Archive for December 2019

મ્યુઝિક : એમાં શબ્દોની સમજ ગૌણ છે, એ ખેલ તો છે લાગણીનો!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

 

ધનુષનું 'રાઉડી બેબી' ૨૦૧૯માં ભારતનું સૌથી વધુ જોવાયેલું સોંગ હતું. શબ્દો ન સમજાય છતાં લોકો સંગીતના તાલે ઝૂમે છે એ પાછળ ક્યુ પરિબળ જવાબદાર છે?


૭૨૫,૫૨૭,૮૬૬
ધનુષનું 'રાઉડી બેબી' સોંગ યુટયૂબમાં આટલી વખત જોવાઈ ચૂક્યું છે અને એના વ્યૂઝનો આંકડો સતત વધતો રહે છે. 'રાઉડી બેબી' ૨૦૧૯ના વર્ષનો ભારતનો મોસ્ટ વ્યૂડ વિડીયો છે. વર્ષ દરમિયાન દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલા વિડીયોમાં તેનો ક્રમ સાતમો છે. 'મોસ્ટ સ્ટ્રીમ્ડ ઈન્ડિયન સોંગ્સ ઓફ ઓલટાઈમ'ના લિસ્ટમાં પણ તેનો સમાવેશ થયો છે.

ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સ ૬૩ કરોડ હોવાનો અંદાજ છે. તેનો અર્થ એ કે સરેરાશ બધા જ ઈન્ટરનેટ યુઝર્સે એક વખત આ સોંગ જોયું હોય તો ય બીજા ૧૦ કરોડ વ્યૂઝ વધારે મળ્યા છે. બીજો અર્થ એ પણ થાય કે વિદેશી યુઝર્સે પણ આ સોંગ જોયું હશે. દેશભરના યુઝર્સની પસંદ બનેલું આ સોંગ હિન્દી કે અંગ્રેજી ભાષામાં નથી, તમિલભાષામાં છે.

૨૦૧૮ના નવેમ્બરમાં રીલિઝ થયેલી ફિલ્મ Maari-2ના આ સોંગે ૨૦૧૯માં ધમાકો બોલાવ્યો. ધનુષ અને એસ. પીલ્લવી પર ગીત ફિલ્માવાયું છે. ધનુષે લખીને અવાજ પણ આપ્યો છે. મ્યુઝિક યુવાન શંકર રાજાએ આપ્યું છે. પ્રભુદેવાની કોરિયોગ્રાફી છે. ફિલ્મ તો બહુ ચાલી નહોતી, પણ એક જ સોંગે બધુ જ ભરપાઈ કરી દીધું.

વેલ, સોંગ તમિલભાષામાં છે તો ય દેશભરના યુઝર્સની પહેલી પસંદ કેમ બન્યું હશે? દુનિયાભરમાં કેવી રીતે જોવાયું હશે? એમાં ભાષાનો અવરોધ કેમ ન નડયો?
                                                                       ***
પૃથ્વી વૈવિધ્ય સભર છે. પહેરવેશથી લઈને ખોરાક અને ગીત-સંગીતથી લઈને સાહિત્યસર્જનમાં અપાર વૈવિધ્ય છે. એની પાછળ પ્રાકૃતિક વિવિધતા જવાબદાર છે. રણપ્રદેશમાં રહેતા લોકોની સંસ્કૃતિ, ગીત-સંગીત સાહિત્યમાં તેનો પડઘો પડે છે. તો પહાડીઓ વચ્ચે ઉછરેલી પ્રજાના ગીત-સંગીત, રહેણીકરણીમાં એની અસર વર્તાય છે. મેદાની પ્રદેશોની રીત-ભાત વળી એ બંનેથી અલગ. એમાં પાછા શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગો તો ખરા જ. જ્ઞાાતિગત વૈવિધ્ય ય ખરું. આ બધાની અસર લોકગીતો, સાહિત્યમાં પડતી રહે છે. લાંબાંગાળે આ અસર જે તે પ્રદેશની ઓળખ બની જાય છે.

સાહિત્ય અને ગીત-સંગીતમાં સ્પષ્ટ ફરક વર્તાતો હોય છે. કચ્છના લોકગીતો અને તેને ગાવાની રીત અલગ હોય, એમ સૌરાષ્ટ્રની વળી તેનાથી જુદી. હવે તો એક બીજાની સંસ્કૃતિ સમજવા માટે સભાન પ્રયાસો થાય છે. દેશો ડિપ્લોમસીના ભાગરૂપે કલ્ચરલ કેન્દ્રો શરૂ કરવા લાગ્યા છે.

પણ જ્યારે આ બધું નહોતું ત્યારે એક બીજાને સમજવા માટે બે બાબતો કોમન હતી - સંકેત અને સંગીત. પ્રાચીન સમયમાં યુદ્ધોથી લઈને સુલેહ સુધીની બાબતો સંકેતથી સમજાવાતી. ચિહ્ન દોરીને કે પછી ઈશારા કરીને એકબીજાની ભાષા ન જાણતા લોકો કોમ્યુનિકેશન કરી લેતા.

એવું જ બીજું માધ્યમ હતું સંગીત. પ્રેમ કે વિરહનું ગીત ક્યાંક કોઈએ શરૂ કર્યું હોય તો શબ્દો ન સમજાતા હોવા છતાં તેમાં રહેલો ભાવ ઓળખાઈ જતો હતો. આજેય ઓળખાય જાય છે.

માનવમન, સંસ્કૃતિના આવા ઊંડાણો માપવા જાત-ભાતના સંશોધનો થતાં રહે છે. એવું જ સંશોધન સંગીતના વૈવિધ્યને સમજવા માટે જગવિખ્યાત હાર્વર્ડ યુનિવસટીએ કર્યું હતું. કોઈ જુદા જ દેશનું સંગીત કોઈ જુદી જ પરિસ્થિતિમાં ઉછરેલા માણસને સંભળાવવામાં આવ્યું ત્યારે એમાંથી રસપ્રદ અવલોકનો સામે આવ્યાં હતાં.
                                                                      ***
હાર્વર્ડ યુનિવસટીએ ૬૦ દેશોને આવરીને એક મ્યુઝિકલ સંશોધન હાથ ધર્યું હતું. આ દેશોના ઈન્ટરનેટ યુઝર્સને કોઈ જ હિન્ટ આપ્યા વગર વિવિધ મૂડ્સના ૧૪ સેકેન્ડના ટૂકડાં સંભળાવવામાં આવ્યા ને તેમને પૂછવામાં આવ્યું કે આ સોંગ કઈ લાગણી વ્યક્ત કરે છે? સેમ્પલ સોંગમાં સ્પેનના કોઈ ખૂણાના ખેડૂતોનું લોકગીત પણ હોય, ભારતના રાજસ્થાનમાં સદીઓથી ગણગણાતું એકાદ ગીત ય હોય, અમેરિકાના છેવાડાના કોઈ ટાપુનું ગીત પણ હોય અને આફ્રિકાના આદિવાસીઓના પરંપરાગત ગીતો ય હોય. પ્રેમ-વિરહ-દર્દ-ઉત્સવ, સવાર-મધ્યાહન-સાંજ-રાતના મૂડ્સને ધ્યાનમાં રાખીને ગીતો પસંદ થયા હતા. આ ગીતોના ટૂકડા વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સને સંભળાવવામાં આવ્યાં.

દુનિયાએ ન સાંભળ્યા હોય એવાં પરંપરાગત લોકગીતોનો એમાં સમાવેશ એટલે વધારે કરાયો હતો તેનાથી સામાન્ય રીતે લોકો જાણકાર ન હોય એટલે રીઝલ્ટ વધુ ઓથેન્ટિક મળે. સેમ્પલમાં અવાજ સાથેના ગીતો ય હતા, તો માત્ર ઈન્સ્ટ્રુમેન્ટ્ની ધૂન પણ હતી. ઘણાં ખરા સેમ્પલ સોંગ લોકવાદ્યોના હતા. અવાજ તો હોય નહીં અને એમાં વળી જાણીતું કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ પણ ન હોય. અજાણ્યું વાદ્ય હોય, અજાણી ધૂન ને અજાણ્યો યુઝર. આ ધૂનો પસંદ કરવા માટે પણ હાર્વર્ડે લાંબી પ્રક્રિયા કરી હતી. દુનિયાભરના ૨૬,૦૦૦ એક્સપર્ટ્સને આ ધૂનો સંભળાવાઈ હતી અને તેમના ઓપિનિયન પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

યુઝર સોંગ સાંભળવાનું શરૂ કરે પછીની ૧ મિનિટમાં તેણે જવાબ આપી દેવાનો હતો. છ સિમ્પલ સવાલો પૂછવામાં આવ્યા હતા. એમાં એવા સવાલો પૂછાયા હતા કે આ નૃત્ય સોંગ છે કે પ્રેમ વ્યક્ત કરતું ગીત છે? ધૂન સાંભળીને ક્યા સમયે સાંભળવું વધારે યોગ્ય લાગે છે, સવારે-બપોરે-સાંજે કે રાતે? ૧ મિનિટથી વધારે સમય લેનારા યુઝર્સનો જવાબ રીસર્ચમાં માન્ય રખાતો ન હતો. એ ધૂન માટે યુઝર પોતાની મેળે કંઈ પણ રીસર્ચ કરે એવો સ્કોપ જ અપાયો ન હતો.

એના જવાબો મેળવીને સંશોધકોને અપાર આશ્વર્ય થયું. સંશોધકો એ બાબત વિચારવા મજબૂર બની ગયા કે દેશ, સંસ્કૃતિ, ભાષા, માહોલ વચ્ચે ભિન્નતા છતાં એક કડી આખી માનવજાતિને જોડી રાખતી હતી અને એ કડીનું નામ હતું- ફીલિંગ-લાગણી-મનોભાવ.

એ લાગણી વ્યક્ત કરવા માટે જ્યાં ભાષાનું કામ પૂરું થઈ જાય ત્યાંથી ધ્વનિ એનું કામ શરૂ કરે છે. અવાજ કે ઈન્સ્ટ્રુમેન્ટમાંથી કેવી લાગણી વહી રહી છે એ તુરંત વિશ્વભરના લાગણીશીલ માણસોએ પકડી પાડયું!

સંશોધનમાં જોડાયેલા લોકોએ એટલે સુધી વિગતો આપી કે વિશ્વભરના ડાન્સ સોંગ એક સરખા છે - ફાસ્ટ. જગતભરના પ્રેમ-વિરહ-દર્દીલા સોંગ એક સરખા છે - મેલોડિયસ છતાં ધીમા. આફ્રિકાના આદિવાસીઓના નૃત્ય સોંગ પણ રિધમેટિક જ હોય છે ને અમેરિકાના ડિસ્કોથેકમાં ચાલતા સોંગ્સ પણ. ભારતના રણોમાં ગવાતા દર્દીલા સોંગ પણ ધીમા ને લાંબાં ઢાળે ગવાતા હોય છે તો યુરોપના વિરહી ગીત પણ એ જ તર્જથી ગવાય છે. ઉલ્લાસ-ઉમંગના ગીતો હંમેશા તાજગીસભર અનુભવ કરાવે છે.

હાર્વર્ડના સંશોધકોએ તેમની શાખ પ્રમાણે જ આ સંશોધન પછી એને લગતાં ફેક્ટ્સ જોડયા અને તેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. જેમાં એવો નિચોડ કાઢવામાં આવ્યો હતો કે સંગીત એ માનવજાતને પ્રકૃતિએ આપેલી બહુમૂલ્ય ભેટ છે. જુદી-જુદી ઘટનાઓ પછી અનુભવાતી ફીલિંગ્સ અને અસાધારણ પરિસ્થિતિમાં થતું વિશિષ્ટ બિહેવિયર દુનિયાભરના લોકોને એક તાંતણે બાંધે છે.

આ પરિણામો સંશોધકો માટે એટલે ય આશ્વર્યજનક હતા કે એવી સ્ટ્રોંગ માન્યતા છે કે સંસ્કૃતિ-દેશકાળ-સ્થળના આધારે ગીતો સર્જાય છે અને એ ગીતો જે તે સ્થળ-પ્રદેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આ સંશોધને એ વ્યાખ્યા નવેસરથી બનાવવી પડે એવાં પરિણામો આપ્યાં હતાં.
                                                                              ***
સિંહે શિકાર કર્યો હશે અને કોઈ હરણે મરણચીસ પાડી હશે એમાંથી દર્દ જન્મ્યુ હશે અને એ દર્દમાંથી જન્મ્યા હશે દર્દીલા ગીતો. વિશ્વભરની સંસ્કૃતિમાં શિકાર-પરાક્રમ-મરણચીસનો આ ઘટનાક્રમ વણાયેલો છે એટલે તમામ સંગીતમાં એની અસર વર્તાઈ હશે! એ જ રીતે મોરે આનંદનું નૃત્ય કર્યુ હશે એમાંથી નૃત્ય-ઉત્સવના ગીતો બન્યા હશે. સારસ બેલડીએ પ્રેમ કર્યો હશે એમાંથી પ્રેમના ગીતો બન્યા હશે. સંશોધકોએ તારવ્યું હતું કે કલ્ચરલ ડિફરન્સ છતાં સંગીતનું બેઝિક્સ સ્ટ્રક્ચર બધે જ એકસરખું છે.

દેશકાળ પ્રમાણે ગીતોના શબ્દો, કથાઓ બદલાઈ હશે, પણ સંગીતના કારણે દિલમાં જે અસર વર્તાય છે એ હજુ ય એક સરખી છે. આ ખૂબીઓ જ સંગીતને ભાષાના સીમાડાથી પર કરી દે છે.

કદાચ એટલે જ ધનુષનું તમિલ સોંગ દેશભરમાં એક વર્ષ કરતા વધુ સમયથી ધૂમ મચાવે છે, કદાચ આ જ બેઝિક્સે સ્પેનિશ સોંગ ડિસ્પેસિતોને ૨૦૧૭માં અબજો વ્યૂઝ અપાવ્યા હશે. કદાચ એટલે જ ગંગનમ સ્ટાઈલે ૨૦૧૨માં ગામ ગજવ્યું હશે, કદાચ એ જ કારણ હશે કે ૨૦૧૨માં જ આવેલું ધનુષનું કોલાવેરી ડી ભારતીયો રાતોરાત ગણગણવા લાગ્યા હશે. કદાચ એ જ કારણે ૨૦૧૮માં પ્રિયા પ્રકાશના નખરાળા નૈન રજૂ કરતું ગીત માનિક્ય મલારયા પુર્વી દેશભરમાં વાયરલ થયું હશે. વાત જ્યારે સંગીતની હોય છે ત્યારે ભાષાના સીમાડાં પળવારમાં ઓગળી જાય છે.

કલ્ચરલ ડિફરન્સ, પહેરવેશ-ખોરાકમાં અપાર તફાવત છતાં માણસની મૂળ લાગણી સદીઓ પછી ય બદલાતી નથી, એનો પરિચય સંગીતના માધ્યમથી બરાબર મેળવી શકાય છે. કોઈપણ સોંગ સાંભળવાથી ભલે એના શબ્દો સમજમાં ન આવે તો ય તેનો મૂડ પારખવાની સમજ માણસમાં જન્મજાત છે.
                                                                        ***

ગીતના મૂડથી આપણો મૂડ બદલાય છે

હાર્વર્ડ યુનિવર્સિટીના જ સંશોધનનું તારણ નીકળ્યું હતું કે માણસ જેવાં સોંગ સાંભળે છે એવો મૂડ બને છે. પ્રેમગીતો સાંભળ્યાની એક કલાક પછી લોકોએ તેમના પાર્ટનર પ્રત્યે વધુ લાગણીનો અનુભવ કર્યો હતો. તો કોઈ જ કારણ વગર સેડ સોંગ સાંભળ્યા પછી કોઈ જ કારણ વગર લોકો સેન્ટી થઈ ગયા હતા!

દર્દનો અનુભવ કરી રહેલાં થોડાંક લોકોને નૃત્યગીતો સંભળાવ્યાની મિનિટો પછી તેમનો દુ:ખનો અનુભવ ઘટયો હતો અને એમાંથી અડધો અડધે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિપ્રેશનનો ભોગ બનેલાને લાગણીથી છલકાતાં લોકગીતોની ધૂન સંભળાવી તો તેમનામાં ઉત્સાહ વર્તાયો હતો. ભારતીય શાસ્ત્રીય રાગો પણ સાંભળનારા ઉપર આવી જ ગહેરી અસર કરે છે.
Sunday 22 December 2019
Posted by Harsh Meswania
Tag :

જ્યોર્જ લૌરેર : ઈ-કોમર્સનો 'આધાર' બનેલાં બારકોડનો 'આધાર'



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

બારકોડને વિકસાવનારા એન્જિનિયર જ્યોર્જ લૌરેરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. જ્યોર્જે બારકોડની મેથડ એટલી સરળ બનાવી આપી કે તેનો ઈ-કોમર્સમાં છૂટથી થાય છે...

જ્યોર્જ લૌરેર.
સિલિકોન વેલીના યુવા ટેકનોક્રેટ્સને ટ્વીટરમાં ફોલો કરતી અમેરિકાની યંગ જનરેશન માટે ય આ નામ આજે અજાણ્યું છે. ૯૪ વર્ષના જ્યોર્જ લૌરેર આમેય છેલ્લાં ત્રણેક દશકાથી નિવૃત્ત જીવન વીતાવતા હતા એટલે તેમને નવી જનરેશન ન ઓળખે એ પણ સ્વાભાવિક છે, પરંતુ તેમની શોધને મોર્ડન જનરેશન બરાબર જાણે છે.
આજના યુગમાં એ આપણાં રોજિંદા જીવનનો હિસ્સો છે, જેને આપણે બારકોડ કે પ્રોડક્ટ કોડ કહીએ છીએ. ઈ-કોમર્સની તો બારકોડ વગર કલ્પના જ થઈ શકે તેમ નથી. મોર્ડન ડેનું આખું ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ એના આધારે ઊભું છે.
યુનિવર્સલ પ્રોડક્ટ કોડ કે બારકોડની જરૂર દુનિયામાં દરરોજ ૬૦૦ કરોડ વખત પડે છે. મોટા મોલથી લઈને નાનકડી દુકાનમાં મળતી ચીજવસ્તુમાં ચીપકાવેલા સીધા-સપાટ યુનિવર્સલ પ્રોડક્ટ કોડને સ્કેન કરતા જોઈએ ત્યારે આપણને એવી કલ્પના તો ક્યાંથી આવે કે બારકોડમાં દેખાતી સીધી-સપાટ લીટીના ડેવલપરના નસીબમાં ઘણો સંઘર્ષ વેઠવાનું લખ્યું હતું.
                                                                              ***
૧૯૨૫માં ન્યૂયોર્કમાં જન્મેલા જ્યોર્જનું બાળપણ બાલ્ટિમોરમાં વીત્યું. તેમના પિતા અમેરિકન નેવીમાં એન્જિનિયર હતા. જ્યોર્જને પોલિયોનું નિદાન થયું પછી પરિવારની ચિંતા વધી ગઈ. તુરંત સારવાર શરૂ થઈ. સમયસર ઉપચાર થયો એટલે જ્યોર્જ પોલિયોમાંથી તો ઊભરી ગયા, પણ એ જ સમયગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લૌરેર પરિવાર સખત આર્થિક તંગીમાંથી પસાર થતો હતો.

૧૬-૧૭ વર્ષના જ્યોર્જને વારંવાર એવું થયા કરતું કે તેની સારવારમાં ઘસાવાના કારણે જ પરિવારની આ હાલત થઈ છે. પરિવારને આર્થિક મદદ કરવાના હેતુથી ૧૭ વર્ષે જ્યોર્જ અમેરિકાની આર્મીમાં જોડાઈ ગયા.

વિશ્વયુદ્ધ પૂરું થયું પછી થોડાંક વર્ષો નાની-મોટી નોકરી કરી. ૧૯૫૦માં અધૂરો અભ્યાસ આગળ વધારવાની તક મળી. બચતમાંથી બે વર્ષનો ટેકનિકલ કોર્સ કરીને ટીવી અને રેડિયો રીપેરિંગ શીખી લીધું. એ વખતે ટેલિવિઝને અમેરિકન ઘરોમાં જગ્યા લેવાનું શરૂ કર્યું હતું એટલે તેના રીપેરિંગની ડિમાન્ડ હતી. જ્યોર્જ દિવસે સ્ટડી કરતા અને રાત્રે રેડિયો રીપેરિંગ કરતા. એમાંથી જે રકમ મળતી એનો ઘણો ખરો હિસ્સો ઘરે મોકલી દેતા.

તેમનું ટેકનિકલ નોલેજ જોઈને કોલેજના પ્રોફેસરે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ફૂલટાઈમ કોર્સ કરવાની ભલામણ કરી, યોગ્ય માર્ગદર્શન આપ્યું. ૧૯૫૧માં તેમણે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તે સાથે જ એક સાધારણ મિકેનિક બનવા જઈ રહેલા છોકરાના કપાળમાં એકાએક યશની લકીર ઉપસી આવી.
ડિગ્રી મેળવી કે તરત વિખ્યાત કંપની આઈબીએમમાં નોકરી મળી ગઈ. જુનિયર એન્જિનિયર તરીકે જોડાયેલા જ્યોર્જે કંપનીમાં એક દશકા સુધી ધગશથી કામ કર્યું. નવા નવા પ્રોજેક્ટમાં તેનું અસરકારક કામ જોઈને કંપનીએ તેમને ૧૯૬૯માં સિનિયર એન્જિનિયર કમ વિજ્ઞાની તરીકે પ્રમોશન આપ્યું. સંશોધનો માટે જાણીતા કંપનીના યુનિટ રીસર્ચ ટ્રાએન્ગલ પાર્કમાં મોકલી દીધા. આ પ્રમોશને તેમના માટે સ્વતંત્ર રીતે સંશોધનો કરવાની દિશા ખોલી આપી.

એ અરસામાં અમેરિકામાં મોલકલ્ચર વિકસી રહ્યું હતું. નવી નવી રીટેઈલ કંપનીઓ માર્કેટ સર કરવા આવી રહી હતી. એવી જ એક મોલ કંપનીએ આઈબીએમને પ્રોડક્ટ કોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. જ્યોર્જે બારકોડ ડેવલપ કરવાના થોડાક પ્રયોગો કર્યા હતા એ કંપનીના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં હતું. રૂચિ પારખીને કંપનીએ આ કામ તેમને સોંપ્યું.
                                                                            ***
જ્યોર્જને આ કામ મળ્યું તેના દશકા પહેલાં આઈબીએમમાં જ કાર્યરત નોર્માન જોસેફ વૂડલેન્ડે બારકોડનું ફોર્મેટ તૈયાર કર્યું હતું. ૧૯૫૨ વૂડલેન્ડે બારકોડની એક પેટન્ટ પણ રજિસ્ટર કરાવી હતી, પણ તેમાં ખામીઓ હોવાથી કમર્શિયલ ઉપયોગ શક્ય ન બન્યો.

જ્યોર્જે એ મેથડનો અભ્યાસ કર્યા પછી સાવ અલગ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ વિકસાવ્યો. અગાઉના બારકોડ પ્રિન્ટિંગ પછી કામ આપતા ન હતા, પરંતુ જ્યોર્જે બારકોડમાં ઊભી સીધી લીટીનો ઉપયોગ એવી રીતે કર્યો હતો કે તે પ્રિન્ટ થયા પછી પણ સ્કેન થતી હતી. બે વર્ષની મહેનત પછી ૧૯૭૨માં તેમણે યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ ઉચ્ચ અધિકારીઓ સામે રજૂ કર્યો. એક વર્ષ પછી આ બારકોડનો ઉપયોગ અનાજ-કરિયાણા અને ખાદ્ય પદાર્થોના પેકેટમાં થવા લાગ્યો.

જ્યોર્જ ૧૯૮૭માં નિવૃત્ત થયા ત્યાં સુધી આઈબીએમમાં જ કાર્યરત રહ્યા. એ દરમિયાન તેમણે ૨૫ જેટલાં સંશોધનો કર્યા. બધા જ સંશોધનો બારકોડ જેટલાં જાણીતાં ન હતાં, પરંતુ એમાંથી ઘણી શોધો એવી પણ હતી જે બારકોડની સિસ્ટમને વધારે સરળ બનાવતી હતી. બારકોડની સિસ્ટમેટિક એરર કરેક્શનની એક શોધ પણ તેમણે કરી હતી. આ પદ્ધતિ બારકોડની એરર જાતે શોધીને ઠીક કરી આપતી હતી.
                                                                          *** 
ઘણાં ઈતિહાસકારો તેમને બારકોડના ખરા શોધક તરીકે નવાજતા નથી ને નોર્માન જોસેફ વૂડલેન્ડને બારકોડની શોધનો ખરો યશ આપે છે. તેમ છતાં ઈતિહાસકારો કબૂલે છે કે વૂડલેન્ડની શોધ ખૂબ જ શરૂઆતી તબક્કાની હતી અને એમાં અપાર ખામીઓ હતી. જો એ ખામીઓ જ્યોર્જે દૂર કરીને તેના આધારે નવી જ સિસ્ટમ વિકસાવી ન હોત તો પ્રોડક્ટ કોડ વિકસતા વધારે સમય લાગ્યો હોત.

બારકોડના ડેવલપર તરીકે તેમને સૌથી વધારે સન્માન એટલે ય આપવામાં આવે છે કે તેમણે આ પદ્ધતિ લોકભોગ્ય બનાવવાની સાથે સાથે લગભગ એકાદ દશકા સુધી આ સિસ્ટમને ડેવલપર કરવામાં જ સમગ્ર ધ્યાન આપ્યું હતું. જ્યોર્જની ૨૫ જેટલી પેટન્ટમાંથી ૧૮-૨૦ પેટન્ટ્સ તો બારકોડ, બારકોડ રીડરને લગતી જ છે.

લોકભોગ્ય ટેકનોલોજીની વાત આવે ત્યારે બારકોડને ૫૦ આઈકોનિક મોમેન્ટ્સમાં સ્થાન મળે છે. ૫મી ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા જ્યોર્જ લૌરેરે એક વખત કહ્યું હતું : 
'મેં ૧૬-૧૭ વર્ષે નોકરી શરૂ કરી ત્યારે મારા જીવનનું કોઈ ચોક્કસ લક્ષ્ય ન હતું. જેમાંથી વળતર મળે એ કામ કરીને આર્થિક સદ્ધર થવું એ જ મુખ્ય ધ્યેય હતું. ૩૫ વર્ષ સુધી જીવન દિશાહીન હતું. રેડિયો રીપેરિંગ કરીને ગુજરાન ચલાવવાનું મન મનાવી લીધું હતું. આટલા વર્ષો સુધી કોઈ મોટી મહાત્વાકાંક્ષા પણ પાળી ન હતી. શું ગમે છે એ પણ નક્કી ન હતું, મારી આસપાસ તેજસ્વી એન્જિનિયર્સને જોતો ત્યારે થતું કે એ બધાનું ધ્યેય પહેલેથી જ નક્કી હતું. જીવનની ચાલીસીમાં પણ મારા નામે એવી કોઈ મોટી સિદ્ધિ નોંધાઈ ન હતી. પણ આજની જનરેશને એક વાત યાદ રાખવી જોઈએ કે જે ઉંમરે કંઈ નવું કરવાની તક મળે ત્યારે એને ઝડપી લઈએ તો બે-ત્રણ વર્ષમાં પણ આખી જિંદગી યાદ રાખી શકાય એવું નોંધપાત્ર કામ કરી શકાય છે. યુવાનીમાં જ કિસ્મત ચમકે છે એવું કોણે કહ્યું?'
                                                                        ***

બારકોડ રીડર મશીન કોણે બનાવ્યું?

બર્નાર્ડ સિલ્વર અને નોર્માન જોસેફ વૂડલેન્ડે પહેલું સફળ બારકોડ રીડર બનાવ્યું હતું. ૧૯૪૯માં જ્યારે બંનેએ મળીને કામ શરૂ કર્યું ત્યારે બારકોડ મશીન બનાવવામાં તો સફળતા મળી હતી, પણ પ્રિન્ટ થયા પછી બારકોડ એમાં સ્કેન થતો ન હતો. એ સૌથી મોટી મુશ્કેલી હતી. ૧૯૫૧માં નોર્માન જોસેફે આઈબીએમમાં નોકરી શરૂ કરી તે પછી બારકોડ ઉપર વધારે સંશોધન કર્યું હતું, પરંતુ તેની ડિઝાઈનમાં બધું બરાબર હોવા છતાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડમાં ધારી સફળતા મળી નહી.
નોર્માન જોસેફ વૂડલેન્ડ
 તેણે જે મશીન બનાવ્યું હતું એ બરાબર કામ કરતું હતું. એ કોડને સ્કેન કર્યા પછી માહિતી બરાબર બતાવતું હતું, પરંતુ પ્રયોગમાં જે સક્સેસ મળી એવી પ્રેક્ટિકલ શક્ય ન બની. સિલ્બર અને નોર્માનની બારકોડ સિસ્ટમની પેટન્ટ માન્ય રાખવામાં આવી હતી. એ પછી આઈબીએમે આ મશીનના હકો ખરીદી લીધા. પછી તો એ જ પેટન્ટના આધારે બારકોડ મશીન વિકસ્યા હતા.
                                                                        ***

પહેલી વખત કોડ ક્યારે લાગ્યો હતો?

જ્યોર્જે પહેલી વખત યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો પ્રોજેક્ટ રજૂ કર્યો એના પહેલાં પ્રિન્ટ થયા પછી એ કોડ સ્કેન થતો ન હોવાથી જૂની બધી જ પેટન્ટ પ્રમાણેના બારકોડનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત હતો. જનરલ મોટર્સે ૧૯૬૯માં નોર્માન જોસેફની સિસ્ટમ પ્રમાણે બારકોડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પહેલી કમર્શિયલ સક્સેસ માર્સ સુપરમાર્કેટને મળી હતી. ઓહિયાના મોલમાં વ્રિન્ગલી કંપનીના પેકેટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ ૧૯૭૩માં થયો હતો.

અમેરિકામાં બારકોડ રીડરની મદદથી પ્રોડક્ટનું બિલ બનાવવાની એ પહેલી ઘટના હતી. આ ઘટનાના એક દશકા પછી ૧૯૮૩ સુધીમાં અમેરિકાની ૩૫ ટકા નાની-મોટી દુકાનો અને મોલમાં બારકોડ સ્કેનરનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ફોર્મ્યુન મેગેઝિને ૨૦૦૪માં અંદાજ બાંધ્યો હતો કે વિશ્વની ટોચની ૫૦૦ કંપનીઓની ૮૦-૯૦ ટકા પ્રોડક્ટમાં યુનિવર્સલ પ્રોડક્ટ કોડનો ઉપયોગ થાય છે.
                                                                     ***

બારકોડ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

મોટાભાગે પ્રોડક્ટની પાછળની તરફ પ્રિન્ટ થયેલી ઘાટી બ્લેક અને વ્હાઈટ ઊભી લીટી હોય છે તેને બારકોડ કહેવાય છે. બારકોડમાં જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને બારકોડ સિમ્બોલોજી કહેેવાય છે. એમાં ૧૨ આંકડા ઉભી લીટીને એવી રીતે સેટ કરવામાં આવે છે કે એ કિંમત, મેન્યુફેક્ટર ડેટ, એક્સપાયરી ડેટ, ઉત્પાદક દેશ, પ્રોડક્ટનો જથ્થો જેવી માહિતી આ૫ે છે.

મોટાભાગના દેશોમાં પ્રોડક્ટ ઉપર આ કોડ જરૂરી બની ગયો છે. એમાં ય વૈશ્વિક માર્કેટને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કંપનીઓ માટે તો આ પ્રોડક્ટ કોડ કમ્પલસરી છે. બારકોડના કારણે ઓછી મહેનતે ભૂલ વગર કાઉન્ટિંગ થાય છે. પહેલાં પાંચ આંકડામાં કંપનીની ઓળખ હોય છે. એ પછીના પાંચ આંકડામાં પ્રોડક્ટની વિગત છૂપાયેલી હોય છે અને છેલ્લો અંક સ્કેનર મશીન માટે હોય છે. છેલ્લી લીટી અને છેલ્લો આંકડો સ્કેન બરાબર થયું કે નહીં એ કમ્પ્યુટરમાં બતાવે છે.

Sunday 15 December 2019
Posted by Harsh Meswania
Tag :

યોદ્ધાનું હેલ્મેટ બાઈકચાલકના માથે ક્યારથી આવ્યું?


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હેલ્મેટ સદીઓથી યોદ્ધાઓના માથે શોભતું હતું. ચારેક દશકાથી હેલ્મેટે બાઈકચાલકોના માથે જગ્યા લીધી, પણ આમ જુઓ તો બાઈક અને હેલ્મેટનું જોડાણ સાવ નવું ય નથી!

યુદ્ધોમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત ક્યારથી થઈ હશે, તેના વિશે અપાર મતમતાંતરો છે. ઈ.સ. પૂર્વ ૯૦૦ આસપાસના સમયગાળામાં સૈનિકો હેલ્મેટ પહેરીને જંગે ચડતા હોવાના પુરાવા સંશોધકોએ એકઠાં કર્યા છે. બાલ્ટિમોરમાં ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ગ્રીક સૈનિકો જે હેલ્મેટ પહેરતાં હતા, એ હેલ્મેટ પ્રદર્શનમાં પણ મૂકાયું છે. ઈ.સ. પૂર્વ ૧૫૦૦-૧૬૦૦ આસપાસ તો રાજાઓ અને સેનાપતિઓ હાથીદાંતમાંથી બનેલા હેલ્મેટ પહેરતા હોવાના દસ્તાવેજો પણ શોધી કાઢવામાં આવ્યાં છે.

ત્રણ, સાડા ત્રણ હજાર વર્ષથી સૈનિકો-સેનાપતિઓ-રાજાઓ પોતાની ક્ષમતા અને જરૂરિયાત પ્રમાણેના હેલ્મેટ પહેરતાં હોવાનો રેકોર્ડ નોંધાયો છે. ભીંતચિત્રો, ચિન્હોનો અભ્યાસ કરનારા સંશોધકોએ તો એનાથી ય અગાઉ છેક ઈ.સ. પૂર્વ ૨૨મી ૨૩મી સદીમાં પણ યુદ્ધ કે રાજદરબારના ખાસ અવસરો વખતે હેલ્મેટ પહેરાતા હોવાનો અંદાજ બાંધ્યો છે. લોખંડ-પિત્તળ ઉપરાંત ચામડાંમાંથી બનેલાં હેલ્મેટ સૈનિકો-સેનાપતિઓ પહેરતા હતા.
2600 વર્ષ જૂનું આ પિત્તળનું હેલ્મેટ ઈઝરાયેલની હાઈફાની ખાડીમાંથી 2007માં મળી આવ્યું હતું

દુનિયાભરના સૈનિકો આજેય જરૂરિયાત અને વાતાવરણને અનુરૂપ હેલ્મેટ પહેરે છે. યુદ્ધના હેલ્મેટની ડિઝાઈન-આકાર અલગ હોય છે. એને સામાન્ય રીતે કોમ્બેટ હેલ્મેટ કહેવામાં આવે છે. બાઈકચાલકના હેલ્મેટ કરતા એ ઘણાં અલગ હોય છે. સદીઓ સુધી હેલ્મેટ માત્ર સૈનિકોના ખપમાં જ આવતાં રહ્યાં.

૧૮મી સદીમાં શિકારીઓ હેલ્મેટ પહેરવા લાગ્યા હતા. કારખાનાઓમાં ય સલામતી માટે ટોપી જેવડાં આકારના અને વજનમાં હળવા હેલ્મેટ ૧૯મી સદીના છેલ્લાં દશકામાં મજૂરોને અપાતા. બરાબર એ જ અરસામાં મોટરસાઈકલની શોધ થઈ. ૧૮૭૦ આસપાસથી શરૂ થયેલાં મોટરસાઈકલ બનાવવાના છૂટાછવાયા પ્રયોગોને આખરે ૧૮૮૫ પછી ધારણા પ્રમાણેની સફળતા મળવા લાગી. ૧૯મી સદીના અંતમાં મોટરસાઈકલનું કમર્શિયલ મોડેલ ઉપલબ્ધ બન્યું, પણ ત્યારે હજુ મોટરસાઈકલ સવારના માથામાં હેલ્મેટનો વજન આવવાને થોડાંક દશકાની વાર હતી!
                                                                    ***
૧૯૦૭માં ઈંગ્લેન્ડમાં પહેલો મોટર રેસિંગ ટ્રેક બન્યો. બ્રુકલેન્ડ્સ નામના આ ટ્રેકમાં મોટરસાઈકલ સવારો વચ્ચે હોડ જામતી. એનું આકર્ષણ દુનિયાભરના બાઈકચાલકોને રહેતું. વર્લ્ડ રેકોર્ડ સર્જાતા હતા એટલે મીડિયામાં પણ આ સ્પર્ધાને સારી એવી પ્રસિદ્ધિ મળતી. જ્યોર્જ સ્ટેન્લી નામના બ્રિટિશ મોટરસાઈકલ ચાલકે એક કલાકમાં ૯૭ કિલોમીટરનું અંતર પૂરું કરીને ૧૯૧૨માં ઈતિહાસ સર્જ્યો. એના બીજા જ વર્ષે એક કલાકમાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપવાનો વિક્રમ પેર્સી લેમ્બર્ટ નામના સાહસિકે નોંધાવ્યો હતો. આ રેકોર્ડ્સ પછી બ્રુકલેન્ડ્સની સ્પર્ધા જગવિખ્યાત થઈ ચૂકી હતી.

ક્યારેક ક્યારેક ટ્રેક ઉપર બાઈક ચાલકો વચ્ચે નાની-મોટી ટક્કર પણ થતી. માથામાં ગંભીર ઈજા થયાના બનાવો બહુ બનતા, પરંતુ એનો તત્કાલ ઉપાય કરવાનું કોઈએ વિચાર્યું નહી. ૧૯૧૪ની રેસ વખતે બાઈકચાલકો ટકરાયા. બે-ત્રણ ચાલકોને માથામાં ગંભીર ઈજા થઈ. સારવાર માટે ડૉક્ટરને હાજર રાખવામાં આવતા. એ વખતે મેડિકલ ઓફિસર તરીકે ડૉ. એરિક ગાર્ડનર ત્યાં હાજર હતા. અગાઉ પણ ડૉ. એરિકે આ રેસમાં મેડિકલ ઓફિસર તરીકે હાજરી આપી હતી અને ત્યારે ય સ્પર્ધકોની ટક્કરમાં મોટાભાગે માથામાં ઈજા થતી હોવાનું નોંધ્યું હતું.

ડૉ. એરિકે એનો કંઈક કાયમી ઉપાય કરવાનું વિચાર્યું. મોટરસાઈકલના હેલ્મેટની ડિઝાઈન અને હેલ્મેટ પહેરવાથી સ્પર્ધકોને થનારા ફાયદાની રૂપરેખા ડૉ. એરિકે બ્રિટનના ઓટો-સાઈકલ યુનિયન સમક્ષ રજૂ કરી. જેમ નવી બાબતમાં થાય એમ પહેલાં તો આ રૂપરેખાને નકારી દેવામાં આવી. હેલ્મેટની કોઈ જ જરૂરિયાત ન હોવાનું સભ્યોએ કહ્યું. અમુક સભ્યોએ તો ડૉ. એરિકને સલાહ આપી - 'જેટલું કામ સોંપવામાં આવે છે એટલું જ કામ કરો. વધારાના કામનું કોઈ જ વળતર આપવામાં આવશે નહીં, એટલે મહેનત ન કરો!'

પણ રહી રહીને સેફ્ટીનો મુદ્દો ધ્યાનમાં આવતા થોડાંક દિવસ પછી યુનિયને ફરીથી ડૉ. એરિકને મળવા બોલાવ્યાં. તેમની ડિઝાઈન પ્રમાણે હેલ્મેટ તૈયાર થયાં અને મોટરસાઈકલની ટૂરિસ્ટ ટ્રોફીની (ટીટી) સ્પર્ધામાં બધા જ સ્પર્ધકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દીધા. એ સાથે જ મોટરસાઈકલ ચાલકોના માથાનો ભાર વધી ગયો, પરંતુ આયોજકો માટે સ્પર્ધકોની સેફ્ટીનો ભાર હળવોફૂલ થઈ ગયો. યોદ્ધાના માથા ઉપરથી હેલ્મેટને બાઈકચાલકના માથામાં પહેરાવનારા ડો. એરિકનું બ્રિટિશ ઓટો સાઈકલ યુનિયને સન્માન કર્યું.

૧૯૦૭માં શરૂ થયેલા ટ્રેકમાં દર વર્ષે સ્પર્ધકોને ઈજા થતી. ઘણાં બાઈકચાલકોને માથામાં ગંભીર ઈજાઓ થતી અને પછી હંમેશા માટે મોટરસાઈકલ ટ્રેક છોડી દેવો પડતો. બે-ત્રણ બનાવો દર વર્ષે બનતા, પણ ૨૦૧૪ની ટૂરિસ્ટ ટ્રોફીમાં એકાદ સ્પર્ધકને માત્ર જરા સરખી ઈજા થઈ હતી. કોઈને ય ગંભીર ઈજા થઈ ન હતી અને એમાં ય માથામાં વાગ્યું હોય એવો એકેય સ્પર્ધક એ ટૂર્નામેન્ટમાં નોંધાયો ન હતો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણે મોટરસાઈકલ સ્પર્ધા તો ૧૯૨૦ સુધી બંધ રહી, પરંતુ મોટરસાઈકલ ચાલકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ થોડી થોડી આવવા માંડી હતી.
                                                                     ***
૧૯૩૫માં બ્રિટનમાં બનેલી એક ઘટનાએ જાણે હેલ્મેટ પહેરવાનું વાતાવરણ સર્જી દીધું. બ્રિટનના ખૂબ જાણીતા લશ્કરી અધિકારી, પુરાતત્વવિદ્, લશ્કરી વ્યૂહરચનાકાર, ડિપ્લોમેટ, લેખક જેવી અનેકાનેક ઓળખ ધરાવતા થોમસ લોરેન્સ મોટરસાઈકલ ચલાવીને જતા હતા. એ વખતે બે બાળકો વચ્ચે પડયા. બાળકોને બચાવવા જતાં લોરેન્સ બાઈક સાથે ખાડામાં જઈ પડયા.

તુરંત સારવાર તો મળી ગઈ, પણ માથામાં ગંભીર ઈજા થઈ. કોમામાં સરી પડયા પછી એકાદ સપ્તાહમાં મૃત્યુ પામ્યા. તેમણે હેલ્મેટ પહેર્યું હોત તો બચી ગયા હોત એવું ડોક્ટરનું નિવેદન રજૂ થયું પછી તો જાણે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવો માહોલ સર્જાયો. તેમની સારવાર કરનારા ડોક્ટર હ્યુ કેર્ન્સે આ ઘટના પછી હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા બાઈકચાલકો વિશે એ જ વર્ષે વિગતવાર સંશોધન હાથ ધર્યું.

મોટરસાઈકલ અને હેલ્મેટને લગતું એ દુનિયાનું પહેલું સંશોધન હતું. એમાં તેમણે ભારે મહેનત કરીને અકસ્માત દરમિયાન હેલ્મેટ પહેરવાના કારણે માથામાં ઓછી ઈજા થઈ હોવાથી જેમના જીવ બચી ગયા હતા, એવા લોકોનો આંકડો આપ્યો અને તેમનું નિરીક્ષણ પણ રજૂ કર્યું. આ ઘટના પછી બ્રિટિશ સરકારે સૈનિકો માટે તેમ જ નાગરિકો માટે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની ભલામણ કરી અને હળવાં નિયમો પણ ઘડ્યા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં પણ સૈનિકો અને નાગરિકોની સેફ્ટીને લગતાં સંશોધનો થયાં. મોટરસાઈકલનો વધતો વ્યાપ અને અકસ્માતોનું પ્રમાણ જોઈને અમેરિકાના ઘણાં રાજ્યોમાં હેલ્મેટ પહેરવાની ભલામણો કરવામાં આવી. એ વખતે આજની તુલનાએ કાર અને ટ્રકનું પ્રમાણ ઘણું ઓછું હતું એટલે બાઈકને ટક્કર લાગવાના બનાવો ઘણાં ઓછા હતા. પરંતુ ૧૯૬૦ પછી એકાએક બાઈકના અકસ્માતો વધી ગયા.

અમેરિકાના ઘણાં રાજ્યોમાં મોટરસાઈકલ ચાલકે હેલ્મેટ પહેરવાનો કાયદો બન્યો. હેલ્મેટ પહેરવાની ભલામણ કરનારા બ્રિટને તો છેક ૧૯૮૫માં ફરજિયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો. ૧૯૮૦ પછી યુરોપના ઘણાં દેશોમાં હેલ્મેટનો કાયદો અમલી બન્યો હતો. ૧૯૯૩માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ બાઈકચાલક માટે હેલ્મેટ ફરજિયાત કરાયું હતું.

પણ હકીકત એ છે કે ચીન, જાપાન, ફ્રાન્સ, રશિયા સહિતના મોટાભાગના દેશોમાં હેલ્મેટનો કાયદો ૨૧મી સદીની શરૂઆતમાં ઘડાયો હતો. 'સેફ્ટી માટે બાઈકચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ' એવી ભલામણની લગભગ એક સદી પછી દુનિયામાં માંડ હેલ્મેટનો કાયદો અમલી બન્યો છે. એમાંય અસરકારક રીતે કાયદાનું પાલન કરતા દેશો તો માંડ ૨૦ ટકા જ છે. સેફ્ટીના કાયદામાં છટકબારીઓ શોધતા નાગરિકો માત્ર ભારતમાં જ છે એવું નથી, જગતભરમાં છે; બહુમતીમાં છે!
                                                                     ***

માથાની ઈજા ૭૦ ટકા ઘટે છે

શરૂઆતમાં લેધર અને લાકડામાંથી બનેલું હેલ્મેટ બાઈકચાલકો પહેરતા હતા. એવું જ હેલ્મેટ સાઈકલની રેસમાં પણ ખેલાડીઓ પહેરતા હતા. ત્યારે આજના જેવા રોડ ન હતા એટલે વાહનની ટક્કરથી જ બચવાનો સવાલ હતો. આજે વાહનની ટક્કર ઉપરાંત મજબૂત રોડ સાથે ટકરાવ થવાથી પણ બચવાનું હોવાથી સ્ટ્રોંગ મટિરિયલની જરૂર પડે છે.

૭૦ના દશકા સુધી હેલ્મેટ સોફ્ટ લેધર મટિરિયલમાંથી જ બનતા હતા. મેટલનો ઉપયોગ તે પછી શરૂ થયો. ૧૯૮૦ પછી હેલ્મેટની ડિમાન્ડ વધી એટલે કંપનીઓ પણ વધી. આંતરિક સ્પર્ધાના કારણે ગ્રાહકોને સારું મટિરિયલ મળવા લાગ્યું હતું. દરેક દેશમાં હેલ્મેટ માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ બનાવાયા છે. આપણાં દેશમાં ચાલતા હોય એવા મટિરિયલમાંથી બનેલું હેલ્મેટ બીજા દેશમાં ન પણ ચાલે એવું ય શક્ય છે.

એકથી વધારે સંશોધનો કહે છે કે હેલ્મેટ પહેરીને બાઈક ચલાવવાથી માથાની ઈજાનું જોખમ ૭૦ ટકા સુધી ઘટી જાય છે અને માર્ગ અકસ્માત પછી મોતનું જોખમ ૪૨ ટકા સુધી ઓછું થઈ જાય છે. અકસ્માતનો ભોગ બનનારા બાઈકચાલકોમાંથી ૩૩ ટકાના નાક હેલ્મેટના કારણે સલામત રહે છે.

                                                          ***

બાઈસિકલ હેલ્મેટ

સૈનિક અને બાઈકચાલકના હેલ્મેટ કરતા બાઈસિકલ હેલ્મેટ અલગ મટિરિયલમાંથી, જુદી રીતે બને છે. બાઈસિકલ શારીરિક એક્ટિવિટીના ભાગરૂપે થાય છે. પરિવહનના હેતુથી તેનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ થતો હોવાથી તેમાં બાઈકની તુલનાએ હાઈવે પર અકસ્માતનો ખતરો ઓછો છે.

સાઈકલ સવાર માટેના હેલ્મેટ માત્ર માથાનો ઉપરનો હિસ્સો ઢંકાય એવડાં જ હોય છે. ચહેરા અને કાનથી નીચેનો હિસ્સો ખુલ્લો રહે છે. અમેરિકામાં સાઈકલચાલકના હેલ્મેટ પોપ્યુલર થયા હતા. સાઈકલ રેસિંગની સ્પર્ધામાં સ્પર્ધકો હેલ્મેટ પહેરતા પણ ફિટનેસ એક્ટિવિટીના કારણે સાઈકલ ચલાવતા લોકો ખાસ હેલ્મેટ પહેરવાનો ઉમળકો બતાવતા ન હતા. આપણે ત્યાં તો હજુય એવો ઉમળકો જોવા મળતો નથી. અમેરિકન કંપની બેલ સ્પોર્ટ્સે ૧૯૯૧માં સાઈકલચાલકો માટેના હેલ્મેટની આખી રેન્જ ઉપલબ્ધ કરાવી હતી તે પછી વજનમાં હળવા બાઈસિકલ હેલ્મેટ વધારે લોકપ્રિય થયા હતા.

આ કંપનીએ જ પછી બાળકો માટેની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવી હતી. બાળકોની સેફ્ટી માટે ૧૯૯૫ પછી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ બાઈસિકલ હેલ્મેટની કેમ્પેઈન ચલાવી હતી, જેના કારણે સાઈકલના વેંચાણ સાથે હેલ્મેટ્સ પણ ફરજિયાત આવતાં થયાં હતા. અમેરિકા ઉપરાંત ઘણાં યુરોપિયન દેશોમાં પણ બાઈકચાલક માટે જેમ હેલ્મેટના નિયમો છે, એમ બાઈસિકલ ચાલકો માટે ય હેલ્મેટના નિયમો ઘડાયા છે.
Sunday 8 December 2019
Posted by Harsh Meswania
Tag :

500 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતું SPG હવે માત્ર PM મોદીને જ સુરક્ષાકવચ આપશે


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા


ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા ક્યા નિયમોના આધારે મળતી હતી? કેન્દ્ર સરકારે એસપીજીમાં શું સુધારા કરવા ઈચ્છે છે? પહેલાં આ સ્પેશિયલ યુનિટના નિયમો કેવાં હતાં?


૧૯૮૧નું વર્ષ હતું. વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા વધારે મજબૂત બનાવવાની જરૂરિયાત જણાતી હતી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ સ્પેશિયલ ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સમક્ષ મૂક્યો. ૧૯૮૦ સુધી વડાપ્રધાનોની સુરક્ષા દિલ્હી પોલીસ જ કરતી હતી. ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસનું એક વિશેષ યુનિટ બન્યું હતું, જે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયની સુરક્ષા સંભાળતું હતું. ૧૯૮૧માં આઈબીના પ્રસ્તાવ પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની રચના થઈ. આ નવા યુનિટે વડાપ્રધાનની સુરક્ષા સંભાળવાનું શરૂ કર્યું.

૧૯૮૪માં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. એ પછી ફરીથી વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનની સુરક્ષાને લઈને ચર્ચા થઈ. સાંસદોએ અલગથી ટીમ બનાવવાની માગણી કરી. ગૃહ મંત્રાલયે ૧૯૮૫માં બિરબલનાથ કમિટીની રચના કરી અને વિગતવાર અહેવાલ આપવાનો નિર્દેશ કર્યો. કમિટીએ સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ રચવાની ભલામણ કરી. ભલામણને કેબિનેટની મંજૂરી મળી એટલે રાષ્ટ્રપતિએ ૮૧૯ તાલીમબદ્ધ જવાનોનું સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (એસપીયુ) બનાવ્યું. કેબિનેટ સેક્રેટરીને આ યુનિટની રખેવાળી સોંપી.

શરૂઆતમાં ૧૯૮૫થી ૧૯૮૮ સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે આ વિશેષ ગ્રુપને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી. વડાપ્રધાન ડોમેસ્ટિક ટૂરમાં હોય તો સ્થાનિક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષા એજન્સીઓની પણ જવાબદારી રહેતી. સ્પેશિયલ યુનિટને વિશેષ પાવર આપતી ગાઈડલાઈન તૈયાર થઈ.

એજ અરસામાં સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટનું નવું નામકરણ થયું; 'સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ' - એસપીજી.
                                                                             ***
નવા રચાયેલા એસપીજીએ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સુરક્ષાની જવાબદારી સંભાળીને સર્વિસની શરૂઆત કરી. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ વારંવાર રાજીવ ગાંધી ઉપર હુમલાની ભીતિ વ્યક્ત કરી હતી એટલે એસપીજી સામે વધારે પડકાર ખડો થયો હતો. રાજીવ ગાંધી વડાપ્રધાનપદે ન રહ્યા એ પછી પણ તેમના પર હુમલાની દહેશત વ્યક્ત થતી હતી. ધમકીઓ મળતી હતી, પરંતુ એસપીજીએ પૂર્વ વડાપ્રધાનને સુરક્ષા આપવાની જોગવાઈ ન હોવાથી એ દિશામાં વિચાર્યું નહીં. રાજીવ ગાંધીને મળેલું એસપીજીનું કવર ૧૯૮૯માં હટી ગયું.

૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ પછી સંસદગૃહમાં એ મુદ્દો ઉઠ્યો. જો એસપીજીનું કવર હોત તો હુમલાખોરો રાજીવ ગાંધી સુધી પહોંચ્યા ન હોત એવી દલીલ થઈ. સરકારે એસપીજી એક્ટ પસાર કરીને ગ્રુપને વધારે પાવર આપ્યો, વધારે બજેટ ફાળવ્યું અને સંખ્યાબળ પણ વધાર્યું.

રાજીવ ગાંધીની હત્યા થઈ તે સંદર્ભમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના નજીકના પરિવારને એસપીજીના જવાનો જ સુરક્ષા આપે એવી જોગવાઈ પણ એ સુધારા વખતે કરવામાં આવી. ૧૯૯૪, ૧૯૯૯ અને ૨૦૦૩માં પણ એમાં પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની સુરક્ષાને લગતાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને ૧૦ વર્ષ સુધી એસપીજી કવચ મળે એવી જોગવાઈ હતી. પછી તો એ સમયગાળો વધ્યો. એ જોગવાઈના ભાગરૂપે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને એસપીજીનું સુરક્ષાકવચ મળતું હતું. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ગાંધી પરિવારની સુરક્ષાનો સંવેદનશીલ મુદ્દો ધ્યાનમાં રાખીને તેમનું એસપીજી કવચ યથાવત રાખવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના પરિવારને પણ એસપીજી સુરક્ષાકવચ મળતું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં તેમને ઝેડ પ્લસ સુરક્ષા સરકારે આપી હતી.

ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા તો થોડા સમય પહેલાં જ હટાવી દેવામાં આવી હતી. તેના બદલે ગૃહ મંત્રાલયે તેમને નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી) દ્વારા મળતી ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કરી હતી. ઝેડ પ્લસ સુરક્ષામાં ફરક એ પડી જાય કે તેમાં એનએસજીના ૧૦ કમાન્ડો હોય છે, ૪૫ પોલીસ જવાનો કે સીઆરપીએફના જવાનો એ સુરક્ષાગ્રુપમાં સામેલ કરવામાં આવે છે. એની તુલનામાં એસપીજી ઘણું સ્ટ્રોંગ સુરક્ષાકવચ છે.

કાયદામાં સુધારો કરીને સરકારે માત્ર વડાપ્રધાનની સુરક્ષા જ એસપીજીને સોંપી છે. વડાપ્રધાનપદેથી હટ્યા પછી માત્ર વડાપ્રધાનને પાંચ વર્ષ માટે એસપીજીની સુરક્ષા મળશે. એનો અર્થ એ કે એસપીજી બિલમાં સંશોધન પછી હવે માત્ર વડાપ્રધાન મોદીને જ આ સુરક્ષાકવચ મળશે. મનમોહન સિંહ મે-૨૦૧૪ સુધી વડાપ્રધાન હતા તે હિસાબે પૂર્વ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ કરતા વધુ સમયગાળો વીતી ચૂક્યો હોવાથી તેમનું એસપીજી સુરક્ષાકવચ સપ્ટેમ્બરમાં જ હટાવી દેવાયું છે.

પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારની એસપીજી સુરક્ષા હટાવવા પાછળ એનડીએ સરકારની દલીલ એવી છે કે એસપીજીનું ગઠન માત્ર વડાપ્રધાનોની સુરક્ષા માટે જ થયું હતું. દેશ પાસે એવી સુરક્ષા એજન્સીઓ છે જ કે જે પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારને સુરક્ષા આપી શકે તેમ છે. જો એસપીજીનું ધ્યેય સ્પષ્ટ કરવામાં આવે તો વડાપ્રધાનને વધારે સારી સુરક્ષા આપવાનો ઉદેશ્ય પૂરો થશે. એનાથી એસપીજી વધારે પ્રભાવી બનશે. ગૃહમંત્રીએ સંકેત આપ્યો હતો એ પ્રમાણે હવે કદાચ એસપીજીને વધારે આધુનિક બનાવીને તેનું બજેટ પણ વધારાશે.
વેલ, અત્યારે એસપીજીનું બજેટ કેટલું છે? આજની તારીખે આ સુરક્ષાકવચ કેટલું પ્રભાવી છે?
                                                                   ***
આ સ્પેશિયલ ગ્રુપ પાછળ સરકાર ૫૩૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે. અત્યારે આ ગ્રુપમાં ૪૦૦૦ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કાર્યરત છે. એસપીજીની ટીમ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. સ્નાઈપર્સ, બોમ્બ ડિએક્ટિવની તાલીમ પામેલા અધિકારીઓ સુરક્ષા વખતે પડછાયાની જેમ સાથે રહે છે. નાઈટ વિઝનના ચશ્માથી લઈને ખાસ પ્રકારની રાઈફલ્સથી આ કમાન્ડોને સજ્જ રાખવામાં આવે છે. એસપીજીના કાફલામાં બીએમડબલ્યુ-૭ સીરિઝની ગાડીઓ, રેન્જ રોવર્સ, મર્સિડિસ, ટોયોટા જેવી આધુનિક કારનો સમાવેશ થાય છે.

નવી જોગવાઈ પછી ફરક એ પડશે કે હવે એસપીજીના ૪૦૦૦ જેટલાં તાલીમબદ્ધ જવાનોની એક માત્ર જવાબદારી હશે - વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા. અગાઉ પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારોને પણ સુરક્ષાકવચ આપવાનું હતું એટલે જવાબદારી વિભાજિત થતી હતી. હવે આ ગ્રુપ પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી જ રહેશે.

વેલ વેલ, આટલું બજેટ અને આટલાં આધુનિક ઉપકરણો પછી પણ સરકારને લાગે છે કે એસપીજીને વધારે પ્રભાવી બનાવવાની જરૂર છે, તો એ સરકાર છે, ધારે તે કરી શકે છે! આપ ઔર હમ હોતે કૌન હૈ બિચ મેં બોલને વાલે?
                                                                        ***

રાજ્યસભા-લોકસભામાં માર્શલની શું ભૂમિકા હોય છે?

રાજ્યસભા-લોકસભામાં માર્શલના બદલાયેલા યુનિફોર્મ મુદ્દે વિરોધ થયો. લશ્કરના પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ પણ નૌકાદળના અધિકારીઓના ડ્રેસ જેવાં લાગતા એ પોશાકનો વિરોધ કર્યો. લશ્કરની ઓળખ જેવો યુનિફોર્મ માર્શલને આપવો ન જોઈએ એવી સાંસદોની રજૂઆત પછી આખરે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ યુનિફોર્મની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો.

સંસદના ૨૫૦મા સત્રમાં માર્શલનો યુનિફોર્મ બદલવામાં આવ્યો હતો. ઓલિવ ગ્રીન રંગની બંધ ગળાની સફારી અને સૈન્ય અધિકારીના યુનિફોર્મમાં હોય એવી પિંક પટ્ટીવાળી કેપનો યુનિફોર્મ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન સાથે વિચાર-વિમર્શ પછી સચિવાલયની સમિતિએ ફાઈનલ કર્યો હતો. અગાઉ આ માર્શલ પરંપરાગત સફેદ પોશાક પહેરતા હતા અને માથે સાફો ધારણ કરતા હતા.

નવેસરથી રીવ્યૂના આદેશ પછી માર્શલનો યુનિફોર્મ ફરીથી બદલાયો હતો. વિવાદ પછી સપ્તાહની શરૂઆતમાં માર્શલ બંધ ગળાના જોધપુરી  સૂટમાં જોવા મળ્યા હતા. સંસદગૃહના રેકોર્ડ પ્રમાણે ૧૯૫૦માં માર્શલના યુનિફોર્મનો નિયમ બનાવાયો હતો અને તે પછી એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ડ્રેસકોડ બદલવાની માગણી માર્શલોએ કરી હતી. માગણી સ્વીકારીને યુનિફોર્મ ચેન્જ કરાયો હતો.

લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિની મદદમાં, સુરક્ષામાં તૈનાત માર્શલ પાર્લામેન્ટ સિક્યુરિટી સર્વિસનો ભાગ છે. આર્ટિકલ ૯૮ની જોગવાઈ પ્રમાણે સંસદગૃહને અલગથી સ્ટાફ ફાળવવામાં આવે છે. તેના ભાગરૂપે જ આ માર્શલ્સ ગૃહના સભાપતિની સુરક્ષા સંભાળે છે.

સભાપતિની ડાબી તરફ માર્શલ હોય છે અને જમણી તરફ મદદનીશ માર્શલ સેવા આપે છે. કોની જગ્યાં ક્યાં હોય છે એ પણ નિયમ પ્રમાણે નક્કી જ હોય છે. સભાપતિ જ્યાં સુધી સંસદના પરિસરમાં હોય ત્યાં સુધી તેમની સુરક્ષા, મદદની જવાબદારી માર્શલના શિરે હોય છે. સંસદના બંને ગૃહોના સુરક્ષા અધિકારીઓને સંસદ પરિસરની જરૂરિયાત મુજબ વિશેષ તાલીમ આપવામાં આવે છે, પરંતુ માર્શલને તો એનાથી ય અલગ અને ખાસ ટ્રેનિંગ મળે છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે સભાપતિના આદેશ પ્રમાણે ગૃહમાં ધમાલ મચાવતા સભ્યોને બહાર કાઢવાનું કામ આ માર્શલ કરે છે, પરંતુ એ સિવાયના ઘણાં કાર્યો માર્શલને કરવાના હોય છે. સભ્યોને બહાર લઈ જવાનું કામ તો વોર્ડ અધિકારીઓને પણ સોંપવામાં આવે છે. ધાંધલ-ધમાલ વખતે કોઈ સભ્ય સ્પીકર સુધી ન પહોંચે તે માર્શલે જોવાનું હોય છે.

માર્શલ પાસે સંસદીય પ્રક્રિયાને લગતું જ્ઞાન હોવું અનિવાર્ય છે. સંસદમાં ઉગ્ર ચર્ચા થાય ત્યારે કે વચ્ચે બીજા સભ્યો બોલવાની પરવાનગી માગે ત્યારે માર્શલના આ જ્ઞાનની પણ કસોટી થાય છે. સંસદગૃહમાં રખાયેલા ચિત્રોની સંભાળ પણ માર્શલના કાર્યક્ષેત્રમાં આવે છે. સભાપતિ સુધી પહોંચતા ચા-કોફી પણ માર્શલની નિગરાનીમાંથી જ પસાર થાય છે. બીજી રીતે કહીએ તો સ્પીકર અને સભાપતિ સંસદ પરિસરમાં હોય ત્યારે તેમની સંપૂર્ણ જવાબદારી માર્શલની હોય છે. બંને માર્શલને ખરા અર્થમાં સભાપતિના બંને હાથ બનીને સંસદગૃહમાં કામગીરી કરવાની તાલીમ મળે છે.
Sunday 1 December 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -