Posted by : Harsh Meswania Sunday, 27 April 2014


વિશ્વભરમાં વિખ્યાત થયેલી રૂબિક્સ ક્યુબ પઝલની શોધને આ મહિને ૪૦ વર્ષ થયા. ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ ગણાયેલી રૂબિક્સ ક્યુબની શોધ અને તેના વ્યાપની કહાની પણ પઝલ જેટલી જ રોચક છે...

આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનનું ભણાવતો ૩૦ વર્ષનો પ્રોફેસર આર્નો રૃબિક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને ઘરેડથી ચીલો ચાતરીને નવી રીતે વાતને સમજાવવાની કોશિશ કરતો. હંગેરિયન ઈજનેર પિતા અને ચિત્રકાર-કવયિત્રી માતાના સંતાન એવા આર્નોને માતા-પિતાના કોમ્બો જેવું આર્ટિસ્ટિક અને પ્રાયોગિક દિમાગ મળ્યું હતું. જેનો ઉપયોગ તે પોતાના પ્રોફેશનમાં બરાબર કરતો હતો. એ એવું માનતો કે સિલેબસનો અભ્યાસ તો પરીક્ષા પૂરતો જ ખપમાં આવશે, પરંતુ સિલેબલ ઉપરાંતની બાબતો જો વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે દિમાગમાં ઉતારાશે તો અભ્યાસ પછી પણ જીવનભર કોઈ પણ ક્ષેત્રમાં ગૂંચવણ વખતે તરત જ તેમાંથી કંઈક રસ્તો મેળવી શકાશે.
થોડા દિવસોથી તે વિદ્યાર્થીઓને થર્ડ ડાઇમેન્શનનો ખયાલ સમજાવતો હતો. અલગ અલગ ઉદાહરણો આપીને આર્કિટેકમાં તેનું શું મહત્ત્વ છે તે સ્પષ્ટ કરવા મથતો હતો. એમાં તેણે પોતાના આર્કિટેક-આર્ટિસ્ટિક દિમાગને કામે લગાડયું. પોતાના અભ્યાસકાળ દરમિયાન તે શીખ્યો હતો કે ઓબ્જેક્ટ અને સ્પેસ એકમેકના પૂરક છે અને તેનું સંયોજન કશુંક નવુ આપી શકવા સક્ષમ છે. થોડા દિવસો સતત એ વિચાર તેના દિમાગમાં ધૂમરાયા કર્યો. અંતે એક દિવસ થર્ડ ડાઇમેન્શનને બરાબર સમજાવી શકાય એવું એક સાધન બનાવવાનો તેને વિચાર આવ્યો. કોલેજના પિરિયડને બાદ કરતા તે દિવસ અને રાત એ સાધન બનાવવા મચી પડયો. તેને એવું સમતોલ સપાટ ચોકઠું બનાવવું હતું જે બધી બાજુથી ફેરવી શકાય. આર્કિટેક હોવાના નાતે રૃબિકનો બીજો એક આશય એ હતો કે સ્થાપત્યના નિર્માણ વખતે જો કશી ગરબડ થાય તો ઈમારતને પાયામાંથી બદલવા કરતા જે ભાગ ખામીયૂક્ત છે એને હટાવીને બાકીની ઈમારતનું નિર્માણ વ્યવસ્થિત રીતે કરી શકાય છે એ વાત પણ પોતાના આ હલનચલન થઈ શકતા નાનકડા સાધનથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય. એને ધીરે ધીરે એ પણ સમજાયુ કે વિચારને મૂર્તિમંત સ્વરૃપ આપવાનું કામ ખરેખર બહુ મુશ્કેલ છે.
તેને પોતાના વિચાર મુજબનું લાકડાનું ચોકઠું બનાવવામાં બીજા એક મિત્રની મદદ મળી. થોડા દિવસ પછી એક એવું ચોકઠું તૈયાર કરવામાં તેને સફળતા મળી જે જાદૂઈ અસર કરતું હતું. ઉપરના કે નીચેના ભાગને ફેરવ્યા પછી ઊભી ગમે તે એક હરોળને ફેરવવી હોય તો ફેરવી શકાતી હતી. વિદ્યાર્થીઓ સામે લાકડાના રંગ વગરના એ ચોકઠાંને રજૂ કરવામાં આવ્યું. રૃબિકને જેમાં થર્ડ ડાઇમેન્શન અને ઈમારતના ક્ષતિગ્રસ્ત ભાગને અલગ કરવાની વાત દેખાતી હતી એ બાજુ પર રહી ગઈ! તેના સ્ટૂડન્ટ્સને એમાં આવું કશું જ નહોતું દેખાતું. એ બધા માટે તો આ એક જાદૂઈ પઝલ હતી, કલાકો સુધી થાક ન લાગે એવી ભરપૂર મનોરંજક ગેઇમ!
રૃબિકે સપનામાં પણ કલ્પના નહોતી કરી કે તેણે એવી પઝલ બનાવી નાખી છે જે ૨૦મી સદીની સૌથી લોકપ્રિય પઝલ બનવાની છે. પેઢીઓ સુધી તેની લોકપ્રિયતા અકબંધ રહેવાની છે. એટલું જ નહી, આ એક માત્ર પઝલના કારણે દુનિયા તેને અલગ માન-પાન આપશે. ત્યારે તેના વિદ્યાર્થીઓએ ભેગા મળીને એ પઝલને નામ આપ્યુંઃ મેજિક ક્યુબ.
                                                                           * * *
ક્યુબની બનાવટ પછી જ્યારે વિદ્યાર્થીઓ અને મિત્રોએ તેને પઝલ્સ ગણાવી ત્યારે રૃબિકને એ વાતનો અહેસાસ થયો કે થર્ડ ડાઇમેન્શનને સમજાવવા માટે જે સાધન બનાવ્યું છે એ ખરેખર તો એક પઝલ છે. પછી તેમણે ફરી વખત ક્યુબમાં થોડા ફેરફારો કર્યા અને તેને અલગ અલગ છ રંગોમાં વહેંચવાનું વિચાર્યું. એ પ્રમાણે તેમણે સફેદ, વાદળી, લીલો, લાલ, પીળો અને કેસરી રંગની મદદથી મેજિક ક્યુબની ૧૮ પટ્ટીઓ બનાવી. મેજિક ક્યુબમાં કુલ ૨૬ ચોકઠાં વાપરીને તેને પઝલ તરીકે રજૂ કરતા પહેલા રૃબિકે આ પઝલ ઉકેલવાનું કામ કરવાનું હતું. જેને પઝલ સ્વરૃપે રજૂ કરવા જઈ રહ્યા હોય અને તેનો ઉકેલ ન હોય તો એ પઝલ સફળ ન થઈ શકે એવું વિચારીને તેમણે એક મહિનાની સખત મહેનત પછી અઘરી પઝલ ઉકેલી કાઢી. હકારાત્મક પ્રતિભાવો પછી રૃબિકે ૧૯૭૫માં મેજિક ક્યુબના નામે તેની પેટર્ન રજીસ્ટર કરાવી લીધી હતી. રમકડાં બનાવતી હંગેરિયન કંપની પોલિટેકનિકા સાથે રૃબિકે કરાર કર્યા. ૧૯૭૭ના વર્ષમાં બુડાપેસ્ટની રમકડાંની દુકાનોમાં મેજિક ક્યુબને વેંચાણ માટે મૂકવામાં આવી. ધાર્યા કરતા વધુ હૂંફાળો પ્રતિસાદ મળ્યો એટલે કંપનીનો અને રૃબિકનો ઉત્સાહ બેવડાયો. ત્રણેક વર્ષમાં તો હંગેરીનું રમકડાં બજાર મેજિક ક્યુબથી ઉભરાઈ ગયું. ચોમેર મેજિક ક્યુબની બોલબાલા થવા માંડી. ત્યારે હંગેરીની વ્યાપાર નીતિ સામ્યવાદી હતી એટલે દેશની પ્રોડક્ટ બહાર મોકલી શકાય નહીં, પણ રૃબિકની આ મેજિક ક્યુબને વિદેશી માર્કેટ સર કરવાનો પરવાનો મળ્યો. ૧૯૭૯માં આઈડિયલ ટોય કંપની સાથે કરાર થયો. કંપનીએ વિદેશમાં સારો પ્રતિસાદ મેેળવવા માટે નામ બદલવાનું નક્કી કર્યું. કેમ કે, મેજિક ક્યુબ નામ જાદુ સાથે સંકળાઈ જાય તો બની શકે કે ધાર્યુ નિશાન પાર ન પણ પડે એવી એક દહેશત હતી. અંતે ઘણા બધા નામો વિચાર્યા પછી શોધકનું નામ પણ આવી જતું હોય એ રીતે 'રૃબિક્સ ક્યુબ' નામ અપાયું. રૃબિક્સ ક્યુબને વિશ્વભરમાં ફેલાવવાનો શ્રેય વળી એક બીજા ઉદ્યોગ સાહસિક ટોમ ક્રિમરને જાય છે. ટોમના મતે આ ક્યુબ ૨૦મી સદીનું ક્લાસિક રમકડું હતું અને એને સફળતા ન મળવાનો કોઈ સવાલ જ ઉઠતો નહોતો. ટોમની વાત ખરેખર સાચી પણ હતી. ૧૯૮૨નું વર્ષ પૂરુ થયું ત્યારે વિદેશી માર્કેટના વેંચાણનું રિઝલ્ટ હતું-૧૦ કરોડ નકલ. કોઈ પઝલ વિશ્વ વ્યાપી બને એના બે જ વર્ષમાં તેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે ખરી? રૃબિક્સ ક્યુબની વાત થતી હોય તો આ સવાલનો જવાબ 'હા'માં આપવો રહ્યો. ૧૯૮૨માં પ્રથમ વખત રૃબિક્સ ક્યુબની વાર્ષિક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને રૃબિક્સ ક્યુબના વેચાણ જેટલી જ ધારી સફળતા મળી હતી. 
                                                                        * * *
'જો તમે જીજ્ઞાાસુ હશો તો તમારી આસપાસ ઘણી બધી પઝલ્સને શોધી શકશો, પણ જો તમે અદમ્ય ઈચ્છા શક્તિ ધરાવતા હશો તો પઝલ્સ શોધવાની સાથે સાથે તેના ઉકેલ સુધી પણ પહોંચી શકશો. પઝલ્સ અને તેના ઉકેલ સુધી પહોંચવાની જીજ્ઞાાસા જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલી વખતે નિર્ણયો લેવામાં અવશ્ય કામ આવે છે' પઝલ્સ સાથે જીવનની સરખામણી કરતા આ શબ્દો છે મેજિક ક્યુબના શોધક અને એક સમયે આર્ટ્સ-ક્રાફ્ટ અને ડિઝાઇનિંગના પ્રોફેસર રહેલા આર્નો રૃબિકના. ૭૦ વર્ષના થવા આવેલા આર્નો હવે પ્રોફેસર નથી. તેમની આજની ઓળખ પઝલ્સ ડિઝાઇનર તરીકેની છે. જોકે, એને માત્ર પઝલ્સ ડિઝાઇનર કહેવા એ પણ આમ તો તેમની અધુરી ઓળખ લેખાશે. તેઓ બ્રિટનના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેસ્ટિવલના એડવાઇઝર છે. તેમણે હંગેરિયન એન્જિનિયરિંગ એકેડમીનું પ્રમુખ પદ પણ શોભાવ્યુ છે. ગેઇમ્સ અને પઝલ્સના એક સામયિકના એડિટરની જવાબદારી પણ તેઓ સંભાળી ચૂક્યા છે. વીડિયો ગેઇમ્સ ક્રિએટ કરવાનું કામ તેઓ હવે વધુ કરે છે, પરંતુ આજેય તેમને રૃબિક્સ ક્યુબના શોધક તરીકે જ ઓળખવામાં આવે છે. રૃબિક્સ ક્યુબ એ આજ પર્યન્ત રૃબિકનું શ્રેષ્ઠ સર્જન બની રહ્યું છે.
રોબિક્સ ક્યુબના રેકોર્ડ્સ ૧૯ સેકન્ડથી ૫.૫૫!
૧૯૮૨માં યોજાયેલી ચેમ્પિયનશીપમાં જર્મનીના રોનાલ્ડ બ્રિકમેને માત્ર ૧૯ સેકન્ડમાં રોબિક્સ ક્યુબને ઉકેલીને નવો કિર્તીમાન સ્થાપિત કરી દીધો હતો. જોકે, એ જ વર્ષે બીજા એક ખેલાડી રોબર્ટ પેર્ગલે ૧૭ સેકન્ડમાં ઉકેલ લાવીને સૌને ચોંકાવી દીધા હતા. આ રેકોર્ડ પછી ૨૦મી સદીના અંત સુધી અકબંધ રહ્યો હતો. ૨૦૦૩માં ફરીથી રોબિક્સ ક્યુબની પઝલ ઓછામાં ઓછી ચાલ અને ઓછી ઝડપે તોડવાના વિક્રમો સતત તૂટતા ગયા. અત્યારે આ વિક્રમ નેધરલેન્ડના મેલ્ટ્સ વોલ્કના નામે નોંધાયેલો છે. પણ ક્રિકેટમાં જે સ્થાન સચિનનું એવું જ સ્થાન રોબિક્સ ક્યુબની સ્પર્ધાઓમાં ઓસ્ટ્રેલિયાના ફેલિક્સ ઝેમ્બડેગ્સનું છે. ફેલિક્સે પોતાના જ વિક્રમો સતત છ વાર તોડયા છે. તેનો છેલ્લો વિક્રમ ૫.૬૬ સેકન્ડનો છે. એ રેકોર્ડ તેમણે ૨૦૧૧ના મેલબોર્ન વિન્ટર ઓપન વખતે કર્યો હતો. ૨૪ કલાકમાં રૃબિક્સ ક્યુબની કેટલી પઝલ્સ ઉકેલી શકાય? આનો જવાબ છે ૪૭૮૬. હંગેરીનો મિલાન બેટિક્સ ૨૦૦૮માં ૨૪ કલાક સુધી સતત ક્યુબ ઉકેલતો રહ્યો હતો અને છેલ્લે ગણતરી કરી ત્યારે આ આંકડો બહુ વિશાળ હતો.

ફિલ્મ સ્ટાર્સ અને રોબિક્સ ક્યુબ
હોલિવૂડ-બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં રોબિક્સ ક્યુબ પઝલ બતાવવામાં આવી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ એવા ય છે જે ફિલ્મમાં જ નહીં પણ પોતાના અંગત જીવનમાં પણ રોબિક્સ ક્યુબના ફેન હોય. આવું જ એક નામ એટલે આમિર ખાન. આમિરે એક વખત દાવો કર્યો હતો કે તે માત્ર ૨૮ સેકન્ડમાં જ પઝલ ઉકેલી શકે છે. એ પણ ક્યુબ સામે જોયા વગર જ! આમિરે ૧૬ વર્ષની વયે રોબિક્સ ક્યુબના વિશ્વ ચેમ્પિયન બનવાનું શમણું પણ જોયું હતું. આવા જ બીજા કલાકારો એટલે વિલ સ્મિથ અને જેક બ્લેક. તો યંગસ્ટર્સમાં લોકપ્રિય થયેલા સિંગર-ડાન્સર અને એક્ટર જસ્ટિન બીબર પણ નવરાસના સમયમાં ક્યુબ પર હાથ અજમાવે છે. નોટબૂક ફેમ કેનેડિયન એક્ટર રેયન ગોસ્લિંગે એક લાઇવ કાર્યક્રમમાં રોબિક્સ ક્યુબ પઝલ ઉકેલી આપી હતી.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -