- Back to Home »
- Sign in »
- નિક વાલેન્ડા : દૂર રેહ પાયે જો હમસે, દમ કહાઁ મંઝિલ મે હૈ!
Posted by :
Harsh Meswania
Sunday, 9 November 2014
નિક વાલેન્ડાએ સતત અણધાર્યા સ્ટંટ્સ કરીને વિશ્વભરમાં અનેરા સાહસિક તરીકે નામના મેળવી છે. 'અસંભવ' શબ્દમાં પણ વ્યક્ત ન થઈ શકે એવા સાહસોની વિક્રમી સફળતા પાછળ જેની સાત પેઢીની મહેનત બોલે છે એવા ૩૫ વર્ષના આ સાહસિકની બે દશકાની સફર પર એક નજર...
ક્યુબેકમાં ચાલતા એક સ્ટંટ્સના કાર્યક્રમમાં ૨૦ વર્ષનો યુવક ૩૦ ફીટ ઊંચે દોરડા ઉપર કોઈ જ આધાર વગર સંતુલતથી ચાલતો ચાલતો આવીને બરાબર વચ્ચે એ જ હાલતમાં બધાના આશ્વર્ય વચ્ચે અટકી ગયો અને નીચે ઉભેલી એક યુવતીને તાકી રહ્યો. એ છોકરી તેને ઘણા વખતથી ગમતી હતી. આજે તેણે પોતાની લાગણી વ્યક્ત કરી જ દેવાનું નક્કી કર્યું હતું. કાર્યક્રમ નિહાળતા ૨૫ હજાર પ્રેક્ષકો તેમ જ પિરામીડ બનાવીને કાર્યક્રમમાં ભાગીદાર બનેલા સાત ફેમિલી મેમ્બર્સની હાજરીમાં તેણે જેકેટના પોકેટમાં ખૂબ સંભાળપૂર્વક રાખેલું રેડ રોઝ કાઢ્યું અને એક પગ ઘૂંટણેથી વાળીને પ્રપોઝ કર્યું 'વીલ યુ મેરી મી!'. પ્રેક્ષકોના હર્ષનાદ વચ્ચે યુવાનની અનોખી અદાથી મોહી પડેલી યુવતીએ પ્રપોઝલ સ્વીકારી લીધી અને એક વીક પછી બંને લગ્નગ્રંથીથી પણ જોડાઈ ગયા. ૧૯૯૯માં બનેલો આ પ્રસંગ ઈરેન્ડિરા માટે કાયમ અવિસ્મરણીય બની રહ્યો. ઈરેન્ડિરા માટે સ્ટંટ્સ નવી નવાઈની વાત નહોતી, પણ આ યુવાનની પ્રપોઝ કરવાની સ્ટાઇલ નવી હતી. બાકી એમ તો ઈરેન્ડિરાનું ફેમિલી વિશ્વના સૌથી પૂરાણા ત્રણ સર્કસ પરિવાર પૈકીનું એક ગણાય છે. એ પણ સર્કસ-જોખમી સ્ટંટ્સ વગેરેની વચ્ચે ઉછરી છે એટલે સ્વાભાવિક રીતે જ તેને નિતનવા જોખમ ખેડતો આ યુવક તરત પસંદ પડી ગયો. પ્યાર માટે આવું જોખમ લેનારા એ યુવકને દુનિયા આજે કિંગ ઓફ ધ વાયર- નિલ વાલેન્ડાના નામે ઓળખે છે. જે પ્યાર માટે આવું કરી શકતો હોય એ પેશન માટે શું ન કરે?
'લોકોને સતત નવું જોવું ગમે છે. જો પ્રેક્ષકોને નવું નહીં આપીએ તો એ નવું શોધવા માંડશે. આ મંત્ર મેં બરાબર દિમાગમાં ઉતારી લીધો છે. જેના ભાગરૃપે હું માત્ર હાઈ-વાયર વોકર બનીને જ નથી રહ્યો, પણ સાથે સાથે મેં બીજા જોખમી સ્ટંટ્સ તરફ ધ્યાન આપ્યું છે. ધારણા બહારની બાબતો કરો તો જ લોકો અસાધારણ ગણીને સન્માન આપશે'. આ શબ્દો નિકના જીવનમંત્ર જેવા છે. તેણે સાયકલ-મોટર સાયકલની મદદથી સ્ટંટ્સ કર્યા છે, તો ધ વ્હિલ ઓફ ડેથના પ્રયોગો પણ કર્યા છે. સામે પક્ષે હેલિકોપ્ટરની નીચે દાંતની મદદથી લટકીને કર્યા હોય એવા પડકારો પણ હસતા મોઢે કર્યા છે. ૩૫ વર્ષના આ સાહસિકને ક્યારેય અકસ્માત નથી નડયો, પરંતુ તેના પરિવારના કેટલાય સભ્યોએ જીવ આપીને આ પરંપરાને આગળ વધારી છે. હંમેશા ધારેલા બધા જ મિશનો તેણે પળવારમાં પાર પાડયા છે. તેને સતત નવા નવા વિક્રમો માટે એવોર્ડ અપાય છે, પરંતુ તેના ચહેરા ઉપર એવોર્ડ કરતા વાલેન્ડા પરિવારની શાન જેવા જોખમી સ્ટંટ્સનો સિલસિલો આગળ વધારી શકાયો એનો આનંદ વધારે ઝલકે છે!
* * *
નિક સર્કસ અને વિવિધ સાહસો કરતા મૂળ જર્મનીના અને સમયાંતરે અમેરિકા સ્થિત થયેલા વોલેન્ડા પરિવારની સાતમી પેઢીનો સાહસિક છે. તેના પરિવારમાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ આવા હેરતઅંગેજ સ્ટંટ્સ માટે જાણીતી છે. ૨૦૧૧માં નિક અને તેની માતાએ એક દોરડા ઉપર સામ-સામા ચાલીને સંયુક્ત રીતે બે ટાવર્સની વચ્ચે વાયર વોક કર્યું હતું. આ બાબત દર્શાવી દે છે કે તેના પરિવાર માટે સાહસ કેટલું સહજ છે. ૧૯૨૦થી અધ્ધરતાલ દોરડા ઉપર ચાલવાના સ્ટંટના કારણે નિકના પડદાદા કાર્લ વાલેન્ડર ખ્યાતનામ થયા હતા. 'કાર્લે ધ ફ્લાઇંગ વાલેન્ડાસ' નામથી સર્કસ અને સાહસથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરતી કંપની બનાવી હતી. તેમને એ સમયે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. કાર્લ પછી આવી પ્રસિદ્ધિ નિકને મળી છે. નિક માટે પોતાના પડદાદા કાર્લ જ બાળવયથી રોલ મોડેલ રહ્યા છે. બધા જ કરતબોની સફળતા પછી નિક તેના પડદાદાને એ અર્પણ કરી દે છે. એક જોખમી સ્ટંટ કરતી વખતે કાર્લે દોરડા પરથી બેલેન્સ ગુમાવ્યું હતું અને ઊંચાઈ ઉપરથી નીચે પટકાવાને કારણે ૭૩ વર્ષની વયે તેમનું મૃત્યુ થયુ હતું. આ ઘટનાના એક વર્ષ પછી નિકનો જન્મ થયો હતો. આશ્વર્યજનક બાબત એ છે કે કાર્લનો જન્મ જાન્યુઆરી માસમાં થયો હતો અને નિકનો જન્મ પણ જાન્યુઆરી માસમાં જ થયો હતો એટલે નિકના પિતાને ઘણા ભવિષ્યવેત્તાઓએ એમ કહ્યું હતું કે તેમના પિતાનો જન્મ પુત્ર રૃપે થયો છે!
વાલેન્ડા પરિવારને પ્રસિદ્ધિ અને પ્રેક્ષકોનો પ્યાર મળ્યો એ સાથે સાથે તેમણે તેની આકરી કિંમત પણ ચૂકવી છે. આ સર્કસ દ્વારા ૭ સભ્યોનો પિરામીડ ખૂબ જ પોપ્યુલર થયો હતો. ૧૯૬૨માં એક અકસ્માત થયો ત્યારે પિરામીડનું સંતુલન રહ્યું નહીં અને એ જોખમી ખેલ કરવામાં બે સભ્યોએ જીવ ખોયો હતો. એટલું જ ઓછું હોય એમ નિકના કાકા મારિયોને પેરેલિસિસ થઈ ગયો હતો. છેલ્લા પાંચ દશકામાં આ પરિવારે એક મોભી સહિત ત્રણ સ્વજનો ગુમાવ્યા છે.
સર્કસ સાથે સાત-સાત પેઢીથી સંકળાયેલા પરિવારમાં જન્મ થવાને કારણે નિકની આકરી તાલીમ બાળવયે જ થઈ ગઈ હતી. સામાન્ય રીતે બાળક ચાલતા શીખે એ ઉંમરે તેના માટે માતા-પિતા અલગ અલગ પ્રકારની ચાલવાની સાયકલ્સ વગેરેની વ્યવસ્થા કરતા હોય છે, પરંતુ વાલેન્ડા પરિવારમાં બાળક દોરડા પર ચાલતા શીખે! નિક માત્ર બે વર્ષનો હતો ત્યારે જ તેના માતા-પિતાએ તેને દોરડા પર ચાલતા શિખવાડયું હતું. યુવાન થયો ત્યાં સુધીમાં આ બધી જ કળામાં તે મહારત હાંસિલ કરી ચૂક્યો હતો. ૬ વર્ષની વયે પ્રથમ વખત નાયગ્રા ધોધ જોયો ત્યારે તેણે પરિવારના સભ્યોને કહ્યું હતું કે હું એક દિવસ આ ધોધ દોરડા પર ચાલીને પાર કરીશ. પરિવારના સભ્યોએ તેને બાળસહજ વાત ગણીને હસી કાઢી હતી, પણ તેણે મનમાં બરાબર એ ગાંઠ વાળી લીધી હતી જે સપનું તેણે ૨૦૧૨માં ૩૨ વર્ષની વયે સાકાર કર્યું હતું.
જોકે, એક સમયે તેના પિતાએ નિકને બીજા કોઈ ધંધામાં નસીબ અજમાવવાનું સૂચન કર્યું હતું. કેમ કે, સર્કસને પાટિયા લાગવા માંડયા હતા એટલે તેના પિતાને એમાં સંતાનોનું ભાવિ જણાતું ન હતું. નિકના પિતા ડેલિલાહ વાલેન્ડાએ 'ધ લાસ્ટ ઓફ ધ વાલેન્ડાસ' નામની એક કિતાબ લખી હતી જેમાં આવા જોખમી સ્ટંટ્સ સામે વધતા પડકારોની વાત કરીને પરિવારની આ છ પેઢી જૂની પરંપરાનો પોતાનાથી અંત આવશે એવું ખૂબ ખેદપૂર્વક તેમાં લખ્યું હતું. જો સાહસિક જોખમો ન ખેડી શકાય તો નિકની ઈચ્છા પાયલટ બનવાની હતી. તેના પિતાએ નિકને પાયલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા હિંમત આપી હતી, ૧૯૯૮થી તેના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, જેના કારણે દુનિયાને એક લિજેન્ડરી સ્ટંટમેન મળ્યો. કાર્લે ક્રિએટ કરેલો સાત સભ્યોનો પિરામીડ ફરીથી નવા સ્વરૃપે રજૂ થયો ત્યારે તેનો એક સભ્ય નિક પણ હતો. પછીથી આ ઘટનાનો ઉલ્લેખ કરીને નિકે કહ્યું હતું કે 'પ્રેક્ષકોનો પ્રેમ અને ટેલિવિઝનના દ્રશ્યો જોઈને મને લાગ્યું કે આટલા લોકોનો પ્રેમ મળે છે અને વાલેન્ડા નામમાં જે વિશ્વાસ લોકો દાખવી રહ્યાં છે એ પરંપરાને મારે આગળ વધારવી જોઈએ. બસ એ ઘડીએ મેં નક્કી કર્યું કે મારો જન્મ આ કામ માટે જ થયો છે અને હું જીવનભર આ કામ જ કરીશ. ત્યાર પછી મેં ક્યારેય પાછું ફરીને જોયું નથી, જોવાની નવરાશ પણ નથી મળી'.
* * *
નિકનું માનવું છે કે ઈશ્વરે તેને આ શક્તિ જન્મજાત આપી છે એ સિવાય તે કદાચ આ કામ પાર પાડી શકે નહીં. તે એક પણ સ્ટંટ્સની આગોતરી તૈયારી નથી કરતો. સ્ટંટ્સ કરતા પહેલા પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરે છે અને પછી તે દોરડા પર ચાલવાનું શરૃ કરે ત્યારે તેને એમ જ લાગે છે કે તે ઈશ્વર તેને ચાલવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આઝાદીની તર્જ પર રચાયેલા રામપ્રસાદ બિસ્મિલના શબ્દો 'હોશ ઉડા દેંગે હમેં રોકો ન આજ, દૂર રેહ પાએ જો હમસે દમ કહાઁ મંઝિલ મે હૈ...' અહીં આ યુવાનને થોડા અલગ રીતે લાગુ પડે છે એવું નથી લાગતું?
નિકના જોખમોની વણજાર...
* ગયા સપ્તાહે ૨ નવેમ્બર, ૨૦૧૪ના રોજ બે બિલ્ડિંગ્સ વચ્ચે દોરડા ઉપર ઊંચાઈ અને ઝડપનો નવો વિક્રમ કાયમ કર્યો હતો. સાથે-સાથે આંખ ઉપર પટ્ટી બાંધીને ઊંચાઈ પર ચાલવાનો વિક્રમ પણ તેને પોતાના નામે કર્યો હતો.
* તેના નામે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નવ રત્નો જેવા નવ વિક્રમો નોંધાયેલા છે.
* આ બધા સ્ટંટ્સ વખતે તેનો એક જ મેસેજ હોય છે કે દિલની વાત સાંભળો અને એ પ્રમાણે વર્તો
* નિકના બધા જ જોખમી સ્ટંટ્સ વખતે તેની પત્ની અને ત્રણ બાળકો આસપાસમાં જ હોય છે. નાયગ્રા ધોધ પર ચાલતા અગાઉના સાત દિવસ પહેલા તેણે પ્રથમ વખત પરિવારથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
* ૨૦૦૮માં તેણે દોરડા પર ૨૫૦ ફીટ લાંબી અને ૧૩૫ ફીટ ઊંચી સાયકલ રાઇડ કરીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
* ૨૩ જૂન, ૨૦૧૩ના દિવસે દોરડા પર ચાલીને ઊંચાઈ પરથી ગ્રાન્ડ કેન્યલ એરિયા ક્રોસ કરનારો તે દુનિયાનો પ્રથમ સાહસિક બન્યો હતો.
* ૧૦ જૂન, ૨૦૧૧નો દિવસ નિક માટે નવા સીમાચિન્હ રૃપ બની રહ્યો. ૨૫૦ ફીટ ઊંચે ઉડતા હેલિકોપ્ટરમાં દાંતથી પક્કડ જમાવીને તેણે સ્ટંટ કર્યો ત્યારે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં તેણે સ્થાન મેળવ્યું હતું.
* તેના માટે અમેરિકા અને કેનેડાએ ૧૧૬ વર્ષનો પ્રતિબંધ હટાવીને નાયગ્રા ધોધ ઉપર દોરડા પર ચાલવાનો તેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ અભૂતપૂર્વ ઘટના હતી કે જ્યારે કોઈ એક સ્ટંટમેન માટે કાયદામાં આટલો મોટો ફેરફાર કરાયો હોય. વળી બંને દેશોએ બે વર્ષ સુધી જિયોગ્રાફિકલ સર્વે પણ કરાવ્યો હતો. ૧ લાખ ૨૦ હજાર ચાહકો તેના સ્ટંટની બીજ તરફ રાહ જોઈને ઉભા હતા. કોઈ એક કરતબ માટે આટલા લોકો રાહ જોતા હોય એવો પણ એ વિરલ બનાવ હતો.
* ૬૫ વર્ષની વયે કાર્લે ૧૨૦૦ ફીટ લાંબું વોક કર્યુ હતું એને આજેય તે પોતાના કરતા એને વધુ મહાન કરતબ ગણે છે