Posted by : Harsh Meswania Sunday, 14 February 2016


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

એક એવી લવસ્ટોરી જેમાં પહેલી નજરના પ્રેમની મુગ્ધતા ય છે અને અનુભવથી આવેલું શાણપણ પણ. જુદાઈનો ઝૂરાપો ય છે અને મિલનની મહેકતી ક્ષણ પણ. પ્રેમ મેળવવા દુનિયા સામે લડવાનું ઝનૂન ય છે અને લડીને વિજેતા થનારા યોદ્ધાને છાજે એવો હેપ્પી એન્ડ પણ...
--

કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા

આ પ્રેમકથાની શરૃઆત ૨૦૦૯થી થાય છે. ૨૫ વર્ષની રઝાન અલઅકારા નામની ૨૫ વર્ષની યુવતી લંડનમાં ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. તેનો જન્મ અને ઉછેર લંડનમાં જ થયો હતો. તેના માતા-પિતા ૧૯૮૦માં સીરિયાથી લંડન સ્થાઈ થયાં હતાં. સીરિયાનું હોમ્સ શહેર તેના પિતાનું મૂળ વતન. હોમ્સ શહેરમાં વિશાળ અલઅકારા પરિવાર રહેતો હોવાના કારણે વર્ષે-બે વર્ષે રઝાનના પિતા આખા પરિવાર સાથે હોમ્સની મુલાકાત લેતા. આવી જ એક મુલાકાત વખતે ૨૦૦૯માં રઝાનની મુલાકાત અહેમદ અલહમીદ સાથે થઈ.
અહેમદ ડોક્ટર હતો. દમાસ્કસની મેડિકલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે સાથે હોસ્પિટલમાં નોકરી પણ કરતો હતો. તે હોમ્સના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતો હતો. પરિવારની પ્રતિષ્ઠા પ્રમાણે અહેમદ પણ મેડિકલનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને સીરિયાનો વિખ્યાત તબીબ બનાવાના ખ્વાબ જોતો હતો.
રઝાન અને અહેમદ બંને એક પરિવારના વિશાળ સર્કલનો ભાગ હતાં. જ્યારે પારિવારિક પ્રસંગે બંને મળ્યાં ત્યારે રઝાનને જોતાની સાથે જ અહેમદને પ્રેમ થઈ ગયો, પહેલી નજરનો પ્રેમ. રઝાન તેના દિલમાં આરપાર ઉતરી ગઈ. મારકણી આંખો ધરાવતી સ્માર્ટ, નમણી રઝાન અહેમદના દિલમાં મીઠો ઉઝરડો પાડતી ગઈ. અહેમદને થયું કે રઝાનના પ્રેમ સિવાય દિલમાં પડેલો મીઠો ઉઝરડો ક્યારેય નહીં ભરાય!
રઝાન ફરી લંડન જતી રહે એ પહેલા અહેમદે પોતાના પરિવાર મારફતે રઝાનના પરિવાર સુધી પોતાની લાગણી પહોંચાડી. હોમ્સમાં રહેતા રઝાનના પરિવારે વળી રઝાનના માતા-પિતાના કાને વાત નાખી ને એમ અહેમદના એકતરફી પ્રેમની વાત રઝાન સુધી પણ પહોંચી. રઝાને અહેમદના દિલની હૂંફાળી ખ્વાહિશો પર ઠંડું પાણી રેડું દીધું! અધૂરો અભ્યાસ આગળ વધારવો છે એમ કહીને વાતને ટાળી દીધી. અહેમદની એકતરફી પ્રેમકથા અહીં જ અટકી પડી.
                                                                            ***
૨૦૧૧માં હોમ્સ શહેર આતંકી સકંજામાં આવી ગયું. હજારો લોકો ઘાયલ થતાં હતાં અને તેની બચાવની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હતી. હુમલાખોરોથી બચીને ઘણા ઈજાગ્રસ્તોને ગુપ્ત સ્થળોએ સારવાર અપાતી હતી. ડોક્ટર હોવાના નાતે મરિઝોની સારવાર કરવી એને પોતાનો પહેલો ધર્મ સમજીને અહેમદ એ બચાવ પ્રવૃત્તિમાં જોડાયો. ક્યારેક હોમ્સમાં રહેતા રઝાનના પરિવારજનો પાસેથી લંડન સ્થિત રઝાન વિશે માહિતી મેળવી લેતો.
બીજી તરફ પિતાના મૂળ વતન સીરિયાની વિકટ સ્થિતિમાં સીરિયન લોકો માટે ચાલતી મદદની પ્રવૃત્તિમાં યથાયોગ્ય મદદ કરવાના આશયથી ૨૦૧૨માં રઝાન મીડિયાહાઉસ માટે કામ કરવા લાગી. સીરિયાથી આવતા વીડિયો જોઈને અરેબિકમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરી આપવાનું અને અંડરગ્રાઉન્ડ ચાલતી હોસ્પિટલ્સમાં કાર્યરત તબીબોના ઈન્ટરવ્યૂ કરીને તેને આધારે અંગ્રેજી સ્ક્રિપ્ટ તૈયાર કરી આપવાનું કામ રઝાન કરતી.
એક દિવસ અહેમદ જે હોસ્પિટલમાં કામ કરતો હતો એ જ હોસ્પિટલની કામગીરીના એક વીડિયો પર રઝાન કામ કરી રહી હતી. તેના ધ્યાનમાં એક જાણીતો ચહેરો આવ્યો. એ અહેમદ હતો. રઝાન આમ તો એ અંડરગ્રાઉન્ડ હોસ્પિટલની વિગતો વારંવાર લેતી રહેતી, પણ ક્યારેય એના વીડિયોઝમાં અહેમદ દેખાયો ન હતો.
પ્રતિષ્ઠિત-સંપન્ન પરિવારો તો ક્યારના પૈસાના જોરે હોમ્સ મૂકીને અન્યત્ર સ્થાઈ થવા લાગ્યા હતા. એવા જ સંપન્ન પરિવારમાંથી આવતો હોવા છતાં અહેમદે લોકસેવાનો આ કઠિન માર્ગ પસંદ કર્યો એ જાણીને રઝાનને અહેમદમાં એક લાગણીશીલ ઈન્સાનના દર્શન થયા. રઝાનને જાણવા મળ્યું કે અહેમદના પિતા અને તેની બહેન આતંકી હુમલાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. રઝાને જૂની ઓળખાણના આધારે અહેમદને મેસેજ કરીને પિતા-બહેનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો અને એમ બંને વચ્ચે ત્રણ-ચાર વર્ષ પહેલા તૂટી ગયેલો સંપર્કસેતુ ૨૦૧૨માં ફરી સધાયો.
મેડિકલમાં સમાન રુચિ હોવાથી થોડા સમયમાં બંને સારા મિત્રો ય બની ગયા. હોમ્સ અને લંડનની રૃટિન જિંદગી વિશે વાત કરતા, પોતાના જીવનમાં આવેલા સુખ-દુઃખ શેર કરતા, સતત એક બીજાની વાતો સાંભળતા, એક બીજાને વાતો કરતા. લાઈક-ડિસલાઇક્સથી પરિચિત થયા પછી ફરી વખત અહેમદે ડિસેમ્બર ૨૦૧૨માં દિલની વાત રઝાનને કરી જોઈ. અહેમદ રઝાનને લગ્ન કરવાનું કહેતો હતો, પરંતુ રઝાન એમ ઉતાવળ કરવાના પક્ષમાં નહોતી. રઝાને લગ્નની પ્રપોઝલ પેન્ડિંગ રહેવા દીધી અને અહેમદ સામે મળવાનો પ્રસ્તાવ મૂક્યો. ફેબુ્રઆરી-૨૦૧૩માં બંને લેબેનોનમાં મળ્યાં.
એ મુલાકાતમાં અહેમદ પ્રત્યે રઝાનને પણ લાગણી જન્મી. સીરિયાના વિગ્રહ વચ્ચે લોકોની ફિકર કરતો અહેમદ તેને દિલમાં ઉતરી ગયો. તેનો પ્રેમાળ સ્વભાવ અત્યાર સુધી માત્ર દૂરથી અનુભવ્યો હતો, મુલાકાત પછી તેનો સાક્ષાત્કાર પણ થયો. રઝાનને લાગ્યુ કે ઘરથી હજારો કિલોમીટર દુર પણ તેને કોઈ સમજે છે. રઝાનના સપના રઝાનના નહીં પણ અહેમદ-રઝાનના સહિયારા હોય એમ અહેમદે પોતાપણું દાખવ્યું હતું. રઝાન પીગળી ગઈ. બંનેએ એકબીજા માટેની લાગણીનો એકરાર કર્યો અને સગાઈના પ્રેમપાશથી બંધાવાનું નક્કી કર્યું.
અહેમદ સીરિયા પાછો ફર્યો અને રઝાન લંડન જતી રહી. રઝાને લંડન જઈને સગાઈ માટે પિંક ડ્રેસ ખરીદ્યો અને અહેમદ સગાઈની તારીખ અરેન્જ કરવામાં લાગ્યો. પણ બંનેના ભાગ્યની રેખામાં હજુ એક થવાનું લખ્યું ન હતું. હજુ ઘણી લાંબી દૂરી લખાયેલી હતી. બંનેએ એકબીજાના વિરહમાં ઝૂરવાનું બાકી હતું, એકબીજા માટે રાતોના ઉજાગરા કરવાના બાકી હતા, એકબીજા માટે રડી રડીને આંસુની ખારાશ પીવાની બાકી હતી. બંનેએ એક થતા પહેલા જુદાઈનું આખું પ્રકરણ આલેખવાનું હતું. બંનેએ પ્રેમની આકરી પરીક્ષા આપવાની બાકી હતી. બે પ્રેમીજનો વચ્ચે દુનિયા અવરોધ ઊભો ન કરે એવું તો બને જ શાનું? 
                                                                             ***
એ જ અરસામાં રઝાનના કાકા અને તેનો પિતરાઈ ભાઈ આંતકવાદી હુમલાનો ભોગ બન્યા. કાકા-કઝિનના મૃત્યુ પછી સગાઈની વાત થોડા સમય માટે પાછી ઠેલાઈ એ દરમિયાન ફરી એક નવો વળાંક આવ્યો. અહેમદ ગુપ્ત રીતે ચાલતી હોસ્પિટલમાં રાતપાળી કરતો અને દિવસે અધૂરો રહેલો અભ્યાસ કરતો. બે અલગ અલગ પ્રાંતમાં તેની આવજા રહેતી અને એ બંને પૈકી એક ઉપર સરકારી કબજો હતો, બીજા ઉપર આતંકવાદીઓનો. બંનેમાં પ્રવેશ માટે તેને બબ્બે ઓળખકાર્ડ રાખવા પડતા. ઘાયલોની સારવાર કરવા માટે તેણે આ બેવડી ભૂમિકા સ્વીકારી લીધેલી. અહેમદે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
અહેમદ મુશ્કેલીમાં મૂકાઈ જશે એવો અંદેશો રઝાનને આવી ગયો હતો એટલે એ દિવસ-રાત અહેમદની ફિકર કરતા મેસેજ-કોલ કરતી રહેતી. એક દિવસ એ અંદેશો સાચો પણ પડયો. નવેમ્બર ૨૦૧૩ના એક વીકએન્ડમાં રઝાન ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ હતી એ જ સમયગાળામાં અહેમદના ફોનકોલ્સ અને મેસેજ આવતા બંધ થઈ ગયા. રઝાન દિવસમાં અસંખ્ય વાર ફોન કરતી. સતત મેસેજ કરતી. છેક સવારે પાંચ પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રહીને મોબાઇલ સામે તાક્યા કરતી. દિવસે નોકરી કરતી અને આખી રાત રડી રડીને અહેમદની ચિંતામાં વીતાવતી.
બીજી તરફ અહેમદને સીરિયાની ગુપ્તચર સંસ્થાએ શકમંદ તરીકે પકડયો હતો. આતંકીઓના કબજા હેઠળના વિસ્તારમાં તેની આવજા પર સીરિયન સરકારની નજર હતી. આતંકવાદી જૂથનો સભ્ય ગણીને તેના ઉપર આકરો સિતમ ગુજારાયો. ૪-૫ મહિના સુધી તેના પર શારીરિક-માનસિક ત્રાસ અપાયો. છેક પાંચ મહિના પછી રઝાને અહેમદનો અવાજ સાંભળ્યો.
અહેમદ પર વિવિધ આરોપસર કેસ ચાલતા હતા તેમાં તો તે હેમખેમ પાર ઉતર્યો, પણ એ હવે હતાશામાં સરી પડયો હતો. નિસ્તેજ થઈ ચૂક્યો હતો અને જીવન જીવવાની હામ ખોઈ ચૂક્યો હતો. જે અહેમદને રઝાન ઓળખતી હતી, જે અહેમદને તેણે લાઈફ પાર્ટનર પસંદ કર્યો હતો, જે અહેમદની સેવાપ્રવૃત્તિ માટે તેના દિલમાં સન્માન હતું, એ અહેમદ ક્યાંક ખોવાઈ ગયો હતો. એક તબક્કે તો અહેમદને છોડી દેવા પરિવારજનોએ રઝાનને સમજાવી જોઈ. પણ રઝાન અહેમદને દુનિયા કરતા વધુ જાણતી હતી. તેને એ ખબર હતી કે આ અહેમદ એ નથી જેને એ ઓળખતી હતી, તો જેને ઓળખતી હતી એ અહેમદને તે પાછી લાવીને જ રહેશે. અતડા રહેવા લાગેલા અહેમદ સાથે તેણે ફરીથી બધુ પૂર્વવત્ કરવા માંડયું. તેને સીરિયા છોડીને લેબેનોન જવા મનાવી લીધો. લેબેનોનમાં તેણે શરણાર્થી તરીકે સમય વીતાવવા માંડયો. લગભગ વર્ષે-દોઢ વર્ષે અહેમદ ફરીથી ટ્રેક પર આવતો જણાયો. શારીરિક-માનસિક ત્રાસથી તદ્ન વિખેરાઈ ગયેલા માણસને પ્રેમ આપીને રઝાને ફરીથી જીવતો કર્યો હતો અને એ પણ હજારો કિલોમીટર દૂર રહીને!
સીરિયન નાગરિકને બ્રિટનનું નાગરિકત્વ અપાવવું એ અત્યારે કપરું કામ છે, પરંતુ રઝાને ચાન્સ લેવાનું નક્કી કર્યું. તેણે અહેમદ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અહેમદે સહમતિ આપી પણ આવનારી મુશ્કેલીથી બંને વાકેફ હતાં. લેબેનોનમાં ઈસ્લામિક રસમથી લગ્ન થયા પછી બ્રિટિશ નાગરિક હોવાના કારણે રઝાને અહેમદના વિઝા માટે અપ્લાય કરાવ્યું. લાંબી અને થકાવી નાખતી પ્રોસેસના અંતે એક દિવસ અહેમદને વિઝા મળી ગયા.
૨૦૧૬ના જાન્યુઆરીમાં જે દિવસે અહેમદ લેબોનોનથી લંડનની ફ્લાઇટમાં બેઠો એ આખી રાત રઝાન સૂઈ નહોતી શકી. તેને હજુ ય કંઈક અણધાર્યો વળાંક આવવાનો ડર હતો. અહેમદ લંડનના એરપોર્ટ પર ઉતરે એની કેટલીય કલાકો પહેલા રઝાન એરપોર્ટ ઉપર આવીને તેની રાહ જોતી બેસી ગઈ હતી. લંડનના એરપોર્ટ ઉપર કોઈ ડ્રામા ન થયો. સિક્યુરિટીની પ્રોસેસ પૂરી કરીને અહેમદ જેવો અંદર આવ્યો કે રઝાન તેને વળગી પડી. કેટલીક વાર સુધી બંને એકમેકને વળગેલા રહ્યાં. એ બંનેની જ નહી, એરપોર્ટ પર તેને જોનારાઓની આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા. કેમ ન ભીંજાય? તીવ્ર વળાંક લેતી ડ્રામેટિક કહાનીનો હેપ્પી એન્ડ જો આવ્યો હતો!

{ 1 comments ... read them below or add one }

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -