Posted by : Harsh Meswania Sunday, 6 April 2014




સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા

એક એવી રેસ્ટોરન્ટ જ્યાં ગેટ પર ગેસ્ટને વેલકમ કરવાથી લઈને ટેબલ પર ખાવાનું પીરસવા કે બારમાં ડ્રિન્ક બનાવવા સુધીનું બધુ જ કામ જોડિયા ભાઈ-બહેનો કરે છે. દુનિયામાં એવી ઘણી હોટેલ-રેસ્ટોરન્ટ છે જે તેની આવી એકાદ વિશેષતાના કારણે વિશ્વ વિખ્યાત બની હોય

ટ્વિન્સ રેસ્ટોરન્ટઃ ઉમ્મીદ સે દુગુના

૧૯૬૪માં બનેલી એક ફિલ્મ 'કિંગ્ડમ ઓફ ક્રુક્ડ મિરર' પરથી પ્રેરણા લઈને મોસ્કોના એલેક્સી ખોડોર્કોવસ્કીએ ટ્વિન્સ રેસ્ટોરન્ટનું નિર્માણ કર્યું છે. જેમાં બધું જ કામ ટ્વિન્સને સોંપવામાં આવે છે. ટેબલ દીઠ એક જોડીને ફાળવી દેવામાં આવે છે. રેસ્ટોરન્ટનું એક પણ કામ કોઈ એકને સોંપવામાં નથી આવતું અને આ જ તેની વિશેષતા બની ગઈ છે. તેના માલિકના કહેવા પ્રમાણે ટ્વિન્સને શોધવાનું કામ ખૂબ મુશ્કેલ હતું, પણ દેશભરમાંથી સરખા દેખાતા ટ્વિન્સને સારું વળતર આપીને પણ નોકરીએ રાખી લેવામાં આવે છે. મુલાકાતીઓ રેસ્ટોરન્ટમાં ખાવાની લિજ્જત માણવા કરતા ટ્વિન્સની અનોખી સર્વિસ જોવા-માણવા માટે વધુ આવતા હોય છે. જોકે, ટ્વિન્સની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. અમેરિકાની લીસા ગેન્ઝ અને ડેબ્બી ગેન્ઝ નામની બે જોડિયા બહેનોએ અમેરિકન અભિનેતા ટોમ બેરેન્જર સાથે મળીને ૧૯૯૪માં ન્યૂયોર્કમાં ટ્વિનર્લી નામની રેસ્ટોરન્ટ શરૃ કરી હતી. જેમાં ૩૭ ટ્વિન્સ આજેય કામ કરી રહ્યાં છે.
 પાણીની વચ્ચે ખાણીની લહેજત
હિંદ મહાસાગરમાં આવેલા દ્વિપ માલદીવના રંગાલીમાં ઈથા (જેનો મતલબ થાય છે મોતીની માળા) નામની એક અંડરવોટર રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં પાણીની વચ્ચે અને સમૃદ્રી સજીવો ઉપરથી-આજુબાજુમાંથી પસાર થતાં હોય ત્યારે ખાણીનો લુફ્ત ઉઠાવી શકાય છે. આ રેસ્ટોરન્ટ સમુદ્રની સપાટીથી ૧૬ ફીટ નીચે બનાવવામાં આવી છે. ૨૦૦૫માં નિર્માણ પામેલી આ રેસ્ટોરન્ટ ૧૬ ફીટ પહોળી અને ૩૦ ફીટ લાંબી છે.તેમાં એક સમયે ૧૪ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. તેને દુનિયાની સૌ પ્રથમ અંડરવોટર રેસ્ટોરન્ટનું સન્માન મળ્યું છે. ઈથાની સફળતાથી પોરસાઈને પછી તો ફિજી, ઈઝરાયેલ, દૂબઈ, સ્વિડન અને સ્ટોકહોમમાં પણ પાણીની અંદર ખાણીની લહેજત માણી શકાય એવી અંડરવોટર રેસ્ટોરન્ટ બની છે.
બાર્બી ડોલ ખાણું પીરસે છે!

છેલ્લા સાડા પાંચ દાયકાથી ત્રણ-ચાર પેઢીમાં સતત લોકપ્રિય રહેલી ડોલ બાર્બીની લોકપ્રિયતા અંકે કરવા હવે તો સૌ કોઈ મેદાને પડયા છે. તાઈવાનમાં આવેલી એક રેસ્ટોરન્ટ પણ આ યાદીમાં સમાવી શકાય. હોટેલ કમ રેસ્ટોરન્ટનો અંદર અને બહારનો ગુલાબી રંગ તેને આસપાસની તમામ ઈમારતોથી અલગ તારવી દે છે. અંદર પ્રવેશ્યા પછી તેમાં વધુ એક ગુલાબી રંગ ઉમેરાય છે. બાર્બીના કટ આઉટ સાથેનું મેનુ કાર્ડ અને તે આપવા આવનારી ગર્લ પણ એ જ રંગના બાર્બીના લિબાસમાં સજ્જ હોય છે. તાઇવાનના આ બાર્બી કેફેનો આ હંમેશનો દેખાવ છે. ઊંચા દામ આપીને યુવતીઓને રેસ્ટોરન્ટમાં કામ આપવામાં આવે ત્યારે બાર્બી બનીને કામ કરવું એ તેની પ્રથમ શરત હોય છે.
સદ્ધર લોકો માટેની અદ્ધર રેસ્ટોરન્ટ
૧૬૦ ફીટ હવામાં અદ્ધર રહીને ભોજન લેવાનું સાહસ અને સગવડ હોય તો અમેરિકાની ડિનર વિથ સ્કાય એે સ્વપ્ન પૂરું કરે છે. ૨૨ લોકો એક સાથે બેસીને ભોજન લઈ શકે એ માટે ૨૦ ફીટ લાંબું પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. અમેરિકાના અવકાશમાં આ પ્લેટફોર્મને ઉપર પહોંચાડયા પછી ભોજન પીરસવામાં આવે છે. ૨૨ મહેમાનો માટે ૮ સભ્યો બધી વ્યવસ્થાનો ઈંતઝામ કરે છે. જોકે, અવકાશમાં ભોજનનો આસ્વાદ માણવા નીકળેલા મોટાભાગના લોકો એટલી ઊંચાઈ પર ગયા પછી ખૂલ્લા પ્લેટફોર્મના કારણે ડરથી ભોજન લેવાનું જ માંડી વાળતા હોય છે. ભોજન માટે ૧૬૦ ફીટની ઊંચાઈએ ગયા પછી લગભગ ૮૦ ટકા લોકો જમ્યા વગર જ પાછા આવે છે!
સિક્રેટ એજન્ટ જ ભોજન મેળવી શકે!

અમેરિકન શહેર મિલવૌકીમાં સેફ હાઉસ નામે થોડી અલગ રેસ્ટોરન્ટ છે. એ એવી રેસ્ટોરન્ટ છે કે જેમાં પૂરતા નાણા ચૂકવ્યા હોવા છતાં પણ જો સિક્રેટ એજન્ટની જેમ કુશળતા બતાવીએ તો ભૂખ્યા પેટે પાછા ઘરે આવવું પડે. રેસ્ટોરન્ટનો દરવાજો ઓપન કરવાથી લઈને ટેબલ સુધી પહોંચવા માટે આખું સિક્રેટ મિશન પાર પાડવું પડે છે. દિમાગ પર જોર લગાવીને જાત-ભાતની પહેલી ઉકેલવી પડે છે. ઘણા લોકો મગજને કસવા માટે નિયમિત આ રેસ્ટોરન્ટની મુલાકાત કરતા રહે છે. અગાઉથી બુકિંગ કરાવ્યા પછી જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટના દરવાજા પાસે પહોંચે કે તરત તેના દિમાગની કસરત શરૃ થઈ જાય છે. ટેબલ સુધી પહોંચી જાય તો તેને ખાવાનું મળે છે. જો ન પહોંચે તો તેની પાસે ભૂખ્યા પેટે ઘરે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી હોતો.
જાદુગરો ખાવાનું પીરસે તો?
ન્યુયોર્કની ટ્રિબેકા રેસ્ટોરન્ટમાં ભોજન સાથે મેજિકનો આનંદ પણ ઉઠાવી શકાય છે. પીરસનારા બધાને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ગ્રાહકને આશ્વર્ય થાય એવા મેજિકની સાથે ઓર્ડર મુજબનું ખાવા-પીવાનું મળે છે. ઘણી વખત ભયનું લખલખું પસાર થઈ જાય એવા જાદૂના ખેલ પણ ટેબલ પર ક્રિએટ કરવામાં આવે છે. ભોજનની ઉપર આગના ગોળા દેખાવા લાગે કે પાણીના ગ્લાસમાં અચાનક ઉપરથી પાણી ટપકે એ વાતની અહીં કોઈ નવાઈ નથી. જમવાનું પૂરું થાય એ પહેલા તો કંઈ કેટલું બધુ અણધાર્યું બની ચૂક્યું હોય છે એ જ આ રેસ્ટોરન્ટની ખાસિયત છે.
મંગળ ગ્રહ ઉપર ભોજન લેવું હોય તો....
મંગળ મિશનની થિમ પર ન્યુયોર્કમાં રેસ્ટોરન્ટ બનાવાઈ છે. મંગળ પર રહેતા માનવીઓની કલ્પના પરથી વેઇટર્સનો લિબાસ તૈયાર કરવામાં આવ્યો છે. બેઠક વ્યવસ્થાથી લઈને પ્લેટ સુધીનું બધુ જ મંગળ ગ્રહ પર હોય એની કલ્પનામાંથી વિકસાવાયું છે. મંગળ ગ્રહ પર ગયેલો માણસ જો ભૂખ્યો થયો હોય તો તેને મંગળવાસી કેવી રીતે માર્ગદર્શન આપે એ બાબતને નાટયાત્મક રીતે વણી લેવામાં આવી છે. સામાન્ય કરતા અલગ રીતે ઉચ્ચારો કરતા વેઇટર્સ મંગળ ગ્રહનું વાતાવરણ ક્રિએટ કરે છે.
થોડી વધુ વિચિત્ર રેસ્ટોરન્ટ!
નરભક્ષી રેસ્ટોરન્ટ. ન માનવામાં આવે એવા નામની જાપાન સ્થિત આ રેસ્ટોરન્ટમાં સ્ત્રીના શરીરના આકારમાં જાપાની ફૂડ પીરસવામાં આવે છે. એક પછી એક ભાગને ખાવાનું શરૃ થાય એટલે હ્યુમન બોડીમાંથી જે રીતે લોહી નીકળે એ રીતે જ સ્ત્રીના આકારની ફૂડ પ્લેટમાંથી રક્ત વહેવા લાગે છે. આવી જ બીજી વિચિત્ર રેસ્ટોરન્ટ તાઇવાનમાં આવેલી છે. હોસ્પિટલની થિમમાં બનેલી ડિનર ઈન અ હોસ્પિટલ નામની રેસ્ટોરન્ટમાં સુંદર યુવતીઓ નર્સના વેશમાં જમવાનું પીરસી જાય છે. હોસ્પિટલમાં હોય એવા સાધનોનો ઉપયોગ પીરસતી વખતે કરવામાં આવે છે. તાઇવાનમાં જ ટોઇલેટ રેસ્ટોરન્ટ પણ બની છે. બેસવા માટે ટોઇલેટસીટ જેવા આકારની બેઠક વ્યવસ્થા છે. એટલું જ નહીં, ખાવાનું પણ ટોઇલેટસીટ જેવા આકારની પ્લેટમાં જ આપવામાં આવે છે. વિશાળ બાથરૃમ જેવા આકારની આ રેસ્ટોરન્ટ તાઇવાનમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. એમ તો આ યાદીમાં ચીનની ડાર્ક રેસ્ટોરન્ટને પણ સમાવી શકાય. રેસ્ટોરન્ટના મુલાકાતીને અંધારિયા ઓરડામાં આંગળી પકડીને દોરી જવામાં આવે છે. ઘડિયાળ, મોબાઇલ ફોન વગેરે તો અગાઉથી લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ સરપ્રાઇઝ ફૂડ પીરસાય છે. ફૂડની સોડમ અને સ્વાદથી જ તેની ઓળખ કરવી પડે છે. એ રીતે ફૂડને ન ઓળખી શકનારા ઘણા મુલાકાતીઓને એ જ ખબર નથી હોતી કે તેને શું પીરસવામાં આવ્યું હતું!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -