Archive for March 2011

હમ તો ઈસ આગ સે પહેલે હી જલ ગયે થે!


 બ્લુટૂથ - હર્ષ મેસવાણિયા
કચ્છમાં રાપર તાલુકાના લોઢાણી ગામના જબ્બરદાનભાઈ કેશવદાનભાઈ ગઢવી નામના ૫૦ વર્ષિય અરજદારે થોડા દિવસો પહેલા તંત્રની તાનાશાહીથી કંટાળીને મામલતદાર કચેરીના પટાંગણમાં જ જાત જલાવીને આત્મવિલોપન કર્યું. આપણું વહિવટી તંત્ર કેટલી જાડી ચામડીનું છે એ આ ઘટનાથી વધુ એક વાર સામે આવ્યું. કોઈ એક પ્રશ્નનો નિકાલ કરવા માટે અનેકવારની રજૂઆત પણ કારગત નિવડતી નથી અને છેલ્લે કાં તો અરજદાર એ પ્રશ્ન જ પડતો મુકી દે છે અથવા તો આ કિસ્સામાં જેમ બન્યું એમ તંત્રના જડ વલણ સામે વિરોધની ચરમ સીમારૃપ જાન સટોસટની બાજી ખેલવાનો વારો આવે છે! ન્યાય મેળવવા માટે લડત આપતા માણસે ખૂદની આહૂતિ આપવી પડે પછી કદાચ પ્રશ્નોના નિકાલ થઈ જાય તો પણ શું કામનુંસ્થળ પર જ સમસ્યાનો નિકાલ કરવાનું કહેતાં અને કામ કરતી સરકારનું ગાણું ગાતા નેતાઓ-અધિકારીઓના જડબા પર ઉંઘમાંથી જાગવા માટેનો આ કચકચતો તમાચો નથી તો બીજુ શું છે?

મૂળ લોઢાણીના વતની અને હાલ રાપર ખાતે રહેતાં જબ્બરદાન ગઢવીની વડીલોપાર્જીત જમીન ખોટા દસ્તાવેજો બનાવીને વેચી મારવામાં આવી હતી. આ માટે અનેકવારની ઉચ્ચ રજૂઆત પછી પરિણામ શૂન્ય રહેતાં અરજદારે માહિતી અધિકારના કાયદા હેઠળ આ અંગે માહિતી માંગી હતી. એક વર્ષ ઉપરાંતના સમયમાં વાંરવાર માહિતી આપવા રજૂઆતો કરવામાં આવી હતીપરંતુ તલાટી મંત્રીથી લઈ મામલતદાર સુધી ક્યાંય તેમની વાતને કાને ધરાઈ ન હતી. અંતે ગળે આવી ગયેલા અરજદારે મામલતદાર ક્ચેરીનાં પટાંગણમાં જ જીવતા સળગી જઈ તંત્રના આપખૂદશાહી વલણનો વિરોધ નોંધાવ્યો. આ ઘટનાથી તંત્ર સામે ફાટી નીકળેલા જનાક્રોષને ધ્યાનમાં લઈને તાકિદની અસરથી તલાટી મંત્રીને સસ્પેન્ડ કરાયા અને પી.આઈ.ની બદલીઓ કરવામાં આવી. કલેક્ટરડે.કલેક્ટર અને રાજ્યમંત્રી પરિવારજનોને સાંત્વના આપવા દોડી આવ્યા તેમજ જવાબદારો સામે શિક્ષાત્મક પગલા લેવાની ખાતરી પણ આપી દીધી. જોકે, ખાત્રી આપેલું સાચુ પડે ત્યારે ખરું!
આ બનાવ અંગે અમે જબ્બરદાનભાઈના પરિવારજનો સાથે વાત કરી અને જે સુર ઉઠયો એ કંઈક આ પ્રકારનો હતો કે અમુક અધિકારીઓની બદલી કરવાથી કે સસ્પેન્ડ કરવાથી અમને ન્યાય નથી મળી જવાનોઅમારા પરિવારના સભ્યએ ન્યાય મેળવવા જાત જલાવી દીધી અને તો ય હજુ જે લડત ચાલતી હતી એનો ઉકેલ મળશે કે કેમ એ પ્રશ્ન તો સામે ઊભો જ છે. નવા આવનારા અધિકારીઓ અમારી વાત સાંભળશે એની શી ખાત્રી?
અરજદારના પરિવારજનોની આ દહેશત વાજબી પણ છે. માહિતી અધિકાર હેઠળ પણ એક-એક વર્ષથી માહિતી મળતી ન હોય ત્યારે પરિસ્થિતિની ગંભીરતા સમજાય એવી છે. અધિકારીઓની તબદિલીથી સિસ્ટમ બદલી નથી જવાની એ પણ એટલી જ સાચી વાત છેકારણ કે મૂળે તો આ અધિકારીઓની માનસિકતાનો મુદો છે.
એક બાજુથી સરકાર માહિતી અધિકારના કાયદાનો પ્રસાર પ્રચાર-કરવાની તરકીબો કરે છે અને બીજી બાજુ કોઈ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગે તો એની બૂરી વલે થાય છે. (અમિત જેઠવાનો કેસ હજુ તાજો જ છે!!) માહિતી અધિકાર તો જાણે કંઈ મોટો ગુનો કરતાં હોય એવી રીતે લેવો પડે છે. નાનકડા ગામડામાં કે નાના-નાના શહેરોમાં કોઈ વિષય પરત્વે માહિતી માંગનાર સામે અનેક સમસ્યા ખડી થાય છે.  ધણી વખત રાજકીય હેતું માટે આવુ કરતાં હોવાનું લેબલ લાગી જાય છે અથવા તો રાજકીય દબાણ આવવા લાગે. જાગરૃક નાગરિક તરીકે માહિતી મેળવવાનો એનો અધિકાર છે એવું નથી અધિકારીઓ સમજતા કે નથી નેતાઓ સમજતા! સાડા પાંચ કરોડની જનતા અડધી રાતે પણ દ્વાર ખટખટાવી શકે છે એમની જ સરકારના ધારાસભ્યોના કે અધિકારીઓના દ્વાર દિવસે ય ખટખટાવી નથી શકાતા!!
'જાગો ગ્રાહક જાગો'ના નારા લગાવતા અને માહિતી અધિકાર મેળવીને જાગ્રત નાગરિક બનોની વાતો કરતી સરકારે આ બધાની ભીતરમાં ચાલતા લોલંમલોલ સામે પ્રથમ કામ લેવું પડશે! બહારથી જેટલો પ્રચાર-પ્રસાર માહિતી અધિકારના કાયદાનો થાય છે એટલુ જ અંદર ખોખલુ વાતાવરણ છે. કાં તો માહિતી અપાતી નથી અથવા રાજકીય દબાણ કરવામાં આવે છે અને કાં તો પછી આટલી માહિતી જ ઉપલબ્ધ છેએવું કહીને અધુરી વિગતો આપી દેવાય છે.

આ કિસ્સો તો એટલા માટે સામે આવ્યા કે મામલતદાર ક્ચેરીએ આત્મ વિલોપન થયું, પરંતુ માહિતી અધિકાર હેઠળ કશીક માહિતી માંગ્યા પછી એ વાત જ પડતી મુકનારની સંખ્યા ખૂબ મોટી છે. આ કિસ્સામાં જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યો કે બદલીઓ કરી એ તો માત્ર નમૂનારૃપ છે. હકીકતે તો આવી જ એક જમાત વહિવટી તંત્રમાં છે. જે સરકારના તમામ લાભો લે છે અને તો ય ૨૦ ટકા કામ પણ નથી કરતાં. સરકાર દ્વારા ક્યાંય ખાત-મુર્હુત કરવાનું હોય કે સરકારી પ્રચારનો કાર્યક્રમ હોય તો હસતા મોઢે ફોટા ખેંચાવશે. બાકી આડા દિવસે કંઈક કામ માટે ક્ચેરીએ જતા અરજદારોના અનુભવો છે કે સરકારી કામ એક દિવસમાં તો ન જ પતે! વિદ્યાર્થીઓને ઉપયોગી ક્રિમિલિયર માટે પણ ત્રણ-ચાર દિવસની રાહ જોવી પડે એવી સ્થિતિ પ્રવર્તે છે. તમારૃ બધુ થઈ ગયુ છે બસ ખાલી સાહેબ રજા પર છે એટલે સહી નથી થઈ આવુ લગભગ ક્ચેરીઓમાં સાંભળવા મળે છે.
ઉપરોક્ત ખેડૂતનો કિસ્સો તલાટી મંત્રીના કારણે બન્યો હોવાનું ચર્ચાય છે અને એ માટે તલાટી મંત્રીને ફરજ પરથી બરતરફ પણ કરવામાં આવ્યા છે. તલાટી મંત્રીની બાબતમાં પણ દરેક જગ્યાએ સમાન સમસ્યાઓ સાંભળવા મળે. અમુક ગામડાઓમાં તો એક-એક સપ્તાહ સુધી તલાટી દેખા જ ન દે! કારણ કે એક તલાટી ઘણાં કિસ્સાઓમાં ત્રણ-ત્રણ ગામનો ચાર્જ સંભાળતા હોય અથવા તો ગ્રામ્ય પંથકમાં એ સ્થિતિ સ્વીકારી લેવામાં આવતી હોય છે. તલાટી મંત્રીની ગેરહાજરીના કારણે પોતાના કામો લોકો દિવસો સુધી મૂલત્વી રાખે છે. લોકો તેમના અધિકાર પ્રત્યે સભાન થાય એ જરૃરી છે જ પરંતુ એથી ય વધુ જરૃરી તો એવું વાતાવરણ નિર્માણ કરવાની છે. માન્યુ કે બધે જ સાવ આવી પરિસ્થિતિ નથી અને કામ કરતાં અધિકારીઓ છે જ પણ એનાથી સંતોષ લઈ લેવાથી સ્થિતિ ક્યારેય નહીં સુધરે. અધિકારીઓને કામ કરવાનું વેતન મળે છે અને એટલે કામ કરે છે એમાંય સરકાર કામ કરતી હોવાનો જશ ખાટે છે. જેટલી બડાશો કામ કરવામાં આવે છે એની હાંકવામાં આવે છે એટલું જ કામ લોકો અધિકારો ભોગવતા થાય એવો માહોલ બનાવવા માટે પણ થવું જોઈએ.
ટોન નિસિવ્ડ
ઓઈલ ડોને કહ્યું અધિકારી લોનાવણે રેડ પાડવા નહીં હપ્તો લેવો આવ્યાં હતા અને ચકમક ઝરતાં સળગાવી દીધા.!

નાયક નહીં ખલનાયક હૂ મૈ...
(‘અરસપરસ’ મેગેઝિનમાં પ્રકાશિત)
Tuesday 1 March 2011
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -