્રેન-રશિયાના યુદ્ધથી ૧૭ લાખ લોકો બેઘર બન્યા છે. આ લોકો યુદ્ધપ્રભાવિત વિસ્તારોમાં રહેતા હતા. બંને તરફના હુમલાથી બચવા માટે આવા લોકોએ વતન છોડીને સલામત સ્થળની ખોજ શરૂ કરી હતી. કેટલાક પાડોશી દેશોમાં પહોંચ્યા છે, તો કેટલાકે જે દેશમાં આશરો મળે ત્યાં જવા દોટ મૂકી છે.

૨૧મી સદીમાં પણ શરણાર્થીની કટોકટી નિવારી શકાઈ નથી. હજુ તો અફઘાનિસ્તાનની શરણાર્થી કટોકટીનો ઉકેલ આવ્યો ન હતો ત્યાં યુક્રેનના શરણાર્થીઓ ભટકતા થઈ ગયા છે. સીરિયા-નાઈજિરિયા, આફ્રિકન દેશોમાં તો એક-એક દશકાથી લોકો દર-દર ભટકી રહ્યા છે. વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ રીતે ઘરવિહોણા થઈને ભટકતું જીવન જીવવા મજબૂર બની જાય છે.

આમ તો વિશ્વમાં ખરેખર કેટલાં લોકો હોમલેસ છે તે કળવું મુશ્કેલ છે. ચોક્કસ આંકડો તો કદાચ ગણ્યા-ગાંઠયાં દેશો પાસેથી મળી શકે. સર્વે તો બધા દેશોમાં થાય છે, પણ કઠણાઈ એ છે કે સર્વેમાં સાચો આંકડો ક્યારેય મળતો નથી. આકાશમાં જોઈને બાળકો તારાની ગણતરી કરે અને પછી થોડીવારે થાકીને ગણતરી પડતી મૂકે એવું હોમલેસ પીપલના કિસ્સામાં પણ થાય છે. ગણતરી ક્યારેય પૂરી થતી નથી.

છતાંય વિવિધ સર્વેક્ષણો પરથી જે તારણ નીકળ્યું હતું એ પ્રમાણે વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ લોકો બેઘર છે. હેબિટેટ ફોર હ્મુમિનિટી નામની વૈશ્વિક સંસ્થાએ તો ૨૦૧૫માં આ આંકડો બહુ મોટો હોવાનું કહ્યું હતું. આ સંસ્થાના દાવા પ્રમાણે દુનિયામાં ૧૬૦ કરોડ લોકો બેઘર છે! પણ આ સંખ્યામાં રહેઠાંણની અપૂરતી સુવિધા ધરાવતા લોકોનો ય સમાવેશ થયો હતો. બીજા અર્થમાં કહીએ તો ક્યાંક ઝુંપડપટ્ટી બાંધીને રહેતા લોકોને પણ બેઘરની યાદીમાં સમાવ્યા હતાં અને એ સાચું ય છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો ય શબ્દશઃ બેઘર લોકો જેટલાં જ કમભાગી છે. પણ જેમને ઉપર આભ અને નીચે ધરતી જ છે એવા લોકો વિશ્વમાં ૧૦થી ૧૨ કરોડ હોવાના અંદાજ સાથે લગભગ તમામ સર્વેક્ષણો સહમત થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આવા બેઘર લોકો ગરીબ અને વિકાસશીલ દેશોના જ છે. વિકસિત દેશો જેને 'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' કહીને ઉતારી પાડે છે એ એશિયા-આફ્રિકાના દેેશોમાં મોટાભાગના નિરાશ્રિતો હશે એવી ધારણાં એક ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ જાય તેવું સત્ય એ છે કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિયા, કેનેડા જેવા દેશો એક કરોડ નિરાધારોનું રસ્તે રઝળવા માટેનું આશ્રયસ્થળ છે!

એકલા રશિયામાં જ ૫૦ લાખ બેઘર લોકો રહે છે. અમેરિકામાં ૬ લાખ, જર્મનીમાં ૯ લાખ, ફ્રાન્સમાં ૩ લાખ, ન્યૂઝીલેન્ડમાં ૫ લાખ જેટલા બેઘરો રહે છે. આ સંખ્યા થોડાં વર્ષ પહેલાંના સર્વેક્ષણોના આધારે છે. એ પછી આ બધા દેશોઓ આપમેળે ક્યાં તો સર્વેક્ષણો કર્યા જ નથી, અથવા તો હોશિયારીપૂર્વક આંકડો બહુ ઓછો બતાવ્યો છે!

વિશ્વમાં સૌથી વધુ ૨.૪૫ કરોડ જેટલાં નિરાશ્રિતો એકલાં નાઈજિરિયામાં રહે છે. સાઉથ આફ્રિકામાં ૭૦ લાખ, ઝિમ્બામ્બેમાં ૧૨ લાખ, ઈન્ડોનેશિયામાં ૩૦ લાખ, હોન્ડુરાસમાં ૧૦ લાખ જેટલા હોમલેસ પીપલ રહેતા હોવાનો અંદાજ છે. ચીનમાં તો આવા કોઈ સર્વેક્ષણો થતાં નથી, પણ વિવિધ સંસ્થાઓએ અખબારી અહેવાલોના આધારે અંદાજ કાઢ્યો હતો એ પ્રમાણે ૨૦૧૧માં ચીનમાં લગભગ ૨૫ લાખ લોકો નિરાશ્રિત હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોનો તો આંકડો જ ઉપલબ્ધ નથી. પણ આ દેશોમાં ૭૦ લાખથી ૧ કરોડ લોકો આશ્રય વિહોણા હોવાનું મનાય છે. ભારતમાં પણ ૧૮ લાખ જેટલાં લોકો બેઘર હોવાનું અહેવાલોમાં કહેવાતું આવે છે.

આ આંકડાંમાં હવે યુક્રેન-રશિયાના વધુ ૧૭થી ૨૦ લાખ કમભાગી લોકોનો સમાવેશ થયો છે. યુએનના હાઈકમિશ્નરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું એ પછી તુરંત શરણાર્થીઓની સંખ્યા વધવા માંડી હતી. બે સપ્તાહમાં જ એ આંકડો ૧૭ લાખને પાર પહોંચી ગયો હતો. યુક્રેનમાંથી ભટકીને સાતથી આઠ લાખ લોકો પોલેન્ડમાં આવી ગયા હતા. હંગેરીમાં દોઢ લાખ યુક્રેની નાગરિકો પહોંચ્યા હતા, તો સામ-સામા ફાયરિંગથી જીવ બચાવીને બે લાખ જેટલાં લોકો સ્લોવાકિયા આવી ગયા હતા. યુએને તો ત્યાં સુધી ચિંતા વ્યક્ત કરી હતી કે જો બંને દેશો કટોકટી ચાલતી રહેશે તો ૪૦ લાખ લોકો શરણાર્થી બની જશે. પાડોશી દેશોની સરહદમાં પ્રવેશવા માટે ૧૦-૧૦ કિલોમીટરની લાંબી લાઈન લગાવીને લોકો ઉભા રહી ગયા છે.

૨૧મી સદી માહિતીની સદી છે, ટેકનોલોજીની સદી છે, સુખ-સુવિધા-સગવડની સદી છે, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની સદી છે. સાયન્સની સદી છે, છતાં શરણાર્થી કટોકટી દિવસે દિવસે વકરતી જાય છે. બ્રહ્માંડના ખૂણે ખૂણે હાજરી નોંધાવવા બેતાબ માનવજાત એ માટે કરોડો અબજો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ ૨૧મી સદીના બબ્બે દશકા વીતી જવા છતાં આપણે કરોડો લોકોને નિયમિત બે ટંકનું ભોજન અને માથે સુરક્ષિત છત, ઘરમાં પીવાનું પાણી, સૂવા માટે સગવડભર્યો બેડ આપી શકવા સક્ષમ બન્યા નથી એ કમનસીબી ગણાવી જોઈએ.

કોરોનાની મહામારીએ એક કરોડ લોકોને સ્થળાંતર માટે મજબૂર બનાવ્યા

કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં એક કરોડ કરતાં વધુ લોકોએ સ્થળાંતર કરવું પડયું હતું. કોરોના મહામારી ત્રાટકી ત્યારે શહેરો-કસ્બાઓમાં રહેતા લાખો લોકોએ છેવાડાંના ગામડાંમાં જઈને રહેવા મજબૂર બનવું પડયું હતું. આમેય હિંસા અને કુદરતી આફતોના કારણે દુનિયામાં ચાર કરોડ લોકો પોતાના દેશમાં જ વિસ્થાપિત થઈને જીવન જીવે છે. દુનિયામાં સરેરાશ ૯૫ લોકોમાંથી એક વ્યક્તિ રેફ્યુજી છે અથવા સ્થળાંતર કરીને પોતાના વતનથી દૂર ક્યાંક રહેવું પડે છે. ૮૬ ટકા શરણાર્થીઓ વિકાસશીલ દેશોમાં રહે છે.

2018 થી 2020 દરમિયાન 10 લાખ બાળકો રેફ્યુજી કેમ્પમાં જન્મ્યા

ઉપર આભ ને નીચે જમીન હોય એવી સ્થિતિમાં રહેતા લોકોના કમભાગી બાળકો એક પણ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હોય એવી સ્થિતિ પણ સર્જાય છે. વિવિધ દેશોમાંથી ભાગીને કોઈ બીજા જ દેશના શરણાર્થી કેમ્પોમાં રહેતા પેરેન્ટ્સને ત્યાં ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન લગભગ ૧૦ લાખ બાળકોનો જન્મ થયો હતો. એમાંથી અડધો અડધ બાળકોને શાળા નસીબ થતી નથી. એમનું જીવન પણ તેમના માતા-પિતાની જેમ યાતનામાં જ વીતે છે.

Friday, 11 March 2022
Posted by Harsh Meswania

અમેરિકાની ઘટતી સૈન્ય સક્રિયતા તાઈવાન ગળી જવામાં ચીનને મદદ કરશે!

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


યુક્રેન-રશિયાના યુદ્ધ પહેલાં અમેરિકા જેવું ગાજતું હતું એવું વરસ્યું નહીં. સૈન્યશક્તિ, કૂટનીતિ કે આર્થિક પ્રતિબંધો જેવા શસ્ત્રો અમેરિકાએ ઉગામ્યા છતાં રશિયા ઉપર તેની અસર ન થઈ. એ પછી હવે જિનપિંગ તાઈવાનને ગળી જાય તો નવાઈ નહીં રહે.

 

વિદેશનીતિમાં હોંકારા-પડકારા કરવા, ગર્ભિત ધમકીઓ આપવી, ચિમકીભર્યા નિવેદનો વહેતા કરવા, પ્રતિબંધોની વાતો વહેતી કરવી, તંગદિલી વચ્ચે સંવાદ સાધવાની ઈચ્છા જાહેર કરવી, સંવાદ ચાલતો હોય ત્યારે એક બીજા દેશનું નાક દબાવવા ઉશ્કેરણીજનક બયાન રજૂ કરવા, હરિફ દેશના હરિફ સાથે સોદા પાર પાડવા, એ દેશ સાથે મજબૂત સંગઠન કરવું, લશ્કરી કવાયત હાથ ધરવી વગેરેનું ખૂબ મહત્વ છે. એમાં મૂકાયેલા સંકેતનો અભ્યાસ કરીને વિદેશનીતિમાં સામ-સામી રણનીતિ ઘડાતી હોય છે. અમેરિકાને એમાં સારી ફાવટ છે. કોલ્ડવોરના સમયે હોંકારા-પડકારા કરીને જ આમ તો અમેરિકાએ રશિયાને પરાસ્ત કર્યું હતું. દુશ્મન દેશના સમર્થક એવા કોઈ નાના દેશમાં એક નહીં તો બીજી રીતે સૈન્ય ઉતારીને સૌથી મોટા દુશ્મન દેશને મેસેજ આપવો એ અમેરિકાની પદ્ધતિ રહી છે. શક્તિશાળી સૈન્યનું શક્તિપ્રદર્શન કરીને અમેરિકા ધાર્યા નિશાન પાર પાડતું આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક પ્રમુખો બદલાયા છતાં અમેરિકાની વિદેશનીતિમાં ધરમૂળથી કહેવાય એવા ફેરફારો બહુ થયા નથી.

 

પરંતુ છેલ્લાં થોડા સમયમાં જે દૃશ્યો જોવા મળી રહ્યા છે તે હવે અમેરિકાના આધિપત્ય બાબતે ફેરવિચારણા કરવા પ્રેરે છે. અમેરિકા હોંકારા-પડકારા કરીને કામ કઢાવી જાણે છે તે જગજાહેર થઈ ચૂક્યું છે. વૈશ્વિક સંસ્થાઓને માતબર ફંડિંગ આપીને પોતાની તરફેણમાં લાવવાની અમેરિકાની વ્યૂહરચના હવે અછતી રહી નથી. ઈનફેક્ટ, ચીન અદ્લ એ જ સ્ટ્રેટેજી અજમાવતું થઈ ગયું છે. કોરોના મહામારી વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વલણ ચીન તરફ નરમ રહેતું હતું તેનું એક કારણ ચીનની ફંડિંગ સ્ટ્રેટેજી હતી, જે અમેરિકા પાસેથી કોપી-પેસ્ટ થઈ હતી! અમેરિકાની મોનોપોલી હવે છ-સાત દશકામાં પૂરી થઈ હોય એવી ઘટનાઓ એક પછી એક બની રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્યને પાછું બોલાવાયું ત્યારે જ વિશ્વભરના નિષ્ણાતોએ એ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો હતો. યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકાના નેતૃત્વમાં નાટોના સૈન્યની સક્રિયતા વખતે એવી ધારણા હતી કે અમેરિકા યુક્રેનને બચાવવા ખરેખર આક્રમક બનશે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ નોતરશે. પરંતુ રશિયાએ હુમલા શરૂ કર્યા ત્યારે અમેરિકાએ ધમકીઓ આપીને કામ ચલાવ્યું. યુક્રેનને રશિયા પાયમાલ કરવા જાણે એકલું મૂકી દીધું. અમેરિકાના ભરોસે યુક્રેને રશિયા સામે લડવાની તૈયારી બતાવી હતી, પરંતુ રશિયાને એક પણ રીતે દબાવવામાં અમેરિકાને સફળતા ન મળી. માત્ર ઠાલી ધમકીઓ આપીને કામ કઢાવી લેવાનો અમેરિકાનો વ્યૂહ ખુલ્લો તો પડયો જ, બેઅસર ય સાબિત થયો.

 

અમેરિકાના વાદળો માત્ર ગર્જના કરશે, વરસશે નહીં એ જોયાં પછી રશિયા તો આક્રમક બન્યું જ બન્યું, ચીન પણ સક્રિય થયું છે. યુક્રેન-રશિયાની આખી સ્થિતિના આધારે, એ જ પદ્ધતિથી ચીન તાઈવાન ઉપર હુમલો કરીને ચીનનો અભિન્ન હિસ્સો બનાવી દેવાની તૈયારીમાં પડી ગયું  છે. દુનિયાનું ધ્યાન રશિયા-યુક્રેન કટોકટી ઉપર મંડાયેલું હોવાથી ચીન-તાઈવાનની ગતિવિધિ ખાસ નજરે ચડતી નથી. અવારનવાર તાઈવાનની વાયુસીમામાં ઘૂસી જતાં ચીનના યુદ્ધવિમાનો ગમે ત્યારે તાઈવાનના એકાદ શહેરને નિશાન બનાવી શકે છે. યુક્રેન તો હજુય મોટો દેશ છે અને લડત આપી શકવાની સ્થિતિમાં છે. તાઈવાન-ચીનના કિસ્સામાં તો એવી શક્યતા જ ઓછી છે. તાઈવાનનું ચીનને લડત આપવાનું કોઈ જ ગજુ નથી. ચીને યુદ્ધજહાજોનો કાફલો પણ તાઈવાનની જળસીમા નજીક ગોઠવીને રાખ્યો છે. તાઈવાને અનેક વખત એવી દહેશત વ્યક્ત કરી છે કે ચીન ગમે ત્યારે હુમલો કરી શકે છે. ચીનની છેલ્લાં થોડા દિવસની ગતિવિધિના આધારે ફરીથી એ ભીતિ ઉપસી છે. આ સપ્તાહે ચીનના નવ યુદ્ધવિમાનોનો કાફલો તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસ્યો હતો. શક્તિપ્રદર્શન કરીને એ કાફલો પાછો ફર્યો હતો.

 

એ ઘટનાના થોડા દિવસ પછી ચીન તરફથી ફુગ્ગા ઉડતા ઉડતા તાઈવાનમાં આવી પહોંચ્યા હતા. એ લશ્કરી ફુગ્ગાઓ હવામાનનો અભ્યાસ કરી રહ્યા હોવાનો દાવો થયો હતો, પરંતુ ફુગ્ગાના આધારે એક મેપ બનતો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. યુક્રેન-રશિયાના કિસ્સામાં અમેરિકાની ખાસ અસર વર્તાઈ નહીં એ સમજ્યા પછી ચીને તાઈવાન નજીક સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે. યુક્રેન મુદ્દે રશિયાને સમર્થન આપીને ચીન તાઈવાનના કેસમાં રશિયાનું સમર્થન મેળવશે. અમેરિકાના ઠાલા હોંકારા-પડકારા કરીને ડરાવશે, કોઈ એક્શન લેશે નહીં એ માન્યતા યુક્રેન-રશિયા કટોકટીમાં વધુ સ્ટ્રોંગ બની છે. ચીન તેનો ફાયદો ઉઠાવવા બેતાબ છે.


અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનની ચર્ચા શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન સાથે ઝંપલાવવા માગે છે એટલે પ્રમુખપદની ચૂંટણી હાર્યા પછી ય બાઈડનની નીતિની ટીકા કરતા રહે છે. બાઈડનની વિદેશનીતિને ભૂલભરેલી ગણાવીને ટ્રમ્પે એકથી વધુ વખત ઝાટકણી કાઢી છે. અફઘાનિસ્તાનમાંથી સૈન્યને પાછું ખેંચવાના બાઈડનના નિર્ણયની પણ ટ્રમ્પે ટીકા કરી હતી. યુક્રેન-રશિયાના મુદ્દે અમેરિકાએ માત્ર ગર્જના કરી તેને ટ્રમ્પે ખૂબ જ આઘાતજનક ગણાવીને બાઈડનને વિદેશનીતિમાં, કૂટનીતિમાં સરિયામ નિષ્ફળ ગણાવ્યા હતા. અમેરિકાએ નાટોના સૈન્યને એક્ટિવ કરવાની જરૂર હતી એમ માનતા ટ્રમ્પે ત્યાં સુધી કહ્યું હતું કે બાઈડને અફઘાનિસ્તાન અને યુક્રેનના કેસમાં પીછેહઠ કરીને અમેરિકાનું આધિપત્ય ઓછું કર્યું છે. પૂર્વ પ્રમુખના કહેવા પ્રમાણે યુક્રેન-રશિયાના કેસને જોયા પછી ચાલાક જિનપિંગ તાઈવાન ઉપર હુમલો કરશે અને યુક્રેન-રશિયાને ટાંકીને વિશ્વને એમાં દખલગીરી કરતા અટકાવશે. ટ્રમ્પે કહ્યુંઃ ચીનના ચાલાક પ્રમુખ જિનપિંગ બધુ જ જોઈ રહ્યા છે. ચીનના પ્રમુખ તો યુક્રેન-રશિયા કટોકટીમાં અમેરિકા બેઅસર દેખાયું તેનાથી ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે. અમેરિકાનું શાસન બેવકૂફ લોકોના હાથમાં હોવાથી તાઈવાનના સાર્વભૌમત્વ સામે પડકાર ખડો થયો છે.

 

ટ્રમ્પના આ નિવેદન પછી વિશ્વભરના વિદેશનીતિના નિષ્ણાતો તાઈવાન ચીનના હુમલાનો ભોગ બનશે એવી દહેશત વ્યક્ત કરવા લાગ્યા છે. આ બંનેનું જોઈને બીજા દેશો પણ આવું કરતા થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય!

વર્લ્ડ અપડેટ

- યુક્રેન ઉપર રશિયાના હુમલા પછી એપલ, નેટફ્લિક્સ, ગૂગલ જેવી ટોચની કંપનીઓએ રશિયામાં સર્વિસ બંધ કરી હતી. વિશ્વભરની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓએ આ રીતે રશિયા ઉપર દબાણ લાવવાની કોશિશ કરી હતી.

- યુક્રેન-રશિયા કટોકટીના કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે. ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. ભાવ કાબૂમાં રહે તે માટે અમેરિકા ત્રણ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ દુનિયાને આપશે. એમાં ૩૦ દેશોનો સહકાર મળશે.

- વર્લ્ડ બેંકે રશિયા અને બેલારૂસના બધા જ પ્રોજેક્ટને રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. યુક્રેન ઉપર થયેલા હુમલાના વિરોધમાં વર્લ્ડ બેંકે આ પગલું ભર્યું હતું.

- ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. અમેરિકાએ શરૂઆતથી જ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો એ પછી અમેરિકાને વધુ એક બહાનુ મળી ગયું છે. અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના અધિકારીઓ છૂટાછવાયા નિવેદનો આપીને કહી રહ્યા છે કે અમેરિકા ભારત ઉપર પ્રતિબંધ મૂકશે.

Friday, 4 March 2022
Posted by Harsh Meswania

 યુક્રેન કટોકટી : રશિયા પર ભારત આર્થિક-સંરક્ષણ ક્ષેત્રના પ્રતિબંધ મૂકે તે માટે અમેરિકા-યુરોપનું દબાણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તે સાથે જ દુનિયામાં મહાયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. નાટોના ૩૦ સભ્યદેશો એમાં જોડાશે એ પછી રશિયાની તરફેણના દેશો પણ સામેલ થઈ શકે છે, ભલે સીધી રીતે ભારત યુદ્ધમાં ન જોડાય છતાં સંરક્ષણ અને આર્થિક બાબતોમાં અસર પડયા વગર રહેશે નહીં


યુદ્ધસ્ય કથાઃ રમ્યાઃ. કહે છે, યુદ્ધની કથાઓ રમ્ય-મનોહર હોય છે, પરંતુ યુદ્ધ સ્વયં ક્યારેય મનોહર હોતું નથી. યુદ્ધ કાયમ ખુવારી લઈને જ આવે છે. કોઈપણ યુદ્ધ તેની અસર છોડયા વગર જતું નથી. એવી જ અસર હવે દુનિયાએ ભોગવવાની આવી છે.

અમેરિકાની વારંવારની ચેતવણીઓને અવગણીને આખરે રશિયાએ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી કરી દીધી છે. યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટ થયાના દાવા વચ્ચે નાટો સંગઠન સક્રિય બન્યું છે. યુક્રેનના સમર્થનમાં આવવાની અગાઉથી જાહેરાત કરનારા નાટોનું સૈન્ય મેદાનમાં ઉતર્યું કે તરત આ જંગ યુક્રેન-રશિયાનો રહેશે નહીં, અમેરિકા-રશિયાનો જંગ બની જશે. આવી સ્થિતિમાં દુનિયાભરમાં વત્તા-ઓછા અંશે તેની અસર પડવાની શક્યતા છે અને એમાં ભારત પણ બાકાત રહેશે નહીં.

ભારતે વધુ એક વખત નેહરુની બિનજોડાણવાદની નીતિ અપનાવ્યે છૂટકો છે. કારણ કે ભારતને રશિયા અને અમેરિકા બંને સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધો છે. રશિયા સાથે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે ભારત છેલ્લા ૬૦ વર્ષથી કરાર કરતું આવ્યું છે. તો અમેરિકા સાથેના સંરક્ષણ સંબંધો છેલ્લાં દોઢ-બે દશકાથી વધ્યા છે. અમેરિકા-ભારતના સંબંધો પણ આર્થિક, સંરક્ષણ જેવા મહત્વનાં ક્ષેત્રમાં મજબૂત છે. જો ભારત સ્પષ્ટ રીતે કોઈ એક દેશનું સમર્થન કરવાની ભૂલ કરે તો લાંબાંગાળે તમામ ક્ષેત્રમાં તેની અસર થયા વગર ન રહે. અમેરિકા ભલે જગત જમાદાર છે, પરંતુ આપણે તો રશિયા વગર પણ ચાલે તેમ નથી. ભારતના ઘણા સંરક્ષણ પ્રોજેક્ટ રશિયાના સહયોગથી ચાલે છે. અમેરિકા જ્યારે ભારતને અમુક સંરક્ષણ સામગ્રી આપતું ન હતું ત્યારે રશિયાએ આપવાની પહેલ કરી હતી. મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ પણ રશિયાએ આપી છે.

ભારતની સરકાર આ મુદ્દે બિનજોડાણવાદની નીતિ અપનાવીને તટસ્થ રહેશે તો ય અમેરિકા અને યુરોપિયન સંઘના દબાણથી બચવાનું કામ કૂનેહથી કરવું પડશે. ભારત જેવા જે મહત્વના દેશો છે તેમનો સીધો નહીં તો આડકતરો ટેકો લઈને અમેરિકા રશિયા ઉપર હાથ ઉપર રાખવાની પેરવી કરશે. અમેરિકા વધુ એક વખત એ સિદ્ધ કરવાની કોશિશ કરશે કે આજેય અમેરિકાના સમર્થનમાં દુનિયાભરના દેશો ઉભા રહ્યા છે. એવું કરવા માટે અમેરિકા ભારત જેવા તટસ્થ દેશોને એમ તો નહીં કહે કે તમે ય સૈન્ય મોકલો, પરંતુ બીજી રીતે દબાણ લઈ આવશે. રશિયાની આક્રમકતાને ઓછી કરવા માટે પાઠ ભણાવવો જરૂરી છે અને એના માટે પ્રતિબંધો મૂકવા જરૂરી છે - એવી દલીલ કરીને અમેરિકા પ્રતિબંધો મૂકશે.

અમેરિકાના નેતૃત્વમાં નાટોને દેશો રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લાગુ પાડશે. તે અંતર્ગત રશિયા સાથે સંરક્ષણ અને આર્થિક સોદા અટવાઈ પડશે. રશિયામાંથી આયાત ઓછી કરીને તેને આર્થિક ફટકો પાડવાનું અમેરિકાનું પહેલું લક્ષ્ય છે. એવું કરવા માટે ભારત ઉપર વહેલા મોડું દબાણ આવશે. દોસ્તીની દુહાઈ આપીને અમેરિકા-બ્રિટન-યુરોપિયન સંઘ ભારત સમક્ષ રશિયા ઉપર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરશે.

એમાં સૌથી પહેલા હશે સંરક્ષણ સોદો. આમેય ભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સોદો થયો તે અમેરિકાને ક્યાયનો ખટકે છે. અત્યારે તો જેમ તેમ કરીને ભારતે અમેરિકાને એસ-૪૦૦ની જરૂરિયાત વિશે સમજાવીને વાત ટાળી હતી, પરંતુ અમેરિકા તેનું મહત્વ સાબિત કરવા વચ્ચે વચ્ચે દાણો દબાવી જાણે છે. થોડા મહિના પહેલાં જ્યારે ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું ઈન્સ્ટોલેશન શરૂ કર્યું ત્યારે અમેરિકાનું નિવેદન આવ્યું હતું કે હજુ અમેરિકન સરકારે ભારત સામે આ સોદા બદલ પ્રતિબંધ મૂકવાનું સાવ માંડી વાળ્યું નથી. એ અંગે વિચારણા ચાલે છે.

હવે જ્યારે યુક્રેન-રશિયા વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે ત્યારે ભારત ઉપર વધુ એક વખત દબાણ થશે. ઈરાન-અમેરિકા વચ્ચે સંબંધો તંગ બન્યા અને ઈરાને ન્યૂક્લિયર બનાવવા માટે બેફામ યુરેનિયમનો જથ્થો સંગ્રહ કરવા માંડયો ત્યાર અમેરિકાએ ભારત ઉપર દબાણ કર્યું હતું કે ભારતની સરકાર ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરી દે. ભારતે એ દબાણમાં આવીને થોડી બ્રેક પણ લગાવી હતી. અદ્લ એ જ તર્જ ઉપર અમેરિકા ભારતને દબાણ કરશે કે રશિયા ઉપર પ્રતિબંધો લાગુ કરો. ભારત એવું કરે તો એમાં રશિયાને તો નુકસાન ખરું જ, પરંતુ ભારતને પણ ફટકો પડયા વગર ન રહે.

ભારત-રશિયાના ડિફેન્સ સોદાઓમાં લાંબાંગાળાની અસરો પડે. ઘણાં કરારો ઘોંચમાં પડી જાય. રશિયા-યુક્રેનની કટોકટીના પગલે રશિયા ઉપર પ્રતિબંધ મૂકાવવાનું શરૂ થશે કે તરત જ ખનિજતેલના ભાવ એકાએક વધી જશે. તેની સીધી અસર ભારતને થશે. ભારત દુનિયાનો ત્રીજા નંબરનો ખનિજતેલ આયાત કરનારો દેશ છે. ભારતમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયે પહોંચી ચૂક્યું છે ત્યારે હવે જો ક્રૂડના બેરલના ભાવ વધે તો ભાવવધારો કાબૂ બહાર પહોંચી જાય. પેટ્રોલિયમના ભાવ વધે તે સાથે જ ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ઔર મોંઘું થાય. એની સાથે સાથે અનાજ કરિયાણું પણ મોંઘું થાય. ટ્રાન્સપોર્ટેશન સાથે જેને સીધો સંબંધ છે એવી શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં થોડો વધારે ભાવવધારો ઝીંકાશે.

રાહત એ વાતે છે કે ભારત એ સિવાયની ચીજવસ્તુઓ રશિયાથી આયાત નથી કરતું. ભારત-રશિયા વચ્ચે નિયમિત આયાત-નિકાસનું પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના એક્સપોર્ટમાં રશિયાની હિસ્સેદારી માત્ર ૦.૮ ટકા છે. તો ભારતના ઈમ્પોર્ટમાં પણ રશિયાની હિસ્સેદારી ૧.૫ ટકાથી વધારે નથી. ૨૦૨૦-૨૧માં ભારતે રશિયાને ૨.૬ અબજ ડોલરની નિકાસ કરી હતી અને ૫.૫ અબજ ડોલરની આયાત કરી હતી. તેના કારણે ચીજવસ્તુઓની અછતનો મુદ્દો સર્જાય એવી શક્યતા બહુ જ ઓછી છે.

પરંતુ હા, ભારતને અમેરિકા-યુરોપિયન દેશો સાથે મોટાપાયે આર્થિક વહેવારો છે. જો અમેરિકા અને યુરોપિયન સંઘ ભારત ઉપર એમ દબાણ લાવે કે રશિયા સાથે સંબંધો કાપી નાખો નહીંતર યુરોપ-અમેરિકા સાથેના સંબંધો ઉપર આયાત-નિકાસમાં અસર થશે તો ભારતને મુશ્કેલીમાં મૂકાવું પડે. એમ ન થાય તો ય ભારતમાં આ યુદ્ધની અસર પડયા વગર ન રહે. આ યુદ્ધથી યુરોપમાં આર્થિક-રાજકીય કટોકટી સર્જાય તો તેની સીધી અસર ભારતના આયાત-નિકાસ પર પડશે.

અમેરિકા-રશિયાના ઘર્ષણથી ચીનને ફાયદો

 
કોરોના મહામારી પછી દુનિયાભરમાં ચીન વિલન બની ગયું હતું. દુનિયાભર આખી ચીનની અવળચંડાઈ સામે અમેરિકાના સમર્થનમાં દેખાતી હતી. ચીન-અમેરિકાની ટ્રેડવોરથી ચીનની સરકારી કંપનીઓને મોટો ફટકો પડયો હતો. ચીને ઘણું માર્કેટ ગુમાવવું પડયું હતું. પરંતુ હવે દુનિયાને (ખાસ તો અમેરિકા અને નાટોને) રશિયા નામનો નવો વિલન મળી ગયો છે. ચીન આ ઘર્ષણનો લાભ લઈને આર્થિક પગપેસારો વધારશે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉઈઘુર મુસ્લિમો, વેપારમાં અસમાનતા, દક્ષિણ ચીની સમુદ્ર, માનવ અધિકારો જેવા મુદ્દે ચીનને ઘેરવાની અમેરિકાની નીતિ હતી, પરંતુ હવે રશિયા કેન્દ્ર સ્થાને આવી ગયું હોવાથી ચીન આ બંને દેશોની લડાઈમાં ચુપચાપ પોતાની શક્તિ-સામર્થ્ય વધારવામાં પડી ગયું છે.
Friday, 25 February 2022
Posted by Harsh Meswania

નેપાળ : અમેરિકા-ચીનની પાવરગેમનો શિકાર બનેલો દેશ

 વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા




નેપાળમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ ચીનના હિતો જાળવવા કેટલીય નેપાળની પાર્ટીઓ સક્રિય થઈ છે, તો બીજી તરફ અમેરિકાએ નિર્ણય લેવા માટે 10 દિવસનો સમય આપીને વડાપ્રધાન પર દબાણ વધાર્યું છે

 મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન. જ્યોર્જ બુશે અમેરિકાની આ એજન્સીની સ્થાપના ૨૦૦૪માં કરી હતી. ધનવાન અને ગરીબ દેશો વચ્ચે સેતુ રચાય તે માટે આ એજન્સી બની હોવાનું એ વખતે જ્યોર્જ બુશે કહ્યું હતું. એ એજન્સીના માધ્યમથી અમેરિકાએ ગરીબ દેશોને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. વિકાસ સાધવા માગતા દેશો જો અમેરિકાએ નક્કી કરેલા માપદંડોમાં બંધ બેસે તો તેમને રસ્તા બાંધવા કે વીજ ઉત્પાદન કરવામાં અમેરિકા કરશે એવી જાહેરાત થઈ હતી. એ માટે પહેલા વર્ષે જ અમેરિકન કોંગ્રેસે ૬૫ કરોડ ડોલરનું ફંડ ફાળવ્યું હતું. આ એજન્સીની સ્થપના થઈ તેના પહેલા જ વર્ષે ૧૭ દેશો એ ગ્રાન્ટ મેળવવા માન્ય ઠર્યા હતા. જોકે, વિવિધ પ્રક્રિયા ચાલતી રહી એટલે ૨૦૦૬ સુધી એકેય દેશને ગ્રાન્ટ મળી ન હતી. માડાગાસ્કર અને હોન્ડુરાસ આ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવનારા પ્રથમ બે દેશો બન્યા હતા. ગરીબ-અમીર દેશો વચ્ચે સેતુ બનાવવાના ભાગરૂપે શરૂ થયેલી આ એજન્સીના માધ્યમથી અમેરિકાનો મૂળ હેતુ આવા દેશો ઉપર પ્રભાવ વધારવાનો હતો. ખાસ તો રશિયા- ચીનના વધતા પ્રભાવ વચ્ચે અમેરિકાએ જગત જમાદારી જાળવી રાખવા માટે આ ગ્રાન્ટ શરૂ કરી હતી.


આ ગ્રાન્ટ મેળવવા ૨૦ માપદંડો બનાવવામાં આવ્યા છે. એમાંથી જેટલા માપદંડોનું પાલન વધારે થતું હોય એ દેશને ગ્રાન્ટ માટે માન્ય ગણવામાં આવે છે. નાનકડા દેશોને મૂળભૂત સુવિધા વિકસાવવા માટે આ રકમ મળે છે. ૬૦થી ૭૦ રકમ અમેરિકા આપે છે અને તે સિવાયની રકમ જે તે દેશની સરકાર પ્રોજેક્ટ માટે ફાળવે છે. ૨૦૧૭માં નેપાળ રસ્તા બાંધવા અને વીજ ઉત્પાદન કરવાના હેતુ માટે ગ્રાન્ટ મેળવવા યોગ્ય ઠર્યું હતું. મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના માપદંડોમાં ખરો ઉતરનારો નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો. અમેરિકાએ નેપાળને ૫૦ કરોડ ડોલરની રકમ આપવાની તૈયારી બતાવી હતી. એ પછી નેપાળની રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ એટલે કોર્પોરેશન સાથેનો કરાર લટકી ગયો.

હવે અમેરિકાએ નેપાળની સરકાર સામે નવી ડેડલાઈન મૂકી હોવાથી નેપાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગ્રાન્ટની રકમ મેળવવી હોય તો ૨૮મી ફેબુ્રઆરી સુધીમાં નેપાળની સંસદ એને મંજૂરી આપે નહીંતર કરાર રદ્ ઠરાવીશું એવું નિવેદન મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના પ્રમુખે આપ્યું તે પછી નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સક્રિય બન્યા છે, પણ વડાપ્રધાનની સક્રિયતા ચીની સમર્થક નેતાઓને ખૂંચી છે. જો નેપાળ અમેરિકાની આ સહાય મેળવે તો એનો પ્રભાવ વધે. એવું થાય તે ચીનને બિલકુલ માન્ય નથી. ચીનની દોરવણીથી નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વિરોધ શરૂ કર્યો છે. તેના પગલે પગલે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના સહયોગી નેતાઓ - પુષ્પ કમલ દહલ અને માધવ નેપાલે પણ આ કરાર સામે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.

 

૨૮ મી ફેબુ્રઆરી પહેલાં નેપાળની સંસદમાં મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનના કરારને મંજૂર કરવા માટે વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ ગઠબંધન સહયોગીઓ પુષ્પ કમલ દહલ અને માધવ નેપાળ સાથે બેઠક કરી હતી. બંને નેપાળની સંસદમાં સમર્થન આપીને આ કરાર મંજૂર કરાવે તેવી માગણી શેર બહાદુરે મૂકી હતી, પરંતુ સહયોગી પાર્ટીના નેતાઓ એ બાબતે આડા ફાટયા છે. ગઠબંધન સહયોગીએ વડાપ્રધાનને એવું સૂચન કર્યું કે અમેરિકા પાસેથી વધુ છ મહિનાનો સમય મેળવવો જોઈએ. પરંતુ અમેરિકા એવી રજૂઆત માન્ય કરશે નહીં એ સમજતા શેર બહાદુરે નેપાળના વિકાસ માટે આ કરારને મંજૂર કરવા પર ભાર મૂક્યો હતો.

50 કરોડ ડોલરની આ રકમમાં નેપાળ 10.3 કરોડ ડોલરની રકમ ઉમેરાશે અને એ ફંડમાંથી નેપાળમાં પાવર ટ્રાન્સમિશન લાઈન નાખવાની સાથે સાથે ૩૦૦કિલોમીટરના હાઈ-વે અપડેટ થઈ જશે. આગામી ચૂંટણી પહેલાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની નેપાળના વડાપ્રધાનની ગણતરી છે. આ ગ્રાન્ટથી અમેરિકા-નેપાળ વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે. ભવિષ્યમાં અમેરિકા સાથે બીજા આર્થિક કરારો કરવાનું સરળ બનશે. અમેરિકા-નેપાળના કરારો થાય તો ચીનનો પ્રભાવ ઘટે. કેપી શર્મા ઓલી ચીન સમર્થક નેતા છે. ઓલી વડાપ્રધાન હતા ત્યારે ચીનના ઈશારે ભારત-નેપાળના સંબંધો પણ બગડયા હતા. ભારતના ઘણાં ગામડાંને નેપાળે એનો હિસ્સો ગણાવીને વિવાદ સર્જ્યો હતો. એ પછી નેપાળમાં રાજકીય કટોકટી સર્જાઈ હતી. ઓલી નેપાળમાં અમેરિકા-ભારતનો પ્રભાવ વધારવાની તરફેણમાં નથી. એટલે જ ચીનના ઈશારે અમેરિકાના આ કરારનો પણ વિરોધ શરૃ થયો છે. ચીન સમર્થિત અન્ય નેતાઓ પણ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની સમજૂતીનો વિરોધ કરવા માંડયા છે.

ચીન નેપાળને ગળી જવાની વેતરણમાં છે. સતત આર્થિક બોજમાં દબાવીને નેપાળને આધિન કરવા ઈચ્છતા ચીન માટે અમેરિકાનો આ કરાર અવરોધ સર્જી શકે છે. એક વખત અમેરિકા-નેપાળના સંબંધો મજબૂત બને તો ભારત-નેપાળના સંબંધો ઉપર તેની અસર પડયા વગર રહે નહીં. ચીન આવી સ્થિતિ આવવા દેવા ઈચ્છતું ન હોવાથી અત્યારે નેપાળના નેતાઓને અંદરો અંદર લડાવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડન નેપાળમાં પ્રભાવ પાથરીને ચીનનું નાક દબાવવા માગે છે એટલે અમેરિકાએ ચાર વર્ષ પહેલાં થયેલા કરારની ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરી છે. ચીન અમેરિકાની ચાલને બરાબર સમજે છે એટલે ઓલી સહિતના સમર્થક નેતાઓના જોરે મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશનની ફાઈલને કચરાપેટીમાં પધરાવી દેવા માગે છે. પણ એ બંનેની પાવરગેમમાં નેપાળ બરાબર સપડાઈ ગયું છે. શેર 'બહાદુર' સાબિત થશે કે પાંજરે પૂરાશે એ જોવું રહ્યું!

વર્લ્ડ અપડેટ

યુક્રેન-રશિયા કટોકટી વચ્ચે નાટોમાં સામેલ થવા બાબતે યુક્રેનના પ્રમુખ જનમત સંગ્રહ કરાવવાની તૈયારીમાં

રશિયાના સમર્થક દેશ બેલારૃસે અણુ બોમ્બની ધમકી આપી હતી. બેલારૃસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકોએ કહ્યું હતું કે જો અમારા ઉપર ખતરો આવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરીશું

બ્રાઝીલમાં પૂરપ્રકોપ પછી જમીન ધસી પડવાની ઘટનાઓમાં ૧૦૦નાં મોત, ૫૦૦ લોકો બેઘર થયા

કોરોનાનો નવો વેરિઅન્ટ આવી ગયો હોવાનો દાવો બ્રિટનના નિષ્ણાતોએ કર્યો હતો. બ્રિટનમાં નવા વેરિઅન્ટ ડેલ્ટાક્રોનનો કેસ નોંધાયો હોવાનો દાવો થયો હતો.

દુનિયામાં પ્રથમ વખત એચઆઈવી સંક્રમિત મહિલાનો ઈલાજ થયો. અમેરિકાના તબીબોએ સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટથી સારવાર કરી.
Friday, 18 February 2022
Posted by Harsh Meswania

 નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ : યુક્રેન-રશિયા સંઘર્ષનું મૂળ કારણ

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી ગેસનો પૂરવઠો શરૂ થાય તો યુરોપ ઉપર રશિયાનું પ્રભુત્વ વધી જાય અને અમેરિકાની પક્કડ ઢીલી પડી જાય

 

'કમ ટુ ધ પોઈન્ટ'. આપણે સાધારણ વાતચીતમાં આવું કહેતા હોઈએ છીએ. 'આડા-અવળી વાતોને બદલે ફટાફટ મુદ્દા પર આવી જા!' આવું સાધારણ વાતચીતમાં જેટલી સરળતાથી કહી શકાય છે એટલી સરળતાથી વૈશ્વિક કૂટનીતિમાં કહી શકાતું નથી. કેટલાય મહિનાઓ સુધી આડા-અવળા મુદ્દા ઉઠાવ્યા પછી ઘણી વખત મૂળ મુદ્દાની ચર્ચા થતી હોય છે. રશિયા-યુક્રેન કટોકટીમાં મહિનાઓથી નાટો, રશિયાની લશ્કરી તૈનાતી, ક્રીમિયાના કબજાનો જૂનો ઝઘડો સહિતના જુદા-જુદા વિષયોની ચર્ચા થતી હતી, હવે બધા પક્ષો પોઈન્ટ ઉપર આવતા જાય છે. એ ટોકિંગ પોઈન્ટ છે - નોર્ડ સ્ટ્રીમ-૨ ગેસ પાઈપલાઈન.
અમેરિકા-યુક્રેનના પેટમાં દુઃખાવાનું કારણ આ ગેસ પાઈપલાઈન છે. એ સિવાયના મુદ્દા પણ સંઘર્ષ પાછળ જવાબદાર છે જ, પરંતુ એ બધા ગૌણ છે. 

વાત એમ છે કે રશિયાની સરકારી કંપની ગાઝપ્રોમે ૧૯૯૭માં રશિયાથી જર્મની સુધી કુદરતી ગેસ પહોંચાડવા માટે પાઈપલાઈનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પ્રોજેક્ટમાં જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા સહિતના દેશોની કંપનીઓ પણ સહભાગી બની હતી. એને નામ અપાયું નોર્ડ સ્ટ્રીમ-૧ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ. ૨૦૧૨થી આ ગેસ પાઈપલાઈન ધમધમતી થઈ ગઈ અને તેના વાટે ગેસ રશિયાથી જર્મની પહોંચવા માંડયો. જર્મની ઉપરાંત યુરોપમાં પણ આ પાઈપલાઈનના માધ્યમથી ગેસ પહોંચતો હતો. એની સફળતા જોઈને રશિયાએ બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેને નામ આપ્યું : નોર્ડ સ્ટ્રીમ-૨ ગેસ પાઈપલાઈન. આ પાઈપલાઈનમાંથી વર્ષે ૧૧૦ અબજ મેટ્રિક ટન ગેસની નિકાસ થઈ શકે તેમ છે. ૨૦૨૦ સુધીમાં એ ધમધમતી થાય તેમ હતી, પરંતુ વિવિધ કારણોથી યુરોપના દેશમાંથી જરૂરી પરવાનગી અટકી જતાં તે હજુ સુધી કાર્યરત થઈ નથી.

 

બાલ્ટિક સમુદ્રના તળિયે રશિયાએ  બિછાવેલી ગેસની બંને પાઈપલાઈનનો નકશો

પ્રોજેક્ટમાં રશિયા-જર્મની-ફ્રાન્સ-ઓસ્ટ્રિયાની કંપનીઓ જોડાયેલી છે તો પછી યુક્રેન અમેરિકાને શું પેટમાં દુઃખે છે? સવાલનો જવાબ વિસ્તારથી સમજીએ. આ ગેસની પાઈપલાઈનથી રશિયા ગેસની નિકાસમાં આત્મનિર્ભર બની ગયું છે. અગાઉ રશિયાથી ગેસની નિકાસ થતી એ યુક્રેન અને પોલેન્ડમાંથી થતી હતી. તેના કારણે આ દેશોને ટ્રાન્ઝિટ ફી પેટે માતબર રકમ મળતી હતી. ખાસ તો યુક્રેનને હજુય ગેસની નિકાસ બદલ બે અબજ ડોલરની ટ્રાન્ઝિટ ફી મળે છે.

રશિયાએ યુક્રેન-પોલેન્ડને બાયપાસ કરવા માટે બાલ્ટિક સમુદ્રનો માર્ગ પસંદ કર્યો. રશિયાના બે અલગ અલગ સ્થળો - વાયબોર્ગ અને ઉસ્ટલુગાથી જર્મનીના ગ્રીફ્સવાલ્ડ સુધી મધદરિયે બિછાવેલી પાઈપલાઈન મારફતે ગેસનો વિપુલ જથ્થો પહોંચે છે. જો બીજી પાઈપલાઈન કાર્યરત થઈ જાય તો રશિયાને યુક્રેન-પોલેન્ડના માર્ગની જરૂર ન પડે. તેની સાથે સાથે તેનો પ્રભાવ યુરોપમાં વધવા માંડે. યુક્રેન-પોલેન્ડને ટ્રાન્ઝિટ ફી ગુમાવવી પડે એનું દુઃખ છે અને અમેરિકાને પેટમાં દુઃખે છે રશિયાના વધતા પ્રભાવથી.

યુરોપમાં રશિયાથી પહોંચતા કુદરતી ગેસની ડિમાન્ડ છે. નોર્વેમાંથી પણ કુદરતી ગેસ યુરોપના દેશોને મળે છે, પરંતુ નોર્વે આખા યુરોપને પૂરો થઈ શકે એટલો જથ્થો આપી શકે તેમ નથી. યુરોપના દેશોને રશિયન ગેસ ઉપર આધાર રાખવા સિવાય કોઈ છૂટકો નથી. મધ્ય-પૂર્વ, એશિયા-અમેરિકાથી આવતો ગેસ મોંઘો પડે.

આ ગેસનો પ્રોજેક્ટ રશિયાની વિદેશનીતિનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. રશિયા આનાથી આર્થિક ઉપરાંત વિદેશી સંબંધો પણ મજબૂત કરવા ધારે છે. નોર્ડ સ્ટ્રીમ-૧થી તેને એમાં ઘણી સફળતા પણ મળી છે. અબજો ડોલરની ટ્રાન્ઝિટ ફી પ્રથમ પ્રોજેક્ટથી બચી ગઈ છે. આગામી પ્રોજેક્ટથી યુક્રેન-પોલેન્ડને આપવી પડતી ટ્રાન્ઝિટ ફી બચી જાય તો રશિયા યુરોપને સસ્તો ગેસ આપી શકે. અથવા આગામી દશકામાં જે સંભવિત ભાવવધારો છે તે ટાળી શકાય. એવું થાય તો રશિયા યુરોપના દેશો માટે જરૂરી દેશ બની જાય. અમેરિકા સાથેના સંરક્ષણ સોદાથી લઈને વિદેશ નીતિ સુધીમાં રશિયા યુરોપના દેશો પર સીધો કે આડકતરો પ્રભાવ પાડી શકે. રશિયા યુરોપના દેશોને સાધીને અમેરિકાના નેતૃત્વમાં સર્જાયેલા નાટો સામે નવી ધરી સર્જી શકે. ખાસ તો જર્મની અને ફ્રાન્સને પોતાની તરફ કરીને અમેરિકા-બ્રિટનના ગઠબંધન ઉપર ભારે પડી શકે.

જગત જમાદાર થઈને ફરતા અમેરિકાનો પ્રભાવ યુરોપમાં ઓછો થઈ જાય તો લાંબાંગાળે ઘણી બધી બાબતોમાં એની અસર થાય. શસ્ત્રોનું વેંચાણ ઘટી જાય. અમેરિકાની વિવિધ નિકાસો ઉપર તેની અસર થાય. અમેરિકા સામે રશિયા-ચીનની જોડી ભારે પડવા માંડે અને અમેરિકા એ સ્થિતિ ન સર્જાય તે માટે યુક્રેનના મુદ્દે રશિયાને દાબમાં લેવા ધારે છે. ગેસના મુદ્દાને સીધો ઉઠાવે તો ફ્રાન્સ-જર્મની જેવા દેશોનું સમર્થન ન મળે, પરંતુ યુક્રેનની અખંડિતતાના નામે અમેરિકા યુરોપના દેશોનું અને ખાસ તો નાટોના સભ્ય દેશોનું સમર્થન મેળવી શકે તેમ છે. યુક્રેન-રશિયા વચ્ચે ક્રીમિયાના મુદ્દે તો સંઘર્ષ ચાલતો જ હતો. એમાં રશિયાએ નોર્ડ સ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ આગળ વધાર્યો એટલે યુક્રેન વધુ નારાજ થયું. નારાજ યુક્રેનને પોતાની તરફ વાળવા અમેરિકાએ તેને નાટોમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. યુરોપિયન સંઘનો ભાગ રહેલું યુક્રેન નાટોમાં જોડાય તો સભ્ય દેશની સુરક્ષાના બહાને અમેરિકાની આગેવાનીમાં નાટોનું સૈન્ય રશિયાની સરહદે ખડકાયેલું રહે અને રશિયાને સતત ઉભડક જીવે રહેવું પડે. એવું ન થાય તે માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અમેરિકા સામે તેનો ઉગ્ર વિરોધ ઉઠાવી રહ્યા છે. જો નાટોનું સૈન્ય પૂર્વ સોવિયેટ દેશોમાં તૈનાત રહેશે તો પોતાના નાગરિકોની સુરક્ષા માટે રશિયા પગલાં ભરશે એવી ધમકી પછી અમેરિકાએ પણ આક્રમક નિવેદનો શરૂ કર્યા અને સ્થિતિ વધુને વધુ તંગ બની ગઈ.

જોવાની વાત એ છે કે અમેરિકા જેટલી ઝડપથી નિવેદનો આપે છે એટલી ઝડપથી રશિયાએ બાજી ખોલી નથી. પુતિને એક તરફ યુદ્ધનો ભય જાળવી રાખીને ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીથી શાંતિમંત્રણા પણ ચાલુ રાખી છે. જર્મનીના ચાન્સલર ઓલાફ સ્લોઝના ખભે બંદૂક રાખીને અમેરિકન પ્રમુખ જો બાઈડને રશિયાને નોર્ડ સ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ ઉપર પ્રતિબંધ મૂકવાની ધમકી પણ આપી જોઈ, પરંતુ ઓલાફ સ્લોઝ ધારણા કરતા વધુ ચાલાક નીકળ્યા. તેમણે રશિયાને ધમકી તો આપી, પણ એમાં નોર્ડ સ્ટ્રીમનો ઉલ્લેખ ટાળ્યો. જર્મની-ફ્રાન્સ જેવા દેશો બરાબર સમજે છે કે રશિયન ગેસ તેમના માટે ખૂબ જ જરૂરી છે. રશિયાએ એક ડગલું આગળ ચાલીને પહેલેથી જ ગેસના જથ્થાની નિકાસ ઘટાડી દીધી છે અને ભાવમાં પણ થોડોક વધારો કર્યો છે. એવું કરીને રશિયાએ યુરોપના દેશોને સંકેત આપ્યો છે કે ગેસની પાઈપલાઈન રશિયાના નાકે દબાવીને ભીંસ વધારશો તો આઘાત સામે પ્રત્યાઘાત પણ ઝીલવો પડશે.

વેલ, તો મૂળ સવાલ એ છે હવે શું થશે? યુક્રેનને નાટોનું સભ્ય ન બનાવવાની રશિયાની શરતો પૂરેપૂરી તો સ્વીકારી લેવાશે નહીં, પરંતુ થોડા વર્ષો માટે ટાળી દેવાશે. સામે રશિયા યુક્રેન સરહદેથી સૈન્ય પાછું ખેંચી લેશે. નાટોની ઘૂસણખોરી અટકી જશે. ગેસનો અમુક જથ્થો યુક્રેનના માર્ગે જર્મની પહોંચશે એટલે ટ્રાન્ઝિટ ફી મળતી રહેશે. બધું થાળે પડતા કદાચ સમય લાગશે, પરંતુ યુદ્ધ નહીં થાય એ નક્કી છે. એ બધા વચ્ચે થોડાક સમય બાદ રશિયાની નોર્ડ સ્ટ્રીમ-૨ પાઈપલાઈન શરૂ થઈ જશે. સરવાળે, આ વખતે રશિયાની નહીં, પરંતુ અમેરિકાની પીછેહઠ થાય એવી પૂરી શક્યતા છે.


Friday, 11 February 2022
Posted by Harsh Meswania

પાકિસ્તાનને નાકે દમ લાવી દેનારી બલોચ આર્મી ફરીથી આક્રમક બની

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા

 

બલૂચિસ્તાન બળવાખોરોના હુમલામાં 100 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઈકોનોમિક કોરિડોરના મુદ્દે બલૂચિસ્તાનમાં ધીમે ધીમે આંદોલન વધુ આક્રમક બનવા લાગ્યું છે. બલૂચિસ્તાનના નાગરિકોનું દેખીતું શોષણ હવે રોષ બનીને ભભૂકી રહ્યો છે


અખંડ ભારતમાંથી અલગ થયા બાદ પાકિસ્તાનના શાસકોએ અમુક ચોક્કસ વિસ્તારોમાં અત્યારો શરૂ કર્યા હતા. એમાં પૂર્વ પાકિસ્તાન અને બલૂચિસ્તાન મુખ્ય હતા. ભેદભાવ અને અત્યાચારોથી ત્રસ્ત પાકિસ્તાનના આ વિસ્તારોમાં જૂલ્મી શાસકોનો વિરોધ ૧૯૬૦ પછી વધ્યો હતો. એક તરફ પૂર્વ પાકિસ્તાનના લોકોએ બાંગ્લાદેશની મુક્તિ માટે આંદોલન શરૂ કર્યું હતું. એ જ અરસામાં બલૂચિસ્તાનમાં પણ એવી જ માગણી સાથે ૧૯૬૪માં બલોચ લિબરેશન આર્મીની રચના થઈ હતી. જે કામ બાંગ્લાદેશની આઝાદી માટે મુઝિબૂર રહેમાને કર્યું હતું. એ જ કામ બલૂચિસ્તાનની આઝાદીની માગણી સાથે ખૈર બખ્શ મિરીની આગેવાનીમાં બલોચ લિબરેશન આર્મીની સ્થાપના થઈ હતી. સરમુખ્તયાર અયુબ ખાનના શાસનકાળ દરમિયાન બલૂચિસ્તાનના મિરી જનજાતિના વિસ્તારમાં ઓઈલ અને ગેસ મેળવવા પાકિસ્તાની આર્મીએ અત્યાચારો શરૂ કર્યા અને એ જનજાતિના લોકોને તેમના મૂળ નિવાસ સ્થાનેથી ખસેડવા મજબૂર કર્યા. એ ઘટનાથી બલૂચભાષી લોકોમાં પાકિસ્તાન સરકાર પ્રત્યે નફરતનું વાવેતર થયું.

બલૂચિસ્તાનના લોકોની ચળવળ વિશે વાત આગળ વધારતા પહેલાં આ સંગઠનના વડાઓ વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ખૈર બખ્શ મિરી બલૂચિસ્તાનની બેઠક પરથી ૧૯૭૦માં ચૂંટાયા હતા, પરંતુ એ પછી સરકારે તેમને નિશાન બનાવતા એ અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાંથી બલોચ આર્મીનું સંચાલન કરતા હતા. વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં રહ્યા પછી રશિયાના સમર્થનથી અફઘાનિસ્તાનમાં મોહમ્મદ નાઝીબુલ્લાહની સરકાર બની ત્યારબાદ ખૈર બખ્શ મિરી પાકિસ્તાનમાં આવ્યા હતા. ૨૦૧૪માં પાકિસ્તાનમાં જ તેમનું નિધન થયું હતું. જોકે, આ સંગઠન તેમના દીકરાઓની દોરવણીથી ચાલે છે. ખૈર બખ્શ પછી બલોચ લિબરેશન આર્મીની જવાબદારી તેમના બીજા નંબરના દીકરા બલાચ મિરીએ સંભાળી હતી. બલાચ મિરીનું ૨૦૦૭માં નાટોની એરસ્ટ્રાઈકમાં મોત થયું પછી તેનાથી નાનાભાઈ હૈયરબેર મિરીએ આઝાદીની ચળવળને આગળ વધારી છે.

પાકિસ્તાનના અત્યાચારી શાસકોએ બલૂચિસ્તાનના લોકોને સતત નિશાન બનાવ્યા. જેમ બાંગ્લાદેશમાં રહેતા લોકોની સાંસ્કૃતિક ઓળખ નાબુદ કરવા અત્યાચારો થયા એવા જ અત્યાચારો બલૂચિસ્તાનમાં પણ થયા. બલૂચિસ્તાનમાં બલૂચ નાગરિકો મૂળ નિવાસી છે. આ લોકો પાકિસ્તાન કરતાં ભિન્ન સાંસ્કૃતિ-સામાજિક ઓળખ ધરાવે છે. પાકિસ્તાને એને મિટાવવાની કોશિશ કરી ત્યારથી બલૂચ લોકોએ આઝાદીની ચળવળ આદરી. પોતાના અધિકારો માટે બલૂચ લોકોએ ૧૯૭૦ પછી સરકાર સામે બાંયો ચડાવી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ જે રીતે પાકિસ્તાનના જૂલ્મી શાસકો સામે લડીને આઝાદી મેળવી એવી જ રીતે બલૂચિસ્તાનના લોકોએ પણ લડત ચલાવીને આઝાદી મેળવવાની કોશિશ કરી જોઈ, પરંતુ પાકિસ્તાને બલૂચ નાગરિકોના પ્રયાસોને કચડી નાખ્યા. પૂર્વ પાકિસ્તાન સાથે ભૌગોલિક અંતર હતું તે ઉપરાંત ભારતની ઈન્દિરા સરકારની સક્રિય નીતિના કારણે બાંગ્લાદેશના નાગરિકોની ચળવળ સફળ થઈ એવી સફળતા બલૂચિસ્તાનના નાગરિકોને ન મળી. પરંતુ બલોચ નાગરિકોએ હાથમાં હાથ નાખીને બેસી રહેવાને બદલે પ્રયાસો હજુ સુધી ચાલુ રાખ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ૨૦૦૦ કરતાં વધુ લડવૈયાઓ આજેય એ લડત ચલાવી રહ્યા છે.

બાંગ્લાદેશ આઝાદ થયું પછી પાકિસ્તાનના શાસકોએ થોડો વખત બલૂચ આંદોલનને ઠારવાના પ્રયાસો પણ કર્યા. ઝીયાઉલ હકના સમયગાળામાં બલૂચ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી અને થોડો વખત મામલો શાંત પણ રહ્યો, પણ થોડાં વર્ષોમાં ફરીથી પાકિસ્તાનના ઝૂલ્મી શાસકોએ બલૂચ નાગરિકો સાથ ભેદભાવ શરૂ કર્યો. પાકિસ્તાની આર્મીએ આખા વિસ્તારમાં ત્રાસ વર્તાવ્યો. ૨૦૦૦ના વર્ષમાં પરવેઝ મુશર્રફે બલૂચ નાગરિકોને નેતા ખૈર બખ્શ મિરીની એક હુમલાના ષડયંત્રના આરોપમાં ધરપકડ કરી પછી આંદોલન ફરીથી તીવ્ર બન્યું. પાકિસ્તાની સરકારે આ આંદોલનકારી સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કર્યું છે. સંગઠનના હિંસક વિરોધના મુદ્દા આગળ ધરીને પાકિસ્તાને આ સંગઠન ઉપર યુરોપીયન સંઘ, અમેરિકામાં પણ પ્રતિબંધ મૂકાવ્યો છે.

પણ પાકિસ્તાન આ વિસ્તારમાં બલોચ લોકો પર જે અત્યાચાર કરે છે તેની કોઈ જ નોંધ લેવાતી નથી. પાકિસ્તાન આર્મી આ વિસ્તારમાં અમાનૂષી અત્યારો કરે છે. પાકિસ્તાન આર્મી બલૂચિસ્તાનના મૂળ નિવાસીઓની દીકરીઓ ઉપર સામુહિક બળાત્કારો કરે છે અને બલોચ આર્મી સાથે જોડાયેલા હોવાના મુદ્દે અનેક યુવાનોને રાતોરાત ઉઠાવી જાય છે. આ યુવાનોને મહિનાઓ સુધી ગુમ કરી દે છે. આતંકવાદનું લેબલ મારીને તેમને મુખ્ય પ્રવાહથી દૂર કરી દેવામાં આવે છે.

બલૂચિસ્તાનના નાગરિકોને સાંસ્કૃતિક અને સામાજિક રીતે અન્યાય કરવાની સાથે સાથે પાકિસ્તાનની સરકારો તેમને સરકારી નોકરીઓમાં પણ સમાન અધિકારોથી વંચિત રાખે છે. તેમની સાથે સતત એક નહીં તો બીજા મુદ્દે ભેદભાવ થાય છે. ન્યાય મળવાની અપેક્ષા તો ક્યારની બલોચ લોકોએ છોડી દીધી હતી. આખરે તેમણે પણ હિંસાનો માર્ગ અપનાવ્યો. હિંસાની એ આગ માત્ર બલૂચિસ્તાનમાં તૈનાત પાકિસ્તાની સૈનિકો સુધી સીમિત ન રહેતાં હવે આખા પાકિસ્તાનમાં ફેલાઈ ચૂકી છે. સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ ઝંખતા આ નાગરિકો હવે ઘાયલ થયેલા સિંહની જેમ પાકિસ્તાન આખામાં હાહાકાર મચાવે છે. બલોચ લિબરેશન આર્મીએ છેલ્લાં કેટલાય વર્ષોથી વધુ આક્રમક બનીને હુમલા કર્યા છે. તાજેતરમાં બલૂચિસ્તાનના પાંજગુર અને નૂશકી વિસ્તારોમાં તૈનાત પાક. સૈનિકો ઉપર હુમલો કર્યો હતો. એ હુમલામાં ૧૦૦ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો બલોચ આર્મીએ કર્યો હતો. જોકે, પાકિસ્તાને હુમલો નિષ્ફળ બનાવ્યાનું નિવેદન આપીને ચાર બલૂચી આતંકવાદીઓને ઠાર કર્યાનો વળતો દાવો કર્યો હતો.

બલૂચિસ્તાનમાં ચીનની હાજરથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. તેમના હકનું ચીન લઈ જાય છે એવો આરોપ લગાવીને બલૂચ નાગરિકોએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ચીનના પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને નોકરીએ રાખવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન હવે હિંસામાં પરિણમ્યું છે. કોઈ પણ માગણી કે રજૂઆત માટે હિંસાનો માર્ગ યોગ્ય તો નથી જ, પરંતુ પાકિસ્તાની લશ્કરના અમાનૂષી ત્રાસ સામે બીજો કોઈ વિકલ્પ ન રહેતાં બલોચ આર્મીએ એ જ રસ્તો પકડીને પાકિસ્તાનને નાકે દામ લાવી દીધો છે.

વર્લ્ડ અપડેટ

- હાઈપરસોનિક એરક્રાફ્ટમાં માતબર ખર્ચ કરીને ચીન અમેરિકાથી આગળ વધવાની પેરવીમાં છે. ચીનની સ્પેસ ટ્રાન્સપોર્ટેશન નામની કંપનીએ ૨૦૨૪ સુધીમાં હાઈપરસોનિક વિમાન બનાવી લેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વિમાન એક કલાકમાં ચીનથી અમેરિકાના ન્યૂયોર્ક સુધી પહોંચી શકવા સક્ષમ હશે.

- રશિયાના લડાકુ વિમાનો સ્કોટલેન્ડ નજીક પહોંચી ગયાનો દાવો બ્રિટને કર્યો હતો. યુક્રેનની સરહદે નાટો સૈન્ય આગળ વધી રહ્યું હોવાના દાવા વચ્ચે રશિયાએ પરમાણુ હુમલો કરી શકવા સક્ષમ ટીયુ-૯૫ બોમ્બર વિમાનને બ્રિટિશ સરહદની નજીક ઉડાડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

- કોરોના વેક્સિન લેવાનો ઈનકાર કરનારા અમેરિકન સૈનિકો સામે કાર્યવાહી થશે. અમેરિકન આર્મીના ૩૩૦૦ સૈનિકોએ વેક્સિન લેવાનો ઈનકાર કર્યો હતો. એ પછી સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ તેમને નોટિસ પાઠવી છે. આર્મી, નેવી અને એરફોર્સના આ જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો દાવો અહેવાલોમાં થયો હતો.

- ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન તેની ફઈ સાથે જોવા મળ્યા હતા. કિમ જોંગ ઉને જ તેના ફુઆની ૨૦૧૩માં હત્યા કરાવી હતી. એ પછી પ્રથમ વખત ફઈને સાથે રાખીને કિમ પત્ની સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

- શિકાગોના ૪૪ વર્ષના કેવિન દુગરે એક હત્યાના આરોપમાં ૧૭ વર્ષ જેલમાં પસાર કર્યા બાદ એ નિર્દોષ ઠર્યો હતો. તેના જોડિયા ભાઈ કાર્લ સ્મિથે સ્વીકાર્યું હતું કે કેવિન પર જે હત્યાનો આરોપ છે તે હત્યા ખરેખર તો તેણે કરી હતી. તેના ભાઈની કબૂલાત પછી કેવિનની માફી સાથે અમેરિકન સરકારે તેને મુક્ત કર્યો હતો.

Friday, 4 February 2022
Posted by Harsh Meswania

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો હાલ પૂરતો ટળ્યો

વર્લ્ડ વિન્ડો - હર્ષ મેસવાણિયા


ફ્રાન્સ અને જર્મનીની મધ્યસ્થી પછી આખરે રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી ઘટે એવો સંકેત મળ્યો છે. રશિયાએ યુક્રેન સરહદે સૈનિકો વધાર્યા એ પછી અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનના સૈનિકોની તૈનાતી પૂર્વી યુરોપમાં વધી હતી. તેના કારણે મહાયુદ્ધની ભીતિ વ્યક્ત થતી હતી

 

 વિશ્વયુદ્ધ એક નાનકડી ઘટનામાંથી સર્જાઈ શકે છે. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યાએ પ્રથમ વિશ્વયુદ્ધને જન્મ આપ્યો હતો. ને જર્મનીએ પોલેન્ડ ઉપર હુમલો કર્યો તેનાથી બીજું વિશ્વયુદ્ધ સર્જાયું હતું. રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલીથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા હતા. યુક્રેન ઉપર રશિયા હુમલો કરશે તો અમેરિકા યુક્રેનની મદદ કરશે એવી અમેરિકન સરકારની જાહેરાત પછી ત્રીજા વિશ્વયુદ્ધની ભીતિ વ્યક્ત થવા લાગી હતી અને એમાંથી રસ્તો કાઢવા ઘણાં દેશો સક્રિય થયા હતા.
આમ તો વિશ્વયુદ્ધનો ખતરો છેલ્લાં એક દશકાથી મંડરાતો રહે છે. ચીન-અમેરિકા વચ્ચે તંગદિલીના એકથી વધુ કારણો છે. દક્ષિણ ચીની સમુદ્રથી લઈને તાઈવાન અને ટ્રેડવોર સહિતના મુદ્દે અમેરિકા-ચીન અનેક વખત સામ-સામે આવી ચૂક્યા છે. ચીન તો સતત પાડોશી દેશોને છંછેડતું રહે છે. ભારત-ચીન વચ્ચે પણ લદાખ સરહદનો વિવાદ હજુ ઉકેલાયો નથી. અમેરિકા-ઈરાન અને અમેરિકા-ઉત્તર કોરિયા જેવા દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદો પણ સપાટી ઉપર આવતા રહે છે, પરંતુ યુક્રેન-રશિયાના મોરચે અચાનક જે ઘટનાઓ આકાર પામી તેનાથી મહાયુદ્ધનો ખતરો વધી ગયો હતો.
બાલ્ટિક સમુદ્રમાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સંગઠનનું લશ્કર તૈનાત થઈ ગયું હતું. યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોની તૈનાતી એક તરફ વધતી જતી હતી. બીજી તરફ રશિયાએ યુક્રેન સરહદે લાખો સૈનિકો ગોઠવી દીધા હતા. રશિયા અમેરિકાને છેલ્લાં બે-ત્રણ મહિનામાં બે-ત્રણ વખત યુક્રેન કટોકટી નિવારવા રજૂઆત કરી ચૂક્યું છે. રશિયાની માગણી એવી હતી કે નાટોનું સૈન્ય તેમની સરહદોની આસપાસ હશે એ બિલકુલ સ્વીકારી લેવાશે નહીં. રશિયાએ તેને પોતાના દેશ માટે ખતરો ગણાવ્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શબ્દો ચોર્યા વગર નવેમ્બરમાં કહ્યું હતુંઃ રશિયા અમેરિકા માટે ખતરો બનીને સૈન્ય તૈનાત કરી રહ્યું નથી, પરંતુ નાટોનું નેતૃત્વ લઈને અમેરિકન સૈન્ય રશિયાના બારણે ટકોરા મારી રહ્યું છે. આ સ્થિતિ બિલકુલ ચલાવી શકાય તેમ નથી. રશિયન નાગરિકો ઉપર હુમલાનું જોખમ કાયમ મંડરાતું રહે તે અયોગ્ય છે. સરકાર રશિયન નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તેના માટે જે કંઈ પગલાં ભરવા પડશે તે ભરશે.
નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં ૩૦ સભ્યદેશો છે. સંગઠનમાં ૨૭ દેશો યુરોપના છે. યુક્રેન નાટોનું સમર્થક છે અને ટૂંક સમયમાં નાટો સાથે જોડાશે. અત્યારે રશિયાની છ ટકા સરહદ નાટોના સમર્થક કે સભ્ય દેશો સાથે જોડાય છે. રશિયાને મૂળ ખતરો આ છે. નાટો સંગઠનમાં જોડાયેલા પાડોશી દેશોને સાધીને અમેરિકા એક પછી એક સરહદે નાટોના નેજા હેઠળ પોતાનું સૈન્ય અને હથિયારો સુરક્ષાના નામે ગોઠવે તો ભવિષ્યમાં સતત હુમલાનું જોખમ મંડરાતું રહે. આ સ્થિતિ ન સર્જાય તે માટે રશિયા નાટોની હાજરીનો વિરોધ કરે છે.
યુક્રેનના બહાને અમેરિકા રશિયા ઉપર ભીંસ વધારતું રહે છે, જેનો રશિયન પ્રમુખે સખ્ત વિરોધ કર્યો અને તેના કારણે મહાયુદ્ધની દહેશત સર્જાઈ હતી. છેલ્લાં બે વિશ્વયુદ્ધ આ જ પેટર્નથી સર્જાયા હતા. કોઈ બે કે ત્રણ દેશો વચ્ચે ઘર્ષણ થાય અને પછી એમાં અન્ય દેશો જોડાતા જાય. ધીમે ધીમે દુનિયાભરના મહત્વના દેશો યુદ્ધમાં જોતરાઈ એટલે વિશ્વયુદ્ધ ફાટી નીકળે. બીજા બધા દેશોના ઘર્ષણ કરતા રશિયા-યુક્રેનની કટોકટીમાં આ પેટર્ન વધારે જોવા મળી રહી છે. નાટોના સંગઠનનું નેતૃત્વ અમેરિકા કરે છે એટલે નાટોના દેશો એમાં જોતરાઈ જાય. સ્થિતિ વણસે તો યુદ્ધ માટે ભરાઈ રહેલું ચીન રશિયાની પડખે ઉભું રહે. એને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની હાજરી ખટકી રહી છે. એટલે એ અમેરિકા સામે ઘર્ષણમાં ઉતરે. બાલ્ટિક દેશો - લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયાને પણ પોતાના બચાવમાં યુદ્ધમાં જોડરાવું પડે. ચીન અને રશિયાના સમર્થક દેશો પણ એક પછી એક યુદ્ધમાં ઉતરે. યુદ્ધમાં ન ઉતરે એવી સ્થિતિમાં વિવિધ કરારોના કારણે તેમના લશ્કરી મથકોનો ઉપયોગ થાય. સરવાળે દુનિયાભરમાં તેની અસર થાય. દુનિયા યુદ્ધમાં ધકેલાય તો કોરોના મહામારી વચ્ચે નવેસરથી જગતના લોકોએ સંઘર્ષ કરવો પડે. વિશ્વમાં અરાજકતા સર્જાઈ જાય અને તેનાથી અબજો રૃપિયાની ખૂંવારી થાય એ અલગ.
આ સ્થિતિને કોઈ પણ રીતે ઠંડી પાડવા ફ્રાન્સ-જર્મનીએ પ્રયાસો આદર્યા હતા. એ પ્રયાસોને હાલ પૂરતી સફળતા મળી છે. પેરિસમાં થયેલી બેઠકમાં યુક્રેન અને રશિયા યુદ્ધવિરામ માટે સહમત થયા છે. ફ્રાન્સ-જર્મનીની મધ્યસ્થીમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે આઠ કલાક સુધી વિવિધ મુદ્દે ચર્ચા ચાલી હતી. કાયમી ઉકેલ માટે બંને દેશો એક મહિના પછી મળવા માટે સહમત પણ થયા છે. હાલ પૂરતો બંને દેશો વચ્ચે બિનશરતી શસ્ત્રવિરામ જાહેર થયો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ તેને બહુ જ મહત્વનું પગલું ગણાવીને બંને દેશોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજા તબક્કાની બેઠક હવે જર્મનીના બર્લિનમાં થશે. ૨૦૧૯ પછી પ્રથમ વખત રશિયા-યુક્રેને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. હજુય બંને દેશો સરહદે શસ્ત્રવિરામનું પાલન કરશે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

યુક્રેન-રશિયાની લશ્કરી શક્તિ

રશિયા

30 લાખ સૈનિકો       
1500 લડાકુ વિમાનો

12,500 ટેન્ક

30,100 બુલેટપ્રૂફ વાહનો

540 હેલિકોપ્ટર્સ

યુક્રેન

11 લાખ સૈનિકો

100 લડાકુ વિમાનો

2600 ટેન્ક

12,300 બુલેટપ્રૂફ વાહનો

35 લશ્કરી હેલિકોપ્ટર્સ


ક્રીમિયા : રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ

સંયુક્ત રશિયાનું વિભાજન થયું ત્યારે ક્રીમિયા ટાપુનો કબજો યુક્રેનને મળ્યો હતો. આ ટાપુ રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદનું મૂળ કારણ છે. ક્રીમિયા પર રશિયા અને યુક્રેન બંને દાવો કરતા હતા. એ મુદ્દે વર્ષો સુધી વાટાઘાટો ચાલી હતી. ૨૦૦૩માં બંને દેશો વચ્ચે સંધિ થઈ હતી. ત્યારથી વિવાદ થાળે પડયો હોય એવું લાગતું હતું, પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ૨૦૧૦ પછી ફરીથી એ મુદ્દે આક્રમક વલણ બતાવ્યું હતું. ૨૦૧૪માં યુક્રેનના યુદ્ધજહાજો ઉપર હુમલો કરીને રશિયાએ ક્રીમિયાનો કબજો લીધો હતો. એટલું જ નહીં, ક્રીમિયાની સ્ટેટ કાઉન્સિલે રશિયાના ઈશારે મતદાન કરીને રશિયામાં જોડાણને સત્તાવાર સમર્થન પણ આપ્યું હતું. રશિયાએ સ્ટેટ કાઉન્સિલની રચના કરીને રિપબ્લિક ઓફ ક્રીમિયાના વડા તરીકે રશિયન રાજકારણી સર્ગેઈ અક્યોનોવની નિમણૂક કરી હતી. યુક્રેને તેનો વૈશ્વિક સ્તરે વિરોધ કર્યો હતો. ૧૯૯૧થી ૨૦૧૪ સુધી યુક્રેન સંલગ્ન રહેલા આ ટાપુનો કબજો કરારનો ભંગ કરીને રશિયા એક હુમલાથી પડાવી લે તેને અમેરિકા સહિતના ઘણાં દેશોએ ગેરવાજબી ગણાવ્યો હતો. અમેરિકા સહિતના ઘણાં નાટોના દેશો એ મુદ્દે યુક્રેનને સમર્થન આપે છે, પરંતુ રશિયા તેને આંતરિક મુદ્દો ગણાવે છે. રશિયાની દલીલ એવી છે કે ક્રીમિયામાં સત્તાવાર રીતે કાયદો પસાર થયો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રશિયા સાથેનું જોડાણ મંજૂર રાખ્યું છે. ૨૦૧૪માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછીથી બંને દેશો વચ્ચે સરહદે તંગદિલી સર્જાતી રહે છે. બંને દેશોના સૈનિકો સતત એકબીજાની સરહદમાં ઘૂસણખોરી કરતા રહે છે. એકાદ વર્ષ પહેલાં યુક્રેને ક્રીમિયાના કાંઠેથી રશિયાની એક નાવ કબજે કરી લીધી હતી. એ પછી બંને દેશો વચ્ચે નવેસરથી વિવાદ શરૃ થયો હતો. આ ઘટના પછી રશિયાએ યુક્રેનના બંદરેથી નીકળતા જહાજોની નિગરાની શરૃ કરી હતી. તેનો યુક્રેને વિરોધ કર્યો હતો. રશિયા વારંવાર યુક્રેન પર ગેરકાયદે જળસીમા ઓળંગવાનો આરોપ લગાવે છે. યુક્રેન તેને પોતાનો અધિકાર ગણાવે છે. ટૂંકમાં, એક ટાપુના કબજાના વિવાદે વિશ્વને મહાયુદ્ધના આરે ઊભું રાખી દીધું છે.

Thursday, 27 January 2022
Posted by Harsh Meswania

ભાજપમાં પ્રવેશેલી મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા કોણ છે?



હર્ષ મેસવાણિયા


મુલાયમસિંહની બીજી પત્ની સાધનાના દીકરા પ્રતીકને અખિલેશ સ્વીકારવા તૈયાર નથી

########################

ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા જીમનો માલિક પ્રતીક લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ અપર્ણા ખૂબ જ મહાત્વાકાંક્ષી છે

########################

અપર્ણાએ ૨૦૧૧માં પ્રતીક સાથે લવમેરેજ કર્યા હતા

#########################

અખિલેશે પ્રતીકની મા સાધના સામે ૧૫ વર્ષ પહેલાં જે શરત રાખી હતી એ શરત જ હવે બળવાનું કારણ બની

###########################


મુલાયમસિંહ યાદવ. આ માણસનો એક સમયે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સિક્કો ચાલતો હતો. કેન્દ્રમાં ઈન્દિરા-રાજીવ ગાંધીના યુગ પછી જે દૌર આવ્યો એમાં મુલાયમસિંહ યાદવનો પ્રભાવ અનોખો હતો. મુલાયમ વિરોધ કરે તો વડાપ્રધાન બનવાના સપના જોતાં ઉમેદવારો હાંસિયામાં ધકેલાઈ જતા અને મુલાયમનું સમર્થન હોય તો કેન્દ્રમાં સરકાર સ્ટેબલ રહેશે એવા મીડિયા અહેવાલો રજૂ થતાં. ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું રાજ્ય હોય, એમાં કોઈ નેતાનો આગવો પ્રભાવ હોય અને એની અસર કેન્દ્રમાં ન પડે એવું તો બને જ નહીં. કેન્દ્રમાં મુલાયમસિંહ યાદવની ૧૯૯૦થી ૨૦૧૦ સુધી મહત્વની અને ચાવીરૃપ ભૂમિકા હતી. રાજ્યમાં તો એને અવગણવાની ભૂલ એકેય વિરોધી પક્ષ કરી શકે તેમ ન હતો.
હજુ એક દશકા પહેલાં આવો પ્રભાવ ધરાવતા આ નેતાનો પરિવાર છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વેરવિખેર થઈ ગયો. સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંહ યાદવનો પડયો બોલ ઝીલાતો, પરંતુ અખિલેશ યાદવનો ઉદય થયો પછી મુલાયમ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતા ગયા. મુલાયમના વિશ્વાસુ નેતાઓ પણ એક પછી એક સમાજવાદી પાર્ટીથી દૂર થવા લાગ્યા. મુલાયમને જેમના પર આંધળો ભરોસો જ નહીં, પણ ગુરૃર હતું એ શિવપાલ યાદવે બળવો કર્યો. શિવપાલને માંડ મનાવ્યા ત્યાં છોટી વહુ અપર્ણાએ બળવો કર્યો. અપર્ણાએ તો સમાજવાદી પાર્ટીના કટ્ટર હરિફ ભાજપના પક્ષે જ જઈને બેસવાનું પસંદ કર્યું. મુલાયમસિંહ યાદવનો પરિવાર વેરવિખેર થયાનો એ સૌથી સબળ પુરાવો મળ્યો. એના પડઘા વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે. નાની વહુને અન્યાય થયો છે એ મુદ્દો હવે આખી ચૂંટણી દરમિયાન અખિલેશ સામે ગાજતો રહેશે અને મતદારોની સહાનુભૂતિ અપર્ણાને મળે તે માટે કોઈ જ કસર છોડવામાં નહીં આવે.
પણ વાત અહીં સુધી કેમ પહોંચી? શું નેતાજી મુલાયમસિંહ યાદવે પરિવારમાં સુલેહ કરાવવાના પ્રયાસો નહીં કર્યા હોય? અપર્ણાને મનાવી લેવાની તૈયારી અખિલેશ યાદવે નહીં બતાવી હોય? અખિલેશ યાદવે નાના ભાઈ પ્રતીકને સમજાવીને પરિવારનો ઝઘડો ઠારવાની કોશિશ નહીં કરી હોય? સવાલો ઘણાં છે. બીજી તરફ તર્કો, ચર્ચાઓ અને વાતો ય ઘણી છે...
મુલાયમસિંહ યાદવે માલતી દેવી સાથે લગ્ન કર્યા હતા. અખિલેશ યાદવ મુલાયમસિંહ-માલતી દેવીના સંતાન છે. અખિલેશનો જન્મ થયો એ વખતે માલતીદેવીને પ્રેગનેન્સીને લગતા કોમ્પ્લિકેશન્સ થયા અને તેઓ હંમેશા માટે અશક્ત, અસહાય થઈ ગયાં. બ્રેઈનડેડની સ્થિતિમાં જ માલતીદેવીનું ૨૦૦૩માં નિધન થયું. મુલાયમસિંહને ૧૯૮૦ના દશકા પછી સાધના ગુપ્તા સાથે સંબંધો શરૃ થયા હતા. સાધના ગુપ્તાએ મુલાયમસિંહ યાદવ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. પહેલી વખતના લગ્નના કારણે તેને એક દીકરો છે, જેનું નામ છે પ્રતીક. મુલાયમસિંહે સાધના સાથે લગ્ન કર્યા ત્યારે સાધનાએ પ્રતીકની જવાબદારી લેવાની શરત રાખી હતી, જે મુલાયમે માન્ય કરી હતી.
સાધના અને પ્રતીકનો મુલાયમના પરિવારમાં ભારે વિરોધ હતો. સાધનાના દીકરા પ્રતીકને યાદવ પરિવાર બાહરી માનતો હતો. ખાસ તો કાકા શિવપાલ અને અખિલેશ આ વિરોધમાં સૌથી અગ્રેસર હતા. એ સ્વાભાવિક પણ હતું. બંને પોતાને નેતાજીના રાજકીય વારસ માનતા હતા. રાતોરાત મુલાયમના નાના દીકરા તરીકે આવેલો પ્રતીક એમાં હિસ્સેદાર બને એ બેમાંથી એકેયને મંજૂર ન હતું. ૨૦૦૭માં અંતે પરિવારમાં સુલેહ થઈ. મુલાયમના પ્રયાસો પછી અખિલેશ સહિતના પરિવારે સાધનાના દીકરા પ્રતીકને પણ પરિવારમાં હિસ્સેદારી આપી. પરંતુ એ વખતે અખિલેશે સાધના સામે શરત રાખી હતી કે મુલાયમનો રાજકીય વારસો પ્રતીકને મળશે નહીં. પ્રતીકને લઈને એ સમયે ઉત્તર પ્રદેશમાં તરેહ તરેહની ચર્ચા થતી હતી. પ્રતીકે લોપ્રોફાઈલ રહેવાનું પસંદ કર્યું. પ્રતીક ઉત્તર પ્રદેશના સૌથી મોટા અને હાઈપ્રોફાઈલ જીમનો માલિક છે. ખુદ બોડી બિલ્ડર તરીકે યુપીના યુવાનોમાં પોપ્યુલર છે, પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહે છે.
 


પ્રતીક અને અપર્ણાની લવસ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે. અપર્ણા પ્રતીકની ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ છે. અપર્ણાના પિતા અરવિંદસિંહ બિષ્ટ અને માતા અંબી બિષ્ટ સરકારી કર્મચારી છે. મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી અપર્ણા અને પ્રતીક સ્કૂલમાં હતા ત્યારે જ એકબીજાને ઓળખતા હતા અને કોલેજમાં આવ્યા ત્યારે પ્રેમમાં પડયા. અપર્ણાએ બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેનો સિલેબસ તેને ભવિષ્યમાં રાજકારણમાં ન ખેંચી લાવે તો જ નવાઈ હતી. તેણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજનીતિ એવા વિષયમાં ડિગ્રી મેળવી છે. સંગીતમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી અપર્ણાએ ૨૦૧૦માં પ્રતીક સાથે સગાઈ કરી લીધી અને ૨૦૧૧માં બંનેના લગ્ન થયાં. શરૃઆતમાં અપર્ણાને લઈને પણ યાદવ પરિવારમાં થોડા મતભેદો હતા, પરંતુ પ્રતીકની મક્કમતા સામે આખરે મુલાયમ માન્યા અને અપર્ણા યાદવ પરિવારમાં વહુ બનીને આવી ગઈ.
 


એ સાથે જ મુલાયમના પરિવારમાં મતભેદોનો પાયો નખાઈ ગયો. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ સમાજવાદી પાર્ટીમાં પહેલેથી જ સક્રિય હોવાથી અપર્ણા પણ રાજકારણમાં સક્રિય થવા ઈચ્છતી હતી. અખિલેશ યાદવ એવું બિલકુલ ઈચ્છતા ન હતા. સાધના સાથેની શરતને યાદ દેવડાવીને અખિલેશ નેતાજી ઉપર દબાણ લાવતા હતા. નેતાજીની સમજાવટથી દરેક વખતે મામલો થાળે પડી જતો હતો, પરંતુ ધીમે ધીમે આંતરિક વિખવાદ વધતો ચાલ્યો. શિવપાલ-અખિલેશના મતભેદ પ્રકરણ પછી અપર્ણાની સક્રિયતા વધી હતી. અપર્ણાને રોકવાના અનેક પ્રયાસો થયા હશે એ વાતનો અંદાજ અખિલેશના આ નિવેદનમાંથી મળે તેમ છેઃ 'નેતાજીએ અપર્ણાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ એમાં સફળતા ન મળી. અપર્ણાને તેમની ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે શુભેચ્છાઓ'. અખિલેશનો આ કટાક્ષ અને નિરાશા સમજી શકાય તેમ છે. સમાજવાદી પાર્ટીમાં મહિલા સંગઠનનો ચહેરો અખિલેશની પત્ની ડિમ્પલ છે. અપર્ણા સક્રિય થાય તો ડિમ્પલ-અપર્ણા વચ્ચે સ્પર્ધા શરૃ થાય તો એ અખિલેશ-ડિમ્પલ માટે મુશ્કેલી સર્જાઈ શકે. આવું ન થાય તે માટે અખિલેશે પ્રતીક-અપર્ણાને સમાજવાદી પાર્ટીથી દૂર રાખવાનું યોગ્ય માન્યું. પ્રતીકે શરતને માન્ય રાખીને લોપ્રોફાઈલ રહેવાનું સ્વીકાર્યું, પરંતુ અપર્ણા તેનાથી તદ્ન વિપરીત મિજાજ ધરાવે છે. વિદેશમાં ભણેલી અપર્ણા બોલ્ડ અને બિંદદાસ્ત છે. મહાત્વાકાંક્ષી પણ છે. ઉત્તર પ્રદેશના રાજકારણને જાણતા લોકોમાં એવી પણ ચર્ચા છે કે ડિમ્પલ કરતાં અપર્ણા વધારે સ્માર્ટ છે. સાસુ સાધના ગુપ્તાની સલાહથી અપર્ણા ક્યારની ય રાજકારણમાં પ્રવેશવા માગતી હતી. સાધનાએ એક ઈન્ટરવ્યૂમાં એવું નિવેદન આપીને યાદવ પરિવારમાં ચર્ચા જગાવી હતી કે એ દિલથી ઈચ્છે છે કે પ્રતીક મોટાભાઈ અખિલેશની જેમ રાજકારણમાં આવે અને સફળ થાય. સાધનાએ તો એવો ય દાવો કર્યો હતો તે ખુદ એક સમયે રાજકારણમાં આવવા ઈચ્છતી હતી, પરંતુ મુલાયમની મંજૂરી ન હોવાથી એ સક્રિય થતી નથી. પ્રતીક અને અપર્ણા નેતાજી મુલાયમ સાથે પ્રચારમાં ઘણી વખત જોવા મળતા હતા, પણ 'હું રાજકારણમાં સક્રિય થઈશ નહીં'. એવું નિવેદન આપીને અત્યાર સુધી પ્રતીક દરેક અટકળોનો અંત લાવતો હતો.
 


પરંતુ તમામ અટકળોને ખોટી ઠેરવીને આખરે પ્રતીકની પત્ની અપર્ણાએ ભાજપનો હાથ પકડીને અખિલેશને ઝટકો આપ્યો છે. અપર્ણા ભાજપમાં જોડાઈ એ સાથે જ મુલાયમના પરિવારની એકતા માત્ર દેખાડાની હતી એવો પ્રચાર ભાજપે શરૃ કરી દીધો છે. અપર્ણાના નામે સહાનુભૂતિ મેળવવાની કોશિશ પણ ભાજપ જતી કરશે નહીં. પ્રતીક-અપર્ણા મુદ્દે અખિલેશ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘેરાયેલા રહેશે એમાં પણ બે મત નથી. અપર્ણા ભાજપમાં જોડાઈ તેને નગણ્ય ઘટના માનીને અખિલેશ યાદવ તેની ચર્ચા ટાળે છે. અખિલેશની ધારણા પ્રમાણે જ અપર્ણાનો ખાસ કોઈ પ્રભાવ નહીં પડે? કે પછી નાની વહુ સમાજવાદી પાર્ટીને નુકસાન પહોંચાડશે? આ સવાલોના જવાબો તો પરિણામના દિવસે જ મળશે.

Wednesday, 19 January 2022
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -