આ ઈમારતો ખરેખર જોવા જેવી છે!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

સ્થાપત્યને આપણે ત્યાં કળા કહીને નવાજવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓ તેની સ્થાપત્ય કળાની વિશેષતાઓને કારણે એકમેકથી જૂદી પડી જાય છે. મતલબ કે સ્થાપત્ય સંસ્કૃતિઓની ઓળખને વધુ મજબૂત બનાવે છે. દરેક સમાજની કે દેશની પોતાની આગવી સ્થાપત્ય કળા છે. સ્થાપત્યને સદીઓથી અનેરું સન્માન મળતું આવ્યું છેે અને આજેય તેનો દબદબો બરકરાર છે. હમણાં જ ૨થી ૪ ઓક્ટોબર દરમિયાન સિંગાપૂરમાં વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ યોજાઈ ગયો. વળી, ઓક્ટોબર માસના પ્રથમ સોમવારને પણ વિશ્વ સ્થાપત્ય દિન તરીકે ઉજવવામાં આવે છે એ સંયોગે આપણે અહીં આધૂનિક સમયમાં બનેલાં અને નવા કિર્તિમાન સ્થાપિત કરનારા ૨૧મી સદીમાં બનેલા આ સ્થાપત્યો અંગે જાણી-અજાણી રસપ્રદ વાતો વાગોળી લઈએ.....

મરિના બે સેન્ડ્સ : કિંમત ઈમારતની અને ભવ્યતાની!
સિંગાપૂરમાં આવેલી આ ઈમારત આમ તો હોટેલ કમ કેસિનો છે. તેના નામે વિશ્વની સૌથી કિંમતી ઈમારત તરીકેનો વિક્રમ બોલે છે. આ કેટલી કિંમતી હશે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેના નિર્માણ દરમિયાન તેને બનાવનારી કંપની લાસ વેગાસ સેન્ડ્સ પણ આર્થિક સંકળામણમાં આવી ગઈ હતી અને બે વખત તો તેની નક્કી થયેલી ઓપનિંગ સેરેમનીની તારીખમાં ફેરફાર કરવો પડયો હતો. કંપનીએ સિંગાપૂરના પર્યટન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને એક ભવ્ય કેસિનો બનાવવાનું વિચાર્યું હતું. એક એવી ઈમારત કે જેમાં પ્રવેશનાર તેની ખૂબસૂરતીથી અંજાય જાય અને કદાચ એમાં કંપની સફળ પણ થઈ છે. ત્રણ ત્રણ કન્સ્ટ્રકશન કંપનીએ સાથે મળીને ત્રણ વર્ષ સુધી સતત કામ કર્યું ત્યારે આ ઈમારતને આ આકાર મળી શક્યો છે. આજે ઈમારતની કિંમત આંકવામાં આવે તો આંકડો સહેજેય ૮-૯ બિલિયન ડોલર (આશરે ૩૪,૦૦૦ કરોડ રૃપિયા)ને આંબી જાય, પણ એનું કામ પૂર્ણ થયું ત્યારે પણ તેની કિંમત ૬ બિલિયન ડોલરના આંકડાને પાર કરતી હતી. હોટેલની ભવ્યતા વિશે પણ નોંધ કરવી જ રહી! ૨,૫૬૧ રૃમ્સ, કેસિનોમાં ૫૦૦ ટેબલ્સ, ૬ સેલિબ્રિટી હોટેલ, હોટેલની અંદર રહેલો દુનિયાનો સૌથી વિશાળ સ્વિમિંગ પૂલ અને આવું તો કેટલું બધું.... ૨૧ સદીની સાત માનવ સર્જિત અજાયબીઓની યાદી તૈયાર કરવાની થાય તો મરિના બે સેન્ડ્સ વગર કદાચ એ યાદી અધૂરી રહે!

ધ બૂર્જ ખલિફા : ઊંચાઈમાં તો આભને આંબે
દૂબઈની બૂર્જ ખલિફા ઈમારતને વિશ્વની સૌથી ઊંચી ઈમારત તરીકેનું સન્માન મળે છે. આ ઈમારતનો દેખાવ એવો છે કે તેને જોઈને લાગે કે જાણે તે આકાશ સાથે મિઠી ગોષ્ઠી કરી રહી છે. ૮૩૦ મીટર ઊૅચી આ બિલ્ડિંગનું બાંધકામ સેમસંગ કન્સ્ટ્રક્શન કંપનીએ ૨૦૦૪માં શરૃ કર્યું હતું. તેની ડિઝાઇન પાછળ એડ્રિયન સ્મિથ નામના એન્જિનિયનું ભેજુ કામ કરતું હતું. જ્યારે ૪ જાન્યુઆરી, ૨૦૧૦માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં દુનિયાના સૌથી ઊંચા બિલ્ડિંગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૧મી સદીમાં બનેલી સૌથી સુંદર ૧૦ ઈમારતોની યાદીમાં પણ આ બિલ્ડિંગને સુમાર કરવામાં આવે છે. મરિના બે સેન્ડ્સની જેમ જ આ બિલ્ડિંગ ૨૧મી સદીમાં માણસે બનાવેલી એક અજાયબી જ ગણાય છે એવું તેની મુલાકાત લેનારા દરેક હોશેં હોશેં સ્વીકારે છે એ જ શું તેની સિદ્ધિ નથી?

ધ ક્લાઉડ : ભવ્યતાને લાગ્યું વિવાદનું ગ્રહણ
નેધરલેન્ડની બાંધકામ કંપની એમવીઆરડીવીએ ૨૦૧૧માં સાઉથ કોરિયામાં એક બિલ્ડિંગ બનાવી હતી. આ બિલ્ડિંગની ભવ્યતા જોવા જેવી હોવા છતાં તેને વિશ્વભરમાંથી ટીકાનો સામનો કરવો પડયો. એ એટલા માટે કે બે બિલ્ડિંગને એવી રીતે જોડવામાં આવી છે ક તેને જોવાથી પહેલી નજરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની ભયાનક યાદ તાજી થઈ જાય છે! એક ઈમારત ૩૦૦ મીટર ઊંચી છે અને એક ૨૬૦ મીટર ઊંચી છે. ૨૭ માળની આ બે ઈમારતોને ૧૧માં માળે જોડવામાં આવી છે. તેનું ૧૧માં માળે થતું જોડાણ પણ ૯/૧૧ની ઘટનાને યાદ કરાવી દે છે. આ ઈમારતમાં હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ, કોન્ફરરન્સ સેન્ટર અને થોડી અન્ય ખાનગી કચેરીઓ આવેલી છે. તેના દેખાવના વિવાદને બાદ કરતા આ ઈમારત ખૂબ જ સુંદર છે. તેનું બાંધકામ અને ભવ્યતા અંદર પ્રવેશનારને મોહી ન લે તો જ નવાઈ! પણ આ બધુ હોવા છતાં તેનો બાહ્ય દેખાવ કેમેય કરીને ભૂલાય એન નથી અને એટલે જ તેના પર વિશ્વની સૌથી વિવાદિત ઈમારતનું લેબલ લગાવી દેવામાં આવ્યું છે, હવે કદાચ તે એ જ રીતે જગતભરમાં ઓળખાશે.

કર્ઝવી ડોમેક : વાંકૂ હોવા છતાં વહાલું લાગે!
પોલેન્ડના સોપોટ વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગને તેના દેખાવ અનુરૃપ નામ આપવામાં આવ્યું છે. કર્ઝવી ડોમેકનો અર્થ થાય આડાઅવળું કે વાંકૂચૂંકુ. આ ઈમારતનો દેખાવ ખરેખર જ ખૂબ વિચિત્ર છે. ઝોત્યંસ્કી અને ઝેલેસ્કી નામના બે સ્થપતિઓએ ૨૦૦૪માં રેઝિડેન્ટ શોપિંગ સેન્ટરના ભાગ તરીકે આ ઈમારતનું બાંધકામ કર્યું હતું. આ બિલ્ડિંગનો આકાર વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત કરવામાં આવ્યો છે. ઈમારતને જોનારા લોકો માટે આશ્વર્ય એ વાતનું હોય છે કે બિલ્ડિંગ એટલું આડાઅવળું છે કે હમણાં તેનો એકાદ ભાગ નીચે તો નહીં પડી જાયને! પોલેન્ડની મુલાકાત લેનારા પ્રવાસીઓ ૨૧મી સદીની અજાયબી સમાન આ બિલ્ડિંગને જોવાનો વિશેષ આગ્રહ રાખતા હોય છે.

ધ પિઆનો હાઉસ : જેના દરેક પથ્થરમાં મ્યુઝિક દેખાય છે...
ચીનના હૈનાન શહેરમાં આવેલી આ ઈમારત સંગીત પ્રેમીઓ માટે સ્વર્ગ મનાય છે. પથ્થરના આ પિઆનોમાંથી સંગીત સંભળાય તો છે જ, પણ સાથે સાથે દેખાય પણ છે. આર્કિટેક્ચર એસોસિએશનેે એક એકથી ચડિયાતી ૧૦ બિલ્ડિંગ્સની યાદીમાં આ બિલ્ડિંગને સર્વોચ્ચ સ્થાને મૂકીને તેને વિશ્વની સૌથી ક્રિએટિવ ઈમારત તરીકેનું બહુમાન આપ્યું છે. સ્થાનિક મ્યુનિસિપાલિટીએ ૨૦૦૭માં ધ પિઆનો હાઉસનું નિર્માણ કર્યું હતું. આ બિલ્ડિંગ બનાવવાની કામગીરી ખાસ્સા પાંચ વર્ષ સુધી ચાલી હતી. આ ઈમારત શહેરના સંગીતના સ્ટુડન્ટ્સ માટે ખૂલ્લી મૂકવામાં આવી છે.

એન્ટિલિયા : દુનિયાનું સૌથી મોંઘુ રહેઠાણ
૧૦,૫૦૦ કરોડ રૃપિયાના માતબર ખર્ચે બનેલું એન્ટિલિયા (ઘણાં લોકો તેનો ઉચ્ચાર અંતિલા પણ કરે છે) દુનિયાનું સૌથી ભવ્ય અને સૌથી મોંઘુ રહેણાંક મકાન છે અને એ ભારતમાં આવેલું છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના ૧૭૩ મીટર ઊંચા અને ૨૭ માળના આ ઘરને પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દુનિયાની સૌથી કિંમતી અને ભવ્ય રહેઠાણ મકાનનું બિરૃદ આપ્યું છે. એન્ટિલિયામાં ૬૦૦ કર્મચારીઓ અંબાણી પરિવારની સેવામાં તૈનાત રહે છે. પાર્કિંગ્સ એન્ડ વિલ નામની ખૂબ જાણીતી કંપનીએ તેને તૈયાર કર્યું છે.

ધ ગ્રીન રૃફઃ પૃથ્વીના પેટાળમાં એક સુંદર દુનિયા
લંડનમાં આમ તો છેલ્લા કેટલાક વખતથી અંડરગ્રાઉન્ડ હોટેલનું કલ્ચર ખૂબ વિકસતું જાય છે, પણ લંડનથી થોડે દૂર આવેલી ધ ગ્રીન રૃફ અંડરગ્રાઉન્ડ ઈમારત વિશ્વના સુંદર બાંધકામો પૈકીનું એક ગણાય છે. આ હોટેલમાં ૨૦૦ ગેસ્ટને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. રિડનસ્મિથ આકિેટેક નામની કંપનીએ તેની ડિઝાઇન તૈયાર કરી છે. આ ઈમારત નામ પ્રમાણે તેની ગ્રીનરી માટે વિશ્વ વિખ્યાત છે. આર્કિટેક્ચર યુનિયને તેને દુનિયાની ખૂબસૂરત અંડરગ્રાઉન્ડ ફાઇવ સ્ટાર હોટેલનો દરજ્જો આપ્યો છે.
Sunday, 6 October 2013
Posted by Harsh Meswania
Tag :

કેમિકલ વેપન્સ : અણી વગરના હથિયારની ઘોંચ


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સ્થળ : નેધરલેન્ડનું હેગ શહેર
તારીખ : ૧૮ મે, ૧૮૯૯
પ્રસંગ : વિશ્વની સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ
હાજરી : ગ્રેટ બ્રિટેન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, હંગેરી, જર્મની, ફ્રાંસ, ઈટાલી, સ્પેન, જાપાન અને ચીનના પ્રતિનિધિઓ.


રશિયન રાજા નિકોલસ દ્વિતીયના જન્મદિન પર વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રોના પ્રતિનિધિઓનું એક સંમેલન યોજાયું છે. જેમાં યુદ્ધ સામે સતત ઝઝુમતા વિશ્વમાં શાંતિ સ્થાપવાની પહેલ કરવામાં આવી રહી છે. છાશવારે થતાં યુદ્ધો બને ત્યાં સુધી અટકી શકે તો અટકાવવા અથવા મોટા પાયે જાનહાની ન થાય તેની તકેદારી રાખવાના પુરતા પ્રયાસો કરવા સૌ સહમત થઈ રહ્યાં છે. ખાસ કરીને આવા યુદ્ધોમાં નિર્દોષ નાગરિકોની સલામતી જોખમાતી હોવાથી રાસાયણિક હુમલો ન કરવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. છ જેટલા મહત્વના નિર્ણયો પર લગભગ બધા શક્તિશાળી રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સહમત થવા લાગ્યા છે. એક માત્ર અમેરિકાએ અગત્યની બે સંધી પર સહમતી ન બતાવી, એમાં એક રાસાયણિક હુમલા અંગેની અસહમતી પણ હતી. હાજર રહેલા તમામ દેશો પૈકી એક માત્ર અમેરિકાએ કેમિકલ હુમલાઓની તરફેણ કરી હતી અને યુદ્ધમાં જો જરૃર જણાશે તો દુશ્મનો પર અમેરિકા ચોક્કસ કેમિકલ હુમલો કરશે એવો મત પણ વ્યક્ત કર્યો હતો.
                                                                      *
સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડનું જિનીવા શહેર
તારીખ : ૧૭ જૂન, ૧૯૨૫
પ્રસંગ : યુદ્ધોમાં રાસાયણિક હુમલાઓ ન કરવાની સંધી માટેની બેઠક
હાજરી : ગ્રેટ બ્રિટન, અમેરિકા, રશિયા, સહિતના આશરે ૪૦ દેશોના પ્રતિનિધિઓ.

બીજા વિશ્વયુદ્ધમાં વ્યાપક રીતે થયેલા રાસાયણિક હુમલામાં બંને પક્ષે લાખો લોકોના મૃત્યુ માત્ર રાસાયણિક હુમલાથી થયા હતા. આગામી સમયમાં આ સ્થિતિ ખાળવા માટે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મોટા ભાગના રાષ્ટ્રો આગામી યુદ્ધોમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ ન કરવાની ખાત્રી આપી રહ્યાં છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેમિકલ હુમલાની પહેલ કરનારું રાષ્ટ્ર જર્મની પણ હવે પછી કેમિકલ વેપન્સ ન વાપરવાની શર્ત સ્વીકારવા તૈયાર થયું છે. વિશ્વના શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાએ આગામી સમયમાં જો યુદ્ધો થાય તો તેમાં પોતે કેમિકલ હુમલો નહીં જ કરે તેની બાહેંધરી નથી આપી. મોટાભાગના મહત્વના દેશોના પ્રતિનિધિઓએ કેમિકલ વેપન્સનો ઉપયોગ ન કરવાના સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. એક માત્ર અમેરિકા હેગમાં થયેલી સૌ પ્રથમ શાંતિ પરિષદની માફક આમાં પણ અસહમત રહ્યું છે.
                                                                     * * *
આ બે ઘટનાઓ વચ્ચે લગભગ અઢી દાયકાનો સમય વીતી ગયો હતો. વચ્ચેના સમયમાં વિશ્વમાં ઘણી બધી ઉથલ-પાથલ મચી ગઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને એમાં લાખો લોકો ખુંવાર થયાં હતા તો લાખો લોકો મોતને ભેટ્યા હતા. આ બંને ઘટનામાં બે બાબત ઉડીને આંખે વળગે એવી છે. એક, બંને બેઠકમાં કેમિકલ વેપન્સથી થતી ખુંવારી અટકાવવાનો પ્રયાસ છે અને બીજું, અમેરિકાએ બંને બેઠકમાં રાસાયણિક હુમલાઓ ન કરવા પર અસહમતી જતાવી હતી.
આજે આ બંને ઘટનાને એક સૈકા જેવો સમય વીતી ચૂક્યો છે. આજે અમેરિકા સીરિયા પર લાલ આંખ કરી રહ્યું છે, કારણ કે સીરિયાએ પોતાના દેશમાં નાગરિકો પર રાસાયણિક હુમલો કર્યો છે અને એમાં ૧,૪૦૦ જેટલા લોકોના મોત થયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ અમેરિકાએ ૧૯૮૮માં સદ્દામ હુસેનના કેમિકલ હુમલાઓ વખતે આંખ આડા કાન કર્યા હતા. અમેરિકાએ તો છેક ૧૯૭૫માં કેમિકલ હુમલાઓ ન કરવાની અને કેમિકલ વેપન્સનું ઉત્પાદન ન કરવાની વાત સ્વીકારી હતી. મૂળે તો અમેરિકાને હવે છેક સમજાયું છે કે અણુ હુમલાઓ કરતા પણ કેમિકલ હુમલાઓથી વિશ્વને ખતરનાક પરિણામો ભોગવવા પડી શકે છે અને એટલે જ હવે સીરિયા સામે ઉગ્રતાથી કામ લેવાની તરફેણ અમેરિકાએ કરે છે. જોકે, બે દેશો વચ્ચેના યુદ્ધોમાં કે આંતરિક બળવાઓમાં કેમિકલ હુમલો થવાનો આ પહેલો બનાવ નથી. હિસ્ટ્રી ઓફ કેમિકલ વેપન્સ નામના પુસ્તકમાં લેખક જોનાથન ટૂકેરના જણાવવા પ્રમાણે તો વિશ્વમાં કેમિકલ હુમલાઓની હારમાળા સર્જાતી આવી છે. શરૃઆત ઈ.સ. પૂર્વેની ચોથી કે પાંચમી શતાબ્દીથી થઈ હોવાનું કહેવાય છે. આ સમયગાળામાં જોકે પ્રાણીઓના શિકારમાં રસાયણનો ઉપયોગ વધુ થતો હતો. અમુક ઈતિહાસકારોના નોંધવા પ્રમાણે કેમિકલ વેપન્સનો ઉપયોગ થવાની શરૃઆત પર્સિયાના સૈનિકોએ કરી હતી. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં પર્સિયાએ રોમનો સામે યુદ્ધ કર્યું હતું અને એ યુદ્ધમાં પ્રથમ વખત રાસાયણિક હુમલાઓ થકી દુશ્મનોને પરાસ્ત કરવાની તકનિક વાપરવામાં આવી હતી. ૯મી સદીમાં ચીને તેના દુશ્મનો સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હોવાના પુરાવા મળે છે. ૧૧મી અને ૧૨મી સદીમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ ખૂબ વધવા લાગ્યો હતો. એક માન્યતા એવી છે કે ચંગીઝ ખાને પણ તેના દુશ્મનો વિરૃદ્ધ રાસાયણિક હુમલાઓ કર્યા હતા. ૧૫મી સદીમાં તુર્કોએ વ્યાપક પ્રમાણમાં કેમિકલ વેપન્સનો સહારો લેવા માંડયો હતો. જોકે, ત્યાં સુધી આ હુમલાઓમાં ભયાનક તીવ્રતા નહોતી. એટલે મોટી જાનહાની થવાની શક્યતા પણ નહિંવત હતી. 
વિશ્વએ રાસાયણિક હુમલાના ઘાતક પરિણામો જોવાનું શરૃ કર્યું ૧૮મી અને ૧૯મી સદીમાં. આ સમયગાળામાં થોડાં વધુ શક્તિશાળી તરીકાઓની શોધ થઈ પરિણામે માનવ જાતિએ રાસાયણિક હુમલાઓનું વરવું રૃપ જોયું, પણ તેની ખરી શક્તિનો પરિચય તો ૨૦મી સદીના શરૃઆતી દાયકાઓમાં જ થઈ. ૨૨ એેપ્રિલ, ૧૯૧૫ના રોજ જર્મનીએ બેલ્જિયમના વાયપ્રેસમાં ૬ કિલોમીટરના વિસ્તારમાં ક્લોરિનનો ૧૮૦ ટન જથ્થો ઠાલવ્યો અને એની અસર તળે ૫૦૦૦ સૈનિકોના મોત નિપજ્યા હતા. જર્મનીએ શરૃઆત કર્યા બાદ તો આ સિલસિલો કેમેય કરીને અટકવાનું નામ નહોતો લેતો. યુદ્ધ પૂરું થવા થવામાં તો કેમિકલ હુમલાઓમાં આશરે ૫૦થી ૬૦ હજાર ટન ઝેરિલા ગેસનો ઉપયોગ થઈ ચૂક્યો હતો અને ૧૦ લાખ લોકો તેની અસર તળે આવી ગયા હતા. જેમાંથી ૮૫ હજાર લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. દુખની વાત તો એ હતી કે આમાં સૈનિકોને બદલે વ્યાપક પ્રમાણમાં નાગરિકો મોતના ખપ્પરમાં હોમાયા હતા.
પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વચ્ચેના સમયમાં થોડા વધુ હુમલાઓ થયા હતા. ખાસ કરીને રશિયન સિવિલ વોરમાં નાગરિકો પર જોખમી કેમિકલ પ્રયોજવામાં આવ્યું હતું. ૧૯૨૫માં જિનીવા સંધી થઈ હોવા છતાં કેમિકલ હુમલાઓ અટક્યા ન હતા. બીજા વિશ્વયુદ્ધ સુધી છૂટા છવાયા હુમલાઓ થતાં રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં કેમિકલ હુમલાઓ ન કરવાની સમજૂતિ લગભગ બંંને પક્ષે સ્વીકારવામાં આવી હતી. ઈવન એડોલ્ફ હિટલરે પણ પોતાના તરફથી કેમિકલ હુમલાઓ નહીં થાય તેવી ખાતરી આપી હતી એટલે આ વિશ્વયુદ્ધમાં પહેલા યુદ્ધ જેટલી ભીષણ જાનહાની કેમિકલ હુમલાના પરિણામે નહીં થાય એવી ધરપત મળી હતી.
જોકે, અત્યાર સુધી જિનીવા પ્રોટોકોલ પ્રમાણે યુદ્ધોમાં કેમિકલ હુમલાઓ ન કરવાની જ શરત હતી. ઉત્પાદન પર કોઈ જ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ નહોતી એટલે લગભગ તમામ શક્તિશાળી રાષ્ટ્રો એક બીજાના ડરથી તો ક્યારેક એક બીજા પર પ્રભાવ પાડવા માટે કેમિકલ વેપન્સનું ઉત્પાદન વધાર્યે જતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પણ એ ઘડી આવી જ પહોંચી જેનો બધાને ડર હતો. ૧૯૪૧માં જાપાને સંધી તોડીને સૌપ્રથમ વખત ચીન પર કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો હતો. એમ મનાય છે કે જાપાનની આ અંચઈના કારણે જ પછી અમેરિકાએ અંતે અણુ હુમલો કર્યો હતો. આવા થોડા અપવાદોને બાદ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખાસ કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ નહોતો થયો, પણ કોલ્ડવોર વખતે સતત છૂટા છવાયા કેમિકલ હુમલાઓ થતાં રહ્યાં હતા. ઈજિપ્તે ૧૯૬૩થી ૧૯૬૭ વચ્ચે યમન પર અસંખ્ય કેમિકલ હુમલા કર્યા હતા. જેમાં એક અંદાજ પ્રમાણે આશરે ૩૦,૦૦૦ હજાર લોકો અસરગ્રસ્ત બન્યા હતા અને એમાંથી ૫,૦૦૦ હજાર તો મોતને ભેટયા હતા. ખૂબ લાંબી ચાલેલી વિયેતનામ વોર વખતે અમેરિકન સૈન્યએ પણ છૂટથી કેમિકલ વેપન્સનો ઉપયોગ કર્યો હતો. (અમેરિકાએ છેક ૧૯૭૫ સુધી કેમિકલ વેપન્સ ન વાપરવા પર હસ્તાક્ષર નહોતા કર્યા) વળી, અફઘાનિસ્તાનમાં કોલ્ડ વોરના સમયે ખેલાયેલા સોવિયેટ વોરમાં પણ કેમિકલ વેપન્સ વાપરવાનો કોઈ જ પરહેજ નહોતો.ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈને ઈરાન સામેની લડતમાં મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કરીને હજારો લોકોને મોતને શરણ મોકલ્યા હતા. એટલું જ નહીં પોતાના દેશના નાગરિકો કે જે ઈરાનની તરફેણ કરતા હતા એવું કારણ આગળ કરીને સદ્દામ હુસૈને કુર્દ નામના સ્થળે નાગરિકો પર ઝેરી ગેસ છોડયો હતો જેમાં પાંચેક હજાર નાગરિકોના મોત થયા હતા જ્યારે ૬૦ હજાર જેટલા નાગરિકો ઘાયલ પણ થયાં હતા. છેક
ઈ.સ. પૂર્વેની ચોથી સદીથી લઈને ૧૯૯૦ સુધીના ગલ્ફ વોર સુધી કેમિકલ વેપન્સનો ઉપયોગ માનવ જાતને કનડતો આવ્યો છે. વચ્ચેના થોડા સમયમાં એવા મોટા બનાવો નહોતા બન્યા એટલે લાગતું હતું કે વિશ્વ કેમિકલ વેપન્સથી મૂક્ત થઈ રહ્યું છે, પણ કદાચ ફરી એક વખત એ આશા ઠગારી નિવડી છે. જો સીરિયાનો અત્યારનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાય તો પણ ઓછામાં ઓછા બે વર્ષ તો તેને કેમિકલ વેપન્સ મૂક્ત કરવામાં થાય જ. આ સ્થિતિ લગભગ બધા શક્તિશાળી દેશોની છે. જ્યાં સુધી કેમિકલ વેપન્સનો પ્રહાર નથી થયો ત્યાં સુધી જ દુનિયા સલામત છે. કેમ કે, આંતકવાદી તત્ત્વોના હાથમાં જો આ જથ્થો આવી ગયો તો શું થશે એ તો માત્ર કલ્પના જ કરવી રહી!

ભારત : એક માત્ર દેશ જેમણે પોતાનો જથ્થો નાશ કર્યો છે!
યુએન (યુનાઇટેડ નેશન્સ)ની યાદીમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમણે પોતાની ડેડલાઇનને ધ્યાનમાં રાખીને કેમિકલ વેપન્સનો બધો જ જથ્થો નાશ કરી દીધો છે. ઓર્ગેનાઇઝેશન ફોર ધ ધોહીબિશન ઓફ કેમિકલ વેપન્સ (ઓસીડબલ્યુસી)ના સભ્ય હોવાના નાતે ભારતે આવી પહેલ કરી હતી. ૧૯૯૭માં ભારત પાસે ૧૦૪૪ ટન સલ્ફર મસ્ટર્ડનો જથ્થો હતો જે ૨૦૦૬ના વર્ષમાં ૭૫ ટકા નાશ કર્યો હતો. ૨૦૦૫માં ભારત એક માત્ર એવો દેશ હતો જેમણે ઓસીડબલ્યુસીને પોતાના કેમિકલ જથ્થાને તપાસવાની પરવાનગી પણ આપી હતી. એપ્રિલ, ૨૦૦૯માં ભારતે સત્તાવાર જાહેર કર્યું હતું કે પોતાની પાસે રહેલા કેમિકલ જથ્થાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે.
રાસાયણિક હુમલાઓમાં કયાં રસાયણો વધુ વપરાય છે?
રસાયણને હથિયારના રૃપમાં પ્રયોજવામાં આવે ત્યારે મોટા ભાગે તેનો ઉપયોગ વાયુ સ્વરૃપે જ કરવામાં આવતો હોય છે. ક્યારેક પ્રવાહી સ્વરૃપ પણ પ્રયોજાતું હોય છે. કેમિકલ હથિયારોનો ઉપયોગ શા માટે કરાતો હોય છે એ વિશે મત આપતા બ્રિટનના એક કેમિકલ નિષ્ણાત થોમસ બોયકોટે ઉલ્લેખ કર્યો છે કે આવા હથિયારોની અસર સૈનિકો અને નાગરિકો એમ બંનેમાં વધુ ભય ફેલાવે છે. વળી, લાંબાગાળે તેની અસર ધાર્યા કરતા વધુ તીવ્ર હોય છે, પરિણામે કેમિકલ હથિયારોની મદદથી દુશ્મનોની કમર તોડી નાખવા માટે આવા ઘાતક હથિયારોનો ઉપયોગ થતો આવ્યો છે. કયાં રસાયણો વધુ જોખમી છે અને તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે તે પણ જાણી લઈએ.
સારીન : જર્મનીના ગેરહાર્ડ શ્રેડર અને તેની ટીમે ૧૯૩૦ આસપાસ આ રસાયણની શોધ કરી હતી. અલબત્ત તેની શોધ કીટનાશક રસાયણ તરીકે થઈ હતી, પણ પછીથી અસંખ્ય માણસોના જીવ લેવામાં આ રસાયણ કારણભૂત બન્યું હતું. આ કેમિકલ રંગહિન અને ગંધહિન છે, વળી અત્યંત બાષ્પીશીલ હોવાથી તેનો ગેસ સ્વરૃપે જ વધુ ઉપયોગ કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં તે ક્યારેક ક્યારેક પ્રયોજાયું હતું. એ પછી પણ તેના ઉપયોગથી માનવજાતે ઘાતક પરિણામો ભોગવ્યા છે. ખૂબ જ ઓછી માત્રામાં પણ તે તીવ્ર સાબિત થાય છે. આંખ, નાક અને ત્વચા મારફતે સારીન શરીરનો કબ્જો લઈ લે છે અને પછી તેનાથી બચવું મુશ્કેલ થઈ પડે છે.
તાબુન : તેની શોધ પણ ગેરહાર્ડ શ્રેડરે જ કરી હોવાનું કહેવાય છે. તેની સુગંધ ફળો જેવી હોય છે, પણ તેની અસર સારીનની માફક જ મોતને નોતરું આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બોમ્બમાં આ રસાયણ ભર્યું હતું. જોકે, સદનસીબે આવા બોમ્બના ઉપયોગથી જર્મની દૂર રહ્યું હતું.
વીએક્સ : સારીનની જેમ જ વીએક્સની શોધ કીટનાશક રસાયણના રૃપમાં થઈ હતી. બ્રિટનના રસાયણશાસ્ત્રીઓએ તેની શોધ કરી હતી. સારીન અને તાબૂનની તુલનાએ આ રસાયણ વધુ ઝેરીલું હોય છે. ખૂબ જ ઓછી માત્રામાં તેનો પ્રયોગ કરવામાં આવે તો પરંતું તો પણ તેની ઘાતક અસર થાય છે. તેની અસર લાંબાં ગાળા સુધી રહે છે એટલે એક વાર તે માણસની ત્વચાને સ્પર્શી જાય પછી જલ્દીથી તેનો પીછો મૂકતું નથી એટલે એ રીતે તેની અસર બમણી થઈ જાય છે.
મસ્ટર્ડ ગેસ : જર્મનીના રસાયણશાસ્ત્રી વિલહેમ લોમેલ અને વિલહેમ સ્ટાઈંકોપીને મસ્ટર્ડ ગેસને યુદ્ધમાં વાપરવાની સલાહ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આપી હતી. સારીન, તાબૂન અને વીએક્સના મસ્ટર્ડ ગેસ પ્રમાણમાં ઓછી અસર કરે છે, પણ તેનો વધારે માત્રામાં જથ્થો છોડવામાં આવે તો ઘાતક પરિણામો સામે આવી શકે છે. એક વખત તેને છોડી દીધા પછી ૨૪ કલાક સુધી તેની અસર રહે છે. ત્વચા એકદમ લાલ બની જાય છે અને ત્યાં ચકામા પણ પડી જાય છે. આ ગેસ જો નાક વાટે શ્વાસનળીમાં પહોંચી જાય તો મોતને નોતરું આપી દે છે.
Sunday, 29 September 2013
Posted by Harsh Meswania
Tag :

રાયન કેમ્બેલ : સાહસની ઉડાન, સમજણનું લેન્ડિંગ



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

૧૯ વર્ષની ઉંમરે ટીનેજર્સ લેટેસ્ટ ફેશન એસસરિઝ કે વેબ એપ્લિકેશનની વાતો કરે એ ઉંમરે રાયન કેમ્બેલ નામનો છોકરડો વર્લ્ડ ટૂર કરીને આવી ગયો. રાયને વર્લ્ડ ટૂર કરી એમાં કશું નવું નથી, પણ જગતભરમાં એકલા હાથે વિમાન ઉડાવીને જે રેકોર્ડ બનાવ્યો છે એ રસપ્રદ છે

ઓસ્ટ્રેલિયાના વોલોન્ગૉન્ગ એરપોર્ટ પર હજારો લોકોની ભીડ જામી છે. કોઇ સેલિબ્રિટી આવવાની હોય એમ લોકો આતુરતા પૂર્વક કોઇકની રાહ જોઇ રહ્યા છે. એવામાં એક સિંગલ એન્જિન વિમાન ઉતર્યું. એમાંથી ૧૮-૧૯ વર્ષની ઉંમરનો ફૂટડો જૂવાન ભૂરા રંગનો પાયલટી પોશાક પહેરીને બહાર નીકળ્યો અને હાથ ઊંચો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ ટીનએજ પાયલટ ૭૦ દિવસના પ્રવાસ દરમિયાન ૧૫ દેશોમાં કુલ ૩૪ વિરામ લઇને ૨૦૦ કલાકનું ઉડ્ડન અને ૪૪,૪૪૮ કિલોમીટરનો હવાઇ પ્રવાસ ખેડીને આવ્યો છે, છતાં તેના ચહેરા પર થાકને બદલે એક ગજબનો આત્મવિશ્વાસ છલકી રહ્યો છે. તેના સ્વાગત માટે ઊભેલા હજારો લોકોને તેણે માત્ર બે શબ્દ કહ્યાં- ''અ રિઅલ એક્સપિરિયન્સ''. તેના આ શબ્દોથી લોકોનો ઉત્સાહ પણ બેવડાઇ ગયો. થોડાંક ઉત્સાહી લોકોએ તેને તોડીને હવામાં ઊંચો કર્યો, પણ તેના માટે હવે આ ઊંચાઇનું ખાસ મહત્ત્વ નહોતું. કેમકે, તે વાદળો વચ્ચેથી આસમાન સાથે સતત ૭૦ દિવસ સુધી ગોષ્ઠી કરીને આવ્યો હતો.
પોતાની સાહસયાત્રા વિશે પણ તેણે અત્યંત ટૂંકું અને કાવ્યાત્મક પ્રવચન આપ્યું, ''હું બરફ અને વાદળોની વચ્ચેથી નીકળ્યો, કલાકો સુધી પાણી પર ઉડતો રહ્યો, ક્યારેક નાના-મોટા પર્વતોની ઉપરથી પણ પસાર થયો. ઘણી મુશ્કેલીઓ આવી. ક્યારેક તો એમ પણ લાગ્યું કે મારું ડ્રિમ સાકાર નહીં થાય, પણ તેમ છતાં પૃથ્વીની આકાશ માર્ગ પ્રદક્ષિણા કરવાનું સ્વપ્ન આજે સાકાર થયું છે. મારા યુવા દોસ્તો તમે કોઇ એક સ્વપ્ન જુઓ અને તેને સાકાર કરવાનું વિચાર્યા રાખો એક દિવસ તમે એ સ્વપ્ન પર તમારો અધિકાર ભોગવી શકશો.'' કોઇ ફિલસૂફની અદાથી બોલાયેલા તેના એ શબ્દોને હાજર લોકોએ ચીચીયારીઓ પાડીને વધાવી લીધા. આ યુવાન એટલે ઓસ્ટ્રેલિયાના મેરિમ્બુલા શહેરમાં રહેતો ૧૯ વર્ષનો રાયન કેમ્બેલ. જેણે સિંગલ એન્જિન વિમાન દ્વારા એકલા હાથે ઉડ્ડયન કરીને સૌથી નાની વયે વિશ્વભ્રમણ કરવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે.
રાયન કેમ્બેલના પરિવારને ઉડ્ડયન સાથે બહુ ગહેરો સંબંધ રહ્યો છે. હવાઇ ઉડ્ડયન તેને વારસામાં મળ્યું છે. તેના દાદાએ બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ઇવન વિમાનની જ્યારે નવી નવી શોધ થઇ તે વખતે તેના પડદાદાની ઈચ્છા હતી કે એ એક વખત હવાઇ મુસાફરી કરે અને પોતાનું ન પૂરું થયેલું શમણું તેણે તેના પુત્રમાં રોપ્યું હતું. રાયનના પિતા લિન્ડસે કેમ્બેલ એક બિઝનેસમેન છે, પણ તેણે ય પોતાના પરિવારનો વારસો આગળ વધારીને પાયલટની ખાનગી તાલીમ મેળવીને લાયસન્સ મેળવ્યું છે. રાયનના કાકા એન્ડી મેરિમ્બુલા વિસ્તારના સફળ અને સાહસી પાયલટ ગણાય છે, તો વળી રાયનના બન્ને ભાઇઓ ક્રિસ અને એડમે વિધિવત્ તાલીમ લઇને પાયલટ તરીકેની કરિઅર પસંદ કરી છે.
પરિવારના ઉડ્ડયનના શોખનો ફાયદો મેળવીને ૬ વર્ષની વયે જીદ કરીને ઉડતી જહાજની પાયલટની સીટ પર બેસીને પ્રથમ વખત તેણે જહાજ ચલાવવા માટે પગ ટેકવ્યા હતા. ૧૦ વર્ષે તેણે તાલીમ પણ શરૃ કરી દીધી હતી. તેની સ્કૂલમાં સમવયસ્ક બાળકો એમ કહીને તેની મશ્કરી કરતા હતા કે પહેલા ડ્રાઇવિંગ શીખ અને તેનું લાયસન્સ મેળવ પછી પાયલટ બનવાનું વિચારજે. આવી મજાક કરનારા પોતાના મિત્રોને તે જવાબ આપવાનું ટાળતો. તે એમ માનતો હતો કે સૌથી નાની ઉંમરે હવાઇજહાજ ઉડાવીશ એટલે બધાને આપોઆપ જવાબ મળી જશે. ત્યારે જોકે તેને વિશ્વભ્રમણ કરવાનો વિચાર નહોતો આવ્યો. આવો વિચાર તેને ૧૪ વર્ષની ઉંમરે એક બાળ સહજ ઈર્ષાથી આવ્યો હતો. રાયન ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે એક સ્થાનિક અખબારમાં ન્યુઝ વાંચ્યા કે ૧૪ વર્ષના એક છોકરાએ વિમાન ઉડાવીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે અને એ છોકરો નાની વયે વિમાન ઉડાવનારો પહેલો ઓસ્ટ્રેલિયન બન્યો હતો. આ વાંચીને રાયન મનોમન છળી ઉઠયો હતો. આ ન્યુઝે તેનું દિલ તોડી નાખ્યું. તેણે વિચારેલો વિક્રમ કોઇ બીજાને નામે ચડી જાય તે વાત રાયન માનવા તૈયાર ન હતો. તેણે એ ન્યુઝ એકાદ ડઝન વખત વાંચ્યા હતા અને પોતાની જાતને સતત પ્રશ્નો પૂછ્યા હતા કે એ છોકરો કરી શકે તો હું કેમ નહીં? બસ તે દિવસથી રાયને નક્કી કરી નાંખ્યું કે ''હવે તો ઓસ્ટ્રેલિયા માટે હું કોઇ નવો કિર્તિમાન જરૃર બનાવીશ!''
૩૦મી જૂને રાયન કેમ્બેલ ઓસ્ટ્રેલિયાના વોલોન્ગૉગ એરપોર્ટથી વિશ્વપ્રવાસ માટે પોતાનું વિમાન હંકારી ગયો એના બરાબર ૭૦ દિવસ પછી ૭ સપ્ટેમ્બરે તે ફરી એક વખત આ જ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેણે અમેરિકન પાયલટ જેક વિગેન્ડે ૨૧ વર્ષની વયે સિંગલ એન્જિન ધરાવતા વિમાનની મદદથી કરેલી વર્લ્ડ ટૂરનો વિક્રમ તોડે નાખ્યો હતો. અમેરિકન પાયલટ જેક જેમ પાસપોર્ટ ભૂલી ગયો હોવાથી મુશ્કેલી ખડી થઇ હતી તેમ રાયન સામે પણ એક સમયે સાવ તય કાર્યક્રમને છેલ્લી ઘડીએ પડતો મૂકવો પડે એવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું.
ઈજિપ્તે પોતાના હવાઇ રૃટ વાપરવાની પરવાનગી છેક સુધી આપી નહોતી. ઈજિપ્તે પોતાની હવાઇ સીમાને બાયપાસ કરી જવા કહ્યું હતું. જો એમ થાય તો રાયનના મૂળ કાર્યક્રમની ડિઝાઇનને સમૂળગી બદલી પડે અને એમ કરવા જતાં તેનો કાર્યક્રમ પડતો મૂકવાની નોબત આવે. અથવા તો જ્યાં સુધી મામલો ખતમ ન થાય ત્યાં સુધી તેને કાર્યક્રમ મોકૂફ રાખવો પડે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન એમ્બેસીની મધ્યસ્થીથી તેને ઈજિપ્તના હવાઇ રૃટ વાપરવાની પરવાનગી મળી હતી. આ સિવાય તેના સામે હવાઇ ટ્રાફિકને મેનેજ કરવાનો પણ મોટો પડકાર હતો. પહેલાથી નક્કી હોવા છતાં તેને હવાઇ ટ્રાફિક મેન્ટેઇન કરવામાં ખાસ્સી મહેનત કરવી પડી હતી. આ બધું ભૂલાય જાય જો આપણે એમ જાણીએ કે રાયન પોતાની આ ડ્રિમ જર્નીમાં ઉપડે એ પહેલા સખત તાવમાં પટકાયો હતો અને તેમ છતાં તેણે કોઇને જાણ કર્યા વગર કાર્યક્રમની તૈયારીને અંતિમ ઓપ આપ્યો હતો. ખરાબ વાતાવરણને કારણે તેને વિમાનને નીચે ઉતારવાની ચેતવણીઓ પણ મળી હતી, પણ જીદ કરીને દુનિયા જોવાની નેમ લેનારા રાયને આવી ચેતવણીઓને ય બહુ ગંભીરતાથી ન લીધી. કેમ કે, ચેતવણીઓને ગંભીરતાથી લે તો મંઝિલને ખોટુ લાગી જાય! એ આખા પ્રવાસ દરમિયાન બ્લોગ મારફતે સતત પોતાના ચાહકો અને મિત્રોના સંપર્કમાં રહ્યો હતો.
છેલ્લા બે દિવસ બાકી રહ્યાં ત્યારે તેણે તેની મમ્મી માટે એક મેસેજ છોડયો હતો જે તેના પ્રવાસ વિશે ઘણું કહી જતો હતો. રાયને ૬૮ દિવસ પૂરા કર્યા બાદ તેના છેલ્લા પડાવ વખતે તેની મમ્મીને સંબોધીને લખ્યું હતું કે ''મને આ વર્લ્ડ ટૂરથી ઘણું શીખવા મળ્યું છે. જેમ કે, એક મેનેજર તરીકે કામ કઇ રીતે કરી સકાય તે મેં ફ્લાઇટના સમય સાથે તાલ મિલાવીને અને મારા મૂળ પ્લાનિંગ સાથે વળગી રહીને શીખ્યું. હવાઇ ટ્રાફિક મેનેજ કરતી વખતે મેં મારામાં એક ટીમ મેમ્બર જોયો. અલગ અલગ પરિસ્થિતિમાં મેં મારી જાતને ઢાળતા પણ શીખી લીધું છે. ઊંચાઇ પર ઉડીને આટલા દિવસોમાં સતત જે જોયું તેનાથી મારી કલ્પનાની દુનિયાને નવી પાંખો મળશે. આ બધાથી વિશેષ મેં એ જાણ્યું કે આ આખી દુનિયાના બધા દેશોમાં ઉપરથી જાણે કોઇ જ સરહદ નથી. બધા જાણે એક તાંતણે બંધાયેલા હોય એવું મને લાગતું હતું. આ સાહસી સફરથી મને નવી સમજણ મળી હોય એમ મને લાગે છે.'' એક ૧૯ વર્ષનો ટીનેજર હવાઇ વિશ્વપ્રવાસથી આનાથી વિશેષ શું શીખી શકે?
Sunday, 22 September 2013
Posted by Harsh Meswania
Tag :

જીવતાં પ્રાણીઓની દાણચોરીનો ખતરનાક કાળો કારોબાર


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

કોલકાતાના એરપોર્ટ પરથી દસ હજાર કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર જતાં ચેન્નાઈના બે નાગરિકોને કસ્ટમ અધિકારીઓએ પકડી પાડયા હતા. વિશ્વમાં સજીવોની ગેરકાયદે હેરાફેરીનો કાળો કારોબાર છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે તેની એક ઝલક
ચેન્નાઈમાં રહેતા મનિમાલન રામસ્વામી અને શીલામુથુ રામસ્વામી ચીનમાંથી આશરે ૬૦ લાખ રૂપિયાની કિંમતના દસ હજાર ઉપરાંતના કાચબા સૂટકેસમાં ભરીને સિંગાપુર લઈ જતા હતા ત્યારે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની સૂટકેસની તપાસ કરવામાં આવી હતી. સૂટકેસમાં આટલા બધા કાચબા જોઈને કસ્ટમ અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું. સૂટકેસમાં કાચબા લઈ જવાનો આ થોડો નવતર પ્રયોગ હતો. વિશ્વમાં સજીવોની દાણચોરી ક્ષેત્રે પ્રવૃત્ત લોકો આવા અવનવા અખતરા કરતા રહેતા હોય છે. માની ન શકાય એવી જગ્યાએ સજીવોને છુપાવીને એક દેશમાંથી બીજા દેશમાં ગેરકાયદે હેરફેર કરવાના આવા તો કેટલાય પ્રયાસોને વિશ્વભરના કસ્ટમ અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યા છે. આવા થોડા જોખમી અને રમૂજી પ્રયાસો તરફ નજર કરતા પહેલાં સજીવોની દાણચોરીની દુનિયામાં ડોકિયું કરવા જેવું છે.
ડ્રગ્સ પછીનો સૌથી મોટો કાળો કારોબાર
વાઇલ્ડ લાઇફ સ્મગલિંગની બાબતમાં એશિયન અને આફ્રિકન દેશો વધુ બદનામ રહ્યા છે. આ બે નંબરી પ્રવૃત્તિનો વ્યાપ એશિયા અને આફ્રિકામાં હોવાનું એક કારણ તેની વાઇલ્ડ લાઇફ સમૃદ્ધિ પણ છે. જોકે, એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝ ઉપરાંત પણ આ કાળો કારોબાર વિશ્વભરમાં ઓછા-વત્તા અંશે થાય જ છે. એક અંદાજ પ્રમાણે ડ્રગ્સની દાણચોરી પછીના ક્રમે સજીવોની હેરાફેરીને મૂકવામાં આવે છે અને એ પછી શસ્ત્રોની દાણચોરીને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે. એ પરથી જ સજીવોના સ્મગલિંગનું આ દલદલ કેટલું વ્યાપ્ત છે તેનો અંદાજ લગાવી શકાય છે. સજીવોની દાણચોરીનું વાર્ષિક ટર્નઓવર એક અબજ રૂપિયા સુધીનું હોવાનું કહેવાય છે. દુર્લભ પ્રજાતિની વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિને વેગ મળી રહે છે. પશુ-પક્ષીઓને લઈને લોકોમાં ઘણી બધી ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે અને સજીવોની દાણચોરીના મૂળમાં એ ભ્રામક માન્યતા પણ કંઈક અંશે જવાબદાર ઠરે છે. અમુક સજીવો આરોગવાથી અમુક ચોક્કસ રોગ મટી જશે (ગુપ્ત રોગોની બાબતમાં સવિશેષ ભ્રમણાઓ ફેલાયેલી છે) એવી માન્યતાના બળે ગેરકાયદે સજીવોની આપ-લે થાય છે અને તેને લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. જેમ કે, ચીનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વાઘનું માંસ ખાવાથી લાંબું આયુષ્ય ભોગવી શકાય છે અને શારીરિક-જાતીય ક્ષમતામાં પણ વધારો થાય છે. ક્યાંક માંસની માંગ છે, તો ક્યાંક ચામડીની ડિમાન્ડ છે. વળી કોઈક તંત્રવિદ્યા માટે સજીવોને પ્રયોજે છે. આ બધાં કારણો સજીવોની દાણચોરી માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સજીવોની દાણચોરીમાં પક્ષી કે પશુઓને મોટાભાગે જીવતાં જ વેચવામાં આવતાં હોય છે અને એટલે તેને જીવિત હાલતમાં જે તે જગ્યાએ પહોંચાડવા માટે અવનવા નુસખા અખત્યાર કરવામાં આવે છે. છતાં કોઈ વાર મોટી સંખ્યામાં સજીવો ગૂંગળાઈને મરી જતાં હોય છે.
આ આખું તંત્ર કસ્ટમ અધિકારીઓના સહકાર વગર શક્ય ન બની શકે એટલે જરૂર પડયે કસ્ટમ ઓફિસર્સ પૂરતો સહકાર આપે એવી ગોઠવણ કરવામાં આવતી હોય છે! આ સિવાય સજીવોની હેરાફેરી વખતે કોઈને ખબર ન પડી જાય એ માટે તેને છુપાવવાની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ તો એરપોર્ટ પરથી હેમખેમ નીકળી જવા જાતજાતના તુક્કા લગાવાય છે. તુક્કામાં ક્યારેક સફળતા મળી જાય છે, તો ક્યારેય કોઈ કસ્ટમ અધિકારીની કે સાથી પ્રવાસીઓની નજરથી બચી શકવું મુશ્કેલ બની જાય છે.
સજીવસૃષ્ટિ પર મંડરાતો અસ્તિત્વનો ખતરો
લાંબી મુસાફરી દરમિયાન સજીવોને અપૂરતી હવા અને જગ્યાને કારણે ગૂંગળાઈ મરવાનો વખત આવે છે. એટલે કેટલાંક તો તેના મુકામ સુધી પહોંચે એ પહેલાં જ હરિને પ્યારા થઈ જતા હોય છે, તો કેટલાક બીજા રાઉન્ડમાં સરનામે પહોંચ્યા પછી અંતિમ શ્વાસ લે છે. 'પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ' એટલે કે 'પેટા'ના ટૂંકા નામની ઓળખાતી અને વિશ્વભરમાં સજીવસૃષ્ટિ માટે કામ કરતી સંસ્થાની એક અમેરિકન અંડરગ્રાઉન્ડ ટીમે વર્ષો પહેલાં સજીવોની દાણચોરી બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનાં તારણો ચોંકાવનારાં હતાં. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે સજીવોને એવી ગંભીર હાલતમાં હેરફેર કરવામાં આવે છે કે અડધા તો ખરાબ વાતાવરણથી જ મૃત્યુ પામે છે અથવા તો ઠાંસી ઠાંસીને એકસામટા ભર્યા હોવાથી પણ થોડાનું કચુંબર થઈ જાય છે. વળી દાણચોરોને કે તેનો ગેરકાયદે વેપાર કરતા લોકોને સજીવોની સંભાળ રાખતા નથી આવડતું હોતું એટલે અમુક સજીવો મોતને ભેટે છે. વળી એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવાતા સજીવોને જે તે દેશનું વાતાવરણ-તાપમાન માફક ન આવે એટલે પણ દમ તોડી દેતા હોય છે. દાણચોરીના પ્રતાપે જ ઇગ્વાના નામનું અમેરિકામાં વૃક્ષ પરથી મળી આવતું ગરોળી જેવું સજીવ હવે દુર્લભ થતું જાય છે. એક સમયે આ ઇગ્વાના દાણચોરોનું ફેવરિટ સજીવ હતું. આવા તો કેટલાંય પશુ-પક્ષીઓ છે જે દાણચોરોના પ્રતાપે પૃથ્વી પરથી લુપ્ત થવાના આરે છે.
સજીવોની દાણચોરી માટે કેટલાક જોખમી અને ભેજાગેપ પ્રયાસો
વિશ્વભરમાં દાણચોરો સજીવોને લઈને એક દેશમાંથી બીજા દેશમાં ઉડાઉડ કરતા હોય છે. એમાં ક્યારેક એના જોખમી પ્રયાસથી રમૂજી સીન પણ ક્રિએટ થાય છે. અહીં એવા થોડા જોખમી છતાં રમૂજી તુક્કાઓની વાત કરીએ.
મારા ટ્રાઉઝરમાં કોબ્રા છે : આ વાક્ય કોઈ બોલે ત્યારે તેના ચહેરાના ભાવ કેવા હશે એ કલ્પી શકવું અઘરું નથી! સ્વિડનના એક માણસની તલાશી જ્યારે ઓસ્ટ્રેલિયન કસ્ટમ અધિકારીઓએ લીધી ત્યારે તેને આ વાક્યથી ભારોભાર આશ્ચર્ય થયું હતું. એ. સ્મિથ નામના આ માણસે ટ્રાઉઝરમાં ૮ સાપ છુપાવી રાખ્યા હતા, જેમાંથી ૪ તો કિંગકોબ્રા હતા. તેના સદ્નસીબે કિંગકોબ્રા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા!
કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી : અમેરિકન નાગરિક જેરોમ જેમ્સે તેના એક કૃત્રિમ પગમાં ઝેરી ગરોળી સંતાડી રાખી હતી. અધિકારીઓને શંકા જતાં લોસ એન્જલસના એરપોર્ટ પર તેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તેના નકલી પગમાંથી ગરોળીઓ જપ્ત કરીને તેને જેલહવાલે કરાયો હતો.
મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે : ઓસ્ટ્રેલિયામાં સિડનીના એરપોર્ટ પરના કસ્ટમ અધિકારીઓ જ્હોન એડોલ્ફન નામના માણસને તપાસી રહ્યા હતા ત્યારે તેણે અધિકારીઓને કહ્યું હતું કે મેં પહેરેલા જિન્સમાં વાંદરાઓ છે. તેના વાક્યથી અધિકારીઓ ચોંકી ગયા હતા. ખરેખર જ તેના જિન્સમાંથી વાંદરાનાં બચ્ચાં મળી આવ્યાં હતાં.
મારા અંતઃવસ્ત્રમાં સાપ છે : સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં એક મહિલાની ઝડતી લેવાઈ રહી હતી ત્યારે તેણે કબૂલ્યું કે મારા અંતઃવસ્ત્રમાં સાપ છે. અધિકારીઓને પહેલાં તો તેની વાતમાં વિશ્વાસ ન બેઠો, પણ તલાશી લેતાં ખરેખર તેના અંતઃવસ્ત્રમાંથી થોડા સાપ મળ્યા હતા.
મારી સૂટકેસમાં ટાઇગર છે : થાઇલેન્ડના કસ્ટમ અધિકારીઓ એક મહિલાના સામાનની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે એક કર્મચારીએ જેવી સૂટકેસ ખોલવાની કોશિશ કરી કે તરત એ મહિલાએ ઉપરોક્ત વાક્ય ઉચ્ચાર્યું હતું. પહેલાં તો અધિકારીઓને લાગ્યું કે તે મજાક કરી રહી છે, પણ પછી ખરેખર જ તેની મોટી સૂટકેસમાંથી એક ટાઇગર મળી આવ્યો હતો.
Thursday, 19 September 2013
Posted by Harsh Meswania

સાઉન્ડ સિસ્ટમના બોસ : અમરગોપાલ બોઝ



વિશ્વને અદ્ભુત સાઉન્ડ સિસ્ટમની ભેટ આપનારા સાઉન્ડ ઇજનેર અને ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગ સાહસિક અમરગોપાલ બોઝનું થોડા દિવસો પહેલાં ૮૩ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું. તેમની ગણના દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં થતી હતી. આ મહાન સંશોધક, પ્રોફેસર અને બિઝનેસમેન વિશે થોડી જાણી-અજાણી વાતો
* અમરગોપાલના પિતા નોનીગોપાલ બોઝ ભારતના સ્વતંત્ર સેનાની હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

* તેમણે બ્રિટિશ શાસનની નીતિ-રીતિથી ત્રાસીને ૧૯૨૦માં અમેરિકામાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે અમેરિકા જઈને એક સ્કૂલ અધ્યાપિકા ચાર્લોટે સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીય પિતા અને અમેરિકન માતાને ત્યાં ૨ નવેમ્બર, ૧૯૨૯ના રોજ ફિલાડેલ્ફિયામાં અમરનો જન્મ થયો હતો.

* રમકડાં સાથે રમવાની ઉંમરે અમર બોઝને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રમત કરવી ગમતી હતી. રેડિયોના એ યુગમાં તેમણે ૧૩ વર્ષની વયે પાર્ટ ટાઇમ રેડિયો રિપેરિંગનું કામ પણ શરૂ કર્યું હતું, તેમાં તેમણે ટૂંકા ગાળામાં મહારત હાંસલ કરી લીધી હતી.

* વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી) માંથી તેઓ ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણ્યા. સાથે સાથે સાઉન્ડ એન્જિનિયરિંગમાં પણ નિપુણતા મેળવી લીધી. આ જ ઇન્સ્ટિટયૂૂટમાં તેમણે પીએચડી પણ કર્યું અને જ્યાં ભણ્યા હતા ત્યાં ભણાવવાનું પણ શરૂ કર્યું. તેમણે આ જગવિખ્યાત સંસ્થામાં ૪૫ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સાઉન્ડ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીના પાઠ ભણાવ્યા.

* તેમને ઇલેક્ટ્રિક ઉપકરણોની સાથે સાથે મ્યુઝિકમાં પણ એટલો જ રસ પડતો હતો. તેમણે એ વાત નોંધી કે બજારમાં મળતી બધી સાઉન્ડ સિસ્ટમથી અમેરિકન્સ કંટાળ્યા છે, કારણ કે પૂરતા પૈસા ખર્ચવા છતાં બજારમાં સાઉન્ડ સિસ્ટમનો યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી એટલે ૧૯૬૪માં બોઝ કોર્પોરેશન નામની કંપનીના નેજા હેઠળ સાઉન્ડ સિસ્ટમ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું.

* પછી તો આ કંપની સાઉન્ડ સિસ્ટમનો પર્યાય બની ગઈ. ફોર્બ્સ જેવા પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિને વિશ્વના ધનાઢય લોકોમાં ઘણી વખત અમરગોપાલ બોઝનો સમાવેશ કર્યો હતો.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 3 August 2013
Posted by Harsh Meswania

પેનિસિલીનની શોધ કોણે કરી?

પેનિસિલીનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
19મી સદીમાં જર્મન વિજ્ઞાની રોબર્ટ કોચે તારણ આપ્યું કે બેક્ટેરિયા બિમારી ફેલાવવા માટે કારણભૂત છે ત્યારથી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા હતા. સ્વચ્છતાને પણ ત્યારથી તંદુરસ્તી સાથે જોડવામાં આવી હતી.
દુનિયામાં મોટાભાગની માંદગી બેક્ટેરિયાને કારણે થાય છે અને બેક્ટેરિયા એકકોષી સજીવ છે. બેક્ટેરિયા એટલા તો સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાઈ નહીં, માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે એટલે તેનો નાશ કરવા પણ ખાસ ટેકનિક વિકસાવવી પડે તેમ હતી. એ ટેકનિક જોકે અનાયાસે વિકસી હતી.
દુનિયામાં ઘણી બધી શોધો અકસ્માતે જ થઈ છે, તેમ બેક્ટેરિયાને નાશ કરનાર તત્ત્વ પેનિસિલીનની શોધ પણ અકસ્માતે જ થઈ હતી.

સ્કોટલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વિજ્ઞાનીએ અકસ્માતે જ એવી શોધ કરી હતી કે જેના વડે બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. બેક્ટેરિયાને મારી શકે એવું તત્ત્વ તેમને છોડમાંથી મળી આવ્યું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગો કર્યા હતા. આખરે લગભગ ૧૦ વર્ષની જહેમત બાદ તેમણે એ તત્ત્વ મળી આવ્યું અને એ રીતે પેનિસિલીનનો આવિસ્કાર થયો હતો.

પેનિસિલીનની શોધ માનવજાત માટે ઉપયોગી સાબિત થઈ પડી હતી. અનેક એવા રોગો હતા કે જે સામાન્ય દવાથી મટતા ન હતા. જ્યાં સુધી બેક્ટેરિયાનો નાશ ન થાય ત્યાં સુધી રોગના મૂળ સુધી પહોંચી શકાય તેમ નહોતું.
એ સમયે બેક્ટેરિયા દ્વારા ફેલાતી માંદગીને કારણે મૃત્યુનો દર ઊંચો જતો હતો અને બેક્ટેરિયાના મૂળ સુધી પહોંચીને ખતમ કરે એવા તત્ત્વની વિશ્વને તાતી જરૃર હતી.  બરાબર એ જ સમયગાળામાં પેનિસિલીનની શોધ થઈ અને માનવજાતની સુખાકારીમાં પેનિસિલીનનો મોટો ફાળો નોંધાયો.
આ મહત્ત્વપૂર્ણ શોધ માટે એલેક્ઝાન્ડર ફલેમિંગને 1945માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 6 ઓગસ્ટ, 1881માં જન્મેલા ફ્લેમિંગનું 73 વર્ષની વયે હાર્ટએટેકથી 1955માં લંડનમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને છેક સુધી અલગ અલગ વિષયો પર સંશોધનાત્મક વિભિન્ન સાયન્સ જર્નલ્સમાં લખતા રહેતા હતા. તેમણે પેનિસિલીન ઉપરાંત પણ બીજી ઘણી નાની-મોટી શોધો કરી હતી, જેના માટે નોબેલ ઉપરાંત પણ તેમના વિશ્વભરના અઢળક પુરસ્કારો મળ્યાં હતાં.
લંડનમાં ફ્લેમિંગના સન્માનમાં ફ્લેમિંગ મ્યુઝિયમ નામથી સાયન્સ મ્યુઝિયમ બનાવાયું છે, જે હવે લંડનના મુખ્ય આકર્ષણ પૈકીનું એક મનાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

કન્યા કેળવણી માટે લડત આપતી : મલાલા યૂસુફઝઈ


કન્યા કેળવણી માટે જીવના જોખમે લડત આપીને વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારી ૧૬ વર્ષની બાળકી મલાલા ઝિયાઉદ્દીન યૂસુફઝઇના સન્માનમાં યુનાઇટેડ નેશન્સે મલાલાના જન્મદિવસ ૧૨મી જુલાઈને 'મલાલા દિન' તરીકે ઊજવ્યો હતો અને વિશ્વભરમાં બાળયુવા શિક્ષણમાં કાર્યરત બાળાઓને મલાલા એવોર્ડ પણ એનાયત કર્યા છે. નાની ઉંમરમાં નોંધપાત્ર કામગીરી કરનારી મલાલા વિશે થોડી વધુ જાણકારી

* મલાલાનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા ગામમાં થયો હતો. તેના પિતા ઝિયાઉદ્દીન પણ સ્ત્રીશિક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

* સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યાઓને અપાતા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો જેની સામે મલાલાએ અવાજ ઉઠાવ્યો હતો. તાલિબાનોના અત્યાચાર વિરુદ્ધ તેણે બીબીસીની ઉર્દૂ ન્યૂઝ સર્વિસ માટે ગુલ મકઈના તખલ્લુસ નામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર ૧૧ વર્ષ હતી.

* ૧૩ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સ્વાત ખીણના મિંગોરા કસ્બામાં આવેલી સ્કૂલમાંથી મલાલા પાછી ફરતી હતી ત્યારે આતંકવાદીઓએ તેને ગોળીથી ઠાર કરવા હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં મલાલાને હાથ, ગરદન તથા કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. આ કટોકટીની પળોમાંથી ઊગરીને હવે તે ફરીથી કન્યા કેળવણીના કામમાં કાર્યરત થઈ ગઈ છે.

* ૨૦૦૯માં 'ન્યૂ યોર્ક ટાઇમ્સે' મલાલા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી અને એના કારણે મલાલા વધુ જાણીતી બની હતી.

* પાકિસ્તાન સરકારે યુવા શાંતિ પુરસ્કાર આપીને મલાલાનું સન્માન કર્યું હતું. પાકિસ્તાનની એક સરકારી ગર્લ્સ સ્કૂલને પણ મલાલા યૂસુફઝઈ નામ આપવામાં આવ્યું છે.
* 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૨૦૧૩ના 'પર્સન ઓફ ધ યર'ના લિસ્ટમાં મલાલાનો સમાવેશ કર્યો હતો.

* જોકે, અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સામે મલાલા સહેજ માટે પર્સન ઓફ ધ યર બનતા રહી ગઈ હતી, પણ તે બીજા સ્થાને રહી હતી અને તેને ડોમિનેટ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી. એક શક્તિશાળી રાષ્ટ્રના શક્તિશાળી પ્રમુખ સાથે પર્સન ઓફ ધ યર બનવા માટે એક ૧૬ વર્ષની બાળકીની સ્પર્ધા થાય એ જ તેની સિદ્ધિ કહી શકાય. શાંતિના નોબેલ માટે પણ મલાલાનું નામ ચર્ચાયું હતું.

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 27 July 2013
Posted by Harsh Meswania

હાર્ડ ડ્રાઇવ હિડન કરવાની સરળ રીત


કમ્પ્યુટરના હાર્ડડિસ્ક ડ્રાઇવ્સ એટલે કે C, D, E, F વગેરે હિડન કરવી હોય તો આ સરળ ટેકનિકથી છૂપાવી શકાય છે અને પછી જરૃર પડે ત્યારે તેને ફરી શો પણ કરી શકાય છે.

* સૌથી પહેલાં start ઉપર ક્લિક કરો. પછી run માં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.

* હવે તમારી સામે group policyની વિન્ડો ખૂલશે. તેમાં user configuration અને ત્યારબાદ administrative templates પર ક્લિક કરો.

* ત્યાર પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windowsexplorer ને ખોલો.

* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરવાની રહેશે.

* જે વિન્ડો ખૂલશે તેમાં enabled ને સિલેક્ટ કર્યા બાદ નીચે કેટલાક વિકલ્પ હશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.

* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માગતા હોવ તો restrictall draivesને સિલેક્ટ કરી દો. હવે apply કરીને ok બટન પર ક્લિક કરી દો. તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે!

* ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટકરશો એટલે છુપાવેલી તમામ ડ્રાઇવ્સ પાછી જોઈ શકાશે.
(સંદેશના કમ્પ્યુટર નોલેજ વિભાગમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફનો ધીકતો ધંધો


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

સેલિબ્રિટીના ઓટોગ્રાફ રૂબરૂ લેવાથી લઈને તેને ખરીદવા માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચવા સુધીની લોકોની ઘેલછા આખી દુનિયામાં જોવા મળે છે. લોકોની આ ઘેલછાનો ભરપૂર લાભ ઉઠાવીને રોકડી અંકે કરવા શક્ય એટલા તમામ પ્રયાસો થાય છે. એટલું જ નહીં, સેલિબ્રિટીના ફેક ઓટોગ્રાફનું બજાર પણ એટલું જ ગરમ રહેતું આવ્યું છે

ન્યૂયોર્કમાં થયેલી એક હરાજીમાં એક બાઇબલના લાખો રૂપિયા ઊપજ્યા. બાઇબલનાં આટલાં ઊંચાં મૂલ્ય પાછળનું કારણ એટલું જ હતું કે તેના પર મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનના હસ્તાક્ષર હતા. સેલિબ્રિટીના હસ્તાક્ષર હોય તો જે તે વસ્તુની કિંમત અનેક ગણી થઈ જતી હોય છે. અત્યારે તો વિશ્વભરમાં સેલિબ્રિટીના ઓટોગ્રાફનું પણ મોટું માર્કેટ અસ્તિત્વમાં આવ્યું છે. વર્ષેદહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર આ બિઝનેસમાં થાય છે. સેલિબ્રિટીના ઓટોગ્રાફનું તેના ફેન્સને મોટું વળગણ હોય છે અને તેનો ભરપૂર લાભ લઈને રોકડી રળી લેવામાં આવે છે. મજાની વાત તો એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સેલિબ્રિટીના બનાવટી ઓટોગ્રાફને વેચવાનો ધીકતો ધંધો શરૂ થયો છે અને એ પણ અસલી ઓટોગ્રાફને ટક્કર આપે એવી લહેજતથી ચાલી રહ્યો છે.

કયાં સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ ધૂમ વેચાય છે?
આપણે ત્યાં ઓટોગ્રાફ્સ પાછળ લોકો પાગલ તો છે જ, પણ અમેરિકા અને બ્રિટનની તુલનાએ લોકો ઓટોગ્રાફ ખરીદવા પાછળ સાવ પાગલપનની હદ નથી વટાવતા એટલે અહીં નકલી ઓટોગ્રાફનું દૂષણ પશ્ચિમની સરખામણીએ પ્રમાણમાં ઓછું છે. અમેરિકામાં લોકો ઓટોગ્રાફ ખરીદવા માટે પાણીની જેમ પૈસા આપે છે અને એટલે જ ઘણી બધી સાવચેતી છતાં છેતરાય છે. નકલી ઓટોગ્રાફ વિશે વધુ જાણતાં પહેલાં કયા સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ કરોડો રૂપિયામાં વેચાય છે એની થોડી જાણકારી મેળવી લઈએ. અમેરિકામાં ૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં સર્વાધિક લોકપ્રિય બનેલા સિંગર અને એક્ટર એલ્વિસ પ્રિસ્લીના ઓટોગ્રાફની એક જમાનામાં ખૂબ ડિમાન્ડ હતી. આ સિંગર ઓટોગ્રાફ આપવામાં આજના સેલિબ્રિટી જેટલા ઉદાર નહોતા એટલે ક્યારેક કોઈકને જ તેના હસ્તાક્ષર મળી શકતા હતા. એ સમયે તેના નકલી હસ્તાક્ષરો બજારમાં ખૂબ વેચાતા હતા. ૬૦નાં દાયકામાં એમના વતી એક આવા નકલી ઓટોગ્રાફ સામે સત્તાવાર ખુલાસો પણ કરાયો હતો. જોકે, ઓટોગ્રાફ કલેક્શનનો શોખ ધરાવતા શોખીનો માટે આજે પણ તેના ઓટોગ્રાફની કોપી ઓનલાઇન મળી રહે છે. અલબત્ત, તેના માટે ઓછામાં ઓછા ૨૦ લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી તો રાખવી જ પડે!

ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ માનવી તરીકે ઇતિહાસમાં અમર થયેલા નીલ આર્મસ્ટ્રોંગનું ગત વર્ષે નિધન થયું એ પહેલાંથી જ તેમના ઓટોગ્રાફ્સનું ઓનલાઇન વેચાણ થતું હતું. તેમના અવસાન પછી અચાનક એ ઓટોગ્રાફના ભાવ આસમાને ચડી ગયા. આજે તેમનો ઓટોગ્રાફ ખરીદવો હોય અને એક લાખથી પાંચ લાખ રૂપિયા ખર્ચવાની તૈયારી હોય તો ઓનલાઇન ઉપલબ્ધ છે, પણ એ તમામ ઓટોગ્રાફ્સ ફેક હોવાનું વ્યાપકપણે કહેવાય છે. આર્મસ્ટ્રોંગે ચંદ્ર પરથી આવ્યા બાદ પ્રથમ વખત ઓટોગ્રાફ આપ્યો હતો તે પોતાની પાસે હોવાનો એક દાવો થયો હતો અને એની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી હતી. જોકે, નીલ આર્મસ્ટ્રોંગના નજીકનાં સૂત્રો દ્વારા ૨૦૧૧માં એવો પણ ખુલાસો કરાયો હતો કે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પરથી આવીને એવો કોઈ જ સ્પેશિયલ ઓટોગ્રાફ નહોતો આપ્યો. ઇવન આર્મસ્ટ્રોંગ પોતે ઓટોગ્રાફ આપવામાં એટલા ઉદાર ન હતા એટલે ઓનલાઇન આટલા બધા ઓટોગ્રાફ્સ જોઈને તો એમને ખુદને પણ આશ્ચર્ય થયા વગર ન રહે કે આ કયા કલાકારની કારીગરી છે!

માઇકલ જેક્શન એક એવું નામ હતું કે જેના ઓટોગ્રાફ્સની આજેય એટલી જ ડિમાન્ડ છે. ૨૦૦૯માં જ્યારે તેનું નિધન થયું ત્યારે અસલી અને નકલી એમ બંને પ્રકારના ઓટોગ્રાફ્સ માર્કેટમાં રાતોરાત ઉપલબ્ધ થઈ ગયા હતા. આવું જ મેરેલિન મનરોની બાબતમાં બન્યું હતું. ૧૯૬૨માં તેમના નિધન પછી તેમના ઓટોગ્રાફનું માર્કેટ એકાએક ઊંચું આવી ગયું હતું. એટલું જ નહીં, તેમના અવસાનને ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ તેમના ઓટોગ્રાફ ખરીદવા માટે ૪ લાખથી ૯ લાખ રૂપિયાની રકમ ખર્ચવાની તૈયારી રાખવી પડે છે અને એમાં કેટલા અસલી મળે છે અને કેટલા નકલી છે એનો ભેદ પારખવાનું કામ અતિ કપરું બન્યું છે. ડિઝનીલેન્ડના સ્થાપક વોલ્ટ ડિઝનીના હસ્તાક્ષરની પણ એટલી જ ડિમાન્ડ રહેતી આવી છે. તેમના ફેક ઓટોગ્રાફની કિંમત પણ એક લાખ રૂપિયા જેટલી બોલે છે. આ ઉપરાંત ટાઇગર વૂડ્સ, લિજેન્ડ બોક્સર મોહમ્મદ અલી, લિજેન્ડ ફૂટબોલર પેલે જેવા સેલિબ્રિટીઝના નકલી ઓટોગ્રાફ્સ એક લાખથી લઈને ૧૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમમાં વેચાય છે અને તેને ખરીદનારા પણ મળી જ રહે છે.

કઈ રીતે અને શું કામ ફેલાયું છે બનાવટી ઓટોગ્રાફનું બજાર
અપ્રતિમ લોકપ્રિયતા ધરાવતા કોઈ નામની આગળ અચાનક સ્વર્ગસ્થ લાગી જાય ત્યારે તેના ઓટોગ્રાફની વેલ્યૂ ખૂબ વધી જતી હોય છે. વળી, અછત હોય ત્યાં નકલખોરી પેસી જ જાય છે એ ન્યાયે ઓટોગ્રાફ્સની બનાવટ ચલણી બની જતી હોય છે. આ સિવાય જે સેલિબ્રિટી બહુ ડિમાન્ડમાં હોય ત્યારે તેના ઓટોગ્રાફને બનાવટી બનાવીને વેચવાનો ધંધો ધમધોકાર ચાલતો હોય છે. કોઈને પ્રશ્ન થાય કે એમાં કાયદેસરની કાર્યવાહી ન થઈ શકે? તો એનો જવાબ થોડો અઘરો છે. જે તે સેલિબ્રિટીએ ક્યારેક ને ક્યારેક તો પોતાના હસ્તાક્ષર કોઈને આપ્યા જ હોય છે અથવા તો કોઈક દસ્તાવેજોમાં પોતાની સહી કરી હોય છે. આ સહીનો ઉપયોગ કરીને ડુપ્લિકેશન કરવામાં આવતું હોય છે. હવે રહી વાત કાર્યવાહી કરવાની, તો એમાં એવો ખાસ અવકાશ એટલા માટે નથી રહેતો કે જે તે સેલિબ્રિટી પાસે એવા પુરાવાઓ ભાગ્યે જ મળે છે કે તેણે એ હસ્તાક્ષર નથી કર્યા એ સાબિત થઈ શકે અને બીજંુ કે ઓનલાઇન જ્યારે આવા ઓટોગ્રાફનું વેચાણ થતું હોય એમાં જે તે સેલિબ્રિટીને માથંુ મારવાનું યોગ્ય નથી લાગતું. હરાજીમાં બહુ મોટી રકમ સામે આવે અને એ જાહેર થાય તેવા કિસ્સામાં ક્યારેક આવા ફેક ઓટોગ્રાફ્સ સામે સેલિબ્રિટી કે પછી તેના વારસો બનાવટી હસ્તાક્ષર સામે લાલ આંખ કરતા હોય છે. આ સિવાયના કિસ્સાઓમાં નકલી ઓટોગ્રાફ બનાવીને પૈસા રળતી જમાત હંમેશાં બચી જાય છે.

નકલી ઓટોગ્રાફ બનાવવાની આખી જાળ ગૂંથાયેલી હોય છે. અંડરગ્રાઉન્ડ એક આખી એવી વ્યવસ્થા ચાલે છે કે જેમાં બનાવટી ઓટોગ્રાફ ક્રિએટ કરવાથી લઈને તેને વેચવા સુધીનું કામ એકદમ સ્માર્ટનેસથી થાય છે. ધારો કે વર્ષો પહેલાં લોકપ્રિય હોય એવી સેલિબ્રિટીના નકલી ઓટોગ્રાફ બનાવવાના હોય તો એના માટે પહેલાં એ વ્યક્તિએ કોઈ પણ જગ્યાએ કરેલી સાઇન શોધવામાં આવે છે. એ પછી તે સમયમાં વપરાતો હોય એવો કાગળ પસંદ કરવામાં આવે છે. ત્યાર બાદ જે તે ઓટોગ્રાફમાં મેચ થતી હોય એવી જ ઇન્ક પસંદ કરવા માટે એક્સપર્ટને રોકવામાં આવે છે. આટલું થયા પછી અદ્દલ સાઇન કરનારા માણસો પાસે એવો ઓટોગ્રાફ ક્રિએટ કરાવાય છે. જરૂરિયાત કરતાં વધુ કોપી બહાર ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી કોઈને એવો અણસાર ન આવે કે આટલી બધી કોપી આવી ક્યાંથી! કોઈ મોટી સેલિબ્રિટીના અચાનક અવસાન વખતે તો આ ધંધામાં સીઝન હોય છે. બેશક આ ધીકતો ધંધો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સેલિબ્રિટીના ઓટોગ્રાફ માટે લોકો આંધળી દોટ મૂકતા રહેશે! 
Tuesday, 23 July 2013
Posted by Harsh Meswania

ભૌતિકશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને વિજ્ઞાની : ડૉ. યશપાલ


ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાની પ્રોફેસર ડો. યશપાલને 2013માં ભારતનું બીજા ક્રમાંકનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું. ડો. યશપાલ માત્ર એક વિજ્ઞાની જ નથી, પરંતુ તે ઉચ્ચ દરજ્જાના શિક્ષણશાસ્ત્રી પણ છે. અહીં દેશના આ પ્રથમ હરોળના વિજ્ઞાની વિશે થોડું જાણીએ...

* ૨૬ નવેમ્બર, ૧૯૨૬ના રોજ અખંડ ભારતના ઝાંગમાં (અત્યારે પાકિસ્તાન) ડો. યશપાલનો જન્મ થયો હતો.
* ૧૯૪૯માં પંજાબ યુનિર્વિસટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે તેમણે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ભૌતિકશાસ્ત્ર વિષયમાં જ પીએચ.ડી.ની પદવી પણ મેળવી હતી.
* પ્રોફેસર યશપાલે અંતરીક્ષ કિરણોના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું છે. તેમના સંશોધનપત્રોને ભારતનાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાન સામયિકોમાં સ્થાન મળતું રહ્યું છે. તેમના આ કોસમિક કિરણોની શોધને કારણે વિશ્વભરમાં તેમને સન્માન મળ્યું છે.
* કોમ્યુનિકેશન અને સંદેશાવ્યવહારની બાબતમાં તેમનું કાર્ય વ્યાપક અને વિશાળ માનવામાં આવે છે. જે સમયે ભારત આ ક્ષેત્રે પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે પ્રોફેસર યશપાલનાં સંશોધનો અગત્યનાં સાબિત થયાં હતાં.
* આધુનિક પ્રોદ્યોગિકી વિજ્ઞાન ક્ષેત્રે તેઓનું પ્રદાન નોંધપાત્ર માનવામાં આવે છે. ભારતને આ ક્ષેત્રે તેમનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મળતું રહ્યું છે.
* તેઓ ૨૦૦૭થી ૨૦૧૨ના વર્ષ દરમિયાન નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના કુલપતિ પદે કાર્યરત રહ્યા હતા.
* તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના ચેરમેન તરીકેનો હોદ્દો પણ શોભાવી ચૂક્યા છે.
* વિજ્ઞાન અને વિજ્ઞાનલક્ષી અભિગમ કેળવવાના તેમના સંગીન પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૧૯૭૬માં પદ્મભૂષણ અને ૨૦૧૩માં પદ્મવિભૂષણ જેવા નાગરિક સન્માન આપીને તેઓની સેવાની કદર કરી છે.
* 1980માં તેમણે અમદાવાદમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી.
* વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના ઉમદા પ્રયાસો બદલ 2009માં યુનેસ્કોએ ડૉ. યશપાલનું કલિંગ પ્રાઈઝથી સન્માન કર્યું હતું.
* બાળકોનો ભણતરનો ભાર હળવો કરવાના હિમાયતી અને આજીવન સાયન્સના શિક્ષણ ઉપર  ભાર મૂકનારા પ્રોફેસર યશપાલનું 24મી જુલાઈ 2017ના રોજ નોઈડામાં 90 વર્ષની વયે નિધન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Saturday, 20 July 2013
Posted by Harsh Meswania

વિશ્વના ૬૦ જેટલા દેશોમાં મળી આવતો કીડો : લોકસ્ટ


આપણે ત્યાં ખેતરોમાં જેમ તીડ જોવા મળે છે તેમ તીડની જ જાતિનો એક કીડો એટલે લોકસ્ટ. આફ્રિકન દેશોમાં વધુ જોવા મળતો આ કીડો આમ તો વિશ્વના ૬૦ જેટલા દેશોમાંથી મળી આવે છે. ઊભા પાક માટે ખતરનાક સાબિત થઈ શકતા આ કીડા વિશે થોડી વધુ જાણકારી મેળવી લઈએ.

* લોકસ્ટ કીડાનું શારીરિક કદ એકદમ નાનકડું હોય છે. તેના શરીરનું વજન માંડ ૨ ગ્રામ જેટલું હોય છે અને તેનું કદ અડધા ઈંચથી વધુમાં વધુ ૩ ઈંચ સુધીનું નોંધાયું છે.

* આ કીડાનો મુખ્ય ખોરાક તેનાથી પણ નાનકડી જીવાત છે. આમ તો તે ખેતરમાં ઊભેલા પાકમાંથી ખોરાક શોધવાનું વધુ પસંદ કરે છે.

* અન્ય દેશો કરતાં આફ્રિકન દેશોમાં પાકને નુકસાન કરતાં પરિબળોમાં લોકસ્ટને વધુ જવાબદાર માનવામાં આવે છે.

* કીડાની આ પ્રજાતિ ગ્રૂપમાં જ જોવા મળે છે. તે કોઈ પાક પર ગ્રૂપમાં જ આક્રમણ કરે છે. એકલો કીડો એટલો શક્તિશાળી સાબિત થતો નથી, પણ સમૂહમાં તેની શક્તિ અનેક ગણી થઈ જતી હોવાથી ઊભા પાકને નુકસાન કરે છે.

* જોકે, છેલ્લાં થોડાં વર્ષોમાં જીવવિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે આ કીડાઓની સંખ્યામાં સતત ને સતત ઘટાડો થઈ રહ્યો છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

હેંગ થયેલા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરો


કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનક કમ્પ્યુટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એક સાથે વધુ ફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યુટર હેંગ પણ થઈ જાય છે. કામ કરતી વખતે જો કમ્પ્યુટર હેંગ થઈ જાય તો બધું જ કામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું પડે છે. 
આ સ્થિતિ નિવારવા માટે એક ટેકનિક અજમાવવામાં આવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યુટરને કામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અને તેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશે નિવારી શકાય છે.

* આવી સ્થિતિમાં માઉસ પોઇન્ટર ચાલતું અટકી ગયું હશે એટલે તમારે કી બોર્ડની મદદ જ લેવી પડશે. કી બોર્ડમાં રહેલાં ત્રણ બટન પ્રેસ કરવાનાં રહેશે.

* કન્ટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESC એકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.

* આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
* આટલું કરીએ એટલે કમ્પ્યુટર ફરીથી શરૂ થઈ જશે.

* ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણાં વિકલ્પો હોય છે. જેમ કે, કમ્પ્યુટરને શટ ડાઉન કરી દેવું હોય તો પણ આ બોક્સ ઉપયોગી થઈ શકે છે.
(સંદેશના કમ્પ્યુટર નોલેજ વિભાગમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

આયુષ્યનો મોટો ભાગ ભોજન શોધવામાં વીતાવતું સજીવ : વાલરસ



આર્કટિક મહાસાગર અને ઉત્તર ગોળાર્ધમાં વાલરસ નામનું અનોખુ સજીવ જોવા મળે છે. વાલરસ સમૂહમાં રહેવાનું પસંદ છે. વાલરસની કેટલીક લાક્ષણિકતાઓ રસપ્રદ છે.

* સસ્તન પ્રાણી વાલરસની લંબાઈ ૧૩ ફૂટ જેટલી હોય છે અને તેનું વજન અંદાજે ૨ ટન હોય છે.

* વાલરસ મૂછો અને દંતશૂળ ધરાવે છે. વાલરસના દંતશૂળની લંબાઈ ત્રણ ફૂટ હોય છે.

* વાલરસ સામાન્ય રીતે તેના લાંબા દાંતનો ઉપયોગ બરફ ખોદવા અને ક્યારેય પાણી પોતાનું શરીર ફસાઈ જાય ત્યારે શરીરને બહાર કાઢવા માટે કરે છે.

* માદા વાલરસ આશરે સવા વર્ષ પછી પોતાના બાળકને જન્મ આપે છે. નર અને માદા લગભગ ત્રણ વર્ષ સુધી તેની દેખભાળ કરે છે.

* આ સજીવ પોતાના આયુષ્યનો મહત્ત્વપૂર્ણ ભાગ ભોજનની તલાશમાં વતાવે છે. વાલરસ ભોજનમાં માછલી ખાવાનું વધારે પસંદ કરે છે. એ સિવાય પણ તે ઘણું બધું આરોગી શકવા સક્ષમ છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

ભારતનું ઐતિહાસિક શહેર : ઔરંગાબાદ

                                   (બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે)
પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરપૂર એવું ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઔરંગાબાદ ચોમેર પહાડોથી ઘેરાયેલું કોસ્મોપોલિટિન શહેર છે. ૫૨ દરવાજાવાળા નામથી પ્રસિદ્ધ આ શહેર પર્યટકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના પ્રવાસીઓ શહેરના ઐતિહાસિક વારસાનેે જોવા-જાણવા-માણવા વર્ષભર શહેરની મુલાકાત કરતા રહે છે.

* બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે. આ મકબરો મોગલ અને ફારસી વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. મકબરો ઔરંગઝેબના પુત્ર આજમશાહે તેની માતા રાબિયા બેગમની યાદમાં બનાવ્યો હતો.

* અતાઉલ્લક ખાન અને હંસપત નામના શિલ્પકારે આ મકબરો બનાવ્યો હતો. આ મકબરાની આસપાસ સુંદર બગીચો, ફુવારા તેમજ તળાવ આવેલાં છે.

* બીબીના મકબરાથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ગુફાઓ આવેલી છે. ૧૬૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં જાતકકથાઓ અને બૌદ્ધકાલીન બોધિસત્ત્વની મુર્તિઓ જોવા મળે છે.

* ૧૬૪૫માં મલિક અંબર દ્વારા નિર્માણ કરાયેલી પવનચક્કીનો ઉપયોગ તે સમયે અનાજ દળવામાં કરવામાં આવતો હતો. આ પવનચક્કીઓ હજી પણ કાર્યરત છે.

* ઔરંગાબાદની પશ્ચિમે સોનેરી મહેલ આવેલો છે, જેનું નિર્માણ રાજપૂત સરદાર પહાડસિંહે કર્યું હતું. વળી, ઔરંગાબાદથી ૫૦ કિમી. દૂર આવેલું પૈઠણ નામનું સ્થળ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયાં વિશ્વપ્રસિદ્ધ પૈઠણી સાડી બનાવવામાં આવે છે, જેમાં સોના-ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરંગાબાદ ભારતનાં તમામ શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી વર્ષેદહાડે આ શહેરને જોવા માટે ભારતભરના પ્રવાસીઓ આવે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Posted by Harsh Meswania
Tag :

દુનિયાભરની રખડપટ્ટી કરતો રિપોર્ટર : ટિનટિન



કાર્ટૂનિસ્ટ હર્જ દ્વારા નિર્મિત રિપોર્ટર ટિનટિન આમ તો મૂળે કોમિક કેરેક્ટર છે. ૧૯૨૯માં સૌપ્રથમ વખત કોમિક બુકરૂપે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, પછીથી તો તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને ટેલિવિઝન શ્રેણી સ્વરૂપે પણ જોવા મળ્યું છે.
(ટિનટિન કેરેક્ટરનું સર્જન કરનારા કાર્ટૂનિસ્ટ જ્યોર્જ પોસ્પર રેમી, જે હેર્જ નામથી ઓળખાતા હતા)
દૂબળું-પાતળું શરીર અને વાંકડિયા ગુચ્છાદાર વાળ તેની આગવી ઓળખ છે. તે એકદમ સાહસી રિપોર્ટર છે. દુનિયાભરની રઝળપાટ કરીને તે કશુંક નવું શોધી લાવે છે. તે દેખાવમાં પરાણે વહાલો લાગે એવો છે.
હંમેશાં સાથે રહેતા ડોગી સ્નોવી અને સતત નશામાં રહેતા કેપ્ટન હૈડોક સાથે મળીને તે દુનિયાની બૂરાઈઓ સામે લડત આપતો રહે છે.
મૂળે બેલ્જિયમના આ કેરેક્ટરની લોકચાહના દિવસે દિવસે વધતી જ રહી છે.
૮૦ વર્ષ પહેલાં નિર્માણ પામેલું આ પાત્ર આજે જગતની ૫૦ જેટલી ભાષાઓમાં પ્રસારિત થાય છે. એટલું જ નહીં એક અંદાજ પ્રમાણે દર વર્ષે ટિનટિનની ૩૦ લાખ કરતાં પણ વધારે કોમિક બુક્સ દુનિયાભરના બજારમાં વેચાય છે.



મહાન દિગ્દર્શક સ્ટિવન સ્પીલબર્ગે લોર્ડ ઓફ ધ રિંગના નિર્દેશક પીટર જેક્સન સાથે મળીને ગત વર્ષ 'ધ એડવેન્ચર ઓફ ટિનટિન સિક્રેટ ઓફ ધ યુનિકોર્ન' નામની થ્રીડી ફિલ્મ બનાવી હતી, જે ખૂબ જ લોકપ્રિય રહી હતી.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -