Archive for February 2019

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ : નવી જનરેશનને વળગેલી બીમારી!



સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ૨૧૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ. ૨૧મી સદીની નવી જનરેશનને આ વિચિત્ર બીમારીએ ભરડો લીધો છે. ડ્રાઈવિંગ દરમિયાન બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવું તેને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ કહેવાય છે. ડિસ્ટ્રેક્ટ એટલે ગૂંચવણ, વ્યાકૂળતા. ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે વાહન ચલાવતી વખતે બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવાના કારણે ડ્રાઈવિંગમાં થતી ગૂંચવણ-મુંઝવણ-ગરબડ.

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે ત્રણ પ્રકારની એક્ટિવિટી: પ્રથમ, આંખથી કંઈક અન્ય દૃશ્ય જોવું. બીજું, શરીરથી ડ્રાઈવિંગ સિવાયની એક્ટિવિટી કરવી અને ત્રીજું, વાહન ચલાવવા સિવાયના કોઈ બીજાં જ સારા-ખરાબ વિચારોમાં ખોવાયેલું રહેવું.

ડ્રાઈવિંગ વખતે જીપીએસમાં જોવું, હોર્ડિંગ્સ તરફ નજર નાખવી એ બધુ વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. ખાવું-પીવું, વાતો કરવી, મોબાઈલમાં કંઈક સર્ચ કરવું કે વિડીયો-ફોટોગ્રાફ્સ જોવા વગેરેને મેન્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. એટલે કે શરીરથી ડ્રાઈવિંગ સિવાયની પ્રવૃત્તિ કરવી. ડ્રાઈવિંગ દરમિયાન શરીર ડ્રાઈવિંગ સીટ ઉપર હોય, પરંતુ મન ક્યાંક બીજે હોય તેને કોગ્નિટિવ ડિસ્ટ્રેક્શન કહેવાય, એટલે કે વાહન ચલાવતી વખતે માનસિક રીતે બેધ્યાન રહેવું.

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માર્ગ અકસ્માતો ભયજનક રીતે વધ્યાં છે અને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગનું સૌથી મોટું કારણ છે:  સ્માર્ટફોન.
                                                                     ***
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડ્રાઈવિંગ દરમિયાન વધતા જતાં સ્માર્ટફોનના વપરાશ બાબતે અહેવાલ તૈયાર કરાવ્યો હતો. એ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલના કારણે અકસ્માતોનું પ્રમાણ એક ટકાથી લઈને ૧૧ ટકા થયું હતું. મોબાઈલના કારણે થઈ રહેલાં માર્ગ અકસ્માતોમાં પાંચ વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો હતો.

અમેરિકન ટ્રાન્સપોર્ટેેશન વિભાગની નોંધ પ્રમાણે મોબાઈલમાં મેસેજિંગ કરવાના કારણે અકસ્માતની શક્યતા ૨૩ ગણી વધી જાય છે છતાં વાહનચાલકોના વલણમાં ખાસ કોઈ ફરક પડતો નથી. અમેરિકામાં ૩૦ ટકા લોકો ડ્રાઈવિંગ દરમિયાન મેસેજ કરે છે. કુલ એક્સિડેન્ટ્સમાંથી આઠ ટકા એક્સિડેન્ટ્સ ચાલુ ડ્રાઈવિંગે વોટ્સએપમાં મેસેજ કરવાથી થાય છે.

બ્રિટનમાં ૩૫ ટકા વાહન ચાલકો ચાલુ ડ્રાઈવિંગે મેસેજ-ફોન કરે છે. નિયમો કડક હોવા છતાં મોબાઈલનો ઉપયોગ ઓછો થયો ન હતો તેને આ દેશોએ ચિંતાજનક બાબત ગણાવી હતી. ઈટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ઈટાલીમાં થતાં ૮૦ ટકા અકસ્માતો પાછળ કોઈને કોઈ રીતે મોબાઈલ જવાબદાર હોય છે. યુરોપિયન સંઘના એક અહેવાલમાં કહેવાયું હતું કે નશો કરીને ડ્રાઈવિંગ કરવું તે યુરોપમાં અકસ્માત થવાનું પહેલું મુખ્ય કારણ હતું અને બીજું કારણ હતું મોબાઈલ.

ફોનમાં વાત કરવી, મેસેજ કરવા કે સોંગ ચેન્જ કરવાના કારણે રોડ ઉપરથી ધ્યાન હટે છે અને તેના કારણે અકસ્માતો થાય છે એવી નોંધ યુરોપિયન સંઘના એ અહેવાલમાં થઈ હતી.

વિશ્વના અડધો અડધ દેશોમાં તો મોબાઈલના કારણે કેટલા અકસ્માતો થાય છે તેનો કોઈ ડેટા જ અવલેબલ નથી. ભારતમાં ય આવો અહેવાલ હજુ બે-ત્રણ વર્ષથી જ તૈયાર થાય છે. અમુક દેશોએ ગંભીર સ્થિતિ પારખીને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. એ પ્રયાસો કરનારા દેશોમાં ભારતનો ય સમાવેશ થાય છે.
                                                                   ***
દેશમાં એક ખાનગી કાર કંપનીના સર્વેમાં ચોંકાવનારું તારણ નીકળ્યું હતું કે ૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે. વાહન ચલાવતા ૧૦માંથી ૬ નાગરિકોનું ધ્યાન મોબાઈલમાં હોય છે. તે હિસાબે માત્ર ૧૦માંથી ચાર વાહનચાલકોનું ધ્યાન ડ્રાઈવિંગ વખતે રસ્તા ઉપર હોય છે.

૪૭ ટકા ભારતીયોને ડ્રાઈવિંગ વખતે ફોન આવે છે અને એમાંથી મોટાભાગના લોકો રિસિવ કરીને જવાબ આપે છે. વળી, ડ્રાઈવિંગ કરનારા ૯૪ ટકા લોકો એ વાત કબૂલે ય છે કે રસ્તા ઉપર મોબાઈલનો ઉપયોગ કરવો ખતરનાક છે અને તેમ છતાં મોબાઈલનો ઉપયોગ ટાળતા નથી.
અચ્છા, એનાથી ય રસપ્રદ વાત એ છે કે જ્યારે આ જ વાહનચાલકો પેસેન્જર બનીને વાહનમાં બેસે છે ત્યારે એમાંના ૯૬ ટકા તેના ડ્રાઈવરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રોકે-ટોકે છે. મતલબ કે પોતે જે કરતા નથી તે બીજા પાસે ભારપૂર્વક કરાવે છે!

આપણે ત્યાં સ્થિતિ એવી છે કે કાર-બાઈક લઈને નીકળો તો આપણી કાર-બાઈક કોઈને ન ટકરાય તેનું ધ્યાન તો આપણે રાખવું જ પડે છે, પણ બીજો આવીને આપણને ટકરાવી ન જાય એનું ય ધ્યાન આપણે જ રાખવું પડે છે. દરેક વાહન ચાલક પોતાનું વાહન અન્યને ન ટકરાય એટલું ય ધ્યાન રાખે તો દેશમાં ૩૦ ટકા અકસ્માતો તો એક ઝાટકે ઓછા થઈ જાય!

પેલા ખાનગી સર્વેક્ષણમાં ૨૦ રાજ્યોને આવરી લેવાયા હતા અને એમાં વળી એવું તારણ ય નીકળ્યું હતું કે દક્ષિણ ભારતની તુલનામાં ઉત્તર ભારતમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાનું વલણ ૧૦ ટકા વધારે છે. પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે. દેશના ૨૦થી ૪૦ વર્ષના વાહન ચાલકોમાં ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવાનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું છે. ૪૦થી ૬૦ વર્ષના વાહન ચાલકોમાં માત્ર ૧૦ ટકા જ ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ બાબતે વડીલો પાસેથી આપણી જનરેશને ધડો લેવા જેવું ખરું!

ગયા વર્ષે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં અહેવાલ આપતા કહ્યું હતું એ પ્રમાણે મોબાઈલમાં વાત કે મેસેજ કરવાના કારણે દેશમાં એક વર્ષમાં ૪૯૭૬ અકસ્માતો થયા હતા અને એમાં ૨૧૩૮ લોકોના મોત થયા હતા. મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની બેદરકારીના કારણે ૨૧૩૮ લોકોએ અકાળે રસ્તા ઉપર જીવ ખોયો હતો એનાથી ય ગંભીર બાબત તો એ હતી કે તેમાંથી ૧૫૦૦ લોકોની વય ૨૦થી ૩૫ની વચ્ચે હતી અને એમાંથી ઘણાં ખરા બાઈકચાલક હતા. બીજા અર્થમાં કહીએ તો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલમાં વાત કરવાનું બાઈકચાલકો માટે વધુ જોખમી છે.
                                                                    ***

ભારત સરકાર સહિત વિશ્વની સંખ્યાબંધ સરકારો ટીવી, અખબારની જાહેરાતોની મદદથી ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની નાગરિકોમાં માનસિકતા કેળવાય તે માટે પ્રયાસો કરે છે. ઘણી ખાનગી કંપનીઓ કર્મચારીઓના સેફ્ટી પ્રોગ્રામ હેઠળ ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ બાબતે ઝુંબેશ ચલાવતી થઈ છે.

એમ તો કારમાં સેફ્ટી સિસ્ટમ વધુ પાવરફૂલ થવા લાગી છે. કારમાં બ્લુટૂથથી વાત કરી શકાય એવા ફીચર્સ એડ થયા છે, પરંતુ બાઈકચાલકો માટે જોખમ ઓછું થતા વાર લાગશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ભારપૂર્વક કહ્યું હતું કે વિવિધ સરકારો જે ઝુંબેશ ચલાવે છે તે અપૂરતી છે. માસ મીડિયાનો બહોળો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો વધુ સઘન રીતે કરવા જરૂરી છે. જો મોબાઈલનો ઉપયોગ આમને આમ ચાલશે અને કડક કાયદા અમલી નહીં બને તો આગામી દિવસોમાં વિશ્વના એકેય રસ્તા સુરક્ષિત નહીં હોય.

ડ્રાઈવિંગ દરમિયાન થોડોક સમય કોલનો જવાબ નહીં આપીએ કે મેસેજનો જવાબ નહીં આપીએ તો દુનિયા ઊંધી ચત્તી થઈ જવાની નથી એ વાત આપણે સમજવી પડશે. જો એ વલણમાં ફેરફાર નહીં કરીએ તો ક્યારેક આપણાં જીવનું જોખમ ખડું થશે, ક્યારેક બીજાના જીવ ઉપર આપણે જોખમ ખડું કરી કરીશું. આપણી સલામતી માટે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના ફ્રસ્ટ્રેશનમાંથી બહાર નીકળવાની મતી આપણે જ કેળવવી પડશે.

દેશમાં વર્ષે ૧૫૦૭૮૫ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતાં

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩-૧૪ લાખ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. માર્ગ અકસ્માતનો ભોગ બનતા વિશ્વના ૧૪ લાખ કમભાગી લોકોમાંથી દોઢ લાખ લોકો તો એકલા ભારતના હોય છે.

નીતિન ગડકરીએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં ૪,૮૦,૬૫૨ માર્ગ અકસ્માતો થયા હતા અને એમાં ૧,૫૦,૭૮૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં એક કલાકમાં સરેરાશ ૫૫ અકસ્માતો થયા હતા અને એમાં ૧૭ લોકોના મોત થયા હતા. એટલે કે દરરોજ ૪૦૦ ભારતીયો રસ્તા ઉપર દમ તોડી દે છે.

માર્ગ અકસ્માતોમાં તેના અગાઉના વર્ષ કરતા ઘટાડો થયો હતો, પરંતુ ચિંતાજનક રીતે મૃત્યુદરમાં વધારો થયો હતો. માર્ગ અકસ્માતમાં જેમના મૃત્યુ થયા હતા એમાંથી ૪૬ ટકા લોકોની વય ૧૮થી ૩૫ની વચ્ચે હતી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસના આધારે આ અહેવાલ તૈયાર થાય છે. તે હિસાબે ઘણાં નાના-મોટા કિસ્સા કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાતા નથી એની સંખ્યા ગણીએ તો માર્ગ અકસ્માતોનું વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે છે.

રીપોર્ટ મુજબ ૧૩ રાજ્યોમાં ૮૬ ટકા અકસ્માતો થાય છે. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, હરિયાણા, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અકસ્માતોની બાબતે સૌથી ખતરનાક સાબિત થયા હતા. યુટર્ન અને વળાંકો ઉપર ૩૭ ટકા અકસ્માતો થયા હતા.

ભારતમાં અકસ્માતોથી વધતા મૃત્યુઆંકને જોઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ૨૦૨૦-૨૧માં ભારતમાં મૃત્યુના વિવિધ કારણોમાં માર્ગ અકસ્માત સૌથી આગળ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના અંદાજ પ્રમાણે ભારતને દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે.
Sunday 24 February 2019
Posted by Harsh Meswania
Tag :

ઈંટનો જવાબ પથ્થરથી ન આપો તો કંઈ નહીં, 'લોહી'નો જવાબ 'પાણી'થી તો આપો!


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ફેબ્રુઆરી-2019માં પાકિસ્તાનની ટીમ ભારતમાં ચેનાબ નદી ઉપરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સમીક્ષા કરી ગઈ. પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ છે, એટલે ભારત પાસેથી પાણી મેળવવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે

૧૯૪૭માં અખંડ ભારતના બે ભાગ પડયા કે તરત જ બંને દેશોના એન્જિનિયરો વચ્ચે સિંધુ નદીના પાણી મુદ્દે કરાર થયા હતા. એ કરાર જોકે, ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી જ લાગુ હતો, પરંતુ એ કરાર પ્રમાણે ભારતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવવાનું ન હતું.

ટૂંકા ગાળાનો કરાર પૂરો થયો પછી ભારતે પાકિસ્તાનને મળતો પાણીનો જથ્થો થોડો વખત અટકાવ્યો કે તરત પાકિસ્તાને વૈશ્વિક સ્તરે રજૂઆતો શરૂ કરી. ઘણી વાટાઘાટો પછી આખરે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં ઐતિહાસિક સિંધુ જળ સમજૂતી થઈ હતી.
                                                                        ***
૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦માં કરાચીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ, તે પ્રમાણે સિંધુ નદીની પાંચ મુખ્ય ઉપનદીઓ અને એક સિંધુ નદી - એમ છ નદીઓના પાણીની વહેંચણી નક્કી થઈ. કરાર પ્રમાણે ત્રણ પૂર્વી નદીઓ - વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને મળ્યું અને ત્રણ પશ્વિમી નદીઓ - સિંધુ, ચેનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું.

એ કરારમાં એવી જોગવાઈ હતી કે પાકિસ્તાનને જે ત્રણ નદીનું પાણી મળે છે તેમાંથી ભારત વીજળી, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે છે, પણ એનો જથ્થો ૨૦ ટકાથી વધુ ન થવો જોઈએ. બીજાં શબ્દોમાં કહીએ તો ભારતમાંથી વહેતી આ નદીઓમાંથી ભારતે ૮૦ ટકા જથ્થો પાકિસ્તાન માટે અનામત છોડી દેવાનો હતો. સગા બે ભાઈઓ એક ઘરમાંથી જુદા થાય અને મોટોભાઈ ઉદારતાથી નાનાભાઈ માટે જતું કરે એવું ભારતે પણ તે વખતે કર્યું હતું. ભારત પોતાના હિસ્સામાં આવતું ૨૦ ટકા જળ વાપરવાને બદલે મોટું મન રાખીને જતું કરે છે.

પાકિસ્તાનમાં રહેતા લોકો પણ આખરે તો અખંડ ભારતનો હિસ્સો હતા અને જો ભારત પાણીની વહેંચણીમાં આકરા નિયમો મૂકે તો એ નાગરિકોને વેઠવાનું આવે એમ વિચારીને ભારતે થોડું નમતું જોખ્યું હતું. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પછી તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા હતા, પણ ભારતે એકેય વખત સિંધુ જળ સમજૂતી તોડી ન હતી.

બંને દેશોના અધિકારીઓની એક કાયમી સમિતિ બની હતી અને એ સમિતિ શક્ય હોય ત્યાં સુધી નેતાઓની દખલગીરી વગર બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવીને કરારનું પાલન કરે છે. સિંધુ જળ સમિતિની અત્યાર સુધીમાં ૧૧૯ બેઠકો મળી ચૂકી છે. કરારની જોગવાઈ પ્રમાણે દર પાંચ વર્ષે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવી શકે છે અને સમીક્ષા કરી શકે છે. બંને પક્ષે કંઈ કચવાટ હોય તો આ સમિતિ જ શક્ય હોય ત્યાં સુધી તેનું સમાધાન લઈ આવે છે.

૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના યુદ્ધ વખતે ય ભારતે સિંધુ નદીનું પાણી ન અટકાવ્યું. એ પછી તો સરહદે પાકિસ્તાને સતત અવળચંડાઈ શરૂ કરી તો ય ભારતે સિંધુ જળકરાર ન તોડયો. પાકિસ્તાને સાવ નીચલી પાયરીએ બેસીને ભારત સામે લડવા આતંકવાદનો સહારો લીધો તો ય ભારતે પાણી અટકાવીને પાકિસ્તાનના નાગરિકોને પરેશાન કરવાનું વલણ ન બતાવ્યું.

પાકિસ્તાનના અવળચંડા-ભારતદ્વેષી નેતાઓના મોઢા સામે જોયું હોત તો તો ભારતે ક્યારના કરારો તોડી નાખ્યા હોત. પણ ભારતે હંમેશા માનવતાવાદી વલણ અપનાવીને પાકિસ્તાનના એ કરોડો નાગરિકોના દયામણા મોઢા સામે જોયું હતું કે જેને ખરેખર પાણીની વિકટ તંગી વેઠવાની આવતી હતી, પરંતુ હવે વારંવાર સરહદે યુદ્ધવિરામનો ભંગ કરીને, આતંકવાદીઓને સમર્થન આપીને, કાશ્મીરના નાગરિકોમાં ભારત વિરોધી ઝેર ઘોળીને અને કાશ્મીર બાબતે વૈશ્વિક સ્તરે જૂઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચતા પાકિસ્તાને સીધું દૌર કરવા માટે ભારતે પાણી મુદ્દે પાણી બતાવવાની નીતિ શરૂ કરી છે.

ભારતે અવળચંડા પાકિસ્તાની નેતાઓને ઘૂંટણિયે પાડવાનો જે વ્યૂહ અપનાવ્યો છે, તે સફળ થાય તો ઘણી સમસ્યા ઉકેલી જાય એવી શક્યતા નકારી શકાય નહીં.
                                                                     ***
ભારતમાં એક મત એવો છે કે સિંધુ જળ કરારના કારણે ભારતને કરોડોનું નુકસાન થાય છે. જમ્મુ-કાશ્મીર સરકાર તો સિંધુ કરારની ફેરવિચારણા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પણ મૂક્યો હતો. કેટલાક નિષ્ણાતો તો એવું કહી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો સિંધુજળ કરાર કાશ્મીરમાં ઘણાં ખરા અંશે રોષ જન્માવે છે.

ભારતે શાંતિની અપેક્ષાએ પાકિસ્તાનના નાગરિકોના હિતમાં કરારમાં હસ્તાક્ષર કર્યા હતા, પણ એ શાંતિ ક્યારેય આવી નહી. જો શાંતિ આવવાની જ નથી તો પછી શાંતિની અપેક્ષાએ કરાયેલા એ કરારનો ય કોઈ અર્થ નથી એટલે ભારતે કરારનું પાલન કરવું ન જોઈએ એવી ય લાગણી હવે પ્રબળ બનતી જાય છે.

ભારતે એ માટે એક મહત્વનું પગલું ભરીને ૨૦૦૭માં ઝેલમ નદી ઉપર કિશનગંગા હાઈડ્રોલિક પ્લાન્ટ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૨૦૧૮માં વડાપ્રધાને કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું તે સાથે જ પાકિસ્તાન સરકાર હરકતમાં આવી હતી.

૨૦૧૬માં આતંકવાદીઓએ કાશ્મીરમાં સૈનિકોના કેમ્પ ઉપર હુમલો કર્યો તે પછી ભારતે પાણીનો મુદ્દો વ્યૂહાત્મક દૃષ્ટિએ વધુ આક્રમક રીતે ઉઠાવ્યો હતો. ભારતે સિંધુ, ચેનાબ, ઝેલમમાંથી પાણીનો વપરાશ વધારવાનો સંકેત આપ્યો તે સાથે જ પાકિસ્તાન તુરંત વર્લ્ડ બેંકમાં ફરિયાદ લઈને પહોંચી ગયું હતું.

૧૯૬૦માં વર્લ્ડ બેંકે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. વર્લ્ડ બેંકે ફરીથી મધ્યસ્થી કરીને લંડનમાં બંને દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ભારત નિયમો તોડીને પાકિસ્તાનને પરેશાન કરે છે તે વાત વર્લ્ડ બેંકને ગળે ઉતરી નહીં. પાકિસ્તાન ખુદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં મોટા ડેમ બાંધે છે અને ભારતના પ્રોજેક્ટમાં અવરોધ ઉભા કરે છે તે વાત જ હાસ્યાસ્પદ સાબિત થઈ હતી.

કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો લઈને ય પાકિસ્તાનને વર્લ્ડ બેંકને ભારતની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને તો આંતરરાષ્ટ્રીય મધસ્થી કોર્ટમાં ભારતની વિરૂદ્ધ તૈયારી કરી હોવાનું વર્લ્ડ બેંકને કહ્યું તો વર્લ્ડ બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 'કિશનગંગા પ્રોજેક્ટમાં પાકિસ્તાન બીજા બધા ધમપછાડા કરવાને બદલે ભારતની નિષ્ણાતોની નિયુક્તિની વાત માનીને આગળ વધે અને સુલેહનો માર્ગ કાઢે. સિંધુજળ મુદ્દે ભારત નિયમોનું પાલન કરતું આવ્યું છે એટલે પાકિસ્તાન ભારતની પાછળ ન પડી જાય'

૨૦૧૩માં જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. ભારતે બહુ જ વ્યૂહાત્મક રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને 'પાણી' બતાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમપછાડા શરૂ કર્યા હતા, પણ પાકિસ્તાન માટે સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ખુદ પાકિસ્તાની અખબારોએ પાક. સરકારની ભારત સાથેની જળનીતિને ઢીલી-પોચી ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી. પાક. મીડિયાએ તો ત્યાં સુધી સલાહ આપી હતી કે ભારત સાથે નરમ વલણ બતાવીને પાકિસ્તાન સરકારે નાગરિકોના હિતમાં વિચારવું જોઈએ.

હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ પાકિસ્તાનના ઘણાં ભાગોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી સહિત ઘણા શહેરોમાં ભારે પાણીની તંગી પ્રવર્તે છે. ભારતમાંથી જતું પાણી પાકિસ્તાનના નાગરિકો માટે કેટલું જરૂરી છે એનો અંદાજ પાકિસ્તાનની સરકારને છે જ, પણ અત્યાર સુધી નિયમોને નેવે મૂક્યા હોવાથી વૈશ્વિક સ્તરે ય ભારતની ફરિયાદથી કંઈ ઉપજે એમ નથી. વળી, ભારતની અત્યાર સુધીની બધી જ સરકારો નિયમો પાળતી આવી છે એટલે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉજળી શાખ છે.

ઉનાળા પહેલાં પાણીની વ્યવસ્થા કરવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે. તેના ભાગરૂપે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવીને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ચેનાબ નદી ઉપરના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિતની બાબતોનું નિરીક્ષણ કરી ગયું. એમાં ભારતે કોઈ જ નિયમો તોડયા નથી એ જાણ્યા પછી સિંધુ જળ સમિતિના પાકિસ્તાનના કમિશનર સૈયદ અહમદ અલીએ પાકિસ્તાન સરકારને અહેવાલ આપ્યો કે નિરીક્ષણ સફળ રહ્યું અને એમાં કંઈ જ વાંધાજનક નથી.

બીજી તરફ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સહિતની વૈશ્વિક સંસ્થાઓએ પાકિસ્તાનને અગાઉ જ ચેતવણી આપી દીધી છે કે જો પાકિસ્તાન એનું અક્કડ વલણ નહીં મૂકે તો ૨૦૨૫ સુધીમાં તેનો ઘણો ખરો ભાગ ઉનાળામાં પાણીના એક એક ટીપા માટે વલખા મારશે.
                                                                      ***
વેલ, પાકિસ્તાનના 'ખૂનીખેલ' સામે ભારતે છેલ્લાં દોઢેક દશકાથી 'પાણીદાર' તરિકો અપનાવ્યો છે. જો ભારત સરકાર આક્રમક રીતે આ વ્યૂહરચના ચાલુ રાખશે તો પાકિસ્તાન એમાં આબાદ રીતે સપડાય જાય તેવી ઉજળી શક્યતા છે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ રોકવામાં છેલ્લાં દાશકાઓમાં ભારતની તમામ સરકારો નિષ્ફળ ગઈ છે.

પાકિસ્તાનની સૈન્ય સતત શસ્ત્રવિરામ ભંગ કરે છે ત્યારે સરકાર રાબેતા મુજબનો જવાબ આપે છે : 'ઈંટનો જવાબ પથ્થરથી આપીશું'. પરંતુ આ સૂત્રાત્મક વાત સૂત્રમાંથી બહાર ઓછી નીકળે છે, એટલે સ્થિતિ ઠેરની ઠેર રહેતી આવી છે.
એ બધા વચ્ચે પાણીની આ વ્યૂહરચના પછી આપણે એટલી તો આશા રાખી શકીએ કે સરકાર ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો કંઈ નહીં, આપણા જવાનો-નાગરિકોના 'લોહી'નો જવાબ 'પાણી'થી આપશે તો ય એ એટલો જ અસરકારક સાબિત થશે!

૩૧૮૦ કિલોમીટર લાંબી સિંધુ નદી

સિંધુ નદી. એશિયાની આ સૌથી મોટી પૈકીની એક ગણાતી નદીના કાંઠે એક સમયે- આશરે આઠેક હજાર વર્ષ પૂર્વે જગતની પ્રાચીન એવી એક સિંધુ સંસ્કૃતિનો ઉદય થયો હતો. આજેય સિંધુ નદી અને તેમાંથી ઉપનદીઓના કાંઠે ૩૦ કરોડ લોકો રહે છે. ૧૧.૬૫ લાખ વર્ગ કિલોમીટરમાં તેનો ફેલાવો છે. ભારતમાં સિંધુ નદીનો ૩૯ ટકા હિસ્સો છે. નદીનો સૌથી વધુ ૪૭ ટકા વિસ્તાર પાકિસ્તાનમાં છે. ચીનમાં ૮ ટકા અને અફઘાનિસ્તાનમાં નદીનો ૬ ટકા જેટલો હિસ્સો છે.

માનસરોવર નજીક ઉદ્ગમ સ્થાન ધરાવતી આ નદીની કુલ લંબાઈ ૩૬૧૦ કિલોમીટર છે. સિંધુ નદીની મુખ્ય ઉપનદીઓ - વિતસ્તા (ઝેલમ), ચંદ્રભાગા (ચેનાબ), ઈરાવતી, વિપાસા, રાવી, વ્યાસ, સતલુજ - ભારતીય ઉપખંડમાં વહે છે. તે સિવાયની ઉપનદીઓ પણ ભારત-પાકિસ્તાન-તિબેટ-અફઘાનિસ્તાનમાંથી પસાર થાય છે. પાકિસ્તાનને સિંધુને નેશનલ રીવરનો દરજ્જો આપ્યો છે.
Sunday 17 February 2019
Posted by Harsh Meswania
Tag :

ટેડી બીઅર : બાળકોના રમકડાંથી ગર્લફ્રેન્ડની ગિફ્ટ સુધીની જર્ની


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વેલેન્ટાઈન વીકમાં આજે 'ટેડી બીઅર ડે' છે. વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ્સમાં માનભેર સ્થાન મેળવનારાં ટેડી બીઅરની જર્ની રસપ્રદ છે. ચાલો, ટેડી બીઅરની દુનિયામાં સાઈન ઈન કરીએ!

૧૪ મી નવેમ્બર, ૧૯૦૨નો દિવસ હતો.
થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા એ વાતને બરાબર બે મહિના થઈ રહ્યા હતા એટલે મિસિસિપીના ગર્વનર એન્ડ્રુ લોંગીનોએ તેમને મહેમાનગતિ માણવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આમંત્રણને માન આપીને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચ્યા. ત્યાં તેમના માટે વિવિધ આયોજનો થયા હતાં, એમાંનું એક આયોજન હતું - શિકાર કરવા જવાનું.

એ વખતે અમેરિકામાં શિકાર કાયદેસરની પ્રવૃત્તિ હતી. એમાંય કાળા રીંછના શિકારે જવું એ પરાક્રમ લેખાતું! પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચીને રીંછના શિકારમાં ઉપડયા. આખા ગ્રુપમાં પ્રેસિડેન્ટ, ગર્વનર ઉપરાંત અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ય હતા. એમાંના ઘણાં રીંછનો શિકાર કરી શક્યા, પરંતુ ઘણી રઝળપાટ પછી ય પ્રમુખ રૂઝવેલ્ટની નજરમાં એકેય રીંછ ન ચડયું.

પ્રેસિડેન્ટના હાથે શિકાર થતો ન હતો એટલે સહાયકો મદદે આવ્યા. હોલ્ટ કોલિનર નામનો એક સહાયક અઠંગ રીંછ શિકારી ગણાતો. પ્રેસિડેન્ટ મિસિસિપી સુધી આવે અને રીંછનો શિકાર હાથ ન લાગે તો તો બદનામી થશે એવા વિચારે હોલ્ટે આખો મામલો હાથમાં લીધો. થોડીવારમાં તે એક રીંછને પકડી લાવ્યો. પ્રેસિડેન્ટ જ્યાં થાક ખાવા ઉભા હતા ત્યાં પહોંચીને હોલ્ટે એ રીંછને નજીકના ઝાડ સાથે બાંધી દીધું અને પ્રમુખને કહ્યું : 'સર! આ રહ્યો તમારો શિકાર, વીંધી નાખો!'

જો પ્રેસિડેન્ટ આ રીતે શિકાર કરી નાખે તો શિકારનો કાર્યક્રમ પૂરો જાહેર થાય અને બધા ખાવા ભેગા થાય, એમ વિચારીને બધાએ સહાયક હોલ્ટના આઈડિયાને સમર્થન આપ્યું. ગર્વનરે ય પ્રેસિડેન્ટને પાનો ચડાવ્યો. પરંતુ એ કોઈ શિખાઉ શિકારી નહોતા કે પકડેલા રીંછનો શિકાર કરે, એ થિયોડોર રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ બન્યા તે પહેલાં વિખ્યાત 'બીગ ગેમ હન્ટર્સ'માં તેમનું નામ હતું. દુનિયાભરમાં રઝળપાટ કરીને શિકાર કરનારા રૂઝવેલ્ટને આ રીતે શિકાર કરવો યોગ્ય ન લાગ્યો. તેમણે સહાયક હોલ્ટના આ આઈડિયાને નકારી દીધો અને એ દિવસનો શિકારનો કાર્યક્રમ ત્યાં જ અટકાવી દીધો.
પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને સર્જેલું પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ અને રીંછનું કાર્ટૂન
એ ઘટનાની નોંધ બીજા દિવસે અખબારોમાં લેવાઈ. અમેરિકાના અખબારોએ દિવસો સુધી પ્રેસિડેન્ટની એ ખેલદિલીની પ્રશંસા કરી. પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને આ ઘટનાથી પ્રેરાઈને વૉશિંગ્ટન પોસ્ટમાં એક કાર્ટૂન બનાવ્યું, જેમાં સહાયક હોલ્ટ રીંછને પકડીને ઝાડ સાથે બાંધવા જઈ રહ્યો છે અને રૂઝવેલ્ટ હાથના ઈશારાથી પાછળ ફરીને તેને એમ કરતા અટકાવે છે, તે દૃશ્ય ખડું થયું હતું. એ દૃશ્યમાંથી 'ટેડી બીયર'નો વિચાર જન્મ્યો.
                                                                          *** 
બ્રુકલીનમાં રમકડાં અને નોવેલ્ટી શોપ ધરાવતા મોરિસ મિક્ટોમ અને તેની પત્ની રોઝે આ ઘટનાના રમૂજી લેખ્યો વાંચ્યા હતા. એમાં ક્લિફોર્ડ બેરીમેનનું કાર્ટૂન આવ્યું એ ય મોરિસ અને રોઝના ધ્યાનમાં ચડયું. કાર્ટૂન જોયા પછી બંનેને એક રમકડું બનાવવાનો વિચાર આવ્યો.

રેશમી સુતરાઉ કાપડની મદદથી આ દંપતીએ રીંછના આકાર-દેખાવનું એક રમકડું બનાવ્યું. બાહ્મ દેખાવ રીંછ જેવો રાખીને એમાં તકિયામાં નાખવાની બધી સામગ્રી ભરી. ટેકનિકલી જેને આજે સ્ટફ્ડ એનિમલ ટોય કહેવાય છે એવું આ નરમ-મુલાયમ રમકડું મિક્ટોમ દંપતીએ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને મોકલ્યું અને સાથે એ રમકડાંને પ્રેસિડેન્ટનું નામ આપવાની પરવાનગી માગતો પત્ર ય જોડયો. 

રૂઝવેલ્ટના પૌત્ર કીમે મિક્ટોમ દંપતીએ બનાવેલા સૌપ્રથમ ટેડી બીઅરની જાળવણી કરી હતી.
2000માં કીમનું નિધન થયું તે પછી એ ટેડી સ્મિથસોનિયન મ્યુઝિયમમાં સચવાયું છે
પ્રેસિડેન્ટને એ રમકડું ખૂબ ગમ્યું. નવતર પ્રકારના આ રીંછના રમકડાંને પોતાનું નામ આપવાની પણ પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટે પરવાનગી આપી દીધી. પ્રેસિડેન્ટની પરવાનગી સાથેનો વળતો પત્ર મળ્યો પછી મિક્ટોમ દંપતીએ એ રમકડાંનું ઉત્પાદન શરૂ કરીને નોવેલ્ટી શોપમાં વેંચવા મૂક્યાં અને તેને પ્રેસિડેન્ટના નામ ઉપરથી નામ આપ્યું : Teddy's bear.

Teddy's bear એટલે કે પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું રીંછ! થિયોડોર રૂઝવેલ્ટનું નિકનેમ 'ટેડી' હતું. આમ તો પ્રમુખ રૂઝવેલ્ટને ટેડી એવું હુલામણુ નામ બહુ ગમતું નહીં, પરંતુ એ દિવસોમાં અખબારો ય રમૂજમાં ટેડી લખતા હતા અને શિકારની એ ઘટના પછી તો પ્રમુખને ટેડી નામથી સંબોધીને ઘણાં હળવા લેખો પ્રસિદ્ધ થયા હતા. રમૂજનો માહોલ સર્જાયો હતો એટલે એ હળવાશને ધ્યાનમાં રાખીને જ કદાચ પોતાને ન ગમતા હુલામણા નામ ઉપરથી રમકડાંનું નામ પાડવાનો પ્રસ્તાવ આવ્યો એ તેમણે સ્વીકારી લીધો.

મિક્ટોમ દંપતીએ નોવેલ્ટી સ્ટોરમાં વેંચવા મૂકેલા રમકડાં Teddy's bear એટલાં તો પોપ્યુલર થઈ ગયાં કે એ સ્ટાઈલથી અન્ય વેપારીઓ પણ એવા રમકડાં બનાવવા માંડયાં. પછી તો ડોગ-કેટ-હાથી વગેરે પ્રાણીઓના આકારના ય રમકડાં માર્કેટમાં મળતા થઈ ગયાં.

પાંચ વર્ષ પછી ૧૯૦૭માં મોરિસ અને રોઝે આઈડીયલ નોવેલ્ટી એન્ડ ટોય કંપની બનાવીને મોટાપાયે ટેડી બીઅરનું ઉત્પાદન શરૂ કર્યું. એને એટલી તો સફળતા મળી કે એક દશકામાં મોરિસ રમકડાંના મોટા બિઝનેસમેન બની ગયા. ૧૯૩૮માં ૬૮ વર્ષની વયે મોરિસ મિક્ટોમનું નિધન થયું ત્યારે તેની કંપની ટેડી બીઅર બનાવતી અમેરિકાની સૌથી મોટી કંપની હતી.

શરૂઆતમાં આવા રમકડાં Teddy's bear નામથી ઓળખાતા હતા, પણ પછી એનું નામ ગ્રાહકોએ એનું અનુકૂળતા પ્રમાણે માત્ર Teddy's bear કરી નાખ્યું.

મોરિસ અને રોઝને જે સમયગાળામાં ટેડી બીઅર બનાવવાનો વિચાર આવ્યો હતો એવો જ વિચાર લગભગ એ જ ગાળામાં આ બંનેથી જોજનો દૂર રહેતા બીજા ય એક ડીઝાઈનરે આવ્યો હતો.
                                                                          ***
જર્મનીમાં દર વર્ષે લીપઝીગ ટ્રેડ ફેર યોજાય છે. ૧૯૦૩માં યોજાયેલા એ ફેરમાં એક રમકડાંએ આકર્ષણ જમાવ્યું હતું. એ રમકડાંનું નામ હતું - સ્ટેઈફ બીઅર. જર્મન ટોય ડીઝાઈનર રીચાર્ડ સ્ટેઈફને ય રીંછ જેવું રમકડું બનાવવાનો વિચાર એ જ ગાળામાં આવ્યો હતો.

આમ તો રીચાર્ડ કિશોરાવસ્થાથી ફઈની ટોય મેકિંગ એન્ટરપ્રાઈઝમાં આવડે એવું કામ કરતો હતો. રીચાર્ડ કોલેજમાં હતો એ ગાળામાં વારંવાર ઝુની મુલાકાતે જતો. એ દરમિયાન આવું રમકડું બનાવવાનો વિચાર તેને આવ્યો. વિચાર પ્રમાણે ડ્રોઈંગ્સ કર્યા પછી એમાંથી તેણે બીઅરનું રમકડું બનાવ્યું હતું.


રીચાર્ડ સ્ટેઈફે બનાવેલા ટેડી બીઅરની પ્રતિકૃતિ જર્મનીના સંગ્રહાલયમાં સચવાઈ છે
 ટ્રેડ ફેરમાં રજૂ થયેલું તેનું આ બીઅર ખૂબ પ્રશંસા પામ્યું. તેણે એ જ અરસામાં સ્ટેઈફ ટોય્ઝ કંપની બનાવી. કંપનીને ધારી સફળતા મળી. બીજા વર્ષે તો તેણે એ મેળામાં હજારો સ્ટેઈફ બીઅર વેંચ્યાં અને સૌથી સફળ બિઝનેસમેન તરીકે ગોલ્ડ મેડલ ય મેળવ્યો.

જ્યારે રીચાર્ડે સ્ટેઈફે બીઅર બજારમાં મૂક્યું ત્યારે તેને ટેડી બીઅર વિશે કોઈ જ અંદાજ નહોતો. જેમ મોરિસ અને રોઝને કાર્ટૂન જોઈને વિચાર આવ્યો હતો, એમ રીચાર્ડને ઝૂમાં રીંછ જોઈને વિચાર આવ્યો હતો. પરંતુ મોરિસ અને રોઝની સ્ટોરી સાથે પ્રેસિડેન્ટનું નામ જોડાયેલું હતું એટલે કદાચ તેમને ટેડી બીઅરના સૌથી પહેલાં ઉત્પાદક તરીકેનું સન્માન મળે છે.

બીજી તરફ રીચાર્ડે ૧૯૦૩માં એટલે કે મોરિસ અને રોઝે વેંચાણ શરૂ કર્યું તેના એક વર્ષ પછી સૌપ્રથમ વખત જાહેરમાં એ ટોયને વેંચવા મૂક્યું હતું એટલે તેની શોધ મૌલિક હોવા છતાં પાછળ હતી. તે હિસાબે ય તેને ટેડી બીઅરના ઉત્પાદક કરતા ટેડી બીઅરને વધુ અસરકારક બનાવનારા ડીઝાઈનર તરીકેનું સન્માન મળે છે.

બંને ડીઝાઈનરોએ એક બીજાની ડીઝાઈન જોઈ હોય એવો રેકોર્ડ ક્યાંક નોંધાયો નથી એટલે બંનેએ પોત-પોતાની રીતે ટેડી બીઅર ટોય બનાવ્યું હતું, એમ ટોય્ઝ હિસ્ટ્રીનું સંશોધન કરનારા સંશોધકોએ સ્વીકાર્યું છે.

પરંતુ જગતભરમાં સ્ટેઈફ બીયર તરીકે આ રમકડું જાણીતું ન થયું, પ્રેસિડેન્ટના નિકનેમથી પ્રેરિત આ રમકડાના નસીબમાં ટેડી બીઅર નામથી પ્રસિદ્ધિ લખી હતી! દુનિયાભરમાં એક સદી પછી આ નામ સ્ટફ્ડ એનિમલ ટોયનો પર્યાય બની ગયું છે. બાળકોને અતિ પ્રિય એવા આ રમકડાંનો વ્યાપ હવે વધ્યો છે. ટેડી બીઅર આજે માત્ર બાળકોનું રમકડું નથી રહ્યું પરંતુ લવ સિમ્બોલ બની ગયું છે.
                                                                   ***
વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલી રહી છે અને આજે ટેડી બીઅર ડે ઉજવાઈ રહ્યો છે. વિભિન્ન રંગ-કદના ટેડી ખરીદીને ગર્લફ્રેન્ડ-વાઈફને આપવાનો આ દિવસ છે! એક સદી પહેલાં તે માત્ર બાળકોનું રમકડું હતું, પણ હવે અસંખ્ય વેરાયટીમાં અવેલેબલ ટેડી બીઅર દુનિયાભરના યંગસ્ટર્સમાં મોસ્ટ પોપ્યુલર ગિફ્ટ ગણાય છે.

વિશ્વમાં બનતા કુલ ટેડી બીઅરમાંથી ૬૦ ટકા બાળકો સુધી પહોંચે છે અને બાકીના ૪૦ ટકા ટેડી ૨૦ વર્ષથી ઉપરની વયના લોકો સુધી પહોંચે છે. કોઈને લવ-સિમ્પથી-શુભેચ્છા પાઠવવી હોય તો ટેડી ઉપર પસંદગી ઉતરે છે.

ટેડીને લગતા કેટલાય વિક્રમો બન્યા છે, કેટલાય તૂટયા છે. બસ્સો-પાંચસો રૂપિયાથી લઈને ટેડીની પ્રાઈઝ હજારો સુધી પહોંચે છે, અરે લાખોમાં ય તેની કિંમત બોલાય છે. હરાજીમાં ય ટેડીની એક અલગ દુનિયા છે. એમ તો ટેડીએ માણસની જેમ અવકાશની યાત્રા કરી લીધી છે. ડિસ્કવરી સ્પેસ શટલમાં એક ટેડી બીઅરને અવકાશની યાત્રા કરવાની તક પણ મળી હતી!

અચ્છા, બાળકોનું આ રમકડું કેવી રીતે લવગિફ્ટ બની ગયું? જવાબ તો કદાચ કોઈ પાસે નથી, પણ એના તાર વધુ એક વખત પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સુધી પહોંચે છે! ટેડી બીઅર પોપ્યુલર બન્યાના થોડાંક વર્ષો પછી એક લગ્ન સમારોહ યોજાયો હતો. એમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હાજર હતા અને લગ્નમંડપ ૩૦૦૦ ટેડી બીઅરથી શણગારવામાં આવ્યો હતો.

એ પછી વિવાહ વખતે ટેડીની હાજરી દર્જ થવા માંડી હતી, જે આજે વેલેન્ટાઈન્સ ડે સુધી પહોંચી છે. ટેડી બીઅરના સર્જનમાં રૂઝવેલ્ટનો આડકતરો ફાળો હતો, એમ લવબર્ડ્સ વચ્ચે ટેડીને સન્માનપૂર્વક બેસાડવામાં ય પ્રેસિડેન્ટ ટેડીનો આડકતરો ફાળો હોય તો કહેવાય નહીં! શું કહો છો?
વેલ, 'ડીઅર'ને ટેડી 'બીઅર' આપવાના દિવસની શુભેચ્છા!
Sunday 10 February 2019
Posted by Harsh Meswania
Tag :

તીજનબાઈ: છત્તીસગઢની લોકગાયન શૈલીને અનોખી ઊંચાઈ આપનારાં કલાકાર

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
પદ્મવિભૂષણથી સન્માનિત તીજનબાઈ સંગીત-નાટયથી મહાભારતના તમામ પાત્રોને જીવંત કરે છે. છત્તીસગઢની લોકગાયન શૈલી 'પાંડવાની'ને તીજનબાઈએ નવી ઊંચાઈ આપી છે

'ભઈયા હમ ઠહરે નિરચ્છર, અંગૂઠા છાપ. હિંદી બહુત ટૂટી-ફૂટી સી હૈ હમારી. આપ લોગ પઢે લીખે હો, કથા મે કૌનો ગલતી હોએ તો માફ કરના'
૬૨ વર્ષના તીજનબાઈ દર્શકો સમક્ષ પેશ થાય ત્યારે હાથ જોડીને આ શબ્દો અચૂક ઉચ્ચારે છે. આવડાં મોટા કલાકારની આ વિનમ્રતા દર્શકોને ય સ્પર્શી જાય છે. કપાળમાં મોટો લાલ ચાંદલો, લાંબો-ઘાટો સેંથો, કાંડાંમાં વિશિષ્ટ કંગન, બધી જ આંગળીઓમાં ચાંદીની મોટી વીંટી, કાનમાં મોટી બુટ્ટી, નાકમાં નાનકડી નથડી, ગળામાં ટૂંકી પણ મોટા પારાની માળા ને હાથમાં એકતારો લઈને જાજરમાન ઢબે તીજનબાઈ મંચ ઉપર હાજર થાય કે એક માહોલ આપોઆપ સર્જાઈ જાય.
છત્તીસગઢી ગાયનશૈલી પાંડવાની (છત્તીસગઢી પ્રમાણે પાંડવાની એટલે પાંડવોની કથા)માં તીજનબાઈ પોતાની વિશિષ્ટ નાટયશૈલી ઉમેરીને દર્શકોના દિલોદિમાગમાં મહાભારતના દૃશ્યો ખડાં કરે છે. મહાભારતના એક-એક પાત્રને ગાયન-રજૂઆતની જુદી ઢબે પેશ કરવાની તેમની રીત દર્શકોને જકડી રાખવા માટે પૂરતી છે.
૧૯૮૭માં તેમને પદ્મશ્રીથી નવાજાયા તે પછી તેમના ઉપર અવિરત પુરસ્કારોની વર્ષા થતી રહી છે. ૧૯૯૫માં સંગીત નાટય અકાદમી એવોર્ડ મળ્યો, ૨૦૦૩માં તેમનું સન્માન પદ્મભૂષણથી થયું અને હવે આ વર્ષે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં. એક દિવસ પણ શાળાએ ન જનારા તીજનબાઈને બિલાસપુર યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટથી ય નવાજ્યાં છે.
બહુ જ નાની વયે શરૂ થયેલી તેમની આ કલાયાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ હોવાની સાથે સાથે એટલી જ પ્રેરક છે.
                                                                        ***
છત્તીસગઢના ગિનિયારી નામના ગામમાં ૧૯૫૬માં તીજનબાઈનો જન્મ થયો હતો. એ વખતે મોટાભાગની છોકરીઓને શાળાએ મોકલાતી નહીં એટલે તેમના નસીબમાં ય શાળાએ જવાનું લખ્યું નહોતું. તીજનબાઈ કહે છે : 'હમારે જમાને મેં લડકિયોં કો સ્કૂલ જાના અચ્છા નહીં માનતે થે. પરિવાર કે લોગ સોચતે થે કી ઐસે ભી સસૂરાલ જા કે ખાના હી બનાના હૈ, લકડિયાઁ પઢ લીખ કે ક્યા કરેગી? તો હમ કભી સ્કૂલ નહીં ગયે'.
એ સમયના રિવાજ પ્રમાણે ૧૨ વર્ષની વયે તેમના લગ્ન કરી દેવાયાં, પરંતુ તેમનો ઘર-સંસાર ચાલ્યો નહીં. કારણ કે તીજનબાઈ પાંડવાની પ્રસ્તુતિ કરતા હતાં એ તેમના સાસરિયામાં કોઈને ગમ્યું નહીં. તેની સજારૂપે જ્ઞાાતિએ તેમને નાત બહાર મૂકી દીધાં.
તેમણે જાતે નાનકડી ઝૂંપડી બાંધી. આડોશી-પાડોશીના સહકારથી તેમનું ગાડું ગબડવા લાગ્યું. આ ઘટનાએ તેમને પાંડવાની પ્રસ્તુતિ માટે વધુ બળ આપ્યું. કહો કે મનમાં એક વિદ્રોહ જાગ્યો.
એ વિદ્રોહ પેશન બનીને બહાર નીકળ્યો અને તેમણે ૧૩ વર્ષની વયે પહેલી વખત જાહેરમાં, બાજુનાં ગામ ચંદ્રખુરીમાં પાંડવાની ગાયન-નાટય શૈલીનું પર્ફોર્મન્સ આપ્યું. 'પાંડવાની' કથા બે રીતે રજૂ થાય છે - કાપાલિક અને વેદમતી. તીજનબાઈ કાપાલિક શૈલીમાં પ્રસ્તુતિ કરે છે.
જ્ઞાાતિ બહાર મૂકાયા પછી તેમણે સમગ્ર ધ્યાન પોતાની કળાની ધાર કાઢવામાં આપ્યું. દિવસે દિવસે તેમની કળા વધુ નીખરતી ગઈ. એ ઘટના પછી તીજનબાઈ ક્યારેય સાસરિયે ન ગયાં. પછી તો જ્ઞાાતિના પંચની હાજરીમાં પતિથી છૂટા થયા અને ફરીથી લગ્ન પણ કર્યાં. આજે ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના આ વહાલા દાદી દેશ-વિદેશમાં પાંડવાની રજૂઆત કરીને અસંખ્ય લોકોની દાદ મેળવે છે.
તીજનબાઈ આ કળા તેમના નાના બ્રજલાલજીને જોઈ-જોઈને શીખ્યા હતાં. બાળપણમાં તીજનબાઈ નાના પાસેથી આ કહાની સાંભળતા. પછી તો તેમને આ કથામાં બહુ રસ પડતો અને ધીમે ધીમે આખી કથા યાદ રહી ગઈ.
એકલા હોય ત્યારે કે બાળસખીઓ સામે તીજનબાઈ આ કથાની રજૂઆત કરતાં. તીજનબાઈનો અવાજ ખૂબ ઊંચો હોવાથી તેમને માઈકની ય જરૂર ન પડતી. ઊંચા-બુલંદ અવાજે જ્યારે તીજનબાઈ ભીમની પરાક્રમગાથા વર્ણવતાં ત્યારે દર્શકો એમાં રસ તરબોળ થઈ જતા.
આમ તેમણે ક્યાંય નાટય-સંગીતની તાલીમ લીધી ન હતી, પરંતુ તેમની જન્મજાત ટેલેન્ટને જોઈને ઉમેદસિંહ દેશમુખ જેવા નિષ્ણાતે તેમને ચહેરાના અભિનયની થોડીક આરંભિક ટેકનિક શીખવી હતી.
ત્રણ-ચાર વર્ષમાં તો તીજનબાઈ આસપાસના ગામડાંમાં જાણીતા કલાકાર થઈ ગયાં. કોઈ યુવતી પાંડવાની રજૂઆત કરતી હોય એ આસપાસના લોકો માટે નવી વાત હતી એટલે તેમના કાર્યક્રમમાં દર્શકો વધતા જતા હતા. બીજી તરફ તીજનબાઈની રજૂઆત, દૃશ્યો પ્રમાણે તેમના ચહેરાના બદલાતાં હાવભાવ, બુલંદ અવાજ, સંગીતની જન્મજાત સમજ જેવાં પાસાં દર્શકોમાં આકર્ષણ જગાવતાં હતાં. હાથમાં રહેલાં એકતારાનો ઉપયોગ પણ તીજનબાઈ અનોખી રીતે કરતાં.
જેમ કે, ભીમના પરાક્રમની કથા આવે ત્યારે એ એકતારાને ગદાનું પ્રતીક બનાવી દેતા. અર્જુનની કથા આવે ત્યારે એકતારો જ ધનૂષ હોય એવી સંજ્ઞાા કરતા. તો દ્રોપદીના વાળ ખેંચવાની કથા આવે ત્યારે એકતારાને દ્રોપદીના વાળ બનાવી દેતાં, તો ક્યારેક એકતારાને દુ:શાસનના હાથ બનાવી દેતાં. આ રીતે ચરિત્રચિત્રણ કરવાની તેમની રીત દર્શકોને એ વખતે ખૂબ પસંદ આવતી હતી.
તેમનો પહેલો મોટો બ્રેક મધ્યપ્રદેશના થીયેટરમાં મોટું નામ ગણાતા હબીબ તન્વીરે આપ્યો. હબીબ તન્વીરે તીજનબાઈનો એક કાર્યક્રમ જોયો અને તેમની રજૂઆતથી પ્રભાવિત થયાં. એ પછી હબીબ તન્વીરે તેમને મોટા મંચ ઉપર કળા રજૂ કરવાની તક આપી. એ તેમનાં જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, તે પછી તીજનબાઈ સતત નવી ઊંચાઈ સર કરતા જ ગયાં.
૧૦-૧૨ વર્ષમાં તેમણે એવી ઓળખ મેળવી લીધી કે ૧૯૮૦ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પાંડવાની રજૂઆત કરવાનું નિમંત્રણ આપ્યું. ૧૯૮૦-૯૦નો દશકો તેમની કળાના સન્માનનો દશકો બની રહ્યો. એ દશકામાં તેમને એક તરફ વિવિધ એવોર્ડ્સ મળતા હતા, તો બીજી તરફ દુનિયાભરમાં પોતાની કળા રજૂ કરવાની તક મળતી હતી.
છત્તીસગઢના નાનકડાં ગામડાંમાં ઉછરેલી, નાત બહાર મૂકાયેલી ૨૭-૨૮ વર્ષની યુવતીએ છત્તીસગઢની કળાને બ્રિટન, ફ્રાન્સ, સ્વિઝર્લેન્ડ, જર્મની, તૂર્કી, ટયૂનિશિયા, રોમાનિયા જેવા કેટલાંય દેશોમાં ન કેવળ પહોંચાડી, પણ અનેરું સન્માન અપાવ્યું.
જવાહરલાલ નહેરુના પુસ્તક આધારિત શ્યામ બેનેગલ દિગ્દર્શિત ટેલિવિઝન સીરિઝ ભારત એક ખોજમાં ય તેમને કળા રજૂ કરવાની તક મળી હતી.
તેમની દેખરેખ હેઠળ હવે તો પાંડવાની ગાયન-નાટય શૈલીના આ મહાભારતને નવાં કલાકારો મળ્યા છે. તીજનબાઈએ અથાક પ્રયાસો કરીને નવી જનરેશનને ય તૈયાર કરી છે, જે તીજનબાઈની પદ્ધતિ પ્રમાણે દર્શકો સમક્ષ ભારતવર્ષની આ ચિરંજીવી કથા રજૂ કરે છે.
                                                                        ***
આટ-આટલા સન્માનો પછી ય તીજનબાઈ પોતાને દેહાતી મહિલા ગણાવીને કહે છે : મંચ ઉપર હોઉં ત્યાં સુધી હું એક કલાકાર છું, પણ મંચથી નીચે ઉતર્યા પછી મને સેલિબ્રિટી કલાકાર હોવાનો ભાર રાખવો ગમતો નથી. મને બાળકો-વડીલો સૌને મળવું ગમે છે.
હું આજેય ગામડાંની મહિલા જ છું અને હંમેશા એવી જ રહેવા માગુ છું. વાસી ભાત અને ટમેટાની ચટણી જેવું સાદું ભોજન ખાઉં ત્યારે સંતોષ થાય છે. ઊંચ-નીચ જેવા જ્ઞાાતિના બંધનો દૂર કરવા જોઈએ. દીકરીઓને પૂરતું શિક્ષણ મળવું જોઈએ.
તેમની વિનમ્રતા અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છબી દર્શકોમાં હંમેશા પ્રશંસા પામે છે. ઘણી વખત મંચ ઉપરથી પોતાનો પરિચય આપતા તીજનબાઈ કહે છે : 'હમને ચોરી ભી કી હૈ બચપન મે. ખાને કે લીયે. દરવાજા ખીંચકર બચપન મે ખાના ખા લીયા કરતે થે, ફીર ભાઈ-બહેનો કે બીચ ભૂખા બન કે બૈઠે રહેતે થે. યે ચોરી થી હમારી. હમ મેં ભી હર કમી હે, લેકિન હા, મહાભારત કી કથા મે કોઈ કમી નહીં હે.'
૧૩ વર્ષની વયે જ્ઞાાતિમાંથી જાકારો મેળવનારી કિશોરીએ જગતભરમાં આવકાર મેળવ્યો. જ્ઞાાતિની જડ પરંપરા સામે સંઘર્ષ કરીને અસંખ્ય યુવતીઓને પ્રેરણા પૂરી પાડી છે. એક પ્રદેશની કળાને વિશ્વના તખ્તા ઉપર રજૂ કરીને અનોખું સન્માન અપાવનારા દેશમાં બહુ ઓછા કલાકારો છે અને એમાંનું એક નામ છે - તીજનબાઈ.
                                                                          ***
 
'પાંડવાની'નો હીરો ભીમ છે
છત્તીસગઢની આ લોકગાયન શૈલી પાંડવાનીમાં કથા તો મહાભારતની જ છે, પણ તેમાં હીરો ભીમ છે. કથા ભીમની આસપાસ ફરે છે અને વળી, ભીમના મનોરંજક વર્ણનો દર્શકોને બહુ પસંદ પડે છે. આ શૈલીની મહાભારતની કથા એમ તો મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ય ભજવાય છે. આદિવાસી વિસ્તારોમાં પાંડવાનીની કથા સદીઓથી ભજવાતી આવે છે.
કહેવાય છે કે ભીમના પરાક્રમને વર્ણવતી આ ગાયન-રજૂઆત શૈલી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવા વિસ્તારોમાં મહાભારતકાળથી જ પ્રચલિત છે. આદિવાસી કલાકારો પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખતા હતા. હવે બહુ ઓછા કલાકારો આ પદ્ધતિથી મહાભારતની કથા મંચ ઉપરથી રજૂ કરે છે.
પાંડવાની ગીત-નાટય શૈલી પુરુષો દ્વારા જ મંચ ઉપરથી રજૂ કરવાની પરંપરા હતી, મહિલાઓએ જો આ કથા રજૂ કરવાની હોય તો બેસીને ગાયનથી રજૂ કરવાની થતી. તેને પાંડવાની સંગીત-નાટય રજૂઆતમાં વેદમતી શૈલીની રજૂઆત કહેવાય છે. પણ તીજનબાઈએ આમાં નવો કેડો કંડાર્યો અને પુરુષો દ્વારા રજૂ થતી કાપાલિક શૈલી અપનાવી.
એ રીતે ગીત-નાટય શૈલી પાંડવાનીમાં કાપાલિક પદ્ધતિથી મહાભારત રજૂ કરનારાં તીજનબાઈ પ્રથમ મહિલા કલાકાર બન્યાં. પાંડવાનીમાં સ્હેજ નૃત્ય ઢબની રજૂઆતના થોડાંક મૌલિક ઉમેરણો સાથે તીજનબાઈએ તેમાં વધુ તાજગીનો સંચાર કર્યો છે.
તીજનબાઈથી પ્રેરિત થઈને ૧૯૮૦ પછી અન્ય મહિલા કલાકારો પણ પાંડવાનીની કથા મંચ ઉપર જીવંત કરતી થઈ છે. એમાં દર્શકોને ધ્યાનમાં રાખીને કલાકારોએ નૃત્ય જેવાં મનોરંજક પાસાને ય ઉમેર્યા છે. એકતારા કે તાનપુરાની મદદથી આ ગીત-નાટય શૈલી રજૂ થાય છે.
Sunday 3 February 2019
Posted by Harsh Meswania
Tag :

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -