Archive for February 2013

લોંગ ડ્રાઇવ પે ચલ!



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

પ્રવાસના શોખીનો અને ઝડપનો આનંદ લૂંટવા માંગતા લોકો ઉનાળામાં ડ્રાઇવિંગ કરીને લાંબો પ્રવાસ ખેડવાનું પસંદ કરતા હોય છે. ડ્રાઇવની સાથે સાથે જો પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની તક મળે તો આનંદ બમણો થઈ જાય છે. ઉનાળાની શરૂઆત થવામાં છે ત્યારે દેશ અને દુનિયાનાં બેસ્ટ સમર ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ પર પૂરપાટ ઝડપે એક લટાર મારી લઈએ.

દિલ્હી ટુ મનાલીઃ ઊંચી ઉડાન
પાટનગર દિલ્હીથી હિમાચલ પ્રદેશના મનાલી સુધીનો ૫૨૧ કિલોમીટરનો લાંબો રસ્તો સુંદરતા જોતા ધરાઈએ એ પહેલાં તો પૂરો થઈ જાય એવી ફિલિંગ ન થાય તો જ નવાઈ! આ રસ્તે નવથી દસ કલાકમાં દિલ્હીથી મનાલી પહોંચી શકાય છે. દેવદારના ગાઢ જંગલ વચ્ચેથી પસાર થવાનું હોય છે. વચ્ચેથી થોડા વધુ જટિલ રસ્તાને પણ પસંદ કરી શકાય છે. એવા રસ્તાઓ પર તો વળી સાવ જ નીરવ શાંતિ મળે. પહાડીઓને ચીરીને પસાર થવાનો આનંદ અનેરો હોય છે. એમાંય સ્પીડનો અનુભવ કરવાવાળા લોકોને કોઈ જ રોકી ન શકે એવી ફ્રીડમ તો ખરી જ!

ગુવાહાટી ટુ તવાંગઃ કાર ડ્રાઇવ માટે શ્રેષ્ઠ રસ્તો
આસામના ગુવાહાટીથી અરુણાચલ પ્રદેશના તવાંગ સુધીનો ૪૭૭ કિલોમીટરનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કારની સફર માટે આ રસ્તો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાથી જોજનો દૂર આ રસ્તા પર ડ્રાઇવિંગના અને કુદરતી સૌંદર્યના શોખીનો જ વધુ જોવા મળે છે. એ સિવાયનો ટ્રાફિક અહીં નથી વર્તાતો. આ રસ્તે જતા હોય અને ઇચ્છા થઈ આવે તો કાઝિરંગા નેશનલ પાર્કમાં પણ જઈ શકાય છે.

દિલ્હી ટુ મસૂરીઃ શિયાળાની શીતળતાનો અનુભવ
ઉત્તરાખંડના મહત્ત્વના શહેર મસૂરીને પાટનગર દિલ્હી સાથે જોડતો રસ્તો ૨૮૧ કિલોમીટર લાંબો છે. મેરઠથી સહારનપુર અને ત્યાંથી દહેરાદૂનના માર્ગે નીકળીને આશરે ૫ કલાકની ડ્રાઇવ પછી મસૂરી પહોંચી શકાય છે. બાઈક કરતાં કાર માટે આ વધુ અનુકૂળ માર્ગ છે. ખરબચડા પહાડોની વચ્ચેથી નીકળતો આ રસ્તો પહાડો જેવો ખરબચડો નથી, બલકે એકદમ લિસ્સો છે. વળી, ઠેર ઠેર ઢોળાવોના ઉતાર-ચઢાવનો રોમાંચ પણ આ રસ્તે માણી શકાય છે. શિયાળાની શીતળતાનો અનુભવ આખા રસ્તે થશે એ વાત પણ પાકી!

દહેરાદૂન ટુ નૈનિતાલઃ સર્વશ્રેષ્ઠ પર્યટન માર્ગ
ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનથી રાજ્યના મહત્ત્વના પર્યટન શહેર નૈનિતાલનું અંતર ૩૫૫ કિલોમીટર છે. આ રસ્તો ઉત્તરાખંડનો સર્વશ્રેષ્ઠ પર્યટન માર્ગ છે. બાઇક કે કાર લઈને આ રસ્તા પર ડ્રાઇવ કરવાનો બેસ્ટ સમય માર્ચથી જુલાઈ વચ્ચેનો ગણાય છે. ગરમી મેં ભી ઠંડી કા અહસાસ કરાવતો આ માર્ગ ૫ કલાકમાં કાપી શકાય છે. રસ્તો પણ એટલો સારો છે કે આટલું અંતર કાપ્યા પછીય થાક ન વર્તાય. દિલ્હીથી નૈનિતાલ વચ્ચેનો ૩૧૦ કિલોમીટરનો રસ્તો પણ બેસ્ટ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સમાં સ્થાન ધરાવે છે. પાટનગરથી આવતા નૈનિતાલ રોડ માર્ગે આવતા પ્રવાસીઓ માટે આ એક યાદગાર અનુભવ બની રહે છે.

સિમલા ટુ દિલ્હીઃ સૌંદર્ય અને ઠંડકનો પર્યાય
હિમાચલ પ્રદેશનું કેપિટલ શહેર સિમલા ભારતના હિલસ્ટેશન્સની રાણીનો મોભો ભોગવે છે. હિમાચલ પ્રદેશના કેપિટલને ભારતના કેપિટલ સાથે જોડતો રાજમાર્ગ ૩૬૭ કિલોમીટર લાંબો છે અને આ અંતર સામાન્ય રીતે સાડા છ કે સાત કલાકમાં કાપી શકાય છે. ઉપરોક્ત તમામ માર્ગોમાં સૌથી લોકપ્રિય રસ્તો આ છે. ઉનાળાના દિવસોમાં આ રસ્તા પર થોડી ટ્રાફિકની સ્થિતિ હોય છે, પણ એ ટ્રાફિક આપણા ધમધમતા રસ્તાઓથી તો ક્યાંય ઓછો હોય છે. ટ્રાફિકના કારણે સ્પીડ ડ્રાઇવ માટે કદાચ રસ્તો એટલો અનુકૂળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય અને ઠંડક માટે આનો વિકલ્પ શોધવો મુશ્કેલ છે.

મુંબઈથી ગોવા વચ્ચેનો ૬૭૭ કિલોમીટરનો રસ્તો આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને આવે છે. કર્ણાટક અને કેરાલા વચ્ચે બેંગલુરુથી કાલિકટને જોડતો માર્ગ પણ ભારતના ઓછા ટ્રાફિક અને સુગમ રસ્તા માટે જાણીતો છે. આ સિવાય જયપુરથી રણથંભોરનો રસ્તો ભલે નાનકડો હોય પણ ઉત્તમ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ છે.

ભારત ઉપરાંત વિશ્વના પણ એવા કેટલાક ખાસ રસ્તાઓ છે કે જેના પર કાયમ ટૂરિસ્ટની નજર રહે છે. જંગલો, પહાડો અને દરિયાને અડીને આવેલા આ રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ કરવાની મજા અનેરી છે

વિશ્વનાં બેસ્ટ ડ્રાઇવ ડેસ્ટિનેશન્સ
ભારત ઉપરાંત વિશ્વના પણ એવા કેટલાક ખાસ રસ્તાઓ છે કે જેના પર કાયમ ટૂરીસ્ટની નજર રહે છે. જંગલો, પહાડો અને દરિયાને અડીને આવેલા આ રસ્તાઓ પર લોંગ ડ્રાઈવ કરવાની મજા અનેરી છે

નેશનલ હાઇવે ૩૧૫: ચીન
ચીનનો નેશનલ હાઇવે ૩૧૫ સિલ્ક રોડ તરીકે જ વધુ જાણીતો છે. શિનિંગ અને ક્વિંઘાઈ વચ્ચેનો ૨,૭૩૫ કિલોમીટર લાંબો આ માર્ગ ડ્રાઇવિંગ માટે સ્વર્ગસમો છે. રસ્તાની બંને તરફ લીલોતરી છવાયેલી છે અને કાર ડ્રાઇવિંગ માટે આ માર્ગ બેસ્ટ ગણાય છે.

અલ્સેસ વાઇન રૂટઃ ફ્રાન્સ
ફ્રાન્સમાં આવેલો અલ્સેસ વાઇન રૂટ ૧૭૦ કિલોમીટર લાંબો છે અને ૧૯૫૩માં તેની રચના કરવામાં આવી હતી. ઉત્તર અલ્સેસથી દક્ષિણ તરફ કેયસરબર્ગ તરફ જતો આ માર્ગ તેની કુદરતી સુંદરતા માટે વિખ્યાત છે.

ધ કેબોટ ટ્રેઇલઃ કેનેડા
૧૯૩૨માં બનેલો આ રૂટ ૨૯૮ કિલોમીટર લાંબો છે. નોવા સ્કોટિયા અને કેપ બ્રિટોન હાઇલેન્ડ નેશનલ પાર્કને જોડતો આ માર્ગ કાર ડ્રાઇવ માટે શોખીનોની પ્રથમ પસંદ બને છે. આસપાસ ગ્રીનરી આ માર્ગને વધુ સુંદરતા બક્ષે છે.

મિલફોર્ડ રોડઃ ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડની દક્ષિણ પર્વતમાળામાં આવેલો મિલફોર્ડ રોડ મેથી સપ્ટેમ્બર સુધી પૂરેપૂરો ખુલ્લો હોય છે એટલે એ દરમિયાન વધુ પ્રવાસીઓ આવે છે. ટે એનાઉથી પસાર થઈને મિલફોર્ડ સાઉન્ડને જોડતો આ રસ્તો બરફાચ્છાદિત વિસ્તારમાંથી પસાર થતો હોવાથી વધુ સુંદર અનુભવ કરાવે છે. આ માર્ગને સ્ટેટ હાઇવે ૯૪ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ૧૮૮૯માં બનાવાયો હતો.

ધ ગ્રેટ ઓસન રોડઃ ઓસ્ટ્રેલિયા
૧૯૧૯માં બનાવાયેલો આ માર્ગ ઓસ્ટ્રેલિયામાં હેરિટેઝ લિસ્ટમાં સામેલ છે. ૨૪૩ કિલોમીટર લાંબો આ રૂટ વિક્ટોરિયા સ્ટેટનાં બે શહેરો વર્નેમ્બોલ અને ટોર્કવેને જોડે છે. આ પરફેક્ટ ડ્રાઇવનો અનુભવ કરાવતો રૂટ માનવામાં આવે છે. આ રસ્તા પર મોકળાશને પૂરતો અવકાશ છે.
Wednesday 20 February 2013
Posted by Harsh Meswania

રોઝ: યુનિવર્સલ લવ સિમ્બોલ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

વેલેન્ટાઇન્સ ડે પર ગર્લફ્રેન્ડને કે બોયફ્રેન્ડને આપેલી મોંઘી ગિફ્ટ સાથે જો ગુલાબનું ફૂલ ન હોય તો પ્રેમનો એકરાર અધૂરો રહી જાય છે. પ્રેમનો એકરાર કરવાનો હોય ત્યારે બીજુ કશું આપ્યા વગર માત્ર એક તાજુ ગુલાબ આપી દેવામાં આવે તો અડધો જંગ જીતી શકાતો હોય છે. આધુનિક સમયમાં રોઝ યુનિવર્સલ લવ સિમ્બોલ બની ગયું છે! કોલેજમાં ઊજવાતા વિવિધ ડેઝ હોય કે બર્થ ડે, ક્રિસમસ-ન્યૂ યર હોય કે વેલેન્ટાઈન્સ ડે રોઝ વગર જાણે સેલિબ્રેશન ફિક્કું પડી જાય છે. પણ રોઝ વિશે એવી તો ઘણી બાબતો છે જેની આપણને ભાગ્યે જ ખબર હોય છે.

ગુલાબ સાથે માણસનો નાતો બહુ પુરાણો છે
પ્રાચીન ઈજિપ્તમાં મમીના અવશેષોમાં ગુલાબ મૂકવામાં આવ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. ઈજિપ્તના પ્રાચિન અવશેષોમાંથી રોઝના પેઇન્ટિંગ્સ પણ મળ્યાં હતા. પ્રાચિન રોમમાં લોકો પોતાના સ્નાન કરવાના પાણીમાં ગુલાબ ઝબોળતા હતા, એટલે સુધી કે આ લોકો ગુલાબમાંથી સુગંધીદાર દ્રવ્ય બનાવીને તેનો વાર-તહેવારે ઉપયોગ કરતા હતા. રાજા નેરો ગુલાબની પાંખડીઓ પાણીમાં નાખેલી હોય એવા પાણીથી જ સ્નાન કરવાનો આગ્રહ રાખતા હતા.

ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની પ્રથમ પત્ની જોસેફાઇનને વિશ્વનો સૌપ્રથમ રોઝ ગાર્ડન બનાવવાનું શ્રેય મળે છે. જોસેફાઇને ૧૭૯૮માં પેરિસની બહાર એક મોટું રોઝ ગાર્ડન બનાવ્યું હતું જેમાં ૨૫૦ પ્રકારનાં ગુલાબ હતાં. અમેરિકાના ૪૦મા પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનનું ફેવરિટ ફૂલ ગુલાબ હતું. તેમણે અમેરિકામાં ગુલાબની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ૧૯૮૬માં રોઝને રાષ્ટ્રીય ફૂલનો દરજ્જો આપ્યો હતો. બ્રિટન પછી અમેરિકા બીજો એવો મહત્ત્વનો દેશ છે જ્યાં ગુલાબ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ફૂલનું સન્માન મેળવે છે.

ગુલાબ પર ગુજરાતીથી લઈ અંગ્રેજી સહિતની ભાષાઓમાં અઢળક લખાયું છે. શેક્સપિયરે તેમના સાહિત્ય સર્જનમાં ૫૦ વખત રોઝનો ઉલ્લેખ કર્યો છે. તો વળી જર્મનીના હિલ્ડેશિમ કેથરોલમાં આવેલો ગુલાબનો છોડ વિશ્વનો સૌથી જૂનો છોડ છે એમ કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ છોડ ક્ષતિગ્રસ્ત થયો હતો છતાં તેનો ચમત્કારીક બચાવ થયો હતો અને આજે એક હજાર વર્ષથી આ છોડ અડિખમ ઉભો છે. એટલે કે આજના સોશ્યલ મીડિયાના જમાનામાં ઠેર ઠેર રોઝ-રોઝ થાય એટલે જ ગુલાબી વાતાવરણ નથી થયું, પણ ગુલાબનું મહત્ત્વ વર્ષોથી સ્વીકારાયું છે.

ભારત અને ગુલાબઃ બાત નિકલી હૈ તો દૂર તલક જાયેગી!
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એક વાર ગુલાબ વિશે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, "ગુલાબને અધ્યાત્મ સાથે શા માટે જોડવું જોઈએ, એનું મૂલ્ય તો એની સુગંધથી કરવું જોઈએ." પૌરાણિક કથામાં વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે રસપ્રદ દલીલો આવે છે. જેમાં બ્રહ્માજી કમળનાં ગુણગાન ગાય છે અને ભગવાન વિષ્ણુએ ગુલાબની પ્રશંસા કરી છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ આસપાસ કશ્યપ નામના રાજા પોતાના રાજ્યમાં ગુલાબને ખાસ સ્થાન આપતા હતા એમ કહેવાય છે. ધ ગ્રેટ એલેકઝાન્ડર કે જેને આપણે સિકંદર કહીએ છીએ તે જ્યારે ભારત સર કરવા આવ્યો ત્યારે તેણે ગુલાબની અલગ અલગ વરાઇટી જોઈ હતી અને ભેટરૂપે થોડાં ફૂલો એરિસ્ટોટલને મોકલ્યાં હતાં. ૧૩મી સદીમાં ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ પ્રવાસી રશિદ ઉલ દ્દીને ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને તેણે તેમની નોંધમાં લખ્યું હતું કે "અહીંના લોકો ખૂબ ખુશહાલ જીવન જીવે છે અને આ પ્રદેશમાં ૭૦ પ્રકારનાં સુંદર ગુલાબ જોવા મળે છે." પોર્ટુગલના બે પ્રવાસીઓ ડોમિંગ્નો પેસ અને ફેર્નાઓ નૂન્ઝ ૧૫૩૭ આસપાસ ભારતમાં આવ્યા ત્યારે તેમની નોંધ પ્રમાણે વિજયનગરમાં જુદા જુદા પ્રકારના ગુલાબના રોપાઓ વાવવામાં આવતા હતા. ૧૪મી સદીની મધ્યમાં ભારત આવેલા પર્સિયાના પ્રવાસી અબ્દુલ રઝાકે લખ્યું હતું કે, "અહીં ઠેર ઠેર સુંદર ગુલાબ જોઈ શકાય છે. અહીંના લોકો ગુલાબનો ઉપયોગ ખોરાકમાં પણ કરે છે." મુઘલ સુલતાનોને ગુલાબ ખૂબ જ વ્હાલાં હતાં. બાબરે તેની દીકરીઓનાં નામ ગુલાબ પરથી પાડયાં હતાં. બાબરની દીકરીઓનાં નામ ગુલચિહરા, ગુલરૂખ, ગુલબદન અને ગુલરંગ રાખ્યાં હતાં. બાબર ભારતમાંથી અસંખ્ય ગુલાબો ઊંટ પર મૂકીને પર્સિયા રવાના કરતા હતા તો બાબરના પૌત્ર અકબર પણ તેના ખંડિયા રાજાઓને અને પડોશી રાજ્યના રાજાઓને શુભેચ્છારૂપે ઊંટની સાથે ગુલાબ મોકલવાનું પસંદ કરતા હતા.

ભારતમાં ગુલાબ અંગ્રેજો થકી આવ્યાં એ વાત એટલી સાચી નથી, પણ હા, ગુલાબને પોપ્યુલર કરવામાં અંગ્રેજોનો ફાળો વિશેષ રહ્યો છે એમ કહી શકાય. આપણે જ્યારે આ વિદેશી તહેવારને પોતીકો માની લીધો છે ત્યારે છેલ્લા એક વીકથી અલગ અલગ પ્રકારનાં રોઝની આપ-લે શરૂ થઈ છે. હજુ એક બે દિવસ દુનિયા રોઝમય રહેવાની છે ત્યારે વેલેન્ટાઇન્સ ડેની સાથોસાથ ગુલાબનાં ફૂલોની સુગંધ મુબારક!
Wednesday 13 February 2013
Posted by Harsh Meswania

શાસન વિહોણા સમ્રાટો : રાજ ખરું, રજવાડું ગાયબ



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નેધરલેન્ડનાં ૭૫ વર્ષનાં મહારાણી બિટ્રિક્સે ૩૩ વર્ષ શાસનધૂરા સંભાળ્યાં પછી સત્તાનાં સૂત્રો તેમના પુત્ર વિલેમ એલેક્ઝાન્ડરને સોંપી દીધાં છે. બીજી તરફ ૮૬ વર્ષનાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય આજે તેમના શાસનનાં ૬૦ વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે અહીં પેશ છે વિશ્વમાં સત્તા વગર રાજ કરતાં રાજા-રાણીઓની વાત

રાજાની વાત કરીએ ત્યારે આપણી કલ્પનામાં ભવ્ય ઠસ્સો ધરાવતા, પળવારમાં હુકમો છોડતા અને એકહથ્થું નિર્ણય લઈ શકવા સક્ષમ એવા રાજાઓનાં ચિત્રો આંખ સામે તરવરી આવે. આ કલ્પનાચિત્રો જોકે એક-બે સદી પહેલાંનાં હોય એ સ્વાભાવિક છે, કેમ કે ૨૧મી સદીનાં રાજા-રાણીઓનો ઠાઠમાઠ ભલે એવો ને એવો રહ્યો હોય, પણ હુકમો છોડવાની સત્તા હવે ભૂતકાળ બની ગઈ છે. વિશ્વમાં આજે પણ ૪૩ જેટલા દેશોમાં રાજા બંધારણીય હોદ્દો ધરાવે છે, પણ દેશના મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તેમનો કોઈ જ ભાવ પુછાતો નથી. માત્ર પાંચ જ રાજાઓ એવા છે જેની પાસે નિર્ણયો લેવાની અબાધિત સત્તા છે, તો ૯ રાજાઓ આંશિક સત્તા ભોગવે છે. નોંધપાત્ર બાબત એ છે કે આવી અબાધિત કે આંશિક સત્તા ધરાવતા રાજાઓનાં રાજ્યો વળી વિશ્વના નકશામાં ધ્યાન દઈને શોધવાં પડે એવડાં નાનકડાં છે. એટલે આમ જુઓ તો એમની સત્તાનો એવો કોઈ પ્રભાવ હોતો નથી. બીજી તરફ શક્તિશાળી દેશોના રાજાઓ શાહી જિંદગી જરૂર જીવે છે છતાં પણ સત્તાશૂન્ય હોય છે.

રાજ્ય ભલે નાનું હોય, પણ સલ્તનત તો અમારી જ ચાલે!
પોતાના દેશના નિર્ણયો પોતે કોઈના જ દબાવમાં આવ્યા વગર લઈ શકે એવા પાંચ રાજવીઓમાંથી ચાર તો એશિયા ખંડમાં જ આવેલા છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા ટચૂકડા દેશ બ્રુનેઈમાં સુલતાન હસ્સાનલ બોલ્કિઆ તમામ પ્રકારની સત્તા ધરાવે છે અને આ સલ્તનત ૧૪મી સદીથી ચાલતી આવે છે. દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલા ઓમાનમાં છેક બીજી સદીથી રાજાશાહીનું ચલણ છે એમ કહેવાય છે. આ દેશમાં કબૂસ બીન સઇદ અલ સઇદની સલ્તનત ચાલે છે. દેશના બધા જ નિર્ણયો આ રાજા લઈ શકવા સક્ષમ છે. પશ્ચિમ એશિયામાં આવેલા દેશ કતારની અબાધિત સત્તા સુલતાન અમીર હામિદ બિન ખલિફ અલ થાનીના હાથમાં છે. પશ્ચિમ એશિયાના જ અન્ય એક દેશ સાઉદી અરેબિયામાં રાજા અબ્દુલ્લાહ બિન અબ્દુલ અઝીઝ શાસન ચલાવે છે. એશિયાના આ તમામ રાજાશાહી દેશોમાં જ નહીં, પણ વિશ્વભરમાં સાઉદી અરેબિયા સમૃદ્ધ દેશ તરીકે અનોખી શાખ ધરાવે છે. અહીંના લોકોને રાજાશાહી કોઠે પડી ગઈ છે અને રાજાની પણ લોકાભિમુખ કામ કરતા હોવાની ઈમેજ છે. અબાધિત સત્તા ભોગવતા રાજાઓનાં રાજ્યોની આ યાદીમાં એક આફ્રિકન દેશ સ્વાઝિલેન્ડનો પણ સમાવેશ કરવો રહ્યો. સ્વાઝિલેન્ડમાં મેસવેટી ત્રીજા તેમના પિતાના ઉત્તરાધિકારી તરીકે ૧૯૮૬થી આ દેશ પર રાજ કરી રહ્યા છે. અબાધિત સત્તાધારી દેશની વાત કરવામાં આવે ત્યારે વેટિકન સિટી અને ઈરાનનો પણ ઉલ્લેખ કરવો પડે. આ બંને દેશોમાં ધાર્મિક નેતાઓ સત્તાસ્થાને છે. વેટિકન સિટીમાં રોમન કેથોલિક ચર્ચના પોપ પાસે તમામ સત્તા હોય છે. અત્યારે પોપ બેનેડિક્સ સોળમાના હાથમાં વેટિકન સિટીની સત્તાની બાગડોર છે. જ્યારે ઈરાનમાં ધાર્મિક નેતા અલી ખમિનઈ સુપ્રીમ લીડર છે.

થોડી તો થોડી પણ સત્તા તો છે
નવ દેશોમાં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો પાસે જ આમ તો મોટાભાગના નિર્ણયો કરવાની સત્તા છે. છતાં રાજાને અમુક અધિકારો આપવામાં આવ્યા છે. બહેરાનના રાજા હમિદ બિન ઈસા અલી ખલિફ, ભૂતાનના રાજવી જિગ્મા ખેસર નેમગ્યેલ વાંગચૂક, જોર્ડનના સુલતાન અબ્દુલ્લા દ્વિતીય, કુવૈતના અમીર સબાહ અલ અહમદ અલ ઝાબેર, લિચેન્સ્ટિનના પ્રિન્સ હાન્સ એડમ દ્વિતીય, મોનેકોના પ્રિન્સ એલ્બર્ટ દ્વિતીય, મોરોક્કોના સુલતાન મહંમદ છઠ્ઠા, ટોન્ગુના રાજા ટુપોઉ છઠ્ઠા અને યુનાઇટેડ આરબ અમિરાતના સુલતાન ખલિફા બિન ઝાયેદ જેવા રાજાઓ આવી જ આંશિક સત્તા ભોગવી શકે છે.

અમે કહેવાઈએ મોટા રાષ્ટ્રોના રાજા, પણ પાસે તો માત્ર અંદાજ જ શાહી છે!
વિશ્વના નકશામાં નોંધપાત્ર અને મોટા ગણાતા રાષ્ટ્રોના રાજાઓ પાસે કહેવાની સત્તા પણ નથી, પણ હા માનપાન તો ખૂબ મળે છે. સૌથી વધુ સન્માન બ્રિટનનાં રાણી અલિઝાબેથ બીજાને મળે છે. તેમને અને તેમના શાહી પરિવારને વિશ્વ આખામાં ખૂબ જ માનની નજરે જોવામાં આવે છે. આ સિવાય ડેન્માર્કનાં રાણી માર્ગારેટ બીજા, નેધરલેન્ડનાં રાણી બિટ્રિક્સ પણ તેમની પ્રજામાં માનવંતુ સ્થાન ધરાવે છે. ઉપરાંત જાપાનના રાજવી અકિહિતો, સ્પેનના રાજા જુલિયન કાર્લોસ પ્રથમ અને સ્વિડનના કિંગ કાર્લ સોળમા સત્તા ન હોવા છતાં પ્રજાહૃદયમાં આજેય તેમનું માન-સન્માન જાળવી શકવામાં સફળ થયા છે. તેમના ઉત્તરાધિરીઓ આ વારસો જાળવી શકશે કે કેમ એ તો સમય જ કહેશે.     

એલિઝાબેથ દ્વિતીયનું રાજ ૧૫ રાષ્ટ્રોમાં ચાલે છે
એક સમયે સોળે કળાએ બ્રિટનનો સૂરજ તપતો હતો. અડધોઅડધ ભૂમિ ભાગ પર બ્રિટને વર્ષો સુધી શાસન કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી ભલે બ્રિટનના વળતા પાણી શરૂ થયા હોય, પણ આજેય ૧૫ રાષ્ટ્રો બ્રિટનનાં મહારાણીના નેજા હેઠળ આવે છે.

બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, બાર્બાડોસ, બહેમાસ, પપુઆ ન્યૂ ગિનિયા, સોલોમોન ટાપુ, ટુવાલુ, સેન્ટ લુસિયા, સેન્ટ વેકેન્ટ એન્ડ ધ ગ્રેનેડિયન, બેલિઝ, એન્ટિગ્યુ એન્ડ બાર્બુડા, સેન્ટ કિટ્ટ એન્ડ નેવિસ જેવા દેશો મહારાણી એલિઝાબેથ દ્ધિતીયના શાસન હેઠળ આવે છે.

                         વિશ્વના મહત્ત્વના કયા દેશમાં કોનું શાસન?

Wednesday 6 February 2013
Posted by Harsh Meswania

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -