- Back to Home »
- madhyantar »
- વિશ્વનું સર્વાધિક લોકપ્રિય સોંગ : 'હેપી બર્થ ડે ટુ યુ'
Posted by :
Harsh Meswania
Wednesday, 26 June 2013
મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગના કોપીરાઇટ માટે અત્યારે બરાબરની લડત ચાલી રહી છે. આ સોંગના કોપીરાઇટ ધરાવતી કંપની સામે એક ફિલ્મમેકરે બાંયો ચડાવી છે. તેમનો દાવો છે કે આ પબ્લિક સોંગ છે. દાવામાં દમ છે કે પછી ખરેખર પેલી કંપની પાસે કોપીરાઇટ છે એ તો કોર્ટના નિર્ણય પછી જ ખબર પડશે, પરંતુ આ સોંગના કોપીરાઇટનો મામલો પહેલાંથી વિવાદિત રહ્યો છે. સોંગ લોકપ્રિય પણ રહ્યું છે અને વિવાદિત પણ રહ્યું છે
વેરાવળથી લઈને વ્હાઇટહાઉસ સુધી કોઈનો બર્થ ડે મનાવાતો હોય અને એમાં 'હેપી બર્થ ડે ટુ યુ...' સોંગની ગેરહાજરી હોય તો કદાચ બર્થ ડે ફિક્કો લાગે! પણ આ સોંગ ગાતી વખતે આપણે ભાગ્યે જ સોંગ કોણે લખ્યું હશે? અને કોણે કંપોઝ કર્યું હશે? એનો વિચાર કરતા હોઈએ છીએ. આ બર્થ ડે સોંગ પર છેલ્લાં ૧૨૦ વર્ષથી એક કંપનીનું આધિપત્ય છે અને એ કંપની વર્ષે કરોડો ડોલરની કમાણી આ એકમાત્ર સોંગના બલબૂતા પર કરે છે એની પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. અત્યારે આ સોંગ એક નોખા કારણથી વિશ્વભરનાં સમાચાર માધ્યમોમાં ચમક્યું છે. હેપી બર્થ ડે સોંગ પર કોઈ એક કંપનીનો એકહથ્થુ અધિકાર હોઈ ન શકે એવી એક અરજી કોર્ટ પાસે નિર્ણય માટે પેન્ડિંગ પડી છે. આ દાવાને ચોમેરથી સમર્થન પણ મળી રહ્યું છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે 'હેપી બર્થ ડે સોંગ' પર અને શબ્દો પર કોઈનો અધિકાર ન હોવો જોઈએ, કેમ કે તે વિશ્વનું સૌથી લોકપ્રિય બર્થ ડે સોંગ છે. ગીતની અન્ય રસપ્રદ બાબતો જાણતા પહેલાં તેના લેટેસ્ટ વિવાદ તરફ એક નજર કરવા જેવી છે.
લેટેસ્ટ વિવાદ : મહિલા ફિલ્મમેકર કંપની પર ભારે પડી રહી છે
ડોક્યુમેન્ટરી ફિલ્મમેકિંગમાં સારી એવી ખ્યાતિ ધરાવતાં અમેરિકન મહિલા ફિલ્મમેકર જેનિફર નેલ્શને 'હેપી બર્થ ડે' નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ત્યારથી આ વિવાદનો મધપૂડો છેડાયો છે. જેનિફરની કંપનીએ કોપીરાઇટ ધરાવતી કંપની વાર્નર-ચેપલને આ નામ વાપરવા માટે વળતર પેટે આશરે ૮૭ હજાર રૂપિયા ચૂકવ્યા છે. જોકે, ફિલ્મમેકરે ન્યૂ યોર્કની કોર્ટમાં એવો દાવો કર્યો છે કે કંપનીને રોયલ્ટીની રકમ આપી હોવા છતાં તેના પર માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેનિફરના કહેવા પ્રમાણે સોંગના સર્જનને ૧૨૦ વર્ષનો સમય વીતી ગયો છે એટલે નિયમ મુજબ એમાં કોપીરાઇટ શક્ય નથી. બીજી તરફ બચાવમાં એવી દલીલ થઈ રહી છે કે સોંગની સર્જક બે બહેનો પૈકી એક પેટ્ટી હિલનું નિધન ૧૯૪૬માં થયું છે એટલે અમેરિકન કાયદા પ્રમાણે સર્જકના નિધન પછી ૭૦ વર્ષ સુધી કોપીરાઇટ જીવંત રહે છે એ રીતે આ સોંગના હકો ૨૦૧૬માં મુક્ત થશે.
બે બહેનોએ બાળકો માટે સોંગનું સર્જન કર્યું હતું!
બે અમેરિકન બહેનો પેટ્ટી હિલ અને મિલ્ડ્રેડ હિલ કેન્ટુકીની એક બાળવાડીમાં શિક્ષકની નોકરી કરી રહ્યાં હતાં ત્યારે બાળકો માટે તેમણે એક ગીત લખ્યું હતું - 'ગુડ મોર્નિંગ ટુ યુ'. મિલ્ડ્રેડ હિલ સંગીતની શોખીન હતી અને તેણે આ ચાર લીટીના સોંગને સંગીતબદ્ધ પણ કર્યું. આ બંને બહેનો સવારે શાળામાં જાય ત્યારે ભૂલકાંને આ હૂંફાળું ગૂડ મોર્નિંગ સોંગ ગાઈ સંભળાવે. શાળામાં અને શહેરમાં આ સોંગ ખૂબ લોકપ્રિય બની ગયું. ત્યાર પછી એ જ અરસામાં ગૂડ મોર્નિંગની જ સ્ટાઇલથી તેમણે વધુ એક સોંગ લખ્યું - 'હેપી બર્થ ડે ટુ યુ...'. ચાર લીટીનું સોંગ આ બંને બહેનોએ પછી પોતાની સોંગ બુક 'સોંગ સ્ટોરીઝ ફોર ધ કિન્ડરગાર્ટન'માં સમાવ્યું હતું. બર્થ ડે સોંગની લોકપ્રિયતાની શરૂઆત ૧૯૨૦ આસપાસ થઈ. કાર્ટૂન શ્રેણીઓથી લઈને રેડિયો સુધી આ સોંગ લોકપ્રિય બન્યું. આ દરમિયાન પેલી સર્જક બહેનોમાંથી એકનું નિધન થઈ ચૂક્યું હતું અને એના તરફથી કોપીરાઇટનો દાવો કરાયો નહોતો એટલે બધાને લોકપ્રિય સોંગની લોકપ્રિયતા અંકે કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. દરમિયાન આ બંનેની બહેન જેસિકા હિલે પોતાની બહેનો વતી કોર્ટમાં ઘા નાખી અને પૂરતા પુરાવાઓ રજૂ કરીને લડત ચલાવી. અંતે ૧૯૩૪માં તેમને સોંગના તમામ હકો મળ્યા. અત્યારની લડતનાં મૂળિયાં છેક અહીં રોપાયાં હતાં. એક્ચુઅલી હિલ સિસ્ટર્સે જેમને આ સોંગના રાઇટ્સ આપ્યા હતા તે કંપની બીર્ચ ટ્રી લિમિટેડને ૧૯૯૮માં અમેરિકાની જાણીતી મ્યુઝિક કંપની વાર્નર-ચેપલે ખરીદી લીધી. ખરેખર તો બીર્ચને ખરીદવા પાછળ વાર્નર-ચેપલની ગણતરી આ સોંગની લોકપ્રિયતાની રોકડી કરવાની જ હતી. આ કંપની હેપી બર્થ ડે સોંગ દ્વારા વર્ષેદહાડે બે મિલિયન ડોલર એટલે કે આશરે ૧૨ કરોડ રૂપિયાનો ધીકતો ધંધો કરે છે અને એટલે જ તેના હકો પોતાની પાસે રાખવાની સતત કોશિશ કરે છે.
મૂળ સોંગ પણ અન્ય લોકપ્રિય ગીતોની ઉઠાંતરી છે?
ઘણાં અમેરિકન માને છે કે મૂળ સોંગ પર ૧૯મી સદીનાં લોકપ્રિય ગીતોની ગાઢ અસર છે. તે સમયે અમેરિકામાં હોરાસ વોટર નામના સંગીતકારની એક ધૂન 'હેપી ગ્રીટિંગ્સ ટુ ઓલ' ખૂબ લોકપ્રિય થઈ હતી. આ ગીતની અસર હેપી બર્થ ડે ગીતના શબ્દો પર અને ધૂન પર પડી હતી. આ સિવાય 'ગૂડ નાઇટ ટુ ઓલ', 'હેપી ન્યૂ યર ટુ ઓલ' વગેરે ગીતોથી આ બંને પ્રભાવિત હોય એવું બની શકે છે!
વિવાદ ગમે તેવો મોટો હોય પ્રચંડ લોકપ્રિયતા સામે બધું ફિક્કું!
ગીત સામે વિવાદ ભલે ગમે એટલો મોટો હોય, પણ તેની પ્રચંડ પોપ્યુલારિટી સામે બધું જ શમી જાય છે. 'ટાઇમ' જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને ૧૯૮૯માં સૌથી લોકપ્રિય ગીતોમાં આ ગીતને પહેલા નંબરે મૂક્યું હતું. તો વળી, બીબીસીએ ડિસેમ્બર, ૨૦૧૨માં વિશ્વના સંગીત ઇતિહાસનું સૌથી વધુ કમાણી કરનારા ગીત અને ટ્રેક તરીકે તેને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. આ એકમાત્ર ગીત છે કે જે સ્પેસમાં પણ ગુંજ્યું છે. ૮ માર્ચ, ૧૯૬૯માં નાસાના વિજ્ઞાની ક્રિસ્ટોફર ક્રાફ્ટનો બર્થ ડે તેમના સાથીઓએ આ ગીત ગાઈને મનાવ્યો હતો. હોલિવૂડની ઓલટાઇમ પોપ્યુલર અભિનેત્રી મેરેલિન મનરોએ ૧૯૬૨માં અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના બર્થ ડે પર આ બર્થ ડે ગીત રજૂ કર્યું હતું. એક અમેરિકન પિયાનિસ્ટ વિક્ટર બોર્ગ આ ગીત રજૂ કરીને સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. એમ તો આપણે ત્યાં પણ આ સોંગનો ક્યાં ઓછો ઉપયોગ થયો છે! રફી સાહેબનું 'હેપી બર્થ ડે ટુ યુ' સોંગ આજેય બર્થ ડે પર ખાસ પેશ થતું હોય છે. આ સિવાય ઉદિત નારાયણનું હેપી બર્થ ડે મિ. પેડ્રો, હેપી હેપી બર્થ ડે ટુ યુ...જેવાં ગીતો ભારતીય ફિલ્મી સંગીતમાં લોકપ્રિય ગીતોની શ્રેણીમાં સ્થાન પામે છે. જોકે, બર્થ ડે સોંગની કમાણી કરવા ભલે જંગ જામતો, આપણે એમાં એક રૂપિયો પણ નહીં આપવો પડે, કેમ કે તમે તમારા દોસ્તોની બર્થ ડે પાર્ટીમાં આ ગીત ગાતાં હશો તો કોઈ જ કોપીરાઇટ નહીં બને. ડોન્ટ વરી!