- Back to Home »
- Sign in »
- આજે પણ ૨૧ લાખ ગુલામોનું અસ્તિત્વ છે?
Posted by :
Harsh Meswania
Sunday, 23 March 2014
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
છેક ૨૦મી સદીની શરૃઆતના દશકાઓ સુધી ગુલામી પ્રથા પૂરજોશમાં ચાલતી હતી. હમણાં થયેલા અભ્યાસના તારણો તો એમ પણ કહે છે કે આજેય દુનિયામાં ૨૧ લાખ ગુલામો વેઠ કરી રહ્યાં છે.
ખુશહાલજીવન જીવતા એક અશ્વેતને પકડીને ગુલામ બનાવી દેવાય છે. તે કંઈ સમજે વિચારે એ પહેલા તો તેના પર ગુલામ હોવાનું લેબલ લાગી જાય છે. તે એ વાતથી પણ અજાણ છે કે તેને કઈ રીતે અને શું કામ ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યો છે. અત્યારે તે કઈ જગ્યાએ છે એ વાતની પણ તેને કંઈ જ ખબર નથી. તેને તો બસ માલિકનું સોંપાયેલું કામ થાક્યા વગર કરી આપવાનું છે. દિવસે જ નહીં, જો માલિકનો હુકમ છૂટે તો મધરાતે પણ કામ માટે તૈયાર રહેવાનું છે. પોતાના પર અન્યાય થાય તો મૂંગા મોઢે સહેવાનો છે, પરંતુ જો બીજા ગુલામોની તરફેણ ભૂલથી પણ થાય તો તેને મરણતોલ માર પડશે એની યે તેને ધીરે ધીરે ખબર પડી જાય છે. તેને પોતાના કોઈ જ વિચારો વ્યક્ત કરવાની પરવાનગી નથી. તેને માલિક સામે એક પણ પ્રકારની દલીલ કરવાની છૂટ નથી. જે મળે એ ખાવાનું છે અને જ્યાં-જેવી જગ્યા મળે એમાં રહેવાનું છે. આવી યાતનામાં તે બાર બાર વર્ષ કાઢે છે. વર્ષોની ગુલામી ભોગવ્યા પછી એક દિવસ તે મૂક્ત થઈને તેના પરિવારને મળે છે. ઇન શોર્ટ, અન્ય કમભાગી ગુલામો કરતા તે થોડો નસીબદાર છે. તેના જીવનમાં ફિલ્મમાં હોય એવો હેપ્પી એન્ડ આવે છે.
મૂક્ત થયા પછી જેણે આ યાતના ભોગવી છે એ માણસ સોલોમન નોર્થપે '૧૨ યર્સ અ સ્લેવ' નામે પોતાના સંસ્મરણો લખ્યા હતા. દોઢેક સૈકા પછી ૨૦૧૩માં આ સત્યઘટના આધારિત '૧૨ યર્સ અ સ્લેવ' નામથી ફિલ્મ બને છે અને તેને આ વર્ષનો શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ પણ એનાયત કરાયો છે. એવોર્ડ સ્વીકારતી વખતે ફિલ્મના દિગ્દર્શક સ્ટીવ મેક્કેઇને પોતાના ભાવનાત્મક વકતવ્યમાં કહ્યું કે '....દુનિયાભરમાં આજેય ગુલામીમાં સબડતા ૨૧ લાખ લોકોને હું આ એવોર્ડ અર્પણ કરું છું.' સ્ટીવનું આ વાક્ય સાંભળતાની સાથે જ આપણને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આજેય ૨૧ લાખ લોકો ગુલામ છે? શું ખરેખર સ્ટીવની વાત સાચી છે? ૨૧મી સદીમાં પણ ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે ખરી?
* * *
૧૯૪૮માં વિશ્વ માનવ અધિકાર સમિતિએ ગુલામીપ્રથાને માનવ જાતિ સામે થતો અમાનવીય અત્યાચાર ગણાવીને તેના પર વિશ્વભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ જ રીતે ૧૯૫૬માં યુએન(યુનાઇટેડ નેશન્સ) દ્વારા ગુલામીપ્રથા જગતભરમાં સંપૂર્ણપણે નાબુદ કર્યા પછી પણ આફ્રિકાના મોરિટેનિયામાં છેક ૨૦મી સદીના અંત ભાગ સુધી ગુલામોનું ખરીદ-વેંચાણ થતું હતું. ૧૯૮૧માં મોરિટેનિયાએ ગુલામીપ્રથા પર પ્રતિબંધ મૂક્યો. જોકે, ગુલામી કરાવનારા વિરુદ્ધ ત્યાં કોઈ મજબૂત કાનૂન વર્ષો સુધી નહોતો લાગુ કરાયો. ગુલામીપ્રથા સામે મોરિટેનિયામાં કાયદો તો છેક ૨૦૦૭માં પસાર થયો હતો. એ રીતે જોઈએ તો ૩૩ વર્ષ પહેલા સત્તાવાર રીતે જગતભરમાંથી ગુલામીપ્રથા નાબુદ થઈ કહેવાય.
તેમ છતાં ઓક્ટોબર, ૨૦૧૩માં લંડનમાં રહેતા આઝમ ખાન નામના માણસને ૨૦ વર્ષની યુવતી પાસે ગુલામી કરાવવાના ગુના માટે ૧૨ વર્ષની કેદ થઈ. વેઠ કરાવવા ઉપરાંત આઝમ ખાને તે યુવતીનું જાતીય શોષણ પણ કર્યું હતું. પાકિસ્તાનથી ખરીદવામાં આવેલી આ યુવતી ઈંગ્લીશ ભાષા જાણતી ન હોવાથી વર્ષો સુધી તેણે ગુલામી વેઠવી પડી હતી. અંતે આઝમ ખાનનો ભાંડો ફૂટયો હતો. કારણ કે, લંડન પોલીસે 'ઓપરેશન નેટવિંગ' શરૃ કર્યું હતું. જેમાં ગુલામો રાખતા આઝમ ખાન જેવા માલિકોને ભીંસમાં લેવાના હતા. પોલીસે લગભગ દોઢેક વર્ષમાં ૨,૨૫૫ કેસ શોધી કાઢ્યા. જેમાંથી ૭૭૮ સામે તો ગુલામી કરાવવાના પુરતા પૂરાવાઓ પણ મળ્યા હતા. આ વાત તો માત્ર એક લંડન શહેરની જ છે. જો એક માત્ર શહેરમાંથી ગુલામોની આટલી મોટી સંખ્યા મળી આવતી હોય તો વિશ્વમાં એ આંકડો કેટલો મોટો હોઈ શકે?
* * *
'૧૨ યર્સ અ સ્લેવ'ના દિગ્દર્શક સ્ટીવ મેક્કેઇને ઓસ્કરની આભારવિધિમાં જે વાક્ય ઉચ્ચાર્યું હતું તે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના છેલ્લા દસ વર્ષના આંકડાને ધ્યાનમાં રાખીને બોલવામાં આવ્યું હતું. દુનિયાભરમાં કેટલા ગુલામો છે એની વાત કરતા પહેલા અત્યારે ગુલામીની વ્યાખ્યા કેવી છે એ વિશે પણ થોડું જાણવું જરૃરી છે. ગુલામીની સદીઓ પહેલાની વ્યાખ્યા જેવી જ આજે પણ સ્થિતિ છે કે પછી તેમાં કશો ફરક પડયો છે? જવાબ છે- આંશિક ફરક પડયો છે. એકાદ સદી પહેલા ગુલામોની હરાજી થતી હતી કે જાહેરમાં શરીર પર કોરડા ફટકારવામાં આવતા હતા સાવ એવી સ્થિતિ આજે નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે ગુલામીપ્રથા નથી! હવે ગુલામીની વ્યાખ્યા થોડી બદલાઈ ગઈ છે, પણ ગુલામી તો ગુલામી જ છે. આજે ગુલામીની નવી પરિભાષા એટલે માલિકો દ્વારા ઓછા વળતરથી લેવાતું વધુ કામ. માત્ર કોરડા ફટકારવાની યાતનાને બાદ કરતા લગભગ ઘણી ખરી સ્થિતિ એક સરખી છે. જેમ ગુલામોની દલીલો સાંભળવાનો ધારો એ સમયે નહોતો એમ આજેય નથી. એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યા વગર જો મુંગા મોઢે માલિકનું કામ ન થાય તો સજા સ્વીકારવા તૈયાર રહેવું પડે છે. ક્યારેક દિવસો સુધી ખોરાક ન મળે, તો ક્યારેક રાતની કડકડતી ઠંડીમાં ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સુવાની જફરજ પાડવામાં આવે! ક્યારેક યુવાન મહિલા ગુલામનું માલિક દ્વારા જાતીય શોષણ પણ થાય. તો કોઈક વખત સખત કામનો બોજ તેના શિરે નાખી દેવામાં આવતો હોય છે.
હવે ગુલામોને જીવનભર માટે ખરીદવામાં નથી આવતા, પરંતુ કરારના નામે વર્ષો સુધી તેના કાંડા કાપી લેવાય છે. અમુક નક્કી કરેલી રકમ આપ્યા બાદ લાંબાં ગાળા સુધી તેની પાસે બેહિસાબ કામ લેવામાં આવે છે. ક્યારેક આખો પરિવાર પારાવાર ગરીબીના કારણે પૈસાની લાલચમાં આવીને આવા જોખમી કરાર કરી નાખે છે, તો ક્યારેક નજીવી રકમ માટે ઘરના સભ્યો દ્વારા જ બાળકોને વેંચી દેવામાં આવે છે. પહેલા ગુલામોના દસ્તાવેજો સાચવીને તેને પૂરાવા રૃપે રજૂ કરવામાં આવતા હતા. એના બદલે હવે આ આખું તંત્ર જ એવી રીતે ચાલે છે કે કોઈ જ પૂરાવાની જરૃર નથી હોતી! 'ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ'ના કહેવા પ્રમાણે તો આજે વિશ્વમાં ૨૯ લાખ લોકો ગુલામી વેઠી રહ્યાં છે અને એમાંથી અડધો અડધ તો એકલા એશિયામાં છે. આ સંસ્થાના દાવા પ્રમાણે તો એશિયામાં સૌથી વધુ ગુલામો ભારતમાં છે. આપણા દેશમાં ૨૦મી સદીના અંત ભાગમાં ૧૫ લાખ લોકો ગુલામો હતા. જેમાં દેહ વ્યાપારમાં ધકેલાતી યુવતીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. ભારતમાં ગુલામી અંગેની વિદેશી એજન્સીઓની દ્રષ્ટિ પ્રમાણે ખેત મજૂરી માટે ૧૦ વર્ષ કે ૧૫ વર્ષ માટે રખાતા મજૂરોનો પણ સમાવેશ થાય છે. આવા મજૂરોને ફરજીયાત નક્કી કરેલા સમય માટે તેના માલિકનું કામ કરવું પડતું હોય છે. એક વખત કરાર થયા પછી મજૂરો પાસે કોઈ જ વિકલ્પ બચતો હોતો નથી.
યુનિવર્સિટી ઓફ હૂલમાં કન્ટેમ્પરરી સ્લેવરી વિષયના પ્રોફેસર કેવિન બેલ્સના અભ્યાસ મુજબ દેહ વ્યાપાર ઉપરાંત માછીમારી ક્ષેત્રે અને કોલસાની ખાણોમાં કામ કરવા માટે સૌથી વધુ ગુલામોને કામે લગાડાય છે. અલગ અલગ અભ્યાસમાં ૧૬૨ દેશોમાં ગુલામીપ્રથા આજેય જોવા મળી છે. ચીન, પાકિસ્તાન, નાઇજેરિયા અને ભારતમાં સૌથી વધુ ગુલામો હોવાનું કહેવાય છે. હૈયાતી અને મોરિટેનિયામાં તો કુલ વસ્તી જેટલા જ બીજા ગુલામો છે એવો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. વિકસિત કહેવાતા દેશો- અમેરિકામાં ૬૦,૦૦૦, બ્રિટનમાં ૫,૦૦૦ ગુલામો નોંધાયા છે. અચ્છા, અહીં કદાચ એવો પ્રશ્ન થાય કે અત્યારે વિશ્વમાં ગુલામોના ભાવ શું ચાલે છે? જવાબમાં ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સનું માનીએ તો એક ગુલામ ૫૦થી ૬૦ હજાર ડોલર ખર્ચીને ખરીદી શકાય છે! એટલે કે એક માણસના આખા આયખાની કિંમત ૩૦થી ૩૫ લાખ રૃપિયા..