Archive for June 2014

૨૦૬ દેશ, ૮૨૦ મેચ, ૨૩૦૩ ગોલ!

રોમાંચક વિશ્વકપ પહેલાના ક્વોલિફાઇંગ મુકાબલા કેવા હતા?

ફિફા વિશ્વકપ રોમાંચના મધ્યાહને પહોંચ્યો છે. દિવસે દિવસે ફૂટબોલ ચાહકોની આતૂરતા વધતી જાય છે. ૩૨ દેશો વચ્ચે એક બીજાથી ચડિયાતા સાબિત થવાની હોડ જામી છે, પણ આ હોડના દોઢ વર્ષ અગાઉ ૨૦૬ દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મુકાબલા ખેલાય છે. જેમાંથી શ્રેષ્ઠ ૩૨ ટીમો પસંદગી પામે છે. વિશ્વકપનો જંગ એટલે રોમાંચક બની જાય છે, કારણ કે શ્રેષ્ઠ વચ્ચે શ્રેષ્ઠ સાબિત થવાની હરિફાઈ હોય છે...

ફિફા વિશ્વકપ દરમિયાન મેદાનમાં જેટલો ઉન્માદ હોય છે એટલો જ ઉત્સાહ મેદાનની બહાર લાખો ચાહકોમાં હોય છે. ખેલાડીઓના પગથી મેદાનમાં આમથી તેમ ફંગોળાતો બોલ જેમ જેમ ગતિ પકડે છે તેમ તેમ દર્શકોનું ઝનૂન પણ વેગવંતુ બની જાય છે. એક તરફ ખેલાડીઓ બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવા અધીરા બને છે, તો બીજી તરફ મેદાનમાં ચિચિયારીઓ બૂલંદ બનતી જાય છે. એક તરફ બંને ટીમની છાવણીમાં ઘડીક ઉત્સાહનો ઉછાળો આવે છે તો ઘડીક નિરાશાથી મસ્તક નમી જાય છે. બીજી તરફ ટેલિવિઝન સેટ સામે બેસીને લાખો દર્શકો એ બધુ જોવા માટે આંખનું મટકુ મારવાનું પણ ભૂલી જાય છે. ફૂટબોલ માટે આટલી બધી દિવાનગી શા માટે? એનો જવાબ મેળવવા માટે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ડોકિયું કરવું રહ્યું!

વર્લ્ડકપમાં રમવા માટે ૨૦૮ દેેશો હરોળમાં હોય છે!
ફિફા વિશ્વકપ માટે બે-અઢી વર્ષ પહેલા ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાવાના શરૃ થઈ જાય છે. આ વર્લ્ડકપ માટે છેક ૧૫ જૂન, ૨૦૧૧થી ક્વોલિફાઈંગ રાઉન્ડનો  પ્રારંભ થયો હતો. ક્રિકેટમાં ટેસ્ટ ટીમનો દરજ્જો ધરાવતી બધી જ ટીમોને વિશ્વકપમાં રમવા મળે છે, પણ ફિફામાં એવું નથી હોતું. રેન્કિંગમાં પહેલા નંબરે હોય કે છેલ્લા નંબરે, બધી જ ટીમોના ક્વોલિફાઈંગ રાઉન્ડના દેખાવના આધારે વિશ્વકપમાં પ્રવેશ મળે છે.  ફિફાના નિયમ પ્રમાણે જે દેશ આયોજક હોય તેને સીધો પ્રવેશ મળી જાય છે. બીજો પ્રવેશ ગત વિશ્વકપની વિજેતા ટીમને મળે છે. ૩૨ દેશો વચ્ચે રમાતા આ વિશ્વકપમાં એક આયોજક અને એક ગત ચેમ્પિયનને બાદ કરતા બાકીના ૩૦ દેશોની ટીમોને પ્રવેશ આપવાનો હોય છે. એ માટે ફિફાના ૨૦૬ (કુલ સભ્યો ૨૦૮ દેશ છે, પણ આયોજક અને વિશ્વ ચેમ્પિયન દેશને બાદ કરતા) દેશો વચ્ચે ક્વોલિફાઇંગ મેચોમાં જ બરાબરનો જંગ જામે છે. એમાં પાણી મપાય જાય કે કોના પગમાં ગોલ કરવાનું અને ગોલ રોકવાનું પાણી છે!
આ વખતના વિશ્વકપ માટે ૮૨૪ મેચો રમાવાની હતી, પરંતુ ભૂતાન, બુ્રનેલ, ગુઆમ અને મોરિટાનિયાએ છેક સુધી ક્વોલિફાઇંગ માટે દાવેદારી ન મોકલતા અંતે ૮૨૦ મેચો રમાઈ હતી. જૂન, ૨૦૧૧થી શરૃ થયેલા ક્વોલિફાઇંગ રાઉન્ડ છેક ૨૦ નવેમ્બર, ૨૦૧૩માં ઉરૃગ્વે-જોર્ડન વચ્ચે મેચ રમાઈ ત્યારે પૂરા થયાં હતાં. ફિફાના ટોચના ૨૪ રેન્કિંગ ધરાવતા દેશોમાંથી ૨૩ દેશોએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સારો દેખાવ કરીને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મેળવીને પોતાના રેન્કિંગને ખરું સાબિત કર્યું હતું. આ વખતેના ક્વોલિફાઇંગ મુકાબલા કેટલા મજેદાર હશે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે કુલ ૮૨૦ મેચોમાં ૨૩૦૩ ગોલ થયા હતા. એટલે કે મેચ દીઠ એવરેજ ૨.૮૦ ગોલ!
ફિફાના સભ્યો દેશોને એશિયન ફૂટબોલ કન્ફેડરેશન, કન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ નોર્થ-સેન્ટ્રલ અમેરિકા એન્ડ કેરેબિયન એસોસિએશન ફૂટબોલ, કન્ફેડરેશન ઓફ સાઉથ અમેરિકા ફૂટબોલ, ઓસેનિયા ફૂટબોલ કન્ફેડરેશન અને યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન એમ ૬ સંઘોમાં વહેંચવામાં આવ્યા છે.
આ બધા સંઘોની ટીમને બે ગૃપમાં વહેંચીને મેચ રમાડવામાં આવે છે. દરેક ગૃપમાં વિજેતા અને ઉપવિજેતાને ફિફા વિશ્વકપમાં પ્રવેશ મળી જાય છે. એ પછી બાકી રહેલી ૬ જગ્યાઓ માટે ગૃપમાં ત્રીજા નંબરે રહેલી ટીમો વચ્ચે સ્પર્ધા કરાવીને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રક્રિયા જટિલ છે. જોકે, ફૂટબોલ ચાહકોને જેટલી મજા વિશ્વકપમાં આવે છે એટલો જ આનંદ ક્વોલિફાઇંગ મુકાબલામાં પણ આવે છે. એટલે જ ક્વોલિફાઇંગ મેચમાં પણ દર્શકો ઉમટી પડતા હોય છે. ફૂટબોલ વિશ્વની કદાચ એવી એક માત્ર રમત છે કે જેની ક્વોલિફાઇંગ મેચ પણ કોઈ રસપ્રદ સીરિઝ જેટલી રોમાંચક બની રહે છે.

શકિરાને ભલે સાંભળો,  પણ સત્તાવાર સોંગ નથી!
૨૦૧૦ના ફિફા વર્લ્ડકપ વખતે શકિરાનું સોંગ વાકા વાકા ખૂબ જ લોકપ્રિય થયું હતું. એ ફિફા દ્વારા રીલિઝ થયેલા બે સત્તાવાર સોંગ પૈકીનું એક હતું. જોકે, આ વખતે શકિરાએ લા લા લા... સોંગ રજૂ કર્યું છે એટલે મોટા ભાગના ફૂટબોલ ચાહકોએ તેને ફિફાનું સત્તાવાર સોંગ માની લીધું છે, પણ ખરેખર એ શકિરા દ્વારા રજૂ થયેલું સોંગ છે. ફિફાને એ સોંગ સાથે કશી જ લેવા દેવા નથી. ફિફાએ તો અન્ય ત્રણ સોંગ રીલિઝ કર્યા છે. જેમાં પિટબુલ-જેનિફર લોપેજનું સોંગ 'વી આર વન',  'વી વિલ ફાઇન્ડ અ વે' અને 'ટાટુ બોમ ડા બોલા'નો સમાવેશ થાય છે. આ સિલસિલો આમ તો ૧૯૬૨થી શરૃ થયો છે. ચીલીમાં યોજાયેલા એ વિશ્વકપ વખતે 'એલ રોક ડેલ મુન્ડિઅલ' સોંગ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ લોકપ્રિય થયું હતું. તેની લોકપ્રિયતાથી પ્રેરાઈને પછીથી દરેક વખતે એક અથવા બે સોંગ રીલિઝ કરીને વિશ્વકપ પહેલા બરાબર માહોલ જમાવી દેવામાં આવે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હવે ઓફિશ્યલ થીમ સોંગ, ઓફિશ્યલ એન્થમ અને મેસ્કોટ સોંગ એવા અલગ અલગ નામે વિશ્વભરના લોકપ્રિય પર્ફોર્મર્સને લઈને રોમાંચક મુકાબલાઓ પહેલા રસદાર સોંગ રજૂ કરી દેવામાં આવે છે. આ બધા સોંગના કારણે છેલ્લા થોડા વર્ષોથી વિશ્વકપ પહેલા જ પૂરતો માહોલ બની જાય છે. ફિફા દ્વારા રજૂ થતાં સત્તાવાર સોંગ સિવાય અલગ-અલગ કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે અને વર્લ્ડકપની લોકપ્રિયતાનો લાભ લેવા માટે સોંગ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શકિરાની જેમ વિશ્વભરના કલાકારો પણ પોતાની જાતે સોંગ રીલિઝ કરતા હોય છે.

વિશ્વકપનો વિરોધ સરકાર માટે માથાનો દુખાવો
ફિફા વિશ્વકપની સાથે સાથે જ વિશ્વકપમાં વપરાતી મોટી રકમ સામે બ્રાઝિલમાં વિરોધનો સૂર ઉઠયો છે. ખાસ તો બ્રાઝિલના આદિવાસીઓએ સરકાર સામે મોરચો માંડયો છે. ગયા વર્ષે બ્રાઝિલમાં ફિફા વિશ્વકપ માટે બેઠક મળી ત્યારે જ આમ તો વિરોધ થયો હતો, પણ એ સમયે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા ન હોવાથી સરકારે એ વિરોધને ગંભીરતાથી લીધા ન હતા. શરૃઆતમાં માત્ર આદિવાસીઓ દ્વારા જ વિરોધ પ્રદર્શનો થતાં હતાં, પરંતુ હવે પાટનગર બ્રાઝિલિયાના નાગરિકો પણ વિરોધમાં જોડાયા છે એટલે સરકાર માટે મુશ્કેલી વધી છે.  વિરોધ બે મુદ્દાને લઈને થઈ રહ્યો છે. એક તો સરકાર મોટો ખર્ચ વિશ્વકપના આયોજન પાછળ કરે છે એને બદલે નાગરિક સુવિધામાં વધારો કરે એવી સ્વાભાવિક માંગણી લોકોની ઉઠી છે.
બીજી તરફ બ્રાઝિલના આદિવાસીઓએ નાગરિક સુવિધા પાછળ ખર્ચ કરવાની સાથે સાથે બ્રાઝિલના જંગલ પરત્વે સરકારની ઉદાસિનતા સામે વિશ્વભરના પ્રચાર માધ્યમોનું ધ્યાન પડશે એ ગણતરી કરીને પણ વિરોધને ઉગ્ર બનાવ્યો છે. વર્લ્ડકપ દરમિયાન જડબેસલાક સુરક્ષા માટે બ્રાઝિલિયન સરકાર લગભગ ૮૬ કરોડ ડોલર જેવી માતબર રકમ ખર્ચી રહી છે. તો બીજી તરફ આ દેખાવકારોએ માથુ ઉચક્યું છે એટલે એની પાછળ પણ સૈન્ય અને પોલીસને લગાવવી પડી છે. કારણ કે, જો સુરક્ષામાં છિદ્રો હોય એવું જરાક પણ કોઈ દેશને લાગે અને પોતાની ટીમને પાછી બોલાવી લે તો વિશ્વભરના માધ્યમો આવડતનો યશ આપવાને બદલે અણ આવડતનો અપયશ આપી દે. એવો ફફડાટ બ્રાઝિલની આયોજન સમિતિને હોય એ સ્વાભાવિક પણ છે.

Sunday 22 June 2014
Posted by Harsh Meswania
Tag :

રાતા-પીળા થયેલા ખેલાડીઓને ઠંડા પાડતાં લાલ-પીળાં કાર્ડ્સ



ફિફા વિશ્વકપમાં ૩૨ દેશોના ખેલાડીઓ ઝનૂનપૂર્વક એકમેકને હરાવવા મેદાનમાં ઉતર્યા છે. આ જીતનો આવેગ ખેલાડીઓને આક્રમક બનાવી દે છે ત્યારે મેદાનમાં સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે એ માટે રેફરીના ગજવામાં રહેલાં વિવિધ કાર્ડ્સ સોસાયટીમાં રમતા-ઝઘડતાં બાળકોને ડારો આપતા વડીલની ગરજ સારે છે

ફૂટબોલ જેવી અતિ લોકપ્રિય રમત હોય, સંખ્યાબંધ ચાહકોની ચિચિયારી હોય, કોઈ પણ ભોગે દેશને જીત અપાવવાનું મક્કમ મનોબળ હોય, વિરોધી ટીમ પર તૂટી પડવાનો મજબૂત મનસૂબો હોય અને ફૂટબોલને કિક મારવા થનગનતા યુવા પગ હોય તો આક્રમકતા એની મેળે ભળી જાય છે! ખેલાડીઓ જોમ-જુસ્સાથી કૌવત બતાવીને જીત મેળવવા મરણિયા બને તો રમતને રસપ્રદ બનાવી શકે છે, પરંતુ ખેલાડીઓ કૌવતના સ્થાને કપટ કરવા માંડે ત્યારે રમતમાં ખેલદીલીને બદલે યુદ્ધ જેવી ઉગ્રતા આવી જતી હોય છે. આ સ્થિતિમાં ખેલાડીઓની ઉગ્ર લાગણી પર કાબૂ રહે તે માટે  વિવિધ કાર્ડ્સની મદદ લેવામાં આવે છે. કોઈ ખેલાડીઓનું વર્તન અન્ય ખેલાડીઓને શારીરિક ક્ષતિ પહોંચાડતું લાગે કે તરત જ રેફરી તેને રેડ કાર્ડ દેખાડીને બહાર મોકલી દે છે. વિશ્વકપના ઈતિહાસમાં ચર્ચાસ્પદ બનેલા આવા જ કેટલાક બનાવો...

ડિએગો મારાડોના-મનની અકળામણ મેદાન પર કાઢી
૧૯૮૨માં બ્રાઝિલ સામેની એ મેચમાં આર્જેન્ટિના ગોલની હરીફાઈમાં પાછળ રહી ગયું હતું. વળી, રેફરીએ આર્જેન્ટિનાને મળવી જોઈતી પેનલ્ટી માન્ય ન રાખી. આર્જેન્ટિના પર હારનો ખતરો તોળાતો હતો. ડિએગો મારાડોનાએ ફાઉલ કર્યુ હતું એટલે તે વાંકમાં હતો. મારાડોના ખૂબ ઘૂંઘવાયો હતો. તેણે મનમાં રહેલી અકળામણ અને રોષ મેદાન પર કાઢ્યો. તેનો ભોગ બન્યો બટીસ્ટા, જે હજુ બે મિનિટ પહેલાં જ સબસ્ટિટયુટ તરીકે મેદાનમાં આવ્યો હતો. મારાડોના સામે રેફરીએ તેના આ વર્તન બદલ રેડ કાર્ડ ધર્યું અને તેણે મેદાન છોડી દેવું પડયું. છેવટે તો આર્જેન્ટિનાએ હારનો જ સામનો કરવો પડયો.

ડેવિડ બેકહમ-લેવા ગયો જો જશ તો અપજશ મળ્યો!
૧૯૯૮ વખતે ડેવિડ બેકહેમે હજુ નામ કમાવવાનું બાકી હતું. મેદાન પર તેના નામની ચિચિયારીઓ નહોતી પડતી કે નહોતો ક્રેઝ તેના જેવી હેર સ્ટાઇલ કરવાનો. એ સમયે ડેવિડ બેકહેમે પણ કાર્ડના કહેરનો સામનો કર્યો હતો. ૧૯૯૮ના વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ આર્જેન્ટિના સામેની મેચમાં બેકહમે આવેશમાં આવી જઈ આર્જેન્ટિનાના મિડફિલ્ડર ડિએગો સાયમનને કિક ફટકારી દીધી હતી.  રેફરીએ બેકહેમની આ નાદાનિયત બદલ રેડ કાર્ડ બતાવીને તેને મેદાનની બહાર કર્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ છેવટે મેચ હારી ગયું.  સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થયું. ટીમની હાર માટે ડેવિડ બેકહેમને દોષિત ગણવામાં આવ્યો. તેના ભાગે અપયશ આવ્યો કે તેના આવા અલ્લડ વર્તનના કારણે ટીમ પર તેની માનસિક અસર થઈ એટલે છેવટે ટીમને હારનો સામનો કરવો પડયો!

જોશ બટીસ્ટા-ગણતરીની સેકન્ડમાં રેડ કાર્ડની સિદ્ધિ!
૧૯૮૬ના એ વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડને જીતવું જ પડે તેમ હતું, જ્યારે ઉરૃગ્વેને ડ્રો થાય તો પણ ખાસ વાંધો આવે એવું નહોતું. કોણ જાણે શું વિચારીને ઉરૃગ્વેનો ડિફેન્ડર જોશ બટીસ્ટા મેદાન પર ઊતર્યો હશે. મેચ ચાલુ થયાની ૫૬મી સેકન્ડે જ તેણે સ્કોટલેન્ડના ગોર્ડન સ્ટ્રેચનને પીઠ પર જ મુક્કો માર્યો. રેફરીએ એક ક્ષણે તેને રેડ કાર્ડ બતાવ્યું. વર્લ્ડ કપ જ નહીં, ફૂટબોલ ઇતિહાસનું આ સૌથી ઝડપી રેડ કાર્ડ હતું. મેચ શરૃ થયાની એક મિનિટ થાય એ પહેલા કોઈ ખેલાડીને રેડ કાર્ડ મળ્યાનું અગાઉ ક્યારેય નહોતું બન્યું. સામાન્ય રીતે રેડ કાર્ડની સ્થિતિ ત્યારે જ આવતી હોય છે. જ્યારે મેચ રસાકસીના માહોલમાં હોય અને જીતવા માટે ખેલાડીઓના દિમાગ તંગ હોય.


વેઈન રૃની-રેડ કાર્ડ સાથે ટીમની હારનો ટોપલો નફામાં
૨૦૦૬માં ઈંગ્લેન્ડની ટીમ સાથે ૧૯૯૮ની એક્શન રિપ્લે જ ભજવાઈ. જેમ બેકહેમને રેડ કાર્ડ મળ્યા પછી ટીમ હારીને બહાર થઈ હતી. એવું જ ફરી વાર થયું. આ વખતે બેકહેમને બદલે નામ હતું-વેઇન રુની. પોર્ટુગલ સામેની એ મેચમાં એવું થયું હતું કે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ રૃની સામે જોઈને આંખ મીચકારી અને રોષે ભરાયેલા રુનીએ રિકાર્ડો કરવાલ્હોને નિશાન બનાવ્યો. રુની રિકાર્ડો પર પડયો અને તરત જ રેફરીએ તેને રેડ કાર્ડ બતાવ્યું. ઇંગ્લેન્ડ પણ ફરી એક વાર વર્લ્ડ કપમાં પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું. હાર પછી રુની પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો.

રુડી-ફ્રેન્ક - હું તો જઈશ, તનેય સાથે લેતો જઈશ!
૧૯૯૦ના વિશ્વકપની એક મેચ વખતે એક સાથે બે-બે ખેલાડીઓને મેદાન છોડવંુ પડે તેવી નહીંવત બનતી ઘટના બની હતી. નેધરલેન્ડ - જર્મની વચ્ચેની મેચમાં આવી એક ઘટના બની હતી. નેધરલેન્ડના ફ્રેન્ક રિકાર્ડે મેદાનમાં આવતાની સાથે જ જર્મન સ્ટ્રાઈકર રુડી વોલરને નિશાન બનાવીને તેને હડફેટે લઈ નીચે પાડયો, રિકાર્ડના એ વર્તન માટે તેને યલો કાર્ડ દેખાડાયું. થોડી પળો પછી ડાઈવ લગાવી તે પાછો વોલર સાથે અથડાયો અને તેના કાન ખેંચી નાખ્યા. આ ઘટનાથી બંને વચ્ચે મેદાનમાં જ જામી પડી. બંને બાખડયા એટલે રેફરીએ બંનેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર જેવાનો હુકમ કર્યો.

ઝીનેડીન ઝીડાન-સ્ટાર ખેલાડીને ઉશ્કેરવાની રણનીતિ
૨૦૦૬ની ફાઈનલમાં ઈટાલી અને ફ્રાન્સ વચ્ચે તાજ મેળવવા સ્પર્ધા બરાબર જામી હતી. ૧-૧ ગોલ કરીને બંને ટીમોએ તાજ પર સરખી દાવેદારી નોંધાવી દીધી હતી. આગામી ગોલ કરવા જબરી રસાકસીનો માહોલ જામ્યો હતો. વાતાવરણ તંગ હતું. ખેલાડીઓમાં અકળામણ હતી, દર્શકોમાં ઉત્સાહ હતો. એમાં ફ્રાન્સના ઝીડાન પાસે આવી ઈટાલીનો માટેરાઝી કંઈક બોલીને તરત જ જતો રહ્યો. ઝીડાન ઉશ્કેરાટમાં હતો. થોડી વારમાં ફરીથી માટેરાઝી તેની આસપાસ ફરક્યો ત્યારે તેની રાહ જ જોતો હોય એમ ઝીડાન ત્રાટક્યો અને માટેરાઝી કંઈ સમજે એ પહેલા તો તેની છાતીમાં માથુ મારીને તેને નીચે પટકી દીધો. એ સાથે જ ઝીડાનને બહાર જવાનો સંકેત કરતું રેડ કાર્ડ બતાવાયું. અંતે ફ્રાન્સે ફાઇનલમાં હાર ખમવી પડી. પછીથી એવું કહેવાતું હતું કે ઝીડાનને બહાર કરવા ફ્રાન્સે ખાસ વ્યૂહરચના ઘડી હતી.

ક્યા રંગનું કાર્ડ કેવી પરિસ્થિતિમાં બતાવાય છે?
કાર્ડ દ્વારા ખેલાડીઓ પર અંકુશ લાવવાની શરૃઆત ૧૯૭૦ના મેક્સિકો વર્લ્ડ કપથી શરૃ થઈ. આવો પહેલ વહેલો વિચાર બ્રિટિશ રેફરી કેન એસ્ટનને આવ્યો હતો, જેમણે ટ્રાફિકની રૃલ્સની જુદી જુદી લાઈટસના આધારે યલો અને રેડકાર્ડના નિયમની ભલામણ કરી હતી. ખેલાડીનાં વાણી, વર્તનમાં કંઈક વાંધાજનક જણાય તો ખેલાડીને ટપારવા રેફરી યલો કાર્ડ બતાવીને ઓફિશિયલ વોનગ આપી શકે છે. એક વાર યલો કાર્ડ બતાવ્યા પછી પણ જો ખેલાડીના વર્તનમાં કોઈ બદલાવ ન આવે તો રેફરી ફરી વોનગ આપતા યલો કાર્ડ બતાવે, જેનો મતલબ કે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડે. ટીમમાં તેની જગ્યાએ કોઈ સબસ્ટિટયુટ ખેલાડીને રમવા દેવો કે નહીં તે નિર્ણય પણ રેફરી જ લે. ખાસ કિસ્સામાં, મામલો જ્યારે બહુ સંગીન હોય ત્યારે રેફરી સીધું જ રેડ કાર્ડ પણ બતાવી દે છે. રેડ કાર્ડ દેખાડે એટલે જે-તે ખેલાડીએ તરત જ મેદાન છોડી દેવું પડેે. વળી, તેની અવેજીમાં કોઈ અન્ય ખેલાડી પણ રમી ન શકે. જે ખેલાડીને રેડ કાર્ડ બતાવાયું હોય એના પર એકથી લઈને ત્રણ મેચ સુધી પ્રતિબંધ લાગી શકે છે. જોકે, ખેલાડી પોતાના પર લાગેલા પ્રતિબંધ સામે અપિલ કરી શકે છે.
Sunday 15 June 2014
Posted by Harsh Meswania
Tag :

અપૂર્ણતામાં ઉછરેલી પૂર્ણાનું મિશન એવરેસ્ટ પૂર્ણ!



૧૩ વર્ષની એક આદિવાસી કન્યા એક જ વર્ષની મહેનત પછી એવરેસ્ટ સર કરે છે. એક વર્ષ પહેલા તો તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તે ક્યારેય એવરેસ્ટની ઊંચાઈ આંબશે!

'મને  એમ લાગતું હતું કે હું સ્વર્ગમાં છું. ચોમેર ઊંચા શિખરો. બરફની ચાદર બિછાવીને તૈયાર કરાયેલાં પહાડો. મારી કલ્પનામાં પણ ન આવે એવું મનોરમ્ય વાતાવરણ. દુનિયા ત્યાંથી સાવ નાનકડી લાગતી હતી. સાચ્ચે જ મને લાગતું હતું કે હું કોઈ નવી જ દુનિયામાં આવી ચડી છું, જે આ પૃથ્વી પર છે જ નહીં. મને એમ થતું હતું કે કાર્ટુનની મનોરંજન દુનિયામાં કોઈ કલાકારે કરામત કરીને આ સીન બનાવ્યો લાગે છે. મને જ્યારે ખબર પડી કે અખબારોમાં મારી તસવીર છપાઈ છે ત્યારે તો મારા આનંદનો કોઈ પાર રહ્યો નહોતો. એ સમયે મને તરત જ મારા માતા-પિતાનો ચહેરો યાદ આવી ગયો અને હું ખુશીથી ઉછળી પડી. જ્યારે એમણે જાણ્યું હશે કે મારું નામ અને તસવીર અખબારોમાં આવ્યા છે ત્યારે એમની આંખમાં ચોક્કસ આંસુ આવ્યા હશે. આંસુ તો એમની આંખોમાં ઘણી વખત આવતા મેં જોયા છે...' આટલું બોલતા બોલતા તો તે અટકી ગઈ. તેની આંખો પણ છલકાઈ ગઈ હતી. ચહેરા પર આનંદની લહેરખી તો હતી જ, પરંતુ સાથોસાથ ક્યાંક આછેરી દુઃખની રેખા પણ અંકાઈ ગઈ. એવરેસ્ટ પર પહોંચીને એક રેકોર્ડ કાયમ કરનારી કિશોરીના ચહેરા પર કેમ અપાર આનંદને બદલે ગ્લાની જોવા મળતી હતી?
                                                                       * * *'તારે મોટા થઈને શું બનવું છે?' કોઈએ એને પૂછ્યું.
'આઈપીએસ ઓફિસર' એક પળનો પણ વિચાર કર્યા વગર તેણે જવાબ આપ્યો.
'આઈપીએસ જ કેમ?'
'આઈપીએસ અધિકારીઓની વાત બધા જ માને, એ જે કહે તે બધુ તરત જ થઈ જતું હોય છે!' એટલી જ ત્વરાથી તેણે કહ્યું.
'તો તારે બધા પાસે પોતાની વાત મનાવીને શું કરવું છે?'
'હું મારા વિસ્તારની સમસ્યાઓ બધાને કહીશ અને તેનું સમાધાન કરાવીશ, હું એ અવાજને આગળ સુધી લઈ જવા માંગુ છું' આઈપીએસ બનવાના પોતાના સ્વપ્ન વિશે એ નિર્દોષભાવે એક જ વાક્યમાં રહસ્ય છતું કરી દે છે.
એ માને છે કે એ જ્યાં રહે છે ત્યાં પાણી-વીજળી-રસ્તા-રોજગારી જેવી પ્રાથમિક સમસ્યાઓ સામે લડવા માટે આઈપીએસ ઓફિસર હોવું જરૃરી છે. તેણે સાંભળ્યું છે કે આપણે તો આ રીતે જ જીવવાનું હોય છે, પણ એણે હવે થોડી ઘણી દુનિયા જોઈ છે એટલે તેના મગજમાં એ પ્રશ્ન થાય છે કે બીજે જો આ બધી સવલતો મળતી હોય તો તેનો જ પ્રદેશ એનાથી વંચિત શું કામ રહે?
                                                                        * * *
માત્ર ૧૩ વર્ષની વયે એવરેસ્ટ સર કરીને સૌથી નાની વયની યુવતી તરીકે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં સ્થાન મેળવનારી પૂર્ણાને મોટા થઈને પોતાના વિસ્તારનેે સમૃદ્ધ કરવા માટે આઈપીએસ ઓફિસર બનવું છે. સપનામાં પણ વિચાર ન આવે એવું સાહસ કરીને જેવી લાગણી થાય એવી જ લાગણી પૂર્ણાને એવરેસ્ટના સર્વોચ્ચ શિખરે પહોંચીને થતી હતી. પૂર્ણા એવરેસ્ટ પહોંચી એના કરતા વધુ રોચક સફર તો તેની એવરેસ્ટની ટીમમાં પસંદગી થઈ એ હતી. એવરેસ્ટ પહોંચવામાં જેટલો સંઘર્ષ નહોતો કરવો પડયો એટલો સંઘર્ષ એ ટીમમાં સામેલ થવા કર્યો હતો. છેક છેલ્લે સુધી એ નક્કી નહોતું કે બે ગૃપ પૈકી તેને કોની સાથે જવાનું છે. હજુ એકાદ વર્ષ પહેલા તો પાઠય પુસ્તકમાં આવતો બેચેન્દ્રી પાલનો પાઠ ભણ્યો ત્યારે જ એવરેસ્ટ વિશે ઘણું ખરું જાણવા મળ્યું હતું. એ જ્યાં રહેતી હતી ત્યાં તો ક્યાં કોઈને એવરેસ્ટનો સરખો ઉચ્ચાર કરતા પણ આવડતો હતો! અને એવી જરૃરેય નહોતી. કારણ કે, બે ટંકનું ખાવા માટે આખો દિવસ મજૂરી કરવાની હોય એમાં એવરેસ્ટની વાતોની કોને પડી હોય? પણ હવે આખા નિઝામાબાદ જિલ્લામાં એવરેસ્ટ અને પૂર્ણાની વાતો ખૂબ ગર્વભેર કરવામાં થાય છે.
આદિવાસી ગરીબ પરિવારમાં જન્મેલી પૂર્ણા થોડી ઘણી સમજણી થઈ ત્યારથી માતા-પિતાને ઘણી વખત ઘરમાં આંસુ સારતા જોયા છે. ખેતમજૂરી માટે સવારથી નીકળીને સાંજે પાછા ઘરે આવે ત્યારે ઘરનું ગુજરાન ચલાવી શકે એટલું માંડ કમાઈ શકતા હતા. એમાં બાળકોના ભવિષ્ય માટે તો વિચારી પણ કેવી રીતે શકાય? પોતાના સંતાનો માટે કશું જ ન કરી શકવાનો પૂર્ણાના માતા-પિતાનો વસવસો આંસુ વાટે બહાર ડોકાઈ જતો.
ગરીબ માતા-પિતાના બાળકો માટે આંધ્ર પ્રદેશ સોશ્યલ વેલ્ફેર રેસિડેન્સિયલ સ્કૂલ (એપીએસડબલ્યુઆરએસ) નામે બાળકોને રહેવાની-ભણવાની સુવિધા આપવામાં આવે છે. એમાં પૂર્ણાને પણ મોકલી દેવામાં આવી. અભ્યાસમાં તેજસ્વી પૂર્ણા શાળાની અન્ય એક્ટિવિટીમાં પણ અવ્વલ રહેતી. ગામડાંમાં ઉછેર થયો હતો અને ખેત મજૂર માતા-પિતાનો વારસો મળ્યો હતો વળી, માતા-પિતા સાથે ઘણી વખત ખેતરે જઈને કાળા તડકામાં કામ કરવાનું પણ થાય. એટલે પૂર્ણા શરીરથી એકદમ ખડતલ.
એમાં ગયા વર્ષે એપીએસડબલ્યુઆરએસ દ્વારા એક ખાસ પ્રોગ્રામ હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રત્યેક શાળામાંથી બે વિદ્યાર્થીઓને પસંદ કરીને તેને પર્વતારોહણ જેવા સાહસો કરવા પ્રેરવા. એ પ્રોજેક્ટ હેઠળ ૯માં ધોરણમાં ભણતી પૂર્ણા પંસદગી પામી. ૨૯૯ શાળાઓમાંથી અંતે ૧૦૮ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી. જેમાંથી માત્ર ૨૦ વિદ્યાર્થીઓને દાર્જિલિંગની તાલીમ સંસ્થામાં મોકલવામાં આવ્યાં. પસંદ થયેલા ૨૦માં પૂર્ણા સૌથી નાની વયની હતી. દાર્જિલિંગમાં શરૃ થઈ એક મહિનાની સખત તાલીમ. એ પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોય એમ કાંચનજંઘાનું આરોહણ થયું. પૂર્ણાના એવરેસ્ટ સર કરવાના મૂળિયા આ પરીક્ષા જેવા આરોહણમાં રોપાયાં હતા. એ સાહસમાં પૂર્ણાએ 'એ' ગ્રેડ મેળવ્યો હતો. ૨૦ના ગૃપમાંથી બે સભ્યોને એવરેસ્ટ સર કરવા જઈ રહેલી ટીમ સાથે મોકલવાના હતા. બાકીના બધાને સીનો-ઈન્ડિયા બોર્ડર પર પર્વતારોહણ માટે મોકલવાના હતા. કોણ ક્યાં જશે એ વિશે કોઈને કહેવાયું નહોતું, પણ પૂર્ણાએ તેના ગૃપની વાતો સાંભળી હતી. ગૃપના ઘણાં સભ્યો ભારપૂર્વક કહેતા કે પૂર્ણાએ જે રીતે એ ગ્રેડ મેળવ્યો છે એ જોતા એને એવરેસ્ટની ટોચે પહોંચવાની તક મળશે જ! અત્યાર સુધીમાં એવરેસ્ટ વિશે ઘણું સાંભળ્યુ હતું એટલે પૂર્ણાને પણ હવે ધીરે ધીરે એવરેસ્ટ સર કરવાની ઈચ્છા જાગી હતી.
છેવટે પૂર્ણા અને સાધનાપલ્લી આનંદ બંને એવરેસ્ટ આરોહણ માટે પસંદ થઈ. એ બેને પસંદ કરવા પાછળના કારણો હતા બંનેમાં રહેલા ધીરજ અને કપરી પરિસ્થિતિ સામે લડવાનો ગુણ, કંઈ પણ નવું શીખવાની તૈયારી. જે દિવસે એવરેસ્ટનું આરોહણ શરૃ કર્યું એના આગલા દિવસે ૧૬ શેરપાઓના આકસ્મિત મૃત્યુના ખબર આવ્યા હતા. એક તબક્કે તો ટીમને મોકલવી કે કેમ એની સામે જ પ્રશ્નાર્થ ખડો થયો હતો. જોકે, અંતે ખરાબ વાતાવરણ વચ્ચે પણ સાહસિકોએ એવરેસ્ટ પર પહોંચવાની હામ બતાવી. બાવન દિવસના સતત સંઘર્ષ પછી ટીમ એ મુકામ પર હતી જ્યાં પહોંચવાની ઝંખના દરેક પર્વતારોહકની હોય. જતાં હતા ત્યારે પૂર્ણાને એવી પણ ખબર નહોતી કે આ તેનું વિક્રમજનક આરોહણ બની રહેશે. અપૂર્ણતા વચ્ચે ઉછરેલી પૂર્ણાએ નામ પ્રમાણે મિશન પૂર્ણ કર્યું.
પોતાના એવરેસ્ટ મિશન વિશે પૂર્ણાએ કહ્યું કે 'ગાત્રો થીજી જાય એટલી ઠંડી હતી. પથ્થર એટલા લચિલા હતા કે જો જરાક પણ સંતુલન ગયું તો એવરેસ્ટ પર પહોંચવાને બદલે સીધા ઉપર...મારે દોરડાનો સહારો ખૂબ લેવો પડતો હતો. ક્યારેક ક્યારેક હું રોઈ પડતી. જોકે, મને ટ્રેનિંગમાં કહેવાયું હતું કે હમ કિસી સે કમ નહીં! બસ જ્યારે મને ડર લાગતો ત્યારે હું આ યાદ કરી લેતી હતી.' ૧૩ વર્ષની ઉંમરે હોય એવો જ ડર હોવા છતાં ૩૧ વર્ષેય માંડ મેળવી શકાય એટલી હિંમત તેણે બતાવી એટલે જ એ મુકામ સુધી પણ પહોંચી શકી.
હવે તેની મહેચ્છા તેના વિસ્તારનો અવાજ બનવાની છે. જો આવું મક્કમ મનોબળ સદૈવ દર્શાવતી રહેશે તો એક દિવસ ચોક્કસ એ અવાજ બૂલંદીએ પહોંચશે!
Sunday 8 June 2014
Posted by Harsh Meswania
Tag :

અણધાર્યા ઓનલાઈન ઓકશન્સ વેંચવાનો છે એક દેશ, નામ છે ન્યુઝિલેન્ડ!


કોઈ ખેપાનીએ અંગ્રેજીના આર્ટિકલ 'ધ'ને ઓનલાઇન વેચવા મૂકી દીધો. ન્યુઝિલેન્ડથી લઈને સેન્સ ઓફ હ્યુમર સુધી ઘણું બધું અણધાર્યુ ઓનલાઇન ઓક્શનમાં મૂકીને કેટલાક ભેજાગેપ ચર્ચા જગાવતા રહે છે.
 
ભારત અને પાકિસ્તાન જે રીતે પરંપરાગત પ્રતિસ્પર્ધી છે એમ ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ પણ એકમેકના કટ્ટર હરિફ છે. રમત-ગમ્મતથી લઈને જોક સુધીની બાબતોમાં કટ્ટર દેશપ્રેમીઓ એકબીજા પર ટિખળ કરવાની એક તક જતી કરતા નથી. ન્યુઝિલેન્ડ પર આવી જ એક મોટી રમૂજ ઓસ્ટ્રેલિયને કરી હતી. ટોચની ઓનલાઇન ઓક્શન વેબસાઇટ ઈ-બે પર ૨૦૦૬માં આખે આખા ન્યુઝિલેન્ડને હરાજીમાં મૂકી દેવામાં આવ્યો હતો. ન્યુઝિલેન્ડ જાણે કોઈ વેંચાણની વસ્તુ હોય એમ તેને ખરીદનારા પણ મળવા લાગ્યા. ત્રણ હજાર ડોલરની બોલી લાગી પછી વેબસાઇટ સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે આ તો વેબસાઇટની પોલીસી વિરૃદ્ધનું વેચાણ થઈ રહ્યું છે એટલે એ જાહેરાતને વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી હતી! ૨૦૦૪માં એક અનોખી ઓનલાઇન હરાજી થઈ રહી હતી. હરાજીની વસ્તુ હતી પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના લગ્નની કેક. આ લગ્ન ૧૯૮૧માં થયા હતા અને એ કેકની હરાજી છેક ૨૦૦૪માં? માન્યામાં ન આવે એવી બાબતની હરાજીની જાહેરાત થઈ હતી. ઓક્શનમાં અંદાજ લગાવાયો હતો કે કેકના એ ટૂકડાના ઓછામાં ઓછા ૬૦૦ ડોલર તો ઉપજશે જ. પછીથી કોઈએ એવું શોધી કાઢ્યું હતું કે એ પણ ન્યુઝિલેન્ડ વેંચવાનો છે જેવા પ્રકારની ટિખળ જ હતી! આ વિચિત્ર ઓક્શને એ સમયે અખબારોમાં સ્થાન મેળવ્યું હતું.
અમુક વધુ સ્માર્ટ ચિટર કે ટિખળખોર વળી ઐતિહાસિક અનુસંધાન લઈને ઓનલાઇન ઓક્શનમાં ઝંપલાવતા હોય છે. જેમ કે, ૨૦૦૫માં એક યુઝરે એવો દાવો કર્યો હતો કે તેની પાસે નેપોલિયન બોનાપાર્ટનો દાંત છે. જે ૧૮૧૫ આસપાસના છે. જોકે, પછીથી સંશોધકોએ એ સાબિત કરી દીધું હતું કે નેપોલિયનનો એવો કોઈ દાંત પેલા યુઝર પાસે નહોતો. તેનો આશય હતો કે જો એ નામે કોઈ લેવાલ મળી જાય તો ઓનલાઇન થોડા પૈસા મેળવી શકાય. દાંત તો ઠીક ઈટાલિયન સાહસિક સફરી ક્રિસ્ટોફર કોલંબસની તો આખી બત્રીસી આ રીતે ૨૦૧૦માં ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવી હતી. વળી, તેની જાહેરાતમાં તો એવું લખવામાં આવ્યું હતું કે 'વેંચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહી, અહીં બીજી ઘણી નકલી વસ્તુની હરાજી થાય છે એટલે નકલથી સાવધાન રહેવું'! ઈંગ્લેન્ડના રાજા ચાર્લ્સ પ્રથમને ૧૬૪૯ના એક યુદ્ધમાં ઈજા થઈ હતી અને જે રૃમાલમાં તેના લોહીના ડાઘ પડયા હતા તે રૃમાલ પણ થોડા વર્ષો પહેલા હરાજીમાં મૂકાયો હતો. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના ખાલી સિગારેટ પેકેટને પણ આ રીતે ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવ્યું હતું. જોકે, એ ખાલી પેકેટ ખરીદવામાં કોઈએ દિલચસ્પી દાખવી નહોતી.
સેલિબ્રિટીના નામે આવું કેટ-કેટલું ઓનલાઇન મૂકાતું રહે છે. લગભગ એકાદ દશકા પહેલા અમેરિકન સિંગર-પર્ફોર્મર બ્રિટની સ્પિઅર્સે ચાવેલી ચ્યુઈંગમ ઓનલાઇન ઓક્શનમાં મૂકાઈ હતી. મજાની વાત એ છે કે એ ચાવેલી ચ્યુઈંગમના પણ ૨૬૩ ડોલર ઉપજ્યા હતા! ગમતા એક્ટર કે એક્ટ્રેસ માટેની ઘેલછા આમ પણ વર્ષો જૂની છે. લિજેન્ડરી કેનેડિયન અભિનેતા અને સ્ટાર ટ્રેકથી વધુ જાણીતા વિલિયમ શેટનરનું થોડા વર્ષો પહેલા     પથરીનું ઓપરેશન થયું હતું. એ કાંકરી સુદ્ધાં હરાજીમાં મૂકાઈ હતી બોલો!
કેવી કેવી વસ્તુઓ સેલિબ્રિટીના નામે ખપી જાય છે અને ન માની શકાય એવી વસ્તુઓ  ઓનલાઇન હરાજીમાં મૂકવામાં આવે છે એના થોડા ઉદાહરણો જોઈ લેવા જેવા છે. માઇકલ જેક્શનના અંડરવિઅરને ૨૦૦૩માં વેંચવા મૂકવામાં આવ્યું હતું તો ૨૦૦૮માં સ્કારલેટ જોન્સન દ્વારા યુસ થયેલા એક ટિસ્યુ પેપરના ઓનલાઇન હરાજીમાં ૫,૩૦૦ ડોલર ઉપજ્યા હતા. અરે બીજુ તો ઠીક શ્વાસના પૈસા પાકે ખરા? પણ ૨૦૧૦માં પાક્યા હતા. બ્રાડ પિટ-એન્જેલિના જોલીએ એક બરણીમાં શ્વાસ લીધા હતા. જે પછીથી વેંચવા મૂકાઈ હતી. માન્યામાં ન આવે એવી વાત છે, પણ પછી એ બરણીના ૫૩૦ ડોલર ભાવ બોલાયા હતા! આવી જ એક બીજી બરણી પણ હરાજીમાં મૂકાઈ હતી. જેમાં એક જમાનામાં અમેરિકામાં બહુ લોકપ્રિય થયેલા સિંગર-એક્ટર એલ્વિસ પ્રિસ્લેના વાળ હતા. તેમના વાળંદ દ્વારા હરાજીમાં મૂકાયેલી એ બરણીની ૧,૧૫૦૦૦ ડોલર જેવી માતબર રકમ ઉપજી હતી. અસિમ સૌંદર્ય ધરાવતી અભિનેત્રી મેરલિન મનરોએ ૧૯૫૪માં ફ્લોરિડાની એક હોસ્પિટલમાં હૃદયના ભાગનો એક્સ-રે કરાવ્યો હતો. જેની હરાજી ૨૦૧૦ના જૂન માસમાં થઈ હતી. એ એક્સ-રે માટે એક ચાહકે ૨૯,૦૦૦ ડોલર ચૂકવ્યાં હતા.
હમણાં ઓસ્ટ્રેલિયાના સ્વિટીમેન તરીકે ઓળખ આપતા માણસે કાગળના એક ટૂકડાં પર 'ધ' લખીને હરાજીમાં મૂક્યો હતો અને તેને ખરીદવા માટે ૧૮ લોકોએ તૈયારી દર્શાવી હતી. એવું જ 'ડિગ્નિટી' શબ્દ માટે થોડા સમય પહેલા બન્યું હતું. ઓનલાઇન ઓક્શનમાં મૂકાયેલા આ શબ્દને ૧૦ ડોલર મળ્યા હતા. બોલી લગાવનારાને વેંચનારા તરફથી 'ડિગ્નિટી' શબ્દ લખેલો પોતાની સહીવાળો એક કાગળ મળ્યો હતો. ૨૦૦૯માં સેન્સ ઓફ હ્યુમરનું ઓનલાઇન વેંચાણ થઈ રહ્યું હતું. વેંચનારાએ ખરીદનારાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર પણ મૂકી હતી. જે સેન્સ ઓફ હ્યુમરની સૌથી ઊંચી બોલી લગાવે તેને એ રકમમાંથી ૧૦ ટકા કાપીને જ મોકલવાના હતા. ડિસ્કાઉન્ટને અંતે સેન્સ ઓફ હ્યુમર ૧૦ ડોલરમાં વેંચાઈ હતી. જોકે, સેન્સ ઓફ હ્યુમર ખરીદનારાની સેન્સ ઓફ હ્યુમર વધી નહોતી ગઈ. કારણ કે એ પણ 'ધ' અને 'ડિગ્નિટી'ની જેમ કાગળ પર લખીને ખરીદનારા સુધી પહોંચાડવામાં આવી હતી!
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ એટલે કે વર્લ્ડ વાઇડ વેબની ઓનલાઇન હરાજી કરવામાં આવે તો શું થાય? ફેસબૂક-ટ્વિટર-વોટ્સએપ-ગુગલ ન્યુઝ બધામાં એ એક જ સમાચારની ચર્ચા હોય. એ પણ માત્ર પાંચ કરોડ રૃપિયામાં જ જો તેનું વેંચાણ થવાનું હોય તો તો તડાકો જ ન પડી જાય! આવી જ જાહેરાત થોડા વર્ષ પહેલા થઈ હતી. જેની કિંમત અબજો રૃપિયામાં પણ આંકી ન શકાય એ વસ્તુ કંઈ પાંચ કરોડમાં થોડી મળી જાય એવું જોકે લોકોને તરત સમજાઈ જતાં એ હરાજીને મળવો જોઈએ એવો હૂંફાળો પ્રતિસાદ મળ્યો નહોતો.
તમારા જીવનનો અર્થ શું છે? આવો પ્રશ્ન કોઈ કથાકાર કરે અને પછી કોઈનાયે જવાબની રાહ જોવા વગર તેની સામાન્ય લોકોને ન સમજાય એવી ભાષામાં સમજૂતી આપે એ તો જાણે સમજી શકાય, પરંતુ કોઈ એવું કહે કે અમુક-તમુક વેબસાઇટમાં જીવનના અર્થની હરાજી થાય છે અને તે ખરીદનારાને તેના જીવનનો અર્થ સમજાવી દેવામાં આવશે તો સામાન્ય લોકોની પ્રતિક્રિયા કેવી હોય? સ્વાભાવિક રીતે જ લોકો એને તુક્કો ગણીને હસી કાઢે, પણ આ જીવનના અર્થની હરાજી જ્યારે ખરેખર થઈ હતી ત્યારે આઠ ખરીદનારા મળ્યા હતા અને વેંચનારાને ૧૦ ડોલરની રકમ મળી હતી. પછી અંતે ખરીદનારાને એક તસવીર મળી હતી જેમાં લખ્યું હતું- જીવનનો ખરો અર્થ આ જ છે દોસ્ત!
ખરીદનારાની કંઈક લેવાની જરાક તૈયારી હોય અને તેમાં થોડી મૂર્ખતા ભળી જાય તો વેંચનારાઓ ધૂળ પણ વેંચી નાખે છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. ઓનલાઇન ઓક્શનમાં એ વાત અક્ષરસઃ સાચી પડે છે. જો થોડીક સાવચેતી રાખવામાં ન આવે તો આપણને ક્યારેય જરૃર નથી પડવાની એવી કોઈક વસ્તુ ખરીદી લઈશું અને પછી ઓનલાઇન ઓક્શનના વિશાળ દરિયામાં વેંચનારાનું વહાણ શોધવું અશક્ય બની જશે.
Sunday 1 June 2014
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -