- Back to Home »
- Sign in »
- સાયબર ક્રાઇમ સેલ : સશક્ત ચોર સામે કામ કરતું અશક્ત તંત્ર!
Posted by :
Harsh Meswania
Sunday, 7 February 2016
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ભારતમાં ઓનલાઇન ગુનાખોરીનું પ્રમાણ ભયનજક રીતે વધી રહ્યું છે. સોશ્યલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવાથી લઈને ઓનલાઇન છેતરપીંડી સુધી વધી રહેલા સાયબર ક્રાઇમ રોકવા કામ કરતું તંત્ર ભારતીય સાયબર ક્રાઇમ સેલ કેમ કારગત નથી નીવડતું?
સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય.
જોરશોરથી કોઈ પ્રોડક્ટની જાહેરાત શરૃ કરવામાં આવે, કોઈ સેલિબ્રિટીને એ પ્રોડક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે. તેનો બરાબર પ્રચાર થાય, શહેરના ખૂણે ખૂણે હોર્ડિંગ્સ લગાવવામાં આવે, ગ્રાહકોમાં એ પ્રોડક્ટનું નામ ગૂંજવા માંડે, ગ્રાહકો એ પ્રોડક્ટનો ઉમળકો પણ દાખવે અને પછી માર્કેટમાં એ પ્રોડક્ટ મળે નહીં તો શું થાય?
એ જ હાલત થાય જે નબળી સર્વિસ માટે થવી જોઈએ. થોડો સમય ગ્રાહકો એ પ્રોડક્ટની ડિમાન્ડ કરે, પછી વારેવારેની માંગણી છતાં પ્રોડક્ટ ન મળે એટલે ડિમાન્ડ કરવાનું જ મૂકી દે.
બસ, અદ્લ આવું જ ભારતમાં સાયબર ક્રાઇમ સંદર્ભે થયું છે. સાઇબર ક્રાઇમથી ચેતવાનો બરાબર પ્રસાર-પ્રચાર થયો. યુઝર્સને જાગૃત કરાયા, અથવા એમ કહો કે યુઝર્સ આપમેળે વાંચી-વિચારી-સમજી-સાંભળીને જાગૃત થયા. સાવચેતી રાખવા માંડયા અને છતાંય જો ભોગ બને તો જાગૃકતા દાખવીને ફરિયાદ નોંધાવવા સુધી ય પહોંચતા થયા.
પણ પછી રાબેતા મુજબ આપણું સુરક્ષાતંત્ર ફરિયાદનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડવા માંડયું. એવી સ્થિતિ આવતા વાર નહીં લાગે કે પેલી નવી પ્રોડક્ટની જાહેરાત કરાયા પછી પ્રોડક્ટ ઉપલબ્ધ ન હોય અને લોકો એને ખરીદવાનો ઉમળકો દાખવતા બંધ થાય એમ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવાનું માંડી વાળશે.
ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સ્માર્ટફોન માર્કેટ છે. ફેસબૂક યુઝર્સની બાબતમાં ભારતનો ક્રમ બીજો. ૩ કરોડ ટ્વિટર યુઝર્સ છે. ૧૦ લાખ વોટ્સએપ યુઝર્સ. એક વર્ષ પછી મોબાઇલ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૨ કરોડે પહોંચી જશે અને દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા ૫૦ કરોડને પાર થશે.
ઈન્ટરનેટ વપરાશકર્તા અને સોશ્યલ મીડિયા યુઝર્સનું આવડું વિશાળ નેટવર્ક ફેલાયું છે છતાં ભારતમાં સાયબર ક્રાઇમ સેલની સંખ્યા માત્ર ૨૩ છે! સરકારી સંસ્થા નેશનલ ક્રાઇમ બ્યૂરોના અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૧૪માં સાયબર ક્રાઇમના ૯,૬૦૦ કેસ નોંધાયા હતા. જોકે, આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે બિનસરકારી આંકડો લગભગ ૩ લાખથી ય વધારે છે. સામાન્ય કેસમાં તો પોલીસે સમજાવી-ધમકાવીને યુઝર્સને અરજી ન નોંધવા દીધી હોય એ શક્ય છે. ધારો કે, સરકારી અહેવાલને જ સચોટ માનીએ તો પણ ૧૦ હજાર કેસ એ કંઈ નાનો આંકડો પણ નથી. આટલા કેસની સામે માત્ર ૨૩ સાયબર ક્રાઇમ સેલ કાર્યરત હોય ત્યારે સંતુલન ન જ જળવાય. સંતુલન નથી જળવાતું એ પાછળ વળી એક કારણ સાયબર ક્રાઇમ વિભાગ પાસેથી અન્ય કામ કઢાવી લેવાની સરકારી નીતિ ય જવાબદાર ખરી!
સાયબર ક્રાઇમ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની પાસે આવતી અરજીઓનો નિકાલ કરે તેની સાથે સાથે તેમને ગંભીર ગુનાખોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસને મદદ પણ કરવી પડે છે. ગુનેગારની ફોનકોલ્સ ડિટેઇલ્સથી માંડીને વોટ્સએમ મેસેજીસના આધારે ગુનો ઉકેલવા સાયબર ક્રાઇમ પાસેથી કામ કઢાવવાની (ખરેખર તો પોલીસતંત્ર માટે આવી કામગીરી કરી આપે એવો અલાયદો સ્ટાફ હોવો જોઈએ) સરકારી નીતિ રહી છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસની મદદમાં તૈનાત રહે એમાં સાયબર ક્રાઇમ સેલનો મૂળ હેતુ સિદ્ધ નથી થતો. ઓનલાઇન ગુનાખોરી નિવારવા માટે કામ કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ એને બદલે પોલીસની શાખા હોય એમ ગુનાનો ભેદ ઉકેલવાના કામમાં તેને રોકી રખાય છે.
સાયબર ક્રાઇમ સેલમાં એવરેજ ૫૦ (આ આંકડો મોટો છે, પણ આપણે મોટું મન રાખીને ગણતરી કરીએ)નો સ્ટાફ હોય તો દેેશના ૨૩ સાયબર સેલમાં કુલ ૧૦૦૦-૧૧૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ કાર્યરત હશે. બીજી તરફ યુઝર્સની સંખ્યા કરોડોની છે અને સાયબર ક્રાઈમ સેલની નિસ્ક્રિયતાના કારણે મોકળું મેદાન ભાળીને ઓનલાઇન પરેશાન કરતા ગુનેગારોની સંખ્યા લાખોમાં છે.
ભારતમાં ૧૦ હજાર કેસ નોંધાયા હતા એટલે એ સત્તાવાર આંકડાને વળગી રહીએ તો પણ દેશમાં ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ સાયબર ક્રાઇમ સેલની જરૃર છે. વળી, મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમ સેલની રચના કરી આપવાથી ય કશું વળી નથી જવાનું, તેમાં સજ્જ ટેકનોલોજી અને એ ટેકનોલોજીને અનુરૃપ ટેકનિકલ સ્ટાફ પણ જોઈશે. અત્યારે જે ૨૩ સાયબર ક્રાઇમ સેલ છે તેમાં મોટા ભાગનો સ્ટાફ પોલીસમાંથી તાલીમ પામેલા અધિકારીઓ અને સ્ટાફથી ભરાયો છે. એમાંથી ય અડધોઅડધ અધિકારીઓ-કર્મચારીઓ સાયબર ક્રાઇમ રોકવા માટે પ્રાથમિક સજ્જ પણ નથી. સરકારી સેમિનાર્સના આધારે સર્ટિફિકેટ મેળવીને બેસાડી દેવાયો હોય એવો સ્ટાફ વધુ છે. સાયબર ક્રાઇમ રોકવાનો ખરેખરો ખંત અને આવડત માંડ ૨૦ ટકા અધિકારીઓ-સ્ટાફમાં છે.
સરકારના આ તંત્રમાં પણ મોટુ દૂષણ ભ્રષ્ટાચારનું છે, જે સાયબર ક્રાઇમ સેલને પોલીસતંત્રમાંથી વારસામાં મળ્યું છે! સાયબર ક્રાઇમ પરત્વે લોકોની જાગૃતિ નથી એવા સમયે કોઈ અમીરજાદો હાથ લાગી ગયો તો દાખલો બેસે એવી રીતે તેના પર કેસ ચલાવવાને બદલે બંને પાર્ટીઓને સામ-સામે બેસાડીને 'સમજાવી' દેવામાં સાયબર ક્રાઇમ સેલ મધ્યસ્થી કરે છે. દેશભરમાં આવા કેટલાય કિસ્સા છેલ્લા બે-ત્રણ વર્ષમાં સામે આવ્યા છે.
જ્યાં મિનિટોમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થઈ શકે છે ત્યાં સાયબર ક્રાઇમ સેલ સરકારી તંત્રમાં સહજ હોય છે એવી સુસ્તીથી કામ કરે તો તો આખો જન્મારો નીકળી જાય તો ય ક્યાંથી કેસ ઉકેલાય! ક્વિક કામ થવું જોઈએ એના બદલે બેપરવાહીથી કામ થાય તો અમુક સંવેદનશીલ કિસ્સામાં જે નુકસાન થવાનું હોય એ થઈ ચૂક્યું હોય!
સ્ટાફનો અભાવ ઉપરાંત બીજી મુશ્કેલી છે ટેકનિકલ સજ્જતાની. ઓછી સજ્જતા ધરાવતું તંત્ર કે વ્યક્તિ તેનાથી સજ્જ ગુનેગાર સુધી કઈ રીતે પહોંચી શકે? ટાંચાં સરકારી સાધનો ઉપરાંત બીજી એક મુશ્કેલી વિદેશી તપાસ એજન્સીની પણ ખરી. સાયબર ક્રાઇમને લગતા કાયદાઓ દેશેદેશે બદલી જાય છે. આપણી સાથે રાજદ્વારી સંબંધો હોય એવા દેશો ય ઘણી વખત સાયબર ક્રાઇમના કાયદાના અભાવે સહકાર આપી શકતા નથી. ઘણા કેસમાં વર્ષો પહેલા સર્વિસ પ્રોવાઇડર્સ સહિતની વિગતો માટે જે કેસમાં આપણી પોલીસે ઘણા દેશોને વિનંતી કરી હોય એનો જવાબ આજ સુધી નથી આવ્યો. ખેર, એવા કિસ્સા ય ગણ્યા-ગાંઠયા જ હોય. હાઇપ્રોફાઇલ કેસ વખતે જ આમ તો વિદેશની મદદ લેવી પડતી હોય છે. એ સિવાય સ્થાનિક કનડગતમાં તો જો સજ્જ તંત્ર હોય તો ગુનેગાર સુધી પહોંચવાનું કામ અઘરું નથી.
સાયબર ક્રાઇમ સેલ તુરંત અને સચોટ ગુનો ઉકેલી શકે એ માટે સજ્જ, કાર્યક્ષમ સ્ટાફની જરૃર તો છે જ છે, પરંતુ એ સિવાય ગુનેગારનું પગેરું એની જ સ્ટાઇલમાં શોધી કાઢતા એથિકલ હેકર્સની ય તાતી જરૃર છે. ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ જોતા એટલિસ્ટ ૫૦ હજાર એથિકલ હેકર્સ તૈનાત રાખવા પડે. સાયબર ક્રાઇમ સેલમાં કુલ સ્ટાફ જ્યાં માંડ એક હજાર હોય ત્યાં અત્યારે એથિકલ હેકર્સની સંખ્યા હજારની હોય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય. પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે એ માટે પૂરતું ફંડ ઉપલબ્ધ નથી. કેટલાક એથિકલ હેકર્સ સોશ્યલ સર્વિસ માટે તૈયાર થાય છે ખરા, પણ પછી ક્યારેક અધિકારીઓના કડક વલણથી તો ક્યારેક મફતમાં પોલીસનો રૌફ ઝેલીને થાકી જાય છે. એથિકલ હેકર્સને બીજી સમસ્યા નડે છે હેકિંગની. સરકારી તંત્ર માટે કામ કરતા એથિકલ હેકર્સ પોતે જ હેકિંગનો ભોગ બન્યા હોવાની ફરિયાદો ઉઠે છે. અગાઉ કહ્યું એમ સરકારી તંત્રની સિસ્ટમ હેકર્સ કરતા પૂઅર હોય છે એટલે એથિકલ હેકર્સનું કામ છૂપું રહેતું નથી.
આ બધાના અભાવનું પરિણામ સાયબર ક્રાઇમ સેલના ઓવરઓલ દેખાવ પર પડે છે. ગયા વર્ષે ૯,૬૦૦ કેસમાંથી માત્ર ૭૨ કેસ ઉકેલી શકાયા. મતલબ કે સફળતા કરતા નિષ્ફળતાનું પલ્લું ભારે છે. પછી 'મધ્યસ્થી' કરીને 'સમજાવટ' કરાવી હોય એ અલગ, પણ એ તો પોલીસતંત્રનો વારસો મળ્યો છે એટલે એ દૂષણને કેમ નિવારી શકાય એનો તોડ હજુ સરકારને ય નથી મળ્યો!
સરકારી આંકડા કહે છે એમ ૨૦૧૩માં સાયબર ક્રાઇમ આચરનારાની વય ૧૮-૩૦ની વચ્ચે હોય એવા આરોપીની સંખ્યા સૌથી વધુ હતી. ૬૦-૭૦ ટકા ક્રાઇમ માત્ર કનડગતના ઈરાદાથી આચરાયો હતો. ડેટા ચોરી, છેતરપીંડી સહિતની ગુનાખોરી સતત વધતી ચાલી છે ત્યારે ભારતમાં સાયબર ક્રાઇમ રોકવા ત્વરિત પગલા ભરાય એ જરૃરી છે.
સોશ્યલ મીડિયા પણ બીજી ઘણી બધી બાબતોની જેમ પશ્વિમની દેન છે. સાયબર ક્રાઇમનેે ડામી દેવામાં તો અમેરિકા જેવા અમેરિકાને ય સફળતા નથી મળી, પરંતુ તેની કાળી બાજુ સામે આવી એટલે તરત સુરક્ષાને લગતા પગલા ભરાયા છે અને ઘણેખરે અંશે તેનું પરિણામ કારગત જણાયું છે. પરિણામનો પ્રશ્ન તો પછી આવશે, પહેલો સવાલ દાનતનો છે. વહેલી તકે પગલા કેમ ભરાય એ પણ આપણે સોશ્યલ મીડિયાને અપનાવ્યું એ જ રીતે પશ્વિમના મોડેલને અપનાવવા જેવું હતું, કમનસીબે એ તક આપણે ચૂકી ગયા.