Posted by : Harsh Meswania Sunday, 1 December 2013


સાઇન ઇન - હર્ષ મેસવાણિયા

લોકસભાના મહાજંગ પહેલા સેમિફાઇનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ૪ ડિસેમ્બરે દિલ્હીમાં મતદાન થશે અને ૧લી ડિસેમ્બરે (એટલે કે આજે) રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાયેલા ઈલેક્શનમાં મતદાતાઓએ ખૂબ જ ઉમળકો દાખવ્યો હતો. ઊંચું મતદાન થવા પાછળ મતદાતાઓની જાગૃત્તિ જેટલો જ ફાળો ઈવીએમનો પણ છે. સમયનો બચાવ કરીને ઈવીએમ જેટલી ઝડપે મતદાન બૂથમાં કામ કરે છે, એટલી જ ઝડપ પરિણામ વખતે પણ મળે છે. ઈવીએમ કેટલાં સફળ રહ્યાં છે? કેવા સંજોગોમાં તેનો વપરાશ ચલણી બન્યો હતો? કયો દેશ ઈવીએમના ઉપયોગમાં અવ્વલ છે? વિગેરે સવાલોના જવાબો પણ જાણવા જેવા છે.

વાત છે ૧૮૯૨ના વર્ષની. અમેરિકાના ન્યૂયોર્કની નજીકના એક શહેર લોકપોર્ટમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી હતી. આ ચૂંટણીઓમાં મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડયા. એટલા માટે નહીં કે કોઈ લોકપ્રિય નેતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, બલ્કે એટલા માટે કે પહેલી વખત કાગળ પર નિશાન કરવાને બદલે માત્ર બટન પ્રેસ કરીને ઈલેક્શન બૂથ પરથી પાછું આવી જવાનું હતું. મતદાતાઓમાં ભારે હોંશ હતી મતદાન કરવાની. અને પેલા નવા પ્રયોજાઈ રહેલા મશીનને નિહાળવાની ય ખરી.
લોકોમાં આ મશીને બહુ કૂતુહલ જગાવ્યું. બધાને એની ઉત્સુકતા હતી કે આ નવો પ્રયોગ છે તો સારો, પણ સફળ કેટલો રહેશે? તેમાંથી મત ગણતરી કેવી રીતે થશે? પ્રશ્નો ઘણા હતા, પરંતુ મત ગણતરીના દિવસે બધા જવાબો મળી ગયા. નક્કી કરેલા દિવસે મત ગણતરી થઈ અને લોકોના ઉત્સાહ વચ્ચે જ્યાં પરિણામ મેળવવા માટે મોડી સાત સુધી રાહ જોવી પડતી એના બદલે સાંજ પડતા પડતા તો પરિણામ પણ આવી ગયા. વળતા દિવસે ચૂંટણી તંત્રએ આ વોટિંગ મશીન સફળ રીતે પ્રયોજાયું હોવાનો રિપોર્ટ આપ્યો અને એ રીતે વિશ્વમાં પહેલી વાર વોટિંગ મશીનથી મતદાન થયાની ઐતિહાસિક ઘટના નોંધાઈ ગઈ.
                                                                       ***

અમેરિકામાં થયેલા આ પ્રથમ પ્રયોગ પછી ચાર વર્ષ સુધી એકેય ચૂંટણીઓમાં એક યા બીજા કારણોસર વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. ૧૮૯૬માં ન્યુયોર્કના જ રોચેસ્ટર નામના સિટીમાં યોજાયેલા ઈલેક્શનમાં તમામ બૂથો પર વોટિંગ મશીન પ્રયોજાયું અને ત્યાર બાદની ચૂંટણીઓમાં વોટિંગ મશીનની સંગીન શરૃઆત થઈ. ૧૯૩૦ આવતા આવતા તો અમેરિકાના લગભગ તમામ મોટા શહેરોમાં વોટિંગ મશીનનો ઉપયોગ શરૃ થઈ ગયો હતો. વોટિંગ મશીનને વ્યાપક રીતે પોપ્યુલર બનાવવાનો યશ અમેરિકાને ભાગે જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી થયેલી ચૂંટણીઓથી વોટિંગ મશીનનો ઉપયોગ અમેરિકા ઉપરાંત બ્રિટનમાં રાષ્ટ્ર વ્યાપી બન્યો હતો. ૧૯૬૦ પછી અમેરિકાની તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થવા લાગ્યો હતો. નાના-મોટા બધા બૂથો પર ઈવીએમ ચલણી બન્યું હતું. તો બ્રિટને પણ આ સિસ્ટમનો લાભ લેવાનું શરૃ કરી દીધું હતું. જોકે, સાથે સાથે વિવાદ પણ થતો રહેતો હતો એટલે જેટલી ઝડપે તેની શરૃઆત થઈ હતી એેટલી જ ઝડપે લોકપ્રિય ન બની શક્યું. હજુ પણ મોટા ભાગના દેશોમાં બેલેટ પેપરથી જ મતદાન થઈ રહ્યું હતું.
ભારત સહિતના એશિયાઈ દેશોમાં તો છેક ૨૦મી સદીના અંત ભાગમાં ઈલેક્શનમાં વોટિંગ મશીનનો પ્રારંભ થયો હતો. આજે હવે સ્થિતિ એવી છે કે ભારતની આ મામલે દાદાગીરી ચાલે છે. તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ તો થાય જ છે. સાથે સાથે ભારતમાં બનેલા ઈવીએમની ડિમાન્ડ ભારતની બહાર પણ વધતી જાય છે.
                                                                       ***
એમ.બી. હનીફાને ભારતના પ્રથમ ઈવીએમ ડિઝાઇનર તરીકેનું સન્માન આપવામાં આવે છે. હનીફાએ ૧૫ ઓક્ટોબર, ૧૯૮૦ના દિવસે પહેલું ઈવીએમ તૈયાર કરીને રજૂ કર્યું હતું. આજે ભારતમાં વપરાતા અને વિદેશમાં મોકલાતા વોટિંગ મશીનની મૂળભૂત ડિઝાઇન હનીફાની પેટર્નને અનુસરે છે. હનીફાએ તૈયાર કરેલા મશીન પ્રમાણે ભારતના ચૂંટણી કમિશને પ્રથમ પ્રયોગ ૧૯૮૧માં કેરળની ઉત્તર પારાવાર બેઠકની વિધાનસભામાં કર્યો હતો. એક સાથે ૫૦ જેટલા બૂથો પર ઈવીએમને પ્રયોજવામાં આવ્યું હતું, પણ તેના માટેની જાગૃતિના અભાવે સગવડ કરતા અગવડ વધુ પડી હતી. મતદાતાઓને ખાસ સમજાવવામાં આવ્યું હોવા છતાં બૂથ પર ગૂંચવણો વધી ગઈ હતી.
ચૂંટણી પંચે એ પછી થોડો સમય વધુ પ્રયોગો કર્યા. ભારતના અલગ અલગ રાજ્યોની નાની-મોટી ચૂંટણીઓમાં છૂટા છવાયા પ્રયોગો કરીને લોકોમાં ઠીક ઠીક જાગૃત્તિ આવે ત્યાં સુધી રાહ જોવાનું વલણ અખત્યાર કર્યું. ૧૯૯૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતના લગભગ ૭૫ ટકા મતદાન બૂથો પર ઈવીએમનો ઉપયોગ થયો હતો. આ વખતે તેને બરાબર પ્રતિસાદ પણ મળ્યો. થોડા ફેર વોટિંગના વિવાદોને બાદ કરતા લોકોનું વોટિંગ મશીન તરફનું વલણ ખૂબ જ હકારાત્મક જોવા મળ્યું હતું. ત્યાર પછીના જુદા જુદા રાજ્યોના વિધાનસભાના ઈલેક્શન વખતે પણ આ પ્રયોગ શરૃ રાખવામાં આવ્યો હતો.
૨૦૦૪ સુધીમાં ભારતના લોકમાનસમાં વોટિંગ મશીનને વ્યાપક સ્વીકૃતિ મળી ચૂકી હતી. ૨૦૦૪માં યોજાયેલા જનરલ ઈલેક્શનમાં ભારતભરમાં પ્રથમ વખત ઈવીએમથી મતદાન થયું હતું. ઈવીએમના ઈતિહાસમાં ૧૮૯૨ બાદ આ ઐતિહાસિક બાબત હતી. દુનિયાના કોઈ પણ દેશ દ્વારા પોતાની આવડી મોટી ચૂંટણીમાં બધા જ બૂથો પર ઈવીએમનો થયો હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. એ રીતે ભારતે પોતાના નામે એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. એ પછી તો ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે પણ સમગ્ર ભારતમાં ઈવીએમ દ્વારા જ મતદાન થયું હતું.

આજે ભારતની સ્થિતિ શું છે? ભારત આજે વિશ્વનું એવું એક માત્ર રાષ્ટ્ર છે જ્યાં ઈવીએમની બોલબાલા છે. માત્ર ચૂનાવમાં જ નહી, બનાવટમાં અને એક્સપોર્ટમાં પણ ભારતનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. નેપાળ, ભૂતાન, કેન્યા નામિબિયા સહિતના દેશોમાં ભારતમાં બનતા ઈવીએમની ડિમાન્ડ છે. ભારતમાં બે સરકારી કંપનીઓ ઈવીએમ નિર્માણનું કામ કરે છે. બેંગલુરુમાં આવેલી ભારત ઈલેક્ટ્રોનિક્સ અને હૈદ્રાબાદની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈવીએમનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સે ૧૯૮૯માં ઈવીએમનું ઉત્પાદન શરૃ કર્યું હતું અને તે વખતે ૭૫,૦૦૦ ઈવીએમ બનાવ્યા હતા. એના ૮ વર્ષ પછી ૧૯૯૬માં તેનું ટર્ન ઓવર ૧, ૦૦૦ કરોડને આંબી ગયું હતું. એના પરથી જ તેના ઉત્પાદનનો અને સફળતાનો અંદાજ લગાવી શકાય છે. એક ઈવીએમની કિંમત આશરે રૃપિયા ૫,૫૦૦થી લઈને ૭,૫૦૦ હજાર સુધી હોય છે. એક ઈવીએમ વધુમાં વધુ ૩,૮૪૦ મતો નોંધી શકે છે. જોકે, હવે ગોઠવણ જ એવી કરવામાં આવે છે કે એક વોટિંગ મશીનના ભાગે માંડ ૧૨૦૦થી ૧૪૦૦ મત આવે છે. એક વખત ઈવીએમ દ્વારા કરેલા મતદાનનો ડેટા તેમાં ૧૦ વર્ષ સુધી સાચવી શકાય છે. વળી, ઈવીએમમાં વધુમાં વધુ ૬૪ ઉમેદવારોના ચિન્હો પણ સમાવી શકાય છે. ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે આખા ભારતમાં ૧૩,૬૮,૪૩૦ ઈવીએમ તૈનાત કરવામાં આવ્યા હતા. ઈવીએમના કારણે છેલ્લી બે લોકસભાની ચૂંટણી વખતે ૧૦,૦૦૦ ટન કાગળનો બચાવ કરી શકાય છે.
                                                                        ***
આટલી ઉપયોગીતા છતાં ઈવીએમને લઈને લગભગ દરેક ઈલેક્શનમાં એકાદ મોટો વિવાદ પણ થાય છે. વિવાદ માત્ર ભારતમાં જ થાય છે એવું ય નથી. અમેરિકામાં ઈવીએમના કારણે ઉમેદવાર હાર્યો હોય એવા કેસ પણ ભૂતકાળમાં નોંધાયેલા છે અને એમાંથી હજુ પણ અમુકનો નિવેડો નથી આવ્યો. 
જર્મનીની સુપ્રીમ કોર્ટે તો ઈવીએમ વિશ્વસનીય ન હોવાનું પણ કહ્યું છે, જ્યારે ઇઝરાયેલમાં તો વોટિંગ મશીન પર ધોરણસરનો પ્રતિબંધ જ મૂકવામાં આવ્યો છે. આ દેશોને વોટિંગ મશીન ભલે નકામા લાગતા હોય, પણ ભારતમાં આ એકદમ બંધ બેસતી સુવિધા છે એનું કારણ આગળ ધરતા ઘણા નિષ્ણાતો કહે છે કે જ્યારે પેપરમાં ચિન્હ મારીને મતદાન થતું હતું ત્યારે સરેરાશ ૧૦થી ૧૫ ટકા મતો ખોટા પડતા હતા એના બદલે ઈવીએમ વધુ સારું પરિણામ લઈ આવે છે.
ભારતના થોડા અર્ધ શિક્ષિત અને એટલા જ બીજા અશિક્ષિત મતદાતાઓ જે તે ઉમેદવારના સિમ્બોલની સામે માત્ર બટન પ્રેસ કરી દે એટલે તેમનું કામ પૂરું થઈ જાય. ભારતમાં ઈવીએમની લોકપ્રિયતા પાછળ કદાચ એક કારણ આ પણ હોઈ શકે છે!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -