Archive for August 2011

દરરોજ ૨૦૦ વખત મોતને હાથતાળી આપે છે ૧૦૮



૨૯મી ઓગસ્ટ ૨૦૦૭થી ગુજરાતમાં દર્દીને કટોકટી સમયે પળતી હોસ્પિટલ પૂર્વેની સારવારનો નવો યુગ શરૃ થયો. કોલ કરો એટલે ગણતરીની મિનિટ્સમાં દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ આવી જાય અને હોસ્પિટલ સુધી દર્દી પહોંચે એ પહેલા જ પ્રાથમિક સારવાર પણ આ એમ્બ્યુલન્સમાં જ મળી જાય. વળી આ કોઈ પ્રાઈવેટ કંપનીની કોર્પોરેટ સ્ટાઈલથી પૈસા વસૂલીને મળતી સુવિધા નહોતી પરંતુ ગરીબ દર્ર્દીઓ વિનામૂલ્યે આ સવલતનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા હતી! માત્ર ફોન કરો, સાચુ લોકેશન કહો, દર્દી કહો અને દર્દીને આશ્વાસન આપો એટલી જ વારમાં એમ્બ્યુલન્સ તેની મેડીકલ ટીમ સાથે દર્દીની સામે આવીને ઉભી રહી હોય. ગુજરાતમાં અને ભારતમાં બધા જ કામ માટે રાહ જોઈને થાકતા પ્રજાજનો માટે આજ પર્યન્ત આ એક સર્વિસ સુખદ આશ્ચર્ય  બની રહી છે!!

યેસ! આપણે અહીં ટોલ ફ્રી નંબર ૧૦૮થી મળતી એમ્બ્યુલન્સ કમ મેડીકલ  સેવાની વાત માંડી છે! આ વાતને આગળ વધારતા પહેલા એ પણ જાણી લઈએ કે મોટા ભાગના ગુજરાતીઓ માને છે કે આ સુવિધા ગુજરાત સરકાર પૂરી પાડે છે તો આ અર્ધત્ય છે અને બીજુ કે આ એમ્બ્યુલન્સ કમ મેડીકલ સેવા ગુજરાત સિવાય પણ બીજા ૧૦ રાજ્યોમાં કાર્યરત છે. ૧૦૮ સેવા ગુજરાત સરકારના નામે ચડાવી દેવામાં પાવરધા પ્રસિધ્ધિ ભુખ્યા રાજકારણીઓ અને અમલદારોના કારણે ગુજરાતની જનતાને ભાગ્યે જ એ ખબર હશે કે ગુજરાત સરકાર તો આ સેવામાં ભાગીદાર છે અને પુરેપૂરો યશ લઈ શકે નહીં! જી.વી.કે. ઈ.એમ.આઈ. અને જે તે રાજ્ય સરકારનું સંયુક્ત સાહસ એટલે ૧૦૮. ગુજરાતમાં પણ આ સંસ્થા અને રાજ્ય સરકારની ભાગીદારીથી આમ જનતાને ૧૦૮ જેવી ગુણવત્તાસભર મેડીકલ સુવિધા મળી રહી છે. મજાની વાત એ છે કે ભારતના ૧૧ રાજ્યોમાં કાર્ય કરતી ૧૦૮ સેવાની સરાહના આરોગ્યની ચિંતા કરતી અમુક વૈશ્વિક સંસ્થાઓના તજજ્ઞોએ પણ કરી છે, અને સમગ્ર ભારતમાં આ સુવિધા લાગુ પાડવાનો મત પણ વ્યકત થયો છે. વિશ્વમાં માનવ આરોગ્યની ફીકરી કરતી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો ભારત સરકાર આરોગ્યની બાબતમાં બેદરકાર  હોવાનો મત અવારનવાર વ્યકત કર્યો છે, પરંતુ એ હકીકતનો પણ સ્વીકાર કર્યો જ છે કે ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવાના વિકાસ બાદ અમુક રાજ્યોની આરોગ્ય સુખાકારી વધુ સારી રીતે બહાર આવી રહી છે. ૧૦૮નો લાભ લઈને કટોકટી પળમાંથી ઉગરેલા દર્દીઓ જ સાચુ મૂલ્યાંકન કરી શકે અને એ જ સાચો મત  આપી શકે એ રીતે જોવામાં આવે તો આવો જ એક પ્રસંગ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે યોજાયો હતો. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોનનો ૧૦૮ લાભાર્થીઓનો સન્માન સમારોહ રાજકોટમાં યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ખરેખરી જીવલેણ કટોકટીમાંથી ઉગરેલા ૧૧૦ લાભાર્થીઓએ ૧૦૮ની ખરા સમયની જરૃરીયાત અને વિશ્વસનીયતાની પ્રશંસા ખરા દિલથી કરી હતી.

 ૫૦૬ એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાતના બધા જિલ્લાઓમાં કાર્યરત ૧૦૮ સેવા ગુજરાતની છ કરોડ ઉપરાંતની જનતાને કટોકટી વેળાની મેડીકલ સવલત પુરી પાડે છે. ત્રણ વર્ષ જેવા ટૂંકા ગાળામાં વિશ્વસનીયતા હાંસિલ કરવાની સાથે સાથે ૨૩ લાખથી પણ વધુ ઈમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. એટલું જ નહીં જીવલેણ પરિસ્થિતિમાં ૧,૧૫,૩૨૯ જિંદગીને ઉગારી લીધી છે. આજે ૧૦૮ પ્રતિદિન ૨૫૦૦ ઈમરજન્સી કોલને પ્રતિભાવ આપે છે જે પૈસા ૨૦૦ વ્યક્તિઓને સાચે જ મોતના મુખમાંથી આંચકી લે છે!

અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સમાં જ થઈ છે ૨૦ હજાર પ્રસુતિ
આ સેવા આશીર્વારૃપ બની હોય તો પ્રસુતિની બાબતમાં. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તાર હોય, બિસ્માર રસ્તા હોય, ધાર્યુ વાહન મળતુ ન હોય અને એમાંય હોસ્પિટલની સારવાર ૩૦ કે ૪૦ કિલોમીટરના અંતરે હોય ત્યારે દર્દીને અને ખાસ કરીને પ્રસુતાને હોસ્પિટલ સુધી પહોંચાડવી એ તો જેના પર વીતી ચૂકી હોય એ જ જાણે! આ સ્થિતિમાં ગણતરીની મિનિટસમાં પહોંચીને ૧૦૮ એમ્બ્યુલન્સે જે ક્રાંતિ સર્જી છે એ ખરેખર સરાહવા યોગ્ય છે. ગુજરાતની અનેક પ્રસુતા બહેનોની પીડા ઓછી કરવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો અનોખો ફાળો છે. ૧૦૮ સેવાના ઉદય પહેલા પ્રસુતિ દરમિયાન મૃત્યુ પામનારી મહિલાઓ અને બાળકોના મૃત્યુ દરનો તફાવત ઉડીને આંખે વળગે એવડો મોટો હતો. આપણે ૧૦૮ સેવાની સૌરાષ્ટ્રભરના જિલ્લાઓની વિવિધ ઈમરજન્સી અંગેની સ્થિતિનો ચિતાર પણ મેળવીએ.

રાજકોટઃ જિલ્લાની ૩૮ લાખથી પણ વધુ જનતાને ૨૬ એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી સેવા પુરી પાડવામાં આવે છે. એક લાખ એકતાલીસ હજારથી વધુ ઈમરજન્સીને પ્રતિસાદ આપીને રાજકોટ પંથકમાં ૧૦૮ દ્વારા ૭,૮૧૧ જીવલેણ પરિસ્થિતિમાં સપડાયેલા દર્દઓને નવજીવન મળ્યું છે. આડત્રીસ હજાર ઉપરાંત પ્રસુતિઓ વખતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળ્યો છે. એટલું જ નહીં માર્ગ અકસ્માતનો ભોગ બનેલાને કટોકટી પળોની સારવાર આપવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કારગત નિવડી છે. આ ઉપરાંત હૃદયરોગ અને શ્વાસોચ્છાવાસની ગંભીર સ્થિતિ વેળાએ આ સુવિધા ૧૭ હજાર હૃદયને ધબકતા રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવીને યોગ્ય સમયે હોસ્પિટલની સારવાર અપાવી છે.

જૂનાગઢઃ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ૨૩ એમ્બ્યુલન્સ ૨૪ કલાકની સેવા પુરી પાડે છે. ત્રણ વર્ષમાં એક લાખ દર્દીઓને કટોકટીની ગંભીર સ્થિતિ વખતે ૧૦૮ એમ્બ્યુલન્સનો લાભ મળ્યો છે. જેમાં પ્રસુતિ સમયે એકતાલીસ હજાર, માર્ગ અકસ્માત વખતે તેર હજાર, જીવલેણ પરિસ્થિતિ વખતે પાંચ હજાર તેમજ હૃદયરોગ અને શ્વાસોચ્છવાસની બિમારી વખતે ૧૪ હજાર દર્દીઓનો સમાવેશ થાય છે. જૂનાગઢ પંથક પ્રસુતિ વખતે ૧૦૮ નો લાભ મળવવામાં બીજા ક્રમાકે છે. આ વિસ્તારમાં પ્રસુતાઓની જિંદગી બચાવવા માટે ૧૦૮ સેવાનો લાભ લેવાની સવિશેષ જીગૃતિ જોવા મળી છે.

જામનગરઃ જામનગર જિલ્લાની ૨૧ લાખ જેટલી જનતાને ૧૮ એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી સેવા આપવામાં આવે રહી છે. અત્યાર સુધીમાં ૭૦ હજાર ઈમરજન્સીને પ્રતિસાદ સાંપડયો છે. ૨૩ હજાર પ્રસુતિ સંબંધિત, ૧૦ હજાર માર્ગ અકસ્માતનો ભોગ બનનારાઓએ ૧૦૮ સેવાનો લાભ લીધો છે તો વળી અન્ય દસ હજાર વ્યક્તિઓને ગંભીર જીવલેણ સ્થિતિ કે હૃદયની ગંભીર બિમારી વખતે આ એમ્બ્યુલન્સ મોતના મુખમાંથી પાછા ખેંચી લાવીને નવી જિંદગી આપવામાં સફળ છે.

પોરબંદરઃ પાંચ એમ્બ્યુલન્સ પોરબંદર જિલ્લાની જનતાની સેવા કરી રહી છે. અત્યાર સુધીમાં પ્રસુતિ વખતે પાંચ હજાર માર્ગ અકસ્માત સમયે બે હજાર ઉપરાંત જીવલેણ પરિસ્થિતિ સમયે એક હજાર, જ્યારે હૃદયરોગ અને શ્વાસ સંબંધિત ગંભીર કટોકટી વખતે ત્રણ હજાર જિંદગી બચાવવાનું કાર્ય આ જિલ્લામાં ૧૦૮ સેવાએ કર્યું છે.

ભાવનગરઃ ભાવનગરમાં એક લાખ ઈમરજન્સી પ્રતિભાવ ૨૩ એમ્બ્યુલન્સ થકી મળી શક્યો છે. પ્રસુતિના તેતાલીસ હજાર કિસ્સાઓમાં ૧૦૮નો લાભ લેવાની જાગૃતિમાં ભાવનગર અવ્વલ સ્થાને રહે છે. પ્રસુતિ ઉપરાતં રોડ એક્સિડેન્ટ વખતે ચૌદ હજાર, ગંભીર પળો વખતે છ હજાર, હૃદયરોગ અને શ્વાસની બિમારી સમયે તેર હજાર ઈમરજન્સી આ મેડીકલ કમ એમ્બ્યુલન્સ સેવાએ નિવારી છે.

અમરેલીઃ અમરેલી પંથકમાં ૧૮ એમ્બ્યુલન્સ દ્વારા આશરે પંદર લાખ લોકોની સેવા કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં ૬૫ હજાર ઈમરજન્સીમાં ૧૦૮ની સેવા મળી રહી છે. જેમાં ત્રીસ હજાર તો માત્ર પ્રસુતિ વખતે જ મળી રહી છે. એટલે કે અડધો અડધ પ્રતિભાવ પ્રસુતિની ઈમરજન્સીને સાંપડયા છે. આ સિવાય આશરે ૧૦૮ હજાર પ્રતિસાદ માર્ગ અકસ્માત, હૃદયરોગ, શ્વાસોચ્છવાસ અને ગંભીર પરિસ્થિતિ વખતે ૧૦૮ સેવાએ આપ્યો છે.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૯ હજાર ઈમરજન્સી સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ બખૂબી સેવા પુરી પાડી છે. રોડ એક્સિડેન્ટમાં ૯ હજાર, પ્રસુતિમાં ૨૮ હજાર, હૃદયરોગમાં ૨ હજાર અને ગંભીર ક્ષણો વખતે બે હજાર પાંચસો જિંદગી ૧૦૮ એમ્બ્યુલન્સે આ જિલ્લામાં બચાવી છે. સુરેન્દ્રનગર પંથકમાં ૧૪ એમ્બ્યુલન્સ દ્વારા ૧૭ લાખ લોકોને સાંકળતી આ ઈમરજન્સી સેવા ખરેખર આશીર્વાદરૃપ બની રહી છે.
Monday 1 August 2011
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -